Maansaaina Diva - 20 books and stories free download online pdf in Gujarati

માણસાઈના દીવા - 20

માણસાઈના દીવા

( 20 )

કદરૂપી અને કુભારજા

ઝવેરચંદ મેઘાણી

"દરિયા ! ઓ દરિયા !"

"શું છે, મહી ?"

"મારી જોડે પરણ."

"નહીં પરણું."

"કેમ નહીં ?"

"તું કાળી છે તેથી."

"જોઈ લેજે ત્યારે !"

એમ કહીને મહી પાછી વળી, ને મંડી પથરા તાણવા. તાણી લાવીને મંડી દરિયો પૂરવા. દરિયો તોબા પોકારી ગયો : રખે આ કાળવી મને આખોય પૂરી વાળશે ! કહે કે, 'ચાલ, બાપુ, તને પરણું !' પરણ્યાં. મહી-સાગરનાં એ લગ્નની ચોરી તરીકે વાસણા પાસે એક ઓટો બતાવાય છે.

આવી ડરકામણી મહીને મેં દીઠી - ચાંપોલ અને બદલપુર નામનાં બે ગામોની પાસે દીઠી - તે સાથે જ ખાતરી થઈ કે, દરિયાને ગળે પડીને જ પરણી છે આ ચંડી ! ને આ મહી-સાગરનું લગ્ન તો કાળા કોપનું નીવડ્યું લાગે છે. હું જ્યારે મહીની વત્સલા જનેતા તરીકેની કલ્પનામાં મગ્ન હતો ત્યારે મારગમાં જ મહારાજ વારંવાર બોલતા આવતા હતા કે, "આ મહી નથી પીવાના ખપની, નથી ખેતીના ખપની, નથી નાહવાના ખપની છે ફક્ત સોગંદ ખાવા પૂરતી જ કામની." ત્યારે મને સાચો ખ્યાલ આવતો નહોતો. પણ તા. ૨-૩-'૪૫ની સાંજરે બદલપુરના ઊંચાં ટીંબાથી પોણોએક ગાઉની છિન્નભિન્ન પૃથ્વી વટાવ્યા પછી જ્યારે અમે મહીના પટમાં ઊતર્યા ત્યારે મહી વિકરાળ, કાવતરાખોર, કદરૂપી અને કુભારજા લાગી. પુરુષ ભાઈ તરીકે દરિયાની મને દયા આવી !

***

૧.રસાળ ધરતીનો નાશ

બદલપુરથી લઈને અમારી મુસાફરી પાંચ-સાત ગાઉ સુધી કાંઠે કાંઠે જ ચાલી. મહીસાગરનાં તટવાસી ગામોની અને મહીની વચ્ચે માઈલ દોઢ-દોઢ માઈલ સુધીની ધરતી ખોદાઈ ગઈ છે, પૃથ્વીની સપાટીથી પાંચેક માથોડાં પેટાળમાં ત્યાં ગાડા-મારગો ચાલે છે. દસ-વીસ વર્ષ પર આ મહીકાંઠે અકબંધ ગામડાં ઊભાં હશે, તેને મહી તરફ ધસતાં ચોમાસુ જળપ્રવાહોએ ચૂંથી નાખ્યાં છે ને આજે એ છૂટા પડેલા ગામ-ટુકડા અક્કેક ઊંચે ટેકરે એવી રીતે ઊભા છે કે એકબીજાને જાણે કદી આંખનીય ઓળખાણ નહોતી ! ભાલાનો ટેકરો : એક હાલાનો ટેકરો : જુદા જુદા નિવાસીઓનાં નામના ટેકરા : વચ્ચે પાંચેક માથોડાં ઊંડાં ખોદાણો.

એ પાંચ માથોડાં ઊંડું પૃથ્વી-દળ તદ્દન માટીનું જ બનેલું છે. ત્રણ હાથ ઊંડે ખોદીએ ને 'ટેપ'નો કાળમીંઢ આવી ઊભો રહે એવી મારી સોરઠી ધરતીથી ઊલટા જ પ્રકારની આ નર્યા કાંપની જ બનેલી રસાળ કંઠાળ પૃથ્વી છે. એ પૃથ્વીનું આ સેંકડૉ એકરોનું ખોદાણ એટલે કેટલો વિનાશ ! એકેક વીઘું જ્યાં આજે રૂ. પાંચ-પાંચ હજારના ભાવનું બોલાય છે, તે જ પ્રદેશમાં આવો ધરતી-વિનાશ ! શું એ વિનાશ કોઈ ઇજનેરી ઉપચારે ન રોકી શકાયો હતો ? મને કહેવામાં આવ્યું છે કે આવો ઉગાર તદ્દન શક્ય અને સરળ હતો : મહીમાં વહેવા જતાં વર્ષા-નીરને પૃથ્વીનું પેટ ખોદવું ન પડે તે રીતે મારગ કરી આપી શક્યા હોત.

***

  • ’મર્માળાં માનવી’ ક્યાં !
  • ને મહી વધુ ભયંકર લાગી કારણ કે એને કાંઠે મેં હરિયાળી કલ્પી હતી. ઝળૂંબતી વનરાજીનું માનસચિત્ર આંકી મૂક્યું હતું. એથી ઊલટી જ આ કાંઠાની સ્થિતિ છે. મહીકાંઠો સૂનકાર છે. ઊંડાં કોતરોમાં થઈને બહાર નીકળવાના માર્ગો બિહામણા છે. મહીકાંઠે પંખીડાં બોલતાં નથી. સામો કિનારો (ભરૂચ જિલ્લાનો) ત્રણેક ગાઉના ગમગીન પટની આરપાર નિસ્તેજ ઓળા જેવો દેખાય છે. કોઈ 'મર્માળાં, રેખાળાં માનવી' મહીપાર ઊતરતાં નહોતાં. સોરઠી લોકકથા માંહ્યલી એ રાવલ નદી કે જેને પ્રેમભગ્ન રબારી યુવાન રાણો એક વાર પોતાની આહીરાણી પ્રિયા વિશે પૂછતો હતો :

    પાતળ પેટાં ને પીળરંગાં પરવશને પારે;રાવલ ! રેખાળાં માનવી ઊતર્યાં કયે આરે !

    અર્થાત્‍, હે રાવળ નદી ! પેટે પાતળિયાં, પીતરંગાં ને ઉદર પર પડતી ત્રિવલી વડે શોભતાં હરણ સરીખાં સુકુમાર મારાં માનવી - મારી પ્રિયા કુંવર્ય – તારે કિયે આરે ઊતર્યા ? એવો કોઈ પિયુ અહીં મહીને પ્રશ્ન પૂછે તેવું વાતાવરણ નહોતું.

    રોજિંદા એક વાર ચદતાં 'ઉધાન'નાં સગર-નીરનો સમય આજે રાતના અગિયાર-બારનો છે. અત્યારે પાણી સાથળ સમાણાં ને ક્યાંક ઘૂંટણ-સમાણાં છે. દૂર દૂર હું પંક્તિબંધ માણસોને મહીજળ ઓળંગીને સામે પાર જતાં જોઈ રહું છું. આ ગામ-ગામના આરા સિવાય વચ્ચે તો મહી ઊતરાય તેમ છે નહીં. આરે હોડીઓ રહે છે, ને ઉધાન હોય ત્યારે એ પાર જવાના ખપમાં આવે છે.

    ***

    ૩.મહીના શયનમંદિરમાં

    મહીના શયનમંદિરમાં સાગર રોજ પ્રવેશે છે. એ દરિયાઈ ભરતીને 'ઘોડો' કહે છે, ઘોડાનું રૂપક જેને સૂઝ્યું હોય તેને ધન્ય છે ! નદીમાં આવતો સાગરનો જુવાળ ઘોડાનો જ ઘાટ રજુ કરે છે : કેશવાળી-શી શ્વેત ફીણવાળી તરંગ-ટોચ, વિલાસ-મસ્તીના ઉછાળા મારતાં નીર-કદમો અને હ-ડૂ-ડૂ-ડૂ એવા હણહણાટ. ઘોડો આવવાનો થાય ત્યારે આરે આરેથી માછીઓ પોતપોતાની નાવડીઓને ઘોડાની સામે બે'ક માઈલ લઈ જાય, ને નાવનો અને ઘોડાનો જ્યાં સંપર્ક થાય ત્યાં ઘડીભર તો નાવડીને પોતાના પાછલા પડખામાં લપાવી દઈને પછી 'ઘોડો' એને પોતાની માણેક-લટને સ્થાને અગર તો કાનસૂરી વચ્ચેના કોઈક ફૂમતાબંધ શણગારની અદાથી રમદતો-ઝુલાવતો હીંહોટા દેતો દેતો ધસ્યો આવે છે નદીની શયન-સોડમાં.

    ***

    ૪.ઘી-ગોળનાં હાડ !

    એ દેખાવમાં કલ્પનામાં છે ત્યાં સુધી સુંદર છે. પણ મહારાજે મને એવા એક મહી-ઉતરાણનો કિસ્સો કહ્યો હતો. તેણે મનને ઉદાસીથી ભરી મૂક્યું છે. પોતે વડોદરેથી આવતા હતા. સાથે એક ભંગી ને એની દીકરી થયાં. બાઈના હાથમાં બાળક હતું. સાથે વાંસનો ભારો હતો. મહીના આરા પર આવ્યાં કે તરત એક માણસે બૂમ મારી : "જલદી ઊતરો … નહીંતર ઘોડો આવે છે.” મહારાજ તો રહ્યા બાજંદા તરવૈયા, શરીરે પાવરધા, તે પાણીમાં ચાલ્યા. પછવાડે પેલો ભંગી ઊતર્યો, ને વાંસનો ભારો પાણીમાં ખેંચતો ચાલ્યો. એના મનમાં એમ કે બાઈ બાળકને લઈને પાછળ ચાલી આવે છે. પેલે કાંઠે બેઉ પહોંચી ગયા. પછી પાછળ જુએ તો દૂર દૂર બાઈ પાણીની અંદર સજ્જડ બનીને ઊભી થઈ રહેલી ! કાંખમાં છે બાળક.બૂમ પાડી : "અરે બાઈ, ઝટ ચાલી આવ !” પણ બાઈના મોંમાં બોલ નથી, શરીરમાં સંચરાટ નથી. બૂમો પડે છે : "ઘોડો આવે છે ! વાધુ આવે છે !” જે માણસ બૂમો પાડતો આવ્યો તેને પેલા ભંગીએ કહ્યું : "ભાઈ, મારી દીકરીને તું ઉતારી લાવ.” માછી કહે : "શું દઈશ ?” ભંગી કહે : "મારી કને બે આના છે તે આ લે.” “એટલે તો શાનો ઉતારું !” એમ કહેતો એ તો ઢબઢબતો ચાલ્યો ગયો. ને મહારાજ એ ભંગીને અને પછી એની પાણીમાં દૂર થંભી રહ્લી બાળકવંતી પુત્રીને જોઈ રહ્યા. બેમાંથી જાણે કોઈમાં ચેતન નથી. શિર ઉપર સદાની વિદાય તોળાઈને ઊભી છે. મહારાજ પાછા ગયા. બાઈની પાસે પહોંચ્યા. બાઈને કહે છે કે, “આંહીં આવ !” બાઈ બોલતી જ નથી. એ તો જાણે જીવન-મૃત્યુ વચ્ચેનો ભેદ ત્યજીને ઊભી છે. મહારાજે જઈ બાળકને હાથમાં લીધું. બાઈનો હાથ પકડી ઘોડાનાં ચડતાં પાણીમાં દોરી. બાઈ રસ્તે ફક્ત એટલું જ બોલી શકી : "બાપજી, મારું તો જે થવું હોય તે થાય પણ મારી છોકરીને કંઈ થવા ના દેશો હોં કે !” મુસીબતે બાઈને સામે કાંઠે પહોંચાડી ત્યારે બાઈનો બાપ બોલ્યો : "બાપજી ! તમારાં તો ઘી-ગોળનાં હાડ ખરાં ને ! એ તો ઘી-ગોળનાં હાડવાળા તેથી જ તમે આને લઈ આવ્યા. અમે તો શું કરી શકીએ !”

    તે દિવસે એ ભંગીના બોલ પર જેવા પોતે મરક્યા હશે તેવા જ આજે પણ મંદ મંદ મરકીને મહારાજ કહે છે : "ઘી-ગોળના હાડ !” વસ્તુતઃ તો એણે વર્ષોથી નરી ખીચડી સિવાય, કંગાલ ઘરનાં ખરાબ દાળ-ચોખાના બે મૂઠી બાફણાના એક ટંકના ભોજન સિવાય, ઝાઝું કંઈ જોયું નથી.

    ***

    ૫.ક્ષુદ્રની સંગતે મહાનનું મોત

    ગમગીન અને નિર્જન મહી-આરા પર મળી ગયેલો એક ખારવો તડાકાબંધ વાતો કરતો કરતો બેએક માસ પર મહીસાગરમાં ઘસડાઈ આવેલા મચ્છની વાત કહી ગયો : પચાસ-સાઠ હાથ લાંબો, મોં ફાડે તો મહીં આપણે ઊભા ને ઊભા ચાલ્યા જઈએ તેવડા પેટવાળો એ મગરમચ્છ આંહીં ચાંપોલ સુધી આવી ચડ્યો હતો. મોંમાથી પાણી ઉછાળતો હતો. પછી ઓટ થયો : જળ છીછરું બન્યું. મચ્છે બહુ બહુ બરાડા પાડ્યા, બહુ તરફડાટા નાખ્યા. છેવટે એ કમોતે મરી ગયો.

    વાત સાંભળીને મને સોન-હલામણની લોકકથામાંથી દુહા સાંભર્યા :

    મચ્છ મા'જળ હોય : (આંઈ) કિયે અવગુણે આવિયો ?લેવાણો લોઢે ? - કે સાયરે સંઘર્યો નહીં ?

    દેશવટે ચાલી નીકળેલો સોનવિજોગી હલામણ સિંધ તરફ જતાં જતાં એક સોરઠી નદી (ઢેબર કે વરતુ)ના સંગમમુખ પાસે મચ્છને જોઈ કહે છે કે "ભાઈ, તું મચ્છ તો મહાજળમાં હોય : તું અહીં નદીનાં છીછરાં નીરમાં ક્યાંથી આવ્યો ? શું તું ભરતીના તરંગમાં ઘસડાયો ? - કે દરિયે તને સંઘરવા ના કહી ! શું તુંયે મારી સરીખો દેશવટે કાઢેલ છો ?”

    ગઈ વીળ વળે, વીળે વળાણું નહિસાનાની સંગતે, હાલીતલ હળવું પડ્યું.

    હે ભાઈ ! ભરતી (વીળ્ય)માં હું અહીં સુધી નાનકડા માછલાની સાથે સાથે ભૂલથી ચાલ્યો આવ્યો. આ વેળ્ય પાછી ઊતરી જશે એ હું જાણતો નહોતો. ઊતરતી વેળ્યમાં પેલું નાનું સંગાથી તો પાછું ચાલ્યું, પણ હું મહાકાય જીવ પાછો ન વળી શક્યો. આમ હું મહાન, એક નાના ક્ષુદ્ર માછલાની સોબતમાં હાલવાથી હલકો પડ્યો.

    ***

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED