ખુમારી-૧ - Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખુમારી-૧ -

          ઉનાળાના કાળઝાળ દિવસો હતાં. મધ્યાહ્ન બરાબરનો જામ્યો હતો. ભીષ્ણ તાપ વૃક્ષોના છાંયડે બેઠેલાઓનેય ઉકળાવીને અકળાવી રહ્યો હતો. આવી ગરમીમાં  પંખીઓ જેમ નીડમાં ભરાઈ પડ્યા હતાં એવી જ રીતે લોક ઘરમાં ને વળી ઓસરીમાં આડા પડ્યા હતાં. સોસાયટીમાં નીરવ શાંતિ પ્રસરી રહી હતી. ક્યાંકથી ખોટકાયેલ પંખાનો કીચૂડ કીચૂડ અવાજ કાને પડતો જણાતો હતો.
         એવામાં એ ઊકળતા બપોરે મારા ઘરની ખડકી ખખડી. એ સાથે જ મારી અને મારા બાળકની આંખ ઊઘડી. 
        ભરબપોરે નીંદ હરામ થતી જોઈ આંખ ચોળતો હું બહાર આવ્યો. મનમાં કંઈક ન સમજાય એમ બબડ્યોય ખરો.
       મેં  જોયું તો એક સ્ત્રી કેડમાં બાળક તેડીને કંઈક અમર આશ લઈને ઊભી હતી. માથા પર નાનકડું પોટલું હતું ને એક હાથમાં થેલી. આશાભરી આંખે એ મારો ચહેરો વાંચવા મથી  રહી. 
       ફેરિયા જેવી લાગતી એ સ્ત્રીને ભરબપોરે જાકારો આપતા જીભ ન ઊપડી. મે હળવેકથી જાળી ખોલી, સસ્મિત મીઠો આવકાર આપ્યો.
     એની ગરીબી ઉડીને આંખે વળગતી હતી. અશક્તતા એને ઘેરી વળી હતી, જાણે એ એના પર જુલમ કરી રહી હોય એમ જ.  ડિલે સહેંજ દૂબળી, વાને શ્યામ.  પરંતું દેખાવે જરા આકર્ષક. એના જીર્ણ છતાં સ્વચ્છ લૂગડાં મન મોહી લેતા હતાં. બાળકના શરીર પરનો રંગબેરંગી થીગડાથી મઢેલો સદરો અને થીગડાવાળી ચડ્ડી પણ ચોખ્ખાચણાક હતાં. એ સ્ત્રી સ્વચ્છતા બાબતે ઘણી સુઘડ હતી એ જોઈ આનંદ થયો.
      હું અકળામણથી પીસેલા હોઠે એના આગમનનો અણસાર પામવા મથી રહ્યો.
     એટલામાં હું પાણી લઈ આવ્યો. મે જોયું તો એનું બાળક મારા બાળકના રમકડા સાથે રમવામાં મશગૂલ હતું.  પેલી સ્ત્રી એ બાળકને જોઈ મનોમન હરખાતી, પોરસાતી જતી હતી. છતાંય હાથના ઈશારા વડે કૉરે આવી જવા જાણે ધમકીભરી વિનવણી કરી રહી હતી.
      " લો બેન, પાણી!" મે બાળક સામે જોતાં પ્યાલો ધર્યો.
     "ઓમ આવતી રે, બેટી. લે, પોણી આલું." કહીને સ્ત્રીએ એની થેલીમાંથી પ્યાલો કાઢ્યો.
     "બેટી" પરથી મને ખાતરી થઈ જ ગઈ કે એ બાળકી હતી. એના પર એની માં ના વાક્યોની કોઈ જ અસર ના થઈ. એ રમતમાં ઓતપ્રોત રહી.
      "ભલે રમતી, રમવા દો! આમેય આ રમકડાં હજું બીજા બાળકોને કામ આવ્યા જ નથી. મારો બાબો કોઈને રમવા આપતો જ નથી!"
      "સોકરાં તો એવા જ હોય, સાયબ." કહી એણે મારી તરફ એનો પ્યાલો ધર્યો, કહ્યું:"લો, પાણી આમાં રેડી દો."
     અસ્વસ્થ થતાં મે કહ્યું: "બેન, સીધું આ ગ્લાસમાં જ પી લ્યો."
     "ના, સાયબ!" એણે  નકારમાં માથું હલાવ્યું. કહ્યું:"હું તમને ક્યાં અભડાવું? સાયબ!"
મારી નજર બારણે પડી. મારો  બાબો બારણું ઝાલીને એના રમકડાંથી રમતી પેલી છોકરીને જોઈ રહ્યો હતો.
મને ચિંતા થઈ. હાલ જ આ બંને વચ્ચે ઝપાઝપી થવાની! કિન્તું ઈશ્વર કૃપા, કશું જ બન્યું નહી. મારો બાબલો એ બાળકીની પાસે જઈને ગુમસૂમ બેસી ગયો. એના વર્તને મને નવાઈથી નવડાવ્યો. એ ઊંઘમાંથી ઊઠ્યો એટલે કે પછી અન્ય કોઈ કારણોસર એણે રમકડા આંચક્યા નહીં. હું ખાસ કંઈ જાણી શક્યો નહી.
"અરે બેન! જમાનો બદલાઈ ગયો! હવે આવું કશું જ રાખવાનું ના હોય; લો, પી લ્યો!"
એ મને ટગર ટગર માત્ર જોઈ રહી. કોઈ પ્રતિક્રિયા વિના જ.
"બેન, આભડછેટની પીડા મેં ભોગવી છે, અનુભવી છે અને ભોગવું છું. માટે તમને એ પીડાનો અનુભવ કરાવવા  નથી ઈચ્છતો. લોકો અમારી આભડછેટ રાખે છે, અમે તમારી રાખીશું તો પછી આ ભયંકર ત્રાસવાદી દૂષણ ક્યારે અટકશે? જાતિભેદ અને અસમાનતાના આ મહાદાનવને આપણે સહિયારા પ્રયત્નોથી ડામીને દેશવટે મૂકવો જોઈએ. તમારે એમાં સંપૂર્ણ સહયોગ કરવો જોઈએ."
હું આગળ કંઈ બોલું એ પહેલા જ મારી મક્કમતા જોઈ એ સ્ત્રીએ લાચારીસહ મારા કરમાંહેથી હળવે રહી પ્યાલો સરકાવી લીધો. એનું હૈયું હરખાતું હતું અને વદન કચવાતું હતું એ હું જોઈ રહ્યો.
પાણી પીને એણે પોટલું ખોલ્યું. માંહેથી ખાટલાના પાયાની નીચે અને ધાતુના ડબ્બાની નીચે લગાવવાના દટ્ટા કાઢ્યા. કહેવા લાગી: "લો, સાહેબ આ દટ્ટા! સારા જોઈને, માપીને લઈ લો!"
"ના... નથી લેવાના હો! તમને કેમની ખબર પડી કે અમારે દટ્ટાની જરૂર છે?"  ખાટલા તરફ જોઈ મેં કહ્યું.
"અરે સાયબ! આ જુઓને!" ભીંતને અઢેલીને ઊભેલા હારબંધ ખાટલા તરફ આંગળી ચીંધતી એ બોલી: "આ જુઓ, એકેય ખાટલાને દટ્ટા જ ક્યાં છે!" કહેતી એ ખુદ પાયાનું માપ કાઢવા લાગી.
હું અચકાયો. એની જબરજસ્તી મને ખૂંચી.
"પરંતું બેન! અમે એ ખાટલાનો ઉપયોગ જ નથી કરતા, તો પછી દટ્ટા લગાવવાની જરૂર જ ક્યાં છે!"
"અરે, રાખી લો સાયબ! આપણા બંનેનું કામ થઈ જશે!"
એની મીઠી કાકલુદીભરી જબરજસ્તી સાંભળી મને જબરૂ કૂતુહલ થયું.
દરમિયાન મે જોયું તો બાળકી ભૂખી થઈ હોય એમ ત્વરાએ આવીને એની માં ની છાતીએ વળગી. ઘડીક છાતીએ વળગે ને પળમાં જ રડતી- રડતી એ છોડી મૂકે. એ સ્ત્રી એના વાંસે હાથ ફેરવતી સાંત્વના આપ્યે જાય.
ભૂખથી તરફડતી એ બાળકી પર મને તીવ્ર અનુકંપા વછૂટી. મારૂ બાળક માત્ર અકારણ જ રડે તોય મારૂ કાળજુ  ચિરાઈ જાય છે, તો આ બેબી તો ભૂખથી ક્રંદન કરી રહી હતી. મારૂ બાળક આમ રડે તો હું કેવા કેવા વાના કરૂં! એ ખયાલ ઊઠ્યો. ને એ સાથે જ મે ખીસ્સામાંથી વીસ રૂપિયાની નોટ કાઢીને એની સામે ધરી.
કહ્યું; "લો બેન, બાળકીને કંઈક ખવડાવજો."
ને એ સાથે જ એ છંછેડાઈ! જાણે એની આબરૂની મે ફજેતી ઉડાવી હોય એમ જ. મનોભાવ બદલતી એ કહે:" ના, સાયબ ના હો! ભીખ કે દયા ન જોઈએ મને! અમે મા-દીકરી નિરાધાર જરૂર છીએ પરંતું ભીખની હકદાર જરાયે નથી હો!"
એણે અતીત ખોદવા માંડ્યો. કહે:"સાયબ, ગરીબ જરૂર છું. લાચાર જરાયે નથી. ભૂખ પોસાસે કિન્તું ભીખ કે દયા હરગિજ નહીં. અમ જેવા ખમીરવંતા રાંકને દુનિયાદારીથી દયાની નહિ, હમદર્દની જરૂર છે. અને હાં, સુખેથી બે ટંકના રોટલા રળી લેવાની આબરૂદાર ત્રેવડ છે મારામાં. કિન્તું  આ બાળકીને ખાતર એ કરી શકતી નથી  એ મારી મજબૂરી છે. એટલે જ આમ દર દર ભટકીને પેટપૂજા કરવી પડે છે."

ક્મશ: