હર્ષના દિમાગ ઉપર એ સપના ની બહુ ખરાબ અસર થઇ. રાત્રે ચાર વખત કેલેન્ડર જોયું. મોબાઈલમાં સમય અને આજની તારીખ અને વર્ષ પણ ચેક કર્યા. અરીસામાં પોતાનું મોઢું પણ જોયું કે ક્યાંક સફેદ દાઢી તો નથી આવી ગઈ ને! બે વાર તો ખુદ ને જોરથી ચીમટો ભર્યો, ગાલ પર લાફો માર્યો ત્યારે થોડું સારું લાગ્યું. પણ હજી આ ‘સિંગલ પેરેન્ટ’ વાળું સમજમાં નહોતું આવ્યું. તરત ઈન્ટરનેટ ચાલુ કરીને ‘સિંગલ પેરેન્ટ’ વિષે વાંચ્યું અને કારણ જોહર અને તુષાર કપુર વિશે પણ.
સિંગલ પેરેન્ટ એટલે પોતે જ છોકરા ના માં અને બાપ. હર્ષ તો ખુદ પોતાનું ધ્યાન નહોતો રાખી સકતો ત્યાં આ છોકરી ક્યાં સંભાળવાના!!! બળદ અને આંખલા વચ્ચે નો ફર્ક તો જાણે હમણાં સમજ પડી. તો એમાં આ છોકરાઓ ને કેમ ના સાચવવાના. સામે ગેસ પર મુકેલું દુધ પણ ઉભરાતું ના રોકી શકે તો આ ઉભરતા છોકરાઓને કોણ જોશે!! બાકી પહેલા તો, કુતરાને દુરથી કોઈ જોઇને કહે દે કે ‘આ કુતરો નહિ કુતરી છે’ તો પ્રશ્નાથચિહ્ન વાળા ચેહરે એની સામે જોઇને વિચારતો કે ‘આ તો જીનીયસ છે, ખાલી જોઇને જ કહી દીધું.’
હર્ષ નું મગજ સાથે પગ પણ ચાલવા લાગ્યા. રાત્રે રૂમના બધા બારી-બારણા ખોલી નાખ્યા નહિ તો એને જ ગુંગળામણ લાગીને પોતે બેભાન થઇ જશે એવું લાગ્યું. પણ હજી એક ટેન્શન હતું, “જો આ સપનું સાચું પડે તો? જો ખરેખર ૩૫ વર્ષ સુધી મારા લગ્ન ના થાય તો?” પણ હર્ષે તરત જ વિચર કરી પણ લીધો કે ભલે ગમે એ થાય, પણ જો સિંગલ પેરેન્ટ બનું તો છોકરીનો જ બાપ બનીશ. આખી જિંદગીમાં આમ પણ કોઈ છોકરીનો પ્રેમ મળ્યો નથી. ત્યાં ફરી હર્ષના અંતરાત્મા એ ટાપસી પૂરી “હેં, હર્ષ. તારા હાથમાં જરાક લવ લાઈન છે કે નહિ એ જો તો!!!!”
વિચાર કરી કરીને હર્ષ થાક્યો. ધુઆપૂવા થઇ ગયો.
“આ તો માંડ એક સપનું હતું ,એમાં હું ક્યાં આ ‘સિંગલ પેરેન્ટ’ અને બનીશ તો છોકરીનો જ બાપ બનીશ એવા વિચાર કરવા લાગ્યો.” હર્ષે પોતાની જાતને જ ઠપકો આપ્યો. “ચલ,સુઈ જા.”
હર્ષ ફરી પથારીમાં આડો પડ્યો. પણ ઊંઘ તો જાણે કોઈ છોકરી ની જેમ દુર થઇ ગઈ હતી. જે પછી આવે એની કોઈ શક્યતા નહોતી. હર્ષે તરત લેપટોપ ચાલુ કર્યું અને પ્યાર કા પંચનામા શરુ કર્યું. બે દિવસ પછી ઘરે જાય ત્યારે અનુ અને અક્ષતને પણ કહેવાનું નક્કી કર્યું.
બીજા બે દિવસ પણ આવા જ ગયા. વિચારોમાં ને વિચારોમાં હર્ષે એટલું જમી લીધું કે એક દિવસ તો વધારે ખાઈ લેવાને લીધે ઉલટી થઇ ગઈ. છેલ્લા બે દિવસમાં હર્ષનું એક જ ટાઇમટેબલ હતું. વિચારતા-વિચારતા ખાવાનું અને વિચારો કરી-કરીને થાકીને સુઈ જવાનું. બે દિવસ પછી ઘરે ગયો ત્યારે અક્ષત અને અનુ ને મળ્યો સાથે મનાલી પણ આવી. મનાલી તો આ સપનું સાંભળીને હસતા હસતા બેવડ વળી ગઈ.
મનાલી : અનુ, તને હસવું નથી આવતું.
અનુ : માનું, બસ કર. હર્ષની સામે ના હસ. પછી જેટલું હસવું હોય એટલું હસજે.
મનાલી : યાર, મારાથી કંટ્રોલ જ નથી થતો ને પણ!!
અનુ : હું તો ટેવાઈ ગઈ છું, હર્ષની આવી વાતો થી.
હર્ષ (મનાલીને) : બસ કર, મેં કઈ જોક્સ નથી કીધો કે આટલું હશે છે.
મનાલી : હર્ષ, યુ આર રીયલી ફની. તને ખબર, હું કેટલા બધા દિવસો થી ખુલ્લી રીતે નહોતી હસી. તે આજે મને હસાવી બાકી પેલો તો આખો દિવસ રડાવ્યા જ કરે. થેંક્યું, તે આટલું હસાવી એટલે.
હર્ષ : હા, હવે પહેલા જઈને નાક સાફ કર. તારા વાળો જોઈ જશે ને તો અત્યારે જ બ્રેક-અપ થઇ જશે.પછી મને થેંક્યું કહેજે.
અનુ : બોલો કેવા ફ્રેન્ડ મળ્યા છે. એક ‘છે’ તો રડે છે બીજો ‘નથી’ એટલે રડે છે.
અક્ષત : હા એવું જ છે આ દુનિયામાં. બધાને બીજાની બૈરી જ સારી લાગે.
હર્ષ : અક્ષત, કઈ કર ને દોસ્ત.
અક્ષત (દુકાનદારને) : એ છોટુ, આ જાડ્યા માટે બે વડાપાઉં પાર્સલ કર. (હર્ષને) બોલ, એકલો વડાપાઉં ખાઇશ કે સાથે ચટણી નો પણ ઓર્ડર આપું.
હર્ષ : અહિયાં મારા દિમાગ ની ચટણી થઇ ગઈ છે એનું શું. અને હા બે નહિ ત્રણ વડાપાઉં નું કહે, ઘરે મારા છોટા હાથીને પણ જોઇશે ને!
અનુ : સાલા, અક્ષત જેટલો ખર્ચો મારા ઉપર કરે છે ને એના કરતા તારા ખાવાના ખર્ચા વધારે છે.
મનાલી : જો ને ક્યારનો ઢીંચ-ઢીંચ કરે છે. એક બાજુ કહે છે ખાવાનું નથી ભાવતું, અહિયાં ચાર જણ માટે મંગાવેલું એકલો જ ખાઈ ગયો.
ત્યાં જ છોટુ ત્રણ વડાપાઉં પાર્સલ લઈને આવ્યો. હર્ષ એને લઈને ઘરે આપવા ગયો. અક્ષત, અનુ અને મનાલી ત્યાં જ બેઠા હતા.
મનાલી : અનુ, એક વાર વિચાર કર. આ છોકરો જો ખરેખર ૩૫ વર્ષ સુધી સિંગલ રહે તો શું થાય?
અક્ષત : માય ગોડ, ના-ના ના-ના.
અનુ : ઓ ભાઈસાહેબ, ધોળે દિવસે તમને કેમ તારા દેખાઈ ગયા?
અક્ષત : કારણકે મને ભયંકર વિચાર આવ્યો. ના વિચાર નહી, દેખાયું. એ મને દેખાયું.
અનુ : ભસ ને પણ કંઇક.
અક્ષત : આ ૩૫ વર્ષ સુધી સિંગલ રહેશે તો ફણસી-રીંગણ જેવા કઈ કેટલાય શક બનાવી દેશે.
મનાલી : બે યાર, સાચે. એણે એની કુકિંગ ની બુક બહાર પડી તો?
અક્ષત : તરલા દલાલ, સંજીવ કપુર સાથે એનું પણ કુકીન્ગમાં નામ હશે!!!
અનુ : જા બે, એની બુક કોણ લેય જ?? મારે બધા.
મનાલી : બાકીનાનું છોડ, હું જ પહેલા તો મારું. લોકો આલા સુખેથી આટલું ટેસ્ટી ટેસ્ટી બનાવીને ખાય જ છે, એમાં એણે આવા નવા ગતકડા કરવાની કોઈ જ જરૂર નથી.
અનુ ; મનાલી, તે કોઈ દિવસ એના હાથ નું ખાધું છે?
મનાલી : ના રે, ગાંડી નથી હુ કાઈ!!
અનુ ( ધીમું હસતા-હસતા): અક્ષતે ખાધું છે, પૂછી જો એને જ.
અક્ષત : મારા માટે એણે સ્પેશીયલ ‘ડુંગળી-ભીંડા’ નું શાક બનાવ્યું હતું.
મનાલી (જે ટેબલ પર બેઠી હતી ત્યાંથી એક જ ઝાટકે ઉભી થઇ ગઈ, ખુરશી પણ પડી ગઈ): શું? ડુંગળી ભીંડા????? આ માણસને કોઈક તો સમજાવો. નહી તો થોડા વર્ષોમાં આ ખાલી દેશનો નહી દુનિયા માટે મોટો ખતરો બની જશે.
અક્ષત : સાચી વાત છે. એક વાર તો પેટ માં નાખ્યું, બીજી વાર તો ગળે પણ નહી ઉતરે.
મનાલી (અનુને) : યાર, હવે તો કંઇક કરવું જ પડશે. હર્ષ માટે કોઈક તો શોધવી જ પડશે.
અનુ : સાચી વાત. ચલ કંઇક વિચારીએ.
(મનાલી એની ગાડી લેવા ગઈ)
અનુ : અક્ષત, તે હર્ષની વાત ધ્યાન થી નથી સાંભળી લગતી?
અક્ષત : ક્યાંથી સાંભળું, મનાલી નો હસવાનો અવાજ જ કેટલો હતો.
અનુ : સારું હું જ કઈ દઉં છું. હર્ષે કીધું કે આપણે દસ દિવસ પહેલા જ આપણી આઠમી એનીવર્સરી ઉજવી.
અક્ષત : હાશ, મતલબ તારો બાપો માન્યો એમ ને.
અનુ : એમાં મારા પાપા ક્યાં આવ્યા વચ્ચે.
અક્ષત : હું નથી લાવતો, એ જ વચ્ચે આવે છે.