વિશેષ નોંધ:- આપનો મેઇલ મળ્યો. સ્પર્ધાના નિયમો નક્કી કરવામાં મહત્ત્વનો છે જ પરંતુ કેટલાક વ્યક્તિત્વો ઍવોડથી ઉપર હોય. બદલાની અપેક્ષા વિના, સમર્પણભાવે રાષ્ટ્રસેવામાં જીવન આપનારનું અને ભારતનું ગૌરવ વધારનારનું મૂલ્યાંકન ઍવોડથી ન થઈ શકે એવા બાબા રામદેવ અંગેનો લેખ મોકલું છું. આપને યોગ્ય લાગે તો સ્વીકારશો..
યોગગુરુ બાબા રામદેવ
બાબા રામદેવ જેમનું મૂળ નામ રામકિશન યાદવ છે. તેમનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૬૫ ના રોજ હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં થયો હતો. તેમના પિતાનું નામ રામનિવાસ યાદવ અને માતાનું નામ ગુલાબોદેવી હતું. ખેડૂત પિતાના પુત્રે નજીકના શહજાદપુર ગામની સરકારી શાળામાં ધોરણ ૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ ખાનપુર ગામના કાંગડા ગુરુકુળમાં આચાર્ય પ્રદ્યુમન અને બલદેવ પાસેથી સંસ્કૃત અને યોગનું શિક્ષણ મેળવ્યું. ઘણા વર્ષો સુધી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાનો અભ્યાસ કર્યો બાળપણમાં બાબા રામદેવ જોડે એવી ઘટના ઘટી કે તેઓ યોગ તરફ આકર્ષિત થયાં. કહેવાય છે કે બાબા જ્યારે નાના હતાં ત્યારે તેમના શરીરનો ડાબો હિસ્સો પક્ષાઘાતની અસર પામ્યો હતો અને ઉપચાર ફક્ત યોગ જ હતો. તેમને જણાવવામાં આવ્યું કે જો તેઓ યોગ કરશે તો તેમની બીમારી દૂર થશે. બાબા રામદેવે નિયમિત યોગ કર્યો અને થોડા સમય પછી તેમની પક્ષાઘાતની બીમારી દૂર થઈ ગઈ. યોગનો આ ચમત્કાર જાણી તેઓ યોગથી ખૂબ પ્રભાવિત થયાં. આથી તેમણે યોગનો અભ્યાસ કરવાનો નિર્ણય લીધો. આ તેમના જીવનનું એક મહત્ત્વનું પગલું હતું. તેમણે યુવાવસ્થામાં જ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો.
સ્વામી શંકરદેવે આચાર્ય રામદેવને સંન્યાસની દીક્ષા આપી. હવે આચાર્ય રામદેવ સ્વામી રામદેવ થયા. આથી ભારતીય જ્ઞાન પરંપરા અનુસાર જે સ્વયંનો સ્વામી બની જાય છે, જે પોતાને જાણતો થઈ જાય છે તે 'સ્વામી' કહેવાય છે. રામદેવે સ્વનો સાક્ષાત્કાર કરી લીધો હતો, પોતે કોણ છે? પોતે શું કરવા માગે છે? પોતાનામાં કેટલી શક્તિ છે? આ બધા પ્રશ્નોના જવાબ એમણે પોતાના અનુભવોથી મેળવી લીધા હતા. એટલે તેઓ સમાજમાં સૌ કોઈના માટે સ્વામી રામદેવના માનભર્યા સંબોધનને લાયક બની ગયાં હતા. ગુરુકુળના અભ્યાસ બાદ ઇ.સ. ૧૯૯૩માં યોગના ગહન અભ્યાસ માટે બાબા રામદેવ હિમાલય ગયાં. ત્યાં તેમણે તપસ્યા શરૂ કરી. હિમાલયમાં ઘણા સાધુઓ સાથે મુલાકાત કરી. આ સાધુઓ પાસેથી યોગનું શિક્ષણ મેળવ્યું. હિમાયયથી પાછા ફરતા બાબા રામદેવની મુલાકાત આચાર્ય બાલકૃષ્ણ સાથે થઈ. ઇ.સ. ૧૯૯૫માં હરદ્વારમાં દિવ્ય યોગ મંદિર સંસ્થાનની સ્થાપના કરી. જેનો હેતુ લોકોની વચ્ચે યોગનો પ્રચાર પસાર કરવાનો હતો. ધીમે ધીમે રામદેવ સાથે ઘણા લોકો જોડાયા. તેઓ શિબિરના માધ્યમથી સતત યોગનું શિક્ષણ આપતા રહ્યાં. આ જ સમયમાં ૨૦૦૩ માં બાબા રામદેવ સાથે આસ્થા ચૅનલ જોડાઈ. આસ્થા ચૅનલ બાબા રામદેવની યોગ શિબિરનું જીવંત પ્રસારણ ટીવી પર કરતી હતી જેનાથી યોગ ઘર ઘર સુધી પહોચ્યોં. આ એવો પહેલો મોકો હતો કે જેનાથી દેશના લોકોને યોગ વિશે જાણકારી પ્રાપ્ત થઈ. ગ્રામીણ ક્ષેત્રોમાં યોગ વિશે ઘણી ઓછી જાણકારી હતી. આસ્થા ચૅનલ પર આવતાં બાબા રામદેવનો યોગ લોકોએ શિખવાનું શરૂ કર્યુ. આ યોગના ક્ષેત્રની મોટી ક્રાંતિ હતી. પરિણામે આસ્થા ચૅનલ પ્રસિદ્ધ થઈ ગઈ.રામદેવના અનુયાયીઓની સંખ્યા વધતી જ જતી હતી. યોગ શિબિર લાખો લોકો દ્વારા ટીવી પર દેખાતી હતી. યોગનો પ્રચાર દેશ ઉપરાંત વિદેશોમાં પણ થવા લાગ્યો. યુ.કે.,યુ.એસ.એ. નેપાળ અને કેનેડામાં પણ થવા લાગ્યો. આ એ સમય હતો જ્યારે રામદેવ સાથે લાખો લોકો એકસાથે જોડાયાં પરિણામે ઞડપથી બાબા રામદેવ લોકપ્રિય થઈ ગયાં. ધીમે ધીમે બાબા રામદેવના અન્ય કાર્યક્રમ આસ્થા ઉપરાંત સહારા સમય, સહારા વન, સ્ટાર પ્લસ અને ઈન્ડિયા ટીવી જેવી બીજી ટીવી ચૅનલો પર પણ આવવા લાગ્યાં. બાબા રામદેવ કહે છે કે 'યોગ એવી શક્તિ છે કે જેનાથી પૂરો દેશ સ્વસ્થ બની શકે છે.' સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્રારા ૨૧ જૂન ૨૦૧૫ થી દર વર્ષે વિશ્વ યોગદિન ઉજવાય છે. વિશ્વ યોગદિનની ઉજવણીમાં બાબા રામદેવનો પ્રમુખ ફાળો હતો. યોગ અને આર્યુવેદનો અભ્યાસ ઉપરાંત સંશોધન કરવા માટે ૨૦૦૫ માં ઉત્તરાખંડના હરદ્વારમાં પતંજલિ યોગપીઠની સ્થાપના કરી. પતંજલિ યોગપીઠ હિન્દી અને અંગ્રેજી સાથે દેશની પ્રમુખ ભાષાઓમાં યોગ, આર્યુવેદ, સંસ્કાર, સંસ્કૃતિ અને ભજન પર આધારિત ઓડિયો-વિડીયો સામગ્રી જેવી કે ડી.વી.ડી., વી.સી.ડી., એમ.પી. થ્રી અને કેસેટોનું નિર્માણ અને વિતરણનું આયોજન કરે છે. સ્વામી રામદેવ દ્વારા જુદા જુદા રોગ માટે બતાવેલ યોગ, ઉપચાર અને ભજન પર આધારિત ભક્તિ ગીતાજંલી અને રાષ્ટ્રવંદનાની સીડી મુખ્ય છે. ભારતમાં પતંજલિના બે એકમો છે. પતંજલિ એકમ ૧ અને પતંજલિ એકમ ૨. યુ.એસ.એ., નેપાળ અને કેનેડામાં પણ પતંજલિ યોગપીઠની સ્થાપના થઈ હતી. બાબા રામદેવે આ સંસ્થાનુ નામ મહર્ષિ પતંજલિના નામ પરથી રાખ્યું. આ સંસ્થા ભારતની સૌથી મોટી યોગ સંસ્થા છે. ઋષિઓ, પ્રાચીન અને અત્યાધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિના સમન્વયથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત આર્યુવેદિક ઔષધિઓના નિર્માણ માટે વિશાળ દિવ્ય ફાર્મસીની સ્થાપના કરી. આ એકમ ISO ૯૦૦૧:૨૦૦૦, (ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઑરગેનાઈઝેશન) ISO ૯૦૦૧:૧૪૦૦૧:૧૮૦૦૧ GPP (ગાઝિયાબાદ પ્રેશિસન પ્રોડક્ટ) GLP (ગુડ લેબોરેટરી પ્રેકટીસ) WHO (વર્લ્ડ હેલ્થ ઓરગેનાઈઝેશન) દ્વારા પ્રમાણિત દેશનું મોટું આર્યુવેદિક ઔષધિઓનું નિર્માણ કરતું એકમ છે. આ સંસ્થામાં પતંજલિ યુનિવર્સિટી પણ આવેલી છે. પતંજલિ યોગપીઠ પૂરા ૨૦ એકરમાં ફેલાયેલી છે.
પતંજલિ આર્યુવેદ લિમિટેડ કંપનીની સ્થાપના ૨૦૦૬ માં બાબા રામદેવે કરી. આચાર્ય બાલકૃષ્ણ આ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર છે. કંપનીના નિર્દેશક મુક્તાનંદ છે. પતંજલિ આર્યુવેદ કંપનીનું ૨૦૧૬-૧૭નું ટર્નઓવર ૧૦૫૬૧ કરોડ હતું. પતંજલિ દ્રારા લાખો લોકોને રોજગારી મળે છે. પતંજલિ કંપનીનો વેપાર રોજ-બરોજ વધતો જ જાય છે. પતંજલિ પાસે હાલના સમયમાં ૪૦૦૦૦ વિતરક, ૧૦૦૦૦ સ્ટોર્સ, ૧૦૦ મેગા સ્ટોર અને રિટેલ સ્ટોર છે. જેમાં પતંજલિની બધી સામગ્રી ઉપલબ્ધ હોય છે. આ ઉપરાંત કંપની સરળતાથી લોકો સુધી પહોંચવા માટે બીજી મોટી દુકાનો અને નાના સ્ટોર્સમાં પણ સામાન આપવાનું શરૂ કર્યુ છે. પતંજલિ ઓનલાઇન પણ વસ્તુઓ વેચી રહી છે. પતંજલિ આજે ઘણી બધી વસ્તુઓનું ઉત્પાદન કરી રહી છે જેમાં મુખ્યત્વે દંતક્રાંતી ટુથપેસ્ટ, ઘી, મધ, ચ્યવનપ્રાશ, એલોવિરા જેલ, સાબુ, સરસોનું તેલ અને બિસ્કીટ છે. આ ઉપરાંત પણ પતંજલિ નવી નવી વસ્તુઓનું ઉત્પાદન પણ કરવા લાગી છે જે સારી ગુણવત્તા સાથે કિંમતમાં પણ ફાયદાકારક હોય છે. જ્યારથી પતંજલિએ પોતાની વસ્તુઓનું માર્કેટીંગ ટીવી પર કર્યુ ત્યારથી ટીવી પર આવતી જાહેરાતોથી પતંજલિને દરેક ઘરમાં ઓળખ મળી. પતંજલિની વસ્તુઓ વિશે લોકો જાણવા લાગ્યાં. પતંજલિના બ્રાન્ડ એમ્બેડેસર બાબા રામદેવ ખુદ પોતે જ છે. બાબા રામદેવ જાહેરાતોમાં નજરે આવે છે જે વસ્તુઓને અલગ જ ઓળખ આપે છે. દિવ્ય ફાર્મસીની આર્યુવેદ દવાઓ તો પહેલાંથી જ પ્રસિદ્ધ છે જેનો હજારો લોકોએ લાભ લીધો છે. પતંજલિ સામાનની ખાસ વાત એ છે કે 'પતંજલિ સંપૂર્ણ સ્વદેશી છે.' બાબા રામદેવ કહે છે કે સ્વદેશી સામાન ખરીદવાનો જ આગ્રહ રાખો. જેનાથી દેશનો પૈસો દેશમાં જ રહેશે અને દેશવાસીઓ આર્થિક અને સામાજીક રીતે મજબૂત બનશે. ટીવીના માધ્યમથી રાષ્ટ્રીય ચેનલ પર આવતા યોગના કાર્યક્રમોથી મોટા મોટા રોગોથી પણ છુટકારો થતો હતો અને બાબા રામદેવ ઘરે ઘરે લોકપ્રિય થયા. એટલે જ પતંજલિની વસ્તુઓ પર લોકોનો વિશ્વાસ વધ્યો. પતંજલીની સફળતામાં વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓની ટક્કર એક મોટી વાત છે. કારણ કે બજાર આ કંપનીઓ પહેલાંથી લઈ લીધું હતું પણ બાબા રામદેવે કંપનીઓ વિરુદ્ધ સ્વદેશી અભિયાન ચલાવ્યું. પતંજલિ ઉત્પાદનની ઓછી કિંમતે પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથેની સ્પર્ધામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. બાબા રામદેવનો ઉદ્દેશ લાભ કમાવાનો નથી કારણ કે રોગીયોથી લાભ કમાવો એ આર્યુવેદ દર્શનના નિયમની વિરુદ્ધ છે.પતંજલિનું મજબૂત વિતરણ, નેટવર્ક અને બ્રાંડ સ્ટ્રેટેજીનું પણ કંપનીની સફળતામાં યોગદાન છે. FMCG (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડસ) કંપનીઓમાં પતંજલી આર્યુવેદ ઝડપથી આગળ વધી રહી છે. યોગ વિશે સ્વામી રામદેવની આ એક વાત સૌ કોઈએ ધ્યાનમાં રાખવા જેવી છે કે યોગ દ્વારા ચમત્કારો કરવા, હવામાં ઉડવું કે પાણી પર ચાલવું એવા દાવાઓ અવારનવાર કેટલાક ઢોંગીઓ કરતા રહે છે. બાબા રામદેવ આ વિશે કહે છે કે મને યોગદર્શન કંઠસ્થ છે પણ મને પરકાયાપ્રવેશ, આકાશગમન, પાણી, અગ્નિ કે કાંટા પર ચાલવું, યોગ સાધનાની તાકાત પર અણિમા-મહિમા જેવી કોઈ સિદ્ધિઓ કરતાં કોઈ મહાપુરુષને મેં નથી જોયો. પ્રાચીન સમયમાં આવી સિદ્ધિઓ હતી. આને શોધવા માટે હિમાલય, તિબેટ અને બધી જગ્યાએ સતત યાત્રા કરી પણ આવો કોઈ સિદ્ધપુરુષ મને ના મળ્યો.
બાબા રામદેવે ભારતસ્વાભિમાન ટ્રસ્ટની સ્થાપના કરી. ૫ જાન્યુઆરી ૨૦૦૭ ના રોજ દિલ્લીમાં સંસ્થાની નોંધણી થઈ. સંસ્થાનો હેતુ ભ્રષ્ટાચાર, ગરીબી, ભૂખ અને અપરાધમૂક્ત ભારતનું નિર્માણ કરવાનો છે. સંસ્થાનું મુખ્ય લક્ષ્ય ૧૦૦% રાષ્ટ્રવાદી વિચાર, વિદેશી કંપનીઓનો ૧૦૦% ટકા બહિષ્કાર તથા ૧૦૦% એકીકરણ છે. આ ટ્રસ્ટ સ્વદેશી વસ્તુઓનો પ્રચાર અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરે છે. ભારતમાં યોગની શરૂઆત થઈ ચૂકી હતી. સદીઓ પહેલા જે પ્રકારે બુદ્ધે बुद्धम् शरणं गच्छामि નો મંત્ર લોકોને આપ્યો. તેવી જ રીતે યોગઋષિ રામદેવે योगम् शरणं गच्छामि નો મંત્ર આપ્યો. ભારતસ્વાભિમાનની શરૂઆત રાજીવ દિક્ષીત, ડો. જયદીપ આર્ય, રાકેશકુમાર અને સુમનબેને કરી હતી. સ્વામી રામદેવે રાજીવ દિક્ષીતને ભારતસ્વાભિમાન ટ્રસ્ટના સચિવ નિયુક્ત કર્યા હતા. રાજીવ દિક્ષીતે કાળું ધન પાછું લાવો આંદોલન તેમજ ભ્રષ્ટાચાર મુક્ત ભારત માટે ઘણી મહેનત કરી હતી. ભારતસ્વાભિમાન ટ્રસ્ટે દેશના બધા શહેરો અને ગામડાઓમાં બાબા રામદેવનો યોગ પહોંચાડ્યો અને કરોડો લોકોને યોગ સાથે જોડવાનું કામ કર્યુ. દરેક જિલ્લામાં યુવા, શિક્ષક, ચિકિત્સક અને શ્રમિકોનું સંગઠન બનાવ્યું. ટ્રસ્ટના આ એકમો ભારત દેશની વ્યવસ્થા પરિવર્તનમાં પોતાનું યોગદાન આપે છે. આ ટ્રસ્ટે ચૂંટણીમાં વધુ મતદાન માટે લોકો જાગૃત થાય તેવા કાર્યક્રમ કર્યા છે. આ ટ્રસ્ટ પ્રશિક્ષણ આપી ફક્ત ઈમાનદાર, બહાદુર, દૂરદર્શી અને કુશળ લોકો માટે મતદાન કરાવે છે.૧૦૦% મતદાન કરવું અને બીજાને પણ મતદાન કરવા પ્રોત્સાહન આપવું. સ્વદેશી વસ્તુઓના પ્રચાર માટે ટ્રસ્ટે પતંજલિના માધ્યમથી એક વિકલ્પ પણ આપ્યો. ભારત સ્વાભિમાન ટ્રસ્ટ રાષ્ટ્રની શક્તિનું એકીકરણ કરી, પ્રચાર કરી ભારતને દુનિયાની સૌથી મોટી મહાસત્તા બનાવવા માટે પ્રયત્નશીલ છે. હાલની ભારત સરકારના AYUSH આર્યુવેદિક, યોગ, યુનાની, સિદ્ધા, હોમીયોપથી વિભાગના કેન્દ્રિય મંત્રી શ્રીપાદ નાઈક ભારત સ્વાભીમાનટ્રસ્ટના સભ્ય હતાં. સ્વતંત્રતા પછી પણ દેશમાં ગરીબી, ભૂખ, બેરોજગારી, શોષણ, અત્યાચાર, રાજનેતા અને નોકરશાહીનો એકબીજા પરનો આરોપ-પ્રતિઆરોપ અને વધતી જતી વસ્તી પર પોતાનુ નિષ્ફળતાનું ઠીકરું ફોડતા હતા. ધીમેધીમે એક નવો વિચાર આવ્યો કે સ્વતંત્રતાનું સ્વરૂપ સૌના જીવન સાથે જોડાયેલું છે. રાજનેતાઓ પર વિશ્વાસ કોઈને હોતો નથી. આ પ્રશ્નનું સમાધાન કોઈ સંન્યાસી, ફકીર, બાબા કે ફક્ત ઋષિમુનિ જ કરી શકે છે. ઇશ્વરની પ્રેરણાથી પૂર્ણત: નિ:સ્વાર્થ, ભારતમાતાને પૂર્ણ સમર્પિત અને સત્યમાં અતૂટ વિશ્વાસ રાખનાર બાબા રામદેવના આગમનથી લોકોની આશા પૂરી થઈ. યોગ ક્રાંતિ, વ્યક્તિગત ક્રાંતિ, સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, ગ્રામીણ ક્રાંતિ અને માનવિય ક્રાંતિ કરવા અસાધ્ય પુરુષાર્થ કરવાની જરૂર પડે. બાબા રામદેવનું વ્યકિતત્વ આ મુશ્કેલ કાર્ય કરવા અને સફળ બનાવવા બધી જ રીતે યોગ્યતા ધરાવે છે. પાક્કો સંકલ્પ, દર્ઢ ઇચ્છાશક્તિ, સ્પષ્ટ વિચાર, વિશાળ સંગઠનાત્મક કૌશલ્ય, અતૂટ નિષ્ઠા, પ્રચંડ આત્મવિશ્વાસ, સતત ૧૮ કલાક કામ કરવાની ક્ષમતા, હકારાત્મક દ્રષ્ટિકોણ, ધૈર્ય, ઉત્સાહ, પવિત્ર અને સાદું જીવન બાબાની વિશેષતા છે. આવા ગુણોને ધારણ કરવાવાળા બાબા રામદેવ એક સિદ્ધપુરુષ, ભવિષ્યદ્રષ્ટા, મહાજ્ઞાની દેશપ્રેમથી ભરપુર, સ્વાસ્થ્યવર્ધક, દેશદ્રોહીઓને પછાડનારા, બહુરાષ્ટ્રીય કંપનીઓને ટક્કર આપવાવાળા અને સ્વદેશીના પ્રખર સમર્થક બાબા રામદેવમાં સ્વામી વિવેકાનંદની ઝલક દેખાઈ આવે છે. તેમની પારદર્શિતા, નમ્રતા, સેવા, આત્મસમર્પણ, ધ્યાન અને ઇશ્વર પ્રત્યે સમર્પણભાવ તેમની વિશેષતાઓ છે. યોગ, આર્યુવેદ, સંસ્કૃતિ, સંસ્કાર અને અધ્યાત્મિક જ્ઞાન આપતું 'યોગ સંદેશ' માસિકનું પ્રકાશન ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, બંગાળી, ઓડિયા, અસમી, નેપાળી, કન્નડ અને તેલુગ ભાષામાં પ્રકાશિત થાય છે. દેશ-વિદેશમાં પ્રતિમહિને યોગ સંદેશના દસ લાખ ગ્રાહકો છે. ભારતમાં યોગક્રાંતિ પછી કૃષિક્રાંતિના ઉદ્દેશ સાથે પદાર્થા ગામમાં ભારત સરકારના ખાદ્ય સંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી વિશ્વનો સૌથી મોટો ફૂડ અને હર્બલ પાર્ક નિર્માણ કરવામાં આવ્યો. ૫૦૦ કરોડ રૂપિયાની મૂડીવાળા આ એકમ માટે કાચો માલ પતંજલિની જૈવિકખેતી પદ્ધતિમાંથી મળે છે. આ ઉપરાંત બાબા રામદેવ ગામમાં જૈવિકખેતી કરવાની પદ્ધતિ પણ શિખવાડી છે. ૧૫૦૦૦ થી વધારે લોકો પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે રોજગારી મેળવી રહ્યાં છે. ભ્રષ્ટાચારના વિરુદ્ધ અને કાળું નાણું પાછું લાવવા માટે બાબા રામદેવે ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૧ ના રોજ રામલીલા મેદાનમાં જાહેરસભા કરી. ૪ જૂન ૨૦૧૧ ના રોજ દિલ્લીના રામલીલા મેદાનમાં ઉપવાસની સાથે સત્યાગ્રહની ઘોષણા કરી. દેશમાં સત્ય, ન્યાય, નીતિ પ્રમાણે શાસન ચાલવું જોઈએ, ટૂંકમાં રામરાજ્ય હોવું જોઈએ. ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીમાં યોગઋષિ રામદેવે રાજર્ષિની ભૂમિકા ભજવવી પડી હતી, તે તેમણે ખૂબ સારી રીતે ભજવી હતી.
આર્યુવેદિક દવામાં પ્રાણીઓના હાડકાનો ભૂકો વાપરવામાં આવે છે એવો ખોટો આરોપ ભારતીય સામ્યવાદી પક્ષના અગ્રણી પ્રકાશ કરાતનાં પત્ની બ્રિંદા કરાતે ખૂબ જ મોટા હોબાળા સાથે ઉઠાવ્યો કે એટલો સમય તો બધા જ થોડા સમય માટે સ્તબ્ધ થઈ ગયાં બ્રિંદાના બહેન રાધિકા રૉય એનડીટીવીના સ્થાપક અને માલિક પ્રણવ રૉયના પત્ની થાય. એમની ચૅનલે બાબાને બદનામ કરવાની આગેવાની લીધી હતી. આ ઉપરાંત આર્થિક અને ક્રિમિનલ બાબતોની અનેક ફરિયાદો સ્વામી રામદેવ, એમના સાથીઓ તેમજ એમની સંસ્થાઓ વિરુદ્ધ થતી રહી. આજે પણ ક્યાંક ક્યાંકથી એમની પ્રોડક્ટ વિશે કોઈ વેસ્ટેડ ઈન્ટરેસ્ટ દ્વારા આવી હેરાનગતી થતી જ રહે છે. સ્વામી રામદેવે આ બધું પાર્ટ ઓફ ધ ગેમ તરીકે સ્વીકારી લીધું છે.તમે મોટા માણસ બનો એટલે લોકોની આંખમાં કણાની જેમ ખૂંચતા હશો, તેટલી વધુ વિઘ્ન પ્રવૃત્તિઓ તમારી સાથે થવાની. સ્વામી રામદેવ આવી સેંકડો આપત્તિઓ વચ્ચે અડીખમ રહ્યાં તે પોતાની તાકાતને કારણે. સેંકડો પોલિસ કેસ, કોર્ટ કેસ, પૂછતાછ વગેરેની અગ્નિપરીક્ષામાં તેઓ ૧૦૦% શુદ્ધ સોના સ્વરૂપે બહાર આવ્યાં. આજે પતંજલિનું ટર્નઓવર વર્ષે હજારો કરોડનું હોય છે તે કંઈ હાલની ભાજપ સરકાર કારણે નથી. આ સરકારને તો હજુ ૪ વર્ષ જ થયાં છે. બાબાએ ખરી પ્રગતિ તો કપરી પરિસ્થિતિમાં જ કરી છે. કૉગ્રેંસની સરકાર તેમની પાછળ હાથ ધોઈને પડી હતી. છતાં આટલી પ્રગતિ એમણે કરી. પતંજલી કંપની ઉત્તરોત્તર સફળતાના શિખરે ઝડપથી આગળ વધતી ભારતની સૌથી મોટી કંપની બનવા અગ્રેસર છે પણ પતંજલિને આ સફળતા રાતોરાત નથી મળી. આની પાછળ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની ઘણા વર્ષોની સખત મહેનત, વિશ્વાસ અને ઇચ્છાશક્તિનું પરિણામ છે. એક સમય એવો પણ હતો કે દિવ્ય ફાર્મસીની સ્થાપના વખતે નોંઘણી કરવા માટે પૂરતા પૈસા ન હતા. ૧૯૯૫ થી ૧૯૯૮ સુધી બાબા રામદેવ મફતમાં દવાઓ આપતાં હતા. તેઓ પોતે જ કાચો માલ ખરીદતા અને તેને વાટીને દવા તૈયાર કરતાં હતા. બાબા રામદેવે દેશમાં યોગ અને આર્યુવેદનો પ્રચાર કર્યો જેના કારણે આર્યુવેદિક દવાઓ પ્રત્યે લોકોની ઇચ્છા જાગી અને વિશ્વાસ વધ્યો.
બેરહામપુર વિશ્વવિદ્યાલય દ્ધારા ડૉક્ટરેટની માનદ્ પદવી અપાઈ. ઈન્ડિયા ટુડે સામયિક દ્વારા સતત બે વર્ષ સુધી તથા દેશના અન્ય પ્રમુખ સામયિકો દ્વારા રામદેવને દેશના સૌથી ઉંચા, અસરકારક અને શક્તિશાળી ૫૦ લોકોમાં સામેલ થયા. ASSOCHAM ( ધ એસોસિટેડે ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ઓફ ઈન્ડિયા) દ્વારા ૫મી ગ્લોબલ નોલેજ મિલેનિયમ સમિટમાં સન્માન સહિત દેશ-વિદેશની અનેક સરકારો અને સંસ્થાઓના પ્રતિષ્ઠિત સમ્માન મળ્યાં છે. રાષ્ટ્રીય સંસ્કૃત વિશ્વવિદ્યાલય, તિરૂપતી, આંધ્રપ્રદેશ દ્વારા સ્વામીજીને મહામહોપાધ્યાયની માનદ પદવી આપવામાં આવી. ગ્રાફિક એરા વિશ્વવિદ્યાલય દ્વારા રામદેવને ઑનરેરી ડોક્ટરેટની પદવી આપવામાં આવી. એમિટી યુનિવર્સિટી, નોઈડાએ માર્ચ , ૨૦૧૦ મે ડી.એસ.સી ઑનર્સની પદવી આપી. ડી. વાય. પાટિલ યુનિવર્સિટી દ્વારા એપ્રિલ ૨૦૧૦ માં યોગમાં ડી.એસ.સી. ઑનર્સની પદવી આપવામાં આવી. જાન્યુઆરી ૨૦૧૧ માં મહારાષ્ટ્રના રાજ્યપાલ કે. શંકરનારાયણ દ્વારા ચન્દ્રશેખરાનંદ સરસ્વતી પારિતોષિક આપવામાં આવ્યું.બાબા રામદેવ યોગગુરુ તરીકે પણ ઓળખાય છે. કરોડોનું સામ્રાજ્ય ધરાવતી પતંજલિ કંપનીની માલિકી બાબા રામદેવની નથી. ટ્રસ્ટ અને આચાર્ય બાલકૃષ્ણના નામે છે. સ્વામી રામદેવના શબ્દોમાં કહીએ તો સફળતાનું રહસ્ય વિકલ્પ રહિત સંકલ્પ, અખંડ અને પ્રચંડ પુરુષાર્થ છે. આને જ કહેવાય સાચો સંન્યાસી, સમાજથી અલગ થઈને નહિ પણ સમાજની સાથે રહીને સમાજના ઉત્કૃષ્ટ વિકાસ માટે કામ કરતો યોગી
જિજ્ઞેશ વાઘેલા
મો. ૯૦૩૩૫૮૦૧૩૨
ઇ-મેઇલ jrvaghela18@gmail.com