કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ? Sureshbhai Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કઈ રીતે પસંદ કરશો નવા નિયમ મુજબનું ટીવી ચેનલ પેકેજ?

ટીવી રસિયાઓ આનંદો! હવે તમારા 'અચ્છે દિન' આવી ગયા છે! કારણકે હવે તમે વણજોઈતી ચેનલો કેન્સલ કરીને ટીવી ચેનલનો બિનજરૂરી ખર્ચ ઘટાડી શકશો!

૧લી ફેબ્રુઆરી ૨૦૧૯થી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા –ટ્રાઈ દ્વારા ટીવી ચેનલના ગ્રાહકોની સવલત, સરળતા અને બિનજરૂરી ખર્ચને ધ્યાનમાં રાખીને ક્રાંતિકારી કહી શકાય તેવા નિયમો લાગુ પાડવામાં આવનાર છે.

ટ્રાઈના આ નવા નિયમોની રજેરજ માહિતી તેમજ વિવિધ ચેનલ્સ અને તેનાં પેકેજની પસંદગી કઈ રીતે કરવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન અહીં રજૂ થયું છે.

અત્યાર સુધી ટીવી ચેનલના ડીટીએચ (Direct to Home) –ડીશ ટીવી ઓપરેટર્સ અને કેબલ ઓપરેટર્સ દ્વારા ટીવી પ્રેક્ષકોને ટીવી ચેનલનાં મોટાં મોટાં પેકેજ પરાણે પધરાવી દઈને રીતસરના લૂંટવામાં આવ્યા છે. પ્રેક્ષકોને વણજોઈતી ચેનલો પણ વળગાડી દઈને મનફાવે તેમ તેનો ચાર્જ વસુલ કરીને એકદમ ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી છે.

હાલ મોટાભાગના ગ્રાહકોને ૨૦૦ થી ૫૦૦ સુધીની ચેનલનું પેકેજ રૂ. ૩૦૦ થી ૫૦૦ જેટલો ચાર્જ કરીને પધરાવી દેવામાં આવે છે. પરંતુ ટ્રાઈના સર્વે મુજબ હાલ ૮૦% ગ્રાહકો ૪૦ કે તેથી ઓછી ચેનલ્સ જુએ છે. તો જે ચેનલ્સ ગ્રાહકો ક્યારે પણ જોતા નથી, તેવી ચેનલ્સનો ચાર્જ તેમની પાસેથી વસુલ કરવો તે ગેરવ્યાજબી તો છે જે અને હવેથી ગેરકાનૂની પણ થઇ જશે. કારણકે ટ્રાઈના હાલના બહાદુર ચેરમેન રામસેવક શર્માએ એક હિંમતભર્યો નિર્ણય લઈને ગ્રાહક સુરક્ષાની દિશામાં એક અગત્યનું અને મહત્વનું પગલું ભર્યું છે.

શ્રી શર્માએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે, “કોઈ ગ્રાહકને તેની જરૂરિયાત અથવા ઉપયોગ જાણ્યા સિવાય કોઈ દુકાનદાર તેને પહેલેથી કેટલીય ચીજો ભરીને રાખેલો કોથળો પકડાવી દે અને તેનો પૂરેપૂરો ચાર્જ પણ વસુલ કરે, એવી હાલત હાલના ટીવી ચેનલના ગ્રાહકોની છે. એટલા માટે ટ્રાઇ દ્વારા બહુ સમજી વિચારીને ગ્રાહકોને જેટલી ચેનલ જોવી હોય તે પસંદગીનો અધિકાર અને એટલી જ ચેનલનો ચાર્જ ચૂકવવો પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધુમાં દરેક ડીટીએચ તથા કેબલ ઓપરેટર્સ માટે નવા નિયમો હેઠળ ટીવી ચેનલ પૂરી પાડવી ફરજિયાત છે.”

હવે આપણે જોઈએ કે આ નવા નિયમો શું છે...

મૂળભૂત બેઇઝ પેકેજ:

-ચેનલનું મૂળભૂત બેઇઝ પેકેજ ૧૦૦ ચેનલનું રાખવામાં આવ્યું છે.
-ગ્રાહકો આ ૧૦૦ ચેનલના બેઇઝ પેકેજમાં પોતાની પસંદગીની ફ્રી ચેનલ, પેઈડ ચેનલ, એસડી ચેનલ તેમજ એચડી ચેનલ પસંદ કરી શકશે.
-અત્યારે દુરદર્શનની ૨૫ અને અન્ય ઓપરેટર્સની ૫૩૫ ફ્રી ચેનલ્સ અવેલેબલ છે. જો આ બેઇઝ પેકેજમાં ફક્ત આવી ફ્રી ચેનલ્સ જ પસંદ કરવામાં આવી હશે, તો આ પેકેજનો એક મહિનાનો વધુમાં વધુ ચાર્જ રૂ. ૧૩૦+૧૮% ટેક્સ (કુલ આશરે રૂ. ૧૫૩) નક્કી કરવામાં આવેલ છે. જો કે ઓપરેટર્સ રૂ. ૧૩૦થી ઓછો ચાર્જ પણ લઇ શકશે.

-પરંતુ જો આ બેઇઝ પેકેજમાં હાલ મળતી ૩૩૦ પેઈડ ચેનલમાંથી જેટલી પેઈડ ચેનલ પસંદ કરવામાં આવી હશે, તો તેટલી પેઈડ ચેનલનો ચાર્જ વધારાનો ચૂકવવો પડશે.
-બેઇઝ પેકમાં દૂરદર્શનની ૨૫ ચેનલ દર્શાવવી ફરજિયાત છે. અર્થાત ગ્રાહકો બાકીની ૭૫ ચેનલ પોતાની પસંદગી પ્રમાણે લઈ શકે છે.
-જો તમે બેઇઝ પેકમાં એચડી ચેનલ પસંદ કરશો, તો એક એચડી ચેનલ બરાબર બે ચેનલ ગણવામાં આવશે. અર્થાત ૫ એચડી ચેનલ પસંદ કરી હોય, તો તે માટે ૧૦ ચેનલ ગણીને બાકીની ૯૦ ચેનલ તમે પસંદ કરી શકશો.
-કોઈપણ એક પેઈડ ચેનલનો એક મહિનાનો ભાવ વધુમાં વધુ રૂ. ૧૯+ટેક્સ લઇ શકાશે. કોઈપણ ઓપરેટર એક ચેનલ માટે રૂ. ૧૯થી વધુ ચાર્જ લઇ શકશે નહીં.
-પેઈડ ચેનલના ભાવ એક મહિનાના ભાવ તરીકે પ્રદર્શિત થશે.

બેઇઝ પેકેજથી વધુ ચેનલ:

-જો કોઈ ગ્રાહક ૧૦૦થી વધુ ચેનલ લેવા ઈચ્છે, તો વધુ ૨૫ ચેનલનો સ્લેબ લઇ શકશે. આવા દરેક સ્લેબ દીઠ વધુમાં વધુ રૂ. ૨૦ +ટેક્સ વધારાના ચૂકવવાના રહેશે.
અર્થાત તમે ૧૨૫ ચેનલ પસંદ કરો, તો રૂ. ૧૩૦ +૨૦ +ટેક્સ ચૂકવવા પડશે અને ૧૫૦ ચેનલ પસંદ કરો, તો રૂ. ૧૩૦ +૨૦ +૨૦ +ટેક્સ ચૂકવવા પડશે.
-તદુપરાંત જેટલી પેઈડ ચેનલ પસંદ કરી હશે, તેટલો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.

ગ્રાહકો માટે અન્ય સુવિધાઓ:

-ગ્રાહકો જ્યારે ઈચ્છે ત્યારે કોઈપણ અને ગમે તેટલી ચેનલ ઉમેરી શકશે અથવા કાઢી પણ શકશે.
-પરંતુ એક વાર પસંદ કરેલ પેઈડ ચેનલ માટે ઓછામાં ઓછા એક મહિનાનો ચાર્જ ભરવો પડશે.
-ગ્રાહક પોતાની ચેનલ-સેવા ટેમ્પરરી બંધ કરાવી શકશે, પરંતુ તે માટે ઓછામાં ઓછા ૧૫ દિવસ પહેલાં ઓપરેટરને તે બાબતની જાણ કરવી પડશે અને બંધ સમય ઓછામાં ઓછો એક મહિનો અને તેના ગુણાંકમાં જ રાખવો પડશે.
-જો ગ્રાહક પોતાનું ચેનલ કનેક્શન કાયમી રીતે બંધ કરાવવા માંગે, તો તેણે ઓછામાં ઓછા ૧૫ દિવસ પહેલાં ઓપરેટરને તે બાબતની જાણ કરવી પડશે. ઓપરેટરે ચેનલ કનેક્શન બંધ કર્યા પછી ૭ દિવસમાં બાકીના પૈસા પાછા આપવા પડશે.
-ગ્રાહકની ફરિયાદનું નિવારણ ઓપરેટરે ૮ કલાકમાં કરવું પડશે. નો સિગ્નલ ફરિયાદ ૨૪ કલાકમાં સોલ્વ કરવી પડશે. બીલને લગતી ફરિયાદ ૭ દિવસમાં અને અન્ય ફરિયાદ ૩ દિવસમાં સોલ્વ કરવી પડશે.

ઓપરેટર્સ માટેના નિયમો:

-બધા ઓપરેટર્સ પોતાની દરેક ચેનલ ફ્રી છે કે પેઈડ તે જાહેર કરશે, દરેક પેઈડ ચેનલનો એક મહિનાનો ભાવ પણ જાહેર કરશે અને આ માહિતી ટીવી પર સતત પ્રદર્શિત કરશે.
-કોઈ પણ ચેનલનો ભાવ આખા દેશ માટે એકસમાન હોવો જોઈએ. અર્થાત ગામડું, શહેર કે રાજ્ય મુજબ અલગ-અલગ ભાવ લઇ શકાશે નહિ.
-ઓપરેટર્સ પોતાની પેઈડ ચેનલ્સનું પેકેજ બનાવીને ઓફર કરી શકશે. પરંતુ આ પેકેજમાં ફ્રી ચેનલ્સનો સમાવેશ કરી શકાશે નહિ. તે જ રીતે એક જ ચેનલનાં એચડી અને એસડી વર્ઝન એક પેકેજમાં રાખી શકાશે નહિ.
-કોઈ પણ ચેનલના ભાવમાં વધારો ૩૦ દિવસની નોટીસ પછી જ કરી શકાશે.
-બધા ઓપરેટર્સ ૯૯૯ નંબરની ચેનલ દ્વારા ગ્રાહકોને નવા નિયમોથી સતત માહિતગાર કરશે અને ગ્રાહકોને નવા નિયમો હેઠળ ચેનલ્સની પસંદગી કરવા યોગ્ય માળખું બનાવી સહાયરૂપ થશે.

ગ્રાહકોએ પેકેજ કઈ રીતે પસંદ કરવું:

-તમારી અનુકુળતા માટે વિવિધ ચેનલ્સના ભાવ અને પેકેજની યાદીઓ ટ્રાઈની વેબસાઈટ પર મૂકી છે. તેના પર ક્લિક કરીને તેમાંથી તમારી પસંદગીની ચેનલ્સની યાદી ભાવ સાથે બનાવીને કુલ ભાવ સરવાળો કરીને જાણી લો.
-તમારી પસંદગીની ચેનલ્સ અલગ-અલગ અને પેકેજ બંને રીતે સરખાવીને જે વધુ ફાયદાકારક હોય, તેવી યાદી ફાઈનલ કરો.
-આ ફાઈનલ યાદીની જાણ તમારા ઓપરેટરને ઓનલાઈન અથવા એપ મારફત અથવા કસ્ટમર કેર ફોન નંબર મારફત દ્વારા કરો.
-આમાંથી કોઈપણ વિકલ્પ પસંદ કરીને ૩૧ જાન્યુઆરી સુધીમાં તમારી પસંદગી તમારા ઓપરેટરને જણાવી દો.

મારું માનો તો છેલ્લી તારીખ સુધી રાહ જોવાને બદલે વહેલી તકે તમારી પસંદગી તમારા ઓપરેટરને જણાવી દો. કારણકે છેલ્લા દિવસોમાં ગ્રાહકોના ધસારાને લીધે તમારા ઓપરેટરની વેબસાઈટ અને ફોન હેંગ થવાની શક્યતા છે.

જો તમને ઓનલાઈન ઉપયોગ કરવાનું ફાવતું ના હોય, તો બધી ચેનલ્સના ભાવ ટીવી પર હાલ દેખાઈ રહ્યા છે, તેના આધારે ફ્રી અને પેઈડ ચેનલ્સની પસંદગી કરીને એક યાદી બનાવી લો અને તમારા ઓપરેટરને ફોન દ્વારા તે જણાવીને નવું પેકેજ બુક કરાવી દો.

પેઈડ ચેનલ્સ માટે તમે બુકે અથવા અ-લા-કાર્ટે (અલગ-અલગ) એમ બે વિકલ્પમાંથી કોઈપણ એક અથવા બંનેનું યોગ્ય મિશ્રણ પસંદ કરી શકો છો.

હજુ વધુ માહિતી જાણવા માંગતા હો અને અંગ્રેજી ભાષામાં અવેલેબલ ટ્રાઈની ઓફિસીયલ વેબસાઈટ trai.gov.in વિઝીટ કરો.

ગ્રાહકોને સહાયભૂત થવા માટે ટ્રાઈએ એક સરસ ટુલ પણ બનાવ્યું છે. આ માટે channel.trai.gov.in નામના ટુલ પર જાઓ. અહી તમને બધી ફ્રી, પેઈડ, એસડી તેમજ એચડી ચેનલ્સની યાદી તેના ભાવ સાથે જાણવા મળશે. વિવિધ ભાષા, ભાવ, વિષય અને ઓપરેટર્સની પસંદગી કરીને તમે તમારી પસંદગીની ચેનલ્સ સિલેક્ટ કરશો, તો તમને એક મહિનાનો કુલ ચાર્જ બતાવશે. તમારી જરૂરિયાત અને પસંદગી મુજબનાં બુકે તથા અલગ અલગ ચેનલનાં કોમ્બીનેશન પણ એક મહિનાના સૌથી ઓછા ભાવ સાથે દેખાશે. આમાંથી તમને સારી લાગે તે યાદી ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી શકાશે. આ યાદી તમારા કેબલ ઓપરેટરને બતાવીને લાગુ કરાવો અથવા આ યાદી પ્રમાણે તમારા ડીટીએચ ઓપરેટરની વેબસાઈટ કે એપ પર ઓનલાઈન પસંદગી કરો.

ગ્રાહકોને સલાહ છે કે તેમણે શરૂઆતમાં સામાન્ય રીતે જેટલી ચેનલ જોતા હોય, તેટલી જ ચેનલ સબસ્ક્રાઇબ કરવી. ભવિષ્યમાં કદાચ જોવી પડે એવું માનીને વધારાની પેઈડ ચેનલ હાલ ઉમેરવાની કોઈ જરૂર નથી. કારણકે જ્યારે તમે ઈચ્છો, ત્યારે આવી ચેનલ કોઈપણ સમયે ઉમેરી શકશો.

ફ્રી ચેનલ્સની યાદી, પેઈડ ચેનલ્સની ભાવ સાથેની યાદી, ઓપરેટર્સ દ્વારા જાહેર કરાયેલ પેકેજ બુકેની યાદી અને ટ્રાઈ દ્વારા જાહેર કરાયેલ નમૂનાનાં પેકેજની યાદી ડાઉનલોડ કરવા ટ્રાઈની વેબસાઈટ અથવા www.dadajinivato.com ની મુલાકાત લો.

ટીવી ચેનલ પેકેજની પસંદગી માટે જરૂરી એવી બધી માહિતી અહીં મૂકી દીધી છે. આમ છતાં તમને કોઈ પણ પ્રશ્ન કે શંકા-કુશંકા હોય, તો મને જણાવશો, તો હું જરૂરથી આપનો પ્રોબ્લેમ સોલ્વ કરવા પ્રયત્ન કરીશ.

મુલાકાત માટે આપનો આભાર.

આપનો પ્રતિભાવ અને રેટિંગ આપો એવી અપેક્ષા રાખું છું.

આપના સુંદર સ્વાસ્થ્ય માટેની શુભેચ્છાઓ સાથે,

-સુરેશ ત્રિવેદી