અધુરા અરમાનો-૨૬
ઝરણું એટલે કુદરતનું મીઠુ ગાન.
પોતે કુદરતમાં રમમાણ થઈને આપણને મસ્તાન બનાવે છે.
કલકલ કરતું વહેતું ઝરણું રસિક જનોના મન મોહી લેવામાં માહેર છે.
ધોધરૂપે પડતા ઝરણાંની શીતળતામાં નહાવાના અને નવરાવવાના અવનવા ખેલ મંડાણા છે. પાણીમાં ભીંજાયેલા તન-મનમાં અનેક રોમાંચક દશ્યો સર્જ્યા છે. તનની ભીનાશમાં મન પણ પ્રેમથી લથબથ થઈ ગયા છે. જીસ્મની ભીનીભરચક માદકતામાં એવા તો ઘેલા બની ગયા કે કોણ કોનું કપલ છે અને કોણ કોની સાથે ખેલી રહ્યું છે? એનુંયે ધ્યાન રહ્યું નથી. થોડુંક ધ્યાન હતું તો માત્ર કાજલને. એ પણ પૂનમના રામ રમાડી દેવા માટે ઊંડા ધરામાં ફેંકી દેવા માટે જ!
એવામાં અચાનક લાગ મળતાં જ કાજલે છલાંગ મારી, જોરથી ધક્કો માર્યો. સદનસીબે એ પૂનમ નહોતી, સેજલ હતી! તત્ક્ષણ સતર્કતા વાપરીને સૂરજે સેજલનો હાથ ઝાલી લીધો. ને સેજલ આબાદ રહી, નહી તો એકાદ બે વાંસ ઊંડી ખીણમાં સમાઈ ગઈ હોત! હેઠાં બેઠેલા સૌના જીવમાં જીવ આવ્યો. કાજલ અફસોસની મારી હાથ મસળતી બેસી રહી. સેજલ બચી ગઈ કિન્તું એની વીંટી સરકીને ભેખડ કિનારે પહોંચી ગઈ, પડું પડું થઈ રહી. એ વીંટી સૂરજે એના જન્મદિવસે ભેટ આપી હતી. હીરે મઢેલ સોનાની એ વીંટીને પોતાના પ્રેમની અખંડ નિશાની તરીકે જીવનભર સાચવી રાખવાનું એણે સૂરજને અખંડ વચન આપ્યું હતું. સેજલ સઘળું વીસરીને ઊભડક જીવે વીંટીને તાકી રહી. કેમેય કરીને એ વીંટી હાથ લાગે એમ હતી જ નહીં, ને હાથ લાગે તો જીવનું પૂરતું જોખમ હતું.
ગમગીનભરી બેચેનીને વશ થઈ સેજલે સૂરજ તરફે નજર કરી. એની આંખો અપરાધથી દડ દડી રહી. એણે આંખો બંધ કરી. સૂરજનો હાથ છોડાવીને સફાળે એણે વીંટી તરફ ડગ માંડ્યા.
"નહી, સેજલ! બકા નહી! થોભી જા. વીંટી ગઈ તો ભલે ગઈ. તું રોકાઈ જા. આવી એક નહી પણ સો વીંટી લઈ આપીશ, પરંતું અત્યારે થોભી જા." રૂંધાયેલા સાદે સૂરજ પાણીમાં ફસડાઈ પડ્યો. પણ સેજલ સાંભળે શાની? એ તો સૂરજને આપેલ એક એક વચનને પાળવા બંધાયેલ હતી.
કાજલ દોડી.
સેજલને ઝાલી.
એ કેમેય કરીને જીદ છોડવા તૈયાર નહોતી જ. આખરે બધાના દુપટ્ટા અને શર્ટ ભેગા કર્યા. એક છેડો ઝાલીને સેજલે વીંટી તરફ પ્રયાણ કર્યું. લપસણી લીલ અને શેવાળને ભેદતી સેજલ ભેખડ નજીક પહોંચવા લાગી કે સૌના જીવ તાળવે ચોંટ્યા. લોકો પણ આ દશ્ય જોઈ ભય પામ્યા. છતાંય સેજલના દિલમાં કે શ્વાસમાં જરા જેટલોય ફફડાટ નહોતો. એવામાં અચાનક સેજલના પગ તળે આવેલ પથ્થર સરક્યો ને સેજલે સમતોલન ગુમાવ્યું! લોકો ચિત્કારી ઊઠ્યા. સૂરજ ગભરાયો.
આખરે જીવના જોખમે એ જંગ જીતી ગઈ.
મોતને હથેળીમાં રમાડીને, ભયને ઊંડી ખીણમાં પટકીને હેમખેમ વીંટી લઈ આવી. સૌના જીવમાં જીવ આવ્યો. સૂરજ ભીની આંખે સફાળે સેજલને ભેટી પડ્યો.
સુંધામાતાના ધામમાં રાતવાસો કરીને બીજા દિવસે તેઓ માઉન્ટઆબું પહોંચ્યા.
આબું પર્વત એટલે હિમાલયનો નાનો ભાઈ જાણે! અહીં પ્રકૃત્તિ બારેમાસ લીલાછમ્મ વાઘા પહેરી વનદેવીને, પર્વતરાજ આબુને અને અહીં આવનાર સૌને અવનવા રૂપે વધાવતી રહી છે. માઉન્ટઆબુ એ હવાખાવાનું ઠંડું સ્થળ છે. જગતના છેડે- છેડેથી સહેંલાણીઓ સ્વચ્છ અને તાજી હવા ખાવા તથા પ્રકૃત્તિની ગોદમાં મહાલવા આવે છે. અહીના નૈસર્ગિક વાતાવરણની આહલાદકતા જીંદગીભર અતીતના માનસપટ પર સચવાઈ રહે એવી તરોતાજા છે. આબુનો પૌરાણિક ઈતિહાસ અને જહોજલાલી અત્યંત લાંબી અને રસપ્રદ છે. અહીંનું નખી તળાવ માત્ર એક જ રાતમાં ખોદવામાં આવ્યું છે! અને એ પણ નખ વડે! આબુ પર્વત પોતાની ગોદમાં અનેક અમર ઈતિહાસ સંગ્રહીને અડીખમ ઊભો છે. અહીંના 'દેલવાડાના દેરા' ની કલા કારીગરી અને અજરાઅમર ઈતિહાસ જગવિખ્યાત છે.
આબુ પર બારેમાસ વરસાદી માહોલ છે. એના માટે ઘણી લોકવાયકા અને કહેવતો છે. એમાંની એક એ છે કે મેઘરાજા જ્યારે અન્ય સ્થળે મનમૂકીને વરસી રહ્યાં હતાં ત્યારે આબુ રિસાઈ ગયો હતો. એ વખતે ખુશ થઈને મેઘરાજાએ આબુને કહ્યું હતું કે...
"પહેલો વરસું માળવે,
બીજો વરસું ગુજરાત;
આબુ મત કર ઓરતા,
અહીં વરસશું બારેમાસ.."
પેલી પાંચેય જોડીઓનો ત્રીજો દિવસ હતો. મેઘ વસંતના ભીના વધામણા તરીકે ઝીણાં ઝાકળથી આબુને નવરાવીને અટકી ગયો હતો. ખાલી થઈ ગયેલી વાદળીઓ તરસ્યો માણસ જેમ ઑસને ચાટે એમ આબુને ચૂમી રહી. પર્વત પરથી નીચે નજર કરીએ તો લાગતું હતું કે જાણે પૃથ્વી વાદળાઓમાં ડૂબી રહી છે. ચોફેર શબનમના ગઢ જ ગઢ! આબુપર્વત જાણે ઊંચા ગઢ ગિરનારની માફક વાદળથી વાતું કરી રહ્યો હતો. પ્રભાતની રોમાંચક રમણીયતાને માણતા હૈયું જાણે હિમાલય પર પહોંચી ગયું હોય એમ લાગતું હતું. સૌના હૈયા પુલકિત થઈ ઊઠ્યા હતાં. જોબનવંતા હૈયાઓ આવી મોહક તથા માદક જહોંજલાલી પામીને ગેલમાં આવીને થનગની ઊઠ્યા હતાં. પરંતું ખિન્નતાએ પેલી કાજલને આકુળવ્યાકૂળ બનાવી મૂકી હતી. પૂનમનો દાટ વાળી દેવાના એકવારના નિષ્ફળ પ્રયાસથી એનું મોઢું મિયાની મીંદડી જેવું થઈ ગયું હતું. ગમે તે ભોગે એ પૂનમના રામ રમાડી દેવાના કાવતરે આરૂઢ હતી.
કુદરતના ખોળે જઈને બેઠું છે માનવી, છતાંય વેર વાળવાનું ક્યાં વીસરે છે!
માણસ વેરમાં ને વેરમાં ક્યારેક એવી રમત આદરી બેસે છે કે જે ખુદ વિધાતાનેય મંજૂર ન હોય! માણસ, માણસ સાથે તો ઠીક છે પરંતુ ક્યારેક પેલા સ્વર્ગના અધિષ્ઠાતાઓ સામેય પ્રપંચના એવા ખેલ ખેલી બેસે છે કે ખુદ વિધિની આંખોમાંય આંસુઓના મહાસાગર છલકાઈ ઊઠે છે.
વાદળાઓ ધીરે-ધીરે હવામાં ઓગળી જવા લાગ્યા હતા. શબનમ ઉડીને સૂર્યના કિરણોને ચૂમી રહ્યું હતું. પ્રકૃતિબાગ હવામાં લહેરાઈ રહ્યો હતો. પૃથ્વી જાણે નવો જન્મ થઈ રહ્યો હોય એવી દેખાવા લાગી હતી. એ વખતે નખી તળાવમાં નાહી રહ્યાં પછી કાજલ અને પૂનમ સેજલને લઈને ઊંડી ખીણ તરફ પહોંચી ગઈ. એવી અવાવરું જગ્યા કે જ્યાંથી નખી તળાવ તરફ જોઇએ તો માનવી જેવું કોઈ દેખાય જ નહીં. પાછળથી સૂરજ, પ્રિત અને કિશન પણ ત્યાં પહોંચ્યા. કાજલના કહેવાથી બધાએ સંતાકુકડી રમવા માંડી. ઝરણા તરફથી જાળીમાં જે તરફ સુરજ અને પૂનમ સંતાયા હતા એ તરફ કાજલ ઝડપભેર પહોંચી ગઈ. તક મળતાં જ એણે પૂનમને બેય હાથે ઝાલીને જોશથી ઊંડી ખીણમાં ફંગોળી દીધી! સૂરજ આ દ્રશ્યને બાઘાની માફક તાકી રહ્યો. ને પળવારમાં જ એ બેભાન બનીને ધરતી પર ઢળી ગયો, વિખરાયેલા પર્વતની જેમ જ. એ જ ઘડીએ કાજલ 'પૂનમને મારી નાખી, બચાવો.. બચાવો.. દોડૉ દોડો' ની બૂમ બરાડા પાડવા માંડ્યા. સંતાકૂકડી એક બાજુએ મૂકીને બધા ભયભીત હાલતમાં દોડતા આવી પહોંચ્યા. ખીણને કિનારે જઈને જોયું તો એક શિલા પર પડેલી પૂનમના છુંદે છુંદા નીકળી ગયા હતાં. પ્રિત આર્તનાદ પોકારી ઊઠ્યો. પત્નીના મોતમાં બેબાકળો બનીને એ ઝાડના થડે માથું પટકી ને ખુબ ખૂબ રોયો. બાકીના સૌ એને સાંત્વના આપે એ પહેલા તો કાજલ બનાવટી આંસુએ રડતી રડતી કહેવા લાગી, 'સૂરજે પુનમની મારી નાખી', કહેતાં કહેતાં સાવચેતીથી ભોંય પર ઢળી પડી.
પેલું દ્રશ્ય જોઈને સૂરજને માંડ હજુ કળ નહોતી વળી ત્યાં કાજલના મોં એ આવું સાંભળીને એ મૂર્છિત થઈ ફરીથી ગબડી પડ્યો.
સૂરજની બેભાનાવસ્થામાં જ ગુસ્સાથી લાલચોળ બની ગયેલા પ્રિતે એને લાતે લાતે મારવા માંડ્યો. એક મોટો પથ્થર ઉપાડીને એણે સૂરજ પર પછાડ્યો. જો એ વખતે કિશને સુરજને એક તરફ ખેંચી ન લીધો હોત તો સૂરજના પણ પ્રાણ નીકળી ગયા હોત!
પત્નીના ખૂનથી ખૂંખાર બની ગયેલા પ્રીતને બધાએ માંડ વાર્યો.
સુરજ પર કેસ થયો.
ખૂન નો મામલો કોર્ટમાં પહોંચ્યો.
આખરે સાબિતિના નક્કર પુરાવાને અભાવે એને જનમટીપ થઇ. સેજલ અને સૂરજના તો હોંશકોશ ઊડી ગયા. ધરતી માર્ગ આપે તો જમીનમાં ઊતરી જવાય પણ આવી દોષ વિનાની જનમટીપ કેમ કરી સહન કરી શકાય.
સેજલની અતિગંભીર હાલતથી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. એની તબિયત સુધરતા પોલીસ દ્વારા એને એના વતન પાલનવાડામાં પહોંચાડવામાં આવી. કેમેય કરીને એનું હૈયું માનતું ન હતું કે સૂરજ આવો ઘાતકી હોઈ શકે?, જો એ કોઈનું નિર્દયી ખૂન કરી શકે! માનવતાનો ચાહક સુરજ કોઇ કારણ વિના કોઈને કેમ કરી રહેંસી શકે?
આબુ પર, જેલમાં અને બજારમાં પૂનમના ખૂનથી હાહાકાર મચી ગયો.
જેલના સળિયા ગણતો સૂરજ તડપી-તડપીને જનમટીપ ભોગવી રહ્યો હતો. કખૂનનો ખોટો આરોપ મળ્યો કે જન્મટીપની સજા મળી એનું એને જરાય દુઃખ નહોતું, દુઃખ હોતું તો પોતાની પ્રિયતમા સેજલના વિરહીનું. પોતે નિર્દોષ છે અને સેજલ પોતાને ખૂની માનતી થઇ હશે એનુંયે એને જરા પણ દુઃખ નહોતું કિંતુ દુઃખ દર્દ હતું તો માત્ર ને માત્ર પ્રાણપ્યારી સેજલની હાલતથી. પોતાના વિના સેજલ કેવી હાલતમાં જીવતી હશે એ વિચારે જેલના સળિયાઓ પર માથું પટકી પટકીને રડ્યા કરતો.
ઘણીવારે રાત્રે સૂરજના કણસવાનો અવાજ આખી જેલને ધ્રુજાવી જતો.
-ક્રમશ: