૨૨ સિંગલ
ભાગ – ૧૪
“ભાઈ,ભાઈ.”
“બોલો,ભાઈ!! કેવું મઝામાં?”
“બસ, શાંતિ. કાલે મોટાભાઈના ઘરે અમદાવાદ જાવ છું.”
“ઓહો, કેમ અચાનક?”
“અચાનક જ હોય આપણું બધું. મમ્મી ની બહુ ઈચ્છા હતી એટલે પાપા માની ગયા અને આપણે તો કાયમના તૈયાર.”
“ભાઈને તો ખબર છે ને?”
“ના, રાત્રે કહીશું. અત્યારે તો એ જોબ પર હશે.”
“અરે મારા ભાઈ, આવું ના કરાય. એને ફોન કરીને કહી દે. આમ કોઈ પણ બેચલર્સ ના ઘર માં કીધા વગર પગ મુકીએ તો સરપ્રાઈઝ એની જગ્યા એ આપણે જ બની જઈએ. ખબર છે ને, બેચલર્સ કેવી રીતે રહેતા હોય!!! તે પણ કોલેજ હોસ્ટેલમાં રહીને જ પૂરી કરી છે. કોઈના પણ અગર મમ્મી-પપ્પા આવે તો આપણી કેવી હાલત થતી એ તને ખબર જ હશે!!?”
“હા તારી વાત તો સાચી જ છે.”
“હમમમ,,મારી સાથે પણ એકવાર એવું બની ચુક્યું છે.”
“કેમ લા, શું થયું હતું?”
“તને તો ખબર જ છે ને મને મારા પાપાના ફ્રેન્ડની છોકરી શ્રુતિ પર પહેલેથી જ ક્રશ છે. પહેલી વખત મેં એને મારા બારમાં ધોરણ ની એક્ઝામ ના અગલા દિવસે જોયી હતી. એ એના પાપા સાથે મને ‘All the best’ કહેવા આવી હતી. યાર, શું લાગતી હતી!! એકદમ નાજુક નમણી કન્યા. આવી કૂમળી છોકરીને જોઇને જ ભૂતકાળમાં કોઈ એ ‘બાર્બીડોલ’ નામ પડ્યું હશે. મારું તો એને જોતા જ દિલ આવી ગયું. બસ, એવું થતું કે હું આ વર્ષે ફેઈલ થઇ જાવ તો આવતા વર્ષે પણ એ વિશ કરવા આવશે.”
“હદ હોય લા કંઇક અવે!!!! પણ એ બધું છોડ, એ અત્યારે ક્યાં છે. કોઈ કોન્ટેક્ટ છે કે નહિ એની સાથે? નંબર હોય તો જરાક આ તરફ પણ આવવા દેજે.”
“અત્યારે એ કેનેડા માં છે અને તારા મારા માટે ઔકાત બહારની વાત છે એટલે એને તો તું ભૂલી જ જજે.”
“તો અત્યારે શું ‘ઝખ’ મારવા એની સ્ટોરી સંભળાવે છે?”
“બસ, એ દિવસે એ મળ્યા તે મળ્યા. પછી એકાદ વાર ફેમિલી ફંક્શનમાં મળ્યા હોઈશું. પણ છ એક મહિના પહેલા એનો ભાઈ કેનેડા થી આવતો હતો ત્યારે એને મુંબઈ એરપોર્ટ પર લેવા માટે એ એના મમ્મી-પપ્પા સાથે આવતી હતી. હવે મારી મમ્મી ને ખબર નહિ શું થયું તો મમ્મી પણ એમની સાથે ગાડીમાં બેસી ગઈ. ત્યાંથી એના ભાઈ ને રિસીવ કરીને પાછા ફરતી વખતે મારી મમ્મી એ મને ફોન કર્યો અને કીધું કે એ લોકો મારા રૂમ પર આવશે. છ કલાકની નોનસ્ટોપ મુસાફરી કરતા વાપીમાં વચ્ચે થોડોક રેસ્ટ કરી લેવાય અને સાથે જમી પણ લેવાય. આ વાત સાંભળીને શ્રુતિની ફેમિલી પણ માની ગઈ.
પણ ભાઈ અહિયાં મારી તો ફાટી ગઈ. હું મારા રૂમમાં જે ખુરશી પર બેઠો હતો ત્યાં જ ઉછળી પડ્યો. મારા રૂમની હાલત ત્યારે જાણે કોઈ જંગલ જેવી હતી અને હું એમાંનો ‘મોગલી’. અત્યાર સુધી તો બધા જ જીવજંતુઓ ને સાથે રાખીને રહ્યો હતો. વંદા, કરોળિયા એમનું કામ કરે. હું મારું કામ કરું. હવે આ સુખી પરિવારમાં બે કલાકમાં જ વાવાઝોડું આવાનું હતું.
મેં પહેલા તો મમ્મી ને સમજાવ્યા કે રૂમ પર આવવાની કોઈ જરૂર નથી. બહાર જ મળી લઈયે, ત્યાં જ જમી લઈશું. રૂમ પર આવશે તો ખોટું મોડું થશે. પણ માને એ મમ્મી થોડા!!! કહે કે તારો રૂમ જોવો છે, અને તને થોડો સામાન આપવો છે.
“છેલ્લે, મારે ઝૂકવું જ પડ્યું. મેં કીધું કે વાપી ની નજીક આવો એટલે ફોન કરો હું તમને લેવા આવીશ.”
હવે કહેતા તો કહી દીધું પણ બે કલાકમાં આખા રૂમને સાફ કેમ નો કરવાનો!!!! ક્યાંથી સ્ટાર્ટ કરું એ સમજ જ નહોતી પડતી. બારી-બારણાના પડદા છ મહિનાથી ખંખેર્યા પણ નહોતા. ગાદલામાં થી ધૂળ ના ગોટે-ગોટા નીકળતા હતા. કરોળિયાઓ એ તો જાણે હાઈ-વે જ બનાવ્યા હતા. મે મહિનો ચાલતો હતો પણ હજી કેલેન્ડર માર્ચ જ બતાવતું હતું. બે મહિના પહેલા ઉભરાયેલું દુધ હજી ચુલા નીચે ચાડી ખાતું હતું. મગજ બહેર મારી ગયું. ખાલી મમ્મી જ આવવાની હોત તો કઈ કરતે જ નહિ પણ સાથે શ્રુતિ પણ હતી એટલે કર્યે જ છુટકો, નહિ તો ઈજ્જતની લીલામી થઇ જાય.
પાંચ મિનીટ શાંતિ થી બેસીને ક્યાંથી સ્ટાર્ટ કરું, શું શું કરું એ વિચાર્યું અને છેલ્લે મોબાઈલમાં ‘ચક દે’ સોંગ ચાલુ કરીને એક હાથમાં સાવરણી અને બીજા હાથ માં સુપડી પકડીને કામ ચાલુ કર્યું. સૌથી પહેલા તો કરોળિયાઓ ના હાઈ-વે તોડ્યા. એક કરોળિયા એ તો વળતા હુમલા પેટે સીધો મારા ચશ્માં પર કુદ્યો. ઝાપટ મારવા જતા ચશ્મા ચાર ફૂટ દુર જઈને પડ્યા. એ તો સારા કર્મો નું ફળ કે તૂટ્યા નહિ. પછી પંખો સાફ કર્યો. ગાદલા ઝાટકી-ઝાટકીને તડકે મુક્યા. મહિનાઓથી નહોતી બદલેલી ચાદર બદલી. ઓશિકાનું કવર બદલી નાખ્યું. જે ખુરશી ઉપર આખો દિવસ બેસતો હતો એને જયારે ભીના કટકા થી સાફ કરી ત્યારે ખબર પડી કે એ કાળા કલર ની નહી આછા ગુલાબી રંગની છે. મને તો એમ જ કે દરરોજ ખુરસી પર બેસું જ છું પછી એને શું સાફ કરવાની જરૂર. પણ અહિયાં, ‘ન્હાયા પછી ટોવેલ થી શરીર લુછીયે તો ન્હાયા હોવા છતાં ટોવેલ કેમ ગંદો થાય’ એના જેવો વગર જવાબવાળો સવાલ આવી ગયો.
બંને ખુરશી, પલંગ બધું ઘસી ઘસીને સાફ કર્યું. પછી રસોડા નો વારો. પહેલી નજરે તો બધું ઓકે લાગ્યું પણ બીજી નજરે...... બેઝીન અને સિંક પર તો મેલ નો થપેડો બાઝ્યો હતો. વાસણ ઘસવાના સ્ક્રબ થી બધું સાફ કર્યું. સાલું, જો આટલું કોઈ દિવસ જિંદગીમાં પોતાના શરીર ને ઘસીને નાહ્યો હોત તો કોઈ હોલીવુડ એક્ટર ને ટક્કર અપાય એવો દેખાતો હોત.
બધા રૂમ માં કચરા પછી પોતા કરવાનું શરુ કર્યું. પહેલી વખત પોતા માર્યા તો કઈ લાગ્યું જ નહિ. બીજો હાથ ફેરવવો જ પડે એવું હતું એટલે ફરી પોતું મારવા ગયો ત્યાં ભીની ટાઈલ્સ પર પગ લપસ્યો. સાલું એવું વાગ્યું હતું કે આજે પણ યાદ કરતા દુખી આવે છે. બે મિનીટ સુધી તો ત્યાં જ બેસી રહ્યો. કળ વળી પછી ફરી સ્ટાર્ટ કર્યું.
રૂમમાં આટલી બધી ધાંધલ-ધમાલ જોઇને સામેવાળા ‘આન્ટી’ એ કાનાફૂસી સીધી મકાનમાલિકને કરી. મકાનમાલિક આવીને હું ક્યાંક રૂમ ખાલી તો નથી કરવાનો ને એનું પૂછવા લાગ્યા. એક તો એમ પણ સમય નહોતો અને એમાં ‘દુકાળમાં અધિક માસ’. મમ્મી આવે છે એમ કહ્યું ત્યારે એ પણ હસતા-હસતા જતા રહ્યા.
એકાદ કલાક પછી બે મિનીટ આરામ કરવા બેઠો. પંખો ફૂલ સ્પીડ પર કરીને નીચે જ લંબાવ્યું. આ રૂમ માં કદાચ પહેલી વખત નીચે બેસી કે સુઈ શકાય એવું શક્ય બન્યું હતું. બાકી તો ચાલવા જેટલી જગ્યાને જ દર બીજા-ત્રીજા દિવસે સાફ કરાતી, રૂમનો બાકીનો ભાગ તો એમ જ ધૂળિયો પડ્યો રહેતો. આંખ માંડ મીંચાઈ હશે ત્યાં મમ્મીનો ફોન આવ્યો કે એ લોકો અડધો કલાકમાં પહોંચી જશે. ફરી વીજળીક વેગે ઉભો થઈને કામે લાગ્યો. ટોઇલેટ ‘હાર્પિક’ થી સાફ કર્યું. પહેલા તો ‘હાર્પિક’ કઈ રીતે વાપરવું એ નહોતું આવડતું એટલે એનો વીડિઓ યુ-ટ્યુબ પર જોયો.
બાથરૂમ ની હાલત તો એના કરતા પણ ખરાબ હતી. શેમ્પુના પાઉંચ, સાબુ ના નાના-નાના ટુકડા, બધું પડ્યું હતું. બધું એક કાગળમાં ભેગું કર્યું અને બાથરૂમની ટાઈલ્સ પગેથી સાફ કરવા લાગ્યો. એટલી બધી ચીકણી-ચીકણી થઇ ગઈ હતી કે એક વાર તો પડતો બચ્યો. અડધી ટાંકી ખાલી કરી નાખી ત્યારે જઈને કઈ સાફ થયું હોય એમ લાગ્યું. આ બધું કરતા-કરતા પરસેવાથી રેબ-ઝેબ થઇ ગયો એટલે પહેરેલ કપડે જ નાહી મુક્યું. નાહીને વ્યવસ્થિત કપડા પેહરીને બહાર આવ્યો. હવે બસ મમ્મી ના ફોન આવવાની જ રાહ જોવાની છે. મેં આખા રૂમ માં એક નજર ફેરવી લીધી. થોડાક જ સમય માં હું કેટલી સારી યજમાનગીરી કરી શકું છું એ ખબર પડવાની હતી.
મારું બરાબરનું પાણી મપાય ગયું હતું. જયારે આ રૂમ માં રેહવા આવ્યો ત્યારે ય આટલો સારો રૂમ નહોતો જેટલો એ દિવસે દેખાતો હતો. એન્જીનીયરીંગ કરીને બીજું કઈ શીખ્યો કે નહિ એ તો નથી ખબર પણ ટેન્શન માં સારું કામ કરવાની આવડત આવી ગઈ. કહેવાય ને રેલો આવે ત્યારે જ કામ થાય બસ મારું આવું જ છે. એક જ ફોન અને બે કલાક નો સમય. આખો રૂમ ઉપરથી નીચે થઇ ગયો.
મમ્મી નો ફોન આવ્યો અને હું રૂમને લોક કરીને બહાર નિકળ્યો. અચાનક યાદ અવ્યું એટલે ફરી અંદર આવ્યો. શરીર પર છાંટવાનું ‘સેન્ટ’ આખા રૂમ માં ‘રૂમ ફ્રેશનર’ તરીકે મારી દીધું એટલે જયારે મમ્મી લોકોની એન્ટ્રી પડે ત્યારે મારો રૂમ મઘમઘતો હોય. બે હાથમાં પ્લાસ્ટીક ની કચરો ભરેલી થેલી લઈને બાઈક પર બેઠો. સામેં બેઠેલા આન્ટી આજે મારી ‘ફિલ્ડીંગ’ ભરતા હતા. મને આટલું કામ કરતા જોઇને ‘મૂછમાં ને મૂછ’ માં હસતા હતા. મનમાં તો ગુસ્સો આવ્યો પણ હમણાં એમનો ટાઇમ હતો એટલે કઈ પણ બોલ્યા વગર હું નિકળ્યો.
નક્કી કરેલી જગ્યા એ પહોચ્યો ત્યારે મમ્મી ત્યાં પહોંચી જ ગયા હતા. આવતા જ મમ્મી એ ટોન્ટ માર્યો “તું અહિયાં ને અહિયાથી પણ મોડો પડ્યો, અમે ક્યારના તારી રાહ જોઈએ છીએ.” મેં કઈ જવાબ ના આપ્યો. બધા ને જયશ્રીકૃષ્ણ અને શ્રુતિ ને “હાય” કર્યું. ડ્રાઈવર ને મારી બાઈક પાછળ આવાનું કહી હું ફરી બાઈક પર બેઠો અને કિક મારવા જાવ ત્યાં જ મમ્મી ગાડી માંથી ઉતરીને ફટાક દઈને બાઈક પર બેસી ગઈ. થોડું બેલેન્સ બગડ્યું પણ પડતા બચ્યા. હું જરાક તો ગુસ્સે થઇ ગયો પણ શ્રુતિને સામે જોઇને ગુસ્સો પી ગયો. મારા દીકરા ના બાઈક પર તો હું બેસું જ ને કહીને મમ્મી એ મને ચાલવાના પ્રતિક રૂપે પેટ પર એક ચીમટો ભર્યો.
રૂમ પર પહોચીને મેં રૂમ ખોલ્યો અને સ્વાગતમ!!!!! સામે જ બારી પર મારી લાલ કલરની અન્ડરવેર લટકાવેલી દેખાઈ. મને તો ફાળ પાડી. નાહીને ભીની અન્ડરવેર ત્યાં જ સૂકવવા મૂકી દીધી પછી જતી વખતે એને ઠેકાણે પડવાનું ભૂલી ગયો હતો. રૂમમાં ભાગીને કોઈનું ધ્યાન ત્યાં જાય એ પહેલા જ પડદો પડી દીધો. થોડીક ‘હાશ’ થઇ. બધા રૂમમાં આવ્યા. બધાની છીકાછીંક ચાલુ. છાંટેલા ‘સેન્ટ’ ની સ્મેલ બધાના નાકમાં જતી રહી. શ્રુતિ અને એના મમ્મી તરત પાછા બહાર જતા રહ્યા. મેં વીજળીવેગે તરત રૂમમાં જઈને બે અગરબત્તી કરીને આખા રૂમમા ફેરવી પછી બધાએ ગૃહપ્રવેશ કર્યો.
શ્રુતિ ની મમ્મી ચોખ્ખો રૂમ જોઇને ખુશ થઇ ગયા. હું પણ થોડોક ખુશ થયો. કેમ ના થાવ, બે કલાક ની મહેનત જો હતી! ત્યાં શ્રુતિ એ પાણી માંગ્યું. મને ફરી આંખે મોતિયા આવી ગયા. યાદ આવ્યું કે રૂમમાં તો માત્ર એ ક જ ગ્લાસ છે અને એ પણ હમણાં તો પોતું મારતી વખતે ઉપયોગમાં લીધો હતો એટલે ધોયા વગર નો ફીનાઈલ વાળો પડ્યો છે. મને તો હમેશા સીધુ બોટલ જ પીવાની આદત એટલે આ તો વિચાર્યું જ નહોતું. હવે પાંચ વ્યક્તિને પાણી કેમ નું આપવું?? તરત એન્જીનીયરીંગ દિમાગ લગાવ્યું. પેલો ગ્લાસ ફટાફટ ધોઈ નાખ્યો અને ફ્રીઝમાંથી ઠંડા પાણીનો બોટલ કાઢીને એ જ ગ્લાસ બોટલ ઉપર ઉંધો કરીને શ્રુતિને આપીને હું સીધો કીચન માં જતો રહ્યો એટલે કોઈ બીજો ગ્લાસ માંગે જ નહી. જો કે બધા એ એક જ ગ્લાસ માં પાણી પી લીધું.ચો, એક છેડો તો સચવાઈ ગયો!!!
મારા રૂમમાં આટલા બધા માણસો ની ચહલપહલ જોઇને આસપાસ ની આન્ટીઓ ઘરમાં ડોક્યા કરવા લાગી. કોઈકને તો એમ કે મને જોવા ‘છોકરીવાળા’ આવ્યા છે. એક પછી એક આન્ટી ડોક્યા કાઢતી હતી એટલે મેં ધીમે રહીને મમી ને બહાર જઈ એમની સાથે વાત કરી લેવા કહ્યું. મમ્મી એ એનાથી સારો વિચાર આપ્યો કે સીધા મકાનમાલિક ને જ મળી લવ તો ચાલે. મેં હામી ભણી ત્યાં મમ્મી એ ફરી મારો કચરો કરતો સવાલ પૂછ્યો “મકાન માલિક નું નામ શું છે?” હું ચુપ. એકદમ ચુપ. શ્રુતિ અને મમ્મી ની ચાર નજર મારી ઉપર. યાદ કરવાનો પ્રયત્ન કર્યો તો આન્ટી તો શું અંકલનું નામ પણ યાદ ના આવ્યું. મેં માથું ખંજવાળતા કીધું કે ખબર નહિ તો બધા જોર-જોર થી હસવા લાગ્યા. શ્રુતિ પણ!!
મકાનમાલિક આન્ટી સાથે વાત કરીને આવ્યા પછી મમ્મી મારા માટે લાવેલો સામાન કાઢતી હતી ત્યાં રૂમમાં અંધારું લાગતા મમ્મી એ શ્રુતિ ને પડદો ખોલી નાખવાનું કહ્યું. હું કઈ બિલવા જાવ એ પહેલા જ બધા એ સુપરમેનની લાલ કલર ની અન્ડરવેર ના દર્શન કરી લીધા. મેં દોડીને એ લઇ લીધી અને અંદરના રૂમ માં મારા બેગ માં સૌથી નીચે મૂકી આવ્યો. શ્રુતિ માટે તો આ અનુભવ જીંદગીભર ની શીખ રહી ગઈ હશે કે “કોઈના પણ ઘરનો પડદો ખોલતા પહેલા બે વાર વિચાર કરવો.”
કેમે કરીને આ લોકો જવાનું નામ જ નહોતા લેતા. મારી અને શ્રુતિ બંને ની મમ્મીઓ વાતે બેઠી. ઘડિયાળ પણ ધીમે ચાલતી હોય એવું લાગતું હતું. હજી કઈ બાકી હતું એમાં બાજુ વાળા આન્ટી એમના ધોયેલા કપડા સુકાવવા મારા રૂમની ગેલેરીમાં આવ્યા. એમણે પણ જાણે બહુ સંબંધ બતાવવો હોય એમ કોઈ દિવસ નહી ને આજે જ મને સ્માઈલ આપી. મારી મમ્મી તો આંખ કાઢીને મારી સામે જોયા કરતી હતી. હું નીચું મોઢું કરીને ફ્રીઝમાંથી બીજી ઠંડી પાણીની બોટલ કાઢીને શ્રુતિને આપી.
છેલ્લે લગભગ અડધો કલાક પછી બધા ઉભા થયા. મારા જીવમાં જીવ આવ્યો. એમને બહાર સુધી મૂકી આવીને હું રૂમમાં આડો પડ્યો. શ્રુતિ સાથે વાત કરવાની તો ઠીક આજ પછી એની સાથે આંખમાં અંખ મિલાવવાની હિંમત પણ હવે મારામાં નહોતી. ઈજ્જત ની તો લીલામી થઇ ગઈ હતી. સારું થયું, એ કેનેડા જતી રહી. અહિયાં હોત તો જેટલી વાર સામે આવતે મને આ જ વાત યાદ આવતે.”
વાત પૂરી કરીને હર્ષે જોયું તો ફોન તો ક્યારનો કટ થઇ ગયો હતો. હર્ષે ગુસ્સામાં ફરી ફ્રેન્ડને ફોન કર્યો.
“તને હજી હમણાં ખબર પડી? મેં ક્યારનો ય તે ફોન કટ કરી નાખ્યો. ભાઈ ને ફોન કરીને કહી પણ દીધું. કાલ ની જવાની તૈયારી પણ થઇ ગઈ.”
“સાલા,તો હું શું ક્યારનો એકલો એકલો બબડતો હતો?”
“હા, તો? કેટલુ બોલે છે લા? આટલું તો કોઈ છોકરી નહી બોલતી હોય. અને કોઈ સાથે ફોન પર વાત કરે તો સામેવાળા નો રિસ્પોન્સ તો ચેક કર. એ જાગે છે કે સુઈ ગયો કે ફોન કટ કરી નાખ્યો? તું તો નોનસ્ટોપ બોલે જ જાય છે. સાલા, એટલે જ તું સિંગલ છે. છોકરીઓને બોલવાવાળો નહિ સાંભળવાવાળો જોઈએ. ”
હર્ષ પણ આ સાંભળીને ચુપ થઇ ગયો. એના સિંગલ હોવાના કારણોમાં આ એક કારણ ઔર ઉમેરાઈ ગયું.