Na kahevayeli vaat - 8 books and stories free download online pdf in Gujarati

ન કહેવાયેલી વાત ભા.8

ન કહેવાયેલી વાત

ભા - 8

  • (આ એક એવી પ્રેમકહાની છે, જે બે ધારી તલવારની જેમ બે પેઢીને, બે (ભૂત અને વર્તમાન) કાળને, બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં 'પર્ફેફ્ટ પત્ની અને મોમ ' નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. ન કહેવાયેલી વાત ' નવલિકાની શરૂઆત ' દર્દ ન જાને કોઈ ' ભા.1થી થઈ છે. ડાયરીના પાનામાં મારી(નેહાની) કિશોરાવસ્થાનો પ્રેમપ્રસંગ ત્યારે જ્ઞાતિભેદને કારણે લોહીના ડાધ મૂકી જાય છે, હવે અમેરિકામાં રંગદ્વેષ ને કારણે.' મારા દીકરાને એની શ્યામ ગર્લફ્રેન્ડને કારણે પીટાઈ થઈ, હું એને પડખે રહીશ, કોણે કર્યું ? કેમ કર્યું? તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ.' ' ન કહેવાયેલી વાત ભા.2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે, ક્રોધ ઊપજાવે, અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી. હું મારા સુખી કુટુંબમાં આગનું કારણ બની ..' ન કહેવાયેલી વાતનો ભાગ -8' વાંચી રીવ્યુસ આપી આભારી કરશો.)
  • ***

    નીલે દીકરાને કહ્યુ:

    'તું કાર લોક કરીને બેસ,હું સ્કૂલની ઓફિસમાં પ્રિન્સિપાલને મળી આવું પછી તું તારા ક્લાસમાં જજે'

    નિનાદ પાપાનું માન રાખવા ફોન હાથમાં રાખી બેસી રહ્યો.

    પ્રિન્સપાલને મળી નીલ પાછો વળ્યો ત્યારે દીકરો કારમાંથી ગુમ થઈ ગયો !!

    ' દસ મિનિટ રાહ ન જોવાય ' નીલનું માથું તપતું હતું તેમાં કૂદતી ઊછળતી, ઊંચી શ્યામ છોકરી દોડતી આવી, લાગ્યું કે તે નીલને જાણતી હતી.

    તેણે પૂછ્યું :

    'વેર ઇઝ નિનાડ ?' નીલને ઓળખાણ ન પડી.

    'આઈ નો યુ આર હીસ ફાધર '

    'તું કોણ ?'

    'આઈ એમ નેન્સી ' કહી તેણે તેણે તેનો શ્યામ મજબૂત હાથ લંબાવ્યો.

    'ઓહ નાન્સી.નીલ પહેલી વાર તેને મળ્યો.

    'હું નિનાદને શોધું છું ' નીલે ચિંતા કરતા કહ્યું.

    નાન્સીએ એનો ફોન જોયો નિનાદનો મેસેજ નહોતો. નીલે ફોન પર મેસેજ જોયા પણ તે નેહાના હતા.

    એ રઘવાયો થયો : 'વેર ઇઝ હી?'

    'આટલામાં જ હશે.' નાન્સી ચારેકોર નજર ફેરવતી હતી.

    નીલને અશુભ વિચારોનો વંટોળિયો ઘેરી વળ્યો પણ સામે ઊભેલી છોકરી નિચિંત હતી.

    ' અહીંના જુવાનોનું આ જ દુઃખ,બસ બિન્દાસ રહેવાનું ! ગઈ કાલે તો પીટાઈ થઈ પણ જરા ય સાવચેતી નહિ.' નીલ મનમાં ચિડાતો હતો.

    નીલ :' વેર ઇઝ સિક્યોરિટી ગાર્ડ?' કરતો સ્કૂલના ગેટ તરફ દોડ્યો.

    'વેટ પ્લીઝ, હી મે બી ઈન લોકર રૂમ ' નેન્સીએ કહ્યું.

    નીલ દોડાદોડી કરતો હતો તે દરમ્યાન હાથમાં રેકેટ લઈને દોડતો નિનાદ દેખાયો.

    ' ડેડી બાય ' નાન્સી અને નિનાદ ટેનિસ કોર્ટ તરફ ગયા.

    નીલનો શ્વાસ હજી જોરમાં ચાલતો હતો.

    તે દીકરાની બાબતમાં શું કરવું જોઈએ તેની દ્વિધામાં ફસાયો હતો. તેણે ગુસ્સામાં નેહાને ફોનમાં પોતે ક્યાં જાય છે? ક્યારે ધેર પાછો જશે ? ના અધ્ધરતાલ જવાબ આપી ફોન કાપી નાંખ્યો હતો પણ આ પળે તેને સંતાનની ચિંતામાં પત્ની જ યાદ આવતી હતી. તેણે ફોન માટે ખિસ્સામાં હાથ નાંખ્યો તો ન કહેવાયેલી વાતનો પત્ર વીંછી જેવો ડનખ્યો. ખિસ્સામાંથી ઝાટકા સાથે હાથ બહાર આવી ગયો… તેના દાઝી ગયેલા અહંમની પીડા જરા ય ઓછી થઈ નહોતી.

    નીલની કાર સ્કૂલના પાર્કીગમાંથી રોડ પર આવી પણ હજુ દીકરાને એકલો મૂકી જતા તેનું દિલ પાછું પડતું હતું.

    તેનું મન કહેતું હતું નિનાદનું નાન્સી સાથે હળવું મળવું ભવિષ્યમાં કોઈ મોટી આપત્તિને નોતરું આપવા જેવું છે. આજે પોલીસ ઓફિસરે પણ છોકરીથી દૂર રહેવાનું સૂચન કર્યું હતું બીજી તરફ પ્રિન્સિપાલના કહેવા મુજબ ચિંતા કરવા જેવું નથી.

    નાન્સીનું કુટુંબ શિકાગોના 'ગ્લેન વ્યૂ' જેવા સારા વિસ્તારમાં રહે છે. તેમનું પોતાનું ઘર પહેલાં ત્યાં જ હતું. નાન્સીની મા લોયર રાખી એના એક્સ હસબન્ડનો પ્રશ્ન હલ કરશે.

    પ્રિન્સિપાલે તેના કુટુંબની વાત કરેલી કે નાન્સીની માના લગ્ન કેન્યામાં થયેલા પછી પતિના ત્રાસથી કંટાળી નાની બાળકીને લઈને કોઈ કેનેડિયન કુટુંબની 'બેબીસિટર 'તરીકે પહેલાં ટૉરન્ટો ગયેલી ત્યાંથી રોબર્ટ નામના યુવાન સાથે ફરી લગ્ન કરી શિકાગોમાં આવી સ્થાયી થઈ છે. ' સનરાઈઝ ' નામના નર્સીંગહોમમાં દસ વર્ષથી નર્સ છે.

    પ્રિન્સિપાલ નાન્સીની મા જૂલિયાને સારી રીતે

    ઓળખે છે કારણ કે ગ્લેન વ્યુ વિસ્તારમાં એમનું જૂનું ઘર જૂલિયાએ પાંચ વર્ષ પહેલાં ખરીદ્યું હતું.

    નીલની કાર તેની ઓફિસ જવાની આદતને વશ શિકાગોના બિઝનેસ વિસ્તારની એક્ઝિટ લઈ ડાઉનટાઉન તરફ વળી. ઊંચા બહુમાળી બિલ્ડીગોની વચ્ચેના એકમાં વીસમા માળે તેની 'મોર્ગન સ્ટેનલીની ' ઓફિસ હતી.

    શિકાગોના આકાશચીરતા 50 થી 110 માળના ઊંચા આલિશાન બિલ્ડીગોનો મનમોહક નજારો જોતા નીલ ક્યારેય થાકતો નહીં. આવા ગગનચુંબી ઇમારતોની હારમાળા જે સ્કાયલાઈન તરીકે મશહૂર છે. રજાના દિવસે તેનાં સંતાનો અચૂક સિટીમાં ફરવા લઈ જવાની જીદ કરે. વિલ્સ ટાવર જે પ્રથમ સીયર્સ ટાવર તરીકે ઓળખાતું હતું તેના છેલ્લા માળે જઈ શહેરના દશ્યો જોવામાં આજે પણ તે બાળક બની જતો.તેને ઓફિસમાં છુટ્ટી હતી. પણ આવડા મોટા શહેરમાં સાવ એકલો ઊંચાઊંચા બિલ્ડીગો વચ્ચે આમતેમ કારમાં ચકરડીઓ મારતો હતો ક્યાંય પાર્ક કરી બેસવાનું મન થતું નથી. ધરતીનો છેડો ઘર 'હાશ ' કરી બેકયાર્ડની ખુરશીમાં જઈ બેસે પણ આજે ઘરની દિશામાં તે જઈ શકતો નથી. નેહાથી દૂ… .. ક્યાંક જવું હતું.

    બિઝનેસ ટૂર પછી તેને રજા મળતી એટલે તે અને નેહા બેકયાર્ડના પોર્ચની ખુરશીમાં એકમેકને અઢેલીને બેઠાં હોય! નીલને માટે પત્ની સાથેની 'લન્ચ ડૅટ '.નેહા સરકીને રસોડામાં જાય ને તે રસોડામાંથી આવતી લીમડો અને મરચાના વધારની સોડમને માણવામાં લીન હોય! ત્યાં નેહાનો 'નીલ ' ટહૂકો સંભળાય. તે તૈયાર થયેલા ધમધમાટ ઉપમા માટે ડીશો લેવા નેહાની પીઠ પાછળ ઊભો રહે. નેહાના ખભા સુધીના સુંવાળા મુક્ત વાળમાંથી આવતી શેમ્પુની સુગંધ તેને લલચાવે ! નેહા તેના હાથની કેદમાંથી છૂટવા 'અરે, આ ચા ઢોળાઈ જ શે ' કહી ચાના પ્યાલા અને કીટલી લઈ પોર્ચમાં જતી રહે.

    આજે ઘરથી --નેહાથી દૂર ક્યાંક જવા તડપતો હતો. તેની કિશોરાવસ્થામાં તે ઘરથી હંમેશા આઘો ને આઘો જ રહેતો.તેની મમ્મીના બદલાતા મૂડ તે જોઈ શકતો નહિ ઘડીક વ્હાલથી ચૂમીઓ કરી હસે ને પછી ચાર કલાક રૂમ બન્ધ કરી રડતી હોય. સ્ટોક માર્કેટમાં કામ કરતા તેના પિતા માટે ઘર અને દીકરાનું ધ્યાન રાખવું કઠિન થઈ જતું. વિચારમાં ખોવાયેલો તે

    લેક મિશિગનની પાળીએ આવી થોભ્યો. જાહેરમાં એકાંત માણવાની જગ્યા. ....મિશિગન તળાવના કાઠા પર જાતજાતની હોડીઓ લાંગરેલી હતી.પ્રવાસીઓ માટે ફેરી સર્વિસ ચાલુ હતી. કહેવાય મિશિગન લેક પણ વિસ્તાર સાગરની યાદ અપાવે.ઇલિનોઝ અને બીજા સાતેક રાજ્યો સાથે જોડાયેલું આ તળાવ તેના નીલા-ભૂરા શાંત જળના હળવે હળવે ઊછળતા લયસ્તરોથી નજરને બાંધી લે. નીલે ડરાઇવ ના વિન્ડોથી પિટ્સની કોફી લીધી અને એકાંત સ્થળે ઊભેલી કારની બહાર કોફી પીતા પાણીની ગતિવિધિને જોયા કરી.તળાવ પરથી આવતી શીતલ પવનની લહેરોથી બચવા તેનો ખાલી હાથ ખિસ્સામા સેરવ્યો તેવો જ નેહાના પત્રથી જાણે બળી ગયો. આખું તળાવ ઉલેચાઇને તેની સમગ્ર હસ્તીને ધોઈ નાખતું હતું. તેને પત્રને ફાડીને તેના ટુકડાઓને પાણીમાં પધરાવી દેવાનું મન થયું પણ પાછો ઘડી વાળી ખિસ્સામાં મૂક્યો. હાસ્ય હળવું ફૂલ આવે ને જાય પણ પીડાનું પોત ચીકણું કેમે કરી ખસે નહીં. નીલને પોતાના કોઈની પાસે જઈ મનમાં સંઘરી રાખેલી ગુંગણામણને, વ્યથાને, બિના રોકટોક વહેવડાવી દેવી હતી, ગુસ્સામાં ફાટી પડવું હતું. એણે ક્યાંક જવાના ઈરાદાથી કાર સ્પીડમાં દોડાવી..

    તરૂલતા મહેતા

    નીલ ક્યાં ગયો? તેનો દીકરાનું શું થયું?? નેહા પતિનો સમ્પર્ક કેવી રીતે કરશે?

    'ન કહેવાયેલી વાત ભા 9ની રાહ જોશો તમારા રીવ્યુસ બદલ આભાર.

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED