વિગતવાર - (વિરેન્દ્રસિંહ અટોદરિયા) ગામનું નામ ખાપર છે. તાલુકો ડેડિયાપાડા અને જિલ્લો નર્મદા. ફરતું જંગલ છે અને ગામની સ્થિતિ પણ જંગલી કહી શકાય એવી છે! અહીં વીજળીના થાંભલા નથી કે નથી પાણીના હેન્ડપંપ! અહીં રહેતા ૧૩૪ માણસોના નામ રાશનકાર્ડમાં જ નથી એટલે કોઈ સરકારી સુવિધાઓ મળવાનો તો સવાલ જ નથી. એ ગામ વળી 'પ્રગતિશીલ' ગુજરાતનું છે! ગામમાં જવા પાકો તો ઠીક પણ કાચોય રસ્તો ન હોય, ગામમાં પ્રાથમિક શાળા ન હોય, પાણીની પણ સુવિધા ન હોય, ગામ લોકોની કોઈ સત્તાવાર ઓળખ ન હોય અને વળી એ ગામ નકશામાં પણ ન હોય! ઓરિસ્સા, ઝારખંડ કે મેઘાલયના ગાઢ જંગલમાં આવેલી કોઈ વસાહતનું વર્ણન હોય એવું લાગે છે? પણ વાત તો આપણા કહેવાતા પ્રગતિશીલ ગુજરાતના જ ગામની થઈ રહી છે! આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ખાપર ગામે પહેલા તો પહોંચવું મુશ્કેલ છે. મુશ્કેલીનો સામનો કરી તમે અહીં પહોંચો ત્યારે તમને ખબર પડે કે માનવ અધિકારો કે બંધારણીય અધિકારો તો અહીં ક્યારના નદીના પાણીમાં ડૂબી ગયા લાગે છે! અહીં જીવનારા તદ્દન અભણ અને કોઈ પણ જાતની સુવિધા વગર રોજનું રોજ પેટિયું રળી લે છે. દાયકાઓ પહેલાં કરજણ ડેમ બનતા એ સમયે તદ્દન ખોટા રિપોર્ટથી ખાપર ગામ ડુબાણમાં આવતું હોવાથી જમીનના નજીવા પૈસા આપીને તેઓનું ત્રણ ગામોમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હકીકત એ છે કે આજે પણ કરજણ ડેમમાં ગમે તેટલું પાણી ભરાય તોય ખાપરને કોઈ અસર થતી નથી. સ્થળાંતર પામેલા લોકો છેલ્લાં પંદર વર્ષથી ફરી અહીં આવી રહે છે, પણ આ ગામની કોઈ ગણતરી નથી. 'છતી આંખે આંધળા' એ કહેવત સાર્થક કરવી હોય તો અહીં આવવું પડે. અહીં શાળા નથી એટલે બાળકો ભણવાને બદલે કામે લાગી જાય છે. શાળા જ નથી તો કૈસે પઢેગા ઇન્ડિયા! નર્મદા જિલ્લાના આદિવાસી વસ્તી ધરાવતા ડેડિયાપાડા તાલુકામાં જંગલ વિસ્તાર હોવાથી અહીં પ્રકૃતિના તમામ રંગોનાં દર્શન થાય છે. ડેડિયાપાડાનાં ૧૩૪ ગામોનો રેવન્યુમાં અને ૭૫ ગામોનો જંગલ વિસ્તારમાં સમાવેશ થાય છે. લગભગ સાડા ત્રણ દાયકા પહેલાં નર્મદા જિલ્લામાં કરજણ નદી પર જળાશય યોજના બનાવવામાં આવી હતી. કરજણ નદી સાથે બીજી નદીઓ સામેલ થતાં એ સમયે ડુબાણનાં ગામોને પુનઃ વસવાટ માટે તેમની જમીનો નજીવી કિમંતે લઈને બીજી જગ્યાએ ખસેડવામાં આવ્યાં હતા. જેમાં ડેડિયાપાડા તાલુકાના ખાપર ગામનો પણ ડુબાણ લઈને આંબાવાડી, કાકડપાડા અને દાભવણ ગામમાં પુનઃ વસવાટ કરવામાં આવ્યો હતો. કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર બાબર ચૌધરી ડુબાણનાં ગામોની માહિતી આપતાં કહે છે, 'જે ગામો ડુબાણ હતાં તે સ્થળાતંર થઈ ગયાં હતાં. હજુ સુધી કોઈ પુનઃ વસવાટનો પ્રશ્ન અમારા વિભાગમાં આવ્યો નથી.' હકીકતે ખાપર એકદમ ઊંચાઈ પર આવેલું ગામ છે. ગાજરગોટાથી ૭ કિલોમીટર દૂર ખાપર સુધી પહોંચવા રીતસરનું પર્વતારોહણ કરવું પડે એવો રસ્તો છે. ગામની વસ્તી નાની-મોટી ખેતી ઉપરાંત સુરત, અંકલેશ્વર, ભરૂચમાં કન્સ્ટ્રક્શનનું કામ અને વાંસનું કટિંગ કરીને સામાન્ય આવક મેળવે છે. ગામમાં કોઈ બીમાર થાય તો તેને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દૂરની વાત રહી, વાહન પણ ન ચાલી શકે. માટે તેમને ઝોળીમાં નાખી નજીકના કાબરી પઠાર સુધી ચાલતાં ચાલતાં લઈ જવા પડે છે. ગામના ૪૮ વર્ષીય ખાલપાભાઈ મૂળજીભાઈ વસાવા કહે છે, 'કોઈ સરકારી અધિકારી અમારા ગામમાં ક્યારેય આવ્યા નથી. રોડ અને આરોગ્યને કારણે સ્ત્રી ડિલિવરી સહિતના રોગો માટે લોકોને લાકડીની ઝોલીમાં ટીંગાળીને દૂર સુધી લઈ જવું પડતું હોય છે. જેમાં ચાર મહિના પહેલાં એક મહિલા બીમાર થતાં ઝોળીમાં દૂર સુધી લઈ ગયા બાદ તેનું મૃત્યુ થયું હતું.' ઉનાળામાં ગામવાસીઓએ બેથી ત્રણ કિલોમીટર દૂર નદીમાં આવેલા ખાબોચિયામાંથી પાણી ભરવું પડે છે. નહાવા માટે પણ પોતાના ઘરેથી દૂર નદીમાં આવીને નહાતા-ધોતા લોકો આજે પણ જોવા મળતા હોય છે. ખાપર ગામના લોકો પાસે આજે પણ આઇ-કાર્ડ કે રાશનકાર્ડ નથી. એટલે તેમની પાસે મતાધિકાર પણ નથી. અને એટલે જ તો સરકાર કે સરકારના કોઈ પ્રતિનિધિને ગામ સુધી લાંબા થવામાં રસ નથી. નર્મદાના કલેક્ટર પી.આર. સોમપુરા સરકારી જવાબ આપતાં કહે છે, 'અમે ખાપરની વસ્તી ગણતરી કરાવી છે. હકીકતે એ ગામ ડુબાણમાં ગયું છે. માટે ત્યાં રહેતા લોકો ગેરકાયદેસર રહેતા ગણાય છે.' તો વળી ડેડિયાપાડાના ઇન્ચાર્જ નાયબ મામલતદાર રૂપસિંગ વસાવા ઉમેરે છે, 'ગામના લોકોનું સ્થળાતંર થઈ ગયું હોવાથી હવે તે ઉજ્જ્ડ થઈ ગયું છે. પહેલાં ખાપર ગામ પંચાયત હતી.' સરકાર ગમે તે કહે, પણ હકીકત એ છે કે એ ટેકરી પર ખાપર ગામ છે અને વળી બધાને દેખાય છે, સિવાય કે સરકાર!
vatodariya@gmail.com ૬ જુન -૨૦૧૨ (સંદેશ-અર્ધ સાપ્તાહિક )
__________________________________________________________________________
આર્ટિકલ લખ્યો અને ખાપરમા આંગણવાડી મળી ગઈ..!!
________________________________
લગભગ ચારેક વર્ષ પહેલાની ઘટના છે સો રૂપિયાની નોટ મે આદિવાસી નાના અને માસુમ બાળકોને આપી..!! નાના બાળકો ગામઠી ભાષામાં મને પૂછવા લાગ્યા "સાહેબ" પૈસાને હું કરૂ...? સાથે ઉભેલા આઠ થી દસ બાળકોના ટોળા મેં કહ્યું કે તમને ચોકલેટ કે બિસ્કિટ અથવા જે ખાવું હોય તે લાવીને ખાઈ લો...!! આ વાત કહેતા નાના બિચારા બાળકોને આનંદ આવી ગયો હોય તેમના મોઢે હરખ જોવા મળતો, કારણ કે આજની લોકશાહીમાં આ ગામના લોકોને હજુ માનવી ગણતા નથી..!!
આ ગામનું નામ ખાપર છે.તાલુકો ડેડીયાપાડા અને જિલ્લો નર્મદા.ફરતું જંગલ છે.આ ગામમાં વીજળીના થાંભલા નથી કે નથી પાણીના હેન્ડપંપ! એ સમયે ૧૩૪ માણસોના નામ રાશનકાર્ડમાં જ નથી એટલે કોઈ સરકારી સુવિધાઓ મળવાનો તો સવાલ જ નથી.ગામમાં જવા પાકો તો ઠીક કાચોય રસ્તો ન હોય,ગામમાં પ્રાથમિક શાળા ન હોય!પાણીની પણ સુવિધા ન હોય,આ ગામ લોકોની કોઈ સત્તાવાર ઓળખ ન હોય અને વળી એ ગામ નકશામાં પણ ન હોય!
મારે જવાનું થયું તો બે પૈંડાના મોટર સાઇકલ જવાનું થયું. દુર્ગમ અને અંતરિયાળ ખાપર ગામે પહોંચવું મુશ્કેલ હતું.પગદંડી ચાલીને પણ આ ખાપર પહોંચી તો ગયા આ ગામની દર્દનાક સ્થિતિ જોતા માનવીય અધિકારો કે બંધારણીય અધિકારો તો અહીં વસતા લોકો માટે ક્યારના નદીના પાણીમાં ડૂબી ગયા લાગે છે! આ ગામમાં રહેનારા તદ્દન અભણ કે કોઈ પણ જાતની સુવિધા વગર રોજનું રોજ પેટિયું રળી લે છે.દાયકાઓ પહેલા કરજણ ડેમ બનતા એ સમયે તદ્દન ખોટા રિપોર્ટથી ખાપર ગામ ડુબાણમાં જતું હોવાથી જમીન નજીવા પૈસે લઇને સ્થળાંતર કર્યું .આજે કરજણ ડેમમાં ગામે તેટલું પાણી ભરાય તોય ખાપરને કોઈ અસર થતી નથી.જયારે હું ગયો ત્યારે બાળકોને ભણવાને બદલે કામે લાગી જાય છે.શાળા જ નથી.
ગામના લોકો સામાન્ય ખેતી ઉપરાંત સુરત, અંકલેશ્વર, ભરૂચમાં કન્સ્ટ્રક્શનનું કામ અને વાંસનું કટિંગ કરીને સામાન્ય આવક મેળવે છે. ગામમાં કોઈ બીમાર થાય તો તેને સારવાર માટે દવાખાને લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દૂરની વાત રહી, વાહન પણ ન ચાલી શકે.તેવા દર્દીને ઝોળીમાં નાખીને પગપાળા ચાલતા લઇ જવું પડે છે.
આ ગામ પાર સરકારી અધિકારીઓ એ સમયે કહે કે આ ગામ ડુબાણમાં ગયું છે.તેમ છતાં વસ્તી ગણતરી કરાવી છે.આ ગામ ભૂતકાળમાં ગ્રામ પંચાયત હતી આજે ગ્રામ પંચાયત કે કોઈ ગામના ફળિયામાં નથી.આ વાસ્તવિકતા છે.૬ જુન -૨૦૧૨ સંદેશ અખબારમાં પહેલીવાર અર્ધ સાપ્તાહિકમાં ખાપર: ગામ છે, છતાં નથી! મે આર્ટિકલ આ ગામનો લખ્યા બાદ ખાપર ગામમાં શિક્ષણનું પહેલું પગથિયું એ આવ્યું કે લગભગ ત્રણ વર્ષથી આંગણવાડી ગામને મળી ગઈ આજે ખાપરના આંગણવાડીમાં અંદાજે વીસ બાળકો ક,ખ,ગ નજર મારતા થયા છે.