પ્રેમના એ પળ Chapara Bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમના એ પળ

           ઝંંખના અને ઝરણ કૉલેજનાં છેલ્લા વર્ષમાં હતાં. આમ તો બંને નાનપણ થી જ એકબીજાને ઓળખતા હતા. અનાથ આશ્રમ માં એકબીજાના સંગાથમાંં જ દિવસો વિતાવ્યા હતાં.
        જેમ જેમ મોટા થતાં ગયા તેમ તેમ એકબીજા પ્રત્યે ની આશક્તિ વધતી ગયેલી ને ભવિષ્યમાં જીવનસાથી બની જીવનભર સાથે રહેવાનાં સપનાઓ જોયેલા.
           કૉલેજ પૂરી થાય અને કોઈક સારી નોકરી મળી જાય એની જ બંને પક્ષે રાહ જોવાઇ રહી હતી. એ દિવસ ને પણ કયાં જાજી વાર હતી. કૉલેજમાં બંને સારા અંકે પાસ થયા ને સરળતાથી નોકરી પણ મળી ગઈ. 
         કૉલેજનાં થોડા મિત્રોની સાક્ષીએ ઝંખના ને ઝરણ કોર્ટ મેરેજ કરીને પતિ પત્ની બની ગયા. ઝરણને એની કંપની તરફથી મળેલા ફલૅટમાં પોતાની ગૃહસ્થી શરૂ કરી.
           પ્રેમ તો પહેલા થી હતો પણ હવે જાણે જુવાન હૈયાઓ ને પાંખો લાગી ગઈ હતી. એકબીજામાં ખોવાઈ જઈને રાતો ઓગાળતી. ઝંખના પોતાના ગુલાબસા ઔષ્ઠની છાપ ઝરણના મધુરા હોઠો પર છોડે પછી જ ઝરણની સવાર થતી. ઝરણ ઝડપથી ઑફિસ જવા તૈયાર થાય ને ઝંખના એને ભાવતા મનગમતા વ્યંજન બનાવી ટિફિન તૈયાર કરતી. સાથે નાસ્તો કર્યા પછી ઝરણ ઝંખના ના કપાળે મધુર ચુંબન આપી ઑફિસ જવા રવાના થતો. 
          ઝંખના ને પણ નોકરી કરવાની ઈચ્છા હતી પણ ઝરણે એમ કહી ને ના પાડેલી કે અત્યાર સુધી બીજાનાં જ કામ કર્યા છે. હવે એને પોતાને અને ઝરણ ને સંભાળે. અને એટલે જ ઝંખના એ નોકરી કરવાનું માંડી વાળ્યું હતુંં. ધીમે ધીમે ઘરનાં કામ આટોપી ને પછી આસપડોશ માં થોડી ઓળખાણ થાય એ હેતુ થી  એના ઘરની નજીક આવેલા ગાર્ડનમાં ટહેલવા જતી.અને એમ પણ ઝરણનાં ગયા પછી એને ઘર ખાલી ખાલી લાગતું. ઝરણ પણ આખો દિવસ ઑફિસનાં કામ માં ડૂબેલો રહેતો. કામની વ્યસ્તતા વચ્ચે થોડો સમય કાઢી પોતાની પ્રિયતમાને યાદ કરી લેતો ને આઈ લવ યુ ના મેસેઝથી ઝંખનાના રૂપાળા ચહેરા પર સ્મિત રેલાય જતું.
           સાંજે છ ના ટકોરે ઝરણ ઘરે આવે ને ઝંખના એને ભેટી પડે. જાણે વિખૂટા પડેલા પ્રેમી પંખીડા વર્ષો બાદ મળ્યા ન હોય એમ થોડો સમય એકબીજાના આલિંગન માં જ વહી જતો. ઝંખના ના હાથની રસોઈ જમ્યા બાદ બંને મળીને બધુ કામ આટોપે છે.  કયારેક સાથે બેસીને કોઈ ફિલ્મ  જોવે કે પછી હાથોમાં હાથ ભેરવી ને લટાર મારવા નીકળી પડે. કોઈક વાર આઈસક્રિમ સ્ટૉલ જોઈને બેઉ દોટ મૂકે તો કયારેક ગરમ ચાટ મસાલા જોઈને. પૂરી સોસાયટી એમના પ્રેમને જોઈ રહે અને એ બંને પોતાના માં જ ખોવાઈ રહે. જાણે એ બે સિવાય આસપાસ કોઈ છે જ નહીં. ને વળી પાછી રાત એકબીજામાં ઓગળવા થનગની ઊઠે.
         આમ જ સમય પસાર થતો જાય છે......
         
          આ અરસા મા એમના બાજુના જ ખાલી પડેલા ફલૅટ માં એક યુવાન રહેવા આવે છે. મોહક સ્મિત નો એ માલિક છે. એનુ સ્મિત જોઈને જ કદાચ એનું નામ સ્મિત પડ્યું હશે. સ્મિત ઝરણની જ કંપનીમાં હાલમાં જ જોડાયો છે. ને કંપની તરફ થી જ એ ફલૅટ મળ્યો હોવાથી ત્યાં રહેવા આવી ગયો છે.  પોતાનું આખુ ભર્યુ ભર્યુ કુટુંબ ગામમાં છે. પણ શહેરમાં નામનુંય કોઈ સગું નથી. પણ મિત્રોની ભરમાર છે. જેમાં હવે ઝંખના ને ઝરણ નો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે. 
           ઝરણ સાથે કામ પર જવુ ને આવવુ. અને આવીને પોતાના ફલૅટ પર જઈ ફ્રેશ થવુંં. ને પછી ઝંખના અને ઝરણ સાથે જોડાઈ સાંજના ભોજન સુધી જોડાઈ રહેવુ,  વિકેન્ડમાં નવી જગ્યાએ ફરવુ  આ એમનો નિત્યક્રમ બની ચુક્યો હતો. 
          સ્મિતને જાણે એના કુટુંબી મળી ગયા હોય એવો એહસાસ હતો ને ઝંખના અને ઝરણ પણ આ નવા મિત્રના આગમનથી ખુશખુશાલ હતા. પણ કહે છે ને કે ખુશીઓને છુપાવીને રાખવી જોઈએ, નહીં તો કોઈક ની નજર લાગી જાય છે. એમની સાથે પણ કંઈક એવું જ બનવા જઈ રહ્યું હતું જેનાથી એ ત્રણેય બેખબર હતા.
            ઓફિસમાં ઝરણ અને સ્મિત એક જ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, એવામાં સ્મિતનાં મોબાઈલ પર કૉલ આવ્યો. ઝંખનાનું નામ ફલૅશ થઈ રહ્યું હતું. સ્મિત વાત કરવા ઘડીભર માટે ઝરણથી દૂર ગયો. ઝરણે ઝંખનાનું નામ ફલૅશ થતા જોયેલુ, તે વિચારમાં જ હતો કે મારો મોબાઇલ સ્વિચ્ડ ઑફ છે એટલે સ્મિતના મોબાઈલ પર કૉલ આવ્યો હશે ને હમણાં એના નામની બૂમ પડશે. પણ સ્મિતના અવાજે તેને તન્દ્રામાંથી બહાર કાઢ્યો. સ્મિત કોઈ મિત્ર નો કૉલ હતો એવું જણાવી રહ્યો હતો. ઝરણ ઘડીભર અસમંજસમાં હતો કે શા માટે સ્મિત જુઠ્ઠુ બોલ્યો હશે, ને પછી બધા વિચારો ખંખેરી પોતાના કામે વળગી પડયો. 

             ત્યાર પછીના બે ત્રણ દિવસ થી સ્મિત તબિયત ખરાબ હોવાનું કહી ઑફિસમાંથી જતો રહે છે.  એવા જ એક દિવસે ઝરણને કંપનીના પ્રોજેક્ટ અંતર્ગત બહાર જવાનું થયુંં. એ  દિવસે જ તેણે ઝંખના અને સ્મિત ને શૉપિંગ મૉલ માં દાખલ થતાં જોયા. ઝરણને જાણે તેની દુનિયા પંખીના માળાની જેમ વિખેરાઈ જતી લાગી. તેણે ઝંખનાને કૉલ કર્યો ને એણે કહ્યું કે આજ તે ઘર સફાઈમાં વ્યસ્ત હોવાથી પછી વાત કરશે. હવે ઝરણને તો પોતાની પગ તળે જાણે જમીન સરકી જતી હોય તેવો અનુભવ થયો. એની ઝંખના એને દગો આપે એ વાત જ એના ગળે ઊતરે તેમ ન હતી. તો પછી નજર સમક્ષ જે જોયું એનું શું? 
             ઑફિસ થી ઘરે ગયો પણ બધું જ એમના રૂટીન પ્રમાણે જ ચાલ્યું કયાંય કંઈ અજુગતું ન લાગ્યું. સ્મિતનાં ફલૅટ પર ગયો તો ખૂણામાં થોડી શૉપિંગ બૅગ્સ પડેલી જોઈ. સ્મિતે એના મિત્રો જોડે શૉપિંગ પર ગયા હોવાની  વાત કરી. ઝરણ અંદર સુધી ખળભળી ઉઠ્યો. જેના પર સૌથી  વિશ્વાસ કર્યો એ જ વ્યકિતઓ એને દગો આપી રહ્યા છે એ વિચારે તે કંપી ઉઠ્યો. ખબર નહી કેટલાય વખતથી આ બંને એને દગો આપતા હશે?, હવે આ સત્ય કઇ રીતે બહાર લાવવું?, એને દગો આપનાર ને શું સજા કરવી ? એવા એવા વિચારો એ એના પર કબ્જો જમાવી લીધો.
           બીજા દિવસે ઝરણ આ વિશ્વાસ ઘાતનો અંત આણવાનું વિચારી ને જ ઊઠ્યો હતો. આંખ ખુલી ત્યાં સામે જ ઝંખના એક અપ્સરા સી તૈયાર થઈ ઊભી હતી. પણ આજ એને ઝંખના ની આ ખૂબસૂરતી પર પ્રેમ ન ઊભરાયો. એ તો જાગીને બાથરૂમમાં ભરાઈ ગયો. ત્યાં બહાર થી સ્મિતનો અવાજ પણ સંભળાયો. રવિવારનો દિન હોવાથી બહાર જવાનો પ્રોગ્રામ બનાવેલો પણ ઝરણે વધુ ઉત્સાહ દાખવ્યો નહીં. છતાં કમને તેને જવું જ પડયું. પળેપળ  ઝંખના અને સ્મિતની ક્રિયાઓ નિહાળતો રહ્યો. કયારેક લાગતું કે કંઈક ઈશારાઓ થઈ રહ્યા છે, પણ એની હાજરીથી ફરી તેઓ ઝરણને આનંદિત કરવાનાં પ્રયત્નોમાં લાગી પડતા. આમ આખો દિવસ ઝંખના અને સ્મિતે ઝરણને ખુશ કરવા પૂરેપૂરા પ્રયત્ન કરેલા પણ ઝરણ એ પ્રયત્નો ને ફક્ત વિશ્વાસઘાત જ સમજી રહ્યો. અને મનોમન નક્કી કરી લીધું કે એની સાથે વિશ્વાસઘાત કરનાર સાથે આ એનો છેલ્લો દિવસ હશે.
             એમના એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં પહોંચ્યા તરત જ સ્મિત આગળ નીકળી ગયો ને ઝંખના અને ઝરણ એકલા પડ્યાં. ઝંખના પ્રેમથી ઝરણને વળગી પડી ત્યાં જ ઝરણનો પ્રશ્ન આવ્યો કે આ બધું કયારથી ચાલે છે? પણ ઝંખના એ પ્રશ્ન સમજીને કંઈ જવાબ આપે એના પહેલા જ ઝરણે ઝંખનાના હાથ ને ગુસ્સા પૂર્વક અળગા કર્યા ને એક ધક્કા સાથે ઝંખના નીચે પડી ગઈ. ઝરણે આટલા દિવસથી જે જોયુંં હતું ને મન જે ઝેર ભરી રાખ્યું હતું તે બધું જ ઝેર ઝંખના સામે ઠાલવી દીધું. અને  હંમેશા માટે પોતાની જીંદગીમાંથી બેદખલ થવાનું કહી તે પોતાના એકલાના ફલૅટ તરફ આગળ વધી ગયો. 
            ફલૅટના દરવાજા  પાસે સ્મિત ઊભેલો હતો. ઝંખનાને ન જોતા જેવી ઝંખના વિશે પૃચ્છા કરી  કે તરત ઝરણનાંં ગુસ્સાનો ભોગ બની ગયો. એની દુનિયા ઉઝાડનાર એકમાત્ર સ્મિત જ હતો એમ માની એને પણ કયારેય પોતાનું મોં ન બતાવવા ફરમાન કરી દીધું.  કયારેય કોઈનો ઊંચો અવાજ ન સાંભળનાર સ્મિતને ઝરણની આ વાતો સાંભળી તેની નજરથી દૂર થઇ જવું જ યોગ્ય લાગ્યું.
           જે ફલૅટમાં ઝંખના સાથે ગૃહ પ્રવેશ કર્યો હતો અને મકાન ને એક ઘર બનાવ્યું હતું ત્યાં જવા પગ ઉપડતા ન હતાં. આખી રાત ત્યાં જ વીતી ગઈ.
ઘરમાં પ્રવેશવા દરવાજો ખોલતા જ એના પર ફૂલો નો વરસાદ થયો ને હેપી બર્થડેની મીઠી ધૂન રણકી ઊઠી. ઝરણને યાદ આવ્યુ કે ગઈ કાલ એ તારીખ હતી જે તારીખે દર વર્ષે ઝંખના એનો બર્થડે ઉજવતી હતી. આગળ વધ્યો ત્યાં જ શણગારેલા હૉલમાં વચ્ચે પડેલા ટેબલ પર સુંદર કૅક અને હોલવાઈ ગયેલી મીણબત્તીઓ..આખુ ઘર સુંદર રીતે શણગારેલું હતું. ખૂણામાં  તે દિવસે જોઈલે શૉપિંગ બેગ્સ........હવે ઝરણનાંં મગજ માં થોડો અજવાસ પથરાય છે, થોડા દિવસથી તેણે જે જોયું હતું તે કોઇ વિશ્વાસઘાત નહી પણ એની સરપ્રાઈઝ બર્થડે પાર્ટીની તૈયારી હતી. એ સાથે જ ઝંખના ને અને સ્મિતને જે દર્દ આપ્યુ એની યાદ આવતા જ તે બૅડરૂમ તરફ દોટ મૂકે છે, પોતાની ઝંખના પર જે અવિશ્વાસ રાખ્યો એ બદલ માફી માંગી એને મનાવી  લેવા માટે. પણ આ શું બૅડરૂમમાં ઝંખના નથી,  બૅડરૂમમાં તો શું ઘરમાંં કયાંય પણ નથી. બૅડરૂમમાં બૅડ પર એક સુંદર બોક્ષ હતું. ખોલીને જુએ છે, સુંદર ટી-શર્ટ એક નહીં ત્રણ જેમાંનું એક ખૂબ  નાની સાઈઝનું.  એ ટી-શર્ટ હાથમાં લેતા જ એમાંથી એક કાગળ સરકીને નીચે આવે છે. ઝરણ એને હાથમાં લઈ વાંચે છે. મૅડિકલ રીપોર્ટ, ઝંખના, પ્રેગનન્સિ, પૉઝિટિવ, ઝરણના હાથમાંથી કાગળ ફરીવાર સરકી જાય છે. સાથે જ આંખમાંથી અવિરત આંસું..... દોટ મૂકે પોતાની ઝંખનાને શોધવા, એને મનાવી લેવા, પણ ?????
            ઝંખના મળી નહીં. વિલા મોઢે ઘરે પરત ફરે છે્. અચાનક સ્મિત યાદ આવે છે. તે વહેલા ઑફિસે પહોંચી ગયો છે અને રાજીનામું આપી પોતાના ગામ ભણી રવાના થઈ ચુક્યો છે. અને ઝરણ પાસે રહ્યો છે માત્ર અફસોસ અને યાદો પ્રેમ ના એ પળોની.........
                     સમાપ્ત.