Inaam books and stories free download online pdf in Gujarati

ઇનામ

     બરાબર પાંચ નાં ટકોરે બેલ વાગ્યો ને રોજ ની જેમ જ તૈયાર વિદ્યાર્થીઓ એ સ્કુલ નાં મુખ્ય દરવાજા તરફ દોટ મૂકી.
ચોમાસા નો દિવસ હતો, વરસાદ અંધાર્યો હતો ને અંધારું જલ્દી થઇ જશે એ બીકે સ્કુલ થી ચારેક કિલોમીટર દુર નાં પરાં માંથી આવતા વિદ્યાર્થીઓને તો વળી વધારે ઉતાવળ હતી. ટોળકી સ્કુલ નું ગ્રાઉન્ડ વટાવી ને નાળિયા તરફ વળી ને જયંત અચાનક થંભી ગયો.
“ અલ્યા ઉભા’રો , કનીયો કેમ હજુ આવ્યો નથી “ જયંત એ બધા ને રોક્યા.
ત્યાં દુર થી કનું આવતો દેખાયો, ખભે ભારેખમ દફતર અને બંને હાથ માં આજે સ્કુલ માં વકતૃત્વ સ્પર્ધા માં પ્રથમ આવવા બદલ ઇનામ માં મળેલા સાત-આઠ મોટા પુસ્તકો હતા. હાંફતો હાંફતો એ માંડ માંડ જાણે મિત્ર ટોળકી સુધી પહોચ્યો. મહાપુરુષો ની એ દળદાર અને ભારેખમ આત્મકથાઓ નો જાણે એને બોજ લાગી રહ્યો હતો. બધા એ ચાલવા નું શરુ કર્યું ને કનું  પાછળ દોરવાઈ રહ્યો ..
“આજે તો ખરું થયું નહિ ? ભલભલા હોશિયાર ને હરાવી ને આપનો ક્નીયો આખી સ્કુલ માં વકતૃત્વ સ્પર્ધા માં પેલ્લો આવ્યો” જયંતે વાત શરુ કરી.
“ હાસ્તો, જબરું કે’વાય ને.. બીજા બધા તો કેટલી તૈયારી કરી ને આવેલા .. ને પેલા મનીષ ને તો ગુજરાતી વાળા જોશીસાહેબે જ લખી ને આપેલું બોલો, ને તોયે પહેલો નંબર તો કનું ઓ જ આવ્યો ” રમણ બોલ્યો .
    રઘુએ તરત જ વાત ઉપાડી લીધી “ ભઈ, આમ જુઓ તો આપણે તો છાપરાંવાળાં ને રોજ ચાર કિલોમીટર ચાલી ને આવવા નું ને જવા નું, ઘેર ઢોર નો ચારો પણ લાવી આપવા નો  એટલે તૈયારી વળી કયા ટાઈમે કરવા ની ... હે ને ? પણ કનીયા તેતો વટ પાડી દીધો કે’વાય “
  ટોળકી નાળીયું વટાવી ને ખેતર નાં ઉબડ ખાબડ ઢાળિયા પર ચાલી રહી હતી...ઘર હવે સામે જ દેખાતા હતાં. પણ કોણ જાણે કેમ આજે કનુંને આ બધી વાતો માં રસ નહોતો, એના વખાણ એને જાણે દઝાડી રહ્યા હતા, પહેલું ઇનામ જીત્યા ની એને કોઈજ ખુશી નહોતી. બાજુ નાં ઢાળિયા માં ખળખળ વરસાદી પાણી વહેતું હતું .. કનું એક ક્ષણ થોભ્યો અને એ વહેતા પાણી ને જોઈ રહ્યો જાણે એમ વિચારતો હોય કે હાથ માં ની બધી ચોપડીઓ ને એમાં નાખી દઉં અને દોટ મૂકી ને ઘરભેગો થઇ જાઉં...પણ જયંત ના અવાજે એ ચોંકી ને જાગ્યો..
ટોળકી થંભી ગઈ હતી, થોડેક આગળ નીકળી ગયેલા મહેશ, જગો અને કાળું પણ પાછા વળ્યા. 
“ અલ્યા એ કલાકાર, તને થયું છે શું ? કો’ક હોય તો આમ આખી સ્કુલ નાં હોશીયારો ને હરાવી ને પહેલો આવે તો ખુશ થાય ને તું છે તે ક્યાર નો આમ ઉદાસ થઇ ને....??” જયંતે પૂછ્યું.
પરાણે હસવા નો અભિનય કરી ને કનું બોલ્યો “ નાં રે નાં જયલા, એવું કાઈ નથી “
“તો પછી આમ મોઢું કેમ લટકાવી રાખ્યું છે ભાઈ ?” જશું એ પૂરક પ્રશ્ન કર્યો .
“ હા, સાચે સાચું કે’ કનીયા, તને આ પહેલું ઇનામ જીતવા નો હરખ જ નથી..?” જગા એ પૂછ્યું .
કનું નાં પગ જાણે જમીન માં જ ખોડાઈ ગયા હતા. એક નજર હાથ માના પુસ્તકો તરફ નાખી ને એણે એક ઊંડો નિસાસો મુક્યો અને કહ્યું “ના...”
“ નાં “ બોલતાં જ એની આંખો ભરાઈ આવી , હાથ ધ્રુજવા લાગ્યા અને ચહેરો કોઈક અજાણ્યા ભાવો થી તગતગી ઉઠ્યો...નજર આકાશ તરફ કરી એ  અંધારેલા વાદળા ને તાકી રહ્યો.
“ અલ્યા એ મૂરખા.... શું વાત કરે છે...? આવું તે હોતું હશે કાઈ...?” જયંત બરાડી ઉઠ્યો.
“ હા... સાચું કહું છું “ કનું એ ડૂસકું દબાવી ને ઉત્તર વાળ્યો.
“ પણ કઈક કારણ તો હશે ને..?” પરાં વિસ્તાર ની જીત ને આમ એળે જતી જોઈ કાળું લગભગ ગુસ્સે થઇ ને પૂછી બેઠો.
“ હા”  કનું એ એક ઊંડો શ્વાસ લઇ ને બોલવા નું શરુ કર્યું. “ જયારે વર્ગ માં નોટીસ વાંચી ને જોશી સાહેબે કહેલું કે પહેલું ઇનામ પાંચસો રૂપિયા જેટલું હશે ત્યારે મને એમ હતું કે એ રોકડા મળશે , જો રોકડા મળ્યા હોત તો મારા ઘર નું એક કાણું પતરું સરખું કરાવી લેત, કારણ કે વરસાદ પડે છે ત્યારે મારી માં મને સાંકડી ઓરડી નાં એક ખૂણા માં સુવડાવી ને બેસી રહે છે પણ મારા લકવાગ્રસ્ત બાપા નાં ખાટ્લા પર સીધો જ ચુવો થાય છે અને લાચાર માં એકલે હાથે આવડી ઓરડી માં એમને ક્યાં ખસેડે....??”
કનુની આ વાતે જાણે કુદરત પણ કંપી ઉઠી હોય એમ ઉપર ગોરંભાયેલા વાદળો ગરજી ઉઠ્યા.બધા ની નિર્દોષ આંખો માં થી ગરીબાઈ છલકાઈ ને પાંપણો ને ભીની કરી રહી હતી. પુસ્તકો નાં પૂંઠાં પર નાં મહાપુરુષો નાં ફોટા પણ જાણે સ્તબ્ધ હતા.
  એકાએક વરસાદ શરૂ થયો. ને બધાએ દફતર પલળે નહિ એટલે સામે દેખાતાં ઘર સુધી પહોંચવા દોટ મૂકી. કનુના પગમાં આજે જાણે કોઈએ ભારેખમ બેડીઓ પહેરાવી દીધી હતી. એ છેલ્લો ઘરે પહોંચ્યો.. એકદમ નીતરતો... બહારથી જ ઓરડીમાં દફ્તરનો ઘા કરીને મા ટુવાલ આપે એ આશાએ ઉભો રહ્યો. પણ અંદર જોયું તો મા છાપરેથી ટપકતા પાણી નીચે વાસણ ગોઠવતી હતી. માને કઈ પણ કહેવાની એની હિંમત જ ન ચાલી. એ તરત જ ઓરડીની પછીતે ગયો. નળિયાં સંચવા માટે પાડોશી પાસેથી લાવેલી વાંસની નિસરણી હજુ એમ જ પડી હતી. એ એકાદ ક્ષણ થોભ્યો ને તરત જ હાથમાં રહેલા પુસ્તકો સાથે જ છાપરે ચઢી ગયો. અને પતરાં પર પડેલા મોટા કાણાં પર પેલા ઇનામમાં મળેલા પુસ્તકો મૂકી ને ઉપર બે ઈંટ મૂકી દીધી. ફરિયાદ કરતો હોય એમ એણે આકાશ તરફ જોયું. વરસાદ હજુ જોરથી પડી રહ્યો હતો.
  

બીજા રસપ્રદ વિકલ્પો