બંસરી Rudri Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બંસરી

      બંસરી ને વાતો કરવાની ખૂબ જ આદત હતી. તેનો પતિ આનંદ એકદમ શાંત સ્વભાવનો હતો પરંતુ બંસરી ને સતત કંઈકને કંઈક બોલવા જોઈએ. તેની વાતો માં એટલી મીઠાશ હતી કે તે શાંત માણસને પણ બોલતા કરી દેતી. આનંદનો લિસનિંગ પાવર સારો હતો અલબત્ત બંસરી સાથે રહીને કેળવી લીધો હતો.સવારે સાથે ચા પીતા પીતા બંસરી એટલી સરસ વાતો કરે કે ઘર ભર્યું ભર્યું લાગે. દિવસની શરૂઆત જ મોજથી થાય. ઘરમાં કામ કરવા આવતા બહેન સાથે બંસરી એટલી વાતો કરે કે થોડી વાર તો તે માલિકણ છે એ પણ ભૂલી જાય. એની પાસે વાતો કરવાના અવનવા વિષયો તૈયાર જ હોય. વિષયોનું પણ ખાસ મહત્વ નહિ પરંતુ બંસરી નુ દિલ જ એટલું ચોખ્ખું કે સામેવાળા નું દીલ પણ વાતોવાતોમાં દુઃખ કઢાવીને ચોખ્ખું કરી દે. ક્યારેક તેનો પતિ આનંદ મજાકમાં કહેતો પણ ખરા કે બંસરીના સૂર સાંભળવા કોને ના ગમે પણ એ બંસરી તું થાકતી નથી ?! ત્યારે બંસરી પણ જવાબ આપી દેતી કે આ બંસરી જો વાગે નહીં ને તો થાકી જાય. સવારે ચા નાસ્તો કરીને, બપોરનું ટિફિન લઈને આનંદ ઓફિસે જતો રહે પછી બંસરી ઘરમાં સાંજ સુધી એકલી પડી જતી. પરંતુ પાડોશીઓ સાથે તેને સુમેળ હતો. તેના ફ્લેટ માં ના દરેક ઘરોમાં તે બેસી આવે, સુખ દુઃખની વાતો કરી આવે, કોઈને કામવાળીની કે રસોઈવાળાં બહેન ની જરૂર હોય તો શોધી આપે, નવા રહેવા આવ્યા હોય તો ક્યાં શું મળે છે તેની સાચી માહિતી આપે. તેના ફ્લેટમાં અને સામેની લાઈનના ફ્લેટમાં દરેક વ્યક્તિ જાણતા હતા કે બંસરી ને બોલવા બહુ જોઈએ. શાકવાળા આવે ત્યારે પંદર-વીસ મિનિટ ઉભી રહે. સૌ સાથે હસી મજાક કરે. તેના અવાજમાં ખૂબ મધુરતા હતી. અને બોલવામાં લગીરે કટાક્ષ કે અવળવાણી નહીં. કોઈ વિશે બહુ જાણી લેવું એવું પણ નહીં. બસ તેને બોલવું ગમે અને તેની પાસે બધાને વ્યક્ત થવું ગમે. ના બોલતા હોય તેને પણ બંસરી પાસે બોલવું ગમે. ઘણી સ્ત્રીઓ તેને વાતવાતમાં મનની વાત કહી દેતી. કોઈ કોઈ સ્ત્રીઓ રડી પણ પડતી. બંસરી સૌનું સાંભળે અને સૌ બંસરી નું સાંભળે. ક્યારેક કોઇને સાચી સલાહ પણ એ આપતી. એક દિવસ એવું થયું કે 7:00 વાગ્યે આનંદ આવ્યો.બે-ત્રણ ડોરબેલ વગાડી પણ બંસરીએ દરવાજો ન ખોલ્યો. આનંદએ ખૂબ ખખડાવ્યું પછી ધીમે ધીમે માંડમાંડ બંસરી એ દરવાજો ખોલ્યો. તે થોડા સમય પહેલા ઘરમાં જ બેભાન થઈને પડી ગઈ હતી. આનંદને ખૂબ ચિંતા થઇ.તે તુરત જ બંસરી ને હોસ્પિટલમાં લઇ ગયો. થોડીવાર બાદ ડૉકટરે ખુશીના સમાચાર આપ્યા કે બંસરી મમ્મી બનવાની છે. આનંદ તો આ સમાચાર સાંભળીને એટલો ખુશ થઈ ગયો કે તેની આંખમાં પાણી આવી ગયા. પાણી વાળી આંખે જ બંસરી પાસે જઈને ખૂબ વહાલથી કહ્યું કે તુ જેની રાહ જોતી હતી તે ન્યુઝ સંભળાવુ ?? તારી સાથે 24 કલાક વાતો કરવાવાળા મહેમાન ટૂંક સમયમાં આપણા ઘરે આવવાના છે, તું મમ્મી બનવાની છે. બંસરી તો ભાવવિભોર બની ગઈ. તે એના પેટ પર હાથ ફેરવવા લાગી અને વાતો કરવા લાગી કે ક્યારે આવો છો અહીં ??? ચાર વર્ષથી આ સમાચારની રાહ જોઈને બેઠેલી બંસરી હવે તો એકદમ ખુશ રહેવા લાગી. આનંદ બંસરીને મજાક-મજાકમાં કહી દેતો કે બસ મારે થોડો સમય જ તારી વાતો સાંભળવાની છે પછી તો ચોવીસ કલાક બંસરીના સૂર સાંભળવા વાળુ ઘરમાં જ આવી જશે. તું અને તારુ બાળક બોલ બોલ કર્યા કરજો, હું મારું કામ કરીશ. આનંદ એ તો નામ પણ વિચારી રાખ્યું કે જો છોકરી આવે તો 'શ્રુતિ' અને છોકરો આવે તો 'શ્રવણ'. બંસરી નો ચહેરો ખુશીથી છલકાવા લાગ્યો. અને તેની નિત નવી વાતો માં ઉમંગ જ ઉમંગ જોવા મળતો. પડોશની સ્ત્રીઓ પણ કહેવા લાગી કે હવે બસ થોડા સમય પછી તો તમને અમારી સાથે વાતો કરવાનો સમય જ નહીં મળે.બાળક સાથે વાત કરવાનો આનંદ જ અનેરો હોય છે. આખરે એ દિવસ આવી જ ગયો. નવ માસ પછી બંસરીને હોસ્પિટલમાં દાખલ કરી. હમણાં જ બાળકના રુદન સાથે સારા સમાચાર આવશે તેની રાહ જોઇ આનંદ આખી રાત ઉભો જ રહ્યો. આનંદ ને લાગ્યું કે જિંદગીના આ સમયમાં આતુરતાની જે પરીક્ષા થાય છે તેવી ક્યારેય થતી નથી. થોડા સમય પછી ડોક્ટરે સમાચાર આપ્યા કે આપને પુત્રી જન્મી છે પરંતુ ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે તે બહેરી-મૂંગી જન્મી છે.જન્મ સમયે રડી જ નહીં.આથી અમે તરત પીડિયાટ્રીશનને બોલાવ્યા. તેમણે કહ્યું કે આ ચાઈલ્ડ ની સ્વરપેટી જ નથી તથા કાન અને ગળા ને જોડતી નળી પણ નથી.આથી એ સાંભળી નહી શકે અને બોલી પણ નહી શકે. આ સમાચાર સાંભળીને આનંદના તો હોશ જ ઉડી ગયા. થોડી ક્ષણો તો એને ટેન્શનને લીધે ચક્કર આવી ગયા પણ ફરીવાર સ્વસ્થ થઈને વિચારવા લાગ્યો કે બંસરી ને આ સમાચાર કઈ રીતે આપવા ? તે સાંભળી શકશે ? પણ જાણ તો કરવી જ પડશે ને ! તે હિંમત કરીને બંસરી પાસે ગયો.તેણે બાળક અંગેની બધી જ સાચી વિગત જણાવી દીધી. બંસરી ને ખુબ દુખ થયું પરંતુ બીજી જ ક્ષણે બંસરીએ જે હકારાત્મક વાતો કરી તે સાંભળીને આનંદ ને આશ્ચર્ય થયું.બંસરીએ બેબીને એકદમ નજીક ગોદમાં લઈને આનંદને કહ્યું કે સાંભળી નથી શકતી તો શું થયું જોઈ તો શકે છે ને ? બોલી નથી શકતી તો શું થયું ચાલી તો શકે છે ને ? ભગવાન હાથ-પગ આપ્યા છે અને સૌથી મોટી વાત તો એ છે કે શ્વાસ આપ્યો છે. બંસરીએ તેની બેબીના નાના નાના હાથ હાથમાં લઈને કહ્યું કે, જે હજુ હથેળીઓની રેખા પણ ખોલી ન શકતી હોય તો શું એમની હથેળીઓની રેખા મૂંગી જન્મી છે એમ માનવું ?! એના નાના નાના કાન પાસે હાથ રાખ્યો અને શું રડી શું રડી... આનંદ પણ રડવા લાગ્યો. થોડીવાર પછી તુરંત જ સ્વસ્થ થઈને બંસરી બોલી કે આનંદ, બેબીની બિલકુલ ચિંતા ના કરતો. હું એને સાચવીશ સંભાળી લઈશ. હું શીખી જઈશ deaf and dumb sign language... બંસરીએ તેની બેબીને એકદમ હૂંફમાં લઈ લીધી. બરાબર એ સમયે ડોક્ટર અને સિસ્ટર આવ્યા અને કહ્યું કે તમે વાતો ના કરો, આરામ કરો. આનંદ શૂન્ય મનસ્ક થઈ ગયો હતો. કંઈ બોલી શકે એવી એની હાલત જ નહોતી. બંસરી આનંદની સ્થિતિ પારખી ગઈ અને આનંદ વધુ ઉદાસ થાય એ પહેલાં જ અનેક ઉદાહરણ આપવા લાગી અને કહેવા લાગી કે, 'આનંદ, તને યાદ છે એક દિવસ આપણે ટીવી પર એક પોઝિટિવ story જોતા હતા અરુણિમા સિંહા નામની એક અપંગ છોકરી ની જે કૃત્રિમ પગ પહેરીને એવરેસ્ટ ચડી.તો શું આપણે આપણી દીકરી ની મર્યાદાને ઓળંગી ન શકીએ ?? તે જોઈ શકે છે આથી વાંચી શકશે. ઓનલાઈન બિઝનેસ કરી શકશે. તેના માટે ઉજળા દરવાજા આપણે ખોલી આપીશું. એ પહેલા આપણે એને નોર્મલ બાળકની જેમ જ ભરપૂર પ્રેમ આપી તેને તેનું બાળપણ માણવા દેવું પડશે. આપણે સાથે રહીને એ નોંધ લેશુ કે તેને કયા વિષયમાં રસ પડે છે. આનંદના ચહેરા પર થોડો ઉત્સાહ આવ્યો અને તે બેબીને ગોદમાં લઈ બંસરી ને સાંભળતો જ રહ્યો. બંસરીના આ સૂર તો આનંદે ક્યારેય સાંભળ્યા જ નહોતા !!!
                                  - રૂદ્રી શુકલ 'રીયાઝ'.