૨૨ સિંગલ - ૨૦ Shah Jay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૨૨ સિંગલ - ૨૦

૨૨ સિંગલ

ભાગ ૨૦

(અનુ ને અક્ષત અને કાજલ વળી વાત કરીને હર્ષે ફરી ‘નારદમુની’ નું કામ કર્યું હતું. હવે અક્ષત અનુ ને કઈ રીતે મનાવે છે અને એમાં હર્ષ શું લાફ્ટર લાવે છે એ વાંચો આ ભાગમાં....)

બે દિવસ પછી અનુ નો બર્થડે આવતો હતો. આ વર્ષે અક્ષત અનુ ને ખુદ ના કમાયેલા પૈસા માંથી જ ગીફ્ટ આપવા માંગતો હતો. અત્યાર સુધી તો ‘પોકેટ મની’ માંથી બચાવેલા કે મિત્રો પાસેથી ઉછીના લીધેલા પૈસા માંથી જ ગીફ્ટ આપી હતી અને આમ પણ હર્ષે કાજલ વિશેની બધી વાત કરીને બંને વચ્ચે ફરી લડાઈ કરાવી જ હતી. એટલે અનુ ને મનાવવાની અને એની બર્થડે એમ બે ગીફ્ટ અથવા તો કોઈ એક જ મોટી ગીફટ આપવી પડે.

હર્ષ આજે કંપનીમાંથી ત્રણ દિવસ ની રજા લઇને ઘરે આવતો હતો. અક્ષત એને સ્ટેશન પર લેવા જ આવ્યો છે.

હર્ષ દુરથી જ અક્ષત ને જોઇને હાથ જોડીને અને કાન પકડીને માફી માંગે છે.

અક્ષત : “બાબા, પહેલા નજીક તો આવો.”

હર્ષ : “સોરી ભાઈ, માફ કરી દે.”

અક્ષત : “અચ્છા, આ સોરી પહેલા કરેલા કાંડ નું છે કે હજી હવે જે કરવાનો છે એનું છે?”

હર્ષ : “ના ભાઈ, પહેલાનું. એડવાન્સ માં થોડું ‘સોરી’ કહેવાય. એ તો હવે કઈક કરીશ પછી ફરી કહીશ.”

અક્ષત : “ચલ ‘નારદમુની’, પહેલા ચા પીવા જઈએ પછી તને ઘરે મૂકી જાવ.”

(ચા ની કીટલી એ )

અક્ષત : “મને ખબર નથી પડતી કે તારું આટલું મોટું પેટ છે, તો પણ આટલી નાની વાત અંદર રહી કેમ નથી સકતી ?”

હર્ષ (બિસ્કીટ નું બીજું પેકેટ પૂરું કરતા) : “જો દોસ્ત, પેટ મોટું છે એટલે ખોરાક વધારે જોઈએ. અને ખોરાક શરીરમાં જાય તો એને પણ જગ્યા તો જોઈએ ને!! એટલે આવી વાતો હોય એ નીકળી જાય.”

અક્ષત : “ઓવે....અને ના પડી હતી તો પણ લાયબ્રેરીવાળી વાત પણ કહી જ દીધી. હવે એના માટે શું બહાનું આપશો મુનીસાહેબ?”

હર્ષ : “એના માટે બહાનું નહિ, પણ અનુ ની જીદ કહીશ. એણે મારા મોમાં આંગળા નાખીને બોલાવડાવ્યું બધું. મેં વાત બદલવા પ્રયત્ન કર્યો પણ અનુ એની એ જ વાત કર્યા કરે એટલે પછી મારાથી પણ બોલી જવાયું.”

અક્ષત : “ભાઈ, બધી જ છોકરીઓ વાત કઢાવવા માં એક્ષ્પર્ટ હોય. હા. પણ તને ક્યાંથી ખબર હોય તું તો ‘મર્દો ની દુનિયા’ માં રહે છે જ્યાં કોઈ ફીમેલ છે જ નહી. પૃથ્વી પરની ફીમેલ જેન્ડર બસ તમે જોઈ જ શકો, ફીલ તો કરી સકતા નથી. પછી આવી બધી વાતો ક્યાથી ખબર હોય.”

હર્ષ : “મારી લીધો ટોન્ટ. ખુશ થા હવે. તને શું ખબર, કોઈ છોકરી ‘ના’ પડે ત્યારે દિલ પર શું વીતતું હશે!!!”

અક્ષત : “એવું? તો ભાઈ તને પણ ક્યાં ખબર છે કે છોકરી ‘હા’ પડે પછી શરીર – મગજ- ખીસા પર શું વીતતું હશે. તું સારું છે સિંગલ છે, ખબર નહિ કેમ મિંગલ થવાની જીદ લઈને બેઠો છે. પોતાની જ જિંદગી ઉજાડવા તૈયાર થયો છે.”

હર્ષ : “કેમ એવું તો તને શું દુઃખ છે?”

અક્ષત : “મારા બધા દુઃખ નું કારણ પૂછે કે ‘જડ’ એ તું જ છે. દીવાસળી તે ચાંપી. અને હવે પૂછે છે શું દુઃખ છે એ.”

હર્ષ : “સોરી તો કીધું ને પણ.”

અક્ષત : “આ વખતે સોરી થી નહિ ચાલે. એક હજાર રૂપિયા આપ. તારી ભૂલ હવે તને તારી જ ભાષામાં સમજાવી પડશે.

જર્સ : “કેમ ભાઈ, શેના હજાર રૂપિયા?

અક્ષત : “તે જે આ કાજલ વિશેની વાત અનુ ને કીધી ત્યારથી એ મોઢું ચડાવીને બેઠી છે. મનાવવી તો પડશે ને એને!!! વળી, બે દિવસ માં એની બર્થડે પણ છે એટલે એને એ દિવસે તો પટાવવી જ પડે.”

હર્ષ : “જા ને, હું કઈ પૈસા નું ઝાડ નથી. આટલા આપ ને તેટલા આપ.”

અક્ષત : “પણ તને ક્યાં પૈસા નું ટેન્શન જ છે. આટલો સારો પગાર છે ને એકલો રહે છે એટલે કોઈ ખર્ચો પણ નથી. તારે ક્યાં કોઈને ગીફ્ટ આપવાની જ હોય છે!!!”

હર્ષ : “હા, પણ મેં ભવિષ્યમાં આવવા વાળી માટે અત્યારથી સેવિંગ્સ રાખ્યું છે. એટલે હું તને વધારે રૂપિયા નહિ આપું.”

અક્ષત : “ભવિષ્યમાં આવવા વાળી માટે? બાપ રે, આટલો ઝલીલ થયો હોવા છતાં તને તારા ઉપર એટલો ભરોસો છે કે હજી કોઈ આવશે?”

હર્ષ : “જા ને યાર, આવું ના બોલ. આવશે જ કોઇક તો. અને એને એવી ગીફ્ટ આપીશ કે તું અનુ ને પણ નહિ આપી શકે. અને પછી તારા અને અનુ વચ્ચે લડાઈ થશે. ત્યારે મને ગાળો ના દેતો.”

અક્ષત : “મતલબ , તારી ગર્લફ્રેન્ડ આવે પછી પણ મારી અને અનુ વચ્ચે ની લડાઈ નું કારણ તો તું જ હોઈશ એમ ને?”

હર્ષ : “તું અત્યાર ની લડાઈ નું વિચાર. શું ગીફ્ટ આપીશ એ બોલ.”

અક્ષત : “એ જ ખબર નથી પડતી.”

હર્ષ : “હમણાં માર્કેટમાં બ્લ્યુટુથ નું નવું મસ્ત મોડેલ આવ્યું છે. ઓફર પણ સારી છે એના પર.”

અક્ષત : “તારી બર્થડે નું પછી વિચારીશું. અત્યારે અનુ માટે વિચાર ને.”

હર્ષ : “મેં અનુ માટે જ કીધું.”

અક્ષત (હર્ષ સામે એકદમ ‘સ્ટ્રોંગ લુક’ આપીને) : “બ્લ્યુટુથ?? અનુ માટે?”

હર્ષ : “હા, કેમ? એની પાસે છે?”

અક્ષત : “એ શું કરવાની બ્લ્યુટુથ નું? એને તારા જેવો ટેકનોલોજી અને ગેજેટ્સ નો શોખ નથી.”

હર્ષ : “તો પછી અમીશ ત્રિપાઠી ની બુક આપી દે.”

અક્ષત (હર્ષને બાવડા માંથી ઉભો કરીને) : “હર્ષ, તું જા અહિયાથી.”

“હાલી નિકળ્યો છે છોકરી પટાવવા. છોકરી ને બર્થડે માં ગીફ્ટ શું આપવી છે? બ્લ્યુટુથ અને અમીશ ત્રિપાઠી ની બુક!!!!! પછી ક્યાંથી તારું સેટિંગ થાય. ભૂલ માં થઇ પણ જાય ને તો પેલી માથું પછાડે આવો બોયફ્રેન્ડ હોય તો.”

હર્ષ : “મેં શું કર્યું? તને મદદ જ તો કરું છું.”

અક્ષત : “તું બાઈક પર બેસ. હું તને ઘરે મૂકી જાવ. તું ફ્રેશ થઇ જાય એટલે મને ફોન કરજે, હું ત્યાં સુધી આસપાસ માં થોડો ફરી લવ અને કંઇક ગમે તો અનુ માટે લઇ લઉં. આ બધી વાત માં તું તારું દિમાગ ના વાપર. એ બહુ જ કામનું છે એને આવા ફાલતું કામ માં ઉપયોગ ના કર.”

હર્ષ : “સીધે સીધુ કહે ને કે તારે એકલા એ જ જવું છે. એવું હતું તો મને બોલાવ્યો કેમ? હું કાલે જ પાછો જતો રહીશ. કોઈને મારી કઈ પડી જ નથી.”

અક્ષત : “હર્ષયા, જાડ્યા, ગેંડા, હવે હદ થાય છે. તું બાઈક પર બેસ. મને ત્રાસ ના આપ. એક બાજુ તું છે અને બીજી અનુ. એમ પણ અનુ ને કાજલ વળી વાત કરીને લડાઈ કરાવી છે. હવે એને મનાવવા બ્લ્યુટુથ અને બુક આપવાની સલાહ આપે છે.”

હર્ષ : “ એ કેમ ના અપાય એ સમજાવ પહેલા.”

અક્ષત : “એ તું મને નહિ, મનાલી ને પૂછજે.”

હર્ષ : “ના મનાલી ને શું કામ, હું અનુ ને જ પૂછીશ.”

અક્ષત : “ના ભાઈ. બિલકુલ નહી. અનુ ને ખબર પડી જશે કે એને હું ગીફ્ટ આપીને પટાવવાનો છું તો માનતી હશે એ પણ નહિ મને.”

હર્ષ : “પણ હું એને નહિ કહું ને કે અક્ષત આવું વિચારે છે.”

અક્ષત : “એ કઈ તારા જેવી બુદ્ધુ નથી. બહુ સ્માર્ટ છે. એને બધી ખબર પડી જશે.”

હર્ષ : “એવું? જોયું, બહેન કોની છે?”

અક્ષત : “હા એ તો સ્માર્ટ છે જ. પણ ખબર નહિ તારામાં કેમ નથી કઈ? અને ભાઈ બીજી વાત. દરેક છોકરી માં એટલી તો બુદ્ધિ હોય જ. છોકરી સાથે રહે ને ત્યારે ખબર પડે.” આમ, મર્દ જાતિનો ઠેકો બની ને બેઠા હોય તો કઈ ખબર ના પડે.”

હર્ષ : “બસ તું આમ ટોન્ટ મારી લે. કોઈ દિવસ ખોટું લાગશે ને તો વાત જ નહી કરું.”

અક્ષત : “બસ ભગવાન કરીને એ દિવસ જલ્દી આવે. તારા આ બૈરીવેડા થી તો શાંતિ થાય.”

હર્ષ : “કોઈ દિવસ નહિ, હવે આજથી જ નહી કરું.”

(હર્ષ મોઢું ચડાવીને બાઈક પર બેસી ગયો)

અક્ષત : “ઓ મર્દની બૈરી, મારી સામે આવા નખરા નહી ચાલે.”

હર્ષ : “નખરા નથી કરતો. હવે સાચે તારી સાથે વાત નહી કરું.”

અક્ષત : “હા તો ના કરતો. ચલ મારી બાઈક પરથી ઉભો થા. મારે અનુ ને ગીફ્ટ આપવાની છે તો હું એ લેવા જાવ.”

હર્ષ : “ના, પહેલા મને ઘરે મૂકી જા. મને બહુ બાથરૂમ લાગી છે.”

અક્ષત : “હા તો આ સામે જ લેડીઝ બાથરૂમ છે, જઈ આવ. છુટ્ટા રૂપિયા ના હોય તો લે 2 રૂપિયા આપું. (હસતા હસતા ખીસા માંથી પર્સ કાઢીને બે રૂપિયા કાઢવા જાય છે......).

હર્ષ બાઈક પરથી ઉતરીને અક્ષતને બરડા પર એક ઢીક મારીને રીક્ષા સ્ટેન્ડ તરફ ચાલવા માંડે છે.)

અક્ષત ( હસતા હસતા આકાશમાં ભગવાન તરફ જોઇને) : “હે ભગવાન, ક્યાં તો આને છોકરી અપાવ નહિ તો આને જ છોકરી બનાવ. આ મારે તો દોઢ છોકરી સંભાળવી પડે છે. એક અનુ, જેના નખરા ઓછા નથી થતા અને એનો આ ભાઈ, જેની અડધી વાતો છોકરી જેવી હોય છે.”

સાંજે અક્ષત હર્ષના ઘરે એની ફેવરીટ આલુ પૂરી લઈને ગયો ત્યારે માન્યો. (ફ્રેન્ડશીપ કોને કીધી!!!!!) બંને અનુ માટે ગીફ્ટ લેવા માર્કેટ ગયા. માર્કેટ માં બે ચાર દુકાન ફર્યા પણ શું લેવું એ કઈ ખબર ના પડી ત્યાં બાજુમાં લેડીઝ માટે કપડાનો સેલ જોઇને બંને અંદર ઘુસ્યા. અક્ષત કાઉન્ટર પાસે ઉભા રહીને સેલ માં કઈ કઈ વસ્તુ છે એનો ઓવરવ્યુ લેતો હતો ત્યાં હર્ષ તો કોઈ ખજાનો જોતો હોય એમ દુકાનમાં સીધો અંદર જઈને કયા કપડા ક્યાં પહેરાય એ જોતો હતો. ત્યાં અચાનક એક માસી એ જોરથી ચીસ પડી.

હર્ષ જે બાજુ ઉભો હતો ચીસ ત્યાંથી જ સંભળાઈ. સેલ માં આવેલી બધી લેડીઝ ઉપરાંત સેલનો માલિક અને અક્ષત નું ધ્યાન પણ ત્યાં ગયું. પણ અક્ષતને પાછળથી હર્ષનો કમરવાળો ભાગ જ દેખાતો હતો. એની આગળનું બધું હર્ષે એની જાયન્ટ બોડી થી કવર કરી લીધી હતું. સેલનો માલિક અને બીજા એક બે લેડીઝ કોણે અને કેમ બુમ પાડી એ જોવા તરત એ બાજુ ધસ્યા.

માલિક : “મેડમ, શું થયું?”

લેડીઝ : “કઈ નહિ. આ તો હું ચેન્જ રૂમ માંથી કપડા ચેન્જ કરીને બહાર આવી ત્યાં આ જાડ્યો છોકરો (હર્ષની સામે આંગળી ચીંધીને) અચાનક મારી સામે આવી ગયો. એટલે ગભરાઈને મારાથી બુમ પડી ગઈ.”


સેલનો માલિક અને આસપાસ ના બધા હસવા લાગ્યા. હર્ષે અક્ષતને હાકલ મારી. અક્ષત પણ હસતા હસતા હર્ષની પાસે ગયો. હર્ષની તો નસ કાપો પણ લોહી નીકળે ના એવી હાલત થઇ ગઈ. ત્યાં જ એક બીજી કોઈ લેડીઝ નો અવાજ આવ્યો.

બીજી લેડીઝ : “આ લેડીઝના કપડા ના સેલમાં આ છોકરાઓ શું કરે છે. એમને બહાર કાઢો. અમારી ઈજ્જત નું શું? ઘર માં એમની કોઈ માં-બહેન છે કે નહિ?”

આટલું બોલતા જ બીજી ત્રણ-ચાર લેડીઝ સપોર્ટમાં “હા હા બહાર કાઢો” ની બુમ પાડવા લાગી. હર્ષ તો બાઘા ની જેમ આગળ પાછળ જોતો હતો. અક્ષતે તરત પરિસ્થિતિ સમજીને હર્ષનો હાથ પકડીને બધી લેડીઝ ની વચ્ચે થી કાઢી કાઉન્ટર પાસે લઇ ગયો.

અક્ષત ( નારા લગાવતી લેડીઝ સામે જોઇને ) : “કેમ માસી? તમારી સેફટી અને પ્રાયવસી નું બહુ લાગતું હોય ને તો અહીયાના ચેન્જ રૂમ માં નહી તમારા ઘરમાં જઈને કપડા ચેન્જ કરો. અને બીજી વાત, કેમ છોકરાઓ તમારા કપડા ના સેલ માં ના આવી સકે? જો એવું હશે ને તો મંજુર છે, તમારા હસબન્ડ કે તમારો છોકરો કે તમારો ભાઈ તમારા માટે કોઈ દિવસ કપડા ખરીદીને તમને ગીફ્ટ નહી કરે. વળી, સેલનો માલિક પણ પુરૂષ જ છે. એવું હોય તો એને પહેલા બહાર કાઢો. આપોઆપ તમારો સેલ પણ બંધ થઇ જશે.”

“આ છોકરો મારી સાથે મારી મમ્મી માટે ગીફ્ટ લેવા આવ્યો છે. એની બોડી જોઇને તમે ગભરાઈ ગયા એમાં એનો શું વાંક? તમને ‘ચેન્જ’ કરતા કોઈને જોવું નથી.”

લેડીઝ ની ભીડ સામે આટલું બોલીને અક્ષત હર્ષને સેલ ની બહાર લઇ જવા ખેંચ્યો. પણ ૧૦૦ કિલો વજન નું જડત્વ પણ એટલું વધારે કે હર્ષ એની જગ્યા એ થી હલ્યો પણ નહી અને ત્યાં જ ‘ઠોયા’ જેવો ઉભો રહ્યો.

અક્ષત (હર્ષ સામે અકળાઈને ) : “એ જાડ્યા, હાલતી નો થા ને. માર ખાઈને જ નીકળવું છે શું?”

હર્ષ તરત ભાન માં આવતો હોય એમ ફટાફટ ભાગીને અક્ષત સાથે બાઈક પર બેસી ગયો. અક્ષતે ત્યાંથી બાઈક મારી મૂકી. રસ્તામાં થોડે આગળ જઈને બાઈક ઉભી રાખી અને હર્ષને ઊતરવાનું કહ્યું.

અક્ષત : “ ઉતર સાલા. શું કર્યું તે ત્યાં?”

હર્ષ : “શું? મેં શું કર્યું?”

અક્ષત : “બે યાર, આ સવાલ ને લીધે હું છે ને કોઈ દિવસ તને ગોળી એ દઈશ. કશું પણ થાય તો એકદમ લાચાર ચેહરે ‘મેં શું કર્યું’ કરીને બેસી જાય.”

હર્ષ : “પણ ખરેખર, મેં કઈ જ નથી કર્યું. હું તો કપડા જોતો હતો ત્યાં એમણે અચાનક મારી સામે જોઇને બુમ પાડી.”

અક્ષત : “તો તારાથી બોલાય નહી. મૂંગો કેમ ઉભો રહી ગયો હતો. હું કઈ બોલ્યો ના હોત ને તો આજે ઢીબી નાખ્યો હોત આ લોકો એ.”

હર્ષ : “હા ભાઈ, થેંક યુ. પણ હવે મારે કોઈ જગ્યા એ ગીફ્ટ લેવા નથી આવવું તું લઈ આવ.”

અક્ષત : “લો બોલો, બધી મર્દાનગી બે જ મીનીટમાં શીસસસ્સ... કરીને નીકળી ગઈ.”

હર્ષ : “ના એવું નથી.”

અક્ષત : “એવું જ છે. બાઈક પર બેસ. આજે કોઈ પણ હિસાબે ગીફ્ટ લઈને જ જવાનું છે.”

હર્ષ ફરી અક્ષતની બાઈક પર સવાર થયો અને બાઈક માર્કેટમાં ઘુમવા લાગી. છોકરીઓ માટેના સાઈડ બેગ, ઘડિયાળ , બેલ્ટ બધું જોઈ લીધું. પણ કોઈ વાર ગમ્યું નહિ અને જયારે ગમ્યું ત્યારે બજેટ માં આવ્યું નહી. હર્ષની ભૂખ લાગી ની બુમ ફરી ફરી સાંભળીને અક્ષતે એક દુકાન પાસે બાઈક ઉભી રાખી અને ખાવાનો ઓર્ડર આપ્યો.

હર્ષ (બાજુની દુકાન સામે આંગળી ચીંધીને) : “બાજુમાં ચપ્પલ અને છોકરીઓ ના સેન્ડલ ની દુકાન લાગે છે. હું ખાવ ત્યાં સુધી તું ત્યાં જોતો આવ.”

અક્ષત (સ્ટ્રોંગ લુક આપતા) : “હર્ષ, તને ના પડી છે ને!!! આ બાબતમાં તારે તારા દિમાગ નો ઉપયોગ જ નહી કરવાનો. જે ચપ્પલ લઉં ને એ જ ચપ્પલ થી તારી ‘બહેન – અનુ’ મને મારે.”


હર્ષ : “સારું જા તો તું જ વિચાર. મારા સજેશન તો તને ગમતા નથી, હવે કયો મોબાઈલ લેવો અને કયું મ્યુઝીક પ્લેયર સારું છે એવા સવાલો ના પૂછતો.”

અક્ષત (ધીરા અવાજે ) : હે ભગવાન , ક્યાં તો મને ઉપાડી લે નહિ તો આ ખાઉધરા ને. સાલો ચાર સમોસા ઝાપટી ગયો હજી પણ ભૂખ્યો જ છે”.

અક્ષત (દુકાનદાર ને ) : “ભાઈ, આ જાડ્યા ને હવે કઈ આપતો નહી, કેટલા થયા એ કહે હું પૈસા આપી દઉં.”

અક્ષત (હર્ષને ગુસ્સામાં) : ઓ ભૂખડીબારસ , મારું ૨૦૦૦ રૂપિયાનું બજેટ હતું. એમાંથી ૧૦% તો તને ખવડાવવા માં જ નીકળી ગયા. ઓછુ ખા ને સાલા. અને ખાઈ છે આટલું તો કંઇક સારું પણ વિચાર. ગીફ્ટમાં સેન્ડલ, અને બુક અને બ્લ્યુટુથ આપવાના વિચારો સિવાય.”

હર્ષ : “આપું મસ્ત આઈડિયા. સાંભળ. આજે ડોમિનોઝ માં ૫૦% ઓફ છે. સાંજે ત્યાં જમવા જઈએ.”

અક્ષત : “દીવાલ ક્યાં છે દીવાલ. મારે માથું પછાડવું છે.”

હર્ષ : “હા હા, આવી મઝા. દરરોજ મારી ખેંચે ને આજે મેં તારી ખેંચી.”

માર્કેટમાં ઘણું પછી આખરે કંટાળીને મનાલીને ફોન કરીને શું લેવાય એની ટીપ્સ લીધી અને એણે કીધેલી દુકાનમાં બંને ગયા. એ પણ કપડા ની જ દુકાન હતી. હર્ષને બે કલાક પહેલાની ઘટના યાદ આવતા એને અંદર આવવાની જ ના પડી પણ અક્ષત ખેંચીને અંદર લઇ ગયો.

અક્ષત : “હવે આટલું ખવડાવ્યું છે, તો અંદર તો આવવું જ પડશે. થોડી કેલેરી બાળ. અને અંદર શાંતિ થી મારી બાજુમાં ઉભો રહેજે. કોઈ કપડા ના છેડતો.”

હર્ષ : “વારુ.”

અક્ષત અને હર્ષ દુકાન માં ગયા. થોડું ફર્યા પછી અક્ષત એક જગ્યા એ આવીને ઉભો રહી ગયો. હર્ષને એક આઈટમ થોડી નવી લાગી. એણે હાથમાં લઇ એને ઉપરથી નીચે સુધી જોઈ. પણ શું છે એ ખબર ના પડી.

હર્ષ : “બે આ શું? છોકરી ઓ માં પણ લુંગી ની ફેશન આવી ગઈ. કમાલ છે હાં!!!”

હર્ષનું આટલું બોલતા જ એની બાજુમાં થી પસાર થી બે છોકરીઓ હસવા લાગી. અક્ષતે પણ સાંભળ્યું એ પણ હસવા લાગ્યો.

અક્ષત : “બે એ લુંગી નથી. ના સમાજ પડે ને તો ના બોલ.”

હર્ષ : “ચલ જા યાર, લુંગી જેવું જ તો છે. મારા મામા ને બધા હજી પહેરે છે મેં પણ એક દિવસ પહેરી હતી.”

અક્ષત (ધીમે રહીને) : “તે જે હાથમાં પકડ્યું છે એને ‘પ્લાઝો’ કહેવાય. એ લુંગી નથી. હવે ફટાફટ બહાર નીકળ.”

હર્ષ હજી કઈ કમેન્ટ કરે અને સવાર વાળું ફરી થાય એ પહેલા અક્ષત એને દુકાન ની બહાર લઇ ગયો.

હર્ષ : “શું કહેવાય?”

અક્ષત : “એને ‘પ્લાઝો’ કહેવાય. આજકાલ છોકરી ઓમાં એની ફેશન છે.”

હર્ષ : “હા તો બરાબર, બાકી હું એ જ વિચારતો હતો કે ગુલાબી કલરની પણ લુંગી આવે છે શું?”

અક્ષત : “હા હા, ત્યાં બોલવું હતું ને. હમણાં જો કોઈ તને મારવા લેતે તો હું પણ એને સાથ આપીને તને બે ચાર ધોલધપાટ કરી લેત. હવે ચલ, તું રેહવા ડે. આપણે ઘરે જઈએ. હું કાલે મનાલી ને લઈને આવીશ ને કંઈક લઇ જઈશ. તું તો મને માર ખવડાવીને જ જપસે.”

હર્ષ : “હા, તને માર ખવડાવાની સોપારી જો મેં લીધી છે.”

અક્ષત : “હા એ તો તું બખૂબી નિભાવી જ રહ્યો છે. અનુ ના હાથની નહિ તો મોં ની તારા લીધે જ ખાવી પડે છે.”

આખરે અક્ષતે હર્ષને પડતો મુક્યો અને મનાલીને લઈને શોપીંગ પર ગયો અને અનુ માટે એક સરસ કપડા અને મેકઅપ સેટ લઇ ગીફ્ટ કર્યો, ત્યારે જઈને અનુ માની. અનુની બર્થડે પાર્ટીમાં અક્ષતે હર્ષની ‘ચેન્જ રૂમથી લઈને પ્લાઝો’ સુધીની આખી સ્ટોરી બધાને સંભળાવી બધા ને ફ્રી એન્ટરટેઈન કર્યા.