અધુરા અરમાનો-૩૦ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરા અરમાનો-૩૦

અધુરા અરમાનો-૩૦

"અહાહા! લવમેરેજ! અને એ પણ મારા! અને એય પાછા મારા સૂરજ સંગે! વાહ ખુદા! તે કેવા ભાગ્ય ઘડ્યા છે મારા!"

સેજલ સ્વપ્નમાં ગરકાવ થઈ. એ એટલી તો ઝુમી ઊઠી કે એને મહેસૂસ થવા લાગ્યું કે એના લગ્નપ્રસંગની ખુશીમાં આકાશમા વિવિધ જાતના વાજિંત્રો વાગી રહ્યા છે. વાદળીઓ વરસાદની ઝડી વરસાવી રહ્યાં છે. એની આસપાસ જાણે અપ્સરાઓ નાચગાન કરી રહી છે અને તે સ્વયં સૂરજમય બની ગઈ હોય તેવું અનુભવવા લાગી. સૂરજ વિનાની તડપતી અંધારી અમાસમાં જાણે કરોડો સૂર્ય જળહળી રહ્યાં હોય એમ એ ખીલી ઉઠી.

સૌ મિત્રોએ આશીર્વાદ સાથે પ્રેમલગ્નની વધાઈ આપી. સૂરજે પોતાના પ્રેમલગ્નની ખુશી માં સરસ મજાની પાર્ટી આપી.

અહીં આ લોકો પ્રેમલગ્નની મહેફિલ મનાવી રહ્યાં હતાં જ્યારે પાલનવાડામાં લોકો એમની આબરૂના ધજાગરા ઉડાવી રહ્યા હતાં.

પ્રેમ કરી પ્રેમલગ્ન કર્યા. પ્રેમલગ્નની મહેફિલ મનાવી તેઓ પાલનવાડા આવ્યા. અહીં આવીને તેઓ સીધા જ મહાદેવના એ મંદિરે ગયા જ્યાં રોજ મિલનની મોજ માણતાં હતાં. શિલ્પાબેનને જાણ થવાથી તેઓ પાંચ વાગ્યે મહાદેવના મંદિરે આવ્યા. બંને મા-દીકરીનું મિલન વાતાવરણને રડાવી ગયું. હૃદયવિહ્વળ વરાળ દિલે એમણે દીકરીને મોંઘી દિવ્યાશિષ આપી. ફૂલો-સી વહાલી દીકરીને હાથમાં મારુતિની ચાવી આપીને બંનેના માથે વહાલથી હાથ ફેરવી એ ચાલી નીકળ્યા. ઘેર આવીને શિલ્પાબેન અને અંજલિ એવા રડ્યા એવા રડ્યા કે સોસાયટીના બધાયે લોકો એમના આંગણે ઉમટી પડ્યા. સાંજે પતિને શો જવાબ આપવો એ વિચારી તેઓ લાંબો સમય સુધી કણસી રહ્યા.

લાગણીના પ્રચંડ ઉમળકાથી પ્રેમ કરીને પ્રેમલગ્ન કર્યા. કિન્તુ હવે શું? ક્યાં જવું? ક્યાં જઈને મોઢું સંતાડવું હવે? સુરજના અસ્તિત્વ સામે હિમાલય જેવા સવાલો ઉતુંગ મિનારો બનીને ખડા થઈ ગયા. ક્યાં જવું એ સવાલ એના અંતરાત્માને નિર્મળ નિર્બળ બનાવી ગયો.

"સેજલ તારા પ્રેમની વાસનામાં આજે મારાથી નર્યું ગાંડપણ થઇ ગયું છે. તારી લાગણીથી હું તો છેતરાઇ ગયો. હવે તું મને બચાવ. મેં કરેલી આ ભૂલથી મને ઉગારી લે. અત્યારસુધી તો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હતો. કિંતુ હવે ઝાઝું નહીં જીવી શકું, સેજલ નહિ જ."

"સૂરજ, તું નાહકની ચિંતા કર માં. હજી તું દુનિયાથી, સમાજથી શા માટે ડરે છે? દુનિયાની અજાયબી, અરે વીરાંગના રાણી લક્ષ્મીબાઈની ટચૂકડી આંગળી જેવી હું તારી લગોલગ છું છતાં તું નખ જેવી બદનામીથી કેમ બીએ છે? હું તને ગમે તેવી વિટંબણાઓથી ઉગારી લઈશ."

"કદાચ તારા પિતાની સાહ્યબી અને રૂપિયાના વૈભવ થકી તુ આવી વીરાંગના જેવી વાતો કરે છે. તું તો કદાચ ઉગરી જઈશ પણ શાયદ કાલે મારા પર કોઈ આળ આવી પડે તો એમાંથી ઊગરવા મારી પાસે ફૂટી કોડી પણ નથી!"

સૂરજની વાતોને કાંઈ ધર્યા વિના એ મારુતિમાં જઈને બેઠી પરિવાર પ્રેમી સૂરજને કેમ કરી રસ્તે લાવવો એવું વિચારવા માંડી.

સૂરજ એના પડખે આવીને બેઠો. જે હાથ વડે સેજલને બાહોમાં ભરી રાખતો એ જ બે હાથ એને જોડ્યા. જેમ ભિખારી ભોજન માટે આજીજી કરે, પુત્રના ગુમાવેલ પ્રાણ પાછા મેળવવા માટે ઉતરેલી માં જેમ ઘેર-ઘેર ફરી રાઈ મેળવવા વલખા મારી રહી હતી, એમ ચહેરા પર કરુણા લાવી સૂરજ કરગરવા લાગ્યો:"સેજલ, મારી જાન હવે તો ખમા કર. આટલેથી મન મનાવી લે. અને બાકી રહેલી આરજુઓને- અરમાનોને પૂર્ણપણે પામી લીધેલા માન."

સેજલ આંખ આડા કાન અને કાન આડા બેય હાથ કરી બેઠી હતી. બંને હાથ કાનથી અળગા લેતા સૂરજે ફરી કહેવા માંડ્યું,"પ્રિયે, તું આટલી જીદી કેમ બને છે? જરા મારી જિંદગીનો તો વિચાર કર!"

"મારે એ બધી પળોજણમાં પડવું નથી. તને ફાવે તેમ તું કર. અને તારામાં જો પ્રેમની મંઝિલ પામવાની તાકાત ન હોય તો આ સંસારમાંથી સન્યાસ લઇ લે. અને મારું છેલ્લું તથા આખરી વચન સાંભળીને લે:" કાં તું મને તારા ઘેર લઈ જા કે પછી મારા ઘેર આવ કે પછી ચાલ ભાગી જઇએ. દુનિયા વિશાળ પડી છે. ગમે ત્યાં આશરો કરી લઈશું. જો આટલું કરવા તું સક્ષમ ન હોય તો મને મરતી જુએ." આટલું બોલતા તો એણે મારુતિની ડીકીમાંથી કટાર કાઢી.

"રહેવા દે, મારી સાજણા રહેવા દે! પ્રેમના તો કંઈ પારખા હોય! પ્રેમ કે મિત્રતાની કદી કસોટી ન થાય સનમ. મારે હવે મારી મજબૂરી અને દુઃખોનું પારાયણ કરવું નથી. તુંય હવે મારી આખરી વાત સાંભળી લે:"આજથી આપણા પ્રેમભરી હસીન જિંદગીની દર્દભરી હાડમારીઓ શરૂ થાય છે. એને ઝીલવા તૈયાર રહેજો. તું કહે છે ને સેજલ, કે હું તને દરેક દુઃખો- દરેક સિતમથી ઉગારીશ! તો સમય હવે દુર નથી. હું દુઃખોમાંથી જરા કણસતો હોવ ત્યારે મને એમાંથી ઉગારવાનું આટલું વચન પાળી બતાવજે."

"સુરજ, આ શિશ તૂટી જાય કે ધડ પડી જાય પણ હું તને કોઈ કાળે ઝુકવા નહી દઉં."

"સનમ, આ કટારને મ્યાનમાં રાખો. કદાચ કાલે તારા પિતાને ખબર પડે કે સેજલ પ્રેમલગ્ન કરી બેઠી છે. એ વખતે મારા આંગણે આવીને મને ઉભો અને ઉભો રહેંસી નાખે ત્યારે આ કટારી કામ લાગશે."

"મારા પિતાજી આટલા નિર્દયી નથી તે કોઈની જાન લઈ લે સમજ્યો?"

"તને તારા પપ્પા પર બહુ વિશ્વાસ હોય ને તો કાન ખોલીને સાંભળ: તું જ્યારે સાતમા ધોરણમાં ભણતી હતી તે વખતે તારા પિતાના નોકરે લાડથી તને ચુમીઓ કરી ગયો હતો. એ વાતની જ્યારે તારા પિતાને ભાળ મળી ત્યારે બિચારા એની બેઉ હાથની આંગળીઓ ખુદ તારા પપ્પાએ કાપી નાખી હતી! છતાંય પૈસાના જોરે નિર્દોષ છૂટી ગયા હતા."

"સેજલને પોતાનાથી અળગી રાખવાની પળોજણમાં સૂરજ ક્યારેય ન કહેવાની વાત એને કરી બેઠો. સેજલ હવે શું પ્રતિક્રિયા કરે છે એ જોઈ રહ્યો.

"મારા પપ્પાને અપરાધી કહેવાનું પાપ વહોરીશ નહીં, નહી તો આપણા માટે એક ખરાબ અંજામ બની રહેશે.

" પાપ તો પ્રેમલગ્નનું કરી બેઠો છું. એનો અંજામ હવે બેય હાથમાં બરબાદીની ઉઘાડી તલવાર લઈને જો આપની સામે ઉભો છે."

સમય સરકતો જતો હતો. બાગની અંદરના ફૂલો ધીરે-ધીરે કરમાવા લાગ્યા હતા. સમયની લાજ રાખીને બંને મારુતિમાં જઈને બેઠા. સૂરજે મારુતિ ચાલુ કરી. સેજલના ગાલે મીઠું ચુંબન ભરીને જરા સ્મિત સાથે કહ્યું,"પ્રિયે, હવે ક્યાં જઈને મરીશું? તારા પપ્પાના હાથે કે મારા પરિવારના હાથે? કે પછી નિર્દયી સમાજ કે નિર્દયી લોકોના હાથે?"

સેજલ બરાબરની છંછેડાઈ. "મારા પપ્પા અને તારો પરિવાર જઈને પડે ઉંડા ખાડામાં. અને આ નિર્દયી લોકો પ્રેમીઓને સુખેથી જીવવા દેતા નથી તેઓ તો આંધળા, બહેરા અને મૂંગા થઈ જાય. તને એમ લાગતું હોય કે હું પથ્થરો બની તારા પનારે પડી છું તો મને આ સામે દેખાતા ડુંગર પરથી ગબડાવી દે જેથી પાર આવે." આટલું બોલીને એણેય સૂરજને ચુંબન કર્યું.

સૂરજ ખડખડાટ હસી પડ્યો જાણે એની જિંદગીનું છેલ્લું હાસ્ય હોય એમ! સેજલને પોતાના ખોળા તારફ ખેંચીને અતિ મીઠાશથી કહ્યું:" મારી પ્રાણપ્રિયા સેજલ, જોને કેવો સંજોગ આવી ઊભો છે પ્રેમની જિંદગી કેવી પ્રેમથી જીવતા હતા! આ પ્રેમલગ્નનું ભૂત આવીને આપણી હસીન જિંદગીને ખેદાન-મેદાન કરી રહ્યું!"

"પ્રેમથી લથબથ જેવી જિંદગી જીવ્યા છીએ એનાથી એ અઢળક ખુશીઓ આપણા ભાવિ જિંદગીમાં આપણો ઇંતેજાર કરી બેઠી છે. પણ એ ખુશીઓને માણવાની તને ક્યાં પડી છે? તને તો એ માર્ગે કાંટા જ ખૂંચે છે."

"સેજલ, બકા બધું જાણું છું. કિન્તુ આ મારી મજબૂરીને મારે ક્યાં જઈને મૂકવી?"

સેજલ કંઈ જ બોલી નહિ. રસ્તામાં આવતા જતા લોકોને તિરસ્કારથી જોઈ રહી. સૂરજ ભીડમાંથી મારુતિ નિરંકારી ગયો.

હવે એ મારુતિ ક્યાં જઈને ઉભી રહે છે? એ આપણે જોઇશું આગળના અંકમાં.

-ક્રમશઃ