અમિતાભ બચ્ચન સાથે મુલાકાત MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

અમિતાભ બચ્ચન સાથે મુલાકાત

અમિતાભ બચ્ચન સાથે મુલાકાત

અભિનયનું અમીટ આભ એટલે અમિતાભ

અમિતાભ બચ્ચન – આ નામને કોઈજ ઓળખાણની જરૂર નથી. તેમની ફિલ્મ કાલીયામાં જ તેઓ કહે છે કે તેઓ જ્યાં ઉભા રહે છે લાઈન ત્યાંથી જ શરુ થતી હોય છે. અમિતાભ બચ્ચન હિન્દી સિનેમાના કદાચ એકમાત્ર એવા અદાકાર છે જેમને ભારતીયોની એક નહીં, બે નહીં પરંતુ ચાર ચાર પેઢીઓએ એક સરખો પ્રેમ કર્યો છે. અમિતાભ બચ્ચન વિષે આટલા બધા વર્ષોમાં આટલું બધું લખાયું છે પરંતુ તેમ છતાં તેમના વિષે વાતો કરવાનું તેમના વિષે વધુને વધુ વાંચવાનું હજી પણ આપણને એટલુંજ ગમે છે.

કહેવાય છે કે સમય સાથે મનુષ્યમાં તાકાત ઘટતી જતી હોય છે, પરંતુ અમિતાભ બચ્ચન એવા rare મનુષ્ય છે જેમનામાં ઉંમર વધવાની સાથે કામ કરવાનું જોશ અને તાકાત વધતા જાય છે અને એ પણ લગભગ પાંત્રીસ વર્ષ પહેલા થયેલા જીવલેણ અકસ્માતમાંથી ઉગરવા પછી પણ. માત્ર શારીરિક કે પછી અદાકારીની કારકિર્દીના જ ઉતાર ચડાવ નહીં પરંતુ અમિતાભ બચ્ચને ભાવનાત્મક અને આર્થિક ઉતાર ચડાવ પણ જોયા છે અને તેનો એટલીજ હિંમતથી સામનો પણ કર્યો છે.

અમિતાભ બચ્ચન પાસેથી માત્ર અદાકારીના ગુણો જ શીખવા જેવા નથી પરંતુ તેમનું જીવન ખુદ એક પ્રેરણાત્મક પુસ્તક જેવું છે જેમાં જીવન જીવવાની કળા વિષે ઘણું જાણવા મળે છે. આપણે એવા ઘણા વ્યક્તિઓ જોયા છે જેમને થોડીઘણી લોકપ્રિયતા મળી હોય કે પછી માત્ર પોતાના શહેરમાં કે રાજ્યમાં લોકપ્રિયતા મળી હોય તો પણ આખો દિવસ કોલર ઉંચા રાખીને ફરતા હોય છે કે પછી લોકપ્રિયતાના ગુમાનમાં પોતાના જ ફેન્સનું વારંવાર અપમાન કરતા જોવા મળતા હોય છે. પરંતુ, અમિતાભ બચ્ચન માત્ર રાષ્ટ્રીય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાના એવરેસ્ટ પર બેઠા હોવા છતાં નમ્રતાના ભારોભાર ગુણ ધરાવે છે જે તેમને મહામાનવ બનાવે છે.

આ તો થઇ અમિતાભ બચ્ચન વિષે એમના જીવન વિષે થોડીઘણી હાઈલાઈટ્સ. આજે આપણે અમિતાભ બચ્ચનના અંગત જીવનથી માંડીને તેમના ફિલ્મ જીવન વિષે ઘણી બધી માહિતી જાણીશું અને સમજીશું કે અમિતાભ બચ્ચન શા માટે અમિતાભ બચ્ચન છે!

જન્મ અને શરૂઆતનું જીવન

ઘણા ઓછા લોકોને ખબર છે કે અમિતાભ બચ્ચનના જન્મ બાદ તેમનું નામ તેમના પિતા હરિવંશરાય બચ્ચને ઇન્કલાબ રાખ્યું હતું. આ પાછળનું કારણ કદાચ એ હોઈ શકે કે ૧૧ ઓક્ટોબર ૧૯૪૨ના દિવસે જન્મેલા અમિતાભ ઉર્ફે ઇન્કલાબ એવા સમયે જન્મ્યા હતા જ્યારે ભારતમાં આઝાદીની ચળવળ તેની ચરમસીમાએ હતી અને તે સમયે ઇન્કલાબ ઝિંદાબાદનો નારો અત્યંત લોકપ્રિય બન્યો હતો.

પરંતુ એક દિવસ હરિવંશરાય બચ્ચનના મિત્ર અને હિન્દી સાહિત્યના મહાન કવિ સુમિત્રા નંદન પંત તેમને ઘરે આવ્યા અને અમિતાભને જોઇને કહ્યું કે, “આ બાળકનું નામ ખરેખર તો અમિતાભ હોવું જોઈએ!” હરિવંશરાયને આ નામ પસંદ પડી ગયું અને તેમણે ઇન્કલાબનું નામ બદલીને અમિતાભ કરી નાખ્યું.

હરિવંશરાય બચ્ચનનું નામ સાહિત્યમાં ઘણું ઉંચું હતું, તેઓ અને તેજી બચ્ચન નહેરુ-ગાંધી પરિવારની ખૂબ નજીક હતા. પરંતુ હરિવંશરાય બચ્ચને ક્યારેય એ સમયે ભારતમાં સર્વેસર્વા ગણાતા આ પરિવારની મદદ લીધી ન હતી. તેમણે પોતાની રીતે જ અમિતાભને શિક્ષણ અપાવ્યું અને જ્યારે અમિતાભ યુવાન થયા ત્યારે તેમને પોતાની રીતે નોકરી શોધવાની ફરજ પાડી.

અમિતાભે શરૂઆતમાં કોલકાતામાં (એ સમયનું કલકત્તા) નોકરી પણ કરી. પરંતુ માતા તેજી બચ્ચનને વિશ્વાસ હતો કે પોતાના પુત્રમાં અદાકારીનું કૌશલ્ય છે અને એનામાં એ ક્ષમતા છે કે તે આ ક્ષેત્રમાં ઘણું નામ કમાઈ શકે છે. એ સમયે જે કોઇપણ સંજોગો ઉભા થયા હોય પરંતુ અમિતાભે માતાની સલાહ માની લીધી અને મુંબઈ જતા અગાઉ દિલ્હી તરફ પ્રયાણ કર્યું. પહેલીવાર તેજી બચ્ચને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથેના પોતાના સંબંધનો લાભ લેવાનો પ્રયાસ કર્યો અને પોતાના પુત્ર માટે ‘ઘટતું’ કરવાની વિનંતી તેમને એક પત્રમાં કરી.

ઇન્દિરા ગાંધીએ વધુ તો કોઈ મદદ ન કરી પરંતુ કદાચ એમના જ કહેવાથી અમિતાભ બચ્ચનને આકાશવાણીમાં એનાઉન્સર તરીકે ફરજ બજાવવા માટેનો ઇન્ટરવ્યુ આપવાની તક મળી. નસીબની બલિહારી જુઓ કે લગભગ અડધી સદીથી ભારતીયો જે અવાજ પાછળ પાગલ છે એ જ અમિતાભ બચ્ચનનો અવાજ આકાશવાણી માટે અયોગ્ય છે એમ કહીને અમિતાભને ઇન્ટરવ્યુમાં નાપાસ જાહેર કરવામાં આવ્યા.

જો કે અમિતાભની આ પ્રથમ નિષ્ફળતા ન હતી અને એમ આસાનીથી નિષ્ફળતા એમનો પીછો પણ છોડવાની ન હતી.

ફિલ્મ કેરિયરની શરૂઆતની નિષ્ફળતાઓ બાદની સફળતા

હવે અમિતાભ પાસે મુંબઈ જઈને ‘સ્ટ્રગલ’ કર્યા સિવાય અન્ય કોઈજ રસ્તો ન હતો. અમિતાભ એવું કહેવાય છે કે એ સમયે રાત્રે બાંદ્રા બેન્ડ સ્ટેન્ડ પાસે વડાપાઉં ખાઈને બેન્ચ પર સુઈ જતા. અમિતાભને ફિલ્મમાં સહુથી પહેલો મોકો આપ્યો મૃણાલ સેને. મૃણાલ સેનની એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘ભુવન શોમ’ માટે અમિતાભે પોતાનો અવાજ આપ્યો હતો, સુત્રધાર તરીકે. આ એ જ અવાજ હતો જેને આકાશવાણીના સાહેબોએ અમુક સમય પહેલા જ રિજેક્ટ કર્યો હતો. પરંતુ, અમિતાભને તો એક્ટિંગ કરવી હતી એટલે તેઓ સ્ટુડિયો સ્ટુડિયો ફરવા લાગ્યા અને નિર્માતા, નિર્દેશકોના વચનો જે કદી પણ પૂરા નહોતા થવાના તેને સાંભળતા રહ્યા. એક સમય એવો પણ આવ્યો કે તેમણે એક્સ્ટ્રા તરીકેનું કામ કરવાનું પણ નક્કી કરી લીધું હતું.

શશી કપૂર જેઓ મર્ચન્ટ આયવરીની એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા ત્યાં તેમણે એક્સ્ટ્રા કલાકારોની સાથે અમિતાભને જોયા અને જૂની ઓળખ હોવાને લીધે તેઓ તરતજ અમિતાભ પાસે ગયા અને તેમને રીતસર વઢી નાખ્યા અને કહ્યું કે, “તું આના માટે નથી બન્યો, તારે ઘણું આગળ જવાનું છે.” આટલું કહીને શશી કપૂરે અમિતાભને ત્યાંથી જતા રહેવાનું કહ્યું.

કદાચ ઇન્દિરા ગાંધીની જ સિફારિશથી અમિતાભને ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’માં નાનકડો રોલ મળ્યો અને અમિતાભની ફિલ્મ કારકિર્દી શરુ થઇ. પણ અમિતાભની આ નાની ભૂમિકા ખાસ કોઈના ધ્યાનમાં ન આવી અને અમિતાભની સ્ટ્રગલ ફરીથી શરુ થઇ. અમુક જગ્યાએ તો નિર્માતાઓ અને નિર્દેશકો અમિતાભના અવાજની જ નહીં પરંતુ તેમના પાતળા બાંધા અને જબરદસ્ત ઉંચાઈની પણ મશ્કરી કરતા હતા. અમિતાભે આ તમામની અવગણના કરી અને પોતાનો સંઘર્ષ ચાલુ રાખ્યો. છેવટે અમિતાભને ફિલ્મો મળવી શરુ થઇ.

અમિતાભને ફિલ્મો તો મળવાની શરુ થઇ પરંતુ સફળતા હજી પણ તેમનાથી ચાર-પાંચ ડગલાં આગળ જ ચાલી રહી હતી. અમિતાભની એક પછી એક એમ દસ થી અગિયાર ફિલ્મો ફ્લોપ ગઈ. પરંતુ આ દરમ્યાન અમિતાભના માથા પર હાથ પડ્યો હૃષિકેશ મુખરજીનો. હૃષીકેશ મુખરજીએ પોતાની ફિલ્મ આનંદ માટે ડોક્ટર ભાસ્કરની ભૂમિકામાં અમિતાભને કાસ્ટ કર્યા જ્યારે ટાઈટલ રોલમાં એ સમયના સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા.

કારકિર્દીની શરૂઆતમાં જ જો રાજેશ ખન્ના જેવા સ્ટાર સાથે કામ કરવા મળે તો સફળતા તો મળવાની જ હતી અને મળી પણ ખરી, પરંતુ એક સહકલાકાર તરીકે. એક તરફ આનંદ હીટ ગઈ તો બીજી તરફ અમિતાભની લીડ રોલ વાળી ફિલ્મો તો ફ્લોપ જ થઇ રહી હતી. હા બોમ્બે ટુ ગોવા જેવી ફિલ્મ જરૂર ચાલી પરંતુ તેમાં લીડ રોલ હોવા છતાં તમામ ક્રેડિટ અમિતાભના જ મિત્ર અને મહાન કોમેડિયન મહેમૂદ લઇ ગયા.

પરંતુ કહેવાય છે ને કે જ્યારે નસીબનું પાંદડું ફરે છે ત્યારે તે કોઈને પણ માલામાલ કરી દે છે. અમિતાભ સાથે પણ એવુંજ બન્યું. નિર્માતા નિર્દેશક પ્રકાશ મહેરા ઝંઝીર બનાવી રહ્યા હતા અને તેમને લીડ રોલમાં કોઈ મજબૂત કલાકારની જરૂર હતી. તેમણે સહુથી પહેલા આ રોલ માટે રાજેશ ખન્નાનો સંપર્ક કર્યો જે એ સમયે સુપરસ્ટાર હતા, પરંતુ એક્શન હિરો બનવું એ એમની ઈમેજ વિરુદ્ધ હોવાથી તેમણે એ રોલ નકાર્યો. ત્યારબાદ દેવ આનંદ અને રાજકુમારે પણ કોઈને કોઈ કારણોસર એ રોલ નકાર્યો.

અમિતાભની કેટલીક ફિલ્મો જોઈ ચૂકેલા ઝંઝીરની લેખક જોડી સલીમ-જાવેદ અને ફિલ્મની હિરોઈન તેમજ અમિતાભની તે સમયની અત્યંત નિકટની સખી જયા ભાદુરીએ પ્રકાશ મહેરાને અમિતાભ બચ્ચનના નામની મજબૂત સિફારિશ કરી. પ્રકાશ મહેરા આ ત્રણેયની વાત માની ગયા અને પછી જે થયું એ પેલું કહેવાય છે ને એમ “ઈતિહાસ છે!”

ઝંઝીર ફિલ્મે ભારતીય ફિલ્મ ઉદ્યોગને તેનો સર્વપ્રથમ એંગ્રી યંગ મેન આપ્યો! અમિતાભ બચ્ચન માટે ઝંઝીર ફિલ્મ એટલા માટે પણ મહત્ત્વની છે કે તેમણે એ સમયના દિગ્ગજ અદાકાર પ્રાણ સાથે સ્ક્રિન શેર કર્યો હોવા છતાં ફિલ્મને પોતાને ખભે ઉપાડી હતી અને એ પણ પોતાની ડાયલોગ ડિલીવરી અને અદાકારીના જોરે. ઝંઝીરના ઈન્સ્પેક્ટરનું નામ વિજય હતું જે હવે અમિતાભની સમગ્ર કારકિર્દીમાં તેમનું ફિલ્મી નામ બની રહેવાનું હતું.

ઝંઝીરે જે રીતે અમિતાભ બચ્ચનના નસીબના દ્વાર ખોલી નાખ્યા તેનાથી તેમને હવે મોટા બેનર્સની ફિલ્મો મળવાની ચાલુ થઇ. અમિતાભ સમક્ષ એ નિર્માતાઓ અને નિર્દેશકો પણ લાઈન લગાવીને ઉભા હતા જેમણે એક સમયે એમના શારીરિક બાંધા અને લંબાઈની મશ્કરી કરી હતી. ઝંઝીર સુધી ભારતમાં એક્શન ફિલ્મોને બહુ સિરિયસલી લેવામાં નહોતી આવતી પરંતુ ઝંઝીર અને અમિતાભે એક રીતે કહીએ તો ભારતમાં એક્શન ફિલ્મોનો યુગ લાવી દીધો અને રોમેન્ટિક ઈમેજ ધરાવતા હિરોલોગ જેવા કે રાજેશ ખન્નાને ફેંકી દીધા અથવાતો ધમેન્દ્ર અને જીતેન્દ્રની જેમ એક્શન ફિલ્મો કરતા કરી દીધા.

ઝંઝીર ફિલ્મે ભલે અમિતાભની ઓળખાણ કરાવી પરંતુ ત્યારબાદ આવેલી બે ફિલ્મો દીવાર અને શોલે થી અમિતાભે ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ અને સ્ટારડમ સ્થાપિત કર્યું. આ બંને ફિલ્મોમાં અમિતાભ સાથે અનુક્રમે શશી કપૂર અને ધર્મેન્દ્ર જેવા એ સમયના મોટા માથા ગણાતા કલાકારો હતા પરંતુ દીવારમાં મુખ્ય ભૂમિકા અને શોલેમાં સેકન્ડ લીડ કરીને અમિતાભે એ સાબિત કરી દીધું કે તેઓ હવે અહીં જ રહેવાના છે એટલુંજ નહીં પરંતુ અન્ય સમકાલીનો કરતા ઘણા...ઘણા આગળ પહોંચી જવાના છે.

અમિતાભ બચ્ચન પર તેમના કેટલાક ટીકાકારો દ્વારા ભારતીય ફિલ્મોમાં એક્શન નહીં પરંતુ હિંસક ફિલ્મોનો યુગ લાવવાનો આરોપ પણ મુકે છે. આ આરોપ બિલકુલ સાચો નથી કારણકે અમિતાભે એક્શન ફિલ્મો કરતા પોતાના સુવર્ણકાળમાં મિલી, કભીકભી, ચૂપકે ચૂપકે અને એના જેવી અન્ય ઘણી એવી ફિલ્મો પણ કરી જેમાં એક્શનનું તત્ત્વ નહીવત હતું.

હા, અમિતાભ બચ્ચન પર એક આરોપ જરૂર સાબિત થઇ શકે છે અને એ આરોપ છે હિન્દી ફિલ્મોમાંથી કોમેડિયનોની છુટ્ટી કરી દેવાનો. અમિતાભના સુપરસ્ટાર બન્યા અગાઉ હિન્દી ફિલ્મોમાં મહેમૂદ સરીખા કોમેડિયનો માટે ખાસ રોલ લખવાનો આવતો અને અમુક ફિલ્મોમાં તો મહેમૂદને ફિલ્મના હિરો કરતા પણ વધુ મહેનતાણું મળતું. પરંતુ એ અમિતાભ બચ્ચનની અદાકારીની વિવિધતા કહો કે ગમેતે કહો તેમણે કોમેડી પર પણ એટલીજ મહારથ હાંસલ કરી હતી જેટલી એક્શન કે ઈમોશન્સ પર.

પરિણામે અમિતાભ એક જ ફી માં એક્શન, ઈમોશન અને કોમેડી બધુંજ કરતા અને છેવટે ફિલ્મોમાં કોમેડિયનોની જરૂર ન રહેતી. અમિતાભનું જોઇને અન્ય કલાકારો ખાસકરીને ધર્મેન્દ્ર પણ પોતે જ કોમેડી કરવા લાગ્યા અને માત્ર કોમેડી કરી જાણતા ઘણા અદાકારોને છેવટે ઘણું બધું સહન કરવાનું આવ્યું. કદાચ અમિતાભ બાદ માત્ર દિલીપ કુમાર અને ધર્મેન્દ્ર જ એવા મોટા કલાકારો હતા જેઓ કોમેડી પર અદાકારીના અન્ય પાસાંઓ જેટલીજ સિદ્ધહસ્તતા ધરાવતા હતા.

અમિતાભ બચ્ચનની કારકિર્દી જ્યારે ટોચ પર હતી ત્યારેજ તેમને ફિલ્મ કુલીના શૂટિંગ દરમ્યાન એક જીવલેણ અકસ્માત નડ્યો જે માત્ર અમિતાભની કારકિર્દી જ નહીં પરંતુ ખુદ અમિતાભને જ ખતમ કરી નાખવા સક્ષમ હતો.

અમિતાભ જ્યારે સ્વર્ગના દરવાજા ખખડાવીને પરત આવ્યા

મનમોહન દેસાઈ અમિતાભ બચ્ચનના પ્રિય નિર્દેશકોમાંથી એક હતા. તેમની ફિલ્મ કૂલી માટે બેંગ્લોરના યુનિવર્સીટી કેમ્પસમાં અમિતાભ બચ્ચન અને સાથી કલાકાર પુનીત ઈસ્સર એક ફાઈટ સીનનું શૂટિંગ કરી રહ્યા હતા. આ દ્રશ્યમાં ઇસ્સરે અમિતાભને મુક્કો મારવાનો હતો અને અમિતાભે પહેલા ટેબલ સાથે અથડાવાનું હતું અને પછી જમીન પર પડવાનું હતું. પુનીત ઈસ્સરથી મુક્કો જરા જોરથી વાગી ગયો અને તેના આઘાતથી બેલેન્સ ગુમાવી ચૂકેલા અમિતાભ ટેબલ પર અગાઉથી નક્કી કરેલી ગતિ કરતા વધુ ગતિએ પડ્યા જેના પર તેમનો કોઈજ કન્ટ્રોલ ન રહ્યો.

આમ કરવા જતા એ ટેબલનો ખૂણો તેમના પેટમાં વાગ્યો અને તેણે આંતરડાને સારીએવી ઈજા કરી અને તેને લીધે લોહી પણ મોટી માત્રામાં વહી ગયું. અમિતાભને પહેલા તાત્કાલિક બેંગ્લોરની હોસ્પિટલમાં અને બાદમાં મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અહીં અમિતાભે રીતસર જીવન-મરણનો જંગ મહિનાઓ સુધી ખેલ્યો. એમ કહોને કે એક સમયે અમિતાભ સ્વર્ગના દરવાજા ખખડાવીને પરત થયા. પરંતુ પરિવારજનો અને ચાહકોની પ્રાર્થના કામ આવી અને અમિતાભ મહિનાઓની લડાઈ બાદ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત થયા. ચાહકોએ અમિતાભના સાજા થવા માટે જાતજાતની માનતા રાખી હતી એમાંથી એક ચાહકે તો ગુજરાતના નવસારીથી શિરડી ઉંધા પગે ચાલીને જવાની માનતા પૂરી કરી હતી.

ફિલ્મ કુલીમાં પણ અમિતાભને થયેલી ઇજાનું દ્રશ્ય અમુક સેકન્ડો માટે રોકી રાખવામાં આવ્યું છે અને તેના અંતને પણ બદલવામાં આવ્યો છે. મનમોહન દેસાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઓરીજીનલ સ્ક્રિપ્ટમાં ફિલ્મના અંતે અમિતાભનું મૃત્યુ થવાનું હતું પરંતુ જે વ્યક્તિ હકીકતમાં મૃત્યુ સામેનો જંગ જીતીને આવ્યો હોય અને ચાહકોની લાગણી એના ઉફાન પર હોય ત્યારે તેઓ તેને સ્ક્રિન પર કેવી રીતે મરતો દેખાડી શકે? અને આથીજ મનમોહન દેસાઈએ ફિલ્મનો અંત બદલી નાખ્યો અને અમિતાભને જીવતો રાખ્યો.

રાજકારણમાં હાથ બાળ્યા

૧૯૮૪માં ભારતના તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમનાજ બોડીગાર્ડ્ઝ દ્વારા હત્યા થઇ અને તેમને સ્થાને તેમના પુત્ર રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન બન્યા. ત્યારબાદ આવેલી લોકસભાની ચૂંટણીઓમાં રાજીવ ગાંધી પ્રત્યે લોકલાગણીનો જુવાળ એટલો બધો હતો કે એવું કહેવાતું કે રાજીવ ગાંધીએ જો લેમ્પ પોસ્ટને પણ ઉમેદવાર બનાવત તો પણ તે જીતી જાત. આવામાં રાજીવ ગાંધીએ પોતાના મિત્ર અમિતાભ બચ્ચનને લોકસભાની ચૂંટણી લડવાનું કહ્યું.

અમિતાભ બચ્ચન પોતાના જ શહેર ઇલાહાબાદ સીટ પર અનુભવી રાજકારણી હેમવતી નંદન બહુગુણા સામે લોકસભાની ચૂંટણી લડ્યા અને ભારે બહુમતીથી જીત્યા. પરંતુ રાજીવ ગાંધીના વડાપ્રધાન બન્યાના થોડા જ વર્ષોમાં બોફોર્સ કટકી કૌભાંડ બહાર આવ્યું જેમાં લાભાર્થીઓ તરીકે અમિતાભ બચ્ચનનું નામ પણ આવ્યું. બસ અમિતાભનું મન રાજકારણ પરથી ઉઠી ગયું અને તેમણે પોતાની લોકસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું. જો કે થોડા વર્ષ અગાઉ જ અમિતાભને સ્વિડીશ કોર્ટ તરફથી આ મામલે ક્લીન ચીટ મળી ગઈ છે.

ફિલ્મોમાં પુનરાગમન અને વળતા પાણી

જેમ અગાઉ ચર્ચા કરી તેમ અમિતાભ ભલે ગઈ સદીના મહાનાયક હોય પરંતુ તેમનું જીવન ચડતીપડતીથી ભરપૂર રહ્યું છે. રાજકારણમાં ગયા અગાઉ અમિતાભે પુકાર, મહાન અને અંધા કાનૂન જેવી ફિલ્મો કરી પરંતુ તેને પોતે સુપરસ્ટાર હોવા છતાં તે ફિલ્મોને ધારી સફળતા ન મળી, જો કે અંધા કાનૂનમાં રજનીકાંત મુખ્ય હિરો હતો જ્યારે અમિતાભ મહેમાન કલાકાર માત્ર હતા, પરંતુ લોકો તો અમિતાભને જોવા જ ફિલ્મ જોવા ગયા હતા. ત્યારબાદ કુલીનો અકસ્માત અને રાજકારણમાં અમિતાભે આંટો માર્યો અને ત્રણ વર્ષ રાજકારણમાં નિષ્ફળતા મેળવી તેઓ ફિલ્મોમાં પરત આવ્યા.

પોતાના મિત્ર ટીનુ આનંદના નિર્દેશનમાં અમિતાભે શહેનશાહ દ્વારા હિન્દી ફિલ્મોમાં પુનરાગમન કર્યું. ફિલ્મ સફળ રહી પરંતુ બ્લોકબસ્ટર ન રહી. કદાચ આ અમિતાભના આવનારા સમયનો સંકેત હતો. ત્યારબાદ અમિતાભે પોતાના મનગમતા નિર્દેશકો મનમોહન દેસાઈ અને પ્રકાશ મહેરા સાથે અનુક્રમે તુફાન અને જાદુગર કરી જે ઉંધે માથે પટકાઈ. કઈક આવા જ હાલ થયા એક સારી ફિલ્મ અને કદાચ અમિતાભના શ્રેષ્ઠ અભિનયવાળી ફિલ્મોમાંથી એક એવી મૈ આઝાદ હૂં સાથે.

તેમ છતાં પેલું કહેવાય છે ને કે ભાંગ્યું તો પણ ભરૂચ, એમ અમિતાભને મુકુલ આનંદ સાથે સારું ટ્યુનીંગ બેસી ગયું અને તેમની ત્રણ ફિલ્મો અગ્નિપથ, હમ અને ખુદા ગવાહે બોક્સ ઓફિસ પર સારોએવો બિઝનેસ કર્યો. અગ્નિપથના અભિનયે તો અમિતાભને તેમનો પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ અપાવ્યો. ત્યારબાદ અમિતાભે કે સી બોકાડીયાની ફિલ્મ આજ કા અર્જુન કરી જેને પણ એવરેજ સફળતા મળી.

આમ નાનીમોટી સફળતા મળતી જોઇને અમિતાભે ફરીથી હિંમત ભેગી કરીને એક એવો નિર્ણય લીધો જેણે તેમને આર્થિકરીતે પાયમાલ કરી દીધા...

ABCL અને આર્થિક પાયમાલી

ઘણીવાર મનુષ્ય વધુ પડતા આત્મવિશ્વાસને લીધે ખોટા નિર્ણયો લઇ લેતો હોય છે જે તેને સાચો જ લાગતો હોય છે. અમિતાભે પણ આવુંજ કર્યું. તેમણે અદાકારી ઉપરાંત હવે ફિલ્મ નિર્માણમાં પણ ઝંપલાવવાનું નક્કી કર્યું અને અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ એટલેકે ABCLની સ્થાપના કરી. અમિતાભને એમ હતું કે પોતાની બ્રાન્ડ દ્વારા તે સફળ રહેશે તે ઉપરાંત મનોરંજનને લગતા અન્ય પ્રોજેક્ટ્સ પણ તે સફળતાપૂર્વક પાર પાડી શકશે.

ABCLના બેનર હેઠળ અમિતાભે એક ટેલેન્ટ હન્ટ કરી જેમાંથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ચંદ્રચુડ સિંગ અને અરશદ વારસી જેવા અદાકારો મળ્યા. આ ઉપરાંત અમિતાભે પોતાનો મ્યુઝિક વિડીયો પણ લોન્ચ કર્યો અને ભારતમાં મિસ વર્લ્ડ સ્પર્ધા પણ આયોજિત કરી. અમિતાભની આ પ્રકારે કાર્ય કરવાની ભાવના ખોટી ન હતી પરંતુ તેમણે ભૂલ એ કરી કે અનેક લોકો પર વિશ્વાસ મુક્યો અને પોતાની કંપની ચલાવવા મેનેજમેન્ટના જ્ઞાનીઓ રોક્યા જેમને ફિલ્મ અથવાતો મનોરંજન ઉદ્યોગ વિષે ઓછી અથવાતો નહીવત માહિતી અને અનુભવ હતા.

પરિણામે જે થવાનું હતું તે થઈને જ રહ્યું અને અમિતાભે ABCLને લીધે કરોડોનું નુકસાન કર્યું. આ નુકસાન ભરપાઈ કરવા માટે અમિતાભે લાલ બાદશાહ કે પછી કોહરામ જેવી બકવાસ ફિલ્મો પણ સાઈન કરી, પરંતુ દેવાનો ખાડો ઘણો ઉંડો હતો અને પેલી બંને ફિલ્મો નુકસાનીમાં ગઈ જેને લીધે બ્રાન્ડ અમિતાભ પર પણ છાંટા ઉડ્યા.

છેવટે અમિતાભે એક બ્રેક લીધો અને નક્કી કર્યું કે આપણામાં જે કૌશલ્ય છે તેના સિવાય અન્ય કોઈજ કામધંધો હાલપૂરતો ન કરવો અને એ કૌશલ્ય દ્વારા જ પૈસાની કમાણી કરીને દેવું ચૂકતે કરવું. અમિતાભની મદદે પત્ની જયા અને પુત્ર અભિષેક પણ આવ્યા. જયા બચ્ચને વર્ષો બાદ ફિલ્મો સાઈન કરી અને અભિષેકે પણ બોલિવુડમાં ઝંપલાવ્યું.

એવું કહેવાય છે કે અમિતાભ બચ્ચન બ્રેક બાદ મિત્ર યશ ચોપરા પાસે ગયા અને કહ્યું કે મારે કામની જરૂર છે. ત્યારે યશ ચોપરાએ પુત્ર આદિત્ય ચોપરાના નિર્દેશનમાં બનવા જઈ રહેલી ફિલ્મ મહોબતેં માટે અમિતાભને સાઈન કર્યા જેમાં મુખ્ય ભૂમિકામાં શાહરૂખ ખાન અને ઐશ્વર્યા રાય હતા. યશ ચોપરાને મળવું એ અમિતાભના ભૂતકાળના ખરાબ નિર્ણયોના અંત સમાન હતું અને ત્યારબાદ તેમને અન્ય મિત્ર યશ જૌહરના પુત્ર કરણ જૌહરે કભી ખુશી કભી ગમ ઓફર કરી. આ બંને ફિલ્મો મોટી હીટ સાબિત થઇ અને અમિતાભ ફરીથી બોલિવુડમાં હકારાત્મક ચર્ચાનો વિષય બન્યા.

કૌન બનેગા કરોડપતિ અને ભાગ્ય ફરીથી ચમક્યું

ભલે મહોબતેં અને K3G દ્વારા અમિતાભની કારકિર્દી ફરીથી પાટે ચડી પરંતુ હજી દેવાનો ડુંગર તો સામે હતો જ. આવા સમયે અમિતાભને તે સમયે સ્ટાર ટીવી દ્વારા કૌન બનેગા કરોડપતિ નામના ક્વિઝ શો ને હોસ્ટ કરવાની ઓફર આવી જેના દરેક એપીસોડની સારીએવી કિંમત એમને મળવાની હતી. એક તરફ દેવું ઉતારવાની એક સુંદર તક અમિતાભ સમક્ષ હતી તો બીજી તરફ પરિવાર આ ઓફર અંગે સહમત ન હતું. એક સમયનો સુપરસ્ટાર ટીવી પર ક્વિઝ શો હોસ્ટ કરે? કેવું લાગે?

પરંતુ અમિતાભે સમયની માંગ પરિવારના સભ્યોને સમજાવી અને ઓફર સ્વિકારી અને અમિતાભના નસીબ આડેથી ફરીએકવાર પાંદડું ફરી ગયું. આ શો આજે લગભગ સોળ વર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે અને તેની પહેલી સિઝનથી જ લોકો કરોડો કમાવા કરતા એકવાર અમિતાભને મળવા એમની સાથે હાથ મેળવવા, ફોટો પડાવવા માટે જ હિસ્સો લે છે એ સાબિત થયું છે. આ શો માં અમિતાભ આપણને અમિતાભ જ લાગે છે નહીં કે કોઈ અદાકાર આથી રિયલ લાઈફના વિનમ્ર અમિતાભથી લોકો અભિભૂત થયા વગર રહેતા નથી.

ફિલ્મોમાં વાપસી અને કારકિર્દીની ચરમસીમા

આજે અમિતાભના માથે એક પૈસાનું પણ દેવું નથી. અમિતાભ આ ઉંમરે પણ રીતસર છવાઈ ગયા છે. ફિલ્મોમાં અમિતાભ માટે ખાસ એમની ઉંમરને ધ્યાનમાં લઈને રોલ લખાય છે, ઉદાહરણ તરીકે બ્લેક, પા, પીકુ અને પિંક! સમગ્ર બોલિવુડ માટે અમિતાભ બચ્ચન એક આઇકોન તરીકે પૂજાય છે. અમિતાભને કોઇપણ પ્રકારની એડ કરવામાં શરમ નથી. આ અંગે એમની જબરદસ્ત ટીકા પણ થાય છે, પરંતુ અમિતાભને એની પડી નથી કારણકે તેઓ મોટી ઉંમરે અત્યંત ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થયા છે અને આથીજ મળે તે કામ સ્વીકારીને તેઓ એ સમય પોતાની આવનારી પેઢીઓ માટે ફરીથી ઉભો નથી કરવા માંગતા એ સ્પષ્ટ છે.

નવી સદીની શરૂઆતમાં થયેલા એક સરવેમાં અમિતાભ બચ્ચને ભલભલા અદાકારોને પછાડીને ‘સદીના મહાનાયક’ નું સન્માન મેળવ્યું છે. અમિતાભ આજે સફળતાના શિખરે છે પરંતુ તેમની નમ્રતા ભલભલાને આશ્ચર્ય પમાડે છે. KBCમાં મહિલા સ્પર્ધકો સાથે તેમનું સૌજન્યપૂર્ણ વર્તન જોઇને જ ખબર પડે છે કે અમિતાભમાં અત્યારે આટલી બધી સફળતા મળ્યા છતાં અભિમાનનો એક છાંટો પણ નથી.

એક સમય હતો જ્યારે અમિતાભ અને મિડિયા વચ્ચે છત્તીસનો આંકડો હતો, પરંતુ અકસ્માત બાદ અમિતાભને પોતાના ચાહકોના અપ્રતિમ પ્રેમનો આભાસ થયો અને એમના સુધી પહોંચવા અમિતાભે મિડિયા સાથે સામેચાલીને સંબંધો સુધાર્યા અને આજે મિડિયા પણ અમિતાભની આગળ પાછળ ફરે છે.

સમય જતા મિડિયા કરતા સોશિયલ મિડિયા વધારે સક્ષમ બન્યું અને આટલી મોટી ઉંમરે પણ અમિતાભ તેમાં એક્ટીવ થયા અને તેઓ દરરોજ બ્લોગ લખે છે ઉપરાંત ફેસબુક અને ટ્વીટર પર પણ રેગ્યુલર હાજરી પુરાવે છે.

હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે અમિતાભને રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બનવાની ઓફર કરી ત્યારે તેમણે એ ઓફર માત્ર સ્વીકારી જ નહીં પરંતુ વિનામુલ્યે ગુજરાત પ્રવાસનની અસંખ્ય જાહેરાતો કરી અને તેમનું ‘કુછ દિન તો ગુઝારીયે ગુજરાત મેં’ નામની ટેગલાઈન સમગ્ર દેશમાં લોકપ્રિય થઇ અને ગુજરાતના પ્રવાસન ઉદ્યોગનો ચહેરો બદલાઈ ગયો.

આમ હાલમાં તો એમ કહી શકાય કે અમિતાભ બચ્ચન જે ચીજને અડે છે એ ચીજ સોનું થઇ જાય છે, પછી તે ફિલ્મ હોય, એડ હોય કે પછી કોઈ રાજ્યના પ્રવાસન ઉદ્યોગને ચમકાવવાનો હોય. અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવેલી પોલીયોની રસીની જાહેરાતે પણ ભારતના પોલીયો નિર્મૂલનના કાર્યમાં મહત્ત્વનો ફાળો નોંધાવ્યો છે. અમિતાભે ઇન્કમ ટેક્સ અને GST ના પ્રચાર માટે પણ જાહેરાતો કરી છે અને હાલમાં તેઓ સ્વચ્છ ભારત અભિયાનને પણ આગળ વધારી રહ્યા છે.

જે ઉંમરે એક સામાન્ય વ્યક્તિ નિવૃત્તિ ગાળવાનો આનંદ માણતો હોય છે એ ઉંમરે અમિતાભ બચ્ચન દિવસના પંદરથી વીસ કલાક કામ કરે છે. આ પાછળનું કારણ ગમેતે હોઈ શકે પરંતુ તેઓ આમ કરીને આજની અને આવનારી પેઢીઓને જબરદસ્ત પ્રેરણા જરૂર પૂરી પાડી રહ્યા છે.

ઘણું જીવો અમિતાભ!!