વેઈટરથી સુપરસ્ટાર-અક્ષયકુમાર

વેઈટરથી સુપરસ્ટાર-અક્ષયકુમાર

કેવી રીતે રાજીવ ભાટિયા બન્યા અક્ષયકુમાર, જાણો સંઘર્ષની ગાથા

9 સપ્ટેમ્બર 1967ના રોજ પંજાબના અમૃતસરમાં રહેતા હરિઓમ ભાટિયા અને અરુણા ભાટિયાનું ઘર એક નવજાત શિશુની કીકીયારીઓથી ગૂંજી ઉઠ્યું! એ નવજાત શિશુને નામ આપ્યું રાજીવ.રાજીવ નામ ધરાવતું એ નવજાત બાળક ભવિષ્યમાં અક્ષયકુમાર નામે ભારતીય દર્શકોનું ન માત્ર મનોરંજન કરશે પણ ભારતીય સિનેજગતમાં પોતાની એક આગવી ઓળખ પ્રાપ્ત કરશે એવું તો રાજીવના માતા-પિતાએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. રાજીવના પિતા, હરિઓમ ભાટિયા રાજીવના જન્મ સમયે એક આર્મી ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. રાજીવનું શરૂઆતનું બાળપણ દિલ્હીમાં આવેલ ચાંદનીચોકમાં વીત્યું. ત્યારબાદ રાજીવના પિતાએ આર્મીમાંથી છુટા થઈને UNICEFમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાયા એટલે પરિવાર સેન્ટ્રલ મુંબઈમાં આવેલ કોલીવાડા વિસ્તાર કે જ્યાંની બહુધા વસ્તી પંજાબી છે ત્યાં શિફ્ટ થયો.

રાજીવે શરૂઆતનું શિક્ષણ મુંબઈમાં આવેલી ડોન બૉસ્કો સ્કૂલમાંથી પ્રાપ્ત કર્યું, સાથે સાથે કરાટે શીખવાનું પણ ચાલુ હતું. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ અર્થે મુંબઈની ગુરુનાનક ખાલસા કોલેજમાં એડમિશન મેળવ્યું પણ શરુઆતથી જ ભણવા પ્રત્યે લગાવ ઓછો હોવાથી એણે ઉચ્ચ અભ્યાસમાંથી પડતું મૂક્યું. બાદમાં રાજીવે પિતાને વિનંતી કરીને કહ્યું કે પોતે માર્શલ આર્ટ શીખવા માંગે છે. રાજીવના પિતાએ પોતાની બચતમાંથી કેટલીક રકમ આપીને માર્શલ આર્ટ શીખવા માટે ઉત્સુક એવા રાજીવને થાઈલેન્ડ મોકલ્યો.

રાજીવે થાઈલેન્ડમાં બેંગકોક ખાતે માર્શલ આર્ટ શીખવાનું શરૂ કર્યું. થાઈલેન્ડમાં રહીને પુરા પાંચ વર્ષ સુધી થાઈ બોક્સિંગ,માર્શલ આર્ટ અને કોમ્બેટ સ્પોર્ટ Muay Thaiનો અભ્યાસ કર્યો,તો સાથે સાથે પોતાનું ગુજરાન ચલાવવા માટે શૅફ અને વેઈટરની નોકરી પણ કરી.

થાઈલેન્ડમાં માર્શલ આર્ટનો અભ્યાસ પૂર્ણ થયા બાદ રાજીવ ભારત પરત ફર્યા,બાદમાં કલકત્તાની ટ્રાવેલ એજન્સી અને ઢાકામાં આવેલી હોટલમાં છૂટક કામ કર્યું. આ ઉપરાંત તેણે દિલ્હીમાં કુંદન જવેલરી વેચવાનું કામ કર્યું. ત્યારબાદ મુંબઇમાં માર્શલ આર્ટ શીખવતી એક એકેડમી શરૂ કરી.

આ એકેડમીમાં આવતા એક વિદ્યાર્થીના પિતા કે જેઓ મોડલ કો-ઓર્ડીનેટર હતા એમણે રાજીવને મોડલિંગ કરવાની સલાહ આપી,આ વાત પર હકારાત્મક અભિગમ દાખવતા રાજીવને એક ફર્નિચર શો-રૂમ માટે મોડલિંગનું અસાઈનમેન્ટ મળ્યું. રાજીવને માર્શલ આર્ટ શીખવવાના મહિને પાંચ હજાર રૂપિયા મળતા હતા જ્યારે બે દિવસના મોડલિંગ શૂટ માટે વીસ એકવીસ હજાર રૂપિયા મળ્યા! આ જોઈને રાજીવે પોતાનો વિચાર બદલ્યો અને મૉડલિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું .અત્રે ઉલ્લેખનીય છે કે રાજીવે પોતાના પહેલા પોર્ટફોલિયો માટે જાણીતા ફોટોગ્રાફર જયંત શેઠના આસિસ્ટન્ટ તરીકે 18 મહિના મહેનતાણા વગર કામ કર્યું.

વર્ષ 1987માં રાજીવને મહેશ ભટ્ટ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'આજ'માં એક કરાટે ઇન્સ્ટ્રકટર તરીકેના નાનકડા રોલમાં અભિનય કરવાની તક સાંપડી. આ ફિલ્મના મુખ્ય હીરો કુમાર ગૌરવના પાત્રનું નામ અક્ષય હતું. આ અક્ષય નામ રાજીવને એટલું પસંદ પડ્યું કે એણે મુંબઈના બાંદ્રા-ઇસ્ટ વિસ્તારમાં આવેલી કોર્ટમાં જઈને પોતાનું નામ રાજીવ ભાટિયામાંથી અક્ષયકુમાર કરી નાખ્યું.

કેવી રીતે મળી ફિલ્મની ઓફર?!

મૉડલિંગની દુનિયામાં સંઘર્ષભરી કારકિર્દી કંડારતા અક્ષયકુમારને ફિલ્મની ઓફર મળવા પાછળની કહાની રસપ્રદ છે.બન્યું એવું કે એક દિવસ એક દિવસ અક્ષયને પોતાના મૉડલિંગ અસાઈનમેન્ટ માટે બેંગ્લોર જવાનું હતું, પણ ફ્લાઇટ ચુકી જાય છે.આથી નિરાશ થયેલા અક્ષયકુમારે કંઈક કામ મેળવવાની આશાએ પોતાના પોર્ટફોલિયો સાથે નટરાજ સ્ટુડિયોની મુલાકાત લીધી. આ મુલાકાત અક્ષયકુમારની કારકિર્દી માટે એક નવો જ અણધાર્યો વળાંક સાબિત થયો. નટરાજ સ્ટુડિયોમાં પ્રમોદ ચક્રવર્તીની કંપનીના મેક અપ મેને અક્ષયકુમારને શુ તું હીરો બનવાનું પસંદ કરીશ એવું પૂછતાં વળતા જવાબમાં અક્ષયકુમારે પોતાનો પોર્ટફોલિયો બતાવ્યો.બસ ત્યાર પછીની ઘટનાનો ઇતિહાસ સાક્ષી છે, એ જ દિવસે પ્રમોદ ચક્રવર્તીએ અક્ષયને પોતાની ત્રણ ફિલ્મ માટે સાઈન કરી લીધો અને પહેલી ફિલ્મ માટે રૂ.5000 ,બીજી ફિલ્મ માટે રૂ.50000 ને ત્રીજી ફિલ્મ માટે રૂ.150000ની રકમના ચેક પણ અક્ષયકુમારને આપ્યા.

જો એ દિવસે ફ્લાઇટ ન ચૂકી હોત તો આજે ભારતીય સિનેજગતને અક્ષયકુમાર નામનો અભિનેતા કદાચ ન મળ્યો હોત!

અક્ષયકુમારની ફિલ્મી સફર-કુછ ખટ્ટ કુછ મીઠા

અક્ષયકુમારની ફિલ્મક્ષેત્રે સફર શરૂ થઈ વર્ષ 1991માં. રાજ સિપ્પી દ્વારા દિગ્દર્શિત 'સોગંધ'માં લીડ એક્ટર તરીકે અક્ષયકુમારે પહેલ વહેલો અભિનય કર્યો. વર્ષ 1991થી માંડીને આજ દિન સુધીની અક્ષયકુમારની ફિલ્મી કારકિર્દી અત્યંત ચઢાવ ઉતારવાળી રહી છે. અક્ષયકુમારે સતત સુપરહિટ ફિલ્મ પણ આપી છે અને સતત ફ્લોપ પણ. ફિલ્મોનું બોક્સઓફીસ પર પ્રદર્શન સતત ફ્લોપ હોવા છતાં હંમેશા અક્ષયકુમાર પાસે ફિલ્મોની ઓફર કાયમી આવતી જ રહી છે જેની પાછળનું કારણ છે અક્ષયકુમારની નિયમિતતા,કમિટમેન્ટ અને સતત પ્રદર્શનમાં નિખાર લાવવા માટે પોતાની જાતને સુધારવાની ઉત્કંઠા. અક્ષયકુમાર પ્રોડ્યુસર્સ એક્ટર અને બેંકેબલ એક્ટર જેવા નામથી ફિલ્મજગતમાં ઓળખાય છે જે પાછળ અક્ષયકુમારની નિયમિતતા અને પ્રોડ્યુસર ફ્રેન્ડલી અભિગમ છે. અક્ષયકુમારનું માનવું છે કે ફિલ્મ સમયસર ફ્લોર પર જતી રહે અને અભિનેતા નિયત કરેલી તારીખ અને સમયે શૂટિંગ પતાવી દે તો પ્રોડ્યુસરની 50% રકમ સુરક્ષિત થઈ જવા પામે છે.અક્ષયકુમાર પોતાના પ્રોડ્યુસરનું હંમેશા ધ્યાન રાખે છે.

અક્ષયકુમારે પોતાની ફિલ્મી કારકિર્દીના શરૂઆતના બાર તેર વર્ષોમાં કરેલી મોટાભાગની ફિલ્મ એક્શન મૂવીઝ છે.એક ઇન્ટરવ્યૂમાં આ રસપ્રદ ખુલાસો થયા બાદ અક્ષયકુમારે કારણ જણાવતા કહ્યું કે ‘ફિલ્મોમાં અભિનેતા તરીકે લોન્ચ થતા પહેલા તે માર્શલ આર્ટ ટ્રેઇનર રહી ચૂકેલો છે જેથી એક્શન અને સ્ટંટવાળા રોલ વધુ સરળ અને સારી રીતે નિભાવી શકે છે.’

અક્ષયકુમારની ફિલ્મક્ષેત્રે અત્યારસુધીની મજલનું રસપ્રદ વિશ્લેષણ કરીએ તો પ્રતીત થાય કે અક્ષયકુમારે વૈવિધ્યસભર ભૂમિકા સૂપેરે ભજવી જાણી છે. અક્ષયકુમારે પોતાની ફિલ્મી સફરમાં એક્શન,બ્લેક કોમેડી,રોમેન્ટિક કૉમેડી,સસ્પેન્સ થ્રિલર,સટાયરિકલ કોમેડી,પોલિટિકલ થ્રિલર અને સોશિયલ અવેરનેસ જેવી વિવિધ થીમ ધરાવતી વૈવિધ્યસભર ફિલ્મોમાં અભિનય કર્યો છે.

અક્ષયકુમાર – ખિલાડીકુમાર

અક્ષયકુમારનું નામ બદલીને ખિલાડીકુમાર કરી દેવામાં આવે તો પણ જરાય અતિશયોક્તિભર્યું ન ગણાય. અક્ષયકુમારે 'ખિલાડી' શબ્દ ફિલ્મના નામમાં હોય એવી અધધ આઠ ફિલ્મ કરી છે,જે 'ખિલાડી' સિરીઝ તરીકે પ્રચલિત છે.અહીં સિરીઝ કહેવા પાછળનું કારણ તમામ મૂવીના નામમાં 'ખિલાડી' શબ્દ અને લીડ એકટર અક્ષયકુમાર હોવાની સામ્યતા છે.વર્ષ 1992થી લઈને 2012 એમ વીસ વર્ષના ગાળામાં 'ખિલાડી' સિરીઝની ફિલ્મોમાં અક્ષયકુમારે લાગલગાટ અભિનય કર્યો.

અક્ષયકુમારને સિનેજગતમાં સફળતા પણ અબ્બાસ મસ્તાનની જોડી દ્વારા દિગ્દર્શિત વર્ષ 1992માં આવેલી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'ખિલાડી' થકી પ્રાપ્ત થઈ. આ ફિલ્મ 'ખિલાડી' સિરીઝની પહેલી ફિલ્મ છે.

ત્યારબાદ વર્ષ 1994માં 'મે ખિલાડી તું અનાડી', વર્ષ 1995માં 'ખિલાડીઓ કા ખિલાડી', વર્ષ 1996માં 'ખિલાડીઓ કા ખિલાડી', વર્ષ 1997માં 'Mr. and Mrs. Khiladi', વર્ષ 1999માં 'ઇન્ટરનેશનલ ખિલાડી', વર્ષ 2000માં 'ખિલાડી 420' અને છેલ્લે વર્ષ 2012માં રિલીઝ થયેલી 'ખિલાડી 786'માં લીડ એક્ટર તરીકેનો અભિનય કર્યો.

'ખિલાડી' સિરીઝની મોટાભાગની ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. 'Mr. and Mrs. Khiladi' અને 'ખિલાડી 786' સિવાયની તમામ ફિલ્મ એક્શન મૂવી હતી. 'Mr. and Mrs. Khiladi' રોમેન્ટિક કોમેડી હતી તો ફિલ્મ 'ખિલાડી 786' એક્શન કોમેડી હતી.

હાસ્યોત્સવ-દે ધના ધન

અક્ષયકુમાર પોતાની કારકિર્દી દરમિયાન કોમેડી ફિલ્મ થકી પણ દર્શકોની નજરમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.અક્ષયકુમારની કૉમેડી ફિલ્મમાં એક્ટિંગ દર્શકોનું મનોરંજન કરવામાં મોટાભાગે સફળ રહી છે.

વર્ષ 1997માં આવેલી 'Mr. and Mrs. Khiladi' એ અક્ષયકુમારની પહેલી કૉમેડી ફિલ્મ કહી શકાય. વર્ષ 2000માં આવેલી 'હેરાફેરી'માં અક્ષયકુમારની એક્ટિંગ લાજવાબ છે. આ ફિલ્મ ન માત્ર બોક્સઓફીસ પર હિટ ગઈ પરંતુ આજેય ઘણા ફિલ્મરસિયાઓ માટે બોલીવુડની કૉમેડી ફિલ્મમાં શ્રેષ્ઠ કૉમેડી ફિલ્મની યાદીમાં સ્થાન પામે છે. આ જ ફિલ્મની સિકવલ 'ફિર હેરાફેરી' વર્ષ 2006માં રિલીઝ થઈ જે પણ સુપરહિટ રહી.

અક્ષયકુમારે 'હાઉસફૂલ' સિરીઝની ત્રણેય ફિલ્મ 'હાઉસફૂલ', 'હાઉસફૂલ 2' અને 'હાઉસફૂલ 3'માં પોતાના અભિનય દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું છે.

આ ઉપરાંત અક્ષયકુમારની અન્ય નોંધનીય કોમેડી ફિલ્મમાં 'દે ધના ધન', 'બોસ', 'ભાગમભાગ વેલકમ સિંઘ ઇઝ કિંગ હે બેબી આવારા પાગલ દિવાના ગરમ મસાલા અને મુજસે શાદી કરોગી નો સમાવેશ થાય છે જેમાં જુદા જુદા પાત્રો ભજવીને દર્શકોને ખડખડાટ હસાવીને નામના મેળવી છે.

આઉટ ઓફ બોક્સ

આઉટ ઓફ બોક્સ એટલે પરંપરાગત કે પોતાની હંમેશની આદતથી નોખું કરવું. અક્ષયકુમારે પોતાની કારકિર્દી દરમિયાન કેટલીક આઉટ ઓફ બોક્સ કેટેગરીની ફિલ્મમાં પણ અભિનય કર્યો છે. ચાલો જોઈએ અક્ષયની કેટલીક આઉટબોક્સ ફિલ્મ્સ!

1.OMG

વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ 'omg'માં અક્ષયકુમારે ભગવાન કૃષ્ણનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. 'OMG' મૂવી એ ગુજરાતી નાટક 'કાનજી વિરૂધ્ધ કાનજી' પરથી બનાવાયું છે.આ ફિલ્મ દ્વારા જનમાનસમાં પ્રવર્તતી ધાર્મિક માન્યતાઓ પર કટાક્ષ દ્વારા એક સામાજિક સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે.

2. 'હોલી ડે- અ સોલ્જર ઇઝ નેવર ઓફ ડ્યુટી

'હોલી ડે' મૂવીમાં અક્ષયકુમાર ઇન્ડિયન આર્મીની વિંગ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીના કપ્તાનનો રોલ અદા કરે છે જે સમગ્ર મૂવી દરમિયાન દેશની આંતરિક સુરક્ષા માટે ઘાતક એવા સ્લીપર સેલના સભ્યો અને તેમના દ્વારા આયોજિત ષડયંત્રોને એક પછી એક નાકામ બનાવે છે. આ ફિલ્મમાં અક્ષય દ્વારા ભજવાયેલી ભૂમિકા નોંધપાત્ર રહી.

3. બેબી

વર્ષ 2008ના મુંબઈ હુમલા બાદ 'બેબી' નામે એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી જેનું કામ હુમલાઓનું આયોજન કરતા આતંકવાદીઓને શોધીને સફાયો કરવાનું હતું. આ ફિલ્મમાં અક્ષયકુમારે લીડ એક્ટરનો રોલ બખૂબી નિભાવ્યો છે.

4. રુસ્તમ અને જોલી LLB2

આ બંને મૂવી ઇન્ડિયન જ્યુડિશિયરી પર આધારિત છે. 'રુસ્તમ' એ વર્ષ 1959માં K.M.નાણાવટી વિ. સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર નામના કેસ પરથી બનેલી ફિલ્મ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસથી ભારતીય ન્યાયપ્રણાલીમાં એક નવો જ વળાંક આવેલો.

જોલી LLB2 એ બ્લેક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં પાવરફૂલ લોયર અને અધિકારીઓ સિસ્ટમને કેવી રીતે મેનીપ્યુલેટ કરે છે એ દર્શાવવામાં આવ્યું છે આ ફિલ્મમાં અક્ષયકુમાર પાવરફૂલ લોયર અને અધિકારીઓ વિરુદ્ધ સચ્ચાની લડત માટે લડતા એક લો પ્રોફાઈલ વકીલનો રોલ નિભાવે છે.

5. ટોઇલેટ - એક પ્રેમકથા

વર્ષ 2017માં આવેલી ફિલ્મ 'ટોઇલેટ - એક પ્રેમકથા' કટાક્ષ દ્વારા ભારતમાં ખુલ્લામાં હાજતે જવાની આદત અને હજુ પણ શૌચાલય બાબતે જાગૃતિના અભાવના મુદ્દાને રજૂ કરે છે. આ ફિલ્મ શૌચાલય વપરાશને ઉત્તેજન આપવાનો સામાજિક સંદેશ છોડવામાં સફળ નીવડે છે.

6. પેડમેન

વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'પેડમેન' એ તામિલનાડુના સોશિયલ આંત્રપ્રિન્યોર અરુણાચલમ મુરુગનાથમના જીવન આધારિત છે. આજે પણ ભારતીય મહિલાઓ માસિકધર્મ દરમિયાન કપડાં,કોથળાના ડૂચા કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે. સેનેટરી પેડ વાપરવામાં આજે પણ ભારતીય મહિલાઓ ખચકાટ અનુભવાય છે. જેની પાછળનું કારણ તેની રકમ અને જાગૃતિનો અભાવ છે. ફિલ્મમાં લો કોસ્ટ સેનેટરી નેપકીન બનાવીને કરોડો મહિલાઓને સ્વસ્થ જિંદગી બક્ષનારની કહાની સફળ રીતે રજૂ કરાઈ છે. આ ફિલ્મમાં 'અરુણાચલમ'નું પાત્ર અક્ષયકુમારે નિભાવ્યું છે.

7. એરલિફ્ટ

વર્ષ 2016માં રિલીઝ થયેલી 'એરલિફ્ટ' એ પોલિટિકલ થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષયકુમારે કુવૈતમાં રહેતા ભારતીય બિઝનેસમેનનું પાત્ર નિભાવ્યું છે. ખાડીયુદ્ધ પછી કુવૈત પર ઇરાકે કરેલા હુમલામાં રાજકીય અને સૈન્ય અરાજકતાનો માહોલ પેદા થાય છે. આ માહોલ ભારતીયોને બચાવવા માટેનો પ્રયાસ કરતા બિઝનેસમેન રાજીવ કટયાલ પાત્ર અક્ષયકુમારે સુપેરે નિભાવ્યું છે.

ભવિષ્યના પ્રોજેક્ટ

અક્ષયકુમાર આ વર્ષે 'કેસરી', 'મિશનમંગલ', 'ગુડન્યુઝ', 'હાઉસફુલ4', અને 'સૂર્યવંશી' જેવી જુદા જુદા વિષય અને થીમ આધારિત કુલ પાંચ ફિલ્મ સાથે રૂપેરી પડદે દર્શકોનું મનોરંજન કરશે.

'કેસરી' એ ઇન્ડિયન વૉર ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ વર્ષ 1897માં 21 શીખ અને 10000 અફઘાન વચ્ચે થયેલું યુદ્ધ કે જે 'બેટલ ઓફ સરગ્રહી' તરીકે જાણીતું છે એના પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર પરિણીતી ચોપરા સાથે અભિનય કરતો નજરે ચઢશે.

'મિશન મંગલ' એ સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરેલું એવા ભારતીય અવકાશ એજન્સી ઇસરોના માર્સ ઑરબીટર મિશન પર બની છે.

'ગુડ ન્યૂઝ' એ કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં અક્ષયકુમાર અને કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી રાખવા માટે પ્રયત્ન કરતા કપલની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

અક્ષયકુમારની અંગત જિંદગી

અક્ષયકુમારે વર્ષ 2001માં મિલેનિયમ સુપરસ્ટાર રાજેશખન્નાની પુત્રી ટ્વીનકલ ખન્ના સાથે લગ્ન કર્યા. અક્ષયકુમારના સંતાનમાં પુત્ર આરવ અને પુત્રી નિતારાનો સમાવેશ થાય છે. અક્ષયકુમારની પત્ની ટ્વીનકલ ખન્ના ભૂતકાળમાં અભિનેત્રી તરીકે કામ કર્યું, અત્યારે ન્યૂઝપેપરમાં કૉલમિસ્ટ અને ઇન્ટિરિયર તરીકેની કારકિર્દીમાં વ્યસ્ત છે. ટ્વિનકલ ખન્નાએ પોતાની ન્યૂઝકોલમના લેખથી પ્રેરિત બુક 'Mrs Funnybones' લખી છે જેને વાચકોનો દ્વારા સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ટ્વીનકલે અન્ય બુક 'ધી લીજન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ'માં ફેમિનિઝમ જેવા વિષયને આલેખ્યો છે.

અક્ષયકુમાર બૉલીવુડના 'પાર્ટી-કલચર'માં જવાનું ઘણું ઓછું પસંદ કરે છે.પોતાના સ્વાસ્થ્ય માટે સદાય જાગૃત અક્ષયકુમાર રાત્રે વહેલા સુવાનું અને સવારે વહેલા ઉઠીને કસરત કરવાનું વધુ પસંદ કરે છે. આ ઉપરાંત અક્ષયકુમાર બૉલીવુડના એવોર્ડ સમારંભમાં પણ જવાનું પસંદ નથી કરતા જેની પાછળનું કારણ પૈસા લઈને આપવામાં આવતા એવોર્ડ છે.

અક્ષયકુમારે સિનેજગતમાં કરેલા યોગદાન માટે પુરસ્કાર પણ મેળવ્યા છે. વર્ષ 2009માં અક્ષયકુમારને ફિલ્મક્ષેત્રે કરેલા પ્રદાન માટે પધમશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો. વર્ષ 2016માં નેશનલ ફિલ્મ એવોર્ડ ફોર બેસ્ટ એક્ટર ફિલ્મ 'રુસ્તમ'માં કરેલા પ્રશંસનીય અભિનય માટે અક્ષયકુમારને પ્રાપ્ત થયો. આ ઉપરાંત બે ફિલ્મફેર એવોર્ડ પણ અક્ષયકુમાર પોતાના નામે કરી ચુક્યો છે.

માનવતાભર્યો અભિગમ ધરાવતા અક્ષયકુમાર 'ગિવિંગ બેક ટુ સોસાયટી' વિશ્વાસ ધરાવે છે. મહારાષ્ટ્રના દુષ્કાળ પીડિત ખેડૂતોને રૂ.90 લાખ જેટલી માતબર રકમની સહાય કરી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના વિદર્ભમાં આવેલું ગામ કે જ્યાના ખેડૂતો વારંવાર આત્મહત્યા કરતા હતા એ ગામને દત્તક લીધું છે. આ ઉપરાંત મુંબઈમાં મહિલાઓને સ્વબચાવ માટે નિઃશુલ્ક માર્શલ આર્ટની ટ્રેઇનિંગ આપતી એકેડમી ખોલી છે જેનો તમામ ખર્ચ અક્ષયકુમાર ઉઠાવે છે. અત્યારસુધી 4000 મહિલાઓને સ્વબચાવ માટેની તાલીમ આપીને સજ્જ કરી છે.

ભારતીય નાગરિકો કે જેઓ ભારતની સુરક્ષા માટે શહીદ થયેલા જવાનોની ફેમિલીને નાણાકીય મદદ કરવા ઇચ્છતા હોય તેમના માટે 'ભારત કે વીર' એપનું નિર્માણ એ અક્ષયકુમારે કરેલા પ્રસ્તાવને આભારી છે. નોંધનીય છે કે આ એપનું લોન્ચિંગ પણ અક્ષયકુમારે જ કર્યું હતું.

આ ઉપરાંત ચેન્નાઇમાં આવેલા પુરને પગલે અક્ષયકુમારે એક કરોડ રૂપિયા રાહત અને બચાવકામગીરી માટે દાનમાં આપ્યા હતા, તો સલમાન ખાન દ્વારા રચિત ચેરીટેબલ ટ્રસ્ટ 'બીઇંગ હ્યુમન'માં પણ રૂ.50 લાખની રકમ દાન કરી છે.

અક્ષયકુમારે પોતાની ફિલ્મ 'બ્રધર્સ'ના પ્રમોશન દરમિયાન પંજાબની એક યુનિવર્સિટીમાં યુવાનોને ડ્રગ્સના સેવનથી દૂર રહીને સંયમિત જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.

તાજેતરમાં જ અક્ષયકુમાર ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતા રોડ સેફટી કેમ્પઇનનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. આ કેમ્પઈનમાં અક્ષયકુમાર 'ક્યોંકી રોડ કિસી કી બાપ કી નહીં હૈ' થીમ આધારિત એડ ફિલ્મ્સ દ્વારા ભારતીય જનમાનસમાં રોડ સેફટી અંગે હકારાત્મક બદલાવ લાવવાનો પ્રયાસ કરે છે.

આમ અક્ષયકુમાર એક સારા અભિનેતા હોવાની સાથે મેન વિથ ગોલ્ડન હાર્ટ પણ છે.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Kishan Chavda

Kishan Chavda 10 માસ પહેલા

Bhavin Parkhiya

Bhavin Parkhiya 1 વર્ષ પહેલા

Nancy Dalsania

Nancy Dalsania 1 વર્ષ પહેલા

P N Gadhavi

P N Gadhavi 1 વર્ષ પહેલા

Dr Jay vashi

Dr Jay vashi 1 વર્ષ પહેલા