Coffee Tabel books and stories free download online pdf in Gujarati

કોફી ટેબલ..

મિત્રો...
મારી પહેલી વાર્તા આપ સમક્ષ રજુ કરું છું..આશા છે આપ ને ગમશે..

કોફી ટેબલ..

આ વાત એ સમય ની છે જ્યારે મને અને રુચા ને ડેટ કરતાં બે વર્ષ થઈ ગયાં હતાં,પણ પછી ધીરે ધીરે અમારી વચ્ચે બધુંજ ખતમ થવા લાગ્યું હતું અને હવે ન રુચા મારી સાથે ખુશ રહેતી ન હું રુચા સાથે...

આજે એટલે જ અમે આ કોફી શોપ માં આખરી વાર મળી ને બધુજ પૂરું કરવાનું અને અલગ થઈ જવાનું નક્કી કર્યું હતું...

અમે બન્ને આમને સામને કોફી શોપ માં ટેબલ પર બેઠા હતા, મને યાદ છે કે આજ કોફી શોપ માં અમારી લવ સ્ટોરી શરૂ થઈ હતી અને શાયદ આજે એ પુરી થવાની હતી...

મને ચા પસંદ હતી અને રુચા ને કોફી,શરૂઆત માં મને એ વાત એને કહેતાં ડર રહેતો હતો,મને થતું એ શું વિચારશે મારા આ ચા ના પ્રેમ વિશે..
પણ ધીરે ધીરે એને એ વાત સમજાઈ ગઈ કે મને એની જેમ કોફી માં કોઈ ખાસ દિલચસ્પી નથી,હું તો ફક્ત એને કંપની આપવા માટે કોફી પી લેતો હતો...

મેં અમારા બન્ને માટે ચા અને કોફી નો ઓર્ડર આપ્યો,રુચા ચૂપચાપ બેઠી હતી, મેં પણ વધારે વાત કરી નહીં, અમે બન્ને જાણતાં હતાં કે આજે અમે અહીંયા કેમ આવ્યાં છીએ...

પાંચ,દસ, પંદર મિનિટ એમ કરતાં અડધો કલાક વીતી ગયો પણ રુચા એ એક પણ શબ્દ કહ્યો નહીં, મેં ત્યાં સુધી મારી ચા પુરી કરી લીધી હતી, એ તો મેં બીજો ઓર્ડર કર્યો નહોતો,નહિતર આટલી વાર માં હજી એક-બે કપ ચા પુરી થઈ ગઈ હોત, અડધો કલાક પછી પણ એણે કઈ કહ્યું નહિ એટલે મેં જ શરૂઆત કરી..

"તારે કઈ કહેવું નથી છેલ્લી વાર?"

એણે ફક્ત માથું હલાવી ને ના કહ્યું,શાયદ એને આ વખતે આ સંબંધ ના પુરા થવાની ઇન્તેજારી હતી, હું એ પછી થોડી વાર ત્યાં બેસી રહ્યો અને પછી ઉઠી ને બહાર ની બાજુ જવા લાગ્યો....

મારું શરીર મારી સાથે હતું,પણ આત્મા ત્યાંજ એ ટેબલ પર રુચા ની સામે બેઠી હતી,આપણું જોર આપણાં શરીર પર તો સહેલાઇ થી ચાલી જાય છે પણ આત્મા ને,લાગણી ને એટલી સહેલાઇ થી અલગ નથી કરી શકતું..

અમારાં ટેબલ થી રેસ્ટોરન્ટ નો મુખ્ય દ્વાર સાત પગલાં જ દૂર હતો, હું લગભગ ચાર પગલાં આગળ વધ્યો હતો અને હવે ફક્ત ત્રણ પગલાં બાકી હતાં જે મને રેસ્ટોરન્ટ થી અને રુચા થી દુર લઈ જાય એમ હતાં..

બહાર જતાં પહેલાં મેં પાછળ ફરી ને રુચા ને જોઈ,એની આંખો હજી પણ એ ખુરસી પર અટકી હતી જ્યાં હું થોડી વાર પહેલાં બેઠો હતો,એની આંખો ત્યાં જ સ્થિર થઈ ગઈ હતી જાણે એને મારાથી અલગ થવું જ નહોતું,મેં પગલું આગળ વધાર્યું,મારી જિંદગી નું સૌથી મુશ્કેલ પગલું,આગળ ના ત્રણ પગલાં હું ચાલ્યો અને હવે હું રેસ્ટોરન્ટ ની બહાર હતો...

હું એક વાર પાછો જઈ ને રુચા ને જોવા માંગતો હતો,એ ઠીક હશે ને? એ ઘરે કેવી રીતે જશે? આજ સુધી હું જ એને ઘરે મુકવા જતો હતો અને હવે આ ગરમી માં એકલી એ ઘરે કેવી રીતે જશે???

પણ હવે એ એટલું સહેલું નહોતું, અમેજ તો નક્કી કર્યું હતું કે એક વાર છુટા પડ્યાં એટલે એકમેક ની ચિંતા નહી કરીએ,એક બીજા ને જોવા નહીં જઈએ,તો પછી હું કેવી રીતે એને જોઈ શકું ?? હવે બધું એ કોલેજ ના દિવસો ની જેમ આસાન નહોતું જ્યારે હું રુચા ને છુપાઈ ને જોયાં કરતો હતો...

હું પાછો ગાડી માં આવી ગયો,ગાડી ની અંદર ગરમી હતી..કાશ હળવો હળવો વરસાદ પડ્યો હોત તો આ ગરમી થી થોડી રાહત મળી જાત..મેં મનોમન વિચાર કર્યો કે વરસાદ પણ આટલી સહેલાઇ થી ક્યાં મળે છે?? એની માટે રાહ જોવી પડે છે અને ખુદ ને તપાવવું પડે છે,પણ એક વાર વરસાદ આવી જાય તો એ બંધ થાય એની રાહ જોવાય છે,એવી જ રીતે સંબંધો માં પણ થાય છે...

રુચા ને જોવા માટે હું કલાકો રાહ જોતો,એની સાથે વાત કરવા માટે આખી રાત જાગતો,પણ હવે એ મારી સાથે હતી તો હું એની સાથે ખુશ નહોતો....

હું કારમાંથી બહાર આવ્યો અને પાછો રેસ્ટોરન્ટ તરફ ચાલવા લાગ્યો..રુચા હજી પણ એની ખુરસી પર એમજ બેઠી હતી જેમ હું છોડી ને આવ્યો હતો, એની કોફી ઠંડી થઈ ગઈ હતી,એણે કપ ને હાથ પણ લગાવ્યો નહોતો,પાણી નો ગ્લાસ અડધો હતો,કદાચ એણે થોડું પાણી પીધું હશે..પણ ના..એ ગ્લાસ તો ત્યારનો છે જ્યારે હું આવ્યો હતો,પાણી મેં પીધું હતું..એણે તો કદાચ કોઈ વસ્તુ ને હાથ પણ લગાવ્યો નહોતો...

મને પાછો આવેલો જોઈ ને એ પાછી જાણે ભાન માં આવી,એણે મારી તરફ જોયું, એની આંખો ના કિનારા પર વરસાદ અટક્યો હતો...

"સોરી..હું મારી એક જરૂરી વસ્તુ અહીં ભૂલી ગયો હતો, એ લેવા આવ્યો છું"..મેં કહ્યું..

એણે તરતજ આજુબાજુ નજર દોડાવી,ટેબલ પર કંઈજ નહોતું...

"અહીંયા તો કશુંજ નથી,રસ્તામાં તો કઈ ખોઈ નથી દીધું ને તે?" ચિંતા સાથે મારી તરફ જોઈને એ બોલી..

"નાં, એ અહીં જ છે,મારી સામે બેઠી છે"હું એની આંખો માં અનિમેષ જોઈ રહ્યો.."ચાલ રુચા તને હું ઘરે ડ્રોપ કરી દઉં"મેં આગળ કહ્યું..

"ના મયંક,જ્યારે આપણી વચ્ચે હવે કંઈજ બચ્યું નથી,પછી આ બધું કરી ને શો ફાયદો? આપણી વચ્ચે ન હવે પ્રેમ બચ્યો છે ન નફરત,ના એકમેક માટે લગાવ,હું હવે ફરીથી એ નહિ કરી શકું" એણે મારી આંખો થી નજર ફેરવી ને કહ્યું...

"હાં ,હું જાણું છું કે આપણી વચ્ચે કંઈજ નથી, એટલે તો પાછો આવ્યો છું,ન પ્રેમ છે ,ન નફરત,ન યાદો અને ન કોઈ શિકાયત,જ્યારે કઈ પણ નથી બચ્યું તો ફરીથી નવી શરૂઆત કરીએ.."

"અચ્છા..અને આ કેટલો સમય ચાલશે?" એણે પૂછ્યું..

"જ્યાં સુધી આપણે એકમેક થી કંટાળીએ નહીં ત્યાં સુધી"..

"અને એના પછી"??

"એના પછી ફરીથી આ ટેબલ પર આવીશું,બધુજ પૂરું કરીશું અને ફરીથી નવી શરૂઆત, હું આખી જિંદગી આ ટેબલ પર આવવા માંગુ છું,દરરોજ, દર વર્ષે,પણ ફક્ત તારીજ સાથે,ક્યાં સુધી હું બુઢ્ઢો ન થઈ જાઉં ,જ્યાં સુધી તું વૃદ્ધ ન થઈ જાય"મેં કહ્યું એણે કોઈ જવાબ ન આપ્યો..હું હાથ પકડી ને પાછો કાર માં લઈ ગયો...

થોડાં વર્ષો પછી અમારા લગ્ન થઈ ગયા અને અમે કેટલીય વાર આ ટેબલ પર આવતાં રહ્યાં...

સમય ક્યાં વીતતો ગયો ખબર જ ન પડી, અમારાં લગ્ન ને ૪૫ વર્ષ થઈ ગયાં, રુચા ને અલજાઈમર ની બીમારી લાગી ગઈ,હવે એ મને ભૂલી જાય છે,અમારાં સંબંધ ને ભૂલી જાય છે,પણ એ કોફી નું ટેબલ એ નથી ભૂલતી...

હું એનો હાથ પકડી ને એ રેસ્ટોરન્ટ માં પહોંચી જાઉં છું,ટેબલ ભરેલું હોય તો કલાકો સુધી હું ખાલી થવાની રાહ જોઉં છું અને એજ ટેબલ પર જૂની રુચા ને મળું છું...

એ આજે પણ કોફી પીવે છે ને હું ચા...

સાંજ થાય એટલે અમે ઘરે પાછા વળીએ છીએ,ક્યારેક એને બધુજ યાદ રહે છે અબે ક્યારેક એ બધુજ ભૂલી જાય છે,સિવાય એ કોફી ટેબલ ને...

અમુક વાર્તાઓનો અંત સુખદ સારો હોય છે, બસ સંબંધો ને દુઃખદ અંત સુધી ન પહોંચવા દો તો...

બીજા રસપ્રદ વિકલ્પો