ન કહેવાયેલી વાત ભા.7 Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ન કહેવાયેલી વાત ભા.7

ન કહેવાયેલી વાત

ભાગ - 7

(આ એક એવી પ્રેમકહાની છે, જે બે ધારી તલવારની જેમ બે પેઢીને , બે (ભૂત અને વર્તમાન)કાળને , બે અલગ દેશોની વિભિન્ન સંસ્કૃતિને સ્પર્શ કરીને સમગ્ર કુટુંબને લોહીની ટશરોથી રંગે છે. પ્રેમથી બંધાયેલા એ કુટુંબમાં 'પર્ફેફ્ટ પત્ની અને મોમ ' નો રોલ અદા કરતી નેહા (હું) ના સુખી દામ્પત્ય જીવનમાં તોફાન ઊઠ્યું છે. ન કહેવાયેલી વાત ' નવલિકાની શરૂઆત ' દર્દ ન જાને કોઈ ' ભા. 1થી થઈ છે. ડાયરીના પાનામાં મારી(નેહાની ) કિશોરાવસ્થાનો પ્રેમપ્રસંગ ત્યારે જ્ઞાતિભેદને કારણે લોહીના ડાધ મૂકી જાય છે, હવે અમેરિકામાં રંગદ્વેષ ને કારણે . ' મારા દીકરાને એની શ્યામ ગર્લફ્રેન્ડને કારણે પીટાઈ થઈ, હું એને પડખે રહીશ , કોણે કર્યું ? કેમ કર્યું? તે જાણીને બે કુમળાં દિલની લાગણીનું જતન કરીશ. ' ' ન કહેવાયેલી વાત ભા. 2 માં મેં મારા પ્રેમાળ પતિ નીલના હદયને છિન્ન કરી નાંખે , ક્રોધ ઊપજાવે , અહમને ઠેસ પહોંચાડે તેવી મારા અન્ય સાથેના કિશોરાવસ્થાના પ્રેમની કબૂલાત કરી. હું મારું સુખી કુટુંબજીવન ખેદાનમેદાન થઈ જવાની દહેશતથી પારાવાર વ્યગ્રતામાં છું. 'ન કહેવાયેલી વાત 'ભા. 3માં નીલ પત્ર વાંચી ધરતીકંપથી કડડભૂસ તૂટી પડતા ઘર જેવો વેરવિખેર થઈ ગયો. ભા. 4માં નીલનો ગુસ્સો કાબૂ બહાર જ્વાળામુખી જેવો ફાટી નીકળ્યો ભા. 5માં હું મારા ફોન પર દીકરાનો 'કમ સુનનો ' મેસેજ જોઈ ધેર આવી ત્યારે નીલ પોતાની કારમાં દીકરા સાથે ક્યાંક બહાર જતૉ રહ્યો. ક્યાં ગયો? નિનાદનું શું થયું? 'ન કહેવાયેલી વાત ભા. 6 માં નીલ દીકરાની સ્કૂલનો રસ્તો બદલી બીજી તરફ કાર લઈ જાય તે ક્યાં ગયો અને શું કર્યું વાંચવા 'ન કહેવાયેલી વાત ભા. 7' વાંચો. રિવ્યુઝ આપી આભારી કરશો. )

***

સ્પીડ લિમિટને ભૂલી બેફામ કાર દોડાવતા પાપાને નિનાદે કહ્યું:

'ડેડી મારે પહેલો પિરિયડ નથી. યુ કેન ગો સ્લો "

નીલે કાર ધીરી કરી પણ સ્કૂલનો સ્સ્તો છોડી બીજી એક્ઝિટ લીધી.

"ડેડી ક્યાં જાવ છો ' ? નિનાદ બોલી ઊઠ્યો.

નીલને પોતાના પેન્ટના જમણી બાજુના પોકેટમાં પડેલો નેહાનો કાગળ જાણે તીણા નહોર મારી પોતાનું લોહી ચૂસતો હોય તેવી પીડા થતી હતી. એનું રક્ત, માંસ શોષાતું જતું હતું, એ પ્રાણહીન પૂતળાની જેમ હાથને સ્ટિયરિગ પર ધુમાવતો બે ઘડી હોંશ ગુમાવી પાસે બેઠેલા યુવાનને પૂછી બેસે છે : 'કોણ છે ? '

નિનાદને પિતાનું વર્તન વિચિત્ર લાગ્યું. તેણે સાઈડ પર જતી કારને ડેડીનો હાથ પકડી રોડની મધ્યમાં વાળી ફરી પૂછ્યું :

'ડેડી, ક્યાં જાવ છો ?'

'ઓહ, સોરી બેટા. ' નીલ રોડની સાઈન જોઈ જમણી બાજુ વળી ગયો. તે આજના સંજોગોમાં પોતાના સંતાન પ્રત્યેની ફરજથી સભાન થયો. પણ તેનું મન રહી રહીને તેના ઘવાયેલા પુરુષત્વની સ્મુતીમાં કંઈક કરી નાખવા ઊછાળા મારતું હતું. પત્નીનો કિશોરાવસ્થાનો પ્રેમ -જે હજી યે દરરોજ રાત્રે તેના નિદ્રાના બનાવટી આવરણ હેઠણ ધબકતો હતો -શરીર પતિની શેયામાં અને સોડમાં પણ યાદ બીજાની... નો નો નર્યો એંઠવાડ... ધિક્કાર છે...

'ઓહ, આ તો પોલીસસ્ટેશ આવી ગયું !' નિનાદ જોઈ રહ્યો.

દીકરાની સલામતી માટે ગઈ કાલે તેને થયેલી પીટાઈની જાણ પોલીસ સ્ટેશને કરવાનું નીલને ઉચિત લાગ્યું હતું. ફરિયાદ તો તેને પોતાને પણ કરવી હતી પણ અંદરનો ઘા પોલીસ ક્યાંથી માને?

' ડેડી, પોલીસને ફરિયાદ કરવાથી શું ફાયદો?' નિનાદને પોલીસ સમક્ષ વિગતો રજૂ કરવાનું ગમ્યુ નહિ.

'આપણી ઘઉંવર્ણી ચામડી, આપણા ભારતીય મૂળને લક્ષ્યમાં લેતાં સલામતીનો બન્દોબસ્ત કરવો જોઈએ બેટા ' નીલે સ્વસ્થતાથી સમજાવતા કહ્યું.

'પણ... કાલે રાત્રે નાન્સીએ ફોનમાં કહ્યું હતું કે તેની મમ્મીએ લીગલ પ્રોટેક્શન માગ્યું છે. તેનો વર્ષો પહેલાં ગુમ થઈ ગયેલો બાપ અને તેના રિસ્તેદારો નાન્સીને ઊઠાવી જવા તોફાન

કરે છે. ' નિનાદને ગઈ કાલ રાતનું સીવી દીધેલું મોં ખોલવું પડ્યું.

'તું નાન્સીને છોડાવવા વચ્ચે પડ્યો હતો ?' નીલનો શ્વાસ અધ્ધર થયો.

'અમે બે એકલા કેમ્પથી દૂર બેઠાં હતાં ત્યાં એકાએક ચાર જણા અમને ઘેરી વળ્યા,

'હુ ઇઝ થીસ બોય?' મને લાત મારી એટલે નેન્સી એ આડા હાથ કરી કહ્યું :

'માય બોય -ફ્રેન્ડ '

'મેક્સિકન બોય '?

'ઇન્ડિયન.. હું નેન્સીનો હાથ પકડી બોલ્યો.

'પછી તેં શું કર્યું ?' નીલ બેચેન થઈ ગયો.

' હું અને નાન્સી હાથ પકડી 'હેલ્પ હેલ્પ ' કરતાં કેમ્પ તરફ દોડ્યા '

' કોઈએ સાંભળ્યું નહિ ?'

''છેલ્લો દિવસ હતો બધા પાર્ટી કરતા હતા, મ્યુઝીક અને ધોંધાટમાં કોઈએ સાંભળ્યું નહીં '

'મને ધોલધપાટ કરી દૂર ફેંકી દીધો પણ નાન્સી છટકી ગઈ ' નિનાદ શર્ટની બાંયથી આખો લૂછતો હતો.

નીલે દીકરાના બરડે હાથ ફેરવ્યો. એને અફસોસ થયો કે ગઈ મોડી રાત્રે તે નિનાદ પાસે ન ગયો. છોકરો સોળનો થાય તો ય બાપનો સહારો ઝન્ખેં !

'કેમ્પમાં ને ન્સીની હાલત જોઈ ટીચર અને બીજા બહાર આવ્યા તે પહેલાં પેલા ચાર રફુચક્કર થઈ ગયા. '

'તારા ટીચરે શું કહ્યું?'

'પેલા લોકો નું ટાર્ગેટ ને ન્સી હતી પણ હું વચ્ચે નડી ગયો એટલે મારી પીટાઈ થઈ ગઈ, ડેડી આઈ ફેલ્ટ સો બૅડ ' નિનાદે નજરને બારી બહાર દૂર જાણે છુપાવી દીધી.

માનહાનિથી પીડાતા પુત્રને કેમ દિલાસો આપવો ?

'ટીચરે સ્કૂલમાંથી આવું ફરી ન થાય તે માટે પ્રોમિસ કર્યું છે. ' તે ધીમેથી બોલ્યો.

'હું ય તારી પડખે રહીશ બેટા, જોઈએ પોલીસ શું કહે છે '

પોલીસ ઓફિસરે પિતા -પુત્રની આઈડી ચેક કરી નિનાદની અથથી ઇતિ વિગતોનો રિપોર્ટ તૈયાર કર્યો તેની સલામતી માટે કાર્યવાહી કરવાની ખાત્રી આપી.

નીલને થોડી રાહત થઈ. ઓફિસરનો હાથ મિલાવી જવા પગ ઉપાડ્યા. ત્યાં નિનાદને ચેતવ્યો :

'સન, સ્ટે અવે ફ્રોમ ધેટ ગર્લ. '

'બટ વી આર ફ્રેડ્સ ફોર લોન્ગ ટાઈમ '

'નોટ નાઉ ' ઓફિસરે ટકોર કરી.

નિનાદને વીજળીનો કરંટ લાગ્યો હોય તેમ પછડાટ ખાઈ ગયો પણ પાપાએ બે હાથથી પકડી લીધો.

'ડેડી બટ વાય?, હું એને મદદ ન કરી શકું?' નિનાદ પીડાતો હતો.

નીલને દીકરાની જીદનો ડર લાગ્યો. અમેરિકામાં જન્મેલો અને ઊછરતો યુવાનીમાં છલાંગ મારતો નિનાદ પોતાને અમેરિકન હોવાનું ગૌરવ સમજે છે. તેની વ્યક્તિગત સ્વંત્રતા પર કોઈનું નિયત્રંણ સ્વીકારવા તૈયાર નથી.

'દીકરા જરા સમજ, ઓફિસર તારા ભલા માટે સાવચેત રહેવાનું કહે છે. ' નીલ વહાલથી બોલ્યો.

નિનાદ સમસમીને રિસાયેલો બેસી રહ્યો પણ તેનું મન ને ન્સીને જોવા અધીરૂં બન્યું હતું.

તેણે સ્કૂલ પહોંચવાની ઉતાવળમાં કહ્યું:

'આજે બે વાગ્યે અમારે ટેનિસ ટુર્નામેંટ છે. હું અને નેન્સી ડબલ્સમાં રમવાના છીએ. '

નીલને લાગ્યું કે જોશમાં હણહણતા તેના દીકરાને કોઈનો ભય નથી પણ 'મને તો જાણે ચારે બાજુ લાલ લાઈટો ઝબૂકતી દેખાય છે અને સાયરનો કાનને ચમકાવે છે. '

અમેરિકામાં ભણી ગણી સેટ થયેલા નીલમાં દીકરા જેવો અમેરિકન મિજાજ નહોતો.

એ પોતે એના પિતાની આંગળી પકડી સાત વર્ષની ઉંમરે શિકાગોના ઓહેરા એરપોર્ટ પર ઊતર્યો ત્યારે વિસ્મયની સાથે ડર પણ હતો. આમ તો સાત વર્ષની ઉંમરે નરી કૂતુહલતા હોય પણ 'તે જ ઘડીએ મારી મમ્મી ખૂણામાં ઊલટી કરતી મેં જોઈ અને હું મારી મમ્મીને શું થયું કરતો ધોળા - કાળા દોડતા લોકોને જોઈ ડરી ગયો હતો ! કોઈ ના મારા રુદનને સાંભળતું હતું કે મમ્મીને જોતું હતું. મારા પિતાની આંગળી છૂટી ગઈ અને ખોવાયેલો હું સિક્યોરિટી ગાર્ડ પાસે પહોંચી ગયો. થોડી મિનિટોમાં અમારું કુટુંબ ભેગું થઈ ગયું. પણ એરપોર્ટ પરની એ ડામાડોળ સ્થિતિનો અજ્ઞાત ભય મનમાં દટાઈ રહ્યો. પરદેશમાં સલામતી પહેલી એ મંત્ર ગૂંજતો રહ્યો.

નીલ દીકરાને કહે:

'તું કાર લોક કરીને બેસ, હું સ્કૂલની ઓફિસમાં પ્રિન્સિપાલને મળી આવું પછી તું તારા ક્લાસમાં જજે'

નિનાદ પાપાનું માન રાખવા ફોન હાથમાં રાખી બેસી રહ્યો.

પ્રિન્સપાલને મળી નીલ પાછો વળ્યો ત્યારે દીકરો કારમાંથી ગુમ થઈ ગયો !!

તરૂલતા મહેતા

( 'ન કહેવાયેલી વાત ભા. 8ની રાહ જોજો. ઘણા ટ્વીસ્ટ અને ટર્ન આવતા રહેશે. રીવ્યુસ બદલ આભારી છું )