@@@ લાગણીની ચોટ... (ભાગ :- ૨)
ઝરણાની સામે મુક બની અનિમેષ નયને તાકી રહિલો એ વ્યક્તિએ પાછળ ફરીને જોયું કે જ્યારે જીવી ડોશી નો એના ઝૂંપડામાં આવવાનો પગરવ એને સંભળાયો. માજી ઝૂંપડામાં પ્રવેશી ચુક્યા અને રોજના ક્રમ મુજબ હાથ ધોઈ એ વ્યક્તિ જમવા બેસી ગયો. માજી પણ એની સામે બેઠા. શાંત જણાતા વાતાવરણ વચ્ચે માજી ના મનમાં તો એ માણસ વિશે જાણી લેવાનો શોરબકોર હિલોળા લઈ રહ્યો હતો. સમય પસાર થઈ રહ્યો હતો. એ માણસનું જમવાનું અડધું પતિ ચૂક્યું હતું પણ માજી ની પૂછવા માટે જીભ ઉપડતી ન હતી. કોઈ પણ માણસ સામે કોઈ ડર વિના ગમેતે પૂછી શકતા જીવી ડોશી આ માણસ સામેજ કેમ એક શબ્દ પણ ઉચ્ચારી શકતા નથી એવો પ્રશ્ન એમને ખુદને પણ હતો. માજીને લાગતું હતું કે આજે ઘરેથી લીધેલો સંકલ્પ પણ સમયના વહેણ સાથે વહી જશે.
આ સમગ્ર ઘટના વચ્ચે એજ અજબ ઘટના બની. કોઈ દિવસ નહીં અને આજે પહેલી વખત એ અજાણ્યા માણસે માજી પાસે વધારાના અડધા રોટલાની માગણી કરી. આઠ નવ મહિનામાં પહેલી વખત એ અજાણ્યા માણસનો અવાજ સાંભળનાર આખા ગામમાં એ માજી પહેલા વ્યક્તિ હતા. એ માણસના આટલા શબ્દો થી જાણે માજીમાં હિંમત આવી ગઈ અને આજે તો માજીએ પુછીજ લીધું... "બીટા... તારું નામ શું છે...???"
માજીના એ પ્રશ્નમાં ભારોભાર લાગણી નો રણકાર હતો. એ માત્ર કોરા શબ્દો ન હતા પણ જાણે એક મા નું એના સગા દીકરા સામે હોય એવું સંબોધન હતું. માજીના આખા પ્રશ્ન માં માત્ર "બેટા" શબ્દે એ વ્યક્તિને અંદરથી હચમચાવી નાખ્યો. એ પણ માજી સામે એટલીજ લાગણી થી આંખોમાં આંસુ સાથે એકીટશે જોઈ રહ્યો. માજીને લાગ્યું કે ના પૂછ્યું હોત તો સારું હતું... પણ પુછાઈ ગયું હોવાથી માજીએ બીજા એક વાક્ય થી વાત વાળી લીધી. માજીએ કહ્યું..."બેટા, તારે કઈ ન બોલવું હોય તો વાંધો નઈ, આતો જરા મને તાલાવેલી હતી એટલે પૂછી લીધું...હા કદાચ તને બોલવામાં કઈ તકલીફ હશે... કોઈ કુદરતી રોગ દોગ હોય તો પણ ચિંતા કરીશ મા... અમારે ગામમાં સવજી ની જુવાન જોધ સોડી માલતી ને પણ બોલવામાં તકલીફ હતી પણ મનજી વૈદ ની દવાથી સારું થઈ ગયું છે... તને પણ સારું થઈ જશે" માજી એ તો પોતાના પ્રશ્નનો જવાબ ન મળતા એમજ માનેલું કે કદાચ એ વ્યક્તિ ને બોલવામાં તકલીફ હશે... માજીનું આ બીજી વખતના સંબોધન અને એમાંય આવેલો એ પરિચિત શબ્દ "માલતી" એ એ વ્યક્તિના સુન્ન થઈ ગયેલા હૃદય પર જાણે વજ્રઘાત કર્યો હતો.જમવાનું પત્યા પછી માજી વાસણ લઈ પોતાના રસ્તે ચાલતા થયા અને જાણે સ્થિર થઈ ગયેલા એ વ્યક્તિના અંતરના તારો ને આંદોલિત કરતા ગયા.
ઝૂંપડામાં એકલા રહેલા એ વ્યક્તિને વારંવાર એ માજીનું ટૂંકા વાર્તાલાપમાં આવેલ "માલતી" શબ્દે ઝકઝોળી નાખ્યો હતો. વીતી ચૂકેલા જે દુઃખદ ભૂતકાળના એ ચક્ર માં એ પાછો જવા માંગતો ન હતો ત્યાં આ માજીના એ શબ્દે એને વળી પાછો ભૂતકાળમાં લઈ ગયો. એના જીવનમાં આવેલી ઉથલ પાથલ એ સમગ્ર ઘટના એના સમગ્ર અસ્તિત્વને ઘેરી વળી અને જાણે આંખો સામે એ દ્રશ્ય તાંડવ નૃત્ય કરવા લાગ્યું.
આ બાજુ ગામમાં પોતાને ઘેર ખાટલામાં પડ્યા પડ્યા માજીને પણ સતત એજ વ્યક્તિના વિચારો આવતા હતા. માજી જાણે સ્વયં પોતાની જાત સાથે વાતો કરતા હતા કે "જો એ માણસ બોલી શકતો હશે તો તો આજે નહિ તો કાલે હું એને બોલાવી દઈશ પણ જો મૂંગો હશે તો...???" આવા વિચાર કરતા કરતા માજી પડખા ફેરવતા સુવાનો પ્રયત્ન કરતા હતા. રાત્રીનો એક પહોર વીતી ચૂકયો હતો. ત્યાં અચાનક માજી ને લાગ્યું કે ઘરના બારણે કોઈ ટકોરા કરી રહ્યું છે... માજી વિચારવા લાગ્યા આટલી મોડી રાત્રે કોણ હશે? મનમાં વિચાર્યું ગામમાં કોઈ સાજું માંદુ હશે અને કંઈક મદદ માટે આવ્યું હશે. ખાટલા માંથી ઉભા થઇ માજીએ જેવું બારણું ખોલ્યું કે એમની આંખો જાણે ફાટી ગઈ. સામે ઉભો હતો એજ અજાણ્યો વ્યક્તિ કે જેનામાં જીવી ડોશીને પોતાના પુત્ર મુળજી ની છાયા દેખાતી હતી. ક્ષણભર માટે માજીના શરીરમાં ભય ની કંપારી છૂટી ગઈ પણ તરત હિંમત ભેગી કરી પુછીજ લીધું..."અટાણે તું અહીં...?" વર્ષોની તપશ્ચર્યા માંથી જાગીને કોઈ જોગી જાણે આંખ ખોલે એમ એ વ્યક્તિ ના શબ્દો માજીના કર્ણ પટલ સાથે અથડાયા..."મા... અંદર આવવાનું નહિ કહો... મને ભૂખ લાગી હતી એટલે આવ્યો છું..."
એ માણસના આટલા શબ્દો સાંભળી માજીનું હૈયું એવુંતો હિલોળે ચડ્યું કે બંને આંખો માંથી રીતસરનો શ્રાવણ ભાદરવો થઈ ખુશી નિતરવા લાગી. હાથ પકડી એને અંદર લઈ ગયા. તરત ખાવા બેસાડવા માટે પાથરણું નાખ્યું. ખૂબ ખુશીથી એને જમાડયો. જમી ને પાછો જેવો એ માણસ પોતાના ઝૂંપડે જવા જતો હતો કે માજી બોલ્યા..."બેટા... મારા સવારના સવાલનો જવાબ નઈ આપતો જાય...???" માજીની આટલી બધી લાગણી જોઈ એ વ્યક્તિ નિચેજ બેસી ગયો અને એણે કોઈ અજાણી વ્યક્તિ સામે પ્રથમ વખત પોતાનો દુઃખદ ભૂતકાળ ખોલ્યો...
(આ વાર્તાનો ભાગ :- ૩ ક્રમશઃ...)
લેખક :- અલ્કેશ ચાવડા 'અનુરાગ'