POINT OF THE TALK...(5)
"આવતા ભવે..."
"પ્રેમ એતો પરમેશ્વર પર્યાય છે.
એના મુખનો એ અધ્યાય છે.
લાગણી વરસાવતી નાનકડી નયનોમાં,
એતો સાગર બની લહેરાય છે..."
એક વખત એક પ્રેમી યુગલ એકબીજાને અંતિમ વખત મળવા નદી કિનારે આવ્યા હતા. સાંજનો સમય હતો. વાતાવરણમાં પણ જાણે એમના હૃદયમાં વ્યાપેલા સન્નાટા જેવો સન્નાટો હતો. પોતાના પટ માં ધીમાધીમાં પ્રવાહ સાથે વહેતી નદી, આજુબાજુ વૃક્ષો ની હારમાળા અને પક્ષીઓનો મીઠો ટહુકાર આવુ નયનરમ્ય અને હૃદયરમ્ય સુંદર વાતાવરણ પણ જાણે આજે એ બન્ને એકબીજાને શુ કહેશે એ સાંભળવા કાન માંડીને બેઠું હતું. બન્ને પ્રેમીઓના દિલમાં એક અજબ અજંપો હતો...
કેટલીય વાર સુધી હાથોમાં હાથ નાખી અને વહેતી નદીના પ્રવાહ સામે બન્ને જોઈ રહ્યા. દરરોજ કલાકોના કલાક સુધી એકબીજા સાથે પ્રેમથી વાતો કરતા એ યુગલ માટે આજે જાણે શબ્દોનો અકાળ પડી ગયો હતો. કોણ કોને શુ કહે...??? કારણ બન્નેને ખબર હતી કે આ એમનું અંતિમ મિલન છે. એકેયને ખબર ન હતી કે હવે પછી એ બન્ને એકબીજાને ક્યારે મળશે... કે મળશે કે નહીં...!!!
ખૂબ હિંમત એકઠી કરી યુવતીએ વાતની શરૂઆત કરતા યુવકને કહ્યું...
"સાંભળો...આજે આપણી આ અંતિમ મુલાકાત છે. હવે આપણે એકબીજાને ક્યારેય નહીં મળીએ. દરેક વાતમાં તમારું ધ્યાન રાખતી હું, તમારી કાળજી લેતી હું...હવે પછી તમારી સાથે નહિ હોઉં... માટે હવે મારા ખાતર પણ તમારું ધ્યાન રાખજો... મેં ભગવાનને ખૂબ શ્રદ્ધા થી ઘણી પ્રાર્થનાઓ કરી કે આ જન્મે આપણે એક થઈ જઈએ પણ કદાચ એને એ મંજુર નથી અને આજે આપણ ને જુદા કરવા જઈ રહ્યો છે... મને એની પર ખૂબ ગુસ્સો છે છતાં પણ એની સામે હાથ જોડી હવે પછીની મારી પ્રત્યેક પ્રભાતે એજ પ્રાર્થના હશે કે તમને એ સાચવે... તમને ખૂબ સફળતા અપાવે..."
આટલું બોલતા બોલતા તો બન્નેની આંખમાં રીતસરનો શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. સામે જમીન પર મંગલકારી નીરની એક નદી વહી રહી હતી તો જાણે બીજી પાવન પ્રેમની સરિતા આંસુના રૂપમાં બન્નેની આંખોમાંથી એમના ગાલ પર વહી રહી હતી...
પ્રેમીએ પ્રેમિકાના આંસુ લૂછતાં કહ્યું..."એય... તું રડીશ નહિ. હું જાણું છું તું રડે ત્યારે તરતજ તને માથું દુખાય છે. ઈશ્વરે આપણી પ્રાણયકથા લખવાનું તો ખૂબ ઉત્સાહથી શરૂ કર્યું પણ કદાચ એ આપણી કથાનો અંતિમ અધ્યાય લખવાનુજ ભૂલી ગયો. અને અધૂરી રાખી આપણી પ્રેમ કહાની... હવે એ ક્યાં ભવમાં પુરી થશે એતો એજ જાણે... તું ભલે મારાથી દૂર જઇ રહી છે પણ તું મારા આત્મ માંતો સદા રહીશ. મારા મનમંદિરમાં પ્રભુની જેમ સ્થાપિત તારી મુરત ને હું કદી ઝાંખી નહિ પાડવા દઉં. મારા આત્મામાં જ્યાં તું વસી છે એ સ્થાન બીજું કોઈ લઈ શકશે નહીં. આપણી આ અંતિમ મુલાકાત ભલે હોય પણ આજે છુટા પડતા હું તને એક વચન આપું છું કે તારા ભાવિ જીવનમાં તને સહેજ પણ અડચણરૂપ બન્યા વિનાજ હું સદા તારી પડખે ઉભો રહીશ. તારે મને અનુકૂળ થવાની જરૂર નથી પણ હું તને અનુકૂળ થઈશ. તું પણ મને એક વચન આપ કે તારા જીવનના ખુશીના પ્રસંગોમાં મને યાદ નહિ કરે પણ પ્રભુ ન કરે ને તને કોઈ તકલીફ આવે તો સૌથી પહેલા મને યાદ કરજે... હું તો તને ક્યારેય ભૂલી નહિ શકું. મારા ભીતર તારી યાદ અને તારી મુરત બન્ને હંમેશા મૌન બની ગુંજતા રહેશે..."
આવી અંતિમ મુલાકાત બાદ બંને પોતપોતાના જીવનમાર્ગ પર આગળ નીકળી ગયા. વર્ષો વીત્યા પેલી યુવતી તો પોતાના જીવનપથમાં કદાચ યોગ્ય રીતે ગોઠવાઈ ગઈ પણ યુવક ન ગોઠવાઈ શક્યો. એમના અંતિમ મિલન બાદ વીતેલા વર્ષોમાં યુવકે આપેલા વચન મુજબ યુવતીને ક્યાંય અડચણરૂપ ન બનતા એની પડખે સદા ઉભો રહ્યો એક પડછાયાની માફક... અને તકેદારી રાખતો રહયો કે એને કોઈ મુશ્કેલી ન આવે...
અને વર્ષો બાદ અનાયાસે ફરી એ બંને એકબીજાને એજ નદીના કિનારે મળ્યા. એ દિવસે પણ વર્ષો પહેલાં જેવુંજ દ્રશ્ય હતું. ફરક માત્ર એટલો હતો કે વર્ષો પહેલા એકબીજાને અડકીને હાથોમાં હાથ નાખીને બેઠેલા બંને વચ્ચે આજે ભૌતિક અંતર હતું. અને મળતાજ યુવતીએ યુવકને ખૂબ દુઃખી સ્વરે સૌથી પહેલા એજ વાત કરી કે..."તમે શા માટે મારા સારું થઈ આટલા દુઃખી થાઓ છો...? શા માટે મને ભૂલી નથી જતાં...? હવે હું ક્યાં તમને મળવાની છું... આ જન્મે તો ક્યાં આપણું મિલન શક્ય છે... શા માટે મને તકલીફ ન પડે એ માટે થઈ પોતાના પર તકલીફ લઈ લો છો...???"
યુવતીના આટલા બધા સવાલોનો યુવકે જે જવાબ આપ્યો એમાં પરમેશ્વર સમ પાવન પ્રેમના બધાજ અધ્યાય આવી જાય છે. અને એ પણ સમજાઈ જાય છે કે પ્રેમને શા માટે પ્રભુનો પર્યાય કહેવાય છે...!!!
યુવકે જવાબ આપતા કહ્યું...
"આ હકીકત માત્ર હું અને બીજો મારો ઇશ્વરજ જાણે છે કે આપણાં છુટા પડ્યા પછી વીતતી પ્રત્યેક ક્ષણ સાથે મને તારાથી વધુને વધુ પ્રેમ થવા લાગ્યો છે. મને કોઈ ફરક નથી પડતો કે હાલ તું ક્યાં છે, કોની સાથે છે...મેં "તને" પ્રેમ કર્યો છે... તું મને નથી મળવાની એમ ના બોલ, તું તો મને મળી ગઈ છે અને વશી ગઈ છે મારા આત્મામાં... જ્યાં તારું સ્થાન અટલ છે, અચલ છે... દૈહિક રીતે તું મને નથી મળવાની એવું વિચારી હું તારો સાથ છોડું કે તને ભૂલી જાઉં તો તો મેં "તને" પ્રેમ નહિ ,પણ તારા તન થી મને આકર્ષણ થયું ગણાય અને તન નું આકર્ષણ એ પ્રેમ કહેવાય જ નહીં... ભલે તું દૂર છે પણ સદા ધબકતી રહીશ મારા દિલમાં, મારા આત્મામાં... મારી જિંદગી બનીને...
યુવકની પ્રેમની આ વ્યાખ્યા સાંભળી આંખો મીંચી યુવતી ભગવાનને જાણે મનોમન કહેવા લાગી...
"હે પ્રભુ... આ જન્મે અમારી કથા તે જે લખી એ મને મંજુર પણ આવનાર જન્મો જનમ સુધી મને એમની જ બનાવજે... પ્રભુ એમની જ બનાવજે...
POINT :-
આંખોથી કોઈ ગમવા લાગે એતો આકર્ષણ છે. જે ચિરંજીવી ન હોઈ શકે... પણ હૃદયથી કોઈ ગમવા લાગે એ છે પ્રેમ... અને એજ પ્રેમ હોય છે 'અવિનાશી' ...
પણ અફસોસ આજે ક્ષણિક આકર્ષણ ને આપણે પ્રેમ સમજી લઈએ છીએ અને 'પ્રભુ પર્યાય' સમ પાવન પ્રેમને ખૂબ બદનામ કરીએ છીએ...
લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ' (શંખેશ્વર)