કચ્છ પ્રવાસ ભાગ 3
૨૮/૧૨/૨૦૧૭ ગુરુવાર
મારા ઉઠવાના નિત્યક્રમ પહેલાં ઘણો કોલાહલ સંભળાતો હતો. ધ્યાનથી સાંભળ્યું તો ત્યાં શૈક્ષણિક પ્રવાસમાં આવેલા નાના બાળકોનો અવાજ આવતો હતો. હું પણ ઉઠીને ગરમ પાણીએ બ્રશ કરી સવારે લટાર મારવા નીકળી પડ્યો. બહાર ઘોર અંધારું અને કડકડતી ઠંડી હતી. ચાલતા-ચાલતા ગુજરાત ટુરિઝમની હોટલ તોરણ સુધી પહોંચી ગયો. પણ ઘોર અંધારૂ હોવાથી આગળ જવું ઉચિત ના લાગ્યું, એટલે પાછો ધરમશાળા આવી ત્યાંના ચોગાનમાં જ દસેક આંટા મારી લીધા. બધા બાળકો તૈયાર થઈને બહાર બેઠા હતા. તેઓ પણ ચોગાનમાં દોડવા લાગ્યા અને ઠંડી ઉડાડવા લાગ્યા. શરીરમાં થોડો ગરમાવો આવવા લાગ્યો હતો. રૂમમાં જઈને બાથરૂમમાં નળમાંથી આવતું પાણી જોયું તો એકદમ ઠંડું. વહેલી સવારે મસ્ત ગરમ પાણી આવતું હતું પણ અત્યારે મસ્ત ઠંડું પાણી આવતું હતું. જેનાથી નાહી ના શકાય. સવારે બધા બાળકોએ તૈયાર થવામાં બધા ગરમ પાણીનો ઉપયોગ કરી નાખ્યો હતો. હવે ગરમ પાણી નહોતું. હવે ગરમ પાણી માટે સૂર્ય ઉગે ત્યાં સુધી રાહ જોવી પડે પણ તેટલી રાહ જોવાય તેમ નહોતી એટલે હિંમત કરીને એ જ પાણીએ નાહી લીધું.
બધા તૈયાર થઈને ધરમશાળાની બાજુમાં આવેલી ચાની દુકાને ચા પીધી અને ઘરેથી લાવેલા મેથીના થેપલાનો નાસ્તો કર્યો. થોડા બિસ્કીટના પેકેટ લઈને કૂતરાને નાખ્યા.
સવારે સાત વાગ્યા જેવા લખપત જવાના રસ્તે આગળ વધ્યા. હજી પણ અંધારું હતું. રસ્તામાં સ્કૂલના ઘણા વિદ્યાર્થીઓ ચાલતા હતા. કદાચ નજીકમાં જ કોઈ સ્કૂલ હશે. ત્યાં લગભગ બે કિમી પછી તો શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થયેલા હતા. પણ આજુબાજુ સ્કૂલ ક્યાંય દેખાતી નહોતી. ગાડી ઉભી રાખીને બાળકો પાસે ગયા. તેમને પૂછ્યું,
“સ્કૂલ ક્યાં છે?”
“સ્કૂલ તો હજી અહીંથી 12 કિમી દૂર વર્માનગરમાં છે.”
સવારે બધા વિદ્યાર્થીઓ કનોજ ગામથી બે કિમી ચાલતા અહી આવે છે. ત્યાંથી કોઈ બસ બધા વિદ્યાર્થીઓને ૧૨ કિલોમીટર દૂર સ્કૂલે લઈ જાય છે. એક આશ્ચર્ય થયું કે સ્કૂલની તો કોઇ ફી નથી પણ સાથેસાથે બસની પણ કોઇ ફી નથી. તેમની સાથે વાતો કરી. તેઓ ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે તેમના દાદા પરદાદા અહીં આવીને વસ્યા હતા. બસ આવી ત્યાં સુધી તેમની સાથે વાતો કરી. બધા બાળકોનો સ્કૂલે જવાનો ઉત્સાહ તેમના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો. યાદગીરી માટે તેમની સાથે ફોટા પડાવ્યા.
ત્યારબાદ અમે અમારો પ્રવાસ આગળ વધાર્યો. રસ્તામાં બાવળિયા સિવાય કશુ જ નહોતુ દેખાતું. એકદમ ઉજ્જડ રોડ હતો. સવારે આઠ વાગ્યે લખપતના પ્રવેશ દ્વારે પહોંચ્યા. પ્રવેશદ્વારની અંદર રોડનું કોઈ જ નામોનિશાન નહોતું. પ્રવેશદ્વાર સુધી જ ડામર રોડ દેખાતો હતો તે પછી રોડ ગાયબ. અંદર પ્રવેશતા જ ગુરુદ્વારા દૂરથી દેખાય છે.
લખપત કચ્છનું મહત્વનું બંદર હતું. તે સમયે આ બંદરની જાહોજલાલી હતી. પણ માનવસર્જિત અવળચંડાઈ અને કુદરતી અવકૃપાને લીધે આ મંદિરની જાહોજલાલી છીનવાઈ ગઈ. સિંઘના લાલ ચોખા અહી પુષ્કળ પ્રમાણમાં થતાં તેથી આ પ્રદેશની આવક લાખોમાં થતી. તેથી આ પ્રદેશને લખપત નામથી ઓળખાય છે. શીખ ધર્મના સ્થાપક અને શીખોના ધર્મગુરુ ગુરૂનાનકે લખપતમાં કેટલોક સમય રોકાણ કર્યું હતું. તેમની યાદગીરીરૂપે અહી ગુરુદ્વારા છે.
ગુરુદ્વારામાં ગુરુ નાનકજીના પગરખાં અને પાલખી છે. પ્રવેશદ્વારથી છેક પગરખાં અને પાલખી સુધી લાલજાજમ બિછાવેલી છે અને ઈમારતનો પીળો રંગ ખૂબ જ આકર્ષિત કરે છે. ગુરુદ્વારામાં શ્રદ્ધાળુઓ માટે લંગર અને ચાની વ્યવસ્થા છે. ત્યાં શીખ સમુદાયના શિષ્યો લંગરની વ્યવસ્થા કરતા હતા. તેઓ અમારા માટે ચા લાવ્યા અને બધાંએ નજીકના ખાટલા પર બેસીને ચા પીધી. આજુબાજુનું વાતાવરણ ખુબ જ શાંત અને મનને શાંતિ આપનારું હતું.
IMG_20171228_080453 IMG_20171228_080859
IMG_20171228_082317
ત્યાંથી ધૂળિયા રસ્તે થઈને લખપતનો કિલ્લો જોવા ગયા. નજીકમાં એક ખંડેર હાલતમાં એક હોટેલ હતી. જે ખુબ જ સુંદર લગતી હતી.
IMG_20171228_085741 IMG_20171228_085840 IMG_20171228_085914 IMG_20171228_091928
અમે અમારા શિડયુલથી ઘણા મોડા હોવાથી ફટાફટ માતાનામઢ તરફ આગળ વધ્યા. જેમ જેમ લખપતથી માતાનામઠ તરફ આગળ વધતા હતા તેમ તેમ માનવ વસ્તી દેખાવા લાગી. સવારે સવા દસ વાગે માતાના મઢે પહોંચ્યા.
મંદિરથી થોડે દૂર ગાડી પાર્ક કરીને ચાલતા મંદિર તરફ આગળ વધ્યા. ખાસી એવી ભીડ જોવા મળી રહી હતી. રસ્તાની બંને બાજુએ પ્રસાદ અને રમકડાની દુકાનોની હારમાળા હતી. લોકો ત્યાંથી પ્રસાદ અને બીજી સામગ્રી ખરીદતા હતા. તેનો પ્રવેશ દ્વાર ખૂબ જ સુંદર અને ભવ્ય છે. આ મંદિરની ચારેબાજુ નાની નાની ટેકરીઓ અને પર્વતો આવેલા છે. માતાનાં દર્શન કર્યા. માતાની મુર્તિ મનુષ્યના શરીર કરતાં પણ ઉંચી છે પરંતુ તે માત્ર ગોઠણ સુધી જ છે. મંદિરની પ્રદક્ષિણા કરીને થોડો સમય મંદિરમાં બેઠા.
IMG_20171228_102954 IMG_20171228_104939 IMG_20171228_111544
એવું કહેવાય છે કે, આજથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાં દેવચંદ નામનો મારવાડનો કરાડ વૈશ્ય (વાણિયો) કચ્છમાં વેપાર માટે ફરતો હતો. તે દરમિયાન તાજેતરમાં જ્યાં આશાપુરા માતાનું મંદિર છે તે જગ્યાએ તે વાણિયાએ આસો મહિનાની નવરાત્રિ હોવાથી માતાજીની સ્થાપના કરી અને ખુબ જ ભક્તિભાવપુર્વક માતાની આરાધના કરી હતી. તેની ભક્તિને જોઈને માતા ખુશ થયાં અને તેને સ્વપ્નમાં દર્શન આપીને જણાવ્યું કે, વત્સ તે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે તે જગ્યાએ મારૂ મંદિર બંધાવડાવજે, પરંતુ મંદિરના દરવાજા છ મહિના સુધી ઉઘાડતો નહીં. વાણિયાએ ખુશ થઈને એવું જ કર્યું અને મંદિરની રખેવાડી કરવા માટે તે પોતાનું ઘર છોડીને અહીં આવીને વસવા લાગ્યો. પાંચ મહિના પુર્ણ થયા બાદ મંદિરના દ્વાર પાછળથી એક વખત તેને ઝાંઝર અને ગીતનો મધુર અવાજ સંભળાયો. આ મધુર ધ્વનિને સાંભળ્યાં બાદ તેનાથી રહેવાયું નહી અને તે મંદિરના દ્વાર ખોલીને અંદર ગયો. અંદર જઈને તેણે જોયું તો દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ તેને યાદ આવ્યું કે તેણે માતાજીએ આપેલા સમયના એક મહિના પહેલા જ મંદિરના દ્વાર ખોલી દીધા છે, જેને કારણે માતાજીની અર્ધવિકસીત મૂર્તિનું નિર્માણ થયું હતું. પોતાના આ કૃત્ય બદલ તેણે માતાજીના ચરણોમાં પડીને માફી માંગી. માતાજીએ તેની ભક્તિ પર પ્રસન્ન થઈને તેને માફી આપી દિધી અને તેને વરદાન માંગવા કહ્યું. વરદાનમાં તેણે પુત્ર રત્નની માંગણી કરી. પરંતુ માતાજીએ કહ્યું કે તારી ઉતાવળને લીધે મારા ચરણોનું પ્રાગટ્ય અધુરૂ રહી ગયું.
મંદિરની બાજુના એક દરવાજાથી ભોજનશાળા અને અતિથિગૃહ તરફ જવાનો રસ્તો છે. અહી યાત્રિકો માટે રહેવાની અને જમવાની વ્યવસ્થા છે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. પાછા એ જ રસ્તે ચાલતા બહાર આવતા હતા ત્યાં “કચ્છી દાબેલી” નું બોર્ડ મારેલું જોયું. અમારા સ્ત્રી ગ્રુપ ખરીદીમાં વ્યસ્ત હતા તેટલામાં અમે એક દાબેલી ખાઈ લીધી. ખૂબ જ સ્વાદિષ્ટ હતી. મંદિરમાં એક ટુરિસ્ટ મેપ લગાવેલો હતો. તેમાં સીધા હાજીપીર અને ત્યાંથી સફેદ રણ જઈ શકાય છે. તેવો એક રોડ બતાવતો હતો. બહાર આવીને રોડ વિશેની માહિતી મેળવી. જીપ ડ્રાઇવરના કહેવા મુજબ સફેદ રણ ભુજ થઈને જઈએ તો 15૦ કિલોમીટર જેટલું થાય જ્યારે હાજીપીર ભીટના થઈને જઈએ તો ફક્ત ૮૬ કી.મી થાય. રસ્તો સારો છે પણ રસ્તામાં કોઈ ખાવા-પીવા માટે કશું નહીં મળે. ત્યાં બેસીને બધાએ દાબેલી ખાધી. વિચાર આવ્યો કે રસ્તામાં જમવા માટે દાબેલી પેક કરાવી લઈએ. એટલે અમે પંદર જેટલી દાબેલી પેક કરાવી લીધી અને ચાલ્યા એક અજાણ્યા અને નવા રસ્તા ઉપર.
IMG_20171228_112409
રસ્તામાં નાના નાના કચ્છી ગામો આવતા હતા. ભૂલા પડતા અને રસ્તો પૂછતા પૂછતા અમે આગળ વધતા ગયા. આગળ જતાં ચિત્ર એકદમ બદલાયું હોય તેવું લાગ્યું. શું ખરેખર અમે કચ્છમાં છીએ કે કોઈ પંજાબના કોઈ ગામમાં. રસ્તાની બન્ને બાજુએ ખળખળ વહેતાં પાણીની નેક અને તેની બાજુમાં લીલા ખેતરો. ખરેખર મન પ્રસન્ન થઈ જાય તેવું દ્રશ્ય. આવા દ્રશ્ય હોય અને ગાડી ના ઉભી રાખીએ એવું કેવી રીતે બને…!!! ગાડી ઉભી રાખીને સામે આવતા ભાઈને પુછ્યું કે, “અમે ખેતરમાં અંદર જઇ શકિયે?” તેમણે પણ ઉત્સાહ્પુર્વક અમને ખેતરમાં જવાની પરવાનગી આપી. થોડે સુધી ખેતરમાં અંદર સુધી ચાલતા ગયા. ફોટા પાડ્યા અને પડાવ્યા. ચારેબાજુ નીરવ શાંતિ વચ્ચે ખળખળ વહેતાં પાણી સિવાય કશો જ અવાજ આવતો નહોતો. ખુલ્લા પાઈપમાંથી આવતા પાણીથી પીવા માટે પાણીની બોટલો ભરી દીધી. ખરેખર બધાએ ખૂબજ તાજગી અનુભવી અને ખૂબ જ મજા આવી ગઈ. બપોરના એક વાગવા આવ્યા હતા. મોડું કર્યા વગર અમે હાજીપીર તરફ આગળ વધ્યા.
IMG_20171228_122136 IMG_20171228_124246 IMG_20171228_124805
IMG_20171228_125301 IMG_20171228_130601
આગળ જતા રસ્તો સાવ ગાયબ થઈ ગયો. ધૂળિયા રસ્તા પર આગળ વધતા ગયા. દૂર દૂર સુધી કોઈ જ ન દેખાય એવો નિર્જન રસ્તો. સહેજ આગળ જતાં હાજીપીરનો મુખ્ય રસ્તો દેખાયો ત્યારે હાશકારો અનુભવ્યો. બપોરે 1:15 હાજીપીર પહોંચ્યા.
IMG_20171228_130752 IMG_20171228_132039
હાજીપીરએ પીરબાબાની દરગાહ છે. જ્યાંથી કોઈ ખાલી હાથે ક્યારેય પાછું ફર્યું નથી. રૂમાલ માથા પર બાંધીને અંદર પ્રવેશ કર્યો. અંદર દરગાહમાં ગુલાબના ફૂલોની સુગંધ આવતી હતી.
IMG_20171228_132409
એક વખત પીરબાબાના દર્શને આવેલા વ્યંઢળે બાબાની મશ્કરી કરી કે સ્ત્રીઓ તો સંતાનને જન્મ આપે એમાં નવાઈ શી? જો પીરબાબા નું સત હોય તો મારા ઘરે પારણું બંધાવે. થોડા સમય બાદ તે વ્યંઢળ ખરેખર ગર્ભવતી બન્યો અને એક દીકરાને જન્મ આપ્યો. ત્યારથી વ્યંઢળો હાજીપીરના ભક્ત બની ગયા.
અહીં જેટલા મુસ્લિમ શ્રદ્ધાળુઓ આવે છે એટલા જ હિન્દુઓ પણ. કોમી એકતાનું ધાર્મિક સ્થળ એટલે હજીપીર. દરગાહની બાજુમાં જ એક તળાવ છે. એવું કહેવાય છે કે રણ વિસ્તાર હોવાથી પાણીની સમસ્યાના ઉકેલ માટે હજીપીરે ગામવાસીઓને તળાવ ખોદવાનું કહ્યું. તળાવ ખોદાઈ ગયા બાદ હાજીપીર પોતે ખાલી તળાવમાં નમાજ પઢી અને બંદગી કરી. કહેવાય છે કે એ જ ઘડીએ તળાવની જમીનમાં તિરાડો પડી અને મીઠા પાણીથી તળાવ છલકાઈ ગયું. આ તળાવ સો રાજપૂતોએ ખોદ્યું હતું તેથી તેને ‘સોધરણા’ ના નામે ઓળખાયું.
IMG_20171228_135141
આગળ સફેદરણ જવા માટેનો રસ્તો પૂછ્યો અને બપોરે ૧:૪૫ વાગે હાજીપીરથી સફેદરણ જવા નીકળ્યા. હાજીપરથી સફેદરણ ૪૧ કી.મી છે. રસ્તો બતાવનાર ભાઈના કહેવા મુજબ રસ્તો ખૂબ જ સુંદર છે. વિદેશમાં આવી ગયા હોય તેઓ રસ્તો છે. શરૂઆતમાં તો રસ્તો કાચો-પાકો હતો અને તે ભાઇના કથન પર હસતાં હસતાં ભીટના ગામે પહોંચ્યા. ભીટના ગામ પછી ખરેખર રસ્તો પેટનું પાણી પણ ન હાલે એવો સ્મૂથ રસ્તો છે. રસ્તાની બન્ને બાજુએ રણ દેખાય છે. દુર જમીન અને આકાશ બંને ભેગા થતા હોય. રસ્તામાં ગાડી ઉભી રાખીને માતાનામઢથી પેક કરેલી દાબેલી ખાઈ લીધી. બપોરના ૨:૩૦ વાગવા આવ્યા હતા. ૪૫ મિનિટમાં જ હાજીપીરથી સફેદરણ પહોંચી ગયા.
IMG_20171228_140128 IMG_20171228_141227
IMG_20171228_141234 IMG_20171228_141834
સફેદરણ વિસ્તાર આર્મીના હસ્તકમાં હોવાથી સઘન ચેકિંગ હતું. ગાડી ચેક કરીને જ પછી પ્રવેશ આપવામાં આવે છે. સફેદરણે આજકાલ લોકોમાં ખાસ આકર્ષણ ઉભું કર્યું છે. પાર્કિંગથી લગભગ દોઢેક કિ.મી ચાલીને ડોમ સુધી જવાય છે. ગુજરાત ટુરિઝમે પર્યટકોને લઈ જવા માટે નિશુલ્ક ટ્રેનની વ્યવસ્થા કરી છે. ઊંટલારી પણ હોય છે પણ તે થોડી મોંઘી છે. અમે ચાલતા ચાલતા ડોમ પહોંચ્યા. જાણે માનવ મહેરામણ ઉમટ્યું હોય એટલાં પર્યટકો આવેલા હતા. અતિશય ક્ષારવાળા પાણીના કારણે કચ્છના રણમાં મીઠા અને કચ્છનું રણ આખું સફેદ રંગનું દેખાય છે. અહીં રહેવા માટે પર્યટકોને સુંદર ટેન્ટ અને ફાઈવ સ્ટાર હોટેલો બનાવેલી છે. ગુજરાત ટુરિઝમ દ્વારા નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી રણોત્સવનું આયોજન કરે છે. અહી ગુજરાત ટુરિઝમ દ્વારા ખૂબ જ વિશાળ અને મોટાપાયે ટેન્ટસિટીનું નિર્માણ કરેલું છે. જ્યાં એડવેન્ચર રમતો અને લોકસંગીત પીરસવામાં આવે છે. નજીકમાં પ્રદર્શન અને લાયબ્રેરી પણ બનાવેલ છે. અહીં ઊંટસવારી, ઊંટગાડી, ઘોડાગાડી, કચ્છી વાનગીઓ તથા દેશ-વિદેશની વાનગીઓ પીરસતા ફૂડકોર્ટ, કચ્છી કળા તરીકે પ્રખ્યાત હાથવણાટની વસ્તુઓ મળે છે. ખરેખર એક અલગ જ દુનિયામાં આવી ગયા હોય તેવો અનુભવ થાય. સફેદ રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત અચૂક જોવા જેવો છે. પણ હજી અમારે કાળો ડુંગર પહોંચવાનું હતું એટલે બીજી વાર અચૂક આવીશું એમ નક્કી કરીને અમે ચાલ્યા અમે અમારા આગળના પ્રવાસે.
IMG_20171228_152058 IMG_20171228_152653
IMG_20171228_165536 IMG_20171228_165741
IMG_20171228_170125
અહીંથી કાળો ડુંગર 48 કિલોમીટરના અંતરે આવેલો છે. રસ્તો ચઢાણવાળો હોવાથી અજવાળે પહોંચી જવાય એમ વિચારીને સાંજે ૫:૦૦ વાગે કાળોડુંગર તરફ નીકળ્યા. સફેદરણથી ૨૪ કિમીએ ખાવડા ગામ આવે છે અને ત્યાંથી ૧૦ કિમી પછી જમણીબાજુ એક ફાંટો પડે. સારા અને સુંદર રસ્તાને રીતે ગાડીની સ્પીડ થોડી વધારે હતી જ્યાંથી વળવાનું હતું ત્યાંથી થોડે દૂર આગળ નીકળી ગયા. રસ્તામાં રમતા બાળકો ઈશારો કરીને ચેતવ્યા કે, “આમ નહીં, પાછા વળો.” થોડા આગળ જઈને પાછા વળ્યાં. અહીં રસ્તો ચઢાણવાળો શરૂ થાય છે. રસ્તો સારો છે. પણ ધ્યાન રાખવું હિતાવહ છે. સાંજે લગભગ ૬:૦૦ વાગે કાળોડુંગર પહોચ્યાં.
IMG_20171228_180533
સૂર્યાસ્ત થવાની તૈયારીમાં જ હતી. બેસીને ડૂબતા સૂરજને જોતા રહ્યા. સૂર્યાસ્ત જોવા માટે મંદિર પાસે બેસવાની વ્યવસ્થા કરેલી છે. હવે અંધારું થવા આવ્યુ હતું. મંદિરની સામે જ કાર્યાલય આવેલું છે. ત્યા રહેવા અને જમવાની પૂછપરછ કરી. મંદિરની બાજુમાં સાતેક જેટલી રૂમો આવેલી છે. ત્યાં ગરમ પાણીની વ્યવસ્થા છે. કાર્યાલયની બાજુમાં થોડાં પગથિયાં નીચે ઉતરતા ત્યાં બીજી દસેક રૂમો છે. તેની સામે જ અન્નક્ષેત્ર આવેલું છે એટલે અમે નીચેની રૂમ બુક કરાવી લીધી. રૂમમાં જઈને થોડો આરામ કર્યો. ફરીથી તરોતાજા થઈને જમવા માટે અન્નક્ષેત્ર તરફ ગયા. જમવાની વાર હતી એટલે બધા અન્નક્ષેત્ર બહાર બેઠાં. બેઠાં-બેઠાં શૈક્ષણિક પ્રવાસ માં આવેલા સ્કુલના બાળકો સાથે તેમના પ્રવાસની માહિતી મેળવી અને તેમની સાથે મજાક-મસ્તી કરી. તેમને વીંટી ગાયબ કરવાનું જાદુ બતાવ્યું. તેઓ બધાને ખુબ મજા આવી ગઈ. રાત્રે આઠ વાગ્યા જેવા અન્નક્ષેત્રમાંથી એક ભાઈએ બૂમ પાડીને કહ્યું કે, “આવી જાવ. જમવાનું તૈયાર છે.” બધા પ્રવાસમાં આવેલા બાળકો શિસ્તબદ્ધ પોતાની જાતે થાળી લઈને કતારબંધ જમવા બેસી ગયા. બધા ભોજન લઈને આવે ત્યાં સુધી બધાએ પ્રાર્થના કરી અને પ્રાર્થના કર્યા પછી બધાએ સાથે ભોજન લીધું. અમે પણ એમની સાથે લાઈનમાં બેસી ભોજન લીધું. જમીને થાકેલા હોવાથી રૂમમાં આવીને ઊંઘી ગયા.
#કચ્છ ના બીજા જોવાલાય સ્થળ રહી ગયા હોય તો જણાવજો
આભાર