Maansaaina Diva - 21 books and stories free download online pdf in Gujarati

માણસાઈના દીવા - 21

માણસાઈના દીવા

( 21 )

દધીચના દીકરા

ઝવેરચંદ મેઘાણી

૧.નાવિક રગનાથજી

મહી ઉતરવાને માટે હોડી જોઈતી હતી. હોડી કોણ આપે ? દહેવાણના ઠાકોરની હાક વાગતી હતી. ગરીબ માછીઓ પાસેથી હોડી માગતાં તેમનાં હાંડલાં રઝળે. સરકાર સામે દેશવ્યાપી બહારવટું સળગાવતા દાંડીમાર્ગે જઈ રહેલા બળવાખોરોને મહી પાર કરવાનો પ્રશ્ન હતો. જોખમ જેવું તેવું નહોતું. હોડી જોખમાય તો શું થાય ? હોડીમાં કંઈ દગો થાય તો દુનિયાને મોં શું દેખાડવું ?

એ વિટંબણાનો નિકાલ કાઢનાર એક મર્દ બદલપુરમાંથી નીકળ્યો. એ હતા ગરાસિયા રગનાથજી. એણે પોતાનું સર્વસ્વ હોડમાં મૂક્યું. રૂપિયા ચારસો ખરચીને એણે નવી હોડી આની કનકાપુરાને આરે નાંગરી. હંકારવા ખુદ પોતે સુકાને ચડ્યા. બોરસદથી બાપુને કનકાપુરા આવી પહોંચતાં રાતના દસ વાગ્યા હતા. રાત અંધારી હતી. પણ બાપુ રોકાયા નહીં. તે જ રાતે તે જ કલાકે સામે પાર ગયે છૂટકો હતો.

કનકાપુરામાં દંડેશ્વર મહાદેવની સામેનો એક ઊંચો ઓટો અમે જોયો. એના પર બેસીને એ અંધારી રાત્રીએ ગાંધીજીએ લોકોને જે પ્રવચન સંભળાવ્યું તેમાંથી એક વાક્ય મહારાજે યાદ કર્યું : 'હું તો યાત્રાએ ચાલ્યો છું. યાત્રાએ જનાર તો વ્રત કરતો જાય, તપ કરતો જાય, નમ્ર બનતો જાય.'

ને એવા બનીને પોતે જે ઠેકાણે રગનાથજી ગરાસિયાની નાવ પર ચડ્યા તે કનકાપુરાનો આરો અમને દેખાડીને દાદાએ કહ્યું કે, નાવ પર તો ઘણા માણસો વગર વિચાર્યે ચડી બેઠા - અરે, સમજદારો પણ સમજે નહીં - ને રગનાથજીનો જીવ ફફડે. છેવટે હાથ ઝાલી ઝાલીને સમજુઓને હેઠા ઉતારવા પડ્યા. રગનાથજીએ રઘુવીરનું નામ સ્મરી નાવ હંકારી. પણ ઓટ થઈ ગયો હતો : સમુદ્રજળ પાછાં વળી ગયાં હતાં. મુખ્ય વહેણ વટાવી ગયા પછી બે ગાઉના નદીપટમાં કાંડાપુઅર કાદવ ખૂંદવાનો હતો. ગાંધીજી એ ખૂંદતા ચાલ્યા. મહીની ભેખડો પર સળગતી મશાલોના સેંકડો દીવા ધરીને જનપદ જોઈ રહ્યું. નાનકડો ગાંધી-દેહ દેખાતો નહોતો, પણ કાદવ ખૂંદતો કલ્પાતો હતો. કયા જોમે, કઈ આંતરિક ચિરયૌવનશક્તિ વડે, આ માનવ-માળખું મહીને વટાવી ગયું હશે ?

***

૨.નૌજવાનનું પાણી

એ પાર પહોંચ્યા, અને પંડિત જવાહરલાલજીની મોટર આવી મહીકાંઠે ઊભી રહી. રાતના બાર વાગ્યા હશે. બાપુને મળવા અધીરું એ મત્ત યૌવન, મહીના કાદવનો ખ્યાલ અપાયા પછી પણ બોલી ઊઠ્યું : 'હમ તો નવજવાન હૈ !' એ નવજવાનને તો પાર જઈ બાપુને મળી કરી આ કાંઠે આવવું હતું. મોટરને ત્યાં સુધી થોભવા કહીને ઊપડ્યા. પણ પાર ગયા પછી એણે કહેવરાવી દીધું : "મોટરને પાછી લઈ જજો. નહીં આવી શકાય." મદાંધ મહીએ આ નવજવાનનું પાણી ઉતાર્યું.

મારે રગનાથજી ડોસાને જોવા હતા. ડોસા અમારે ઉતારે આવી ગયા, પણ ભેટો થયો નહીં. એમના પુત્ર બહાદુરસંગને દીઠા. મેં પૂછ્યું : "દહેવાણના ઠાકોર સ્વ. નારસંગજીએ એમને ઉપદ્રવ કર્યો હતો ? સરકારે આ રગનાથજીને કંઈ સતાવ્યા હતા ?" જાણ મળી કે, ના, કંઈ નહોતું કર્યું.

***

૩.નાક કપાય

બદલપરમાં અમે દધીચ બ્રાહ્મણ ખેડૂત શ્રી ફુલાશંકરભાઈને ઘેર ઊતર્યા હતા. આ પંથકમાં દધીચોની જ વસ્તી છે. દધીચ બ્રાહ્મણો ખેડુ છે. ખેડુની પ્રકૃતિમાં જે ઓછાબોલાપણું, જે બાહ્ય વિવેકનો અભાવ, જે આંતરિક સૌજન્ય અને જે આતિથ્યની નિરાડંબરી ભાવના હોય છે તે આ દધીચોમાંયે છે. પણ દધીચોમાં જે ઠંડી તાકાત - જે 'गूढं हि दाहात्मकमस्ति तेजः' - હોય છે, અને નિગૂઢ ચકમક-તેજ અન્ય તેજની સાથે અફળાતાં પોતાનાં અંદરથી જે દાહ - જે દાવાનલ - પ્રગટાવે છે, તેની વાત તો મેં દહેવાણના દધીચોને વિશે સાંભળી રાખી હતી. એ કથાને હું દહેવાણના માર્ગે તાજી કરતો હતો.

બાબર દેવા અને બીજા ત્રણ બહારવટિયા મળી ચારની ટોળીઓએ જ્યારે આ ખેડા જિલ્લાને ચૂંથી નાખ્યો હતો ત્યારે પાંચમી તરફથી સરકારે આ પ્રદેશના તારાજ બનતાં લોકો પર માથાદીઠ 'પ્યુનિટિવ ટેક્સ' નાખ્યો હતો. લોકોએ એ કરને 'હૈડિયા વેરો' એવા શબ્દે ઓળખ્યો. સરદાર વલ્લભભાઈએ એ વેરા સામે 'ના-કર'નો સત્યાગ્રહ ઉપાડ્યો. ઠેર ઠેર સ્વયંસેવકોની છાવણીઓ પડી. આ મહીકાંઠો મહારાજે હાથમાં લીધો. સ્વયંસેવકો હતા : પત્રિકાઓ કાઢવાના સંચા ન મળે. જાતે પત્રિકા લખી ગામેગામ જઈ વંચી બતાવવાની. ગામોગામ જઈ ઝાંપામાં પેસતાં જ મહારાજ લોકોને કહેવા લાગે : "હું તમને કહેવા આવ્યો છું - હૈડિયા વેરો ના ભરાય. નહીં તો આપણે ચોરડાકુઓને આશરો આપ્યો છે એ પુરવાર થયું ગણાય, આપણું નાક કપાય : એ કેમ સહેવાય ?"

'સાચું છે : એ કેમ સહેવાય ? એથી તો છો બીજું બધું જાય !' એવા પ્રતિધ્વનિ પડ્યા. 'હૈડિયા વેરો દેશો નહીં ! - દેશો નહીં ! - દેશો નહીં !' એ ગુરુમંત્ર તેજના લિસોટા પાડતો ગામેગામ ચાલ્યો ગયો.

***

૪.મર્દ જીવરામ

સરકારના કલેક્ટરો હૈડિયા વેરો ઉઘરાવવા - ને ન આપે તેનાં ઘરબાર ઢોરઢાંખરની જપ્તીઓ કરવા - નીકળ્યા અને આ કાંઠાના કેટલાક ઠાકોરો, કે જેઓ મોટા બિનહકૂમતી તાલુકદારો છે, તેમને પોતપોતાની વસ્તીમાંથી હૈડિયા વેરો ઉઘરાવી દેવા દબાણ કર્યું. એ દબાણને વશ થયા વિના જેમને છૂટકો નહોતો તેવા દહેવાણના ઠાકોર નારસંગજી એક ભયંકર જુવાન હતા. એમણે બીડું ઝડપી લીધું કે, 'ઉઘરાવી દઉં'.

દહેવાણ દધીચ બ્રાહ્મણોનું ગામ. બ્રાહ્મણો ગરીબ, પણ આંખોમાં તેજ. બ્રાહ્મણ હળ ખેડીને આવતો હોય તો પણ રસ્તે ઠાકોર મળે તો બ્રાહ્મણને પગે લાગે. એ બ્રાહ્મણોએ ઠાકોરને કહી દીધું : "વેરો નહીં ભરીએ."

ઠાકોર કહે કે, "મારી ખાતર ભરો."

"ના, ના, તમારી ખાતર કંઈ નાક ના અલય."

"તો હું બળજબરીથી લઈશ."

એનો જવાબ દેવા દધીચપુત્ર જીવરામ ઊઠ્યા : "શું કહો છો, ઠાકોર ! પરાણે લેશો ? તાકાત હોય તો નાંણી જોઈએ. બોલો : બાથંબાથાં આવવું છે ? તૈયાર છીએ ! પૈસાથી મુકાબલો કરવો છે ? તૈયાર છીએ ! અને હથિયારથી ? તો પણ તૈયાર છીએ !"

એમ તો એક પણ રીતે ઠાકોર તૈયાર નહોતા; પણ એણે બ્રાહ્મણ ખેડુતોને લુહાર-સુતાર બંધ કરાવ્યા.

એટલે જીવરામ બ્રાહ્મણે પોતે કોઢ ચાલુ કરી પોતે સૌનાં ઓજાર ઘડવા બેઠા. દહેવાણે હૈડિયા વેરો ન આપ્યો તે ન જ આપ્યો.

જે ઠેકાણે આ દધીચોએ ઠાકોરને આ જવાબ આપેલો તે બ્રાહ્મણ-ખડકી મને મહારાજે દહેવાણમાં બતાવી પણ જીવરામભાઈનો મેળાપ થવો રહી ગયો.

***

૫.બંદૂકની સામે બ્રાહ્મણ

ઠાકોર નારસંગજી પણ ગુજરી ગયા છે, નહીંતર એમને મળવાનુંયે મન હતું, કારણ કે એમની સાથે મહારાજને પોતાને પડેલી એક વસમા પ્રસંગની વાત મારા દિલમાં રમતી હતી. હૈડિયા વેરાના મામલામાં મહારાજ એક દિવસ દહેવાણના દરબારગઢમાં જઈ ઊભા રહ્યા.

"પધારો, બાપજી !" નારસિંહજી ઠાકોરે આદર દીધો.

"હું આવ્યો છું તમને સાફ વાતો કહેવા." કહીને મહારાજે સ્પષ્ટ શબ્દોમાં એના ભરાડીપણાના પ્રસંગો કહેવા માંડ્યા. પણ ઠાકોરની બાહ્યલી મીઠાશ એ જેમ જેમ આ બ્રાહ્મણની વાણી સાંભળતા ગયા તેમ તેમ ઓસરતી ગઈ અને વાત 'તું-તા' પર આવી પહોંચી. પોતાની પાસે ભરેલી બંદૂક પડી હતી તેને ઠાકોર ચંચવાળવા લાગ્યા. એ ક્ષણે મહારાજે બળબળતે હૃદયે કહ્યું : "તું ક્ષત્રિય છે. હું છું બ્રાહ્મણ. તને મારા વિના - બ્રાહ્મણ વિના - તારા ધર્મનું સ્મરણ કોણ કરાવશે ? ને ક્ષત્રિય ધર્મ ચૂકશે એ બ્રાહ્મણથી કેમ જોયું જશે ? એમ કરતાં તો તારી બંદૂકે મારો નાશ થાય તે જ વધુ સારું."

સાંભળિને ઠાકોર નરમ પડ્યા. એણે છેવટે માફામાફી કરીને કહ્યું : "મહારાજ ! જો બ્રાહ્મણ ન હોત ને કોઈ બીજો હોત, તો આટલા શબ્દોનો જવાબ મેં ક્યારનો બંદૂકથી આપ્યો હોત. પણ હું લાચાર બનું છું. તમે મને કહેવા લાયક છો, હું તમારી માફી યાચું છું."

***

૬.ગોળીઓના ટોચા

દહેવાણથી સાંજે ગોળવા ગયા. ત્યાં પણ દધીચ બ્રાહ્મણ ખેડુ બાપુલાલભાઈને ઘેર ઊતર્યા. એ ઘરનાં મૂલ માલિક નાથીબા ગુજરી ગયાં છે. ૧૯૩૦ના એપ્રિલમાં એ ડોસી અઠ્ઠાણું વર્ષની વયનાં હતાં ત્યારે એણે કાનપુરા જઈને દાંડી-પ્રયાણ કરતા ગાંધીજીને આશીર્વાદ અપ્યા હતા.

આ દધીચની ડેલી પર મને બંદૂકની ગોળીનો ઘા દેખાડવામાં આવ્યો. સામે જ આવેલા મંદિરમાંની ખડકી પર પણ બંદૂકની ત્રણ ગોળીના ટોચા હજુ મોજૂદ છે. એ ગોળીઓ દહેવાન-ઠાકોર સ્વ. નારસિંહજીની બંદૂકની છે. એ નિશાનીઓ શોષકના ખુન્નસની છે એથી વિશેષ તો શોષિતોની ઠંડી તાકાતની છે. શોષિતો એટલે ગોળવાના ખેડુતો. ગોળવા, દહેવાણ, કાનપુરા : આખા કાંઠાનાં ગામો આદિકાળ તો આ પ્રજાનાં હતાં. એમાં એક દિવસ આ મહીડાઓની ને કોળી ઠાકોરની તલવાર કોણ જાણે ક્યાંથી ધસી આવીને ફરી વળી હશે, ગામો એ તલવારધારીઓનાં બન્યાં હશે અને તલવાર ફક્ત સાંથ (મહેસૂલ) ઉઘરાવવાનો હક મળી ગયો હશે.

પણ તલવારો તો કટાઈ ગઈ. તલવાર ઝાલનારા પંજા પરદેશી રાજનાં ચરણની ધૂળ ઉઠાવતા થયા. એમાં એક પેઢીએ દહેવાણમાં ઠાકોર નારસંગજી થયા.

એમણે પોતાના ગોળવા ગામ પર સાંથ વધારવાનો, ખેતરાં ખાલી કરાવવાનો ને ઝાડપાન કાપવાનો અધિકાર ઠોકી બેસાડવાની તક મળી જોઈ. પણ દધીચોએ અને પાટણવાડિયાઓએ સામા મોરચા માંડ્યા, રાષ્ટ્રીય સ્વયંસેવકોએ લડતને દોરવવા ગોળવે છાવણી નાખી. છાવણી મંદિરમાં પડી, ને નાથીબા છાવણીના તમામ સ્વયંસેવકોને જ નહીં પણ જે કોઈ આંગણે આવે તેને વિના ભયે જમાડવા લાગ્યાં.

એથી ખુન્નસે ભરાઈને એક દિવસ ઠાકોરના ભાઈ ભરી બંદૂકે આવ્યા. ધડ-ધડ-ધડ એ બેઉ આશ્રયસ્થાનો પર બંદૂક છોડી. માણસો તો બચી ગયાં. બંદૂકવાળો ઝંખવાઈને પાછો ગયો. પણ દહેવાણથી ગોળવે આવતા એક સ્વયંસેવકને ઠાકોર નારસંગજીએ માર મારેલો તેની ખબર મહારાજ તે ટાણે બારડોલી હતા ત્યાં પડી. ત્યાંથી મહારાજ ઊપડ્યા, સીધા દહેવાણમાં દરબારને બંગલે ગયા. ઠાકોર કહે : "પધારો." મહારાજ કહે કે, "એને, સ્વયંસેવકને, શા માટે માર્યો ? મને મારો ને તમારા હાથ ટાઢા કરો. હું એટલા માટે જ આવ્યો છું." ફોજદાર આવી પહોંચ્યા. વાત ટાઢી પાડી. ઠાકોર ચૂપ બન્યા. ગોળવાના ગોળીબારની વાત પણ સંકેલાઈ, અને લડતમાં છેવટે સમાધાન થયું.

કોતરોનાં વર્ષાજળે તોડી,-ખૂંદી જુદા જુદા ટેકરામાં વહેંચી નાખેલું છતાં ગોળવા રૂપાળું લાગ્યું. ચાર દિવસે સરખું ખડકીબંધ ફળીવાળું ઘર જોવા મળ્યું. (મોટે ભાગે આ પ્રદેશમાં વસ્તીનાં ઘર એક જ પછીતે, એક જ ઓસરીએ, પોળ જેવા લાંબા ફળીમાં આવેલાં હોય છે.) ને અમારું ડમણિયું ગાજણે આવી પહોંચ્યું.

હૈડિયા વેરાના મામલામાં જેમ દહેવાણ તેમ ગાજણા ઘણું ઐતિહાસિક બન્યું છે, એટલે ગાજણાની એક રાત્રિનો મહારાજનો અનુભવ સાંભળ્યો હતો ત્યારથી ગાજણા જોવાની ઉમેદ હતી. વાત આમ હતી :

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED