2018ની શ્રેષ્ઠ 10 હિન્દી ફિલ્મો Divyansh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

2018ની શ્રેષ્ઠ 10 હિન્દી ફિલ્મો

 2018ની શ્રેષ્ઠ 10 હિન્દી ફિલ્મો- 

2018નું વર્ષ હિન્દી સિનેમા માટે ફળદાયક રહ્યું કહેવાય. ઘણું. સતત સારી ફિલ્મો આવી. અને સારી ફિલ્મો અમુક અપવાદ બાદ કરતાં ચાલી પણ ખરી. લોકો ય અલગ અલગ કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો વધુ સ્વીકારતા થયા. એક એવું અપવાદજનક વર્ષ આ રહ્યું કે ચોક્ક્સ દસ ફિલ્મો પસંદ કરવામાં કોઈ ફિલ્મને અન્યાય તો નથી થઈ રહ્યો ને એમ વિચારવું પડે અને લિસ્ટમાં આવવા ફિલ્મો વધી પડે! (એટલે અમુક સ્થાન પર બે ફિલ્મો છે.) છતાંય મને ગમેલી શ્રેષ્ઠ 10 હિન્દી ફિલ્મોની યાદી બનાવી છે. જુઓ તો! 

#10. સોનુ કે ટીટુ કી સ્વીટી 
એકદમ હટકે અને કરન્ટ કોન્સેપ્ટ. પ્લસ મનોરંજક આઈ મીન લવરંજક માવજત. ઉભડક રીતે જોતા ય ફિલ્મ મનોરંજન કરાવે જ પણ બારીકાઈથી જોઈએ તો અંદર સંબંધોમાં રમાતુ પોલીટિક્સ જે સ્માર્ટનેસ સાથે બતાવ્યું છે એ દેખાય. યુવાનોની એવી વાત હતી જે હજી સુધી ખુલીને કરવામાં આવી નહોતી, જે આ મુવી સાથે કરાઈ અને એમણે મુવી સ્વીકારી લીધી. લવ રંજનની ઓબ્ઝર્વેશન અને ઇમ્પ્લીમેન્ટેશન સ્કીલ્સ દાદ દેવા લાયક. 

#10. ઝીરો 
સિનેમાના ફોર્મેટથી કેવું મેજીક રચી શકાય એનો પેશનેટ પ્રયાસ. ક્યાંક સમજવા માટે ઓડિયન્સ માટે અઘરી હતી. પણ ડિરેકટરે તો વાર્તા સાવ શરૂઆતથી જ પાટે ચડાવી દીધી હતી. ફિલ્મ બઉઆની પર્સનલ જર્ની હતી,  જે દરેક હ્યુમન સાથે ક્યાંક ને ક્યાંક કનેક્ટ થાય. જેની સ્ક્રીપ્ટ વાંચવી ગમે એવી અને વધુ ઊંડા ઉતરવાની જેમાં સતત જગ્યા હોય એવી ફિલ્મ આ હતી. વધુમાં શાહરુખનું પેશન નીતરતું પરફોર્મન્સ. 

#9. સ્ત્રી 
સરસ રૂપકો સાથેની મનોરંજક ફિલ્મ. એક સારો અને સૂચક મેસેજ કહેવા માટે એ મેસેજની આસપાસ કઈ રીતે મનોરંજક વાર્તા રચી શકાય એ શીખવા જેવી રિવર્સ એન્જીનિયર્ડ ફિલ્મ :p 

#8. મિત્રો
જેકી ભગનાનીની વધુ એક સારી ફિલ્મ. હાલના યુથનું બહુ સાચું નિરૂપણ. અમુક સચોટ ઓબ્ઝર્વેશન્સ. રિમેક હોવા છતાં પોતાની ફ્લેવર અને પેશનેટ માવજત સાથેની ફિલ્મ. વારંવાર ટાઈમપાસ માટે પણ જોવાની ગમે એવી ફિલ્મ. 

#7. પરી
હોરર જોનરમાં રેર કહી શકાય એવી સ્ટ્રોંગ ભારતીય ફિલ્મ. ભારતીય પર જોર એટલે કે આ વિષય પર આપણી પાસે મબલખ વાર્તાઓ છે પણ હજી આપણે બ્રિટિશ-અમેરિકન- ક્રિશ્ચિયન હોરરથી પ્રભાવિત થઈને જ હોરર બનાવીએ છીએ. આ ફિલ્મ એમાં અલગ હતી. અને સ્વતંત્ર રીતે પણ મજબૂત ફિલ્મ હતી. વધુમાં પ્રોડક્શનની બાબતે યુનિક ચોઇસીસ રાખતી અનુષ્કા શર્માનું મસ્ત પરફોર્મન્સ. 

#6. રાઝી
અંત સુધી જકડી રાખે એવી આલિયા ભટ્ટ ફિલ્મ. સોલો હિરોઇન સાથેની આવી કન્ટેન્ટ ડ્રિવન ફિલ્મ 100 કરોડ કમાય એટલે મજા આવે. છતાં ફિલ્મનો અંત ઘણા લોકો સમજી શક્યા નથી એવું મને લાગે છે. (સ્પોઇલર) રિયલ લાઈફ પર આધારિત આ ફિલ્મમાં પપ્પાના સ્થાને અચાનક ગોઠવાતી સહેમત ખાન નવા કે કહો ફ્રેશ દ્રષ્ટિકોણથી શરૂઆતમાં દેશભક્તિને જુએ છે. દેશની સુરક્ષા માટેની પપ્પાની ઈચ્છાને સમર્પિત થઈને સતત ભારત અને પાકિસ્તાનમાં આકરી પરીક્ષાઓ પાર કરે છે. પણ છેવટે એના પતિના(ભલે એને અમુક નાટકનો જ પતિ ગણે) મૃત્યુ વખતે એને આ બધાની જે નિરર્થકતા સમજાય છે એ ડિરેકટરનો આ ફિલ્મ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લાગ્યો. જે કોઈએ બહુ ડિસ્કસ કર્યો જ નહીં. 

#5. દાસ દેવ
એકદમ રાપચીક એડપ્ટેશન ઓફ દેવદાસ. એમાં ય ચંદ્રમુખીનું પાત્ર જે રીતે ફિટ કર્યું છે અને ઘડ્યું છે એ બદલ લેખકને સ્ટેન્ડિંગ ઓવેશન આપવું ઘટે. અદિતિ એમાં પરફેકટ. ફિલ્મનો હીરો રાહુલ ભટ્ટ 'અગ્લિ'થી જ ગમી ગયેલો. રિચા ચડ્ડાનું પરફોર્મન્સ અંડરવ્હેલમિંગ લાગ્યું. પણ ફરીથી, જે રીતે દેવદાસની ક્લાસિક વાર્તા સાથે હાલના પોલિટિક્સને સાંકળીને સુધીર ભાઈએ વાર્તા અને પાત્રો ઘડ્યા છે એ જલસાદાયક છે. ;) 

#5. પટાખા
આ ફિલ્મ એક રીતે સુનિલ ગ્રોવરની ફિલ્મ હતી. અદભુત પાત્ર અને ગજબ એક્ટિંગ. એ સિવાય બીજા દરેક એક્ટર્સ ય બેસ્ટ. ભારતીય વાર્તા. ભારતીય માવજત. ઈર્ષ્યા ઉપર આવી વાર્તા બીજો કોઈ દેશ ન બનાવી શકે એમ મને લાગે છે. 

#4. ટાઈગર્સ
આ મૂળ 2014ની ફિલ્મ છે. પણ 2018માં રિલીઝ થઈ. એ ય ડિજિટલ પ્લેટફોર્મ પર. ફિલ્મની રિલીઝ વારંવાર લંબાઈ અને છેલ્લે થિયેટરમાં રિલીઝ ન જ થઈ એ બાબત ફિલ્મની મૂળ સત્ય ઘટના આધારિત વાર્તા સાથે પોએટીકલી સામ્યતા ધરાવે છે. સામાજિક સમસ્યા ઉઠાવતી અને અલ્ટીમેટલી પર્સનલ સ્વાર્થ છોડી સમષ્ટિ માટેના સમર્પણની આ સત્ય વાર્તા મને ઘણી ગમી. મારા મતે ઇમરાન હાશ્મીએ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આમાં આપ્યું છે. બેટર ધેન શાંઘાઈ. શટલ એન્ડ ઇફેક્ટિવ એક્ટિંગ. ફિલ્મ ડોક્યુમેન્ટરી જેવી ન બની જાય એ માટે ઓસ્કાર વિનર વિદેશી ડાયરેક્ટરે દેશી જિંદગીને ભાવવાહી રીતે કેપ્ચર કરી છે. લાંબા સમય સુધી યાદ રહી જાય એવી ફિલ્મ આ બની છે. 

#4. મુક્કાબાઝ
ધાંય ધાંય ધાંય...અનુરાગ કશ્યપ કી ધાંય ધાંય ધાંય. જબરજસ્ત ઉથલપાથલ ફિલ્મ. રિયલ મુદ્દાઓને ઉઠાવતો બોરિંગ નહીં એવો મનોરંજક મુક્કો. 100% શુદ્ધ દેશી કશ્યપી બોક્સિંગ. 

#3. તુંબાડ
હાડોહાડ ભારતીય વાર્તા. ફરીથી, લાલચ જેવા વિષય પર બીજો કોઈ દેશ આવી ફિલ્મ ન બનાવી શકે. સિનેમા પ્રત્યે જેની રગરગમાં પેશન ભર્યું હોય એ જ આવી ફિલ્મ બનાવી શકે. આવી ગ્રાન્ડ ફિલ્મ જે રીતે વિચારીને એક્ઝિક્યુટ કરી છે એ બદલ ડિરેકટરને સલામ આપવી પડે. એક્ટિંગ, સાઉન્ડ, વિઝ્યુઅલ, સ્ટોરી બધું જ મસ્ત. કમ્પ્લીટ સિનેમા એક્સપિરિયન્સ. 

#2. બાયોસ્કોપવાલા
સિનેમાને જો મેજીક ગણવામાં આવે છે તો એ મેજીક કેમ છે એ જાણવું હોય તો અચૂક જોવાની હોય એવી અત્યંત સુંદર ફિલ્મ. કાબુલીવાલા પર આધારિત આ મૂવીમાં દુખિયારાના જિન વાલેજીન અને કોઝેટ ય મને દેખાયા. સિનેમા માટે પેશનેટ દરેક મુવી લવર્સને ખૂબ ગમે એવી સંવેદનશીલ ફિલ્મ. 

#1. અંધાધૂન
ઓબવીયસ ચોઇસ. માસ્ટરફૂલ સ્ક્રિપ્ટ સાથેની આ અફલાતૂન ફિલ્મ ઘણા વર્ષે ક્યારેક આવે એવી રેર ફિલ્મ છે. આ ફિલ્મ સિનેમાઘરોમાં ચાલતી હતી ત્યારે તેમાંની મોટાભાગની સીટોની જગ્યા ખાલી હતી છતાં આ ફિલ્મ સુપરહિટ ગઈ હતી. કહેવાય છે કે બેઠકના મિનિમમ ક્ષેત્રનો ઉપયોગ કરીને કઈ રીતે બેસી શકાય એ માટેની લશ્કરી તાલીમ લેવા ચોક્ક્સ લોકો ફિલ્મ નહીં પણ ઓડિયન્સનું ઓબ્ઝર્વેશન કરવા આવતા. તો ફિલ્મના ટોટલ ટ્વિસ્ટ ગણવા માટે ખાસ ગૂગલના સુપર કમ્યુટર્સ રોકાયા હતા. હજી ગણતરી ચાલે છે. 

#ઓનરેબલ મેનશન્સ - ઓક્ટોબર, કારવાં, બાઝાર, બધાઈ હો, વોડકા ડાયરીઝ, બ્લેકમેઈલ. 

ઇરફાનની બે ફિલ્મોમાં બ્લેકમેઈલ મજાની બ્લેક કોમેડી હતી. તો કારવાં સરળ અને સરસ સ્લાઈસ ઓફ લાઈફ, જર્ની મુવી. દેશી શટર આઇલેન્ડ એવી વોડકા ડાયરીઝમાં ભૂલો હતી પણ પેશનેટ પ્રયાસ હતો. બાઝાર લોકોને સમજાય એ માટે થોડી લાઉડ રાખેલી સારી ફિલ્મ હતી. પણ ફિલ્મના બે મહત્વના ટ્વિસ્ટ કે રહસ્ય મેં પહેલા જ પ્રિડીક્ટ કરી લીધેલા. બધાઈ હો નો કોન્સેપટ નવીન હતો, જોવામાં પણ મજા આવે પણ સ્ટોરી એક હદ પછી હતી જ નહીં! અને છેવટે 'ઓક્ટોબર'. સારી ફિલ્મ. ઇન્તેજાર અને માસૂમિયતને દર્શાવવાનો સરસ પ્રયાસ. પણ આ ફિલ્મ હજી ઘણી સારી થઈ શકી હોત. ઝીણા ઓબ્ઝર્વેશન્સનો અભાવ લાગ્યો. એટલે એક હદ પછી ફ્લેટ ફિલ્મ લાગે. સમર્પણ કે ઇન્તેજાર જેવા અલ્ટીમેટ વિષય પર ઊંડી ફિલ્મ બની જ શકે. શુજીત સરકારની બાકીની ફિલ્મોની જેમ મને આમાં કંઈક ખૂટતું લાગ્યું. 

#જોવાની બાકી હોય એવી ફિલ્મો - લવ સોનિયા, મનમરજીયાં, મુલ્ક 

છેલ્લે એટલું જ કે, ટોપ સ્પોટ અંધાધૂન માટે ફિક્સ છે પણ નમ્બર બે થી પાંચમાં રહેલી ફિલ્મોના સ્થાનની અદલાબદલી અંદરોઅંદર કરો તોય બહુ ફેર ન પડે. બધી જ ઉત્તમ ફિલ્મો છે. 

તો બોલો, મેજીક ઓફ સિનેમા કી...... ??