Bachchu books and stories free download online pdf in Gujarati

બચ્ચું


     રસોડા માં થી ફેંકાયેલા કપ રકાબીના અવાજ થી બે રૂમ રસોડાનું આખું ઘર ખળભળી ઉઠ્યું. એની આંખ ખુલી ગઈ જોયું તો ઘડિયાળ માં સવારના સાત વાગ્યા હતા, આ લગભગ રોજ નું હતું. મમ્મી-પપ્પા આજે પણ ઝગડી રહ્યા હતા. એ સમજી ગયો હતો કે આજે પણ તેણે જાતે જ તૈયાર થઇ ને નાસ્તો લીધા વગર સ્કુલે જવા નું હતું. એ પથારી માં થી ઉઠ્યો અને દીવાલ પર ટાંગેલા ‘હોમ સ્વીટ હોમ’ લખેલા પોસ્ટર તરફ એક નજર નાખી અને બાથરૂમ તરફ ભાગ્યો. બાથરૂમ નું બારણું બંધ કર્યા પછી પણ બહાર ચાલી રહેલ આક્ષેપ-પ્રતિઆક્ષેપના અવાજો સંભળાઈ રહ્યા હતા. એણે પાણીનો નળ ફાસ્ટ કરી દીધો અને જાણે એના અવાજ પાછળ સંતાઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યો. 
       એ દસમાં ધોરણમાં હતો. એના બીજા મિત્રોને તો આ વરસે ભણવા માટે ખાસ સવલતો મળતી, કોઈકના ઘરમાં ટીવી બંધ કરી દેવાતું તો કોઈકને વળી અલાયદો રૂમ ફળવાતો પણ અહી તો ઘરમાં હતો માત્ર રોજનો કકળાટ.
                                           એ ફટાફટ નાહીને નીકળ્યો. પેલાં બન્ને જણાં હજુ પણ કોઈક મુદ્દા પર અડેલા હતા, એને લાગ્યું કે હવે યુનિફોર્મને ઈસ્ત્રી કરવાનું કહેવા જેવું વાતાવરણ નથી. એણે ચુપચાપ ચોળાયેલાં કપડાં પહેરી લીધાં. આજે સત્ર ફી પણ લઇ જવાની હતી પણ બાજુનાં રૂમમાંથી ઉભરી સંભળાતા શબ્દો સાંભળી ને એને લાગ્યું કે ઝઘડો બન્નેના અહમ ની સાથે સાથે રૂપિયાની તંગીનો પણ હોઈ શકે. ઝડપભેર સ્કૂલબેગ ખભે કરીને એ મુખ્ય રૂમમાં આવ્યો અને ‘જય શ્રી ક્રષ્ણ ‘ કહેવા માટે એક નજર રસોડા તરફ નાખી પણ પોતાના કક્કાને સાચો ઠેરવવા સામસામે આવી ગયેલાં એ બન્ને એને ભૂલી જ ગયાં છે એટલે એણે પણ કાંઈ બોલવાનું માંડી વાળ્યું  અને બહાર જવા માટે બારણું ખોલ્યું. 
                                  એણે જોયું તો સામેના બંન્ને ફ્લેટના દરવાજા ખુલ્લા હતા અને પાડોશણો જાણે ખાસ સાભળવા ઉભી હોય એમ એના ફ્લેટના બારણાં તરફ આંખો અને કાન માંડીને ઉભી હતી. એને લાગ્યું કે આ સમયે એણે બારણું નહોતું ખોલવું જોઈતું હતું. પણ સ્કૂલ તો જવું જ પડશે ને એમ વિચારીને એ બહાર નીકળ્યો અને શક્ય એટલું જોર લગાડીને જાણે અંદરથી આવતા અવાજોને રોકતો હોય એમ  દરવાજો બંધ કર્યો અને નીચું  જોઈને ફટાફટ સીડીઓ ઉતરી ગયો.
                       સવાર હતી એટલે રસ્તાઓ લગભગ ખાલી હતા. એણે ફૂટપાથ પર ચાલવાનું શરુ કર્યું. કાન માં જાણે હજુ પેલા અવાજો ઘુમરાઈ રહ્યા હતા. એ ક્યારે મેઇન રોડ પર આવી ગયો ખબર ના પડી. એ એક થાંભલા પાસે થોભ્યો અને પપ્પાના સ્કુટર પાછળ બેસીને કે મમ્મીની આંગળી પકડીને સ્કુલે જતા બાળકોને જોઈ રહ્યો.એણે ફરી નીચું ઘાલીને ચાલવાનું શરુ કર્યું સાવ એવી રીતે જાણે એ આસપાસનું  કાઈ જ જોવા જ નાં માગતો હોય.
                          એ ઝડપભેર થોડે દુર મ્યુંનીસીપાલીટી ગાર્ડન પહોચ્યો. છુટા છવાયા મોર્નિંગ વોકર્સ ને બાદ કરતાં ત્યાં કોઈ હતું નહિ. એક મોટા ઝાડ પાસેના બાંકડા પર બેસી પડ્યો અને ઝાડની નીચે ચણતાં ચકલાં- ખીસકોલાં ને જોઈ રહ્યો. બાજુના ઝાડ નાં થડની બખોલ માં જોયું તો ચકલો અને ચકલી એના બચ્ચાંને ઉડતાં શીખવતા હતા. 
     “પેલા ચકલો અને ચકલી એના મમ્મી-પપ્પા છે ને એ એમના  બચ્ચા ને ઉડતાં અને ખાતાં શીખવાડે છે” ફ્લેટ ની બાલ્કની માં ચકલીના માળામાં બચ્ચું જોઈ ને એણે એક વાર મમ્મીને પૂછેલું અને મમ્મી એ ખુબ પ્રેમથી સમજણ પાડેલી. આ યાદ આવતા જ એના મનમાં કોઈક અલગ જ પ્રકાર નો અજંપો ભરાઈ આવ્યો.  બાંકડો બદલી નાખવા એ ઉભો થયો. ત્યાં થી થોડે દુર પાળી પાસે એક બાંકડા પર એક કુતરું સુતું હતું એ ત્યાં જઈને બેઠો.બાજુમાં સળવળાટ સાંભળી ને કુતરા એ એકાદ ક્ષણ આંખ ખોલીને એની સામે જોઈ લીધું ને તરત જ પડખું બદલી ને સુઈ ગયું. એણે બેગ માંથી ઘડિયાળ કાઢી જોયું તો સાડા આઠ થયા હતા. 
     “ આની ઘડિયાળ નો પટ્ટો તૂટી ગયો છે તો કાં તો એ નખાવી આપો કાં તો સો રૂપિયા આપો” મમ્મી એ હજુ બે દિવસ પહેલા જ પપ્પાને કહેલું એ યાદ આવી ગયું. ને ત્યારે પપ્પાએ જવાબ આપેલો કે "તું ઓછા ઉડાડે તો પટ્ટો જ નહીં આખી ઘડિયાળ નવી આવી જાય" ને એ પછી એ ચર્ચા ત્રણ કલાક ચાલેલી.
  ત્યાં જ બાજુની ઉંચી પાળીની બખોલ માંથી ખિસકોલીની ચિચિયારી સાંભળી ને એ ચોંક્યો, એને જોયું તો બે ખિસકોલી ઝગડી રહી હતી. જિજ્ઞાસાવશ એ બાંકડા પર ઉભો થઈ ને જોવા લાગ્યો. એણે જોયું કે નર અને માદા ખિસકોલી ઝગડી રહ્યા હતા. એ વધુ નજીક ગયો. એણે જોયું કે બન્ને એક બીજા ને કરડતાં બહાર ની બાજુ ધકેલી રહ્યા હતાં અને એ મથામણ માં બખોલ માંથી નાનું બચ્ચું ચિચિયારી પાડતું બહાર ફેકાઈ ગયું. અને એ જ ક્ષણે તક ની રાહ જોઈ ને બેઠેલા કુતરા એ તરાપ મારી ને બચ્ચાને મોમાં ઉઠાવી લીધું ને પલકવાર માં જ મહેંદીની વાડ પાછળ ભાગી ગયું.
                અચાનક જ આંખ સામે બનેલી આ ઘટનાએ એને હચમચાવી મુક્યો. એની અંદર જાણે એક દરિયો બહાર આવવા ઉછાળા મારી રહ્યો હોય એમ લાગ્યું. એણે એક પત્થર ઉઠાવ્યો ને પેલા બેપરવાહપણે લડતાં ખીસકોલાં તરફ ઘા કર્યો.  બેગ ઉઠાવી અને ઘર તરફ દોડ્યો. જતાં પંદર મિનિટ લાગેલી એ જ રસ્તો એણે પાંચ જ મિનિટમાં વટાવી દીધો.એક જ શ્વાસે દાદરો ચડી ને એ ફ્લેટ આગળ પહોચ્યો. જોયું તો તાળું હતું. બાજુ વાળા આન્ટી ચાવી આપી ગયાં. એ ઝડપભેર બારણું ખોલીને અંદર ગયો ને જાણે બેડરૂમના બારણા ની સાથે જ હૃદયના બંધ પણ ખુલી ગયા હોય એમ રડી પડ્યો..ચીસો પાડી ને...પેલા ખિસકોલી નાં બચ્ચા ની જેમ જ...
-------
      


બીજા રસપ્રદ વિકલ્પો