સબરીમાલા મંદિર MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સબરીમાલા મંદિર

શબરીમાલા મંદિર

અયપ્પા, ઈતિહાસ, અદાલત અને આક્રોશ

હાલના દિવસોમાં આપણે કોઇપણ ન્યૂઝ ચેનલ ટ્યુન કરીએ તો એક જ શબ્દ વાંચવા અને કાને સાંભળવા મળે છે અને તે છે શબરીમાલા. ગુજરાતી હોવાને લીધે આપણને શબરીમાલા એ શું છે તેનો ખાસ ખ્યાલ ન હોય એવું બની શકે છે. આ ઉપરાંત એ સ્થાનકની પ્રાથમિક સ્તરની માહિતી ન હોવાને લીધે શબરીમાલાનો વિવાદ શું છે તે અંગે પણ આપણી જાણકારી શૂન્ય હોય એવી શક્યતાઓ પણ રહેલી છે.

આ આર્ટીકલમાં આપણે શબરીમાલા મંદિરની પરંપરા એટલેકે પુરાણકાળથી જ તેનું અસ્તિત્ત્વ શું છે, આ મંદિર કોનું છે, તેનો ઈતિહાસ શું છે અને છેક આટલા વર્ષો બાદ આ મંદિર અંગે વિવાદ કેમ ઉભો થયો તેની વિગત મુદ્દાસર મેળવીશું.

શબરીમાલા મંદિરમાં કયા ભગવાનની પૂજા થાય છે?

શબરીમાલામાં ભગવાન અયપ્પાની પૂજા થાય છે. ભગવાન અયપ્પા વિષે પુરાણોમાં કહેવાયું છે કે ભગવાન શિવ એ વિષ્ણુ ભગવાનના મોહિની રૂપના પ્રેમમાં પડી ગયા હતા અને એમના એમના વીર્યના સ્ખલનથી એટલેકે મોહિની (હરી) અને શિવ (હર) ના મિલનથી પ્રભુ અયપ્પાનો જન્મ થયો હતો.

બારમી સદીમાં શબરીમાલા મંદિરને શોધી કઢાયું હતું. શબરીમાલા મંદિરની કથા આપણને રાજા રાજશેખર સુધી લઇ જાય છે. રાજશેખર પંડાલમ વંશનો રાજા હતો અને તેમને નદી એક બાળક કિનારે મળી આવ્યો હતો. નિસંતાન રાજા આ બાળકને જોઇને ખુશ થઇ ગયો અને તેને પોતાના મહેલમાં લઇ આવ્યો અને ત્યારબાદ તેનું નામ મણીકંદન રાખવામાં આવ્યું હતું. મણીકંદનના આવ્યા બાદ રાજા રાજશેખર અને રાણીને પોતાનું સંતાન થયું. હવે રાણીનો પુત્રપ્રેમ મણીકંદનથી હટીને તેના પુત્ર પર વધવા લાગ્યો.

રાણીને લાગવા લાગ્યું કે રાજશેખર બાદ તેના સિંહાસન પર તેના પોતાના પુત્રનો જ અધિકાર છે નહીં કે મણીકંદનનો. આથી રાણી મણીકંદન પર અત્યાચાર કરવા લાગી. બાદમાં એ જ રાજશેખરના એક મંત્રી અને તેની રાણી જેને પોતાના પુત્રને રાજા બનાવવો હતો તેણે પોતાની ખરાબ તબિયતનું બહાનું આપીને મણીકંદનને જંગલમાં જઈને વાઘણનું દૂધ લઇ આવવાનું કહ્યું. આ બંનેને એવી આશા હતી કે જંગલમાં કોઇપણ જંગલી જાનવર કે પછી છેવટે વાઘણના હાથે મણીકંદન માર્યો જશે, પરંતુ તે બંનેના આશ્ચર્ય વચ્ચે મણીકંદન વાઘણ પર સવાર થઈને મહેલમાં પરત આવ્યો!

પરંતુ આ સફર દરમ્યાન એક ઘટના બની. મણીકંદનને જંગલમાં સફર કરતી વખતે યાદ આવ્યું કે તેનો જન્મ શેના માટે થયો છે. આ વાર્તા પણ અત્યંત રસપ્રદ છે.

ભગવાન અયપ્પાની કથા

મા દુર્ગાએ મહિષાસુરને તો માર્યો પરંતુ તેની બહેન મહિષીને બ્રહ્માજીએ વરદાન આપ્યું હતું કે તેનું મૃત્યુ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના મિલનથી થતા બાળકથી જ થાય. મહિષીનું આ વરદાન માંગવા પાછળ એક જ કારણ હતું કે તેને ખબર હતી કે આમ થવું અશક્ય છે. પરંતુ જેમ આપણે અગાઉ વાંચી ગયા તેમ ભગવાન અયપ્પાનો જન્મ વિષ્ણુના મોહિની સ્વરૂપ અને શિવના મિલન બાદ મણીકંદનના સ્વરૂપે તો થયો જ અને તેમણે પોતાનો અવતાર શેના માટે થયો છે એ યાદ આવતાની સાથેજ એ જંગલમાં જ મહિષીનો એક યુદ્ધ બાદ અંત આણ્યો.

વાઘણ પર સવારથઈને જ્યારે મણીકંદન મહેલમાં પરત આવ્યા ત્યારે રાજા રાજશેખર અને તેની રાણીને ખ્યાલ આવ્યો કે મણીકંદન એક સામાન્ય બાળક નથી. આથી તેમણે મણીકંદનને રાજપાટ સંભાળવાની વિનંતી કરી. પરંતુ મણીકંદન જે હવે ભગવાન અયપ્પા બની ગયા હતા તેમણે આમ કરવાનો ઇનકાર કર્યો અને જાતેજ સ્વર્ગારોહણ કર્યું.

ત્યારબાદ રાજશેખરે અત્યારે જે સ્થાને છે ત્યાં એટલેકે શબરીમાલામાં ભગવાન અયપ્પાનું મંદિર સ્થાપિત કર્યું.

ભગવાન અયપ્પા કુંવારા કેમ છે?

મહિષીનો જ્યારે નાશ કર્યો ત્યારબાદ મહિષી એક સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઇ ગઈ અને તેણે અયપ્પાને પોતાની સાથે લગ્ન કરવાનું કહ્યું, પરંતુ ભગવાન અયપ્પાએ એમ કહેતા તેને ના પાડી કારણકે તેમને તેમના ભક્તોના દુઃખ સાંભળવાના હતા અને તેમની સંભાળ લેવાની હતી આથી જો તેઓ લગ્ન કરે તો તેમનું ધ્યાન તેમની ફરજ પરથી વારેવારે હતી જાય અને આથી તેઓએ લગ્ન કરવાની ના પાડી અને આજીવન કુંવારા રહેવાનો નિર્ણય લીધો. પરંતુ ભગવાન અયપ્પાએ તેને વચન આપ્યું કે જે દિવસે કન્ની સ્વામીઓ એટલેકે અયપ્પાના પ્રથમ સમયના ભક્તો શબરીમાલાની મુલાકાતે આવવાનું બંધ કરી દેશે ત્યારે તેઓ તેની સાથે લગ્ન કરશે.

મહિષીમાંથી સુંદર સ્ત્રીમાં પરિવર્તિત થયેલી સ્ત્રીનું નામ મલિકાપુરાથમ્મા હતું અને તેનું મંદિર શબરીમાલાના ભગવાન અયપ્પાના મંદિરની બિલકુલ બાજુમાં જ બાંધવામાં આવ્યું છે. દર વર્ષે ભગવાન અયપ્પાના નવા ભક્તો આ મંદિરની મુલાકાત લે છે જેથી ભગવાન અયપ્પાનું વચન ભંગ ન થાય અને તેઓ સદાય કુંવારા જ રહે.

શું શબરીમાલામાં રજસ્વલા સ્ત્રીઓના આવવા પર પ્રતિબંધ છે?

શબરીમાલા મંદિર ૩૬૫ દિવસ ખુલ્લું રહેતું મંદિર નથી. વર્ષના અમુક જ દિવસોમાં આ મંદિર ખુલ્લું મુકાય છે. જેમ આપણે આગળ જાણ્યું તેમ ભગવાન અયપ્પાએ આજીવન કુંવારા રહેવાનું વ્રત લીધું છે અને તે વ્રતને લીધેજ આ મંદિરમાં શરૂઆતથી જ સ્ત્રીઓ ખાસકરીને દસ વર્ષથી પચાસ વર્ષની ઉંમર વચ્ચેની, પોતાની મરજીથીજ ભગવાન અયપ્પાના દર્શનાર્થે જતી નથી. સ્ત્રીઓની આ નિશ્ચિત ઉંમર અંગે કોઈ નિયમ બનાવ્યો હોવાનું ક્યાંય આધિકારિકરીતે જાણવામાં આવ્યું નથી, પરંતુ સદીઓ જૂની એક પરંપરા રહી છે અને તેની પાછળ માત્રને માત્ર ભગવાન અયપ્પાનું કુંવારા હોવાનું જ કારણ છે.

એક એવી દલીલ પણ છે કે રજસ્વલા સ્ત્રીઓને જ મંદિરમાં જવાની અનુમતી નથી. આ દલીલ પણ ભગવાન અયપ્પાના આજીવન કુંવારા રહેવાની હકીકત સામે ટકી શકતી નથી. બીજું, દક્ષિણ ભારતમાં ભગવાન અયપ્પાના અસંખ્ય મંદિરો છે જ્યાં કોઇપણ ઉંમરની સ્ત્રી પોતાની ઈચ્છાથી તેમના દર્શન કરી શકે છે, પરંતુ શબરીમાલાનું મંદિર એ ખુદ ભગવાન અયપ્પાના પિતા રાજશેખરે સ્થાપિત કર્યું હોવાને લીધે અને ભગવાન અયપ્પા અને મલિકાપુરાથમ્માના મંદિરો અહીં આજુબાજુમાં જ આવ્યા છે એટલે અહીંનું મહત્ત્વ અન્ય અયપ્પા મંદિરોથી વધી જાય છે અને આથીજ અહીં પરંપરાને જાળવી રાખવાની વાત છે.

ભગવાન અયપ્પાના દર્શન કરવા પુરુષો માટે પણ કેટલાક નિયમો છે

એવું નથી કે ભગવાન અયપ્પાના દર્શને શબરીમાલા જવા માટે સ્ત્રીઓ માટે જ નિયમો છે. અહીં આવનારા પુરુષોની સંખ્યા નિશ્ચિતપણે બહુમતીમાં છે અને તેમના માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. અહીં આવનાર દરેક પુરુષે માત્ર અને માત્ર ધોતી જ પહેરવાની હોય છે અને શર્ટ કે પછી શરીરના ઉપરના હિસ્સાને ઢાંકવા માટે કશું જ નથી પહેરવાનું હોતું. આ ઉપરાંત તેની માથે કપડાની બનેલી પોટલી જ હોવી જરૂરી છે નહીં કે અન્ય કોઈ પ્રકારની પોટલી.

આ નિયમ પાછળનો હેતુ એ છે કે ભગવાન અયપ્પા સમક્ષ બધા જ એક છે, કોઈ ગરીબ નથી કે કોઈ અમીર અને આથી જ જો એક જ પહેરવેશમાં તમામ લોકો અયપ્પાના દર્શને આવે તો જ આ પ્રકારની સરખામણીથી સરળતાથી દૂર રહી શકાય.

હવે શબરીમાલાનું મંદિર અને ભગવાન અયપ્પાને એક નવા સંદર્ભમાં જોઈએ.

શબરીમાલા એ હિંદુ-મુસ્લિમ એકતાનું પણ પ્રતિક છે

શબરીમાલાના મંદિરની બિલકુલ નજીક એક મસ્જીદ આવેલી છે જેની મુલાકાતે હિંદુ અને મુસ્લિમ બંને જતા હોય છે. એવું કહેવાય છે કે શબરીમાલાના દર્શને જનારે આ મસ્જીદની મુલાકાતે પણ આવવું જરૂરી હોય છે. એક લોકવાયકા અનુસાર વાવર નામનો એક વ્યક્તિ મણીકંદન નો મુસ્લિમ મિત્ર હતો. તો એક બીજી કથા અનુસાર વાવર એક ચાંચીયો હતો જેણે ભગવાન અયપ્પા સાથે યુદ્ધ કર્યું હતું જેમાં તેની હાર થઇ હતી અને બાદમાં તે ભગવાન અયપ્પાનો ખાસ સાથીદાર બની ગયો હતો. આમ વાવરની યાદમાં અહીં મસ્જીદ બનાવવામાં આવી છે.

વર્ષમાં લગભગ 160 દિવસ જ શબરીમાલાનું મંદિર ખુલ્લું રહે છે અને આ સમયે મુસ્લિમો આ મસ્જીદમાં નમાજ અદા કરતા હોય છે અને શબરીમાલાની મુલાકાતે આવેલા હિંદુઓ તેની મુલાકાત લેતા હોય છે. આ જ જગ્યાની નજીક એક નાનકડું મંદિર છે જેને વાવરુ નંદા કહેવામાં આવે છે. આ મંદિરમાં એક પથ્થરનો આકાર વાવર જેવો લાગે છે, આ ઉપરાંત અહીં એક અત્યંત પુરાણી તલવાર પણ છે જે વાવરની હોવાનું કહેવાય છે.

શબરીમાલાનું ઉત્તર ભારતીય કનેક્શન

શબરીમાલાને ભગવાન રામ સાથે પણ જોડવામાં આવે છે. એક અન્ય લોકવાયકા અનુસાર શબરીમાલા નામ જ શબરી પરથી પડ્યું છે જેણે રામને પોતાના ચાખેલા બોર ખવડાવ્યા હતા. આથી જ ઉત્તર ભારતના આદિવાસી રામ ભક્તો શબરીમાલા એટલેકે શબરીની ટેકરીની મુલાકાતે આવતા હોય છે. ઋષિ માતંગ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે એક દિવસ શબરીને તેના રામ જરૂર મળશે. શબરી જ્યારે રામને મળી ત્યારે પોતે શષ્ઠ એટલેકે ભગવાન અયપ્પા હોવાનું કહ્યું હતું. મકરવીલાક્કુ નામનો એક ઉત્સવ શબરીમાલા મંદિરની નજીકમાં મકરસંક્રાંતિના દિવસે ઉજવવામાં આવે છે તે શબરી અને ભગવાન રામની મુલાકાતની ઉજવણી માટે ઉજવાતો હોવાનું કહેવાય છે.

બૌદ્ધો પણ શબરીમાલામાં આસ્થા ધરાવે છે

ઘણા બૌદ્ધો શબરીમાલામાં પણ આસ્થા ધરાવે છે. ભગવાન અયપ્પાને બૌદ્ધો બુદ્ધનો અવતાર ગણે છે. ભગવાન અયપ્પાના બીજા નામ શષ્ઠ અને ધર્મશષ્ઠને બૌદ્ધ માન્યતામાં શિક્ષક અથવાતો ઉપદેશક ગણવામાં આવે છે. શબરીમાલા જતા ભક્તો “સ્વામીયે શરણમ અયપ્પા” નો ઉચ્ચાર કરતા હોય છે જેને “બુધ્ધમ શરણમ ગચ્છામિ” સાથે સાંકળવામાં આવે છે.

શબરીમાલામાં અપાતો પ્રસાદમ

અપ્પમ અને તેની સાથે અર્વના પાયસમએ શબરીમાલા મંદિરનો પ્રસાદ છે. બંને ચોખાના લોટ, ગોળ, ઘી અને કેળામાંથી બને છે. અર્વના એ ગળ્યો અને મોઢામાં તરત જ ઓગળી જતો હોય છે જ્યારે અપ્પમ કડક હોય છે અને તેને ચાવવું પડતું હોય છે. આ અપ્પમને ડીપ ફ્રાય કરવામાં આવતું હોવાથી તેને ચાવવામાં ખરેખર તકલીફ પડતી હોય છે. પરંતુ ત્રાવણકોર દેવસ્વમ બોર્ડે એક નવી ફોર્મ્યુલા શોધી કાઢી છે જેને લીધે આ અપ્પમ હવે પંદર દિવસ સુધી ફ્રેશ રહેશે અને તેને ચાવવામાં પણ તકલીફ નહીં પડે.

શબરીમાલા અંગે વિવાદ અને કોર્ટ

છેક 1991 સુધી બધુંજ શબરીમાલા મંદિર તેમજ ભગવાન અયપ્પા સાથે જોડાયેલી આસ્થા અનુસાર બરોબર ચાલી રહ્યું હતું. પરંતુ એ વર્ષે કેરળ હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી કે શબરીમાલામાં સ્ત્રીઓને એન્ટ્રી ન હોવાથી એમની સાથે ભેદભાવ છે અને તેમની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ છે. આ પ્રકારે પીટીશન ફાઈલ થતાની સાથેજ ખળભળાટ મચી ગયો.

પરંતુ એ જ વર્ષે કેરળ હાઈકોર્ટે આ પીટીશન કાઢી નાખતા શબરીમાલાના નિયમો લોકોની આસ્થા સાથે જોડાયેલો છે અને તેને લીધે મહિલાઓ સાથે કોઇપણ પ્રકારનો ભેદભાવ કે અન્યાય નથી થતો એ પ્રકારનો નિર્ણય આપ્યો. ત્યારબાદ પંદર વર્ષ સુધી આ મામલો દબાયેલો રહ્યો અને ૨૦૦૬માં સુપ્રિમ કોર્ટમાં ઉપરોક્ત આરોપ હેઠળ જ એક પીટીશન ફાઈલ કરવામાં આવી.

સુપ્રિમ કોર્ટમાં આ કેસ લગભગ એક દાયકાથી પણ વધુ ચાલ્યો અને છેવટે ૨૦૧૭ના ઓક્ટોબરમાં તેને બંધારણીય બેંચને સોંપી દેવામાં આવ્યો જેમાં આગળ જણાવેલા કાયદાનો ભંગ થાય છે કે કેમ તે અંગે વિચારણા કરીને જણાવવાનું કહેવામાં આવ્યું.

સુપ્રિમ કોર્ટની બંધારણીય બેંચે લાંબો તેમજ વિષદ વિચાર કર્યા બાદ તેમજ જુલાઈ ૨૦૧૮માં કેરળ સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં એમ કહેવા બાદ કે તેને કોઇપણ વયજૂથની મહિલાના મંદિરમાં પ્રવેશથી વાંધો નથી, ગયા અઠવાડિયે કોર્ટે ફેંસલો આપ્યો કે શબરીમાલા મંદિરમાં હવે કોઇપણ મહિલા પછી તે કોઇપણ ઉંમરની કેમ ન હોય, દર્શન કરવા જઈ શકશે.

કાયદાનું શાસન કે આસ્થા પર પ્રહાર

કોઇપણ લોકશાહી દેશમાં કાયદાનું શાસન સર્વોપરી હોય છે અને હોવું જ જોઈએ, પરંતુ લોકલાગણી કે પછી આસ્થાનું પણ એટલુંજ મહત્ત્વનું છે. બેશક ભગવાનના દર્શન કરવા માટે કોઇપણ જાતનો પ્રતિબંધ ન હોઈ શકે, પરંતુ જો ધ્યાનથી અવલોકન કરવામાં આવે તો દેશના દરેક ધર્મના ધાર્મિક સ્થાનો કોઈને કોઈ નિયમ સાથે જોડાયેલા છે જેની પાછળ તે ધર્મના લોકોની આસ્થા જોડાયેલી હોય છે.

વૈષ્ણવોના પવિત્ર યાત્રાધામ શ્રીનાથદ્વારામાં ભગવાનના દર્શન પર તો કોઈ પ્રતિબંધ નથી પરંતુ તે દર્શનનો એક નક્કી સમય તો હોય જ છે અને એ સમયે પણ દર્શન થાય કે ન થાય એ પણ નક્કી નથી હોતું, પરંતુ આજ સુધી શ્રીનાથદ્વારા મંદિરના આ નિયમ વિરુદ્ધ કોઈ કોર્ટમાં ગયું હોય એવો કોઈ દાખલો સામે આવ્યો નથી.

તો બીજી તરફ કેટલાક એવા તત્વો છે જેમને સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ પણ લોકોના ઘા પર મીઠું ભભરાવવાનો શોખ થયો હોય એ રીતે ભગવાન અયપ્પાના ભક્તોની લાગણી પર ઘા કરે છે. એક મલયાલમ અભિનેત્રીએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે તે શબરીમાલા મંદીરમાં પોતાનું વપરાયેલું સેનેટરી પેડ લઈને જશે! હવે આ પ્રકારની ઉશ્કેરણી કોઇપણ અસ્થાળુનું દિલ દુભાવી શકે છે.

મુદ્દો સ્પષ્ટ કરવાની જરૂર

આપણે ભગવાન અયપ્પાના અવતાર વિષે જાણ્યું અને એ પણ જાણ્યું કે ભગવાન પોતે કુંવારા છે અને તેમની ખુદની એવી ઈચ્છા છે કે તે કોઇપણ સ્ત્રીના દર્શન ન કરે તે માટે તેમની ઈચ્છાને માન આપવું જરૂરી છે. રજસ્વલા સ્ત્રીઓ અહીં ન આવી શકે એવું પણ ક્યાંય પુરાણોમાં નથી લખ્યું પરંતુ તેમ છતાં તેને મુદ્દો બનાવીને મહિલાઓની લાગણીઓને ભડકાવવાનો પ્રયાસ કેટલાક તત્વો દ્વારા થયો છે.

તેમ છતાં ભગવાન અયપ્પા તેમજ શબરીમાલાના અભ્યાસુઓ કે પછી નિષ્ણાતોએ હવે આગળ આવવાની જરૂર છે અને જાહેર ચર્ચા કરીને આ તમામ મુદ્દાઓને સ્પષ્ટ કરવાની જરૂર છે જેથી ભગવાન અયપ્પાના ભક્તોની લાગણી અને શ્રધ્ધા સાથેની છેડછાડ બંધ થઇ શકે!

***