ભદ્રમ્ભદ્ર બેઠા મેટ્રોમાં Darshna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભદ્રમ્ભદ્ર બેઠા મેટ્રોમાં

  • ભદ્રંભદ્ર મેટ્રો ટ્રેનમાં બેઠા.
  • અતિશય મનોમંથન કર્યા બાદ ભદ્રંભદ્ર શય્યા પરથી ઉઠ્યા જાણે આર્યધર્મનું અસ્તિતવ આળસ મરડીને બેઠું થયું. આર્યધર્મનું સઘળું ઉત્તરદાયિત્વ પોતાના શિરે હોય અને પોતે તેના એકમાત્ર પ્રતિનિધિ હોય તે રીતે દૈનિક ક્રિયાઓ પતાવવા આગળ વધ્યા. એટલામાં અંબારામે કહ્યું, "પ્રભુ, આજે ઇન્દ્રલોક ખાતે આપે પ્રજાજનોને આર્યધર્મની સંસ્કૃતિ અને વારસા વિષયક વ્યાખ્યાન કરવાનું છે આપને તે વિદિત હશે?" ભદ્રંભદ્રે ઉત્તરમાં ગળામાં રહેલા પાણીનો ગડગડાટ બોલાવ્યો એમ લાગ્યું કે આર્યધર્મનો વિજયનાદ થયો, "હે વત્સ! મને આ વિષય સ્મૃતિ માં લાવીને તે તવકર્તવ્ય પૂર્ણ કર્યું છે તેમજ જો આ કાર્ય મમ અંતરિન્દ્રિય માંથી વિસ્મૃત થાય તો હું દંડપાત્ર બનીશ."
  • આર્યધર્મના કાર્યને નિરંતર તીરવેગી બનાવવા ભદ્રંભદ્ર તેમજ તેમના અધ્યેત્રા અંબારામ દિલ્લી આવી ચડ્યા. સુધારવાદીઓ ને ભોયભેગાં કરવાનું એકમાત્ર પ્રયોજન ભદ્રંભદ્રના હૈયામાં હતું. અંબારામના પિતરાઇ બંધુઓ દિલ્લીમાં સ્થાયી થયેલા અને અંબારામ તેમજ ભદ્રંભદ્રને પરોણાગતિ સ્વીકારવાનું નોતરું આપેલું. ઇન્દ્રલોક ખાતે થનારી સભાની તૈયારીઓમાં અને વિદ્વાન ભદ્રંભદ્રની આગતાસ્વાગતામાં અંબારામ અને તેના બંધુઓ વ્યસ્ત હતા.અંબારામે જોયું કે ભદ્રંભદ્ર હવે દૈનિક ક્રિયાઓ શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ કરી ચૂક્યા હતા. અંબારમે કહ્યું, પ્રભુ દિલ્લીનગરીની જનસંખ્યા તીવ્રવેગે વધી રહી છે. અહી યાતાયાતની મુશ્કેલીઓએ સુધારાવાદીઓના સુધારા કરતાં પણ બમણું જોર પકડ્યું છે આ સમસ્યાનિવારણ કાજે અહીની સરકારે એકી બેકી સંખ્યા આધારિત યાતાયાત નિયંત્રણ યોજના અમલમાં મુકવી પડી. ઇન્દ્રલોક પહોચવા માટે બહુ થોડો સમય રહ્યો છે આપની આજ્ઞા હોય તો આપણે અતિવેગીવિધુતવાહકરથની સફર કરીએ? ભદ્રંભદ્રએ કહ્યું, શિષ્ય, દિલ્લી શબ્દ દેવાલય નો અપભ્રંશ છે આર્યધર્મના શાશકોએ રાજ કર્યું પાંડવોની ઇન્દ્રપ્રસ્થનગરી એ તેનું ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે.યવનો ની સંસ્કૃતિનો નાશ કરવાનું મે પાણિગ્રહણ કર્યું છે માટે લક્ષ્યપ્રાપ્ત કરવામાં વિલંબ થાય એ ઉચિત નહી તેથી અતિવેગીવિધુતવાહકરથ માં પ્રવાસ કરવાનું તવ મંતવ્ય ઉચિત છે. આમ, ભદ્રંભદ્ર મેટ્રો માં સફર કરવા તૈયાર થયા.
  • ભદ્રંભદ્ર અને અંબારામની સવારી ઇન્દ્રપ્રસ્થ મેટ્રો સ્ટેશન પહોચી.અંબારામે વિવેક કર્યો, ગુરુજી, આપ અહી વિરામસ્થળે પાલખી માં બિરાજો.ભદ્રંભદ્ર ના ચરણ ને લઘુતમ કષ્ટ પડે એ હેતુ થી અંબારામ મૂલ્યપત્રિકાવિતરણ ખીડકી પાસે ગયા. ભદ્રંભદ્ર મેટ્રો સ્ટેશનના વેઇટિંગ રૂમ માં બેઠાં. ભદ્રંભદ્રની બાજુ ની બેઠક પર એક કાળો, જાડા કાચ નો ચશ્મધારી વ્યક્તિ ગોળ ગોળ ડોળા નચાવી રહ્યો હતો. તેનું ધ્યાન ભદ્રંભદ્રની શ્યામ રંગની પેટી, કે જેના પર શ્વેત અક્ષરો વડે પ.પૂ.આ.ધ.ઉ. ભદ્રંભદ્ર લખ્યું હતું તેના પર ગયું.તેણે ભદ્રંભદ્રને પુછ્યું, મહાશય, આ તે વળી કઈ ઉપાધિ ..પ.પૂ.આ. ધ.ઉ...!? ડોક ને કષ્ટ ના પડે તે રીતે ભદ્રંભદ્રે આંખોના ડોળા જમણી તરફ ફેરવ્યા ને કહ્યું, હે શ્વાનમુખી અજ્ઞ માનવ! આ ઉપાધિ વિશ્વભર ની સૌથી શ્રેષ્ઠતમ ઉપાધિ છે.આ ઉપાધિ મેળવવા દેવો થનગની રહ્યા છે તેનો ગૂઢાર્થ છે પરમ પૂજ્ય આર્ય ધર્મ ઉપાસક ભદ્રંભદ્ર.શંકાસ્પદ સવાલ કરીને તે તવ યવનત્વ પ્રગટ કર્યું છે માટે તું દંડપાત્ર બન્યો છે હે યવન હું શુભકાર્ય માટે જઈ રહ્યો છુ માટે તને ક્ષમા કરું છુ તેને મારૂ દૌર્બલ્ય ના સમજતો. ધુઆપુઆ થયેલા ભદ્રંભદ્રને જોઈ ને પેલા માણસ ની બાજુમાં બેઠેલા વ્યક્તિ એ કહ્યું, આ માણસ પગલેટ લાગે છે..!
  • એટલામાં અંબારામ આવ્યા એણે ભદ્રંભદ્રને કહ્યું, પ્રભુ અહી મૂલ્યપત્રિકાઓ ને બદલે ધાતુના સિક્કા આપવામાં આવે છે આ ધાતુના સિક્કાઓ પેલા ઉભેલા ચકચકિત સ્તંભમાં સરકાવતાં જ આપણે સ્થાનક માં પ્રવેશી શકીશું. ભદ્રંભદ્રે કહ્યું, આશ્ચર્યચકિત ના થઈશ વત્સ આર્યસંસ્કૃતિના પ્રારંભે સુવર્ણમુદ્રાનો ઉપયોગ થતો , આ રહ્યો યવનોનો યુગ તે ધાતુની મુદ્રા જ હોય ને!
  • ભદ્રંભદ્ર અને અંબારામ આર્યધર્મની વિજયકૂચ માટે આગળ વધતાં હોય એ રીતે એસ્કેલેટર તરફ ગયા.એસ્કેલેટર તરફ આંગળી ચીંધતા અંબારામે ભદ્રંભદ્રને કહ્યું, પ્રભુ આ સ્વયં સંચલિત ઊર્ધ્વગતિ નિસરણીઓ છે તેના પર સ્થિર ઊભા રેહવાથી તે આપોઆપ જ ગંતવ્યસ્થાન તરફ પ્રયાણ કરશે. ભદ્રંભદ્ર બોલ્યા, જોયું વત્સ સુધારવાળાઓની મૂર્ખતાનું પ્રમાણ...આર્યધર્મને વેગ આપવામાં સ્વયં અજાણતા જ સહાયરૂપ બન્યા છે યવનોએ સિદ્ધ કર્યું છે કે એમનો પ્રતિપક્ષ શક્તિશાળી છે. આટલું કહેતાજ ભદ્રંભદ્ર નિસરણી પર એક કદમ માંડવા ગયાને તેમનો એક પગ પેહલે પગથિયે અને બીજો પગ ચાલતા થયેલા પગથિયાં પર અટવાયો. સમગ્ર આત્મબળ જાણે બૂઠું બન્યું ત્યારે શરણાગતિ સ્વીકારવી પડે એવી દશા થઈ.ભદ્રંભદ્રે પૃથ્વીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અંબારામે ભદ્રંભદ્રને ઊભા કરવામાં સહાય કરી અને પૂછ્યું, પ્રભુ આપને વાગ્યું તો નથી ને? ભદ્રંભદ્રે ડોળ કરતાં કહ્યું, વત્સ આર્યધર્મીઓ લક્ષ્યપ્રાપ્તિને બાધક બનતી દરેક સમસ્યાઓને માર્ગેથી દૂર કરે છે.નાની મોટી પીડાઓ ને ગણકારીશું તો ભીતિ છે કે યવનોનું રાજ્ય વિસ્તાર પામશે.
  • આસપાસના લોકો ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા હતા. સવારે કામકાજે જવા માટેનો સમય થઈ રહ્યો હતો. યંત્રવત જીવન જીવતા લોકોને નિહાળી રહ્યા હતા. એટલામાં ટ્રેન આવી. અંબારામ અને ભદ્રંભદ્ર દરવાજા નજીક આવી ઊભા રહ્યાં. દરવાજા આપોઆપ જ ખુલ્યા અંબારામે ભદ્રંભદ્રને કહ્યું, પ્રભુ આ સ્વયંસંચાલિત દ્વાર છે અંદર પ્રવેશ કરીશું? ભદ્રંભદ્રએ ગર્વ થી કહ્યું , વત્સ હું પ્રકૃતિજીત આર્યધર્મી છુ મારી દિવ્યશક્તિઓ ને જોઈ ને સ્વયં દ્વાર પણ ગભરાયા છે અને તેમને ખુલવાની ફરજ પડી છે. આવ ભીતર પ્રવેશ કરીએ. અંબારામ તેમજ ભદ્રંભદ્રે સ્થાન મેળવ્યું.
  • ભદ્રંભદ્રની બાજુમાં એક સોહામણો યુવાન બેઠો હતો. મોબાઇલમાં નેટવર્ક ના મળવાના કારણે તેની પત્ની સાથે વાતચીતમાં ખલેલ પડતી હતી તેણે કહ્યું હલો... હલો...માયા..!! માયા ...અવાજ કપાય છે સ્પષ્ટ નથી સંભળાતું આઇ વિલ કોલ યૂ બૅક.. હલો માયા… માયા.. ભદ્રંભદ્રે અંબારામ ને કાન માં પૂછ્યું, , વત્સ આ માનવના હાથ માં કયું સાધન છે? અંબારામે કહ્યું, ભગવન એ ધ્વનિવાહકયંત્ર છે હજારો જોજનો દૂર બેઠેલા માનવીઓ વચ્ચે વાર્તાલાપ થઈ શકે તે આ યંત્ર થી શક્ય બન્યું. ભદ્રંભદ્ર બોલ્યા, અતિઆશ્ચર્યમ. ત્યાં પેલા યુવાન નો ફોન રણક્યો .હલો ..., માયા...માયાફરી ફોન કટ થાય ગયો. અચાનક ભદ્રંભદ્ર થી બોલી પડાયું, હે ચતુરસુજાણ માનવ ..માયાની માયાને સ્વયં પર સવાર ના થવા દઇશ. તુજ તેજોમય મસ્તિષ્ક જોઈ ને વિદિત થાય છે કે તું પૂર્વજનમે આર્યધર્મી હોવો જોઈએ. આર્યધર્મની માયા નિરાળી છે, અનોખી છે, રસપૂર્ણ છે. ભદ્રંભદ્રને આગળ બોલતા અટકાવીને પેલા યુવાને કહ્યું, પંડિતજી આપનું જ્ઞાન આપની પાસે રાખો.મને આપની આર્યધર્મી માયામાં કોઈ રસ નથી.ભદ્રંભદ્રનો ક્રોધાગ્નિ સાતમે આસમાને હતો એમ લાગતું હતું કે પેલા યુવાનને હમણાંજ ભસ્મીભૂત કરશે.પરંતુ સામે ગણવેશધારી મનુષ્યો ને જોતાં જ ભદ્રંભદ્રને ક્રોધ પર કાબુ રાખવો પડ્યો.
  • અંબારામની સામેની સીટ પર એક યુવતી બેઠેલી તે મોબાઇલમાં હેન્ડ્સફ્રી ભરાવી ને સંગીતને તાલે પોતાનું શિર હલાવતી.આ જોઈને ભદ્રંભદ્રે અંબારામને કાન માં ફૂક મારી કહ્યું, શિષ્ય પેલી કન્યા મારા વ્યાખ્યાનથી પ્રભાવિત થઈ ને શિર નચાવી રહી છે તેને આર્યસંસ્કૃતિ વિષે થોડું જ્ઞાન દઈએ તો સભામાં આવનારા સમર્થકો ની સંખ્યા વધે તારું શું મંતવ્ય છે? અંબારામ મૂછમાં હસ્યાં ને કહ્યું, પ્રભુ તેણે કરમુક્તધ્વનિયંત્ર લગાવેલું છે યંત્ર દ્વારા ધ્વનિયંત્ર માં રહેલો ધ્વનિ દોરીઓ માથી થઈને સાંભળનારના કર્ણ સુધી પહોચે છે આ યંત્ર દ્વારા કર્ણસુખ ની પ્રાપ્તિ થાય છે. સુધારાવાળાઓ ની શોધ નાવીન્યસભર છે ગણનયંત્ર , પરિગણક યંત્ર એમની નવી શોધ છે. ભદ્રંભદ્ર ભોઠાં પડ્યાં.તેણે કહ્યું, સુધારવાળાઓ અસંખ્ય આવિષ્કારો કરે તો પણ આર્યધર્મને તોલે આવવું અશક્ય છે વત્સ.
  • એટલામાં ટ્રેન માં ઘોષણા થઇ...અગલા સ્ટેશન ઇન્દ્રલોક ...ઇન્દ્રલોક આવ્યું...સ્વયંસંચાલિત દ્વાર ઉઘડયા.ભદ્રંભદ્ર અને અંબારામે ઇન્દ્રલોક તરફ પ્રયાણ કર્યું. ભદ્રંભદ્રના શિરે શિખા હીચકાની માફક જુલતી હતી જાણે આર્યધર્મ ની વિજયપતાકા લહેરાઈ રહી હોય.
  • ***