૨૬/૧૨/૨૦૧૭ મંગળવાર
“કચ્છ નહિ દેખા તો કુછ નહી…”
આ પંક્તિ શરૂઆતમાં જ કેમ યાદ આવી પણ આમ જોવા જઈએ તો આ પંક્તિ પ્રવાસ પતે પછી યાદ આવી જોઈએ પણ આ મારો બીજી વખતનો કચ્છ પ્રવાસ છે. કચ્છ ધાર્મિક અને પ્રાકૃતિક સૌદર્યનો સમન્વય ધરાવતો પ્રેદેશ છે. જાણે પ્રથમવાર જ કચ્છ જોવા જતા હોય તેવો ઉત્સાહ મારામાં હતો. બસ એવા ઉત્સાહ સાથે ૨૬ ડીસેમ્બરે રાત્રે ૮:૪૫ વાગે નીકળી પડ્યા
અમદાવાદના ભરચક ટ્રાફિકમાંથી ધીમેધીમે હાઇવે તરફ આગળ વધતા ગયા. રસ્તા ઉપરથી દૂર ગામડાની કે શહેરની લાઈટોનો પ્રકાશ સ્પષ્ટ દેખાતો હતો.
તેને જોતા જોતા હાંસલપુર ચોકડી થઈને રાત્રે સાડા અગિયાર વાગ્યા જેવા હળવદ હરીદર્શન હોટેલે અમેં અમારો પ્રથમ વિરામ લીધો. ગાડીની બહાર નીકળતા જ ઠંડીનો ચમકારો થયો. પવન સાથે ઠંડી પણ સહેજ વધારે હતી. આવી ઠંડીમાં અમે ગરમાગરમ ગોટા અને ચા પીધી. ગોટા અને ચા પીને તરોતાજા થઈને સામખીયાળી બાજુ આગળ ચાલ્યા.
૨૭/૧૨/૨ બુધવાર
રાત્રે 12:૦૦ વાગ્યા જેવાં સુરજબારી બ્રિજ પહોંચ્યા. સુરજબારીને કચ્છનું પ્રવેશદ્વાર કહેવાય છે. સામખીયાળી અને ભચાઉ થઈને રાત્રે સવા બે વાગ્યે જેવા અંજાર પહોચ્યા. જ્યાં પહેલાના જમાનામાં થઈ ગયેલ સતી તોરલ અને લુંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે.
ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુંવારી જાનને લુંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર- ઢાંખરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતો તેને માટે સામાન્ય હતી. જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તેને મેળવીને તે જંપતો હતો. કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી અને તેની પત્ની તોરલના લોકો ખુબ જ વખાણ કરતાં હતાં. આ વાત જેસલને કાને પડતાં તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો. તે લાગ જોઈને બેઠો હતો. એક વખત સાંસતિયાજીના ઘરે ભજન હતાં બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોચી ગયો તેમના ઘોડારમાં. અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દિધી અને ભગત પાસે જઈને ઉભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દિધી તે વખતે ખીલાની સાથે જેસલનો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો. સવારે જ્યારે પ્રસાદ વહેચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પુરો પડાતો હતો ન જરાયે વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયાં. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયાં અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો. તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો. જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હુ તારી માંગણી પુરી કરવા માટે તૈયાર છું. જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડુ શરૂ થઈ ગયું અને નાવ હાલક-ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યાં અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું. જેસલને તેનું જ્ઞાત થતાં તેણે પાપમો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો.
અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. તે સમયે અમારા સિવાય કોઈ દેખાતું નહોતું. મંદિર બંધ હતું. રૂમની બારી ખુલ્લી હતી તેમાંથી દર્શન કર્યા. દર્શન કરીને માંડવી તરફ આગળ વધ્યાં.
રસ્તામાં સામેથી કે પાછળથી કોઈ ગાડી નજરે પડતી નહોતી. તે સમયે અમિતાભ બચ્ચનની ગીતની પંક્તિઓ યાદ આવી ગઈ,
“અંધેરી રાતોમે, સુનસાન રાહો પર
એક મસિહા નિકલતા હૈ, જીસે લોગ શહેનશાહ કહેતે હૈ…”
ક્યારેક રસ્તામાં અચાનક શિયાળ આવી જતા હતા એટલે ગાડીને સ્પીડમાં નહોતા ચલાવી શકતા. હવે સવારના ત્રણ વાગવા આવ્યા હતા. ધીમે ધીમે આંખો પણ ઘેરાવા લાગી હતી. ક્યાંક કોઈ ચાની દુકાન આવે તો ચા પીએ, પણ રસ્તામાં કોઈ ચાની દુકાન ખુલ્લી જોવા ના મળી. સવારે 3:45 વાગ્યે કોડાય 72 જીનાલય પહોંચી ગયા. મંદિરના કેમ્પસમાં આવીને ગાડીમાં જ થોડા સમય માટે ઊંઘી ગયા. બહાર ઠંડીનું પ્રમાણ વધારે લાગતું હતું.
રોજની જેમ સવારે પાંચ વાગ્યે નું એલારામ વાગ્યું. ગરમ પાણી માટે મુખ્ય દરવાજા ઉપર રહેલા ચોકીદારને પૂછ્યું. ચોકીદારના કહેવા મુજબ ગરમ પાણી રોડની બાજુમાં આવેલા રૂમના પાછળના ભાગમાં પાણી ગરમ કરવાનો બંબુ છે, જ્યાંથી ગરમ પાણી મળી જશે. ત્યાં એક ભાઈ પાણી ગરમ જ કરતા હતા. ત્યાં તેમની સાથે બે ઘડી વાતો કરી. તેઓ રોજ સવારે વહેલા બાજુનાં ગામમાંથી અહીં પાણી ગરમ કરવા માટે આવે છે. સવારે ઠંડી વધારે હતી પણ તેમણે ઠંડીથી બચવા માટે કોઈ ગરમ કપડાં પહેર્યાં નહોતા. નિત્યક્રમ પતાવીને તૈયાર થઈને મંદિરના મુખ્ય દરવાજા પાસે તાપણું તપાવીને બેઠેલા ચોકીદાર ભાઈ સાથે થોડો સમય બેસીને શેક કરી લીધો. કુતરાના નાના-નાના બચ્ચા ખૂબ જ તોફાન કરતા હતા.
સવારે મંદિરનું કેમ્પસ જોવા નીકળી પડ્યો. મંદિર ખુબ જ વિશાળ જગ્યામાં બનેલું છે. 72 જીનાલય જૈનોનું ઘણું મોટું ધામ છે અને ખૂબ પ્રચલિત છે. તેમાં એક મુખ્ય મંદિર અને તેની ચારે બાજુ બીજા ૭૨ મંદિરો આવેલા છે. રાત્રીના પ્રકાશમાં મંદિર ખૂબ જ પ્રભાવિત કરતું હતું.
સવારે સવા છ વાગ્યે મુખ્ય દરવાજા બહાર એક કેન્ટીન ખુલી ગઈ હતી. ત્યાંની ચા ખુબ જ સરસ હતી. તે ચા ફક્ત પાંચ રૂપિયાની હતી. ચા પીને ચાલ્યા માંડવી તરફ.
સવારે ૭:૦૦ વાગે અમે માંડવી બીચ પર પહોંચી ગયા. નહીવત લોકો જ હતા. પાણીના મોજાં ખૂબ જ ઉછળતા હતાં. બીચ ઘણો સરસ છે. અહીં કિનારાઓ પર લાઈનબંધ પવનચક્કીઓ લગાડેલી છે પક્ષીઓનો કલરવ થતો હતો જાણે બધાને જગાડતા હોય તેમ અહીંથી ત્યાં ઉડાઉડ કરતા હતા. સૂર્યોદય થવાની તૈયારીમાં જ હતી. ફોટા પાડ્યા. સવાર સવારમાં બીચ પર લટાર મારવાની ખૂબ જ મજા પડી. ઘણા લોકો સવારના મોર્નિંગ વૉક માટે આવેલા હતા. અમે પણ થોડું કિનારે કિનારે ચાલ્યા ત્યાંથી વિજય વિલાસ પેલેસ પણ દેખાતો હતો. અવિસ્મરણીય પળોને કેમેરામાં કેદ કરીને ચાલ્યા વિજય વિલાસ પેલેસ જોવા.
અહીંથી વિજય વિલાસ પેલેસ ૯ કિમીના અંતરે આવેલો છે. વિજય વિલાસ પેલેસ જતા રસ્તામાં ઘણા પ્રાઇવેટ બીચ પણ આવેલા છે. સવારે ૮:૧૫ વાગે વિજય વિલાસ પેલેસ પહોંચ્યા. વિજય વિલાસ પેલેસ જોવા માટે ટિકિટ લેવાની હોય છે. ટીકીટ લઈને અમે આગળ વધ્યા.
મહેલના આગળના ખુલ્લા ભાગમાં ખૂબ જ વૃક્ષો ઉગાડેલાં છે. ચારે બાજુ લીલોતરી જ દેખાય છે. આંખોને ઠંડકનો અહેસાસ થાય તેવું આલ્હાદક વાતાવરણ હતું. પથ્થરમાંથી ત્રણ માળનો બનાવેલો મહેલ જોતા બહારથી જ ભવ્ય લાગે છે. પેલેસને ભોયતળીયે બેઠકરૂમ, બેડરૂમ અને લોબીઓ વગેરે આવેલા છે. બેઠકરૂમમાં ઉચ્ચકક્ષાનું ફર્નિચર છે. પહેલા માળે રાજાઓનું નિવાસ્થાન છે જે આમ જનતા માટે ખુલ્લું નથી. અમે ગોળાકાર સીડી દ્વારા બીજા માળે ગયા. ત્યાં જૂનીપુરાણી લીફ્ટ પણ હતી જે ખરેખર ખૂબ જ સુંદર દેખાતી હતી. બીજા માળે ઘુમ્મટ અને કલાત્મક છત્રીઓ બનાવેલી છે. ત્યાંથી આજુ બાજુના દેખાતા દ્રશ્યો ચોક્કસ મનને હરી લે છે. બે ઘડી પેલી છત્રીઓમાં બેઠા અને ફોટા પડાવ્યા. અહીં કમાન્ડો, હમ દિલ દે ચુકે સનમ, લગાન જેવી ફિલ્મોનું શૂટિંગ થયેલું છે.
છેવટે મહેલ જોઈને અમે અંબેધામ તરફ આગળ વધ્યા. જ્યાંથી ૧૫ કિ.મી.ના અંતરે અંબાજી માતાનું વિશાળ મંદિર છે. અંબેધામ સવારે ૯:૩૦ વાગ્યા જેવાં પહોંચી ગયા હતા. મંદિર આખેઆખુ આરસનું બનેલું છે. મંદિરની આગળના ભાગમાં પિત્તળના સિંહ ધ્યાનાકર્ષિત કરે છે. દર્શન કરી ધન્યતાનો અનુભવ થાય છે. મંદિરના પાછળના ભાગમાં ગિરનાર પર્વતની પ્રતિકૃતિ બનાવેલી છે. આગળના ચોગાનમાં રામનામનો તરતો પથ્થર છે જેનું વજન ૭ કિલો છે. મંદિરના આંગણામાં સંસ્કૃતિધામ અને પ્રેરણાધામના પ્રદર્શન બનાવેલા છે. જે અચૂક જોવા જેવા છે. તેની બાજુમાં વૈષ્ણોદેવીની પ્રતિકૃતિ બનાવેલી છે. તેની બાજુમાંથી અન્નક્ષેત્રમાં જવાનો રસ્તો છે. ત્યાં યાત્રિકોને જમવા માટેની વ્યવસ્થા છે. યાત્રિકો યથાશક્તિ દાન નોંધાવી શકે છે. જેનાથી અન્નક્ષેત્રનો વહીવટ ચાલે છે. મંદિરની ચોખ્ખાઈ એકદમ સરસ હતી. ત્યાં યાત્રિકોને રહેવા માટેની પણ વ્યવસ્થા છે.
અંબેધામથી નારાયણ સરોવર જતા રસ્તામાં પિંગલેશ્વર મહાદેવ મંદિર, પિંગલેશ્વર બીચ, કોઠારા નલિયા, જખૌ બંદર, રામવાડા જેવાં ધાર્મિક અને દાર્શનિક સ્થળો આવે છે, પણ આ બધા સ્થળો જોવાના મુલતવી રાખી ને સીધા નારાયણ સરોવરના રસ્તે આગળ વધ્યા. જેમ જેમ આગળ વધતા જતા હતા તેમ તેમ રસ્તો ઉજ્જડ થતો જતો હતો. હવે આંખો પણ ઘેરવા લાગી હતી. બપોરે ૧:૩૦ વાગ્યે નારાયણસરોવર પહોંચ્યા અને રૂમમાં જઈને સુઈ ગયા.
સાંજના ૪:૩૦ વાગ્યે ઉઠ્યા. બાથરૂમમાં મસ્ત ગરમ પાણી આવતું હતું. ગરમ પાણીથી નાહીને તૈયાર થઈને નારાયણ સરોવર જોવા ગયા.
નારાયણ સરોવર ભુજથી ૧૫૦ કિ.મી.ના અંતરે આવેલું છે. જે હિંદુઓનું પવિત્ર યાત્રાધામ છે. નારાયણ સરોવર મુખ્ય પાંચ પવિત્ર સરોવરો પૈકીનું એક છે. (૧) માનસરોવર(કૈલાશ) (૨) બિંદુસરોવર (સિધ્ધપુર-ગુજરાત) (૩) પમ્પા સરોવર(કર્નાટક) (૪) બ્રહ્માસરોવર(પુષ્કર-રાજસ્થાન) (૫) નારાયણ સરોવર(કચ્છ) આ પાંચ પૈકી નારાયણ સરોવરનું સર્જન સૌપ્રથમ થયું છે. આખા વિશ્વનું સર્વપ્રથમ મીઠા જળનું સરોવર તે નારાયણ સરોવર છે.
પૃથ્વી ઉપર સર્વત્ર સમુદ્ર ફેલાયો હતો. ક્યાંય ઘરતી જળની ઉપર જણાતી ન હતી. ત્યારે પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિની શરૂઆત કરવા માટે ભગવાન વિષ્ણુ મત્સ્યાવતાર ધારણ કરી સ્વયં મોટું માછલું બની પૃથ્વી ઉપરના સાગરમાં ઊતર્યા હતા. અંતરીક્ષમાં વસતાં સપ્તર્ષિને આ વાતની આગોતરી જાણ થઈ હતી. તેથી તેઓએ પ્રભુને પ્રાર્થના કરી કે હે પ્રભુ! તમારા મત્સ્યાવતારના દર્શન અમને કરાવજો. વિષ્ણુ સંમત થયા. સપ્તર્ષિ કહે કે અમે ક્યાં બેસીને દર્શન કરીશું ? પૃથ્વી ઉપર ક્યાંય જમીન તો નથી ! વળી પ્રભુનાં દર્શન કરતાં પહેલાં સ્નાન કરવું જોઈએ તથા જલપાન કરવા માટે મીઠું પાણી પણ પૃથ્વી પર નથી તો શું કરવું ? તેમની પ્રાર્થના સાંભળી ભગવાને પૃથ્વી ઉપર એક મીઠા જળનું સરોવર સર્જ્યું, જેમાં સ્નાન કરી સરોવરની પાળ ઉપર સાતે ઋષિઓ બેસી ગયા. વૈકુંઠમાંથી વિષ્ણુ ભગવાન મત્સ્યદેહ ધારણ કરી પૃથ્વી ઉપર પધાર્યા. મત્સ્યાવતારના દર્શન કરી સપ્તર્ષિ રાજી થઈ ગયા. તેમણે વિષ્ણુ ભગવાનની કૃપા સ્વરૂપ આ નાનકડા સરોવરનું નામ ”નારાયણ સરોવર” રાખી તેમની સ્મૃતિ કાયમ કરી.
કચ્છના આ પવિત્ર સ્થાનની યાત્રા વિના અને નારાયણ સરોવરમાં સ્નાન કર્યા વિના ભારતનાં અન્ય તીર્થધામોની યાત્રા અધૂરી ગણાય. દ્વારકાના મંદિરો જેવા શ્રીત્રિકમરાયજી મુખ્ય મંદિર અને બીજા આદીલક્ષ્મીનારાયણ મંદિર, ગોવર્ધનનાથજી, દ્વારીકાનાથજી અને લક્ષ્મીજીના મંદિરો આવેલા છે. કાર્તિક પૂર્ણિમા એ અહીં મેળો ભરાય છે.
દર્શન કરીને મંદિરની બહાર આવીને ચા પીધી. પછી કોટેશ્વર મહાદેવ મંદિરે ગયા. વચ્ચે ગુજરાત ટુરીઝમની તોરણ હોટલની મુલાકાત લીધી.
કોટેશ્વરની કથા રાવણની કથાથી શરૂ થાય છે. રાવણને તેની સખત તપસ્યાના ફળરૂપે શિવે વરદાન આપ્યું હતું. મહાન આધ્યાત્મિક શક્તિઓ ધરાવતું આ વરદાન એક શિવલિંગના સ્વરૂપમાં હતું, પરંતુ રાવણે અહંકારમાં ઉતાવળે શિવલિંગને જમીન પર મુકી દીધું અને તે કોટેશ્વરની જમીન પર પડ્યું. રાવણને તેની બેદરકારીની સજારૂપે શિવલિંગે તેના જેવા હજારો (અને કથાના કેટલાક પાઠાંતર પ્રમાણે, લાખો, કરોડો. ટૂંકમાં અસંખ્ય) લિંગો સર્જ્યા. મૂળ શિવલિંગને ઓળખવામાં અસમર્થ રાવણે એક લિંગ ઉઠાવી લીધું અને ચાલવા માંડ્યો. મૂળ લિંગ ત્યાંનું ત્યાંજ રહી ગયું. જ્યાં કોટોશ્વરનું મંદિર બન્યું.
નારાયણસરોવરથી કોટેશ્વર મહાદેવ મંદિર ૩ કિ.મી.ના અંતરે આવેલું છે. પાર્કિંગની બાજુમાં જ બીએસએફની ઓફિસ આવેલી છે. કોટેશ્વર મહાદેવ મંદિર થોડું ઊંચાઈ પર આવેલું છે. મંદિર આગળ બેસવા માટે ઓટલો અને સુંદર મજાની બેઠકની વ્યવસ્થા કરેલી છે. ત્યાં બે ઘડી ઠંડા અને સૂસવાટા મારતા પવનમાં બેસીને સુર્યાસ્તને માણ્યો. દુર દુર સુધી પાણી સિવાય કશું જ ના દેખાય. અહીથી થોડા અંતરે શરણેશ્વર મહાદેવ નું મંદિર આવેલું છે. ચાલતા ચાલતા મંદિરે ગયા. ત્યાં પાપ-પુણ્યનો સ્તંભ છે. મંદિરની નજીકમાં બીએસફની ચોકી છે. ત્યાંથી કોઈને આગળ જવા દેવામાં આવતા નથી. અમે પણ ત્યાંથી પાછા ફર્યા અને સીધા વાલરામ અન્નક્ષેત્રમાં જમવા માટે ગયા.
જમીને પાછા ધરમશાળા આવ્યા. ત્યાં શૈક્ષણિક પ્રવાસમાં આવેલા નાના છોકરાઓ ગરબા ગાતા હતા. રાત્રે પાછા ચા શોધવા નીકળ્યા, પણ ચા ના મળી અને રૂમ ઉપર આવીને સૂઈ ગયા.