The Accident : પ્રેમના પગલાં 4
" તું પાગલ છો. આટલું દૂર તો કૈં જવાતું હશે?" તું કેમ કરીને જઈશ?" મમ્મી ચીંતા વશ પૂછી રહ્યાં હતાં.
" હા હવે એમાં શું? સૌ જાય છે તેમ હું પણ જઈશ બીજું શું?" મેં કહ્યું.
" પણ તું જ શું કામ?" Deputation order વાંચતાની સાથે પપ્પા બોલ્યા. તેણે શું કામ ને થોડું લંબાવ્યું અને ભાર દઇને બોલ્યા.
"ઓફિસ માં ઘણાં બધાં હશે. કેટલા છે? ગમે તે જશે." મમ્મીની આંખો માંથી મોટા મોટા આંસુ દડવા લાગ્યા.
" વળી આ તો તારી બ્રાન્ચનું કામ પણ નથી" પપ્પાએ બળતામા ઘી હોમી મમ્મીની ચિંતા વધારી
" શું કહ્યું તમે? એની બ્રાન્ચ નું કામ પણ નથી? રહેવા દે ને બેટા, તારે શું પડી છે? કોઇક માટે ભીડભંજક થવાની. તે લોકો કોઈકને શોધી લેશે? એ શું કરશે તે તારો પ્રશ્ન જ ક્યાં છે? નથી જવું." મમ્મી હજી ડુસકા ભરી રહી હતી.
મેં મમ્મીનો હાથ પકડી તેને આશ્વસ્થ કરવા પ્રયાસ કર્યો.
"મમ્મી સંઘર્ષ એ જીવનનો ભાગ છે નૈ?"મેં તેમના હાથ દબાવ્યો.
આખું ઘર સંપૂર્ણ મૌન. એક સ્મશાનવત શાંતી બધાના મનમાં રહેલા તોફાનને પ્રોત્સાહિત કરી રહી હતી.
"તું અપડાઉન કરી શકીશ?"પપ્પાએ પૂછ્યું પરંતુ એક સ્પષ્ટ અણગમો તેના ચહેરા પર હતો.
"હા કરીશ"
"પણ આ એક દિવસ માટે તો નથી ને. તારે કેટલા દિવસ રહેવાનુ છે એ તને ખબર છે ને?" મમ્મીએ ચીંતાનાં સ્વરે પૂછ્યું
"ખબર છે. પણ તમને ખબર છે કે આ કંપની જોઈન કરવા માટે કેટલી મહેનત કરી છે?
"પણ માનવ મારો જીવ તારામાં જ રહેશે."
"ને મારો જીવ તમારામાં રહેશે"
મેં આ family drama આગળ વધારતા કહ્યું "મમ્મી એક વાત કહે શું કોલંબસે જીનોવામાં રહીને આરામથી જિંદગી વિતાવવી જોઈતી કે આમ માથે કફન બાંધી ઘાટ ઘાટ ફર્યો તે સારું હતું?"
"એ લોકોની વાત અલગ છે અને આપણી વાત અલગ. તું એની સાથે ખુદને સરખામણી નહી કર."
"વાત એની એ જ હોય છે મમ્મી. માત્ર પરિસ્થિતિ અલગ હોય છે. દરેક માણસને સમય ઇતિહાસ સર્જવાની તક નથી આપતો સમય અમુક માણસોને જ પસંદ કરે છે"
"હા તો બીજા કેમ નહીં , તું જ કેમ?"
"એ જ તો સવાલ છે .હું તમને પૂછું છું તમે વિચારો આટલા વિશાળ કર્મચારી વર્ગમાંથી હું જ કેમ?"
" તું દોઢ ડાયો છો એટલે, હરખપદુડો"
" નહીં હું એ બધા કરતાં અલગ છું એટલે . તમને ખબર નથી કે તમારો દીકરો કેટલો હોશિયાર થઇ ગયો છે . હવે બધાને ખબર તો પડે કે તમારો નાનો દીકરો શું કરી શકે છે. મારું કૌશલ્ય, મારું જ્ઞાન અને મારી આવડત તપાસવાનો આ શ્રેષ્ઠ મોકો છે. આ મોકો બીજી વાર ક્યારેય નહીં મળે" મેં મમ્મીની આંખોમાંથી આંસુ લૂછતાં કહ્યું.
"અરે તુ અહીંયા બેઠો છું આ તારો ફોન લે ક્યારનો વાગી રહ્યો છે" ભાઈએ મારા હાથમાં મોબાઇલ આપતા કહ્યું.
"બોલો બોલો રાવસાહેબ" મેં ફોન રિસીવ કરતા કહ્યું
"માનવ આપણી બ્રાન્ચનું નામ રોશન કરજે. wish you all the best"
" thank you સાહેબ ચોક્કસ. હું મારી તમામ શક્તિ લગાડીને કામ કરીશ.
"મતલબ 100 ટકા સફળતા" રાવજી સાહેબ બોલ્યા.
"એવું કશું નથી સાહેબ હું તો માત્ર કોશિશ કરું છું.
"OK માનવ take care બાકી મારા લાયક કોઈ પણ કામ હોય તો બેજીજક કહેજે."
"Bye sir" મેં call disconnect કર્યો અને જોયું તો ૫ મિસ્ડ કોલ અને ચાલીસ મેસેજ હતા. તે બધા જ સહકર્મચારીઓના મેસેજ હતા.
"મમ્મીને શું થયું" ભાઈ એ મને પૂછ્યું
મેં પ્રત્યુત્તરમાં તેમના હાથમાં deputation ઓર્ડર મુક્યો .ભાઈ તેને તેજીથી વાંચી ગયા.ઘરનું વાતાવરણ સાવ શાંત થઇ ગયું હતું.
"મમ્મી તને problem શું છે"ભાઈએ પૂછ્યું
"ભાઇ કેટલુ દૂર છે એકલો કેમ જશે?"મમ્મી બોલ્યા
"અરે મમ્મી તે હવે નાનો નથી રહ્યો આ ઓર્ડર જ બતાવે છે કે તે કેટલો મોટો થઈ ગયો છે" ભાઈ એ મારી તરફેણ કરી
"હવે એને સહર્ષ અનુમતી આપ નહી તો બીચારો ત્યાં પણ તારી ચિંતા કર્યા કરશે." પપ્પાએ પણ મારું સમર્થન કર્યું
"જા બેટા રાજીખુશીથી છે અને સફળ થઈને આવજે" મમ્મીના મુખ પર સ્મિત હતું પરંતુ તે ચીંતા મુક્ત નહોતા.
"Dont worry mom હું મારું ધ્યાન હવે રાખી શકું છું"મે મુસ્કુરાઈ ને કહ્યું
***
હું આંખો બંધ કરી સૂવાની પ્રયાસ કરી રહ્યો હતો છતાં નીંદરને અને આંખોને એક વેંત છેટું રહેતું હતું.પથારીમાં વારે ઘડીએ પડખા ફેરવતો હું આવનારી કાલ માટે માનસીક તૈયારી કરી રહ્યો હતો
"શું હું કરી શકીશ?" સાવ તટસ્થ થઇને મેં મારા મનને સવાલ કર્યો.
"હા કેમ નહીં, સમસ્યા કયારેય પણ માણસના આત્મવિશ્વાસથી મોટી હોઈ શકે નહીં." મારામા રહેલા મિસ્ટર પોઝિટિવે કહ્યું.
"અરે તું તારી જાતને અરીસામાં તો જો. વળી પાછો 100 કિલોમીટરનો લાંબો પ્રવાસ, વિચાર હજી એક વાર ફરી વિચાર" ત્યાં તો મિસ્ટર નેગેટીવ વચ્ચે કૂદી પડ્યો
"તોય શું થયું યાર! ભારતમાં એક મોટો વર્ગ up down કરે છે. તું એકલો થોડો છો" મારુ પોઝિટિવ મન ફરી બોલ્યું.
"છતાં પણ દરેક માણસ માનવ જેવો તો નથી જ ને" ખબર નહીં શુ કામ પણ આ નકારાત્મક મન મારો પીછો નથી છોડતું.
"કેમ આપણી ઓફિસમાં શાહ ભાઈ નથી? બિચારા ૫૫ વર્ષની ઉંમરે પણ આટલું અંતરનો રોજ પ્રવાસ કરે છે. હવે તો તેમના મનમાં પણ આ વાત બેસી ગઈ છે કે સંસ્થાએ તેમની સાથે દગો કર્યો છે અને તેમને આ હાલમાં છેલ્લાં પાંચ વરસથી સબડતા રાખ્યા છે. છતાં ક્યારેય પણ તેના ચહેરા પર ઉદાસી જોઈ છે? માનવ એક વૃદ્ધ આદમી up down કરી શકે તો તું કેમ નહીં? “ મિસ્ટર પોઝીટીવ મને મારા લક્ષથી ભટકવા નહિ દેવાની શપથ લીધી હોય તેમ બોલી રહ્યું હતું.
સારું છે માણસ પાસે બે પ્રકારની ઊર્જા હોય છે.નકારાત્મક ઉર્જા અને હકારાત્મક ઉર્જા. નહીં તો વિશ્વનું સ્વરૂપ બહુ બિહામણું હોત. નકારાત્મકતા નું સામ્રાજ્ય કેવું હોત ખબર છે? ઉજ્જડ સામ્રાજ્ય, સર્વત્ર દિવાળીયા લોકો, આશા પણ હતાશ અને સંપૂર્ણ અંધકારમય. પણ સારું છે કે લોકોના દિલમાં ક્યાંક તો હકારાત્મકતા સંતાયેલી હોય છે અને ખરા સમયે તે બોલે છે. અંધારું અમે ગમે તેટલું ઘનઘોર હોય પણ એક નાની અમથી ચિનગારી તેને દૂર કરવા સક્ષમ છે.પરંતુ બધો આધાર આપણા ઉપર હોય છે.આપણે શું પસંદ કરીએ છીએ.
મારામાં ચાલી રહેલા આંતરકલહથી હું થાકી ગયો હતો.આ ગજગ્રાહને રોકાવું હું પથારીમાંથી ઊભો થયો. સાઈડ ટેબલ પર પડેલા સેલ ફોનને ઉપાડ્યો. એક પછી એક મેસેજ વાંચતો ગયો.બધા મિત્રોએ મેસેજ કરેલા.
"ઓલ ધ બેસ્ટ શાહઝાદા, જીતીને જ પરત ફરશો એ તો ખાતરી છે જ પણ જો કોઈ ગમે તો ત્યાંથી શાહઝાદી પણ લેતા આવજો" હિતેશભાઈનો મેસેજ થોડો રમુજી હતો.
હું થોડો સ્વસ્થ થયો એટલે મેં આંખો બંધ કરવાનો પ્રયાસ કર્યો. થોડીવારમાં જ મારો સેલ ફોન રણકવા લાગ્યો. "અરે યાર! અડધી રાત્રે કોણ હશે?" મેં બ્લેન્કેટ હટાવતા કહ્યું.
મોબાઇલની સ્ક્રીન પર mca calling લખાયેલું આવતું હતું.
"માધવી અત્યારે" મેં સ્વગત કહ્યું. "મીસ ચાર્ટડર એકાઉન્ટન્ટ" મેં હસતાં-હસતાં કહ્યું
"Hi માનવ, All the best." માધવી બહુ જ નીચા સ્વરે બોલી રહી હતી.
"Thank you very much dear"
"તો શું છે કાલ માટે તૈયારી?”
"કશું ખાસ નથી બસ 5 વાગ્યે જાગવું પડશે. મુખ્ય તકલીફ એ જ તો છે. આપણે સૂર્યવંશી છીએ. સૂરજદાદા આવીને જગાડે ત્યારે જાગીએ."
"હા બચ્ચું"
"6:30 કલાક વાળી train છે. Train અડધો કલાક મોડી આવે તો આપણે એની રાહ જોઈએ. પરંતુ જો આપણે મોડા પડીએ તો train થોડી આપણી રાહ જોશે!" મેં હસતા હસતા કહ્યું.
"ઓય સ્ટુપીડ તને કોણે કહ્યું કે તું ટ્રેનમાં જવાનો છો?
"મે "
"તો તું સાવ ખોટો છો પાગલ"
"સાચું યાર હું ટ્રેનમાં જ તો જઈશ. તે જ તો સુગમ રહેશે .હા station થી ગામ બહુ દૂર છે. પણ auto કરી લઈશ"
"અરે ડફર, તારા માટે કાર આવશે અને એ પણ વિથ ડ્રાઈવર."
"શું"
"હા સાચુ કહું છું"
"પણ તને કોણે કહ્યું? મને તો કોઈએ કશું કહ્યું નથી"
"બેટા મને બધી જ ખબર છે. તું ખોટું બોલે છો."
"હા તો બોલ, કોણ મોકલે છે કાર વિથ ડ્રાઇવર."
" કાર હશે સફેદ હોન્ડા સિટી અને ડ્રાઈવરનું નામ છે માધવી, માધવી શાહ!
"શું"મારું મોં ખુલ્લું રહી ગયું
"અહીં મારા હોવા છતાં તું ટ્રેનમાં જતો હો તો લાનત છે મારી મિત્રતા પર" માધવી હસીને લોટપોટ થઈ ગઈ.
"ના અને બીજું તારી નોકરી નું શું?"
"હું ક્યારની પાંચ દિવસની લિવ એપ્લિકેશન આપી ચુકી છું. આપણે ત્યાં મારા ફઇના ઘરે રહીશું. હું કાલે વાત કરી લઈશ"
"માધવી તું સાથે આવ તો મને ગમશે. પરંતુ હું તને હેરાન નથી કરવા માંગતો."
"હવે તારે માર ખાવો છે. અને આવું બોલવાની તેને કોણે પરમિશન આપી?"
"અરે યાર એવું નથી પણ બધા મારા સામર્થય પર સવાલ કરે છે. મારે જગતને બતાવવુ છે કે વોટ આઈ કેન ડૂ."
"પણ હું શું કરું યાર, હું તે લોકોમાંથી નથી મને ખબર છે કે તું શું કરી શકે છે. હું માત્ર તારી સાથે ચાલવા માંગું છું."
" હા એ મને ખબર છે પરંતુ પ્લીઝ માધુ, આ વખતે મને મારી રીતે જવા દે. તે બાદ તું કહે ત્યાં હું તારી સાથે આવીશ. I promise, next time ચોક્કસ. હા પૈસા તું લઈને આવજે." મેં મુસ્કુરાઈને કહ્યું.
"OK પરંતુ તેના બદલામાં મને શું મળશે?"
"તંબુરો"
"નહી યાર હું મજાક નથી કરતી"
"બોલને તારે શું જોઈએ છે?"
"એક પ્રોમિસ"
"શા માટે"
"પ્રોમિસ કર કે તું પાંચ દિવસ પહેલા દોઢ ડાયો નહીં થા. મેક્સિમમ સમયનો ઉપયોગ કરીશ અને તારા કામનો યશ બીજા કોઈને હડપી જવા નહીં દે."
"ઓ હો યાર, આ વળી તે શું માંગી લીધું. પણ હું તે માટે પ્રોમિસ કરું છું! હવે?"
"હવે હું રાજી .તું સ્ટેશન પર જા ત્યારે કોલ કરજે હું તને મળવા આવીશ એટલીસ્ટ તને એમાં તો કોઈ objection નહીં હોય."
"ના જરાય નહીં આપણે કાલે મળીએ."
" ઓક બાય, tc, sw,gn" બહુ જ ધીમા સ્વરે એક એક શબ્દ પર ભાર મુકતા તે બોલી
"બાય માધુ"
માધવીના વાર્તાલાપે મારી સમગ્ર સમસ્યાઓને દૂર કરી દીધી. તે મને હંમેશા હકારાત્મક ઊર્જા આપે છે. તેથી હું હવે નિશ્ચિંત થઇને આરામથી સુઈ શકતો હતો.
***
"ચા? સાહેબજી" એક બહુ મધુર સ્વર મારા કાને અથડાયો.વધુ પડતી જિજ્ઞાષા વશ હું સાડા ચાર વાગે ઉઠી ગયો હતો અને બહુ ઉતાવળ કરી તો ભાઈ મને છ વાગ્યે સ્ટેશન પર ઉતરી ગયા હતા.સાવ સુમસામ સ્ટેશન પર કોઈપણ પ્રકારની હલચલ નહોતી. મેં આંખો પરથી હાથ હટાવ્યા. જાણે કોઈએ મને જોરદાર તમાચો નો માર્યો હોય તેવી મુખાકૃતિથી હું મારી નજર સમક્ષ 7-8 વર્ષના લગભગ સાવ અર્ધનગ્ન બાળકને જોઈ લીધો હતો .
"સાહેબ ચા, ચા પીવી છે?" બાળકે બહુ કોમળ હાથથી ચાની ગરમ ગરમ કીટલી બતાવી
"ચા તો પીવી છે ને પણ એક શરત પર"મેં કહ્યું
"શું શરત બોલોને સાહેબ. મારી પાસે ટાઈમ નથી, મોડુ થશે તો મારો શેઠ મને મારશે"
"તારું નામ શું છે"
"રવી, મા-બાપ કે કોઈ બીજા હશે તેણે તો રવિ રાખ્યું હશે પણ અહીં બધા પોન્ટિંગ કહે છે.ખબર નહીં કેમ. શેઠ નો દીકરો કહે છે કે હું કોઈ દડે બેટ રમવા વાળા જેવો દેખાઉં છું." કોઈ પણ એક્સપ્રેશન વગર તે બોલતો ગયો.
"તો રવી મારી શરત એ છે કે તારે મારું મિત્ર બનવું પડશે. મતલબ દોસ્ત બનવું પડશે" થોડો સ્વસ્થ થતા હું બોલ્યો
"ચા પીશો તો દોસ્ત પણ બનીશ એમાં શું?" તે હસ્યો તેના ઉપરના જડબાનો વચ્ચેનો દાંત પડી ગયેલો હતો. તે જોઈને મને પણ હસવું આવી ગયું .
"ઓય મારી હસી નૈ ઉડાડવાની હો"
"સોરી સોરી યાર "હું મારા કાન પકડીને બોલ્યો
"હા વાંધો નહી પણ ચા આપું?"
"આપ, બે ચા આપ. એક મારી અને એક તારી."
"હું હીટરથી બનાવેલી ચા નથી પીતો. હા તમારે ટીપ આપવી હોઈ તો આપજો!" તેના વાક્યમાં મને લાલચ નહોતી જણાતી.
એ બાળકની નિર્દોષતા મારા મન પર ગાઢ અસર કરી ગઈ. તેણે બેંચ પર રહેલી ખાલી જગ્યામાં કાચની નાની પ્યાલી મૂકી જો કે તે પ્યાલી કદાચ લીધી ત્યારે સફેદ અને પારદર્શક હશે પરંતુ અત્યારે તેની આરપાર જોઈ શકાતું નથી. તેણે ચા ભરી.
"લ્યો સા'બ"
"તારે સ્કૂલ નથી જવું? મતલબ નિશાળે?
"બાપ જવા દે તો ને" પોતાના હાથ વડે તેણે લલાટ પર બાજેલા પરસેવાને લૂછતાં લૂછતાં તે બોલ્યો
"કેમ એવું?"
"સા'બ ખોટા સવાલ નૈ" તેણે પોતાનો હાથ પેન્ટમાં લૂછયા.
" અરે આપણે હજી થોડી વાર પહેલા જ દોસ્ત થયાને? હવે દોસ્તને તો કહી શકાય ને. બોલ"
"હા નિશાળે તો જવું છે ને" તે ઘણો વિચારમગ્ન થઈ ગયો હતો. "પણ બાપા કે' છે ગમે તે કરીને પણ દિવસના ૫૦ રૂપીયા આપવાના. જે દિવસે રૂપિયા નહીં તે દિવસે જમવા નહીં મળે. ભૂખ્યા સુઈ જવાનું" તે ઉદાસ ચહેરે લગભગ આત્મગત બોલી રહ્યો હતો.
"તો મમ્મી કાંઈ નથી કહેતી?'' મેં તેના માથા પર હાથ મુક્યો.
“બાપા કે' છે કે તુ પનોતી છો તે પૈદા થતાની સાથે જ તારી માઁ નો જીવ લીધો. બાપા હમેશા મને અભાગીયો જ કે' છે. હે દોસ્ત ઇ અભાગીયો શુ કેવાય?
તેણે નિર્દોષતાથી પૂછેલા પ્રશ્નનો ઉત્તર દેવાની હિંમત કદાચ આખા જગતમાં કોઈની પાસે નહીં હોઈ.
"ચા ના કેટલા થયા?"મેં જવાબ દેવાનું ટાળ્યું અને સવાલ કર્યો.
"૧૦ રૂપીયા' મારા વોલેટ સામે જોઇને તે બોલ્યો.
મેં ૨૦ રૂપીયાની નોટ તેના હાથમાં મૂકી. તેણે ચાની કીટલી મારા હાથમાં પકડાવી અને પોતાના ખિસ્સામાંથી ૧૦ની નોટ કાઢી
"ઓય છોટુ, આ તો તારી ટીપ છે. રાખ યાર"
મેં ચાની પ્યાલી બાજુમાં રહેલા dustbin માં ઊંધીવાળી.
"સા'બ પૈસા વધી પડ્યા છે?" તે મારી સામે એકીટશે જોતો જ રહી ગયો.
"હરામ ખોર, ઠાગાઠૈયા કરે છે, કામચોરી કરે છે" એક માણસ અચાનક આવીને કુમળા ફૂલ જેવા બાળકના ગાલ પર જોરદાર તમાચો મારીને બોલ્યો. જાણે કોઈ માણસ ચાલતાં વાહનમાંથી ફંગોળાઈ જાય તે રીતે બાળક જમીન પર અથડાઈ જઈને બેસી ગયો. તેની પ્યાલીઓ પણ વિખરાઈ ગઈ. તેનું હેમપર તો જાણે ફૂટબૉલના દડાને કોઈ કીક મારે તેમ ગબડતું ક્યાંય દૂર જઈને પડ્યું. કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તેમ તે માણસ બાળકની સામે ટટ્ટાર ઉભો રહ્યો. તેનો દેખાવ પણ અજીબો ગરીબ હતો. તેના ચહેરા પર લઘરવઘર વાળ જાણે કેટલાય દિવસોથી તેણે દાંતીયો પણ નહીં ફેરવ્યો હોય. તેનું કદાવર ધોળું શરીર મેલના કારણે કાળુ થઈ ગયું હોય તેવું લાગતું હતું.તેના મોઢામાંથી પાનનો રસ સરતા સરતા છેક દાઢી સુધી પહોંચ્યો હતો. ગંજી પણ પાન ના પડેલા ડાઘથી રંગાયેલું હતું. ગંજી કરતા મેદસ્વી શરીર મોટું હોવાથી ફાંદ વધુ દેખાઈ રહી હતી. ઉપરથી ઈસ્ત્રી ફેરવેલ પેન્ટ એને સાવ વિચિત્ર લાગતું હતું.
હું કશું સમજુ પહેલા તો તે બાળક ગભરાઈને મારી પાછળ લપાઈ ગયો. મેં મારા હાથમાં તેને વીંટાળી આશ્વસ્થ કર્યો.
"બાપા... કામ.… તો… કરું....જ .....છું.... ને"હજી તેના શબ્દો થોઠવાઈ રહ્યા હતા. માસૂમ બાળક હજી ધ્રુજી રહ્યો હતો.
"તારા ત્રણેય ભાઈઓને જો, કોઈ દિવસ એક પણ ફરિયાદ નથી આવી.એક તો તારાથી પણ દુબળો છે. તોય કામ કરે છે ને?" તેણે પોતાના વાળમાં આંગળીઓ ફેરવતા કહ્યું.
"પણ શેઠ મને મારે છે. ગાળો દે છે. જરાક મોડું થાય તો એના મોઢામાંથી જે નીકળે તે બોલે છે. તેના હાથ માં જે હોય તેનો છૂટો ઘા કરે છે. હું માર નથી ખાઈ શકતો બાપા" બિચારો બાળક હજી હીબકા ભરી રહ્યો હતો.
"કામનો કર તો મારે જ ને. શેઠ થોડો તને ચાટવાનો હતો. અને આમ વેવલો થા મા. શુ શેઠ તને સવારે ૬ થી સાંજના ૬ ના ૩૦ રૂપિયા અમથા થોડી આપે છે. કામ તો કરવું જ પડશે.
"બાપા...." ગાલ પર આવી ચડેલા આંસુ લુછતા લુછતા તે બોલ્યો.
"ચુપ થા બિલકુલ ચૂપ. હવે આ તારું રોજનું નાટક થઈ ગયું છે. છેલ્લા બે મહિનાથી આવું જ થાય છે. શેઠ બિચારા ખુદ આવ્યા હતા. બપોરે મારી આંખ હજી માંડ મીંચાણી કે તારી કાણ સાંભળવાનો વારો આવ્યો . એકને એક વાત માટે શેઠ ને વારે વારે આવવું પડે? એટલે જ આજે હું જોવા નીકળ્યો કે લાડ સાબ શું ખેલ કરે છે. જો હવે તારી એક પણ ફરિયાદ આવે તો તને જીવતો સળગાવી દઈશ. અભાગીયો ચેનથી સુવા પણ નથી દેતો. જીવતો બાળવો છે આ અભગિયાને." જાણે કોઈ સાંભળે કે ન સાંભળે એને કોઈ ફરક ન પડતો હોય એ રીતે તે બરાડો પાડતો ગયો અને લાંબા લાંબા કદમ ભેર ચાલતો થયો.
"બાપા... બાપા... બાપા... બાપા... " બિચારો બાળક કણસતો રહ્યો. પણ પેલો માણસ ચાલતો જ રહ્યો ચાલતો જ રહ્યો. તેણે પાછળ વળી એક વાર પણ જોયું નહીં.
"છોડો મને, મારે જવું છે" તે બાળકે બળપૂર્વક મારા હાથ દુર કરી ઉભો થયો. ચાની કીટલી બેંચ પર મૂકી હેમપરમાં કાચની પ્યાલી ગણીને મૂકવા લાગ્યો. આજુબાજુ બધેથી પ્યાલી એકઠી કરીને તે બોલ્યો "આ તો 5 જ થઈ. હજી એક હશે. તે ક્યાં ગઈ હશે." ફક્ત તે સ્વગત બોલતો હોય એવું લાગી રહ્યું હતું.
"આલે તારી એક પ્યાલી મારી પાસે છે બકા" મેં પ્યાલી આપવા માટે મારો હાથ લંબાવ્યો.
તેણે મારા હાથમાંથી ફટાફટ પ્યાલી લઈ લીધી. અને તે હેમપર ગોઠવી ચાલવા લાગ્યો.
"ઓય દોસ્ત ઉભો રે અહીં આવ તો ખરી" મેં તેને બોલાવો પ્રયાસ કર્યો.પરંતુ તે પોતાનું માથું નીચે નમાવીને ધીમે-ધીમે ચાલતો જ રહ્યો. જાણે સુન્ન થઈ ગયો હોય. હું એની અવસ્થાને સમજી શકું છું પરંતુ તેના માટે કશું જ કેમ નથી કરી શકતા. હું પણ એટલો સ્તબ્ધ થઈ ગયો હતો.
કરોડો નો હિસાબ આંગળીના ટેરવે કરનારો માનવ શાસ્ત્રી. આજે સાવ નિષફળ થઇ ગયો હતો. કેમ કે આ બાળક સાંજ પડે એક ટંક જમવા માટે અને મારથી બચવા માટે બાકીના 20 રૂપિયા કેમ અને ક્યાંથી લાવતો હશે. તેનો તાળો કેમ કરી મેળવે તે પણ વિચારી નથી શકતો.
***