શુક્લ પક્ષની ત્રીજનો ચંદ્રમા રખડી રખડીને થાક્યો હોય તેમ અધવચ્ચે સ્થિર થઈ ચૂક્યો હતો. એક ઝીણો અજવાળીયો ભાગ જાણે પોતાની જનની તરફ બાળક માફક હાઉકલી કરી રહ્યો હોય તેવો ભાસ રચાઈ રહ્યો હતો. બે ત્રણ તારલા પોતાના મિત્રની સાથે રોજની માફક અડ્ડો જમાવવા આવી પહોંચ્યા હતા. આકાશમાં રચાયેલા આ મેળાવડા વિરુદ્ધ એક એકલસૂડું વાતાવરણ નીચે ધરા પર આકાર પામી ચૂક્યું હતું. કેશવભાઈ બગીચાનાં ખૂણામાં આંસુ સારી રહ્યા હતા. બગીચામાં ચોમેર અંધારાનો વ્યાપ સૂચવી રહ્યું હતું કે રાત્રીનાં બાર ક્યારનાયે વાગી ચૂક્યા હતા અને કેશવભાઈને તેના આંસુ સિવાય સાથ દેવા વાળું ત્યાં કોઈ નહોતું. આંસુની સરવાણી હતી પણ નીરવ શાંતિયે હતી, જે કેશવભાઈને બાહ્ય દુનિયાનાં ખલેલથી બચાવી રહી હતી. હા! બાહ્ય નાદ રોકી શકાય પણ અંતરનાં તારનો ઝણઝણાટ ક્યાં થંભાવી શકાય. અને ધ્વનિ ખેંચી લાવી તેમનાં કાળજાનાં કટકાને તેમની પાસે... "દાદાજી!કેટલી વાર તમને કહ્યું છે કે મને કહ્યા વગર તમારે ક્યાંય જવાનું નહીં અને આ શું નાના કીકલાવની જેમ પિલૂડાં પાડો છો. હવે સારા લાગો આ રીતે રોતાં." અને દ્રષ્ટિ પોતાની પાસે રહેલા રૂમાલથી દાદાજીનાં આંસુઓથી ભીંજાયેલો ચહેરો સાફ કરવા લાગી. પણ,કેશવભાઈ જાણે એકાંતની શોધમાં હોય તેમ દ્રષ્ટિની સૂફીયાણી વાતોને તરછોડી ત્યાંથી ભાગવા લાગ્યા. દ્રષ્ટિએ તરત જ દાદાજીની દિશા તરફ દોડી અને પાછળથી તેમની વ્હીલચેર પકડી લીધી અને તેના વ્હીલ પર બ્રેક લગાવી દીધી. દાદાની આ હરકત પર ગુસ્સે ભરાવાને બદલે તે વ્હાલથી પોતાના દાદાને ગળે ભેંટી અને બોલી, "દાદા! મારી સાથે પણ આવું કરશો તમે? તમે પણ મારાથી ભાગવા લાગશો તો હું ક્યાં જઈશ?" આટલું બોલતાવેંત દ્રષ્ટિની આંખોનું કાજળ રોળાવાનું શરૂ થયું. જો લાગણીઓને પારખતું કોઈ મશીન શોધવામાં આવ્યું હોત તો જરૂર પૌત્રીનાં હૃદયને દુભાવવા બદલ તેમના હૃદયમાં દિલગીરી દેખાત. તેઓએ પોતાના પગ પાસે બેસેલી દ્રષ્ટિનાં માથા પર હાથ ફેરવી તેની સાથે જવાની મૂક સહમતી આપી. પોતાના માથા પર હાથ ફેરવતા દાદાજીને જોવા તેણે ઉપર તરફ નજર કરી ત્યાં તેને તૂટતો તારો દેખાયો. બાળકોની માફક તેણે પણ આખો બંધ કરી દીધી અને હોંઠોની હાલચાલ પરથી સ્પષ્ટ હતું કે તેણે ઈશ્વર પાસે કોઈ ઇચ્છા પ્રકટ કરી હતી. પછી પોતાના દાદાજી સામે જોઈ બોલી,"દાદાજી!તમને ખબર છે,મે શું માંગ્યું? આ વખતે મે ઝાઝા બધા રૂપિયા કે પેલું મોંઘુ બધું મેક અપ બોક્ષ કે એવું કાંઈ નથી માંગ્યું. તમે ધારો જોઈ મે શું માંગ્યું હશે?" દાદાજીનો કોઈ પ્રતિભાવ ના જોઈ પોતે જ બોલવા લાગી,"મે છે ને...... તમે જલ્દી સાજા થઈ જાવ અને મારી સાથે વાતો કરવા લાગો, દોડવા લાગો તેવું માંગ્યું છે." દાદાજી પોતાની પૌત્રીની સામે જોવા માંગતા હતા, તેને ગળા સરસા લગાવવા માંગતા હતા પણ તે અસમર્થ હતા. ના! મનમાં કોઈ ખોટ નહોતી પણ શરીર સાથ આપી શકે તેમ નહોતું. કેશવભાઈ સાથે થયેલ તાજેતરની એક ઘટનાએ તેમનાં શરીરનો નીચેનો ભાગ પેરેલાઈઝડ કરી દીધો હતો. ત્રાસુ મુખ પોતાને પણ ના બક્ષાયાનું ગાણું ગાતું હતું. ગાણું હતું પણ એ મૂક હતું કેમકે આ અકસ્માતે તેમનો અવાજ પણ છીનવી લીધો હતો. બસ તેમના માટે આ અકસ્માતે કાંઈ બચાવી રાખ્યું હતું તો તે હતી આ વ્હીલચેર અને દ્રષ્ટિનો સંગાથ. કેશવભાઈ બધું સાંભળી શકતા હતા,સમજી શકતા હતા પણ ના તો ચહેરા પર હાવભાવને રમાડી શકતા હતા કે ના પોતાને સંભાળી શકતા હતા પણ તેમને આ બધાની ઝાઝી ખોટ પડતી નહોતી કેમકે તેમની પાસે તેમની બીજી કાય સમ દ્રષ્ટિ હતી. પોતાના દાદાની લાડલી દ્રષ્ટિ પચીસીનો ઉંબરો વટાવી ચૂકી હતી. એક આધુનિક,ચુલબુલી યૌવના. જૂની રૂઢીઓની ધૂર વિરોધી પણ સંસ્કારોમાં અવ્વલ.આજકાલની પેઢીઓની જેમ તોછડાઈ નહીં પણ માત્ર આદર. શોપિંગની જેટલી શોખીન તેટલી જ સંબંધોની દરકાર. ચહેરા પ્રત્યે જેટલી કાળજી એટલી જ દાદાજીની સંભાળ. અને એટલેજ તો મધરાત પછી કોઈ સ્ત્રી ઘરનો ઉંબરો વટવા તૈયાર ના થાય ત્યારે તે બેપરવા થઈ ગલીગલી પોતાના દાદાની શોધમાં ભટકી રહી હતી અને હવે જ્યારે દાદા મળી ચૂક્યા હતા ત્યારે તેને પરત પોતાના ઘર તરફ લઈ જઇ રહી હતી પણ જેવું ઘર સામે આવ્યું ત્યારે આ શું? કેશવભાઈનાં શરીરમાં ધ્રુજારી ઉપડી રહી હતી. મોઢા પર રેલાઈ રહેલો પરસેવા પરથી પ્રતિત થતું હતું કે તેઓ કશાકથી ડરી રહ્યા હતા. ડોક ધૂણાવવાનો વ્યર્થ પ્રયત્ન પણ ક્યાંક દેખાઈ રહ્યો હતો. વ્હીલચેરને આગળ ધપાવવામાં પડી રહેલી મહેનતને જોઈ દ્રષ્ટિ સમજી રહી હતી કે કેશવભાઈ ઘર તરફ જતા ખચકાટ અનુભવી રહ્યા હતા પણ તે તેમની મનોસ્થિતિ સમજી રહી હતી. છતાં તેણે વ્હીલચેરને આગળ ધપાવ્યે રાખી અને ઘરનાં મુખ્ય દરવાજા પાસે પહોંચી ડોરબેલ વગાડી. ડોરબેલ વગાડતાવેંત જ તુરંત જ દરવાજો ખૂલ્યો અને......(ક્રમશ:)
-'ક્ષિતિજ'