Bachpan par balaal ne shantinu sanmaan books and stories free download online pdf in Gujarati

બચપન પર બબાલ ને શાંતિનું સન્માન ..!!!

સપનોં કા વો આંગન કહાં,

દર્પન બતા બચપન કહાં...

સીધા સરલ થા જીવન જહાં,

દર્પન બતા બચપન કહાં...

ભાઈસે યારી, બહેનોસે મસ્તી,

ઉડતી પતંગો જૈસા થા મન,

જિતને થે રિશ્તે સારે થે મન કે,

ઉનમે ન ઉલજન ના થી જલન,

હોતી ના થી અનબન જહાં, દર્પન બતા બચપન કહાં...

ખાને કી ચિંતા, સોને કી ફિક્રે,

હોતી ભી તો હોતી થી કમ,

ખૂશીયાં જૂડી થી ખિલૌને સે અપની,

ખબર હી ના થી ક્યા હોતા હૈ ગમ,

પાવન થે સબ બંધન જહાં,

દર્પન બતા બચપન કહાં,

સીધા સરલ થા જીવન જહાં,

દર્પન બતા બચપન કહાં...

'પ્રેમ રતન ધન પાયો' ફિલ્મનું આ ગીત આંખો બંધ કરીને સાંભળતા અેક અલગ જ અનુભૂતિ કરાવે છે. ગીતના શબ્દો અેક અલગ જ દુનિયામાં લઈ જાય છે. કેમ??? જે લોકોએ હળવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથેના આ ગીતની લિજ્જત માણી છે તેઓને આ 'કેમ'નો જવાબ ખબર જ છે અને જેમણે નથી સાંભળ્યું અે બધાયે આ 'કેમ' નો જવાબ મેળવવા એકવાર જરૂર સાંભળી લેવું. વેલ, આપણે અહીંયા એ ગીતની ચર્ચા નથી જ કરવી. પણ એ સાંભળતા અેકવાર તો અચુક આપણું બાળપણ યાદ આવી જ જાય. એમાં પણ આજનાં આ દોડાદોડી, મારામારી, ઝઘડાંઝઘડી, ખુનખરાબા, હિંસાતુંસીમાં પિસાયેલા માણસને મનનાં કોઈક ખૂણે ક્યારેક તો એ વિચાર આવ્યો જ હશે કે કેટલાં સારા હતા ને બાળપણનાં એ દિવસો...નાની લાકડીનાં બટકાથી ટાયરને ફેરવવાની એ લહેજત...ઝાડ પર ચડવાની અને પડવાની એ અલ્ટીમેટ થ્રીલ...આમતેમ રખડવાની અને થપ્પો, લંગડી, ચોરપોલીસની તો અલગ જ મજા...જા તારા કિટ્ટા કહીને બે સેકન્ડમાંજ થઈ જતા બુચ્ચાં... શહેર હોય કે ગામ, આપણે બધાં આપણું બાળપણ આ જ રીતે જીવ્યા છીએ ને...હાં, એ વાતનો જરૂર અફસોસ છે કે આજના આપણાં મોબાઈલ ગેઈમ્સ, કાર્ટૂન અને કમ્પ્યૂટરમાં વ્યસ્ત રહેતા બાળકો આ મજા ક્યારે પણ માણી નહીં શકે. પણ વાત છે બચપણની...હવે, જસ્ટ ઈમેજન... કલ્પના કરો કે એ જ બાળપણમાં ટાયર ફેરવવાની લાકડીની જગ્યાએ તમને બુટપાલિશ કરવાનું બ્રશ પકડાવવામાં આવ્યું! થપ્પો કરવાના એ જ હાથ કામની જવાબદારીથી બાંધી દેવાયા! આંબળી પીપળીનું સ્થાન સર્કસનાં કરતબોએ લીધું! શું થયું??? કલ્પનાં કરતા જ ધ્રુજારી આવી ગઈ ને. આ તો બચપણની મજા નહીં પણ સજા લાગે ને...લેકીન, કિન્તુ, પરંતુ મિત્રો... વાર્તા અહીંયા પુરી નથી થઈ. ક્લાઈમેક્સ તો અભી બાકી હૈ મેરે દોસ્ત...આગળ કલ્પના ચલાવો કે એવા ઘણાં બાળકો છે કે જે આવું જ બચપણ જીવ્યાં છે યા તો જીવી રહ્યાં છે. જેમની બાળપણની મજા સજા બનીને જ રહી ગઈ છે. અને અચાનક જ એક સુપરહીરો આવે છે અને પોતાની પાસે રહેલા હ્યુમિનિટી ઉર્ફે માણસાઈ નામના સુપરપાવરથી આ બધા જ બાળકોને આ સજામાંથી છોડાવીને એમનું બાળપણ પાછું અપાવે છે. એટલું જ નહીં પણ એમની મજા પણ ડબલ કરી દે છે. હવે લાગે છે ને વાર્તાનો હેપ્પી એન્ડિંગ.પણ દોસ્તો, આ એક વાર્તા નથી, એક હકીકત બની ચૂકી છે અને આ સુપર હીરોનું નામ છે - કૈલાશ સત્યાર્થી.

નામ સાંભળતા જ મગજના કોઈક દૂરના ખૂણે આછો આછો ઝબકારો થાય છે ને કે નામ ક્યારેક ક્યાંક કોઈક ન્યૂઝપેપરના ખૂણેખાંચરે કે કોઈક મેગેઝીનના કવરપેજ પર કે કોઈક વેબસાઈટ પર વાંચેલું છે. તો જી હા, તમે સાચા છો. મિસ્ટર કૈલાશ સત્યાર્થી એ માણસ છે જેમને મલાલા યુસુફઝાઈ સાથે જ શાંતિ માટેના નોબેલ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. પણ અફસોસ કે આપણને જેટલી સારી રીતે મલાલા યાદ છે એટલી સારી રીતે કૈલાશ સત્યાર્થી યાદ નથી. તો બસ આજે આજ સુપરહીરોની કહાનીને અહીંયા ઉજાગર કરવી છે જેમણે આપણા દેશને વૈશ્વિક સ્તરે માણસાઈના મૂલ્ય પર અવલ્લ નંબર પર સ્થાન અપાવ્યું..

કૈલાશ સત્યાર્થી નો જન્મ 11 જાન્યુઆરી 1954 માં મધ્યપ્રદેશના વિદિશા ગામમાં થયો હતો. તેઓ બચપણથી જ દયાવાન અને લોકોને મદદરૂપ થનારા હતા. એમનું નાજુક મન બહુ નાની ઉંમરે જ પોતાના અને ગરીબ બાળકો વચ્ચે રહેલા ભેદભાવને સમજી ગયું હતુ. ગરીબ બાળકો પોતાની જેમ શાળાએ જઈ શકતા ન હતા તે તેઓ જાણતા હતા. આવી અસમાનતાઓ જોઈ તેઓ ખુબજ હેરાન પરેશાન રહેતા.

તેમના જીવનમાં બાળપણમાં એવા કેટલાય બનાવો બન્યા જેમણે એના મનને ઘમરોળી નાખ્યું. પાંચ વર્ષની ઉમરે એમની શાળાના પેલા દિવસે શાળાએ જતી વખતે શાળાના દરવાજાની બરાબર સામે જ એમણે એક મોચી ને બુટપોલીશ કરતો જોયો. એની બાજુમાં એનો નાનો છોકરો પણ એ જ કરી રહ્યો હતો. આ જોઈને એમનું હ્રદય કમકમી ઉઠ્યું. એક તરફ યુનિફોર્મ અને નવા બુટ અને કપાળ પર તિલક કરેલા પોતે હતા અને બીજી તરફ મોચી ના છોકરાનો ઉતરી આવેલો ચહેરો અને સપનાઓ વિનાની સુનીસુની આંખો. એમના થી રહેવાયું નહિ. એ પોતાના ક્લાસમાં ગયા અને શિક્ષકને પેલા સ્કુલની સામે ઊભેલા મોચી ના છોકરા વિશે પૂછ્યું. પણ સરખો જવાબ ન મળ્યો. ફરીથી એમણે એ જ સવાલ શિક્ષકને પૂછ્યો. પણ હવે શિક્ષક થોડા ગુસ્સે થઈ ગયા અને ક્લાસમાં ધ્યાન આપવાની સલાહ આપી. પરંતુ કૈલાસના મન અને દિલમાં એ છોકરો બરાબર કોરાઇ ગયો હતો. એના પડઘા કાનમાં ગૂંજતા હતા. ક્લાસમાં લેક્ચર માં પણ આંખ સામે છોકરો દેખાતો હતો. ફરીવાર બપોરે કૈલાશે હેડમાસ્તર પાસે જઈ એ જ કુતૂહલતાથી અને જિજ્ઞાસાથી હેડમાસ્તરને પૂછ્યું. હેડ માસ્તર પોતાના પરિવારને સારી રીતે ઓળખતા હોવાથી પોતાના પ્રશ્નનો સંતોષકારક જવાબ આપશે એવો કૈલાશને વિશ્વાસ હતો. હેડમાસ્તરે સમજાવ્યું કે એક ગરીબ પરિવાર ના છોકરા માટે જીવન ગુજારવા કામ કરવું એ સાવ સામાન્ય બાબત છે. મોચી ગરીબ હતો એટલે તે પોતાના દીકરાની સ્કુલે મોકલી શકવા સમર્થ ન હતો. પણ કૈલાશને આ જવાબથી સંતોષ ના થયો. દિલ આવો જવાબ માનવા તૈયાર નહોતું. દસ દિવસ સુધી એણે સતત શાળાએ પ્રવેશ કરતી વખતે અને છુટતી વખતે આ છોકરા સામે જોયું. આખરે એક દિવસ હિંમત ભેગી કરીને કૈલાશ સામે ઊભેલા મોચી પાસે ગયા અને પોતાના છોકરાને શાળાએ ન મોકલવાનું કારણ પૂછ્યું. પેલા તો મોચી એને જોઇને થોડો મૂંઝાઈ ગયો પછી બોલ્યો, "બાબુજી, આવો પ્રશ્ન આજ સુધી કોઈએ મને કર્યો નથી. મારા પિતા મોચીકામ કરતા હતા. હું પણ મોચી છું. અને આ મારો દીકરો પણ મોચી છે. એમાં કંઈ નવું નથી. અમે કામ કરવા માટે જ જન્મ્યા છીએ." મોચીના મોઢેથી આવું સાંભળીને કૈલાશ વધુ મૂંઝાઈ ગયા. પ્રશ્નના જવાબ મળવાને બદલે પ્રશ્નો જ વધી ગયા. પોતાના માતા-પિતાએ હંમેશા સમજાવ્યું હતું કે દરેક બાળક સારું ભણતર, સારી નોકરી મેળવવા, સારા કાર્યો કરવા આ દુનિયામાં આવ્યું છે તો પછી શા માટે આ મોચીના બાળકને સારું ભણતર મળતું ન હતું. પપ્પાએ સમજાવેલા જીવનના સત્ય સાથે મોચીના જીવનનું સત્ય બંધબેસતું ન હતું. દિવસો ગયા પણ જવાબો ના મળ્યા.

એક દિવસ ચોમાસાની ઋતુમાં કૈલાશના મોટાભાઈએ એમને એક રંગીન છત્રી અને રેઈનકોટ ભેટમાં આપ્યો. કૈલાશ એ રેઈનકોટ પહેરી અને છત્રી લઈને બહાર ગયા. એમણે મોચીને એના છોકરાને મારતો જોયો. એ છોકરો બહુ જ રડી રહ્યો હતો. કૈલાશે ત્યાં જઈને મોચીને એના છોકરાને મારવાનું કારણ પૂછ્યું. કૈલાશને જાણવા મળ્યું કે મોચી જમવા જતી વખતે પોતાને વરસાદ જેવું લાગતા એણે એના દીકરાને બધા બુટ પ્લાસ્ટિક બેગમાં ભરવાનું કહ્યું હતું જેથી કરીને વરસાદ આવતા તે પલળી ના જાય. પણ છોકરાએ બધા બુટ પ્લાસ્ટિકની કોથળીમાં ભરવાને બદલે પોતે જ પ્લાસ્ટિકની કોથળી ઓઢી લીધી જેથી કરીને પોતે ભીંજાઈ ના જાય. બધા જ બુટ પલળી ગયા અને એ કારણથી જ છોકરાને માર પડ્યો. કૈલાશ આ સાંભળીને એકદમ સુન્ન થઈ ગયા. એ કશું બોલી શક્યા નહીં. ફરી એકવાર પોતાની પાસે રેઈનકોટ અને છત્રી હોવાનો અને બીજી તરફ મોચીના છોકરા પાસે વરસાદમાં શરીર ઢાંકવા માટે કંઈ પણ ન હોવાનો ભેદ કૈલાશે જોયો. જોકે પોતાની રંગીન છત્રી તેમણે ત્યારે જ એ છોકરાને આપી દીધી. પણ આ ઘટનાએ એમના હ્રદયને ખરેખર છંછેડી નાખ્યું.

કૈલાશને પોતાની સામે દરરોજ બનતા આવા અનેક અન્યાયોનો એક પણ જવાબ મળતો નહતો. હૃદય અને મન હંમેશા એ જ વિચારોમાં પડયું રહેતું. એવામાં પંદર વર્ષની ઉંમરે એક એવો બનાવ બન્યો કે જેણે કૈલાશની જિંદગીમાં એક નવો જ વળાંક દીધો. એકવાર એમણે કોઈ રાજકીય નેતાને ગાંધીજીના ઊંચ-નીચના ભેદો, છુતઅછૂતની માન્યતાઓ વગેરેના વિચારો પર ભાષણ કરતા સાંભળ્યા. ગાંધીજીના એ વિચારો સાંભળીને કૈલાશ ખૂબ જ પ્રભાવિત થઇ ગયા. એમને રાજકીય નેતા માટે પણ ખુબ જ માન થઈ આવ્યું. આ વિચારોથી પ્રભાવિત થઈને જ એમને એક વિચાર આવ્યો. કૈલાશે નાનપણથી જ જોયું હતું કે પોતાના ગામમાં રહેતા હરિજનો માટે ગામમાં કહેવાતા ઉંચીજ્ઞાતિના લોકોને ભારોભાર રોષ હતો. એવામાં કૈલાશે એક દિવસ એક સમૂહભોજનનો કાર્યક્રમ ગોઠવ્યો. પોતે એક સારા કુટુંબના સંતાન હતા તેથી બધા રાજકીય નેતાઓ અને સમાજસેવકોને આમંત્રણ આપવામાં એમને કોઈ બાધા ન આવી. કૈલાશે ભારે મહેનતથી હરીજનવાસની કેટલીક સ્ત્રીઓને ભોજન બનાવવા માટે મનાવી. પોતાના મિત્રો સાથે થોડાક પૈસા એકઠા કર્યા અને ચોખા અને શાકભાજી વગેરે રાંધવાનું રાચરચીલું લાવ્યા. રાંધવા માટે આવેલી સ્ત્રીઓએ પણ એકદમ નવી સાડીઓ પહેરી. મહિલાઓએ એકદમ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર્યું. આખી હરીજનનાત જમણ ને લઈને ખૂબ જ ઉત્સાહી હતી. આખરે એ લોકો માટે તો એ ખુશીની વાત હતી કે ગામમાં કહેવાતા ઉંચા લોકો પોતાની જાતને પણ ધીમે ધીમે સ્વીકારી રહ્યા હતા. બધા જ હરિજનો ખૂબ જ આતુરતાથી મહેમાનોની રાહ જોતા ઉભા હતા. મિનિટો કલાકોમાં ફેરવાઈ. રાહ જોતા જોતા અંધારું થયું. લોકો રાહ જોતા જ રહ્યા પણ એકેય રાજકીય નેતા કે સમાજસેવક કે ગામનો માણસ ત્યા ફરક્યો નહીં. હરીજન લોકોની જેમજ કૈલાશ અને તેના મિત્રો પણ એકદમ ભાંગી પડ્યા. એમના માસૂમ દિલ તૂટી ગયા. દંભી નેતાઓનો દંભ સામે આવી ગયો. કૈલાશ બહુ સારી રીતે સમજી ગયા કે બધા નેતાઓ અને સમાજસેવકો કે જે મોઢાં ફાડીફાડીને છૂત-અછૂત, જ્ઞાતિભેદની જે બડાંઈઓ ભાષણોમાં મારતા હતા તે તો ફક્ત વાતો જ હતી. આખરે કૈલાશ, એમના મિત્રો અને હરિજનો ભોજન કરવા બેઠા. જેવો કૈલાશે પહેલો કોળિયો મોઢામાં મૂક્યો એમની આંખો આંસુથી છલકાઈ ગઈ. તેઓ રડવા લાગ્યા. એ સમયે એક મહિલા કે જે ભોજન બનાવવામાં સામેલ હતી એ ઊભી થઈ કૈલાશ પાસે ગઈ અને શાંતિથી કહ્યું, "બેટા, અમે અમારા જીવનમાં તારા જેવો બહાદુર માણસ નથી જોયો. તું એ માણસ છે જે એ ભોજન ખાઈ રહ્યો છે જે અમે બનાવ્યું છે." છતાં પણ કૈલાશ અંતરથી તો ઉંચા ગણાતા નેતાઓ અને સેવકોથી ખૂબ જ દુઃખી અને ગુસ્સે પણ હતા. અંધારું થઇ ગયું હતું તોપણ કૈલાશે પોતાની સાઇકલ લીધી અને ભારે હૈયે ઘરે પહોંચ્યા. વાત અહીં પૂરી ન થઈ. તેઓના ઘરમાં પ્રવેશતા જ તેમણે પંદર-વીસ માણસો કે જે ઊંચી જ્ઞાતિના કહેવાતા હતા એમને પોતાના પરિવાર સાથે બેઠેલા જોયા. જેવા અંદર પહોંચ્યા એ લોકોના હાવભાવ પરથી સારી રીતે સમજી ગયા કે એ લોકો એમના પર ખૂબ જ ગુસ્સે હતા અને ક્યારે પણ બોમ્બની જેમ ફૂટી શકે એમ હતા. તેમની માતા અને ભાભી તો રડી રહ્યા હતા. એમના મોટા ભાઈ ઉભા થયા અને બૂમો પાડીને હરિજનોએ બનાવેલ ભોજન ખાવાના લીધે એમને ભાંડવા લાગ્યા. કૈલાશ તરત સમજી ગયા કે આ બધું જ કામ એ ખુરશી પર બેઠેલા લોકોનું છે. એ લોકોએ પુરા ગામમાં કૈલાશના પરિવારની થયેલ વાતો અહીંયા મોટા ભાઇને કહી હતી. કૈલાશ આ બધું જોઈ શક્યા નહીં. એ બોલ્યા, "આ બધું મેં કર્યું છે તો એની સજા પણ મને જ મળવી જોઈએ. મારા પરિવારને કેમ??" આખરે પાદરીઓએ નક્કી કર્યું કે કૈલાશે હરિજન લોકોના હાથનું ભોજન ખાધું હોવાથી તે અશુદ્ધ બન્યો છે તેથી તેણે શુદ્ધિકરણ માટે ગંગામાં નહાવું પડશે અને એટલું જ નહિ પણ ગંગાનું પાણી લાવી એ પાણીથી પાદરીઓના પગ ધોઈ એ પાણી કૈલાશે પીવું પડશે. કૈલાશને આખુ કૃત્ય ધૃણાસ્પદ લાગ્યું. એમણે બૂમ પાડી, "મેં કોઈ એવું દુષ્કૃત્ય કર્યું નથી. ઊલટાનું તમારે એ લોકોનો આભાર માનવો જોઈએ કે એ તમારા ટોઈલેટ સાફ કરે છે. ઊલટાનું તમે બધા એમના દંડના અધિકારી છો. હંમેશા એ લોકોને કષ્ટ જ આપતા આવ્યા છો. શા માટે મારી શુદ્ધિ કરવા હું ક્યાંય જવ? મારા હૃદયમાં બધા માટે માન છે. ઊલટાનું તમારે બધાએ જરૂર છે તમારા આત્માને શોધીને એને શુદ્ધ કરવાની". આ સાંભળીને બધા લોકો આભા બની ગયા. તેમણે કૈલાશના પરિવારને કૈલાશને પોતાના ઘરમાંથી કાઢી એક અલગ રૂમમાં રાખવાનું કહ્યું અથવા તો નાત બહાર કરવાનું કહ્યું. સાથે એ પણ નક્કી થયું કે કૈલાશ ને ઘરમાં પ્રવેશવા દેવો નહીં તથા તેનું ભોજન સમયસર એના રૂમમાં પહોંચાડી દેવામાં આવશે. આ રીતે કૈલાશને અલગ રૂમમાં રાખવામાં આવ્યા. રૂમમાં કૈલાશ પલંગ પર આળોટતા પણ એમને ઊંઘ આવતી નહીં એમને બસ એક જ વિચાર આવતો, "અરે, કોણ છે આ લોકો મને મારી જ નાતમાંથી બહાર કરવાવાળા? અરે આવી નાતમાં તો મારે જ નથી રહેવું." કૈલાશે ત્યાં જ પોતાની અટક "શર્મા"નો ત્યાગ કર્યો કેમકે હવે એ કાંઈ કામની ન હતી કેમકે પહેલા જ એ નાત બહાર થઈ ચુક્યાં હતા. થોડા સમય પછી કૈલાશે એમના નામની પાછળ "સત્યાર્થી" લગાડી દીધુ.

આ બધા બનાવોએ કૈલાશના જીવન પર ખુબ જ ઊંડી અસરો છોડી. આ બધું જોઇને કંટાળેલા કૈલાશે પોતાના મિત્રો સાથે એક ફૂટબોલ ક્લબ સ્થાપી જેથી તેઓ પૈસા એકઠા કરી શકે અને એનો ઉપયોગ ગરીબ બાળકોની સ્કૂલ ફી માટે થઈ શકે. એવું જ થયું. તેઓ મેળા, ઉત્સવો વખતે નાસ્તાની સ્ટોર્સ પણ નાખતા અને એમાંથી જે પણ પૈસા મળે એનો ઉપયોગ સ્કુલ ફી માં થતો. પણ એક નવી સમસ્યા ઉભી થઈ. ગરીબ બાળકોની ફી તો ભરાઈ જતી પણ એની પાસે પુસ્તકો લેવાના પૈસા હતા નહિ તેથી બાળકો સ્કૂલ છોડવા લાગ્યા. ફરી કૈલાશ અને તેની ગેંગે એક ઉપાય શોધ્યો. વિદિશામાં વર્ષની 30 એપ્રિલે શાળાના પરિણામો જાહેર થતાં. કૈલાશ અને એમના મિત્રો બરાબર એ જ સમયે ધક્કાગાડી લઈ રોડ પર પહોંચી ગયા અને બૂમબરાડા પાડી બધા વિદ્યાર્થીઓને પરીક્ષામાં પાસ થવા માટે અભિનંદન આપવા લાગ્યા. આવી નવી જ અભિનંદનની રીત જોઈને લોકોને કૂતુહલ થયું અને ત્યાં ટોળું એકઠુ થઈ ગયું. એ ટોળા નો લાભ લઇ કૈલાશ અને તેમના મિત્રોએ બધા પેરન્ટ્સને સમજાવતા અને પોતાના બાળકોની જૂની બુકો કે જે હવે નકામી બની ગઈ હતી એ આ ગરીબ બાળકોને આપવા માટે વિનંતી કરતા. પેરન્ટ્સ પણ સમજીને આવી રીતે બુકો આપી દેવા માટે તૈયાર થયા આખરે બાળકો અને વાલીઓના પ્રતિસાદથી જથ્થાબંધ પુસ્તકો મળતા થયા. પહેલા દિવસે એમણે બે હજાર જેટલાં પુસ્તકો એકઠા કર્યા. પણ જેવી પુસ્તકો ભરેલી ગાડી ખોલવાનું શરૂ થયું કે કૈલાશ અને મિત્રોને સમજાયું કે એમાં તો શાળાથી માંડીને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના પુસ્તકો સામેલ હતા. પછી હેડ માસ્તરની મદદ લેવાઈ અને આખરે બધા પુસ્તકો અલગ કરી અને જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓને અપાયા. પાછળથી તો હેડમાસ્તર, શાળાના આચાર્ય અને બીજી શાળાઓ પણ આ કાર્યમાં જોડાઈ. આખરે "બુકબેંક" શરૂ થઈ અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને આ બુકબેંકમાંથી જ બુક્સ આપવામાં આવતી. થોડા વર્ષો પછી એ જ બુકબેંકને જાહેર ગ્રંથાલયો સાથે જોડી દેવામાં આવી.

કૈલાશે એન્જિનિયરિંગ પૂરું કરી ભોપાલમાં લેક્ચરર તરીકે નોકરી કરવાની શરૂઆત કરી. પણ મન અને દિલ લાગ્યું નહીં. નોકરી છોડી દીધી. એ પછી એમણે એક પત્રિકા ની શરૂઆત કરી જેનું નામ હતું "સંઘર્ષ જારી રહેગા". આ પત્રિકાનો મુખ્ય હેતુ ગરીબ બાળકો સાથે થતા અન્યાય પર પ્રકાશ પાડવાનો હતો. એ જ સમયે તેઓ "બોન્ડેડ લેબર લિબરેશન ફ્રંટ"ના મહાસચિવ બન્યા. એક દિવસ એક વ્યક્તિથી એમને જાણ થઇ કે આસપાસના કારખાનાઓમાં બાળકોને પરાણે મજૂરી કરાવવામાં આવી રહી છે. બસ એ સાંભળી એમને બહુ ગુસ્સો આવ્યો. મિત્રો સાથે એ બધા કારખાના ઉપર રેડ મારવાનું એમણે શરૂ કર્યું અને હજારો બાળકો જ નહીં એમના માતા-પિતાઓને પણ એ નર્કમાંથી આઝાદ કર્યા. આ દરમિયાન એમણે ઘણી બધી જગ્યાઓ પર માર પણ ખાધો તોપણ એ લડતા રહ્યા અને આગળ વધતા રહ્યા.

આ ઘટનાની પ્રેરણાથી જ એમણે 1980 માં "બચપન બચાઓ આંદોલન"ની શરૂઆત કરી જેનો મુખ્ય હેતુ બાળકો સાથે થઈ રહેલા શોષણ અને અત્યાચારનાં મુળીયાં ઉખેડી ફેંકી અેવા બાળકોને એક સુખી જિંદગી આપવાનો હતો. આજ સુધીમાં કૈલાશે 83,000 જેટલા બાળકોને મજૂરીના મહારાક્ષસથી બચાવીને એક સારી જીંદગી અપાવી છે. એમને લાગ્યું કે આ ગરીબ બાળકોને મજૂરીમાથી કાઢવા જ પૂરતું નથી તેથી તેમણે 2011માં "બાલ મિત્ર ગ્રામ" ની શરૂઆત કરી જે આવા બાળકોને સારું શિક્ષણ અને સુવિધા આપવાની દિશામાં ઉત્તમ કામ કરી રહી છે. હાલ 350 ગામોમાં આ યોજના ચાલી રહી છે. આજે પણ કેટલીક ખરાબ પ્રકારની બાળમજૂરી માટે વિશ્વભરમાં જે કન્વેન્શન નંબર 182 અપનાવવામાં આવ્યો છે તેની પાછળ કૈલાશ સત્યાર્થી એ કરેલા કામો જ જવાબદાર છે.

કહેવાય છે ને કે, "સારા કામમાં સો મુસીબત આવે" અેમ આ બધું પણ કોઈ વિધ્નો જ થયું એવું નથી. કૈલાશ અને એમના સાથીઓએ અનેકવાર જાન જોખમમાં મૂક્યાં છે. બાળકોને છોડાવવા જતાં તેમના બે સાથીઓનો તો જીવ પણ ગયો અને ઘણાઅે માર પણ ખાધો. એવા ઘણા બનાવ બન્યાં. 2004માં એક સર્કસમાંથી નેપાળી છોકરીઓને બચાવવા જતાં કૈલાશ અને એમના સાથીઓ પર ભયંકર હુમલો થયો હતો. એ કોઈ જેવો તેવો હુમલો ન હતો. હુમલાખોરોના હાથમાં બંદૂકો, છરા અને તલવારો જેવા ખતરનાક હથિયારો હતા. ઘણા લોકોને લોહી પણ નીકળ્યા અને ઘણા લોકો ઘાયલ પણ થયા. પરંતુ કૈલાશ એકદમ મક્કમ મને એમના કામો પર આગળ વધતા જ રહ્યા. ધીરે-ધીરે હાઈકોર્ટની સુનાવણીથી એ છોકરીઓને સર્કસમાંથી છોડાવવામાં આવી. બાદમાં તપાસ થતાં એ પણ બહાર આવ્યું કે સર્કસના માલિકો અને એના સાથી વારંવાર એ છોકરીઓનું શારીરિક શોષણ કરતાં અને એમને મજૂરી પેટે મહેનતાણું પણ ન આપતાં. કૈલાશ આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા અને એપ્રિલ 2011માં એનું સુખદ પરિણામ આવ્યું. સુપ્રીમ કોર્ટે ભારતીય પેનલ કોડ નાં section 370 અને 370A અંતર્ગત ટ્રાફિકિંગનો સમાવેશ કર્યો.

એવી જ રીતે 1980 માં પણ ફરિદાબાદમાં કૈલાશ અને એમના સાથીઓ પર પથ્થરમારો થયો. કૈલાશની ઓફિસ અને ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું. એમના બે મિત્રો આદર્શ કિશોર અને ધૂમદાસે જીવ પણ ગુમાવ્યો. કૈલાશનો પરિવાર હર સમય મોતના ઓછાયા નીચે જ જીવતો હતો. છતાં પણ કૈલાશ જરા પણ ડગ્યા નહિ અને પોતાના અથાગ પ્રયત્નોથી આશરે 2000 પરિવારોને ગુલામીમાંથી બચાવ્યા. એમના પ્રયત્નોથી જ લઘુતમ વેતન પ્રથા એટલે કે minimun wage system પર વિચારણા શરૂ થઈ અને એમના પ્રયત્નોથી જ મજુરના હકો તરફ પણ કાર્યો ચાલુ થયા.

એમણે જોયું કે એ સમયમાં કારપેટ અને રગ ઉત્પાદકો બાળમજૂરોનો ઉપયોગ કરતા હતા. કારપેટ અને રગ બનાવવામાં બાળકોની નાની અને ચપળ આંગળીઓ એકદમ વધુ કામ કરી શકતી હતી તેથી જ આ ઉદ્યોગો બાળકોનું બાળપણ છીનવી રહ્યા હતા. મિરઝાપુર, ભાડોઈ, બનારસ જેવા શહેરો આ ઉદ્યોગોના હબ હતા. કૈલાશે આ દલદલમાંથી પણ બાળકોને છોડાવ્યા. આવી જ એક ઘટનામાં કૈલાશ ખુદ એક છોકરાને એના ગામમાં છોડવાં ગયા. એ રેલવે સ્ટેશન પર ઉભા હતા ત્યાં જ એમણે એક માણસને એવા જ ઘણા બાળકોને ટ્રેનમાંથી ઉતારતાં જોયા. આ બાળકો પણ કામ કરવા જ જઈ રહ્યાં હતા. કૈલાશે મદદ માટે અવાજ ઉઠાવ્યો ઘંટડી પણ વગાડી પણ સ્ટેશને ડિસ્ટર્બન્સ કરવાના ગુનામાં તેમની ધરપકડ કરવામાં આવી. કૈલાશ સારી રીતે સમજી ગયા કે આ સમસ્યાના સમાધાન માટે એનું મૂળ જ પકડવું પડશે. આખરે એમણે રગ માર્ક ની સ્થાપના કરી જે આજે 'goodweave' તરીકે પ્રખ્યાત છે. Goodweave લેબલ દર્શાવે છે કે આ ચીજ ના ઉત્પાદનથી લઇને એના ટ્રાન્સફર સુધીની કોઈપણ પ્રક્રિયામાં બાળકોનો જરા પણ ઉપયોગ થયો નથી. બાળમજૂરી અને બાળગુલામી તથા બાળકોના હકો અને રક્ષા સામેનું આ સૌપ્રથમ પગલું હતું.

એ સમયમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો બાળમજૂરોની મુખ્ય રીતે હેરફેર કરતા હતા. કૈલાશે લોકોમાં એવી જાગૃતિ ફેલાવી કે પાછળથી લોકો જ એવી કાર્પેટની માંગ કરવા લાગ્યા કે જેમાં બાળમજુરોનો ઉપયોગ થયો ન હોય. ધીમે ધીમે જાગૃતિ અને છેક સુધી થયેલી કામગીરીથી કારપેટ ઈન્ડસ્ટ્રીમાં બાળમજુરની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો. ફક્ત નેપાળ, પાકિસ્તાન અને ભારતમાં જ બાળમજૂરોનો આંકડો જે એક મિલિયન એટલે કે 50 લાખ ઉપરનો હતો 1990 સુધીમાં તો 3 લાખ કરતા પણ ઓછો રહ્યો.

કારપેટ ઈન્ડસ્ટ્રીની જેમ જ પછી કૈલાશે ગારમેન્ટ સેક્ટર, કોસ્મેટીક ઇન્ડસ્ટ્રીઝ અને ચોકલેટ ઈન્ડસ્ટ્રીઝ કે જેમાં બાળમજૂરોનો ઉપયોગ થતો હતો તેમાં પણ એ જ પગલાં લીધા. કૈલાશ એ વાત સારી રીતે જાણતા હતા કે બાળ મજુરી નો રાક્ષસ વિકાસશીલ દેશોને જેટલો ભરડામાં લે છે એટલો જ વિકસિત દેશો ને પણ ભરડે છે. તેમને આ બાબતમાં આંતરરાષ્ટ્રીય કાયદાની જરૂર લાગી. 1996 માં એમણે વિશ્વને એ માટે પ્રસ્તાવ મૂક્યો. એ જ વર્ષે એમણે બાળમજૂરી ના વિરોધમાં ગ્લોબલ માર્ચ આયોજિત કરી. 103 દેશોમાંથી 7.2 મિલિયન લોકો એ માર્ચમાં જોડાયા. આખી દુનિયાના ઈતિહાસમાં આ એક પહેલી ઘટના હતી. એટલુ જ નહીં એ માર્ચમાં બાળકોની સંખ્યા અગાઉ કોઈએ પણ ન જોઈ એટલે અપૂર્વ હતી. બાળકો જ એ માર્ચનાં ખરા હીરો રહ્યા. 2 જૂન, 1998 માં "ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન"એ પોતાના ઇતિહાસમાં પહેલી વાર કૈલાશ સત્યાર્થીને યુનાઈટેડ નેશન્સના જીનીવા હેડક્વાર્ટરમાં પ્રવેશવાની અનુમતિ આપી. બાળકોની સાથે તેઓ ગયા અને એમણે ઓર્ગેનાઇઝેશનને ખરાબ પ્રકારની બાળમજૂરી માટે એક્શન ની માગણી કરી. આખરે એના પર ચર્ચાઓ ચાલુ થઇ. કૈલાશ આટલાથી ના અટક્યાં. એમણે આ કન્વેન્શન માટે 140 દેશોમાં બાળ મજુર વિરોધી કેમ્પેઇન લોન્ચ કર્યું. એ કેમ્પેઇનમાં 14 હજાર જેટલા લોકોનો સાથ મળ્યો. એ જ સાથે એમણે બાળમજૂરીને શિક્ષણ સાથે જોડી "ગ્લોબલ કેમ્પેઇન ફોર એજ્યુકેશન" પણ કર્યું જેમાં તેઓ એનજીઓ, ટીચર યુનિયન્સ વગેરેને એક જ મંચ પર લાવ્યા. એમના પ્રયત્નોથી જ શિક્ષણને મૂળભૂત અધિકારોના લિસ્ટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો. 2000 થી 2014માં બાળમજૂરી ના આંકડાઓ નોંધપાત્ર ઘટયા. વૈશ્વિક બાળમજૂરોની સંખ્યા 250 મિલિયન થી ઘટીને 168 મિલિયન થઈ. એટલું જ નહીં શાળાએ ન જતા બાળકોની સંખ્યા પણ પેલા 168 મિલિયન હતી જે હવે 58 મિલિયન રહી છે. એમને child labour act 1986 ના અમુક મુદ્દાઓ પર સંતોષ ન હતો. એમના પ્રયત્નોથી રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 પસાર થયો અને ચાઈલ્ડ લેબર એક્ટ લુપ્ત થતો ગયો. કૈલાશે ચાઈલ્ડ લેબર એક્ટ મા પણ સુધારા-વધારા કરીને એને પણ બીજા કાયદાઓ જેમ કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, the indian penal code વગેરેની જેમ પસાર કરવાનું સમર્થન માગ્યું. મે 2012માં લેબર અને એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટરે કૈલાશ અને એમની ટીમની એ માંગો ને સ્વીકારી. કૈલાશે કેન્દ્ર સરકાર અને વિપક્ષનાં સતત સંપર્કમાં રહીને સંસદને એ એક્ટ પસાર કરવા માટે હિમાયત કરી. આખરે એમને એમાં પણ સફળતા મળી. એમણે 2014માં વૈશ્વિક સ્તરે "એન્ડ ઓફ ચાઈલ્ડ સ્લેવરી કેમ્પેઇન" શરૂ કર્યું જેમાં એમણે વિશ્વના નેતાઓને પણ હાકલ પાડી. ઘણાં સંગઠનો અને લોકોનો એમાં પણ એમને સહયોગ પ્રાપ્ત થયો. યુકેમાં યુવાયાત્રાથી લઈને ચીલી, પેરુ, પનામા, યુગાન્ડા અને બીજા લેટિન અમેરિકા અને આફ્રિકાના ઘણા દેશોમાં સેમિનારો, ભાષણો અને કોન્ફરન્સો થઈ. એશિયન દેશોમાં પણ કેન્ડલમાર્ચ, સાઇકલરેલી, સ્પોર્ટડેઝ, ચિત્રસ્પર્ધા, લેખનસ્પર્ધા યોજાઇ. બાળમજૂરી અને બાળગુલામી પર આવી ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ. ઓસ્ટ્રેલિયામાં પણ ખાસ જાગૃતિ કાર્યક્રમો થયા. 55 હજાર જેટલા લોકોનો સપોર્ટ મળ્યો અને હજુ પણ આ સપોર્ટ વધતો જ જાય છે. એમની હિંમતે જે કાર્પેટ, બંગડીઓ, ફટાકડા, ખેતી, સાડીભરત વગેરે કામ કરતા હતા એવા હજારો બાળકોને જિંદગી બદલી નાખી છે.

11 સપ્ટેમ્બર 2017 માં એમણે બાળકોની થતી હેરફેર, બાળ મજુરી અને બાળકો સાથે થતા શારીરિક શોષણ વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા "ભારતયાત્રા" કેમ્પેઇન શરૂ કર્યું. કન્યાકુમારીથી શરૂ થયેલ ભારતયાત્રા ભારતના 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રૂટ પર કરવામાં આવી. આ કેમ્પેઇનમાં 5000 જેટલ સિવિલ સોસાયટી ઓર્ગેનાઇઝેશન, 500 જેટલા રાજકીય નેતાઓ, ૬૧૩ રાષ્ટ્રીય સંગઠનો, 300 જેટલા ભારતીય ન્યાયતંત્રના સભ્યો અને 25000 જેટલી શૈક્ષણિક સંસ્થાઓ જોડાઈ. પાંચ દિવસમાં દસ લાખ જેટલા લોકોએ ભાગ લીધો.

બાળકોના બચપણને બહેતર અને બેમિશાલ બનાવવા માટે કરેલા આવા અસંખ્ય કામો બદલ કૈલાશ સત્યાર્થીને ઘણા બધા બહુમાન, સન્માન, પારિતોષિકોથી નવાજવામાં આવ્યા છે, જેનું લીસ્ટ નીચે મુજબ છે:

ક્રમ એવોર્ડ સાલ દેશ

1. હ્યુમેનિટેરીયન 2015 હાર્વર્ડ વિશ્વ વિદ્યાલય એવોર્ડ

2. નોબેલ શાંતિ પુરસ્કાર 2014 નોર્વે

3. ડિફેન્ડર્સ ઓફ ડેમોક્રેસી 2009 યુ.એસ.એ.

4. અલફાનસો કોમિન 2008 સ્પેન

આંતરરાષ્ટ્રીય એવોર્ડ

5. ઇટાલિયન સેનેટનો 2007 ઇટાલી

સુવર્ણચંદ્રક

6. નાયક પુરસ્કાર 2007 અમેરિકા

7. ફ્રિડમ પુરસ્કાર 2006 યુ.એસ.

8. વેલનબર્ગ મેડલ 2002 મિશિગન યુનિવર્સિટી

9. ફ્રેડરિક ઇબર્ટ સ્ટિફટંગ 1999 જર્મની

એવોર્ડ

10. લા હોસ્પિટલ એવોર્ડ 1999 સ્પેન

11. ધ ગોલ્ડન ફ્લેગ એવોર્ડ 1998 નેધરલેન્ડ

12. રોબર્ટ એફ. કેનેડી 1995 યુ.એસ.એ.

માનવાધિકાર એવોર્ડ

13. ધ ટ્રમ્પેટર એવોર્ડ 1995 યુ.એસ.એ.

14. ધ આચનેર આંતરરાષ્ટ્રીય 1994 જર્મની

શાંતિ પુરસ્કાર

15. નિર્વાચિત અશોકા ફેલો 1993 યુ.એસ.

કૈલાશ સત્યાર્થી ભારતના પાંચમા વ્યક્તિ છે જેમને નોબેલ પ્રાઈઝથી સન્માનવામાં આવ્યા છે અને મધર ટેરેસા પછી બીજા વ્યક્તિ છે જેમને શાંતિ માટેનું નોબેલ પ્રાઇઝ મળ્યું છે. કૈલાશ સત્યાર્થીએ 7 જાન્યુઆરી 2015માં એમને આપવામાં આવેલ નોબેલ મેડલ ભારતને સમર્પિત કર્યું. 18 કેરેટ સોનું અને 196 ગ્રામ વજનના એ મેડલને હાલ રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. એમના કામની નોંધ અને સરાહના "વોશિંગ્ટન પોસ્ટ" અને "ન્યુયોર્ક ટાઈમ્સ" જેવા વિશ્વ વિખ્યાત પેપર્સ અને "રીડર્સ ડાયજેસ્ટ" જેવાં મેગેઝીન્સે પણ કરી છે.

હાલ તેઓ પોતાના પત્ની, દીકરો, વહુ, એક પૌત્ર અને દીકરી અને જમાઈ સાથે ન્યુ દિલ્હીમાં રહે છે. મિત્રો જાણીને નવાઈ લાગશે કે તેઓ એક સારા રસોયા પણ છે અને ખુબ જ સારી રસોઈ પણ બનાવી શકે છે. છે ને ખરેખર સુપરહીરો...

દોસ્તો જરા વિચાર તો કરો, તેમણે આજ સુધીમાં 83,000 બાળકોને બચાવ્યાં છે એમાં કેટકેટલી સાઈના નેહવાલ, સાનિયા મિર્ઝા, ગીતા, બબીતા, દીપા, પી.વી. સિંધુ, મીથાલી રાજ, કિરણ બેદી, ચંદા કોચર, ફાલ્ગુની પાઠક, સુનીતા વિલીયમ્સ, કલ્પના ચાવલા કે પછી કેટકેટલા સચિન તેંદુલકર, એ.પી.જે.અબ્દુલ કલામ, ગગન નારંગ, વિરાટ કોહલી, ધોની, મહેશ ભૂપતિ કે રઘુરામ રાજન હશે. એક માણસ તો કોઈ એક ક્ષેત્રમાં જ દેશનું નામ રોશન કરી શકે પણ માનનીય કૈલાશજીએ તો આટલા બાળકોને બચાવી એકીસાથે બહુ બધા ક્ષેત્રોમાં દેશના ભવિષ્યને પ્રખ્યાત કરવાની સંભાવના વધારી દીધી અને પોતે તો દેશનું નામ રોશન કરી જ દીધું. અંતમાં તો એટલું જ કહેવાનું કે દુનિયાના કોઈપણ ખૂણે રહેલા બાળકનું બાળપણ સલામત રહે અને વધુ ને વધુ બહેતર બને. હા, સલામત અને બહેતર ના હોય તો પણ ફિકર નોટ... હવે તો આપણને પણ એવા બાળકોને એમનું બાળપણ પાછુ અપાવાની રેસીપી તો આવડી જ ગઇ છે. રાઈટ ને??

મારા જીવનનો એકમાત્ર ધ્યેય છે કે દરેક બાળક,

બાળક હોવા માટે આઝાદ હોય,

આગળ વધવા અને વિકાસ કરવા આઝાદ હોય,

ખાવા-પીવા અને દિવસની રોશની જોવા માટે આઝાદ હોય,

હસવા અને રડવા માટે આઝાદ હોય,

રમવા માટે આઝાદ હોય,

જોવા, શાળાએ જવા અને બધાથી ઊંચા સપનાઓ જોવા માટે આઝાદ હોય.

- કૈલાશ સત્યાર્થી.

બીજા રસપ્રદ વિકલ્પો