એક્ટર ભાગ ૨. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક્ટર ભાગ ૨.

એક્ટર.

ભાગ ૨

પ્રસ્તાવના:-

દોસ્તો, એક ઉમર પછી જિંદગી આપણી પાસેથી એક્ટિંગ કરાવવાનું શરુ કરી મુકે છે અને આપણે ખબર પણ નથી હોતી, એક્ટિંગ કરતા કરતા ક્યારેક અકળાઈ જઈએ છીએ! બાળપણ સુવાળું હોય છે કેમકે એ સમયમાં એક્ટિંગ અસ્થાને હોય છે. જેની પાસેથી જિંદગી એક્ટિંગ કરાવે છે એવા એક યુવાનની પ્રેમ કહાની લખવા પ્રયાસ કર્યો છે, આશા રાખું છું કે આપને ગમશે. આપના પ્રતિભાવ જરૂર આપશો.

- નીલેશ મુરાણી.

ભાગ ૨

આમ શૈલી ધીરે ધીરે એ સુનીલના સંપર્કમાં આવી સુનીલ સાથે પણ તેણીની દોસ્તી થઇ ગઈ હતી, એ બંનેને ક્યારે એક બીજાથી પ્રેમ થઇ ગયો અને ક્યારે શૈલીએ સુનીલને પ્રપોઝ કર્યું એ મને ખબર ન પડી, ધીરે ધીરે બધા ભેદ ખુલવા લાગ્યા હતા, હું પણ ધીરે ધીરે સ્વીકારતો થયો હતો. કદાચ એને પ્રપોઝ કરવામાં મને મારી ગરીબી આડી આવી, એ કડવી વાસ્તવિકતા સ્વીકારવી કેટલી કપરી હતી? સ્મશાનમાં બળતી ચિતામાં સુકા લાકડાની વચ્ચે પડેલા લીલા લાકડાથી પણ કપરી પરિસ્થિતિ હોય છે એ મેં શૈલીના પ્રેમમાં પડીને જાણ્યું.

એ ભૂતકાળના વિચારોમાં ડૂબેલો હતો અને માંડ એક જોકું આવ્યું હતું અને શૈલી મોટી ચીસ પાડી અને ઉઠી ગઈ મારા વિચારો માં વિક્ષેપ પડ્યો હું મારા વિચારોમાંથી બહાર આવ્યો અને જોયું તો શૈલી દરવાજો ખખડાવવા લાગી, મેં શૈલીનો હાથ પકડી ફરી બેડ ઉપર સુવડાવી શૈલીની આંખ જાણે શુષ્ક થઇ ગઈ હતી, તેણીની આંખોમાંથી જાણે આંસુ પણ ખૂટી પડ્યા હતા, હું બેડ પર બેસી ગયો, શૈલીનું માથું મારા ખોળામાં રાખી સુવડાવી, શૈલીના માથામાંથી કંપારી છૂટી રહી હતી.. એના માથા પર મારો હાથ ફરતા જાણે એને કોઈ શુકુન મળતું હોય એવા સ્પંદન મને મળી રહ્યા હતા, વેર વિખેર થયેલા શૈલીના વાળ અને મુરજાઇ ગયેલો ચહેરો, આંખોમાં કાળા કુંડાળા.

સુનીલ સાથે હું અભ્યાસ કરવા લંડન ગયેલો હતો, અને એ દરમિયાન મારી મુલાકાત શૈલી સાથે થઇ હતી..એ પહેલી મુલાકાતમા જ હું શૈલીના પ્રેમમાં પડી ગયો હતો, કદાજ એ મારો પહેલો પ્રેમ હતો, દુનિયાની શૈલી એવી પહેલી વ્યક્તિ હતી જેના માટે પહેલીવાર મારા દિલમાં ઘંટડી વાગી હતી. મારા ખોળામાં સુતેલી એ શૈલી ઘાયલ થઇ ચુકી હતી. દિલો જાનથી એ સુનીલને પ્રેમ કરતી, આજદિન સુધી હું શૈલીને મારા દિલમાં ભભૂકતી પ્રેમની આગ વિશે ન જણાવી શક્યો. ખેર એ વાતનો મને કોઈ અફસોસ ન હતો. હું સિંહ જેવો મારો દોસ્ત સુનીલ ગુમાવી બેઠો હતો. આ દુનિયામાં કુદરતે મને કોઈ ભાઈ નહોતો આપ્યો પણ એક સુનીલ જેવો દોસ્ત આપ્યો હતો એ પણ છીનવી લીધો. આમ હું ઈશ્વર કે અલ્લાહમાં ક્યારેય માનતો ન હતો પણ જે થોડો ઘણો વિશ્વાસ બચ્યો હતો એ પણ હું ગુમાવી બેઠો હતો. શૈલીનો એ હતપ્રત થયેલો ચહેરો જોઈ મને એ નખરાળી નટખટ શૈલી યાદ આવી જતી. કેટલી સુંદર લાગતી હતી જયારે એ પહેલીવાર મને રેસ્ટોરન્ટમાં મળવા આવી હતી, શૈલીને ખબર હતી હું ઇન્ડિયન છું. એટલે એ પ્રોપર ઇન્ડિયન અને કચ્છી બાંધણીની સાડી પહેરીને આવી હતી અને મેં પહેલી વાર

શૈલીને કહેવા હિંમત કરી હતી કે

“શૈલી તું જીન્સ અને ટોપ કરતા સાડીમાં વધારે સેક્સી લાગે છે.” આ સાંભળી અને માદક સ્માઈલ કરતા મને મારા ગાલ ઉપર ટપલી મારતા કહ્યું હતુકે.

“નોટી બોય,”

આમ વિચારોમાં અને વિચારોમાં સવારના સવાઆઠ વાગ્યાની સાથે મારા ઘરનો દરવાજે કોઈ આવ્યું હોય એવો અવાજ થયો., દરવાજો ખોલવા મેં હળવેથી શૈલીનું માથું ઓશિકા ઉપર મુક્યું અને દરવાજો ખોલ્યો, પોલીસની જીપ આવી મારા ઘરની સામે આવી ઉભી રહી અને ચાર પોલીસ કોન્સ્ટેબલ મારું કોલર પકડી મને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગયા, મને લોક-અપમાં બંધ કરી દીધો, મેં શું કર્યું છે? મારો શું વાંક છે? આવા મારા કોઈ પણ પ્રશ્નને સાંભળ્યા વગર મને લોક-અપમાં પૂરી દીધો હતો, મારું ગળું શુકાઈ રહ્ય હતું, હું શૈલી અને માની ચિંતામાં લોક-અપના એક ખૂણા માં ફસડાઈ પડ્યો. હવે મને અહીથી કોણ બહાર કાઢશે ? મોટાભાઈ ? મોટાભાઈ તો સુનીલની અંતિમવિધીમાં વ્યસ્ત હશે, મારે પણ જવાનું હતું.

પાંચ મિનીટ હું એ લોક-અપના ખૂણામાં પડ્યો રહ્યો અને એક ઇન્સ્પેકટર અને બે કોન્સ્ટેબલ લોક-અપ ખોલી અને અંદર આવ્યા, એક કોન્સ્ટેબલે મારું કોલર પકડ્યું અને કહ્યું,

“ સાચું બોલ સુનીલની હત્યા શા માટે કરી?”

“અરે સાહેબ સુનીલ મારો જીગરજાન દોસ્ત હતો, હું સુનીલની હત્યા કેમ કરું?”

“સાલા ખોટું બોલે છે?”

એમ કહેતા મારા ઉપર ડંડાઓનો વરસાદ કરી મુક્યો, મારી પીઠ ઉપર, હાથમાં અને સાથળ ઉપર, હું ચીસો પાડતો રહ્યો અને એ મારતો રહ્યો, સતત અડધો કલાક સુધી મને મારતો રહ્યો, હું પાણી પાણી કરતો રહ્યો અને એ મને મારતો રહ્યો, હું હોશ ખોઈ બેઠો હતો, હું બેહોશ થઈચુક્યો હતો મારી આંખમાં ધીરે ધીરે અંધારિયા આવતા હતા.

ચાર કલાક પછી મારી આંખ ખુલી હું હોશ માં આવ્યો લોક-અપની છત ઉપર બાજેલા ઝારા મને નજરે પડ્યા, ખૂણામાં પડેલા માટલા તરફ જવાની હિંમત કરી પણ પગ સુન થઇ ગયા હતા, હાથ પણ રબ્બર જેવા થઇ ગયા હતા, કોણીના ટેકે ઘસડાતો ઘસડાતો માટલા સુધી પહોંચ્યો અને માથું ઊંચું કરી માટલામાં નજર કરી.એક ઘૂંટડો પાણી મોમાં નાખ્યું, હતું અને ફરી એક કોન્સ્ટેબલ આવ્યો અને મને પોલીસ સ્ટેશનની બહાર ઉભેલી વાન તરફ લઇ ગયો, વાનની અંદર સળિયાની બારી સાથે મારા હાથમાં હાથકડી પહેરાવી દીધી અને બીજા ત્રણ કોન્સ્ટેબલ મારી સાથે વાનમાં પાછળ બેસી ગયા, તેઓ અંદરો અંદર કંઇક વાતો કરી રહ્યા હતા પણ મને કંઈ સંભળાતું ન હતું કોઈ સોર બકોર થતો અને મને જજ સાહેબના ઘરે લઇ જતા હોય એવું જણાયું,.

જજ સાહેબના બંગલા સામે ઉભો રાખી એક કોન્સ્ટેબલ જજ સાહેબની સામે કંઇક બોલી રહ્યો હતો, બીજો એક કોન્સ્ટેબલ મારું કોલર અને શર્ટ સરખું કરી શિસ્ત જાળવવા અને આંખ ખોલી ઉભો રહેવા કહી રહ્યો હતો, મર્ડર કેસની ચાર્જસીટ તૈયાર કરવાની અને ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરાવવાની વાત ચાલી રહી હતી એવું જણાયું. પાંચ મિનીટ મને ત્યાંજ ઉભો રાખ્યો એક વિધી પૂરી થઇ હોય એ રીતે મને ફરી વાનમાં બેસાડી હાથકડી લગાવી દીધી અને પોલીસ સ્ટેશને લઇ ગયા અને જોરદાર ધકો મારી અને લોક-અપમાં બંધ કરી દીધો, હું ફસડાઈને લોક-અપની સામેની દીવાલ સાથે અથડાઈ અને ફસડાઈ પડ્યો. શૈલી અને માની ચિંતા મને થવા લાગી મને છોડાવવા કેમ કોઈ હજુ સુધી ન આવ્યું ? સુનીલ સાથે આ ઘટના ક્યારે બની? કેવી રીતે બની? આ બધી વાતથી હું અજાણ હતો અને મને સુનીલની હત્યા માટે આરોપી બનાવી દેવાયો છે. હવે શું કરુ ?

હવે શું થશે ? એ વિચારોમાં અને વિચારોમાં હું એક ખૂણામાં ઢળી પડ્યો. એક ભૂતકાળ મારા દિમાગમાં આવી ગયું એ ભૂતકાળમાં હું સરી પડ્યો સુનીલ અને શૈલી સાથે લંડનમાં વિતાવેલ એ દિવસો મારા દિમાગમાં દોડવા લાગ્યા, છેલ્લો દિવસ હતો લંડનમાં એ મારો અને સુનીલનો શૈલી સાથે ..તે દિવસે ઊંડા વિચારોમાં ખોવાયેલા સુનીલના માથા પર ટપલી મારતા મેં પૂછ્યું હતું.

“શુ વિચારે છે સુનીલ?"

"કશુજ નહિ યાર આવતી કાલે ઇન્ડિયા માટે નીકળવાનું છે અને શૈલીને છોડીને જવાની ઈચ્છા નથી થતી"

“તો શું એ પાર્સલ તારે જોડે લેવું છે?, હજુ તું ઇન્ડિયા પહોંચીસ, ભાઈ ભાભીને સમજાવીશ, થોડો સમય તો રાહ જોવીજ રહી, અને શૈલી ઇન્ડિયા આવવાનીજ છે ને?, જો, મોટા ભાઈ તારી વાત ન માને તો હું સમજાવીશ તારા લગ્ન શૈલી સાથેજ થશે દોસ્ત."

ક્લેજા ઉપર પથ્થર રાખી એક એક્ટર ની જેમ કોઈ સ્ક્રીપ્ટ બોલવાની હોય તેમ આટલુંતો હું માંડ બોલી શક્યો, શૈલીને હું ખૂબ પસંદ કરતો પણ હું શૈલીને પ્રપોઝ કરું એ પહેલાં શૈલીએ સુનીલને પ્રપોઝ કરી દીધું હતું, અહીં હું મોડો પડ્યો હતો, પણ હું તેમાં પણ ખુશ હતો કે ખુશ થવાનો દંભ કરતો એ મને ખબર ન હતી, મને સુનિલથી બળતરા થતી, પણ મારા માટે સુનીલની મિત્રતાથી વધીને કૈંજ નથી, અને શૈલીએ સુનીલને પ્રપોઝ કર્યું હતું, બસ શૈલી સુનીલને ચાહતી હતી, એટલું કાફી હતું.

સુનીલની મદદથી જ હું અહી લંડન આવ્યો, અને તેની મદદથીજ હું ઉચ્ચ અભ્યાસ કરી શક્યો મારા માટે સુનીલની ખુશીથી વધીને કશુજ ન હતું, અને શૈલી પણ સુનીલને પસંદ કરતી, એટલે એ સ્વીકારવા સિવાય મારી પાસે કોઈ વિકલ્પ જ ન હતો, સુનીલ પણ શૈલીને દિલો જાનથી પ્રેમ કરતો.

અમારું પેકીંગ થઈ ગયું હતું, સુનીલને ઊંઘ નહોતી આવતી એ ફરી શૈલીના વિચારોમાં ખોવાયો, હું અને સુનીલ સાથેજ અભ્યાસ કરતા અને સાંજે એકજ રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી કરતા, સુનીલને નોકરી કરવાની કોઈ જરૂર ન હતી તો પણ એ પોતાના પગભર થવા માંગતો, આમને આમ સુનીલ સાથે ત્રણ વર્ષ કેમ વીતી ગયા ખબર પણ ન પડી, સવારે દસ વાગ્યે હિથ્રોથી ફ્લાઇટ પકડવાની હતી શૈલી સવારમાં આઠ વાગ્યે કાર લઇને આવી હતી.

રૂમમાં આવતાજ શૈલીએ કહ્યું,

"ઓયે હીરો ચાલ તૈયાર થઈ ગયો હોય તો"

“હું તો તૈયાર છું, આ તારો મજનું હજુ ખબર નહિ ક્યા વિચારોમાં ખોવાયેલ છે,” મેં કહ્યું.

શૈલી રડીને આવી હતી પણ તેણી હસવાનો દંભ વ્યવસ્થિત કરી રહી હતી, મેં પેકીંગ કરેલા બેગ કારની ડીક્કીમાં પટક્યા, શૈલી પણ નાની નાની બે ત્રણ બેગ અને લેપટોપ બેગ કારમાં રાખી, સુનીલ ગુમ-સુમ સોફા પર બેસી વિચારોમાં ખોવાયેલ દેખાયો, હું બહાર કાર પાસે ઉભો, શૈલી સુનિલ પાસે ગઈ, અને સુનીલના ખભા પર હાથ મૂક્યાની સાથે સુનીલ ઝટકા સાથે ઉભો થયો અને બંને એકબીજાને ભેટી પડ્યા, હું બારીમાંથી જોઈ રહ્યો, આ જોઈ મને ચચરી આવતું, ખૂબ બળતરા થતી, શૈલી બ્લેક કલરના શોર્ટ-સ્કર્ટ અને ગ્રે સ્લીવલેસ ટોપમાં આવેલી સુનીલના હાથ શૈલીની કમર પર, હોઠ શૈલી ના ગુલાબની પાંખડી જેવા હોઠ પર સળવળી રહ્યા, બન્ને એકબીજાના આંસુ સાફ કર્યા અને હું મારી અંદર ભભૂક્તિ આગ બુજાવી રહ્યો, મારુ મગજ અને દિલ સ્પ્લિટ થઇ રહ્યા હતા, શૈલી સુનીલની બાહોમાં હતી તે મારુ દિલ સ્વિકારવા રાજી ન હતું, મન દિલને ઢંઢોળી રહ્યું હતું, થોડીવારતો હું માંડ આ દ્રસ્ય જોઈ શકયો મેં મારું મોં ફેરવી લીધું, મારા અંદરથીં એકજ આવાજ આવતો.

"સુનીલ મારો દોસ્ત છે"

બસ આ અવાજ મારી અંદર ચાલતા ઘમાસાણને શાંત કરવા કાફી હતો, હું જેટલો બળતો એટલોજ અંદરથી રાજી પણ થતો કે હવે પછી આવી બળતરા નહીં કરવી પડે, સમય નીકળી જશે અને હું પણ મારા દિમાગમાંથી શૈલીને કાઢી મુકીશ. મને આકર્ષણ થયું હશે, તેણીનો લંબગોળ ગોરો ચહેરો અને ગુલાબી હોઠ, ઘાટીલું શરીર મને તેણી તરફ આકર્ષતું હશે પણ સુનીલ મારો દોસ્ત છે. મારાથી રહેવાયું નહી અને હું નોક કર્યા વગર અંદર જતો રહ્યો,

“ઓહ રોમિયો અને જુલિયેટ,,, હવે તમારો રોમાન્સ પૂરો થયો હોય તો નીકળીશું ?”

“હમમ..” સુનીલે રૂમાલથી આંખ સાફ કરતા કહ્યું,

“નીલ મારો સુનીલ ખુબ લાગણીશીલ છે, હવે સુનીલની જવાબદારી તારી, સુનીલને મારી યાદ ન આવવી જોઈએ” શૈલીએ મારી તરફ જોઈ કહ્યું.

“હા કોશિશ કરીશ પણ તારા જેવો રોમાન્સ હું તેની સાથે નહી કરી શકું” મેં હસતા હસતા કહ્યું,

શૈલી શરમાઈ બહાર નીકળી અને કારની ડ્રાઈવર સીટ પર બેસી ગઈ. રૂમમાં બધું ચેક કરી અને મેં પણ રૂમ લોક કર્યું.

ક્રમશ:- આવતા ગુરુવારે.

-નીલેશ મુરાણી.

મોબાઈલ:- ૯૯૦૪૫૧૦૯૯૯

ઈમેઈલ:- nileshmurani@gmail.com