કુલદીપિકા Umakant દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુલદીપિકા

વાર્તાનું શિર્ષકઃ- કુલદીપિકા ખંડકાવ્ય.

પ્રેઅરણા બીજઃ- દહેજનું દુષણ અને તેમાંથી ઉદ્‍ભવતા પ્રશ્નો અને તેનો ઉકેલ.
કથા વસ્તુઃ- આપણા સમાજમાં કન્યાને લગ્ન પ્રસંગે દર, દાગીના, રોકડ રકમ દહેજના રૂપમાં આપવામાં આવે છે.
જે તેને પાછળની ઉંમરે તેને જીવતરમાં સહાયરૂપ થઈ પડે.આને સ્ત્રી ધન કહેવામાં આવે છે.કેવું રૂપાળૂં
નામ !!! કહેવાય તે "સ્ત્રી ધન " પરન્તુ તેના ઉપર તેનો હક્ક નહિ, પ્રત્યક કે પરોક્ષરૂપે તેના સાસરિયાઓ
તેના ઉપર હક્ક જમાવી લે છે. કમનસિબે જ્યારે તે વૈધવ્ય પ્રાપ્ત કરે છે ત્યારે
" થોડા દિવસ
કરૂણ શબ્દોની ઉડાઉડ,
થોડા દિવસ,
હૉસ્પીટલની લૉબીમાં ફરતાં સગા વહાલાં જેવી

ઠાલાં આશ્વાસનોની અવર જવર
થોડા દિવસ
'ગીતા' ને ;ગરૂડ પુરાણ' ની હવા
પછી
'બૅન્ક બેલન્સ' ની પુછપરછ..........." જયા મહેતા.
આમ તેના પતિના પ્રો. ફંડ, પેન્શન,ગ્રેજ્યુઈટી,જીવન વીમાની રકમ ઉપર હક્કજમાવવા કેવા કેવા દાવપેચ થાય છે,
તે તો બહુ જાણીતી વાત છે, અને તે હવે પુરી થઈ. આધુનિક નારી હવે પરાધિન નથી.તે કુટુંબની જવાબદારી સમજે છે,
તે કુટુંબને દોરે છે. વૃધ્ધ નિરાધાર સાસુ સસરાનો સહારો બને છે. કૌટુંબિક ત્યાગ ભાવનાનો આદર્ષ રજુ કરતી નવલિકા.
સાહિત્યનો પ્રકારઃ- પ્રેમાનંદ,માણભટ્ટ ગામઠી આખ્યાન અપદ્યાગદ્ય શૈલી.

ખંડ કાવ્ય. કુલદીપિકા

(૧)

હતો એક નવયુવક,

હતી એક નવયુવતી.

આદર્શઘેલાં બેઉ,

સુમધુર લાઈફ તેઉની હતી.

(૨)

રણછોડ પટેલ હતા ગુજરાતી,

ખેડા જિલ્લા તણા વતની હતા એ,

સવિતાસરીખી ભાર્યા હતી જે,

અત્રિ-અનસૂયાની જોડી જ જાણો.

(૩)

રણછોડ પટેલ હતા શ્રમજીવી,

પરિશ્રમી ને પ્રગતિશીલ ખેડૂત.

જીવન હતું સરળ ને સાદું,

(૪)

નાનું પણ સુખી કુટુંબ હતું એ.

નિર્દોષ પારેવાયુગલ હતું એ,

અતૂટ પ્રેમનું બંધનેય એવું !

પ્રસન્ન મધુર દંપતી એ,

આનંદ મંગલ કરતું હતું ત્યાં.

(૫)

રણછોડ પટેલ તણો એ સુત,

નામ જેનું હતું સુનીલ.

રામદશરથશી જોડ જ જાણો,

પિતાપુત્રનું અનોખું એ બંધન.

(૬)

પુત્ર સુનીલ હતો સમજદાર,

ભણવામાં હતો હોશિયાર.

જીવનમાં કૈંક હતા અરમાન,

(૭)

માતપિતાનાં હતાં આશીષ વચન.

કિશોર શેઠ હતા નગરશેઠ,

સાત પેઢી તણું પુણ્ય હતા એ.

સુંદર પત્ની કલ્યાણી નામે,

વસિષ્ઠ-અરુંધતીની જોડી હતી જે.

(૮)

વણિક ધર્મના હતા એ શ્રેષ્ઠી,

દિલનાય સાચા વૈષ્ણવજન હતા એ.

પીડ પરાઈ હતા જાણતા એ,

રાયાં દુઃખે દુઃખી થતા જે

(૯)

દયાકરુણાના સાગર હતા એ,

ધર્મ ને સેવાપરાયણ હતા એ

જીવન જેનું હતું સાવ નિર્મળ,
નરસિંહના વૈષ્ણવનું પ્રતીક જ જાણે.

(૧૦)

કિશોર-કલ્યાણીના પ્રેમપ્રતીક શી,

પુત્રી હતી જે સુધા નામધારી.

ચંચળ, હેતાળ ને રમતિયાળ,

વળી સદ્ગુણી અને વિવેકી હતી એ.

(૧૧)

ચકોર બુધ્ધિપ્રતિભા હતી ને,

વળી સુશીલ,ચપળ ક્ન્યા હતી એ.

મિતમૃદુભાષી ને પ્રિય હતી

ને ભણવામાં એ હતી હોશિયાર.

(૧૨)

જીવનનું ધ્યેય હતું જ ઉચ્ચ

કે ડૉક્ટર થઈને કરું જનસેવા.

દુઃખિયાનાં દુઃખ દૂર કરું હું.

ઉચ્ચ આદર્શોનું હતું ધ્યેયએવું.

(૧૩)

જીવનના હતા આદર્શ ઊંચા

ને લોકસેવાના હતા મનમાં કોડ.

જનસેવાના હતા અરમાન,

માતાપિતાના હતા આશીર્વાદ.

(૧૪)

જુઓ સમયની ગતિ કેવી ન્યારી?

જોતજોતાંમાં ગયું વીતી શૈશવ,

વીતી ચંચળ કુમારાવસ્થા,

ને પાંગર્યું યૌવન વિલાસિત.

(૧૫)

રૂડો રમતો ઋતુરાજ આવ્યો,

ફોરમ લાવ્યો ફૂલડે ફૂલડે,

અનંગ લાવ્યો નવયૌવને,

વીંધ્યાં યુવાન હૈયાં કામદેવે.

(૧૬)

વરતાયો નયનોમાં દૃષ્ટિભેદ,

દાઝ્યાં હૈયાં અનંગની ઝાળે,

યૌવનસહજ પાંગર્યો પ્રણય,

ઉછાળી પ્રેમની ઊર્મિ હ્રદયે.

(૧૭)

મળતાં જ નયનો એકબીજાનાં,

દીધા પ્રણયકૉલ એક જ થવાના.

મૈત્રી, પ્રેમ પ્રણયપંથે વળ્યાં,

પ્રગટ થયાં માતપિતા ચરણે.

(૧૮)

રણછોડ ને કિશોર હતા બાળમિત્રો,

સાથે રમ્યા ને સાથે ભણ્યા’તા,

એક પટેલ ને દુજો વણિક,

સુધારાવાદી ને ભેદવિહીન.

(૧૯)

ખાનદાન હતાં ઉભય કુટુંબ,

સમાજમાં તેઉનાં હતાં માનપાન.

તેઉનાં ક્ષેત્રોમાં હતાં નામ ઊંચાં,

કોઈ પ્રકારે નડતરેય ન્હોતાં.

(૨૦)

ત્યજી ગૃહ માતપિતા તણું,

ને બની સુધા નવવધૂ આજ,

શકુંતલાસમ ચાલી પિયુગૃહે,

રાધાકૃષ્ણ યુગલ જ્યમ કરો,

"कुर्यात् सदा मंगलम् "

"કરો સદા મંગલમ્."

(૨૧)

‘આરામ હરામ છે’ પવિત્ર એ સૂત્ર,

વળી ઉદ્યમ ને પરિશ્રમની એ ભૂમિ:

સાદી સરળ હતી જીવનશૈલી,

સ્પષ્ટવક્તા વલ્લભની એ ભૂમિ.

(૨૨)

પડતાંને પાટુ કદીયે ના મારે,

હાથ પકડીને ઊભો કરી દે;

ચરોતરની પવિત્ર એ ભૂમિ,

ખૂનપસીનાની ખુશબૂ મહેંકતી ત્યાં.

(૨૩)

ભૂમિ હતી એ ચરોતર તણી,

ધરતી મહાગુજરાતતણી હતી એ,

સરિતા શ્રમની વહેતી હતી જ્યાં,

એ ભાઈકાકાની હતી કર્મભૂમિ.

(૨૪)

અશ્વેત મૂંગાં પશુઓ તણી,

નરી શ્વેત હતી એ કમાણી.

શ્વેત ક્રાન્તિની અજબ હતી કહાની,

ડેરી અમુલની હતી એ કમાલ.

(૨૫)

ધામ વિદ્યા સરસ્વતીનું હતું એ,

જ્યાં સદા સિંચન સંસ્કારનું થાતું.

મંદિર વિદ્યાવ્યાસંગનું હતું એ,

વલ્લભ વિદ્યાનગર નામ એનું.

(૨૬)

ગીત ગાતા દેશભક્તોની કર્મભૂમિ હતી એ,

જન્મભૂમિ સરદાર વલ્લભની હતી એ;

વિશ્વ વિદ્યાલય ઘટાટોપ વટવૃક્ષ જેવું,

સરદાર પટેલ યુનિવર્સિટી હતું નામ જેનું.

(૨૭)

વાણિજ્ય, વિનયન ને વિજ્ઞાન તણી,

પ્રશાખાઓ હતી વિધ વિધ જ્ઞાન તણી ;

વિદ્વાન પ્રાધ્યાપકો અધ્યાપન કરતાં 'તાં,

ને ઉચ્ચ શિક્ષાર્થીઓ રસપાન કરતાં ’તાં.

(૨૮)

હામ હૈયે હતી વડીલોને અદકેરી,

સંતાનોને હૈયેય ઉમ્મીદ ભારોભાર.

એન્જિનિયર-ડૉક્ટર તણું ભણીને,

સુનિલ-સુધાની હતી ધગશ દેશસેવા

(૨૯)

માંગ હતી નવા જમાના તણી,

હતી હામ આકાશને આંબવાની.

કમ્પ્યુટર હતું વિકસતું વિજ્ઞાન,

સોફ્ટવેર ટેકનૉલૉજિની હતી માંગ ભારી. `

(૩૦)

હતી ના જાણ ભારતમાં જ્યારે,

ઝાઝેરી હતી માંગ અમેરિકામાં ત્યારે.

હોમવા યુવાધન કાજ આકર્ષક

જલતી હતી શમા આઈ.ટી.ની.

(૩૧)

દેશ વિદેશમાં હતી મોંઘવારી,

રૂપિયા કરતાં ડૉલરની હતી બલિહારી.

લોકોએ ડૉલરનાં ઝાડ દીઠાં અમેરિકામાં,

આંધળી દોટે સૌ લૂંટવા જ દોડ્યાં!

(૩૨)

વૈશ્વીકરણની જ્યાં હવા ચાલી,

ઉદ્યોગધંધામાં પ્રગતિ અધિક આવી.

લક્ષ્મીપ્રાપ્તિની આશ જ ઊઘડી,

પૈસા કમાવાની ભૂતાવળ જાગી.

(૩૩)

દેશદાઝ અવગણી નિજ સ્વાર્થ કાજ,

સાગરે ઝુકાવ્યું સફરી જહાજ.

ગુમાવી બેઠાં સૌ નિજ હોશકોશ,
ડોલર ભણી દોડની સૌ હૈયે ધગશ.

(૩૪)
વૈશ્વીકરણની ઊઠી આંધી,
ઊર્મિ સુધા-સુનીલનીય જાગી;
ત્યાગી ત્વરિત જનની જન્મભૂમિ,
ભાગી અમેરિકા તણી ભૂમિ ચૂમી

(૩૫)

ઉત્ક્રાંતિનું આવ્યું મોજું વિરાટ ,

યુવાધન ખેંચાયું તેમાં,

કરી મહેનત થયું બરબાદ,

કર્યું ભારતને આબાદ .

(૩૬)

રાજનીતિ શોષણની હતી,

બોર આપી કલ્લી કઢાવી લીધી.

ન ચુકવાયા ઊંચા વેતન દર,

ત્યારે રાજી કીધાં પરદેશી જન.

(૩૭)

પટેલની એ મહેનતકશ જાત હતી,

શ્રમ કરવાની અજબ તાકાત હતી;

ખોટું સહન કરવાની વાત જ ન્હોતી,

આત્મસન્માનની ઉચ્ચ ભાવના જ હતી.

(૩૮)

જ્યાં હતી ઊંચી કિંમત પરિશ્રમની,

‘આરામ હરામ હૈ’ સૂત્રની મહેંક જ્યાં;

દેશદાઝ, ગર્વ ને ઉચ્ચ પદવી હાથ,

તે નિયુક્તિથી થયો સુનીલ આબાદ.

(૩૯)

જ્યાં શ્રમ અને બુધ્ધિની કદરદાની હતી,

પ્રગતિની કોઈ રૂકાવટ ન હતી;

ધીર ગંભીર મક્કમ પગલે, સુનીલ

પ્રગતિનાં સોપાન સર કરતો રહ્યો.

(૪૦)

સુધા નાજુક અને નાર નમણી હતી,

ચંચળ ચકોર તેની જાત જ હતી;

ગંભીર તીક્ષ્ણ, બુધ્ધિપ્રતિભા હતી,

ઊંડાણથી, તાગ પામવાની ટેવ હતી.

(૪૧)
વિકસતું વિજ્ઞાન મેડિકલનું હતું,
ક્ષેત્ર અવનવાં સંશોધનનું હતું;
વાંચન ને સંશોધનની સરિતા સદા વહેતી હતી,
હામ હૈયે હંમેશ નવું કરવાની રહેતી હતી.

(૪૨)
જ્યાં બુધ્ધિને શ્રમની ક્દર હતી,
નહિ પ્રગતિની કોઈ રૂકાવટ હતી.
થઈ કૃતાર્થ બની ડૉક્ટર સુધા,
જોડાઈ મેડિકલ સેન્ટરમાં ત્યાંહાં.

(૪૩)
ધીર ગંભીર વિચાર સાથ,
નિત નવાં સંશોધન કરતી રહી.
કર્યાં પ્રગતિનાં સોપાન પાર,
પગલાં વિરાટ ભરતી રહી.

(૪૪)
વૈશ્વીકરણની ચાલી હવા,
ઉદ્યોગ-ધંધામાં આવી ગતિ.
જાગી લક્ષ્મી પ્રાપ્તિની મતિ,
નવાં મૂલ્યોની મંડાઈ ગણતરી.

(૪૫)
નવયુગનો બદલાયો ઇતિહાસ,
અમેરિકામાં આવ્યા અશ્વેત પ્રમુખ.
યુવાનોમાં નવું જોર લાવ્યા,
`Yes I Can'નું નૂતન સૂત્ર લાવ્યા.

(૪૬)

હાઉસીંગ કટોકટી થઈ ત્યાં ઊભી,

અપ્રમાણિક પ્રવૃતિઓ ત્યાં ફાલીફુલી.

કૉર્પોરેટ ક્ષેત્ર સુધારા માગતું,

જનમાનસ `હેલ્થ કેર' ચાહતું.

(૪૭)

ઈરાક મોરચો સળગતો હતો,

અફઘાન મોરચો લોહિયાળ થતો.

કાર્યક્ષમ બળતણનું નિયમન જરૂરી,

કાર્બન ઍમીશન પણ નાથવું જરૂરી.

(૪૮)

કૉંગ્રેસમાં ને સેનેટમાં પ્રશ્નો ઊઠ્યા,

બૅલ આઉટ પ્રોગ્રામો જાહેર થયા,

શ્વાનશિયાળ શા ગજગ્રાહ રૂપે,

ડેમો -રીપ સેનેટે ઝઘડતા હતા.

(૪૯)

બેલ આઉટ પ્રોગ્રામો જાહેર થતા રહ્યા,

ફલશ્રુતિ એવી વિપરિત આવી કે,

કંપનીઓ અને બેન્કો સઘળાં મળી,

ગેરલાભ મોટા પાયે ઉઠાવતાં રહ્યાં.

(૫૦)

કારમી મંદીનો અદીઠ ગાળિયો,

દિનપ્રતિદિન સખત બનતો ગયો;

સામાન્ય જન સાવ બન્યાં અસહાય,

મજબૂર બન્યાં એવાં જે ન્હોતાં કદીય.

(૫૧)

મોંઘવારીનો દૈત્ય ઊંઘમાંથી જાગ્યો,

વિકરાળ હાહાકાર તેણે મચાવ્યો;

શાણા સમજુ લોક સ્વદેશે સિધાવ્યા,

કૈંક યુવકો અધૂરી આશાએ રોકાયા.

(૫૨)

મંદીનું સામ્રાજ્ય વિસ્તરતું ચાલ્યું,

બેકારીનું ખપ્પર ગયું ભરાતું;

અસંખ્ય લોક થયા સાવ બેકાર,

અનેક પૈસે ટકે થયા ખુવાર.

(૫૩)

સુનીલની કંપની હતી ખૂબ મોટી,

તોય મંદીની અસર તેનેય નડી;

વેતન કાપનો પ્રશ્ન જ આવ્યો,

વિચાર દ્વંદ્વમાં એ ઘણો મૂંઝાયો.

(૫૪)

વાતાવરણમાં આવ્યો પલટો અચાનક,

આંધી, તુફાન ને વળી વરસાદ લાવ્યો;

વિહ્વળ મન, માનસિક તનાવનું કારણ,

બેકાબૂ કાર, બન્યું મોત તણું નિમિત્ત.

(૫૫)

વિધિની આ શી ક્રૂર મશ્કરી, ઓ જિંદગાની?

સુખ અલ્પ, દુઃખ વિશેષ થકી એ ભરેલી!

રે ! ઈશ્વર તને શું ગમ્યું આ ?

હસતું રમતું, યુગલ સાવ જ નંદવાયું!

સુધાનો વિલાપ:-

(૫૬)

હસતાં રમતાં ગયાં હતાં કાલે,

રોતાં રોતાં પાછાં ફર્યાં આજે!

હું હતભાગી! દુર્ભાગી! નિશ્વેતન,

સુનીલ ધરું પિતા તવ ચરણે!

શ્વસુરનો દિલાસોઃ-

(૫૭)

રે ! રે ! વ્હાલી દીકરી,

ના આ દોષ તારો કે મારો;

વિધિની વક્રતા સામે,

આપણે લાચાર સહુ.

(૫૮)

અમ ઘડપણની તો ગઈ લાકડી,

પણ તુજ જીવનનો તો આધાર જ ગયો;

વૈધવ્યની ચોંટી કાળી ટીલી લલાટે,

રક્ષણહાર તારો ગયો તુજને મુકીને .

(૫૯)

અમ જીવન પૂર્ણ થવાને આરે,

શેષ ખેંચીશું સુખે દુઃખે ભાગ્યસહારે.

રે ! રે ! વ્હાલી દીકરી, એકલી તું;

શેં વીતશે તુજ જીવન બીન મઝધારે?

સુધા-સુનીલનો કાલ્પનિક સંવાદઃ-

(૬૦) સુધાઃ-

મુજ સુખી જીવન તણો આધાર હતો તું,

સુનીલ ! સરતાજ મારો હતો તું;

તારી પત્ની તરીકે કિંમત હતી ભારી,

હવે વિધવા તરીકે કોડીની થઈ મારી.

(૬૧)

શૂન્ય શોભે આગળ અંકથી,

નારી શોભે, પુરુષ સંગથી;

અંક વિના શૂન્યની કિંમત નહિ,

નર વિના નારીની કિંમત નહિ.

(૬૨)

નયનોથી નયન મિલાવી,

નિર્દોષ મારા હ્રદયને હરીને;

સુનીલ! સુનીલ ! અરે ક્યાં ગયો તું ?

રઝળાવી મઝધારે મને વિલાપતી તું?

(૬૩) સુનિલઃ-

વિરહ તારો ખરે જ વ્યાજબી,

નથી ગયો મઝધાર મૂકી તને હું;

પૂર્ણ કંઈ થયું મારું જીવન કર્તવ્ય,

ને પકડી લીધી મેં સ્વર્ગની જ વાટ!

(૬૪) સુધાઃ-

કેમ રે! વિસારું યાદ તારી, સુનીલ?

દિનરાત હંમેશ તું યાદ આવે;

જીવંત રાખી સ્મૃતિ મુજ હ્રદયે,

વિતાવતી હું અહર્નિશ મારાં.

(૬૫) સુનિલઃ-

જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ....

વિશ્વનો શાશ્વત નિયમ એ;

નામ તેનો નાશ સદા,

કેમે કરી કરું મિથ્યા?

(૬૬) સુધાઃ-

પળ પળ વીતે વિરહમાં,

જલતી સદા જ્યોત હ્રદયમાં;

જેમ શઢ વિણ જહજ સફરે,

તેમ તારા વિણ રે હું નાથ!

(૬૭) સુનિલઃ-

ક્ષણે ક્ષણે સ્મરો હરિનામ,

રાખો સદા, જ્યોત જલતી જીવનમાં;

વિતાવો શેષ જીવન હવે તો,

પ્રભુ સ્મરણમાં ભૂલી મરણ.

(૬૮) સુધાઃ-

સદા તારી સ્મૃતિ મુજ હ્રદયમાં,

સજાવું હરદમ તસ્વીર તારી મનમાં;

નીરખી સ્મિત મધુર મધુર તારું,

ઉદાસીન થાયે આ મનડું મારું.

(૬૯) સુનિલઃ-

મિટાવી મારી સ્મૃતિ હ્રદયથી,

કરો ઈશ્વર પ્રત્યે પ્રીતિ દિલથી;

સજાવો પ્રભુ નિવાસ હ્રદયે,

નિરખો નિત્ય નંદકુમાર હૈયે.

(૭૦) સુધાઃ-

જોઈ એકાંત તારો રૂમ, હે કાન્ત,

તારું ટેબલ, તારો ફોન શાન્ત,

તારું કમ્પ્યુટર તારી ખુરશી ખાલી,

ઉદાસીન થાયે મારી હર ખુશી જાલી.

(જાલી= ખોટી,મિથ્યા- હિંદી શબ્દ)

(૭૧) સુનિલઃ-

જ્યમ કસ્તુરી નાભિમાં લઈ,

મૃગ શોધે વને વને;

મિથ્યા તું મને શોધે, ચોપાસ

હું રહ્યો તુજ હ્રદયે, જ વ્હાલી.

(૭૨) સુધાઃ-

તસ્વીર, જોઈ લટકતી દિવાલે

ઉદાસ રહે મારું મન નિત્યે;

ફૂલ, દીપ, ધૂપ કરું હરદમ,

મનાવું મુજ ચંચળ રે મન.

(૭૩) સુનિલઃ-

મોહ, માયા, મમતા ત્યાગી,

સદા નિરખો નંદ કુમાર;

ફૂલ, દીપ, ધૂપ કરી હરદમ,

પ્રસન્ન રાખો ચંચળ મન.

(૭૪) સુધાઃ-

થા જાગૃત ! ત્યજી શોક સંતાપ,

પૂરાં કર તુજ અધૂરાં કામ;

પૂર્ણ કર તારું જીવનધ્યેય,

સાચી અંજલિ સ્વરૂપે.

(૭૫)

ક્રિયા કર્મથી પરવર્યાં,

ને વિખરાયાં સૌ સ્નેહીજન;

સાસશ્વસુર ને માવતર્ વાત્સલ્યે,

સિંચન પામ્યું, વ્યગ્ર હ્રદય શાતા.

(૭૬)

હૈયે મૂકી વ્રજશીલા હૃદયે
માતપિતાએ ને સાસ શ્વસુરે;

પ્રોત્સાહિત કીધી મધુર વાત્સલ્ય વચને,

અર્પવા નવજીવન સુધાને.

(૭૭)

કરવા જરૂરી કાર્યવાહી કાજે,

ને સરકારી કામકાજ અર્થે;

ધરી હાથ કાર્યવાહી એટર્ની સંગે,

ને મંદ ગતિ વિધિથી કૉર્ટ કચેરીએ.

(૭૮)

સમય વીતતો રહ્યો સંગાથે,

વણ રૂઝાયેલા આઘાતે;

ઘા પીડતો રહ્યો સતત,

સુનીલની યાદ આપતો રહ્યો.

(૭૯)

અખંડ સૌભાગ્ય નંદવાયું,

ભર્યું ભાદર્યું જીવન ઝંખવાયું;

ત્યજી મધુરો સાથ સંગાથ,

પામી વૈધવ્યનો દુઃખદ આધાર.

(૮૦)

રાખવા ઉચ્ચ આદર્શ જીવનમાં,

આચરવા અતિ મુશ્કેલ નિજ જીવનમાં;

સ્ત્રી એ અબળા જાત સંસારમાં,

ખૂંચી રહી જન નયનોમાં.

(૮૧)

અજબ છે ! આ સળગતો સંસાર,

જલતા માનવ, ઈર્ષ્યાગ્નિમાં હંમેશ;

ન એ રાજી કોઈનું સુખ જોવામાં,

સદાયે રાચે નિંદાથી બળતું જોવામાં.

(૮૨)

નારી એ તો નાજુક નમણી વેલ,

જીવે નવ લેશ એ બિન સહારે

પિતા, પતિ, પુત્ર સહારે, શોભે એ વિશેષ,

ઉર્ધ્વ પ્રગતિ સદા પામે તે સહારે.

(૮૩)

નારી જીવનની ઝંખના વિશેષ,

આંગળીએ શોભે શિશુ બાળ;

શોભાવી ઉજ્જ્વળ માતૃત્વ,

પૂર્ણ કરવી જીવનની આશ.

(૮૪)

માતૃત્વ વિણ અધૂરી નારી,

માતૃત્વથી શોભે સન્નારી;

નારીજીવનનું પરમ ધ્યેય એ ખરું,

પૂર્ણત્વ પ્રાપ્તિનું પ્રતીક એ ન્યારું .

(૮૫)

છો ને થયો સુનીલ તું વિદાય !

હજુ છે પ્રેમ બાકી મુજ હૃદયે;;

પાંગરતા આપણા પ્રેમપુષ્પનો,

પ્રસવ તો છે હજુ બાકી.

(૮૬)

અધૂરાં કાર્ય પૂર્ણ કરવા કાજ,

જોઈ રહી છું બાળ શિશુની વાટ;

પાંગરતા તવ પ્રેમ પુષ્પને ,

સ્વીકારવા આ અવનિ દ્વાર.

(૮૭)

ભરી હ્રદયમાં ચિરંજીવ યાદ,

કરીશ સ્વપ્નો સાકાર તારી સાથ;

રહીશ હર હંમેશ તું મારી સાથ,

ઉદાસ ન થા મારા પ્યારા નાથ.

(૮૮)

ધન્ય ઘડી ને ધન્ય એ પળ,

આંગણે આવ્યો રૂડો અવસર જ

માતૃત્વ દેવા આવ્યો તુજ બાળ,

ધન્ય કર્યો તેણે મારો સ્ત્રી અવતાર.

(૮૯)

લુટાવ્યું જીવન સર્વસ્વ, રે !

ચંદ ચાંદીના ટુકડા કાજ;

એક્સિડન્ટ ક્લેઈમ સેટલ થયો,

કંપનીએ બદલો સારો દીધો..

પુત્રવધૂ અને શ્વસુરનો સંવાદઃ-

(૯૦)

સુધા સદ્ગુણી પુત્રી હતી,

પૈસે ટકે સુખી હતી;

સારી નોકરી યથાવત્ હતી,

લોભ લાલચની આશ ન્હોતી.

(૯૧) પુત્રવધૂઃ-

પુત્રના પૈસા આ તમારા રે!

મને તે ના આવે કામ મારા રે!

નિવૃત્ત અને વાર્ધક્યનો તમ સહારો,

શેષ જીવનનો આધાર એ તમારો.

(૯૨) શ્વસુરઃ-

દીકરો મારો, પરણ્યા પછી એ વહુનો થયો,

તેના ઉપર હક્ક તમારો;

પુત્રવધૂનું એ પવિત્ર સ્ત્રીધન ગણાય,

અણહક્કનું એ પરાયું ધન ગણાય.

(૯૩) પુત્રવધૂઃ-

પુત્રવધૂ તરીકે આવી તમ ચરણે,

પુત્રી તરીકે સ્વીકારી તમે;

ગણી પુત્ર પુત્રી એક સમાન,

તો સ્વીકારો પુત્રીનો આ અધિકાર.

(૯૪) શ્વસુર

નિવૃત્ત અને પ્રવૃત્તિહીન,

અમ વૃદ્ધોની જરૂરિયાત શી?

બે ટંક રોટલો, બે જોડ કપડાં,

માથે છાપરું તેથી વિશેષ શું?

(૯૫)

આત્મ સંતોષ એ સુખ સાચું,

પરમ પ્રભુએ આપ્યું એ પૂરતું;

આમ મીઠી નોકઝોકે ,

સંતોષ માણ્યો સૌએ હળવે હૈયે.

(૯૬)

સુધા-સુનીલના પ્રેમનો અંકુર,

પાંગર્યો નાજુક બાળ સ્વરૂપે

ધરી નશ્વ્રર દેહ અવતર્યો પૃથ્વી પરે,

ધર્યું નામ `સુધાનીલ' દેહ સ્વરૂપે.

(૯૭)

ધરી પ્રતીક બાળ `સુનીલ,`

અર્પું વારસદાર તમ ચરણે;

કર્યો ૠણમુક્ત મુજ નારી અવતાર,

હવે સુખે સિધાવીશ સુનીલ તુજ પંથે.

(૯૮)

ઘર ઘર તોરણિયાં બંધાવો,

ઘર ઘર દીવડા પ્રગટાવો ;

રૂડો અવસર આવ્યો આજ આનંદનો,

વસંત પંચમીનો રે સાચે.

(૯૯)

અમારા પ્રેમના સાયુજ્યનો,

અમારા સંકલ્પ અને સિદ્ધિનો;

કરો પ્રેમપૂર્વક આ સ્વીકાર,

“સુધાનીલ" હૉસ્પિટલ સ્વરૂપે.

(૧૦૦)

વધાવી સ્વપ્ન સિદ્ધિ,

સર્વ વડીલ જનોએ;

સ્વસ્તિ વચનો થકી,

ને શુચિ શબ્દસૂરોએ...

(૧૦૧)

ૐ સ્વસ્તિ ન ઈંદ્રો વૃદ્ધ શ્રવાઃ

સ્વસ્તિ ન પૂષા, વિશ્વ વેદાઃ

સ્વસ્તિ ન સ્તારક્ષ્યો અરિષ્ટનેમિ;

સ્વસ્તિનો, બૃહસ્પિર્દધાતુ.

ॐ स्वस्ति न ईंद्रो वृध्ध श्रवाः

स्वस्ति न पूषा, विश्व वेदाः

स्वस्ति न स्तारक्ष्यो अरिष्टनेमि;

स्वस्तिनो, बृहर्दधातु

*****

પદ્યવાર્તાનું શીર્ષકઃ કુલદીપિકા.

વાર્તા લખ્યા તારીખઃ ૧૦-૦૮-૨૦૧૦.

લેખકઃ ઉમાકાન્ત વિ.મહેતા

પોસ્ટનું સરનામુઃ ૨૦, મીડો ડ્રાઈવ,

ટૉટૉવા એન જે. ૦૭૫૧૨.

ન્યુ જર્સી.( યુ એસ એ).

ફોન (૧) ૯૭૩ ૩૪૧ ૯૯૭૯

(૨) ૯૭૩ ૯૪૨ ૧૧૫૨

(વો) ૯૭૩ ૬૫૨ ૦૯૮૭

ઈ-મેલ આઈ ડીઃ< mehtaumakant@yahoo.com>