Atal Bihari Vajpayee Short Biography books and stories free download online pdf in Gujarati

વ્યક્તિ વિશેષ : અટલ બિહારી વાજ્પાયી

અમર અને અટલ વાજપેયી...

આઝાદ ભારતના સહુથી લોકપ્રિય વડાપ્રધાનોમાંથી એક એવા અટલ બિહારી વાજપેયીનું. પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆતમાં જ પંડિત નહેરુ જેવા દિગ્ગજ રાજનીતિજ્ઞ પાસેથી પોતાનામાં વડાપ્રધાન બનવાના તમામ ગુણ હોવાનું સર્ટીફીકેટ મેળવી ચૂકેલા વાજપેયી ખરેખર એક મહામાનવ હતા. પરંતુ જેમ કાયમ બનતું હોય છે એમ આ મહામાનવના જીવનની સફર પણ એક સામાન્ય પરિસ્થિતિ ધરાવતા કુટુંબમાંથી જ શરુ થઇ હતી.

અટલજીનું કુટુંબ આમ તો ઉત્તર પ્રદેશના બટેશ્વર નામના એક નાનકડા ગામ સાથે સંબંધ ધરાવતું હતું પરંતુ અટલજીના દાદાએ આ ગામ છોડીને મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં વસવાટ કરવાનું પસંદ કર્યું. ગ્વાલિયરમાં પંડિત શ્યામલાલ વાજપેયી અને ક્રિશ્ના બિહારી વાજપેયીને ત્યાં ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪માં અટલ બિહારી વાજપેયીનો જન્મ થયો હતો. બાળપણથી જ અટલજી ભણવામાં હોંશિયાર હતા અને ગ્વાલિયરના સરસ્વતી શિશુ મંદિરથી તેમની શિક્ષણ યાત્રા શરુ થઇ અને તેમણે કોલેજનું શિક્ષણ હાલમાં જેને લક્ષ્મી બાઈ કોલેજ તરીકે ઓળખવામાં આવે છે એવી ગ્વાલિયરની વિક્ટોરિયા કોલેજમાં લીધું.

कौरव कौन

कौन पांडवटेढ़ा सवाल हैदोनों ओर शकुनिका फैलाकूटजाल हैधर्मराज ने छोड़ी नहींजुए की लत हैहर पंचायत मेंपांचालीअपमानित हैबिना कृष्ण केआजमहाभारत होना है,कोई राजा बने,रंक को तो रोना है

રાજકારણ પ્રત્યે અટલજીને કદાચ પહેલેથી જ રસ હતો અને આથીજ તેમણે પોલિટીકલ સાયન્સ સાથે MA કરવાનો નિર્ણય લીધો. આ માટે અટલજી તેમના વતનના રાજ્ય ઉત્તર પ્રદેશ ગયા અને કાનપુરની પ્રખ્યાત DAV કોલેજમાંથી ફર્સ્ટ ક્લાસ સાથે MAની ડિગ્રી મેળવી.

અટલ બિહારી વાજપેયીને તેમના વડાપ્રધાન કાર્યકાળ દરમ્યાન કટ્ટર હિન્દુત્વનો કોમળ ચહેરો ધરાવતા વ્યક્તિ કહીને તેમની ટીકા કરવામાં આવતી હતી. પરંતુ આપણને એ જાણીને આશ્ચર્ય થશે કે છેવટે જમણેરી વિચારધારા ધરાવતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે જોડાયેલા અટલજી કિશોરાવસ્થામાં માર્ક્સવાદથી પણ પ્રભાવિત થયા હતા. એક ઇન્ટરવ્યુમાં અટલજીએ કહ્યું હતું કે તેઓ જ્યારે ગ્વાલિયરની આર્ય કુમાર સભાના સભ્ય બન્યા ત્યારે સત્યાર્થ પ્રકાશ અને દાસ કેપિટલ એકસાથે વાંચતા.

કદાચ છેવટે અટલ બિહારી વાજપેયી આર્ય સમાજ અને હિંદુ ધર્મના રંગે પૂરી રીતે રંગાઈ ગયા અને ૧૯૪૪માં આર્ય સમાજના જનરલ સેક્રેટરી બન્યા. પરંતુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે અટલજીને તરત ઘણા સમય અગાઉજ આકર્ષિત કર્યા હતા અને બાબાસાહેબ આપ્ટેના કહેવાથી તેમણે ૧૯૩૯માં RSS સાથે સંબંધ બાંધ્યો જે મૃત્યુપર્યંત તેમના આત્મા સાથે જોડાયેલો રહ્યો હતો. શરૂઆતના ચાર થી પાંચ વર્ષ અટલજી સંઘના પ્રચારક રહ્યા અને ત્યારબાદ આઝાદીના વર્ષે તેઓ પૂર્ણ કાર્યકર્તા બની ગયા.

ऊँचाई के साथ विस्तार भी हो

ज़रूरी यह है किऊँचाई के साथ विस्तार भी हो,जिससे मनुष्य,ठूँठ सा खड़ा न रहे,औरों से घुले-मिले,किसी को साथ ले,किसी के संग चले।भीड़ में खो जाना,यादों में डूब जाना,स्वयं को भूल जाना,अस्तित्व को अर्थ,जीवन को सुगंध देता है।

આઝાદી મળ્યા બાદ પડેલા ભાગલાની અસર અટલજીના અંગત જીવન પર પણ પડી, તેમને પોતાનો આગળનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો. સંઘને અટલજીમાં રહેલી પ્રતિભાનો કદાચ ત્યારેજ ખ્યાલ આવી ગયો હશે અને દીન દયાળ ઉપાધ્યાયે અટલજીને પોતાના અખબાર રાષ્ટ્રધર્મમાં કાર્ય કરવા માટે રોકી લીધા. આ ઉપરાંત અટલજી આ સમયે ઉત્તર પ્રદેશ જે એ સમયે યુનાઇટેડ પ્રોવિન્સ તરીકે ઓળખાતો હતો ત્યાં વિસ્તારકનું કાર્ય પણ કરવા લાગ્યા.

મહાત્મા ગાંધીની હત્યા બાદ ૧૯૪૮માં સંઘ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. સંઘે પણ પોતાનું સંગઠન જાળવી રાખવાના પૂરતા પ્રયાસો કર્યા અને અટલજી ફરીથી દીન દયાળ ઉપાધ્યાય સાથે ભારતીય જન સંઘ નામના નવા રાજકીય પક્ષ સાથે જોડાયા. પક્ષમાં અટલજીને ઉત્તર ભારતની જવાબદારી આપવામાં આવી. અહીં અટલજી અને શ્યામા પ્રસાદ મુખરજીની દોસ્તી થઇ અને મજબૂત બની. ૧૯૫૪માં જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં બિન-કાશ્મીરી ભારતીયો સાથે થતા અનુચીત વ્યવહારના વિરુદ્ધમાં મુખરજી ઉપવાસ પર બેઠા ત્યારે અટલજી એમની સાથેજ હતા, પરંતુ અચાનક જ ઉપવાસ દરમ્યાન શ્યામા પ્રસાદ મુખરજીનું મૃત્યુ થયું અને અટલજીએ પોતાનો ખાસ મિત્ર ગુમાવ્યો.

અટલજી ૧૯૫૭ની લોકસભા ચૂંટણીઓમાં મથુરા અને બલરામપુર એમ બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા. મથુરામાં રાજા મહેન્દ્ર પ્રતાપ સામે તો તેઓ હારી ગયા પરંતુ બલરામપુરથી તેઓ જીત્યા. લોકસભામાં માત્ર ૩૭ વર્ષના અટલ બિહારી વાજપેયીની વક્તૃત્વશક્તિથી પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ પણ પ્રભાવિત થયા અને એવું કહેવાય છે કે નહેરુએ ખુદ કહ્યું હતું કે, “યે લડકા એક દિન ઝરૂર પ્રધાનમંત્રી બનેગા!”

मौत से ठन गई!

ठन गई!मौत से ठन गई!जूझने का मेरा इरादा न था,मोड़ पर मिलेंगे इसका वादा न था,रास्ता रोक कर वह खड़ी हो गई,यों लगा ज़िन्दगी से बड़ी हो गई।मौत की उमर क्या है? दो पल भी नहीं,ज़िन्दगी सिलसिला, आज कल की नहीं।मैं जी भर जिया, मैं मन से मरूँ,लौटकर आऊँगा, कूच से क्यों डरूँ?

અટલજીની રાજકીય કારકિર્દી ત્યારે ઘેરી બની જ્યારે ૧૯૭૫ની કટોકટી વખતે તેમને પણ દેશના અન્ય મહત્ત્વના નેતાઓ સાથે જેલમાં મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ ૧૯૭૭માં થયેલી સામાન્ય ચૂંટણીઓમાં જનતા પક્ષ અને અન્ય પક્ષોના ગઠબંધનથી બનેલી સરકારમાં અટલજી દેશના વિદેશમંત્રી બન્યા અને યુએનમાં હિન્દીમાં ભાષણ આપનારા તેઓ પ્રથમ ભારતીય નેતા બન્યા. જનતા સરકાર ભલે બે વર્ષમાં તૂટી પડી પરંતુ અટલજી આ બે વર્ષમાં ભારતના ઉંચા કદના નેતા બની ચૂક્યા હતા.

અટલજી વળી કવિ હ્રદયી પણ ખરા અને દેશભરમાં જ્યારે પણ અને જ્યાં પણ એમની સભાઓ ભરાય ત્યારે ફક્ત એમનું નામ સાંભળીને લાખોની સંખ્યામાં મેદની ઉભી થઇ જતી. અમદાવાદનું કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ આવી અસંખ્ય જનસભાઓનું આજે પણ મૂક સાક્ષી છે. રાજકારણમાં હોવા છતાં અટલજી ક્યારેય રાજકારણી બન્યા ન હતા. જ્યારે દેશ પર મુસીબત આવી હોય, અથવાતો દેશ કોઈ મુશ્કેલીનો હિંમતભેર સામનો કરતો હોય ત્યારે અટલજી જે-તે સમયની સરકારની મદદ માટે સદાય તત્પર રહેતા.

ઇન્દિરા ગાંધીએ જ્યારે પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશનું સર્જન કર્યું ત્યારે અટલજીએ જ તેમને મા દુર્ગા સાથે સરખાવ્યા હતા. તો એ જ ઈન્દિરાજીની હત્યા બાદ તેમના પાર્થિવ શરીરના દર્શન કરવામાં અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં અટલજી સહુથી પહેલા હતા.

આટલુંજ નહીં પરંતુ નરસિમ્હા રાવની સરકાર સમયે યુએનમાં પાકિસ્તાન જ્યારે માનવતાના મુદ્દે કાશ્મીર અંગે ઠરાવ લઈને આવ્યું ત્યારે તે સમયના વિદેશ રાજ્યમંત્રી સલમાન ખુર્શીદ સાથે નરસિમ્હા રાવની વિનંતીને માન આપીને અટલજી ખુદ યુએન ગયા અને બાકીના સભ્યોને આ ઠરાવ વિરુદ્ધ મતદાન કરવા સફળતાપૂર્વક સમજાવ્યા. ભારતની રાજકીય નેતાગીરીની એકતા જોઇને ડઘાઈ ગયેલા પાકિસ્તાનના મિડીયાએ પણ એ સમયે અટલજીના વખાણ કર્યા હતા.

खून क्यों सफेद हो गया?भेद में अभेद खो गया.बंट गये शहीद, गीत कट गए,कलेजे में कटार दड़ गई.दूध में दरार पड़ गई.खेतों में बारूदी गंध,टूट गये नानक के छंदसतलुज सहम उठी, व्यथित सी बितस्ता है.वसंत से बहार झड़ गईदूध में दरार पड़ गई.अपनी ही छाया से बैर,गले लगने लगे हैं ग़ैर,ख़ुदकुशी का रास्ता, तुम्हें वतन का वास्ता.बात बनाएं, बिगड़ गई.दूध में दरार पड़ गई.

આ બધા સમય દરમ્યાન ૧૯૮૦માં જન સંઘને વિખેરીને અટલજીએ પોતાના લાંબા સમયના મિત્રો લાલકૃષ્ણ અડવાણી અને ભૈરોસિંહ શેખાવત સાથે મળીને ભારતીય જનતા પક્ષની સ્થાપના કરી અને તેઓ તેના પ્રથમ પ્રમુખ બન્યા. એક સમયે લોકસભામાં માત્ર બે જ સભ્યો ધરાવતા ભાજપે અટલજીની મહેનત અને પ્રેરણાથી ગત લોકસભામાં પહેલીવાર બહુમત બનાવીને એકલેહાથે સરકાર બનાવી. આમ ભવિષ્યની દ્રષ્ટિ ધરાવતા અટલજીને સ્ટેટ્સમેન અમસ્તાજ ગણવામાં આવતા ન હતા.

જો કે અટલજીએ ભારતીય જનતા પાર્ટીને જન્મ આપ્યા બાદ તેને ઉભી કરીને દોડતી કરવામાં પોતાના લોહીપાણી એક કરી દીધા હતા. રામ જન્મભૂમી આંદોલનનો ચહેરો ભલે લાલકૃષ્ણ અડવાણી રહ્યા હતા પરંતુ અટલજીનો સાથ અને રણનીતિમાં તેમનો હિસ્સો નાનોસૂનો ન હતો. કટોકટી બાદ બાબરી મસ્જીદના માળખાના ધ્વંસ બાદ ફરીથી અટલજીને જેલમાં જવાનો વારો આવ્યો.

પરંતુ જ્યારે અટલજી જેલની બહાર આવ્યા ત્યારે ભારતની બહુમતિની માનસિકતા ઝડપથી બદલવાની શરુ થઇ ચૂકી હતી. લઘુમતિના કલ્યાણ નહીં પરંતુ માત્ર તેમની આળપંપાળ કરીને માત્ર વોટ બેન્ક બનાવી રાખવાની રાજકીય ચાલને અટલજીના ભાજપે બહુમતિના અવાજને બુલંદ કરીને તોડવાનો પ્રયાસ કર્યો.

૧૯૮૯માં તો ભાજપ વી પી સિંઘ સરકારમાં ભાગીદાર પણ બન્યું અને આમ ધીરેધીરે પહેલા ગુજરાત, પછી મહારાષ્ટ્ર, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં તે પગ પસારવા લાગ્યું. અટલજીનું કદ ભાજપના કદ સાથેજ વિસ્તરતું અને મોટું થતું ગયું. આ એવો સમય હતો જ્યારે કોઈ એક લોકપ્રિય નેતાની ખોટ કોંગ્રેસ સહીત તમામ પક્ષોને હતી, પરંતુ ભાજપ પાસે અટલ બિહારી વાજપેયી હતા અને એમના ચહેરા સાથેજ ૧૯૯૬માં ભાજપ સહુથી મોટો પક્ષ બન્યો અને અટલજી પહેલીવાર દેશના વડાપ્રધાન પણ બન્યા. ભાજપ લોકસભામાં સહુથી મોટો પક્ષ જરૂર હતો પરંતુ બહુમતી તેની પાસે ન હતી. તેમ છતાં સરકાર બન્યાના તેર દિવસ બાદ, વિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપ્યા બાદ તેના પર મતદાન કરાવ્યા વગર જ અટલજીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

ઘણા લોકો અટલજીની માત્ર તેર દિવસ માટે સરકાર બનાવવાની ટીકા કરે છે, પરંતુ રાજકીય જાણકારો તેને લાંબાગાળાનું રોકાણ ગણે છે. કારણકે આ સમય એવો હતો જ્યારે લોકસભાની કાર્યવાહી ટેલિવિઝન પર નવીનવી ચાલુ થઇ હતી અને અટલજીએ વિશ્વાસના પ્રસ્તાવના જવાબમાં પોતાને જે કહેવું હતું એ બધુંજ કહીને દેશવાસીઓના મનમાં ભાજપની છબી ઉંચી કરી.

मनाली मत जइयोमनाली मत जइयो, गोरी राजा के राज में. जइयो तो जइयो, उड़िके मत जइयो, अधर में लटकीहौ, वायुदूत के जहाज़ में. जइयो तो जइयो, सन्देसा न पइयो, टेलिफोन बिगड़े हैं, मिर्धा महाराज में. जइयो तो जइयो, मशाल ले के जइयो, बिजुरी भइ बैरिन अंधेरिया रात में. जइयो तो जइयो, त्रिशूल बांध जइयो, मिलेंगे ख़ालिस्तानी, राजीव के राज में. मनाली तो जइहो. सुरग सुख पइहों. दुख नीको लागे, मोहे राजा के राज में.

તેર દિવસની સરકાર ચલાવ્યા બાદ ૧૯૯૮માં ફરીથી અટલજી વડાપ્રધાન બન્યા. આ વખતે પણ ભાજપને એકલેહાથે બહુમતી ન મળી એટલે ગઠબંધનથી સરકાર બનાવી. શરૂઆતની વિશ્વાસની વૈતરણી પાર કરી પણ તેર મહિના બાદ સરકારના મહત્ત્વના પક્ષ અન્ના ડીએમકેના સર્વેસર્વા અમ્મા એટલેકે જયલલિતાની મતી ફરી અને એમણે અટલજીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. તેમ છતાં, આ વખતે ગમેતે રીતે વિશ્વાસ પ્રસ્તાવ જીતી લેવાની આશા પ્રબળ હતી, પરંતુ સરકાર માત્ર એક મતે પડી ગઈ.

પરંતુ આ સરકારના સમયગાળા દરમ્યાન બે અત્યંત મહત્ત્વની ઘટનાઓ બની. અટલજીએ હિંમત દેખાડતા અમેરિકન સેટેલાઈટ્સને ગેરમાર્ગે દોરી પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કર્યું. અમેરિકા ઉંઘતું ઝડપાતા તેણે ભારત પર વ્યાપારી અને રક્ષા સંબંધિત મામલાઓમાં પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ આનાથી ભારતને પોતાની રીતે ઉભા થવાની તક મળી.

આ ઉપરાંત કાશ્મીરના કારગીલ વિસ્તારમાં પાકિસ્તાની સેનાએ તેમજ આતંકવાદીઓઓએ ઘુસણખોરી કરી. મહત્ત્વની વાત એ હતી કે આ ત્યારે બન્યું જ્યારે અટલજી અમૃતસરથી બસમાં બેસીને લાહોર ગયા હતા જ્યાં તેમણે નવાઝ શરીફ સાથે વાટાઘાટ કરીને લાહોર ડિક્લેરેશન દ્વારા ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ વધારવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તે સમયના પાકિસ્તાની જનરલ પરવેઝ મુશર્રફને આ ગમ્યું નહી અને તેમણે અટલજીની પીઠમાં ખંજર ભોંક્યું અને કારગીલમાં ઘુસણખોરી કરાવી.

ભારતીય સેનાએ બહાદુરી બતાવતા આ ઘુસણખોરોને મારી મારીને હાંકી કાઢ્યા અને ભારતના ઇતિહાસમાં એક મીની યુદ્ધનું વિજયી પ્રકરણ ઉમેરાઈ ગયું.

कदम मिलाकर चलना होगा

बाधाएं आती हैं आएं

घिरें प्रलय की घोर घटाएं,

पावों के नीचे अंगारे,

सिर पर बरसें यदि ज्वालाएं,

निज हाथों में हंसते-हंसते,

आग लगाकर जलना होगा.

कदम मिलाकर चलना होगा.

हास्य-रूदन में, तूफानों में,

अगर असंख्यक बलिदानों में,

उद्यानों में, वीरानों में,

अपमानों में, सम्मानों में,

उन्नत मस्तक, उभरा सीना,

पीड़ाओं में पलना होगा.

कदम मिलाकर चलना होगा.

उजियारे में, अंधकार में,

कल कहार में, बीच धार में,

घोर घृणा में, पूत प्यार में,

क्षणिक जीत में, दीर्घ हार में,

जीवन के शत-शत आकर्षक,

अरमानों को ढलना होगा.

कदम मिलाकर चलना होगा.

सम्मुख फैला अगर ध्येय पथ,

प्रगति चिरंतन कैसा इति अब,

सुस्मित हर्षित कैसा श्रम श्लथ,

असफल, सफल समान मनोरथ,

सब कुछ देकर कुछ न मांगते,

पावस बनकर ढलना होगा.

कदम मिलाकर चलना होगा.

कुछ कांटों से सज्जित जीवन,

प्रखर प्यार से वंचित यौवन,

नीरवता से मुखरित मधुबन,

परहित अर्पित अपना तन-मन,

जीवन को शत-शत आहुति में,

जलना होगा, गलना होगा.

क़दम मिलाकर चलना होगा.

જો કે વિપક્ષે સરકાર પાડી દીધા પછી પોતાની રીતે બહુમતી ભેગી ન કરી અને અંતે લોકસભાને વિખેરી નાખવામાં આવી અને અટલજીના વડાપ્રધાન પદે જ ચૂંટણીઓ યોજવામાં આવી જેમાં NDAને બેઠકો મળતા પાંચ વર્ષ ભારતને સ્થિર સરકાર મળી.

ભારતને સ્થિર સરકાર તો મળી, પરંતુ આજ વર્ષે કાઠમંડુથી દિલ્હી આવતી ઇન્ડિયન એરલાઇન્સની IC 814 ફ્લાઈટનું પાકિસ્તાની આતંકવાદીઓએ અપહરણ કર્યું અને તેને તાલિબાની શાસન હેઠળના અફઘાનિસ્તાનના કંદહાર લઇ ગયા. લગભગ દસથી વધારે દિવસની વાટાઘાટો બાદ અને અપહરણ કરવામાં આવેલા પ્રવાસીઓના સગાંઓના સતત દબાણ હેઠળ વાજપેયી સરકારને મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહરને છોડી મુકવો પડ્યો અને અપહરણ કાંડનો અંત આવ્યો. અટલજીની રાજકીય કારકિર્દીનો કદાચ આ સહુથી નિમ્ન ગાળો હતો.

પરંતુ આ પાંચ વર્ષમાં અટલ બિહારી વાજપેયી સરકારે આર્થિક સુધારાઓને ગતિ આપી અને ભારતના અર્થતંત્રને મજબૂત બનાવ્યું. અટલજીનું ખાસ ધ્યાન દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હતું અને આથીજ એમના સમયમાં ભારતમાં એ સમય સુધીમાં સહુથી વધારે હાઈવે બન્યા. સુવર્ણ ચતુર્ભુજ એ અટલજીનું જ સ્વપ્ન છે જેમાં ભારતના ચારેય મહાનગરોને જોડતા હાઈવે બનાવવાનું કાર્ય આજે પણ જોરશોરથી ચાલી રહ્યું છે. અમદાવાદ-વડોદરાનો એક્સપ્રેસ હાઈવે જે વર્ષોથી માત્ર બની જ રહ્યો હતો તેને ગતિ આપવાનું કાર્ય અટલજીની સરકારે કર્યું એ પણ આપણે યાદ રાખવું જોઈએ.

આ સમય દરમ્યાન દેશની સંસદ પર પણ આતંકી હુમલો થયો, પરંતુ તેના કાવતરાખોરોને પકડી લેવામાં આવ્યા હતા. પાકિસ્તાન સાથે અટલજીના શાંતિના પ્રયાસો પરવેઝ મુશર્રફ સાથે પણ ચાલુ રહ્યા હતા. અટલજીએ મુશર્રફને આગ્રા બોલાવીને તેમની સાથે વાટાઘાટો કરી હતી, પરંતુ મુશર્રફની જીદને લીધે છેલ્લી ઘડીએ આ વાટાઘાટો ભાંગી પડી હતી.

૧૯૯૪માં “ઇન્ડિયા શાઈનીંગ” ના સૂત્ર હેઠળ અટલજીની સરકાર ફરીથી જનમત લેવા મેદાનમાં ઉતરી પરંતુ કોંગ્રેસના છત્ર હેઠળ એક થયેલા વિપક્ષે આ વખતે ભાજપને હરાવી અને અટલજીની વડાપ્રધાન તરીકેની છેલ્લી ટર્મ પૂર્ણ થઇ. ૨૦૦૫માં લાલકૃષ્ણ અડવાણી અને પ્રમોદ મહાજનને ભાજપના ‘રામ-લક્ષ્મણ’ ગણાવીને અટલજીએ સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની ઘોષણા કરી.

दो अनुभूतियां

-पहली अनुभूति

बेनकाब चेहरे हैं, दाग बड़े गहरे हैं

टूटता तिलिस्म आज सच से भय खाता हूं

गीत नहीं गाता हूं

लगी कुछ ऐसी नज़र बिखरा शीशे सा शहर

अपनों के मेले में मीत नहीं पाता हूं

गीत नहीं गाता हूं

पीठ मे छुरी सा चांद, राहू गया रेखा फांद

मुक्ति के क्षणों में बार बार बंध जाता हूं

गीत नहीं गाता हूं

-दूसरी अनुभूति

गीत नया गाता हूं

टूटे हुए तारों से फूटे बासंती स्वर

पत्थर की छाती मे उग आया नव अंकुर

झरे सब पीले पात कोयल की कुहुक रात

प्राची में अरुणिम की रेख देख पता हूं

गीत नया गाता हूं

टूटे हुए सपनों की कौन सुने सिसकी

अन्तर की चीर व्यथा पलकों पर ठिठकी

हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा,

काल के कपाल पे लिखता मिटाता हूं

गीत नया गाता हूं

આમ છતાં અટલજી આજીવન ભાજપના તમામ કાર્યકર્તાઓ તેમજ મોટા આગેવાનોના શ્રધ્ધેય રહ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તબિયત નાદુરસ્ત રહેતા અટલજી લોકોને ઓળખવાનું પણ ભૂલી ગયા હતા. આજીવન કુંવારા રહેલા અટલજીએ બી એન કૌલ અને રાજકુમારી કૌલની પુત્રી નમિતાને દત્તક લીધી હતી.

ક્રિસમસને દિવસે જન્મેલા અટલ બિહારી વાજપેયીએ ગઈકાલે એટલેકે ૭૨માં સ્વતંત્રતા દિવસના બીજા દિવસે 16 ઓગસ્ટ ૨૦૧૮નાં દિવસે દેહત્યાગ કર્યો. દેશવાસીઓ માટે અટલજી કાયમ એક વડીલની ખોટ સારતા. કદાચ આજે એટલેજ સમગ્ર દેશ પક્ષાપક્ષીથી દૂર રહીને તેમના અવસાનથી શોકગ્રસ્ત થયું છે.

આમ તો અટલજી માટે જેટલું લખીએ અને વાંચીએ એટલું ઓછું છે, પરંતુ આજે અટલજીના આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને વિરામ લઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED