સેટેલાઇટ વિસ્તારમાં આવેલા મોકા કેફે પર અર્ઝાન એની ફ્રેન્ડ યુવિકા સાથે બેઠો છે. આવતીકાલે અર્ઝાને લંડન પરત ફરવાનું છે. યુવિકાના કહેવાથી અર્ઝાને ઇન્ડિયા સાહિત્યનો એ કાર્યક્રમ અટેન્ડ કરવાનું નક્કી કરેલું. અર્ઝાન અને યુવિકા સારા મિત્રો છે.
યુવિકા એક નામચીન બિઝનેસમેન પારસ પટેલની દીકરી છે. યુવિકાની મમ્મી પૂજા અને અર્ઝાનના પિતા ઈરફાન ખુબ જ સારા મિત્રો હતા. અર્ઝાન અને યુવિકાની મિત્રતા માટે એમના મમ્મી-પપ્પા જ જવાબદાર છે. બંને નાના હતા ત્યારથી એમના પરિવારો વચ્ચે મુલાકાત થતી અને બંને મિત્રો બનતા ગયા. અર્ઝાનના પિતાને લાગ્યું કે અર્ઝાનની સારી પરવરીશ માટે અને પોતાના સિક્યોર ફ્યુચર માટે એમણે ઇંગ્લેન્ડમાં મુવ થવું જોઈએ એટલે લગભગ દસ એક વર્ષ પહેલા જ ઈરફાન એના પરિવાર સાથે ત્યાં સેટલ થયો અને અર્ઝાન મોટો થતો ગયો. ક્યારેક યુવિકાનો પરિવાર લંડન જતો તો ક્યારેક અર્ઝાનનો પરિવાર ઇન્ડિયા આવતો.
"યુવિકા, જણે જીવન ફાસ્ટ ફોરવર્ડ રીતે આગળ વધી રહ્યું છે. એમ નથી લાગતું?" મોકા કેફેમાં બેઠા બેઠા એક કોફીની સીપ લેતા અર્ઝાન બોલ્યો.
"હા, અર્ઝાન બહુ ફાસ્ટ ચાલી રહી છે જિંદગી.. તું અઠવાડિયા પહેલા આવ્યો અને હવે નીકળી પણ જઈશ. સરખી વાત પણ નથી થઇ શકી. જણે હમણાં બે કલાક પહેલા જ તું ઇન્ડિયા આવ્યો હોય એવું લાગે છે."
"હા, યુવિકા હું માફી ચાહું છું કે આ વખતે તમારે ત્યાં ન રોકાયો અને મારા મામાને ત્યાં રોકાયો.."
"એની માફી તો તને નહીં જ મળે.. તું એક તો બે વર્ષ પછી મને મળ્યો અને એમાં પણ આવું?"
"જાણું છું તું નારાજ છે. એટલે જ આજે બધું કામ મૂકીને તને અહીં મળવા બોલાવી છે. તું તારા મનની બધી જ ભડાસ કાઢી શકે.."
"હું શું ભડાસ કાઢવાની અર્ઝાન. આપણે બાળપણથી મિત્રો છીએ. હવે તો મારે પણ એટલું કામ રહે છે કે ના કોઈ વેકેશન મળે ના ખાસ રજા પાડી શકું. જો એવું હોત તો કહ્યા વગર જ લંડન આવી જાત. મિસ્બાહ આંટી મને દીકરીની જેમ જ સમજે છે."
"હા, મારા મોમ હંમેશા તારા વખાણ જ કરે છે. તને ખબર છે એ મને ક્યારેક કહે છે. યુવિકા તારાથી બે વર્ષ નાની છે પણ એ તારાથી વધુ મચ્યોર છે."
"હા, એ તો મારી જ ફેવર કરવાના. હજી મેં એમને ફોન કરીને નથી કહ્યું કે અર્ઝાન એક વીકમાં ફક્ત મને એ સાહિત્યના પ્રોગ્રામમાં મળ્યો અને આજે અહીં બસ.."
"હા, યાર તું કહેતી નઈ નહિતર મને ખુબ જ સાંભળવું પડશે.."
"અર્ઝાન એક સવાલ પૂછું? ખોટું ન લગાડે તો.." યુવિકાએ બ્લુ લગુન મોકટેલની એક સીપ લઇને અર્ઝાનના ચહેરાના એક્સપ્રેશન નોટ કરતા પૂછ્યું.
"અરે! તું આવી પરમિશન લેતી ક્યારેથી થઇ ગઈ? આટલા વર્ષોમાં મેં તારી કોઈ વાતનું ખોટું લગાડ્યું છે ખરું?"
"ના, તો પણ વાત થોડી અજીબ છે એટલે.."
"અરે! બિન્દાસ પૂછી નાખ યાર.."
"તું લંડનમાં મને ક્યારેય મિસ કરે..?" આટલું કહીને યુવિકાની આંખો શરમ ભર્યા ચહેરાથી ઝૂકી ગઈ. અર્ઝાન એની સામે જોઈ રહ્યો. અર્ઝાને લાગ્યું કે આ સવાલ મસ્તીમાં તો નથી જ. થોડીવાર પોઝ લઇ અર્ઝાન બોલ્યો.
"જો હું તને એ જ સવાલ પૂછું તો?"
"પહેલા મેં પૂછ્યો. એટલે જવાબ તારે જ આપવાનો.." યુવિકાએ નીચે નજર રાખીને જ પ્રત્યુત્તર આપ્યો.
"જો હું તને જવાબ આપીશ પણ એ પહેલા એક્વાત ક્લીઅર કરી દઉ. આપણે નાનપણથી સારા મિત્રો છીએ ને આજીવન રહીશું. આપણે કોઈ કોલેજ ફ્રેન્ડ કે ક્લાસમેટ નથી મળ્યા. આપણાં બન્નેના પરિવાર એકબીજાને સારી રીતે ઓળખે છે. બંને ને એકબીજાના પરિવાર વિશે બધી જ વાતો ખબર છે. આપણે અહીં મળ્યા છીએ એ પણ આપણે મમ્મી પપ્પાને કહી શકીએ છીએ. નાનપણથી લઈને અત્યાર સુધી હું મારી બેસ્ટ ફ્રેડ જેને કહી શકું એ તું જ છે. મારી કોઈપણ તકલીફની વાત હોય કે પછી મારી ખુશીઓનું સેલિબ્રેશન હું બધું જ તારી સાથે શેર કરતો હોઉં છું. હા , હમણાં થોડા કામમાં વ્યસ્ત હોવાથી એટલી વાત નથી થતી પણ મમ્મી પપ્પા તારા સમાચાર સવારે ચા-નાસ્તો કરતા કરતા આપી જ દે છે. અને હું એ પણ જાણું છું કે પૂજા માસી પણ તને મારા સમાચાર આપી જ દેતા હશે.."
"હા, અર્ઝાન તે કહ્યું એ તદ્દન સાચું છે. પણ હજી મને મારા સવાલનો જવાબ નથી મળ્યો."
"તો યુવિકા એનો જવાબ એ જ છે કે બંનેના પરિવાર એકબીજા પરિવારને એટલા યાદ કરે તો અફકોર્સ હું પણ તને યાદ કરતો જ હોઉં ને. પણ હા એક સાચા, સારા મિત્ર તરીકે.."
"સમજી ગઈ અર્ઝાન. તારે સાચા, સારા મિત્ર જેવા વિશ્લેષણ આપવાની જરૂર નથી. મેં બસ એટલે જ પૂછ્યું કે કદાચ તને લંડનમાં કોઈ મિત્ર મળી ગઈ હોય અને તને મારી કમી ન ખલતી હોય.."
"એવું બને જ નઈ યુવિકા. હું રહું છું લંડનમાં પણ દિલ હિન્દુસ્તાની જ છે. એમાંય મને ગુજરાતની માટી, સંસ્કૃતિ, માયા હૈયે બંધાયેલી છે. હું ક્યાંય પણ જઈશ અહીંની વસ્તુઓ, વ્યક્તિઓ અને રહેણીકેણીને ન તો ભૂલીસ ન પરિવારમાં કોઈને ભૂલવા દઈશ.." યુવિકા અર્ઝાનના શબ્દે શબ્દને બખૂબી સાંભળી રહી હતી. એને મહેસુસ કરી રહી હતી. જણે એના સવાલમાં આજે એના હૈયાંના કોઈ એક ખૂણામાં જે પ્રણયની કૂપણ ફૂટી હતી એની મહેક આવી હતી. અર્ઝાને પણ એ સવાલમાં એની ખુશ્બુ મહેસુસ થઇ હતી. પણ આ પંથે એ જવા ન માંગતો હતો એટલે એને યુવિકાને સ્પષ્ટ રીતે જવાબ આપી કોઈ બીજા એન્ગલમાં ન વિચારે એ માટે આડકતરી રીતે સમજાવી.
"અર્ઝાન તો કાલે કેટલા વાગ્યાની ફ્લાઇટ છે?" યુવિકાએ ટોપિક બદલતા કહ્યું.
"સવારે ચાર વાગ્યાની.." અર્ઝાન પણ એના અંદાજને સમજીને ટોપિક માંથી બહાર આવતા બોલ્યો.
"ઓકે, હવે પાછો ક્યારે આવીશ?"
"પાછો! હમમમ તું કોઈ સાહિત્યનો પ્રોગ્રામ કર. મને ત્યાં ફુરસ્ત મળશે તો આવી જઈશ.."
"ફુરસ્ત?? અચ્છા તો હવે તમને બોલાવવા તમારી ફુરસ્ત ને પણ બોલાવી પડશે એમ મહાશય?"
"ના.. ના.. મસ્તી કરું છું ડિયર.. આવી જઈશ. ઇન્સાઅલ્લાહ વર્ષમાં એક-બે વાર તો મારી ફ્રેન્ડ માટે આવી જ શકું. અને મને ગુજરાત બહુ યાદ આવે છે એટલે હું મોકો શોધતો જ હોઉં.."
"હમ્મ, સારું ચાલ તો હવે ચાર એક મહિના પછી દુબઇમાં એક પ્રોગ્રામ કરવાની ઈચ્છા છે. આજકાલ ત્યાં પણ ખુબ જ ગુજરાતીઓ થઇ ગયા છે. પ્રોફિટ પણ સારો છે. જો થશે પ્રોગ્રામ તો તને ચોક્કસ કઈશ. તારે આવવું જ પડશે..."
"સ્યોર હું આવી જઈશ... તારી ઇવેન્ટ મેનેજમેન્ટ સ્કિલ્સ બહુ જ સરસ છે. દુબઇમાં પણ પ્રોગ્રામ થઇ જ જશે.."
"બસ, ભગવાનને પ્રેય કરું છું કે થઇ જાય. અહીં લોકલ ઇવેન્ટસ જ કરી છે મેં હવે ઈચ્છા છે ઈન્ટરનેશનલ કરું."
"થઇ જશે.. એટલું ન વિચાર.."
"બાય ધ વે ટેરો શું પ્લાન છે આગળ?"
"બસ જો એક્ટિંગમાં જવું છે આગળ. પપ્પાની પણ એજ વિશ છે, મને પણ શોખ છે..."
"સારું છે. પણ સ્ટ્રગલ બહુ થશે.. "
"અરે! એના માટે તો તૈયાર જ છું.."
"બસ તો થઇ જશે.. ટેન્શન નઈ લેવાનું.."
"હમ્મ.. તો હવે રજા લઉં?" અર્ઝાને મોબાઈલમાં સમય જોતા કહ્યું
"સારું, તારે પેકિંગ બાકી હશે નઈ?"
"હા, પેકિંગ બાકી છે અને મમ્મીએ બીજા બે રિલેટિવને ત્યાં જવાનું પણ કહ્યું છે.."
"ઓકે, ઓકે તો નીકળીએ. પછી બહુ જલ્દી મળીશું.." કહીને યુવિકા ઉભી થઇ. અર્ઝાન પણ ઉભો થયો. બંનેએ એકબીજાને હગ આપી અને બંને મિત્રો વર્ષો માટે છુટા પડતા હોય એ રીતે આંખના ખુણાઓમાં ભિનાશ સાથે કઠણ હૈયે વિદાય લઇ બન્ને પોતાની કાર લઈને ઘરે રવાના થયા.
રાત્રે બે વાગે અર્ઝાન પોતાના મામાને ત્યાંથી અહમેદાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રવાના થયો. રાત્રે ૨:૪૫ એ અર્ઝાન એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે યુવિકાનો ફોન આવ્યો.
"હેલ્લો અર્ઝાન.. ક્યાં છે?"
"બસ, જો એરપોર્ટ પર પહોંચ્યો.."
"ઓહ, સાચવીને જજે. ઈરફાન અંકલ અને મિસ્બાહ આંટીને મારા સલામ કહેજે. કઈ પણ અહીંનું કામ હોય તો ફોન પર જ કહી દેજે ને હું દુબઇ ઇવેન્ટ કરું તો કોઈ બહાનું કાઢ્યા વગર આવી જજે.."
"હા, ચોક્કસ યુવિકા. બધાને સલામ આપીશ. કઈ પણ કામ હશે તો બિન્દાસ કહીશ. પૂજા માસી અને પારસ અંકલને મારા વતી પ્રણામ કહેજે. ખુશ રહેજે. કઈ પણ દુવિધા લાગે તો બિન્દાસ અડધી રાત્રે કોલ કરજે અને હા, મારા માટે આટલી મોડી રાત સુધી જાગવા બદલ ખુબ ખુબ આભાર.."
"એ! આભાર વાડી.. યાદ છે બાળપણની પેલી વાત?"
"હા બિલકુલ યાદ છે. હું મારુ આભાર પાછું લઉ છું. અને તારી એક ડેરિમિલ્ક ચડી.." અર્ઝાન બાળપણની પોતાની શરત કે બે માથી જે સોરી-થેન્ક્સ ફોર્મલિટી માટે બોલે એને એક ડેરિમિલ્ક ખવડાવવાની યાદ કરતા બોલ્યો.
બંને હસતા હસતા ફોન પર વિદાય લીધી. અર્ઝાન એન્ટ્રી ગેટ પરથી થઈને એરપોર્ટમાં પ્રવેશ્યો. બોર્ડિંગ પાસ લઈને ફ્લાઇટની વેઈટ કરી રહ્યો. થોડીવારમાં ફ્લાઇટ આવી અને અર્ઝાન ફ્લાઇટમાં બેસી પોતાના ઘરે લંડન રવાના થયો.