મારી નવલિકાઓ - (૨) Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી નવલિકાઓ - (૨)

(૨) ઘીના ઠામમાં ઘી.

લગ્ન બાદ હનીમુન થી આવ્યા બાદ હું સાસરે આવી. મનોજ ઉચ્ચ હોદ્દેદાર હોવાથી તે કંપનીના બંગલામાં રહેતો હતો.તેની કંપની શહેરથી દુર હતી. કંપનીએ તેના સ્ટાફ અને કામદારોના વસવાટ માટે શહેરી સુખ સગવડો વાળી તેની પોતાની કોલોની બાંધી હતી. મનોજનો બંગલો ચાર બેડરૂમનો વિશાળ હતો. બંગલાની ફરતે સુંદર બાગ હતો. તેમાં સુંદર જતજાતના ફુલ છોડ હતા. બાગકામ કરવા માળી આવતો.બંગલાના આઉટ હાઉસમાં કામવાળી બાઈ રહેતી હતી. બાઈ ઘરકામ કરવા આવતી અને તેનો વર કંપનીમાં નોકરી કરતો.મનોજના મા-બાપ કુટુંબ સાથે શહેરમાં રહેતા હતા. અહિં અમે બે ફક્ત એકલા જ રહેતા હતા.

સમયની પાંખે દસકો ક્યાં ઉડી ગયો તેનું ભાન જ ના રહ્યું. ઘરમાં એક બાળકીના આગમનને સાત વર્ષ થઈ ગયા હતા. મનોજ ફેક્ટરીમા મેનેજર હતો અને માનસી બેન્કમાં. બંન્ને પોતપોતાના કામમાં વ્યસ્ત રહેતા હોવાથી દિકરીની પ્રત્યે પુરતું ધ્યાન આપવું શકય નહોતું આથી દીકરીને કરીને દાદા-દાદી પાસે મુકી હતી.

O-O-O-O-O

માનસી હજુ ચ્હાને કેટલી વાર ?

મનોજ પણ ઘરમાં ચ્હા જ નથી, હું શું કરૂં !ગઈ કાલે લાવવાની જ રહી ગઈ. તું ચ્હાનું પેકેટ લઈ આવને હું હમણાંજ તને તૈયાર કરીને આપુ છું

મનોજને સવારે ઉઠતાં વેત ચ્હા જોઈએ. જો તે સમયસર ના મળે તો તે આકુળવ્યાકુળ થઈ જાય. આજે તેને ચ્હા ન મળવાથી તેનો ગુસ્સો સાતમા અસમાને પહોંચી ગયો.

અરે ઓ ! અક્કલના બરદાન તને કૈં ભાન છે કે નહી ?આ સવારના પહોરમાં હું ચ્હા લેવા દોડું ? મારે શેવિંગ બાકી છે ન્હાવાનું બાકી છે તો હું પરવારૂં ક્યારે ? આખો દહાડો શું કર્યું ? તારા મા-બાપે આટલું નથી શીખવ્યું ? મારા ક્યા જન્મના પાપે તું મને માથે ભટકાણી.તારા બાપે આ ડોબું માથે માર્યું છે. ડોબા જેવીને ઘર કેમ ચલાવવું તેનું કૈં ભાન નથી ખાલી ચોપડા ફાડ્યા છે. બસ પછી તો તું તાં અને સામસામી આક્ષેપબાજી.પોતાની નીજી લડાઈમાં એક બીજાના મા બાપ આવી ગયાં અને વાત ઉગ્ર દાવાનળે પહોંચી.

ખબરદાર જો મારા મા બાપનું નામ લીધું છે તો

હું નથી આવી તમે જાન લઈને વાજતે ગાજતે પરણવા આવ્યા હતા. તે ભૂલી ગયા ?

હું સામે ચાલીને નહોતો આવ્યો, તારા બાપે મારા કપાળમાં રૂપિયા જેટલો ચાંલ્લો કરીને બોલાવ્યો હતો તે કેમ ભૂલી જાય છે.

બધાજ ગુન્હા એવા નથી હોતા કે માફ ના થઈ દરેકની સાથે ઈન્સાફ થાય તેવું પણ નથી હોતું, સુંદર અને ખૂબસુરત ચહેરા પાછળનું દિલ (હ્રદય) અરીસા માફક સાફ નથી થતું.તેના ઉપર ડાઘ તો રહી જ જાય છે.મન મોતી અને કાચ તુટ્યા પછી સંધાતા નથી તેમાં સાંધાની તીરાડ સ્પષ્ટ જણાઈ આવે છે. વાત મમતે -જીદે- ચડી હતી. અહમની ટકરાહટ હતી.નમતું કોણ મુકે ? અને શા માટે મુકે ? અને વાત આટલેથી અટકવાનું મુકી આસમાને પહોંચી કોઈએ સાચું જ કહ્યું છે કે (જીદ્દ) અક્કડ તો બધામાં હોય છે પરન્તુ જેનાંમાં સંબંધ જાળવવાની ફીકર હોય છે તે નમે છે. તેને હવે બતાવી દઉ કે નારી વગરનું જીવન કેવું હોય છે ! અને મેં નિર્ણય કર્યો કે હવે તો કોઈ પણ સંજોગોમાં આ માણસ સાથે રહેવું નથી. અને મેં ઘર છોડી પિયરની વાટ પકડી.

*****

ગુણવંતભાઈ સવારના હિંચકા પર બેસી ચ્હા પીતાં પીતા છાપું વાંચી રહ્યા હતા.કોકીલાબહેન રસોડામાં શાક સુધારી સવારની રસોઈની તૈયારી કરતા હતા.દીકરી માનસીના એકાએક અણચિંતવ્યા આગમનથી માતા પિતા ચિંતામાં પડ્યાં. માનસીએ ઘરમાં પગ મુકતાંની સાથે જ કોકીલા બહેન રસોડામાંથી એકદમ દોડીને બહાર આવ્યા.અને ઉપરા છાપરી પ્રશ્નોની ઝડી તેની ઉપર વરસાવી તેને સત્કારી. મનોજ કુમારની તબીયત તો ઠીક છે ને ! કે કૈ બહારગામ ગામ ગયા છે ? તારી તબીયત તો સારી છે ને ? કેમ આમ એકાએક દોડી આવી ?મનોજકુમાર કેમ સાથે નથી આવ્યા ?

ગુણવંતભાઈ: અરે ! તેને હજુ ઘરમાં તો આવવા દો.શ્વાસ લેવા દો. ચ્હા પાણીનું પુછો.કહેશે બધું કહેશે જરા શાંતિ રાખો! આવ બેટા ! બેસ કોકીલા તેને માટે ચ્હા લાવો. કેમ બેટા તારી બેગ ક્યાં છે ? મનોજ કુમાર પાછળ લઈને આવે છે ?

અને માનસીના મનના સાતેય દરવાજા ખુલી ગયા.ગુણવંતભાઈના ખભે માથું મુકી છૂટે મ્હોંએ તે રડી પડી.ગુણવંતભાઈ તેને બરડે હાથ ફેરવી મોકળે મને રડવા દીધી. કોકીલાબહેન અવાક બની જોઈ રહ્યા. થોડીવારે ડૂમો શમ્યો,પાણી પીને તેણે શાંતિથી વિગતે વાત કરી અને જણાવ્યું કે તે હવે તેના સાસરે પગ મુકવાની નથી.

ગુણવંતભાઈએ ધીરેથી કહ્યું હશે બેટા ! કાંઈ વાંધો નહિ આ ઘર તારૂં જ છે ને ! અમને ઘર સુનુ સુનું લાગતું હતું. તું આવી તેથી હવે અમને ગમશે દિવાળી નજીક છે, આપણે આનંદ કરીશું.

કોકીલા બહેન ઉકળી ઉઠ્યા એમ તે કંઈ ચાલતું હશે ? પરણેલી છોકરી ઘેર બેસી રહે તો લોક શું કહે હું મનોજ કુમારને કહીશ.

કોકીલા ! આગથી કે બોમ્બ થી જેટલા ઘર તારાજ નથી થયા એટલા ઘર જીભની કડવાશથી થાય છે. સમજ્યા પતિ પત્નીના ઝઘડામાં મા બાપે માંથું મારવું જોઇએ નહી.ચૂપ થઈ જાઓ.!

ગુણવંતભાઈએ ધીરે થી કહ્યુ બેટા વિશ્વમાં કોઈ વ્યક્તિ એવી નથી જેને સમસ્યા ન હોય, અને કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન ના હોય. સાચા સંબંધની સુંદરતા તો એક બીજાની ભૂલ સહન કરવામાં જ છે. માણસ માત્ર ભૂલને પાત્ર ભૂલ વગરનો માનવી શોધવા જશો તો આખી દુનિયામાંય નહિ જડે. કોઈના સુખે આપણે સુખી ન થઈ શકીએ! બેટા બાંધ છોડ તો જીવનનું અભિન્ન અંગ છે. હું મનોજને સમજાવીશ "

*****

માનસીને કોઈ પ્રોબ્લેમ જ નહોતો.માતા-પિતાનો સાથ હતો બેન્કની નોકરી હતી. છતાં રાત પડે એકલતા સાલતી હતી. મનોજના વિચારો આવતા.સર્વિસ ઉપર નિયમીત જતો હશે ? નાસ્તાની ટેવ છે શું નાસ્તો બનાવતો હશે કે બહારથી તૈયાર પેકેટ લાવી ચલાવતો હશે ?પપ્પા રીટાયર્ડ છે પેન્શન ઉપર ઘર ચાલે છે પેન્શન સિવાય આવકનું કોઈ સાધન નથી. મારા પૈસા લેવાની ના પાડે છે.દીકરીનું અન્ન ખાઈને અમારે નરકમાં નથી જવું.આ સ્થિતિમાં ક્યાંસુધી રહેવું ? માનસી મનોમન મુંઝાતી હતી.

૦-૦-૦-૦-O

પગારના પવિત્ર માસનો શુક્લ પક્ષ પુરો થવા આવ્યો અને કૃષ્ણપક્ષનું પખવાડિયું શરુ થયું. શુક્લ પક્ષની જાહોજલાલી જતાં બચત પખવાડિયાની શરૂઆત થઈ. મિત્રો પાસેથી ઉછીના લઈ એક વીક તો ખેંચી કાઢ્યું. મિત્રો પણ હવે મશ્કરી કરવા લાગ્યા.અરે મિયાં માન જાઓ !!! બહુત ગુસ્સા ઠીક નહિં અને ઉધારી કેટલો વખત ચાલે

*****

આખરે ખાંખાં ખોળા શરૂ થયા. રોકડ તો હાથ ના આવી.બેન્કની પાસબુક અને ચેકબુક હાથ લાગ્યા. પોતાની પાસબુકમાં તો અમાસ્ નું અંધારૂં જ હતું. માનસીની પાસબુકમાં પૂનમનો ચંદ્ર પૂર્ણ કળાએ ખીલતો દેખાયો.પૂનમની ચાંદની જોઈ પાગલ ખીલી ઉઠે તેમ મનોજ ખુશ થયો.

ઘરનો નોકર રવજી સવારે કામ પર આવ્યો. વિગત સમજાવી અને બેરર ચેક ભરી માનસી પાસે સહિ કરાવી પૈસા ઉપાડવા માટે મોકલ્યો.માનસી સમજી ગઈ મિયાં નાં ખીસ્સા ખાલી છે.રવજીને પૈસા આપી સંદેશો કહેવડાવ્યો કે સાંજે બેન્કમાંથી છૂટી ઘેર મળવા આવશે..

0-0-0-0-0

ગુણવંતભાઈએ ફોન ઉપર મનોજકુમારને વાત કરીને સમજાવ્યા. મનોજકુમાર! સાચા સંબંધની સુંદરતા એક- બીજાની ભૂલ સહન કરવામાં જ છે. ભૂલ વગરનો માનવી શોધવા જશો તો આખા વિશ્વમાં કોઈ જડશે નહી. ભૂલ તો ભગવાને પણ કરી છે .વિતેલા દિવસો પાછા આવતા નથી સમયની કિંમત સમજતા થઈએ. વાંક મારો હતો કે તારો એ વાતને હવે ભૂલી અરસપરસ થોડું સહન કરી લઈને ચાલો તો સંબંધ સચવાય.માત્ર આજ આપણને મળી છે કાલની કોને ખબર છે ?ચિંતાની ગાંઠ બાજુએ મુકી ચાલો અને હરપળ ખુશીમાં જીવો. પ્રભુનું ગણિત અદભૂત અને અટપટુ છે તે સમજમાં આવતું નથી અને આપણી મરજીથી કંઈ થતું નથી. ઈશ્વર ભલે દેખાતો નથી, પણ એ ઈશ્વરને માનતા તો થઈએ.

O-O-O-O-O

માનસી બેન્કમાંથી છૂટી બજારમાંથી ફુલનો ગુલદસ્તો લઈ હાજર થઈ.

સામે હસ્તા ચહેરે મનોજ સ્વાગત કરવા ઉભો હતો.

સેંકડો સ્મૃતિ મૂકી

થઈ ગઈ વિદાય

પળપળ આવે

માનસી તારી યાદ !

જીવવું કેમ કરી ?

તમસ છાયા કક્ષમાં

સેંકડો સ્મૃતિ મુકી ગયાં

ક્ષણ ક્ષણ સંભવે

મનોજ તમારી યાદ

જીવવું કેમ કરી ?

આખરે ઘીના ઠામમાં ઘી પડીને રહ્યું, કારણ કે તે અસલ દેશી ઘી હતું, હિંદુસ્તાન લીવરનું ‘ ડાલડા ’ નહોતું.

સમાપ્ત.