Picnic with PCA books and stories free download online pdf in Gujarati

પીકનિક વિથ PCA

ચલો, વર્ષની શરૂઆત જ પીકનીકથી થઈ! અને આનાથી વધુ સારી શરૂઆત કોઈ હોય શકે ખરી!


પીકનીક પર તો ઘણીવાર જતા હોઈએ, પણ આ પીકનીક મારા માટે કંઈક અલગ જ હતી. કારણ કે, આ પહેલી એવી પીકનીક હતી કે, જેમાં હું સ્ટુડન્ટ નહોતી, અને ફેકલ્ટી પણ નહોતી જ! તો હતી શું? હું હતી "પટેલ કોમર્સ એકેડમી" એટલે કે, પોરબંદરની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ PCAના ફેકલ્ટી કિશન બદીયાણી અને વિરલ ચાવડાની ફ્રેન્ડ! ('સર' લખવાની જરૂર મારે નથી!) જો કે, ધવલ સરની પણ ફ્રેન્ડ તો ખરી જ, પણ FB ફ્રેન્ડ એટલે રૂબરૂ ક્યારેય મળી ન હતી.


1 જાન્યુઆરી, 2019ના દિવસે જ કિશનનો મેસેજ આવ્યો, "5th ના પીકનીક છે, અમે રાજકોટ આવીએ છીએ, બાલાજી વેફર્સ પ્લાન્ટ, તારે પણ સાથે આવવાનું છે." અને મને તો જાણે 'ભાવતું હતું ને વૈધે કીધું' એવી ફીલિંગ થઈ! એ જ સેકન્ડે મેં હા પાડી દીધી. 


હજુ તો હમણાં જ 'Fun Street' ગયા ત્યારે જ તો મળ્યા હતા અને પાછા 15 દિવસમાં મળવાની ખુશી કંઈક અનોખી જ હોય છે! એવું તો વિચાર્યું પણ ન હોય કે આશા પણ નહોતી જ, કે આટલી જલદી મળશું. અને એટલે જ વધારે ખુશ હતી. એક ખુશી એ પણ હતી કે, Dr. Dhaval Aardeshna જેવી વ્યક્તિને હું આવી રીતે મળીશ! બહુ મજા આવી! 


અને હું આતુરતાથી રાહ જોવા માંડી 5 તારીખની! અને એ આવી પણ ખરી! 


છેલ્લા પંદર વર્ષમાં હું પહેલી વાર મોડી પડત. પણ બચી ગઈ. કિશનને વહેલી જ ચોખવટ કરી હતી કે ગોંડલ પહોંચો ત્યારે જાણ કરજે, પણ એણે જેતપુર પહોંચી જાણ કરી અને એમ કીધું કે, તું સીધી જ બાલાજી વેફર્સ પ્લાન્ટે પહોંચી જજે અમે શાપરથી વળી જવાના. મેં કીધું, વાંધો નહીં. મને ગોંડલ પહોંચો ત્યારે મેસેજ કરવાનું ન ભૂલતો. છતાં ભૂલ કરી, અને ક્યારે મેસેજ કર્યો ખબર છે? છેક ગોંડલ ચોકડી પહોંચીને! હવે હું આટલી જ વારમાં ત્યાં છેક કેવી રીતે પહોંચું? ત્યાં તો વળી ફોન આવ્યો, અને કીધું, "પુનિત બાજુથી જ આવીએ છીએ, ત્યાં જ પહોંચી જા જલદી." મેં કીધું, "પહોંચી ગઈ. એક મિનિટ ઊભા રહો."


બસમાં ચડતાની સાથે જ ધવલ સર સામે જ બેઠા હતા. તરત જ બોલ્યા, "નમસ્તે મેડમ!" મેં પણ સામે હસીને નમસ્તે કીધું. અને તરત જ સરે સીટ ખાલી કરાવી આપી. આગળ બેઠા હતા એ બધા સ્ટુડન્ટ્સને મારો ઇન્ટ્રો કરાવ્યો. અને હું પણ જોડાઈ આ મહા યુથ સાથે! 


પહેલું જ સ્ટોપ "બાલાજી વેફર્સ પ્લાન્ટ"! બસમાં હતા ત્યાં જ ધવલ સરના રમૂજી સ્વભાવે સાહેબીપણાના દર્શન કરાવ્યા, "અંદર બધા શાંતિ જાળવજો, કોઈને મારે ખીજાવું ન પડે એ ધ્યાન રાખજો. અત્યાર પૂરતા તમારા પીકનીકના મૂડને સાઈડમાં મૂકી, ઈન્ડસ્ટ્રીયલ વિઝીટમાં આવ્યા છો તેવી ગંભીરતા રાખજો. મનમાં થાય એટલા કવેશ્ચન્સ પૂછજો. તમે કોમર્સના સ્ટુડન્ટ્સ છો. તમારા ભણવાની સાથે બધું લિંક કરતા જજો, વધુ મજા આવશે!"


બધા, સરના શબ્દોનું અક્ષરશઃ પાલન કરતા શાંતિથી નીચે ઉતર્યા. એક લાઈનમાં ઊભા રહ્યા અને ગેટમાં એન્ટર થયા. રસ્તા વચ્ચે જ અમને સાઈડમાં ઊભા રાખી હેર ઢાંકવા માટે કેપ આપવામાં આવી. અને આવી જ નાની-મોટી કાળજીને લીધે જ આપણી વેફર્સના પેકેટમાં વાળ નથી આવતા! 


કેપ પહેરી અમે આગળ ગયા. ત્યાંથી 3 ગ્રુપ અલગ કર્યા જેથી એક જ જગ્યાએ વધુ ભીડ ન થાય અને બધાને શાંતિથી જોવા, સમજવા મળે. બાલાજીના માર્કેટિંગ મેનેજરે ત્યાંનો આખો પ્લાન્ટ, બટેટાના સંગ્રહથી લઈ પેકિંગ થઈ બહાર નીકળે ત્યાં સુધીનું બધું જ એકેએક નાની-મોટી બધી જ વિગતે સમજાવ્યુ અને બતાવ્યું, ક્યા મશીનરી પાર્ટને શું કહેવાય, તેલનું ટેમ્પરેચર કેટલું રાખે છે, કેવી રીતે તે સેટ કરે છે બધું જ. અને દરેક પ્રોસેસ પૂરી થયા પછી, મશીનથી રહી ગયેલ બળેલી વેફર્સ, પેકેટરૂપે બહાર આવતી વેફર્સને બોક્સમાં પેક કરવા સુધીનું બધું જ કામ ત્યાંનો મહિલા સ્ટાફ ખૂબ ચોકસાઈથી કરે છે. 


ત્યાંથી આગળ જઈ અમને એક મિટિંગહોલમાં બેસાડવામાં આવ્યા. ત્યાં અમને બાલાજીની આખી પ્રોડક્ટ પ્રોસેસ, તેનું પ્લાન્ટેશન, પાણીની વ્યવસ્થા, કર્મચારીઓનું નિયમિત હેલ્થ ચેકઅપ, લેબોરેટરીમાં દરેક પ્રોડક્ટ, રો મટીરીયલનું નિયમિત ટેસ્ટિંગ વગેરેનો સ્લાઈડ શો બતાવવામાં આવ્યો. એ પછી અમે બાલાજીના કો-ફાઉન્ડર તેમજ ટેક્નિકલ ડાયરેક્ટર કનુભાઈ વિરાણીને મળ્યા. 


તેમણે પોતાની અને બાલાજીની પૂરી પ્રોગ્રેસ સ્ટોરી કહી, કેવી રીતે વિરાણી બ્રધર્સે શૂન્યમાંથી સર્જન કર્યું તે વિગતે જણાવ્યું. અમને તો એ વાતની નવાઈ લાગતી હતી કે, 'કિંગ્સ ઓફ વેફર્સ' કહેવાતી કંપનીના માલિક અને સાદાઈ તો જો! તેમના સ્વભાવમાં રતિભર પણ અહમને સ્થાન ન હતું. તેમનું સંબોધન ચાલુ હતું ત્યારે જ અમને બધાને બાલાજીની નૂડલ્સ ખવડાવવામાં આવી. અને જ્યારે તેના ખાલી બાઉલ ડસ્ટબીનમાં નાંખવાના હતા ત્યારે તે પોતે ડસ્ટબીન લઈ સ્ટુડન્ટ્સ પાસે જતા હતા. ઇવન ફેકલ્ટીઝ માટે ચા પણ પોતે જ સર્વ કરી! 


તેમના સંબોધન અને વ્યક્તિત્વમાંથી ઘણું-ઘણું શીખવા જેવું હતું. જેમકે, તેઓ માને છે કે, તેમની આ સકસેસ તેમના સંયુક્ત પરિવારને આભારી છે. દરેક ફેમિલી મેમ્બર્સના સપોર્ટે જ તેમને ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં એક અલગ જ પહેચાન અપાવી છે. આ સિવાય પણ તેઓ પ્રકૃતિને જ ઈશ્વર માને છે. તેઓ કહે છે કે, આ પાણી, પર્યાવરણ અને સૂર્ય જ સાચા ભગવાન છે. તેનો કાળજીપૂર્વક ઉપયોગ જ આપણી આવનારી પેઢી માટે આશીર્વાદ સમાન હશે. અને દેશની આઝાદી વિશે વાત કરતા તેમણે એ પણ જણાવ્યું કે, સાચી આઝાદી તો એને કહેવાય, જ્યારે તમારો દીકરો કે દીકરી બહાર હોય અને તમે એની જાસૂસી ન કરતા તેમના પર પૂરો વિશ્વાસ રાખી તેમને પોતાની લાઈફ પોતાની રીતે જીવવા દો. શેર- શાયરીના શોખીન કનુભાઈએ પોતાની લડત બંધબેસતી શાયરીઓ સાથે કહી. અને તેમનો મળતાવડો સ્વભાવ જ અમને દરેકને ત્યાં રોકી રાખવા સક્ષમ હતો. આશરે દોઢેક કલાક અમે ફક્ત તેમના અનુભવો જ સાંભળતા રહ્યા. 


ત્યાંથી બહાર આવી તેમના માર્કેટિંગ મેનેજરે અમારો ગ્રુપ ફોટો પણ પાડી દીધો. અને ઘણી બધી યાદ સાથે અમે 1:30 કલાકે ત્યાંથી નીકળી પેટ પૂજા કરવા પ્રેમવતી પહોંચી ગયા.


પ્રેમવતીમાં પહેલેથી જ જાણ કરી દીધી હતી, કે જેથી આટલા મોટા કાફલાને જોઈ તેનો સ્ટાફ ડરી ન જાય! શુદ્ધ ગુજરાતી થાળીમાં ઊંધિયું, મિક્સ કઠોળ, દાળ-ભાત, સ્વામિનારાયણી રોટલી અને ઠંડી-ઠંડી છાશ! આહાહા..! અને અહીંથી અમારી સાથે રામભાઈ પણ જોડાયા. શાંતિથી જમી ત્યાંથી અમે ક્રિસ્ટલ મોલ ગયા. 


ક્રિસ્ટલ મોલમાં જાણ નહોતી કરી, અને એટલે જ આટલો મોટો કાફલો જોઈ ત્યાંના સ્ટાફે તો અમને રોકી જ લીધા. એ કહે, "ઊભા રહો, મેનેજર સાથે વાત કરી લઉં." એણે મેનેજરને અમારા આવવાના સમાચાર આપ્યા અને છૂટ મળી એટલે તરત અમને એન્ટ્રી આપી. અંદર જતા પહેલાં જ ધવલ સરે બધાને કહી દીધું, "જ્યાં ફરવું હોય ત્યાં ફરજો. કંઈ લેવું હોય અને પૈસા ઘટતા હોય તો મને જાણ કરજો, હું આપી દઈશ. પણ 4:30એ બધા નીચે ભેગા થઈ જજો. કોઈને શોધવા આવવું ન પડે એનું ધ્યાન રાખજો." અને અમે બધા પોતપોતાના ગ્રુપ સાથે અલગ-અલગ સ્ટોર્સમાં ફરવા લાગ્યા. હવે તો ફેકલ્ટીઝ પણ ફ્રી હતા એટલે અમે બધા સાથે જ રખડયા. નિહાને પણ પૂરો લાભ ઉઠાવ્યો ડેડીના પૈસાનો! લગભગ દરેક રાઈડ્સ અને ગેમ્સ રમ્યો હશે છતાં નીકળવા ટાઈમે પણ રમવું હતું. 


4:30 થતા-થતા જ બધા નીચે આવવા લાગ્યા અને છેલ્લે બહાર ઊભા-ઊભા જ વિરુભાઈ સ્ટોર્સનું લિસ્ટ વાંચતા હતા. ત્યાં મારુ ધ્યાન પડ્યું, "દેશી દુકાન!" કિશનને કીધું, "કિશન, ધર્મેશભાઈની દેશી દુકાને તો ગયા જ નહીં!" કિશન કહે, "ચાલ, જલદી, મળતા આવીએ." પણ અંદર જઈ સ્ટોર શોધતા હતા ત્યાં જ બહારથી બધા બોલાવવા લાગ્યા, ચાલો બધા નીકળીએ. એટલે મેળ ન પડ્યો. બહુ દુઃખ થયું. સોરી ધર્મેશભાઈ, નેક્સ્ટ ટાઇમ જરૂર આવશું! 


ત્યાંથી નીકળી ઘંટેશ્વર પાર્ક ગયા. સાચી પીકનીકની મજા તો હવે આવવાની હતી. પાર્કમાં એન્ટર થતા જ બધામાં નવો ઉત્સાહ છલકાય રહ્યો. પાર્કમાં પણ બધાને ગમે ત્યાં ફરવાની છૂટ આપી. અમે પણ નીકળી પડ્યા આખા પાર્કની વિઝીટે! પાર્કની ફરતે ચક્કર મારી અમે હીંચકા ખાવા ગયા. ચક્કરડીમાં પણ હું ને વિરલ ચડ્યા. ઝૂલતા પૂલ પર ચડી ફોટોઝ પણ પડાવ્યા. ઘણો સમય આમ જ વિતાવ્યો અને પછી બમણી પ્રાઈસ આપી કોલ્ડડ્રિંક્સ પણ પીધી (અંદરનો ભાવ, યુ નૉ!).


એ પછી તો ડી.જે. નાઈટ ક્લબમાં ગયા. વિરુભાઈ અમારા રમવાના શોખીન, તરત જ ભળી ગયા. કિશનને તો એના સ્ટુડન્ટ્સ ખેંચીને લઈ ગયા તો ય ન ગયો. વળી, બહાનું તો એવું બતાવ્યું, "મેં થમ્પ્સ અપ પીધી છે. બધું બહાર કાઢીશ!" Huh! હું પણ બધી ગર્લ્સ સાથે જ જોડાઈ.


બહાર પણ બીજા સ્ટુડન્ટ્સ ક્રિકેટ- ફૂટબોલ રમતા હતા. થોડીવાર પછી બહાર ઢોલી ઢોલ વગાડવા લાગ્યા અને બધા ડી.જે. છોડી, બહાર ભાંગડા, ટીટોડો, રાસ-ગરબા રમવા લાગ્યા. આવી ઠંડીમાં પણ બધાને પરસેવો વળવા લાગ્યો, એટલું રમ્યા! ઘણાને બહાર ન મજા આવી તો ડી.જે.માં ગરબા ચાલુ કરાવ્યા અને ક્લબમાં જ રમ્યા. 


ડીનર પણ ત્યાં જ ગોઠવ્યું હતું, એટલે સરે બધાને જમવા માટે ભેગા કર્યા. મને જમવાની જરાય ઈચ્છા ન હોવા છતાં સરે ધરાર જમાડી. જમવાનું પણ સારું હતું. PCAના ફેકલ્ટીઝ સાથે જ જમી. ધવલ સરે બીજા ફેકલ્ટીઝનો ઈન્ટ્રો પણ કરાવ્યો. અને જમતા-જમતા વિરુભાઈના મેરેજનું અડધું પ્લાનિંગ પણ કરી લીધું! 


રાતના 9:00 થયા હતા અને અમે બસમાં ચડ્યા. હવે આ રીટર્ન જતો રસ્તો હતો. આખો દિવસ સાથે ફર્યા હવે છૂટા પડવું અઘરું લાગતું હતું. બસમાં બેઠા ત્યારથી GPS ચાલુ જ હતું, કારણ કે, રાજકોટમાં જ જો ઉતરવાનું હતું! ઘણી ગર્લ્સ તો કહે, "ચાલો પોરબંદર. સવારે વિરલ સર મૂકી જશે!" ઉતારવા સમયે ધવલ સરે પણ કીધું, "હવે તમે આવો પોરબંદર બાજુ. ચોપાટી ફરશું બધા સાથે." મેં કીધું, "પાક્કું, સર! જરૂર આવીશ." સરના આશીર્વાદ લઈ, બધાને બાય કહી હું નીચે ઉતરી. રાત્રીના અંધારામાં, સ્ટ્રીટ લાઈટના અજવાળે ચાલતી એ બસને જતી હું જોઈ રહી!

લિ. નિરાલી જારસાણિયા

બીજા રસપ્રદ વિકલ્પો