અધુરા અરમાનો-૨૯ Ashq Reshammiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધુરા અરમાનો-૨૯

અધુરા અરમાનો-૨૯

પ્રેમની સપ્રેમ ભેટ તરીકે પ્રેમલગ્નની ભવ્ય મંઝીલ મળે પછી પૂછવું જ શું? જાણે સ્વર્ગ મળ્યું!! દિવાનાઓને આનાથી વિશેષ જોઈએ જ છે શું? ભલે ભૂખા રહેવું પડે પણ ખપે તો મહોબ્બત જ! આવા જ તો આશિકોના મોંઘામોલા અરમાન હોય છે!

કોઈ ગમી જાય ને પછી એની સંગે પ્રેમાળ નજરો મળી જાય ત્યારે પ્રથમ શમણું સજાતું હોય છે કે કાશ! એ જીંદગી બનીને જીવનભર પડખે જ રહે! એ જ ખુદા, એ જ ખાવિંદ/ મોહતરમા ને એ જ જાણે અસ્તિત્વનો આધાર.

ગમતું મળી જાય પછી ભલેને ગજવો (ખીસ્સો) ખાલી હોય, દિવાનાઓ એની પરવા નથી કરતા. ભૂખે મરવું ચાલે પરંતું મહોબ્બત વિના ન ચાલે, એવા હોય છે આશિકો. આવા નખશિશ આશિકોની આલમ જબરી અલગારી હોય છે. આવા મસ્તાન આશિકોને કોઈ પૂછે કે ભાઈ શું કરે છે? તો 'બસ મહોબ્બત કરું છું.' જાણે પ્યાર જ સર્વસ્વ ન હોય! હાં, પ્યાર સર્વસ્વ જ છે. એના વિના જીંદગી જાણે વેરાન.

સૂરજ અને સેજલ હાઈ-વે પરની ગોળાઈએ આવ્યા. દરરોજ નફ્ફટ જનોની નફરતભરી ઝેરીલી નજરોથી છુપાઈને હરતાં-ફરતાં અને મળતા એ પ્રેમી પંખીડા હાથોમાં હાથ ભેરવીને ઊભીબજારે મસ્તાન બનીને નીકળ્યા. પરણવાના પ્રચંડ કૉડમાં તેઓ વીસરી ગયા હતાં કે એ બંને એવી ભરી બજાર વચ્ચેથી ગુજરી રહ્યાં છે કે જ્યાંના લોકો બદનામી અને બરબાદીની નાગી તલવાર લઈને બેઠા છે.

સૂરજની તેજસ્વિતા અને ભણતરની ભવ્ય જહોજલાલીથી પાલનવાડાના મોટાભાગના લોકો એને જાણતા હતાં. જ્યારે સેજલને એની કમનીયતા, રૂપસૌંદર્યતા તેમજ શહેરના પ્રતિષ્ઠિત વેપારી એવા કિશોરીલાલની દીકરીના નાતે સૌ એને ઓળખતા હતાં. એ બંનેને જેમણે જેમણે જોયા એ ઈર્ષ્યાથી સળગી ઊઠ્યા.

બપોરે બાર વાગ્યે ફૂલોના શહેર તરીકે પ્રસિધ્ધ પાલનપુરમાં પગલા પાડ્યા. ફૂલોની સુગંધ, શાયરીઓનું શહેર અને હીરાઉધ્યોગની શાન છે પાલનપુર. કીર્તિસ્તંભની કલાત્મક કીર્તિ જોઈ-માણીને જહાંઆરા બાગ પહોચ્યા. બાગ-બગીચા અને નવાબી તથા રાજાની શાનસમાં મહેલો જોવાનો- માણવાનો જબરો શોખ હતો એ બંનેનો. એક પ્રખ્યાત હોટલમાં ભોજન લઈને એમણે સૂરજના પ્રિય શહેર તરફ પ્રયાણ કર્યું.

ચાય વાગ્યાના સુમારે એમના પ્રિય શહેર અમદાવાદના ગીતામંદિરે ઊતર્યા. ત્યાંથી સાબરમતીના તીરે રીવરફ્રંન્ટમાં સૂરજે એની સાજનાને રમાડી. ત્યાથી લાલદરવાજા જોઈ જુમ્મા મસ્જિદ પહોચ્યા. સીદીસૈયદની જાળીની વિશ્વપ્રસિધ્ધ કલાત્મક કારીગરીના દીદાર કરીને આહલાદકતાના ઓડકાર લીધા. લૉ-ગાર્ડનમાં પ્યારના ખુશ્બું ઝરતા પ્રણયફાગ ખેલીને ઝુલતા મિનારા જોઈને કાંકરિયા પહોચ્યા. ત્યાં નગીનાવાડીમાં મહોબ્બતની મીઠી મિજબાની માણીને, પ્યારની પરાકાષ્ઠા પામીને સીધા જ એરપોર્ટ પહોચ્યા.

સૂરજના પ્રિય શહેરની ભવ્ય જહોજલાલી જાણી, માણી, અનુભવીને સેજલ બાગ-બાગ થઈ ઝુમી ઊઠી.

વિમાન ઊંચી ઊડાન ભરવાની તૈયારી કરતું હતું ત્યારે સેજલે સૂરજના કાનમાં હળવેકથી કહ્યું:" સૂરજ, હું પણ તારા પ્રિય શહેરના પ્રેમમાં પડી ગઈ છું. હુંય હવે અમદાવાદની દિવાની થઈ ગઈ છું. શાદી પછી આપણે અમદાવાદમાં જ સ્થાયી થઈ જઈશું હો!" અને 'હાં' પ્રત્યુત્તરમાં સૂરજે સેજલને બાથમાં ભીંસી લીધી. એ જોઈ પડખેની સીટમાં બેઠેલા ડોસાએ ઉમળકાભેર ડોસીને બચીઓ ભરી લીધી! ને સાથે જ વિમાને ઊંચી ઉડાન ભરી.

બીજી સુંદર સવારે એ કોચીનના રમણીય દરિયાતીરે નાહી રહ્યાં હતાં. ઘડીભર લાગી રહ્યું હતું જાણે દરિયો જ એમની દુનિયા! સેજલ માટે દરિયો આમ વાત હતી કારણ કે એને છાસવારે મુંબઈ આવવાનું બનતું. અહીં એના અનેક સગાવહાલાઓ રહેતા હતાં. એના મામાનો તો મુંબઈમાં મોટો મોલ હતો. શાંત દરિયો એને દેવ લાગતો. એ જ્યારે પણ મુંબઈ ઊતરતી દરિયાને નીર ચરણ પખાળતી જ પખાળતી.

કોચીનના જોવા- માણવાલાયક સ્થળો જેવા કે – સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, સીનેગોગ (યહુદિઓનું મંદિર), ડચ પેલેસ, ચાઈના ફીશીંગ નેટની મજા માણીને સીધા જ અથીરાપલ્લી વોટરફોલન પહોંચ્યા.

અથીરાપલ્લી વોટરફોલન… કોચીન એરપોર્ટથી ૪૦ કિમી અને કોચીન શહેરથી ૭૫ કિમી દૂર આવેલ મનમોહક વોટરફોલન છે. હવે ખાસ કરીને બાહુબલી ધોધ તરીકે ઓળખાતો આ ૮૦ ફૂટ ઊંચો વોટરફોલ કેરાલાનો સૌથી મોટો ધોધ છે અને તે “The Niagara of India” નાં હુલામણા નામથી પણ ઓળખાય છે. એ સુંદર કે જોવાલાયક જ નહી, પણ એ અતિસુંદર છે. ચોમાસામાં તો એની મોહક કળાઓ સોળે કળાએ ખીલી ઊઠે છે.

સેજલ એ ધોધ જોઈને ગાંડી ગાંડી બની ગઈ. બચપણથી એનું જે એક સપનું હતું એ સૂરજે એને હેમખેમ પૂરું કરી આપ્યું હતું. સૂરજ હવે એને ફરિશ્તો નહી દેવ સમો લાગી રહ્યો હતો.

સાંજ ઢળવા આવી હતી.

સાંજનું ભોજન લઈ એ કન્યાકુમારી જવા ઉપડ્યા.

કન્યાકુમારી એટલે ત્રણ સમુદ્રનાં સંગમ ઉપર સ્થિત ત્રિવેન્દ્રમથી 100 કિમી દૂર તામિલનાડું રાજ્યનું પ્રખ્યાત સુંદર સ્થળ.

કન્યાકુમારી સાઈટસીન – અમ્મન ટેમ્પલ, ગાંધી મેમોરીયલ, વિવેકાનંદ રોક, તિરુવલ્લુર સ્ટેચ્યુ, વેક્સ મ્યુઝીયમ અને ત્રણ સાગરનાં મહાસંગમ સમો મહાસાગર.

સ્વામી વિવેકાનંદનની જીવની જાણી, સમજીને ત્યાંથી સીધા જ હૈદરાબાદ થઈ મલકાતા ચહેરે કલકત્તા જવા ઉપડ્યા.

જેમ કોચીનનો ધોધ જોવો એ સેજલનું સોનેરી અરમાન હતું એમ કલકતું જોવું એ સૂરજની એક મંઝીલ હતી. ભારતના અન્ય શહેરો કરતા સૌથી પહેલા એણે કલકતા જોયું હતું, શમણાની પાંખે ને ઊઘાડી આંખે. અને એ પણ બક્ષીબાબુની 'બક્ષીનામા' ની સફર કરતા- કરતા, સાવ નાદાનીમાં. સેજલ સાથેના પ્રેમ કરતા એ પહેલા કલકત્તાના પ્રેમમાં પડ્યો હતો. કલકત્તામાં બક્ષીબાબું જ્યાં- જ્યાં રહ્યાં, ફર્યા, વેપાર કર્યો ને સુંદર સર્જન કર્યું એ સ્થળો જોયા. ગજબ આહલાકતાનો અનુભવ થયો.

હુગલી નદીમાં નૌકાવિહાર દરમિયાન આનંદના અતિરેકથી ઊભી થઈને સેજલે જ્યારે સમતોલન ગુમાવ્યું ત્યારે એ મોટેથી ચિત્કારી ઊઠી હતી:"સૂરજ, બચાવ! હું પડી જઈશ!"

ત્યારે સૂરજે કહ્યું હતું:"સેજલ, હવે બચવાના કોઈ ઉપાય રહેશે નહી. જીવનની નાવ હવે એમ જ હાલકડોલક ચાલશે. આપણા બંનેની મુઠ્ઠીમાં હવે દર્દ અને મોત ભરેલા છે. ક્યારે મુઠ્ઠી ખુલે ને ક્યારે શું નસીબ થાય એ કુદરતને ખબર."

બક્ષીસાહેબના સાહિત્યની સુવાસ જીગરમાં જડીને એ લોકો સીધા જ ધરતી પરના સ્વર્ગે પહોંચ્યા.

ધરતી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર. કાશ્મીર એટલે જાણે કુદરતનો ઊતારો. અહીંની ખીણોમાં, કોતરોમાં, ડુંગરોમાં, જંગલોમાં, વાદીઓમાં, વૃક્ષોમાં, ઝરણોઓમાં, નદીઓમાં, પ્રાણીઓમાં, પક્ષીઓમાં, ઘટાઓમાં, ગુફાઓમાં, ફૂલોમાં, સુગંધમાં અરે, પ્રકૃતિના એકેક અણુંમાં જાણે કુદરત રમતો ન હોય! પ્રકૃત્તિએ રાંકના રતન સમું એનું સઘળું સૌંદર્ય જાણે કાશ્મીરમાં વેર્યું છે!

જમ્મું, શ્રીનગર, ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગાંવ અને વૈષ્ણોદેવીમાં કુદરતના સૌદર્યનો રસ પીને આઠમાં દિવસે તેઓ સીધા જ પાલનપુર પહોંચ્યા.

સફર દરમિયાન સઘળું વીસરાઈ ગયું ગયું હતું. ઘર, પરિવાર, લગ્ન, બરબાદી અને બદનામીનું ભૂતાવળ પણ. અહીં માત્ર પ્યાર અને કુદરતની લીલાના મીઠા રસથાળ જ હતા.

સૂરજ હતો, સેજલ હતી. સફર હતી ને જીંદગી સુહાની બનતી હતી.

પાલનપુર ઊતર્યા કિન્તું હવે જવું ક્યાં? મનમાં ઘુંટાતી વેદના હવે વંટોળ બની. પ્યાર અને આનંદના શિખરો સર કરતી ખુશી હવે દર્દની ખીણમાં ગબડતી જતી લાગી.

"સેજલ!" મોબાઈલમાં ફોટાઓ જોઈને ઝુમતી જતી સેજલના ખભે હાથ રાખીને સૂરજે કહ્યું:" આટલી સફર કરી, સઘળું ભૂલીને એકમેકને મધુર સાથ આપ્યો એનાથી તું ખુશ હોય તો...!"

"તો શું? જલ્દી બોલ!" ફોટાઓ જોવામાં જ મશગૂલ એણે સૂરજ તરફ જોયા વિના જ વચ્ચે પૂછ્યું.

"સેજલ, આપણે લગ્નની વાત પડતી મૂકવી જોઈએ. શાદી કર્યા વિના જો ફરવાની કેવી મજા આવી! આપણે આમ જ વિના શાદીએ મોજ માણતા રહીશું!"

"આટલું ફર્યા બાદ તારૂ ફરી તો નથી ગયું ને સૂરજ?"

"ના, પરંતું હવે ફરવાનું છે!"

" શું?"

"ભાગ્ય!"

"કેમ આવું બોલે છો સૂરજ?"

સૂરજ અવાક બની સેજલને તાકી રહ્યો, 'તું' માંથી 'તમે' નું ઉચ્ચારણ સાંભળીને.

"તે મને 'તમે' કેમ કીધું! પરાયો સમજી શું?"

"પરાયો નહી, પોતાનો- મારો સગો પતિ. ચાલો કોર્ટ ઊઘડવાની તૈયારી છે. મેરેજ રજીસ્ટર કરી લઈએ." કહીને એણે ઓટો ને ઊભી રખાવી.

"સેજલ, શાયદ આપણને ઘડપણ નસીબ નહી થાય!"

"કેમ બકા?"

"એમ જ."

"ના, સાચું કહો ને જાન!"

"કારણ કે હવે આપણો પ્રેમ પાકવા જઈ રહ્યો છે. અને પ્રેમ હંમેશા યુવાન જ હોય છે." કહીને મનમાં જ બબડ્યો:'સેજલ, બાળપણ અબુધતામાં જ ધૂળમાં રગદોળાઈને ખોયું. કિશોરાવસ્થાએ અનાયાસે જ પ્રેમમાં પડાયું. અને હવે જવાનીયે પ્રેમલગ્નની આગ માં જ હોમાશે, શાયદ."

આશિકોની આવરદા ઓછી હોય છે. કાં તો ઝુરી ને મોતનો માંડવો રોપે છે, કાં તો કાસળ કાઢી નાખવામાં આવે છે. હવે જોઈએ આપણું શું થાય છે.

રીક્ષા કોર્ટ આગળ આવીને ઊભી રહી. એ બંને નીચે ઊતર્યા. દરમિયાન એમના મિત્રો મેસેજ પર બાતમી વાંચીને સમયસર આવી પહોચ્યા હતાં.

મિત્રોની અને કાનુનની સાક્ષીએ સેજલ અને સૂરજ લગ્નગાંઠે બંધાયા.

-ક્રમશ: