હ્દયપુષ્પ-૨ Balkrishna patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

હ્દયપુષ્પ-૨

                હ્દયપુષ્પ-ભાગ=૨
                  બાલકૃષ્ણ પટેલવાંચક મિત્રો, હ્દયપુષ્પ એક અનોખી લવસ્ટોરી છે.એક અદભુત પ્રણય ત્રિકોણની કહાની છે. ત્રિકોણ નો ત્રીજો ખૂણો એક બુલબુલ છે.બુલબુલ,પ્રેમ નું પ્રતિક અને કુદરતનું અનેરૂ સર્જન.એ એક સૌંદર્યના ઝરણા જેવી ચંચળ ,શબનમની બુંદ જેવી માસુમ પ્રીતપ્રિયા ને જોઈને તેના  પ્રેમમાં ના પડે તો જ નવાઈ. મિત્રો, તમને થતું હશે કે આ કેવી વિચિત્ર પ્રણય ત્રિકોણની કહાની છે?. મિત્રો,પ્રણય ત્રિકોણનો કોઈ એક ખૂણો એક તરફા પ્રેમીનો હોય છે, જે નથી ઈકરાર કરી શકતો કે નથી ઈઝહાર કરી શકતો.કરી શકે છે તો માત્ર પ્રેમ.દોસ્તો, બુલબુલની આ લવસ્ટોરીમા તમારામાંથી ઘણા લોકો હશે, જે બુલબુલની લાગણીઓની સાથે પોતાની લાગણીઓની તુલના કરશે.મિત્રો,એક લવસ્ટોરી ને અલગ અંદાજમાં લખવાનો પ્રયાસ કર્યો છે,તમને ચોક્કસ ગમશે.તો શરૂ કરીએ મિત્રો અનોખી અને અલૌકિક લવસ્ટોરી "હ્દયપુષ્પ"નો ભાગ-૨.
                             હ્દયપુષ્પ
                              ભાગ-૨
     
                પોતાની અધીરાઈ માટે યુવકે યુવતીની માંફી માગતાં કહ્યું,"માફ કરજો, આ તો ધીરજ ખૂટતા આવી હતી ને એટલે. તમારાં પ્રત્યેનાં મારાં પ્રેમનાં પારખાં કરાવવાં તૈયાર છું. બોલો, કઈ કસોટીમાંથી મારે પસાર થવાનું છે? શું કરું તો તમને મારાં પ્રેમનો વિશ્વાસ થાય અને મને તમારી પ્રીત મળે? કહો મને." રૂપની સંધ્યાએ બાગમાં ચારે બાજુ નજર ફેરવીને યુવકને કહ્યું," તમાંરો મારો પ્રેમ મેળવવાં અને તમારો વિશ્વાસ અપાવવા માટે પહાડો નથી ખોદવાનાં કે નથી દૂધની નદીઓ વહેતી કરવાની કે મજનુ બની લોકોનાં પથ્થરોનો માર પણ નથી સહેવાનો.બસ,આ બાગમાંથી એક પુષ્પ,જેનો રંગ સૌથી લાલ હોય, હ્દયનાં રંગ, એમાં વહેતાં રુધિર જેવો. પ્રણયનાં પ્રતિક સમા લાલ રંગનું એક હ્દયપુષ્પ મને લાવીને આપજો. આવતી કાલે બપોરે હું તમને અહીંયા જ મળીશ.તમે મને એ હ્દયપુષ્પ આપજો, અને હું તમને મારાં હ્દયનું પ્રેમ પુષ્પ આપીશ. જેમાં મારાં પ્રમની મહેંક હશે, ફોરમ હશે, માત્ર તમારાં માટે."આમ કહીને એ લજામણીનો છોડ લજ્જાઈને પ્રવેશદ્વારમાંથી અદ્રશ્ય થઈ ગયો. યુવક પ્રીતનાં સુધી જતાં જોઈ રહ્યો. એ ચક્રવાત તેનાં હૈયાનું ચેન, કરાર, ખુશી સર્વસ્વ તેની સાથે ફંગોળીને લઈ ગયો. યુવક મનને મનાવતો આવતીકાલનાં તેનાં પ્રેમ-મિલાપનાં સ્વપનો ત્યાં ઊભા ઊભા જ જોવાં લાગ્યો. પોતાનાં હ્દયને કાબુમાંરાખીને એણે બાગમાં એક લાંબી નજર નાંખી. કોઈ તરસ્યો જીવ તરસ છીપાવવા પ્યાસી નજરે નીર શોધે, એમ એની નજર એ પુષ્પ,પ્રેમ પ્રતિક સમું હ્દયપુષ્પ તેને ક્યાંય જોવાં નાં મળ્યું. પાછી ફરેલી નિરાશ નજરમાં એણે આશાનું કાજળ નાંખી હૈયાને હામ આપતાં સમજાવ્યું," અત્યારે અંધકારમાં તે પુષ્પ શોધવું કપરું છે. કંઈ વાંધો નહીં,આવતીકાલે વહેલી સવારે આવીને એ પુષ્પ હું શોધીને મારી પ્રિયાને અર્પણ કરીશ અને તેની પ્રીતને પામીને રહીશ."મનને ધરપત આપતાં એ યુવક પ્રવેશદ્વારમાંથી બહાર નીકળી ગયો.એની ચાલમાં અલગ જ થનગનાટ હતો. બુલબુલ ક્યારનું આ બધું સાંભળી અને જોઈ રહ્યું હતું. એ યુવકની મંઝીલ અને બુલબુલનાં મનનું ચેન તેની પ્રિયાની ખુશી, એક જ હતું, એ હ્દયપુષ્પ. અને એ પુષ્પ સૌથી પહેલાં બુલબુલ શોધવાં માંગતું હતું. એ તેની પ્રીતની પ્રિયાને ખુદની પ્રેમ નજરનું નજરાણું આપવા ચાહતું હતું. એનાં અંતરમનનાં દર્દની દવા બસ એક માત્ર આ હ્દયપુષ્પ હતું. બુલબુલ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાગમાં ચારે દિશામાં એ પુષ્પ શોધવાં ઉડવા લાગ્યું.તેં બાગનાં એક પછી એક એમ દરેક વૃક્ષ, ફૂલ-છોડ પાસે જતું. બુલબુલ જાત-ભાતનાં વિવિધ ફૂલો જોઈ વળ્યું. કોઈ ફૂલ પીળું,તો કોઈ કેસરી,ગુલાબી તો કોઈ આસમાની તો વળી કોઈ રંગબેરંગી. બધી જ જાતનાં અને અસંખ્ય રંગોવાળા પુષ્પો બુલબુલ જોઈ વળ્યું. પ્રકૃતિનાં દરેક રંગની છાંટ તેને જોવાં મળી, ના જોવાં મળ્યું તો બસ એ હ્દયપુષ્પ. બુલબુલ એક નહીં, બે નહીં, ત્રણ-ત્રણ વાર આખાં બાગમાં ફરી વળ્યું પણ એને તે પુષ્પનાં મળ્યું તે ના જ મળ્યું.બુલબુલ દુઃખી વદને ડાળ ઉપર આવીને બેઠું.આજ એની બેચેની, બેકરારી ચરમસીમાએ હતી. તેં ઉદાસ નજરે બાગમાં જોતું વિચારવા લાગ્યું,"હવે શું થશે? શું કરું હું? કોઈ જગ્યાએ તે પુષ્પ નથી જે પ્રિયાએ પેલાં યુવક પાસે માંગ્યું છે. એ યુવક તેને ક્યાંથી આપશે એ પુષ્પ? તો શું એ યુવક તેનાં પ્રેમને નહીં પામી શકે? મારી પ્રિયાને એ પ્રેમ,એ ખુશી નહીં મળે? જે આપવા માટે હું જીવું છું. શું એ બંનેનાં પ્રેમનું મિલન નહીં થાય? એ પ્રેમ છે મારો હતો? નાં..નાં, મારો પ્રેમ આમ હિંમત ના હારે.હું લાવીશ એ હ્દયપુષ્પ અને મહેકી ઉઠશે મારો પ્રેમ એ પુષ્પની જેમ."તરત જ બુલબુલ ઉડીને ગુલાબનાં છોડ પાસે ગયું. એણે ખુબ જ આદ્ન અને વિનંતી ભર્યા સ્વરે ગુલાબને કહ્યું," ગુલાબ, હું ખુબ જ દુઃખી છું. મારાં દુઃખની દવા માત્ર તારી પાસે છે.મારા હૈયાને ચેન, મારાં મનને કરાર તું જ આપી શકે છે. મારી પ્રિયાએ તેનાં પ્રિતમ પાસે આ બાગમાંથી એક પુષ્પ માંગ્યું છે, જેનો રંગ લાલ રુધિર જેવો હોય, પ્રેમનાં પ્રતિક એવાં હ્દયનાં પુષ્પ જેવું એક પુષ્પ માંગ્યું છે,એક હ્દયપુષ્પ. આખાં બાગમાં ક્યારનો ભટકું છું, પણ એવું પુષ્પ મને ક્યાંય ના મળ્યું. જો એ નહીં મળે તો એમનો પ્રેમ અધુરો રહી જશે. મારી પ્રિયાની ખુશીઓ લુંટાઈ જશે, એ મુરઝાઇ જશે યાર, મુરઝાઇ જશે. એની હાલત મારાથી જોઈ નહીં શકાય. હું જીવી પણ નહીં શકું અને મોતને ગળે પણ નહીં લગાવી શકું.એટલે જ તારી પાસે આવ્યો છું ગુલાબ, મારી ઉપર ઉપકાર કર, મને એક એવું પુષ્પ આપ કે જેનાથી મારી પ્રિયાને તેનો પ્રેમ મળે અને મને જીંદગી." બુલબુલનાં સ્વરમાં વેદનાં હતી.તેની આંખોમાં યાચના હતી, આજીજી હતી. ગુલાબને આ પાગલ બુલબુલ ઉપર હસવું આવતું હતું. એણે બિચારા બુલબુલની કરુણ હાલતની મજા લેવાનું મનમાં નક્કી કર્યું. ગુલાબે ગંભીરતા ધારણ કરીને બુલબુલને કહ્યું,"દોસ્ત બુલબુલ,મારી પાસે અત્યારે એ રંગનું પુષ્પ નથી. ગ્રીષ્મની આ આકરી ઉષ્મામાં મારાં ફૂલોનાં રંગો સાવ ફિક્કા પડી ગયાં છે, હું ઈચ્છા હોવાં છતાં પણ તને મદદ નથી કરી શકતો. મને માફ કર,યાર !" આ સાંભળીને બુલબુલ વિમાસણમાં પડી ગયું હવે તેની પાસે કોઈ રસ્તો નહોતો રહ્યો,તે કશું જ કરી શકે તેમ નહોતું.એ લાચાર હતું, વિવશ હતું, મજબુર હતું. ઈશ્વર પણ એની સાથે નહોતો કે ના હતી કુદરતની કૃપા. એ સાવ જ નિરાધાર બની ગયું હતું. ગુલાબ બુલબુલની વિવશતાની મજા લઈ રહ્યું હતું. થોડીવાર પછી ગુલાબ બોલ્યું ,"એક રસ્તો છે બુલબુલ." તરસ્યાને જાણ થાય કે તેની પ્યાસ છીપાવવા પાણીની એક જગ્યા છે,અને એ સાંભળીને એ કેવો અધીરો બની જાય, એમ બુલબુલ પણ અધીરું બની ગયું.અધીરાઈથી તે બોલી ઉઠયું," હા ગુલાબ, શું રસ્તો છે? જલ્દી કહે મને, તું કહે એમ હું કરીશ. બોલ ગુલાબ, બોલ, મારી ધીરજ ખુટી રહી છે."ગુલાબે તેને શાંત પાડતાં કહ્યું," શાંત થા બુલબુલ, હું કહું છું તને. પણ એ રસ્તો ખુબ જ કઠીન અને દુષ્કર છે, તે તારાં માટે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.તો શું એ તું કરી શકીશ?" બુલબુલ પ્રેમથી લાગણીમય બનીને બોલ્યું," ગુલાબ,મારી પ્રિયા માટે હું કંઈ પણ કરી શકું છું. તેનાં પ્રેમ માટે, તેની ખુશી માટે મારો જીવ પણ જશે તો હું એને મારું સદભાગ્ય માનીશ. અરે, મને મોત પણ મળશે ને તો પણ અફસોસ નહીં થાય. ગર્વ માનીશ મારી જીંદગી ઉપર, અભિમાન થશે મને મારી પ્રિત ઉપર. ખુશીથી મરી જઈશ હું એનાં માટે.બસ, તું મને એ માર્ગ બતાવ, દોસ્ત." ગુલાબ બુલબુલને સાંભળીને થોડીવાર મૌન રહ્યું. પછી હળવેથી બોલ્યું," તો સાંભળ બુલબુલ, તું જો તારાં હ્દયનું રુધિર મારાં ફિક્કા પુષ્પને આપે તો હું તને જોઈએ છે એવું રુધિરનાં રંગ જેવું હ્દયપુષ્પ આપીશ.તો કહે, આપી શકીશ તારાં લોહીની થોડી બુંદ તારી પ્રિયા માટે, સહન કરી શકીશ એ પીડા." બુલબુલે ખાલી ઝરુખા સામે જોયું અને એક ઉંડો નિસાસો નાંખીને હસીને બોલ્યું," દોસ્ત, થોડી બુંદો શું, આખાં શરીરનું રક્ત હું આપવા તૈયાર છું. ભલે એક ટીંપુ પણ ના રહે રક્તનું મારાં શરીરમાં, નીચોવી નાંખવા તૈયાર છું મારી જાતને.જો તેનો ચહેરો ખુશીથી સદા દમકતો રહે. અરે એ ખુશી,એ સુખ, એ પ્રેમ વિહોણો ચહેરો જોતાં જે દર્દ થાય છે મને, એનાંથી વધારે તો નહીં જ હોય એની પીડા. હું તૈયાર છું ગુલાબ."ગુલાબે લુચ્ચાઈથી હસીને તરત જ બુલબુલને કહ્યું," હું તને એ પુષ્પ આપું તો ખરો, પરંતુ મારી એક શર્ત છે,જો તને મંજુર હોય તો."બુલબુલને હવે કોઈ વાતમાં રસ ન હતો. એને તો જેમ બને તેમ વહેલામાં વહેલુ હ્દયપુષ્પ પ્રાપ્ત કરવું હતું. એણે વિનંતી ભર્યા સ્વરમાં ગુલાબને કહ્યું," ગુલાબ, તારી બધી શર્ત મને મંજૂર છે, હવે વાર ના કર જલ્દી બોલ, શું શર્ત છે તારી?" ગુલાબે ઠંડા કલેજે બુલબુલ સામે જોઈને કહ્યું,"બુલબુલ, જ્યાં સુધી મારું પુષ્પ એક હ્દયપુષ્પ નાં બને ત્યાં સુધી તારે તારાં મધુર અવાજમાં ગાતાં રહેવું પડશે." બુલબુલ તો કંઈ પણ કરી છુટવા માટે તૈયાર જ હતું. એણે ગુલાબને દ્ઢ અવાજમાં કહ્યું," હું તૈયાર છું ગુલાબ" આમ કહીંને બુલબુલે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ગુલાબનાં છોડનાં કાંટાને પોતાનાં કાળજાંમાં ઘોપી દીધો.આ..હ, એક દર્દનાક ચિત્કાર તેનાં મુખમાંથી સરી પડ્યો. એની આંખોમાંથી અનરાધાર અશ્રુ વહી રહ્યાં હતાં.વિંધાયેલા કાળજાંમાંથી લોહી દડદડ વહેવા લાગ્યું. ભયાનક પીડા ઉઠી તેનાં શરીરમાં.વેદનાંથી એ તડપવા લાગ્યું. અતિશય દર્દ થતાં, બુલબુલ તેની પ્રિયાને યાદ કરીને, પોતાની વ્યથા દિલમાં ઘુંટીને ગીત ગાવા લાગ્યું. અરેરે, કેટલી વ્યથા, કેટલી તડપ, કેટલી વેદનાં હતી એનાં અવાજમાં. જેને એવી પીડા વેઠી હોય એ જ સમજી શકે તેની વ્યથા. બાગમાં રહેલાં કાળમીંઢ પથ્થરો પણ આ પાગલ દિવાનાની દિવાનગી જોઈને પીગળવા લાગ્યાં. વાતાવરણ ભયાનક અને પીડાદાયક બની ગયું. ચૌ-તરફ એક પ્રકારની, હૈયાને ચીરી નાંખે તેવી ગમગીની છવાઈ ગઈ. ભલભલા પથ્થર દિલોને પણ હચમચાવી દે એવું દર્દ હતું બુલબુલનાં અવાજમાં.એનાં દર્દીલા ગીતથી ધરાની છાતી પણ ધ્રુજવા લાગી. આભને પણ હવે ધરપત નહોતી,એને પણ વરસીને અશ્રું વર્ષા કરવી હતી. આસપાસમાં એક મોત જેવી કાળી શ્યાહી છવાઈ ગઈ હતી. જ્યારે પણ પ્રલય થયો હશે, ત્યારે ચોક્કસ તેનું કારણ બુલબુલ જેવાં પ્રેમી, સાચા પ્રેમની દર્દનાક અંતરની વેદનાં જ બની હશે. બુલબુલનાં શરીરમાંથી લોહીની બુંદો એક પછી એક ટપકતી રહીં, અને ગુલાબનાં પુષ્પને રંગતી રહીં.બુલબુલની વેદનાં જોઈને ગુલાબને ખુબ જ અફસોસ થયો. તેની મજાક અને ઈર્ષાએ બુલબલને આ કારમી વેદનાંમાં ધકેલ્યુ હતું. તેને પોતાની જાત ઉપર નફરત થવા લાગી. તેં પસ્તાવા લાગ્યું. એની આંખોમાં પણ આંસુ આવી ગયાં. પરંતુ એ તેને રોકી ના શક્યું. અને એ રોકાય પણ નહીં. સાચાં પ્રેમીનું પોતાનાં પ્રેમ માટેનું વચન હતું, ભલે જાન જાય, પણ પોતાની પ્રિયાને ખુશી આપીને જ રહે.એને ગમે એટલું રોકો તો પણ એ રોકે નાં રોકાય. પ્રેમ એટલે જ તો પાગલપન. અને પાગલ પ્રેમી કંઈ પણ કરી શકે છે પ્રેમ માટે, કંઈ પણ. ગુલાબને બહું તકલીફ થઈ રહીં હતી. તેની એક અદેખાઈ ભરી મજાક કોઇનો જીવ લઈ રહી હતી. અને એ કંઈ જ કરી શકે તેમ નહોતું. ઘણું જ મોડું થઈ ગયું હતું. ગુલાબ ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યું,"હે પાલનહાર, આ દિવાના બુલબુલને હિંમત આપજે, એને તેની મંઝીલ સુધી પહોંચવા શક્તિ આપજે.અને મારાથી થયેલાં આ અપરાધની સજા તું મને આપજે, પ્રભુ." બુલબુલનું શરીર ધીરે ધીરે કમજોર થવા લાગ્યું. તે બેહોશીની હાલતમાં ઢળવા લાગ્યું. સદાને માટે સૂવા. તેમ છતાં એ ગાતું રહ્યું.કોઈ ન હતું તેનું કે જે એને સાંભળે, મહેસુસ કરે. નાં એ ઈશ્વર કે ન તો એની પ્રિયા. એની પ્રિયાતો પોતાનાં પ્રિતમનાં સપનાઓમાં પ્રેમગીત ગાઈ રહી હતી, પછી એને શું લેવાદેવા આ દર્દથી ભરેલાં ગીતોથી.એ તો શમણાંમાં તેનાં પ્રેમીની બાહોમાં ગાઢ નિદ્રામાં પોઢી ગઈ હતી.થોડીવાર થઈ અને અચાનક બુલબુલ ગુલાબનાં છોડ ઉપરથી ધરતી પર ઢળી પડ્યું. હળવેથી તેણે દર્દથી કણસતા આંખ ખોલીને ગુલાબનાં છોડ સામે જોયું. ગુલાબનાં છોડ ઉપર એણે એક પુષ્પ જોયું. પ્રેમનાં પ્રતિક સમા રક્તરંગી રંગથી રંગાયેલું પુષ્પ, હ્દયપુષ્પ. એક પ્રેમીનું તેની પ્રીતપ્રિયાને આપેલું એક અકલ્પ્ય નજરાણું.તે હ્દયપુષ્પ જોઈને બુલબુલ પોતાની સઘળી વેદનાં ભુલી ગયું, ખુશીથી એનો ચહેરો ખીલી ઉઠ્યો. બસ, હવે એની પ્રિયાને એનો પ્રેમ મળશે, ખુશી મળશે, મળતી રહેશે. એ પ્રેમ,એ ખુશીની ઝલક જોવાં, એ વેદનાથી તડપતુ હોવાં છતાં, પ્રભુને કહેવા લાગ્યું."હે પ્રભુ, તેં મને કંઈ ના આપ્યું, તેની ફરીયાદ હવે નથી. બસ, મારી પ્રિયાના ચહેરાની ખુશી અને તેનાં પ્રેમની એક નજર જોઈ શકું ત્યાં સુધી મને મોત સામે લડવાની શક્તિ આપજે.બસ, બીજું કંઈ જ નથી જોઈતું મારે." અને એ ઝરુખાની દિશામાં મીટ માંડીને પડી રહ્યું. આટલી પીડા, વેદનાં, દર્દથી તડપતું હોવાં છતાં એ મરી પણ નહોતું શકતું. એને આશાનું હતી પ્રિયાનાં પ્રેમની, ઈંતજાર હતો એની આંખોમાં તેની એક ઝલકનો.બસ, હવે રાહ જોવાની હતી તો એને આવનારી મિલનની ક્ષણોની. ખરેખર, પ્રેમની સચ્ચાઈ અને શક્તિનું જીવતું ઉદાહરણ હતું બુલબુલ. ધીરે-ધીરે રાત પોતાની ગતીએ આગળને આગળ સરકવા લાગી, એ પણ છુટવા માંગતી હતી આ ભયાનક ગમગીનીથી. પ્રભાત થયું, પરંતુ આખાં વાતાવરણમાંહજી રાતની વેદનાં વ્યક્ત થતી હતી. હવે રાહ જોવાતી હતી એ ક્ષણની, જેને જોવાં બુલબુલ હજી તરફડતું હતું, જીવતું હતું. સમય આજે આળસું બન્યો હતો. રોજ કરતાં આજે તેની ગતી ખુબજ ધીમી હતી, જાણે રાતની વ્યથા એને મણ-મણનો બોજ બનીને વળગી ન હોય! તેમ છતાં તેની મંદ ગતી રોકાઈ નહીં, એ વહેતો રહ્યો. હજી સૂરજ માથે ન હોતો ચઢ્યો. બપોર થવામાં વાર હતી. પરંતુ પેલો યુવક સમયથી પહેલાં આવી પહોંચ્યો. એની ધીરજ પણ હવે ખૂટી ગઈ હતી. એ બાગમાં આવીને એ ફૂલ શોધવાં માંગતો હતો. યુવકની નજર તરત જ ગુલાબનાં છોડ ઉપર અનાયસે ખેંચાઈ. આખાં બગીચામાં તેનાં જેવું લાલ પુષ્પ તેને શોધે પણ ના મળતું. આવું પુષ્પ યુવકે તેનાં જીવનમાં ક્યારેય જોયું ન હતું. ખરેખર, ખુબ જ અદ્ભુત પુષ્પ હતું. એ જ તો હતું હ્દયપુષ્પ. જે તેની પ્રીતરાગીણીએ તેનાં પાસે મંગાવ્યું હતું. યુવક મનોમન ખુશી વ્યક્ત કરવા લાગ્યો," હવે થોડી જ ક્ષણોમાં અમારૂં મિલન થશે, હું એને મારું આ હ્દયપુષ્પ આપીશ અને એ મને તેની પ્રેમ વર્ષાથી ભીંજવી દેશે. બસ, થોડી જ વાર, મન તું ધીરજ ધર." યુવક મનને મનાવી એ પ્રીતની વાટ જોવાં લાગ્યો.જેમ ચાંદનાં આગમનની ચકોર આતુરતાથી રાહ જોવે, એમ એ તેની બેસબ્રીથી રાહ જોતો હતો. ઈંતજારની ક્ષણો વરસ જેટલી લાંબી લાગવા માંડી. ઈશ્વરને તેની વેદનામય હાલત ઉપર થોડી દયા આવી હશે, એટલે તો આ વખતે તેને બહું રાહ નાં જોવડાવી. એક મધુર કર્ણપ્રિય સંગીત પ્રિયાની પાયલે રેલાવીને તેની ઈંતજારની ઘડીઓ પુરી થઈ,  એની જાણ કરી. મૃતપ્રાય બાગનાં કણ-કણમાં પ્રાણનો સંચાર થયો, ત્યારે લાગ્યું કે હવે સંજીવનીનું આગમન થઈ ગયું છે. અને તેનો અહેસાસ વેદનાથી તડપતા, અર્ધમૃત પડેલાં, બુલબુલનાં હ્દયે મહેસુસ કર્યો. તેનાં તન-મનમાં એક શીતળતાની લહેર ફરી વળી. બુલબુલે કષ્ઠપુર્વક ધીરે-ધીરે આંખોનાં દ્વાર ખોલ્યાં, અને તેની પ્રિયાને પ્રત્યક્ષ જોઈને એની આંખોમાં આંસુ આવી ગયાં. એ અશ્રુ તેને થતી પીડા કે વેદનાનાં ન હતા, કે ના એ આવનાર મૃત્યુથી દુઃખી થઈને રડતું હતું.એ આંસુ તો તેની પ્રાણથી પ્યારી પ્રિયતમાની ખુશીની, પ્રીતની આવનારી ક્ષણો કે જેને પોતાનાં પ્રેમ રંગથી રંગીને એણે તેનાં માટે રંગોળી પુરીને રાખી હતી, એ ક્ષણોથી જે ખુશી મળવાની હતી એ તેનાં જીવનની સૌથી સુખદ, અનમોલ ક્ષણો હતી. એ આંસુ આવનારી ખુશીની લહેરોનાં હતાં. બુલબુલ એ ઘડીની રાહ જોવા લાગ્યું. જેમાં તેની પ્રિયા તેનાં પ્રેમનો સ્વીકાર કરશે, તેનાં પ્રેમનો સ્પર્શ પામશે. એ સમયની પ્રતિક્ષામાં મૃત્યુને ધકેલતું અનિમેષ નજરે બુલબુલ તેની જાનને જોઈ રહ્યું. તેની પ્રીતની નદી યુવક પાસે ધીરે-ધીરે વહેવા લાગી. એનાં પગરવમાં આજ પ્રિતમને મળવાની ઘેલછા, આતુરતા સ્પષ્ટ રીતે પ્રતિત થતી હતી.અને તેની સાક્ષી તેનાં ઝાંઝરની ઝંકાર પુરી રહીં હતી. એ પેલાં યુવક, તેનાં પ્રિયુની સામે આવીને ઊભી રહી. યુવકને આજે એનું અલગ જ સ્વરૂપ જોવાં મળી રહ્યું હતું. એ રૂપની મદિરાનું પાન કરતો ક્યાંય સુધી મૂર્તિમંત ઉભો રહ્યો. એનો કેફ ત્યારે ઉતર્યો, જ્યારે ઝાંઝરે રણકી ને તેને કહ્યું," પાગલ, આખું પ્રેમનું સરોવર તને મળવાનું છે, ને તું બસ એને જોઈ રહ્યો છે? જા, અને તેને તારું હ્દયપુષ્પ આપ, એને આમ જોઈને તૃષ્ણા વધારવાને બદલે, તારી જન્મોજન્મની પ્રેમપ્યાસ છીપાવ.પછી એ સરોવર આખું તારું તો છે!" યુવકની ધીરજનો હવે અંત આવ્યો હતો. એ પ્રિયાનો હાથ થામીને ગુલાબનાં છોડ પાસે લઈ ગયો.ગુલાબનાં પુષ્પ ઉપર નજર પડતાં જ તેની પ્રીતપ્યારી દંગ રહી ગઈ. અચરજ અને આશ્ચર્યથી પ્રિયાની આંખો મૃગનયન થઈ ગઈ.એ મનમાં ને મનમાં વિચારવા લાગી," અરે, આ કેવી રીતે શક્ય છે? હજી ગઈ કાલે તો આખાં બાગમાં નજર નાંખી હતી મેં! આવું પુષ્પ, લાલ ઘેરા રંગનું પુષ્પ ક્યાંય જોવાં ન હોતું મળ્યું. અને આ ગુલાબનાં છોડ ઉપર તો એક ફીક્કા રંગનું પુષ્પ હતું! એટલે તો એણે તેનાં પિયુ પાસે આવું હ્દયપુષ્પ માગેલું. તો આ અકલ્પનીય પુષ્પ ક્યાંથી આવ્યું? શું આ ચમત્કાર છે? કે પછી પ્રેમની શક્તિ?" પ્રિયાએ એ પુષ્પની સામે અચરજભરી નજરે મીટ માંડીને જોયું. આવું પુષ્પ આ બાગમાં તો શું પણ ક્યાંય બીજે પણ તેણે જોયું ન હોતું. ખરેખર, એ રક્તરંગથી રંગાયેલું, પ્રેમનાં પ્રતિકનું અદ્ભુત હ્દયપુષ્પ હતું. જાણે કોઈએ કાળજું ચીરીને તેનાં રુધિરથી એમાં રંગ ભર્યો ના હોય એમ ભાસતું હતું. એ પુષ્પને જોતાં તેની આંખડી થાકતી ન હતી. બુલબુલ એની પ્રિયાનાં ચહેરાનાં હાવભાવમાં રહેલી લાગણીઓનાં ચઢાવ-ઉતારને તેની આંખોમાં જોઈને વાંચી રહ્યું હતું. એ ગુલાબનાં છોડની બાજુમાં જ ઘવાયેલું પડ્યું બધું જ જોઈ રહ્યું હતું. પરંતુ એ પ્રેમીઓ એકબીજામાં એટલાં ગળાડૂબ હતાં કે તેમની નજર આ ઘવાયેલાં, પીડાથી કણસતા, સાચાં પ્રેમી પંખીડાં ઉપર નહોતી પડી. કમનસીબી એ જ તો હતી કે એ એક નજર, અને બે પ્રેમનાં શબ્દો સાંભળવાની આશામાં હજુ પણ એ મોતને પાછું ઠેલતું હતું. અને પેલાં પ્રેમી પંખીડાંનું યુગલ જોડું બેધ્યાન બની પ્રમમગ્ન બન્યું હતું. યુવકે પોતાનાં બંને હાથ વડે ગુલાબનાં છોડ ઉપરથી હળવાં અને હલકાં હાથે હ્દયપુષ્પને ડાળી ઉપરથી ચૂંટી લીધું. હવે એ ક્ષણ દુર ન હતી જેની રાહ જખ્મી હાલતમાં પણ બુલબુલ જોઈ રહ્યું હતું. તેનું ઘાયલ હૈયું જોરથી ધડકવા લાગ્યું, તેને પીડા પણ થઈ, પરંતુ બુલબુલને તેની પરવા ન હતી. તેની આંખો, તેનું મન, એ દ્શ્ય જોવાં,સાંભળવા માટે ક્યારનાં આતુર હતાં. અને એ એક આશા તેને આટલી દારુણ પરિસ્થિતિમાં પણ જીવાડી રહી હતી.યુવક હ્દયપુષ્પને બંને હાથમાં પકડીને, પોતાનાં ઢીંચણ ઉપર બેસીને, તેની હૈયાની રાણી સમક્ષ ગુલામ બનીને ઝુકી ગયો. અને તેનાં પ્રેમની ભીક્ષા માંગતા યાચકની જેમ બોલ્યો," હે મારી હદય સામ્રાજ્ઞી, મારાં હૈયા સમાન આ હ્દયપુષ્પની સૌગાતનો પ્રેમ પુર્વક સ્વીકાર કર, અને તારાં પ્રણયની પ્રેમ વર્ષાથી મારાં જન્મો જન્મનાં અતૃપ્ત તનને, મનને તૃપ્ત કરી દે.હવે નથી રહેવાતું કે સહેવાતું. મારી ધીરજનો હવે અંત આવ્યો છે. બસ, બહું રાહ જોઈ, હવે વાર ના કર, વરસી જા અને મને ભીંજવી દે." પ્રીતની પટરાણી, હ્દયની મલ્લિકાએ પોતાનાં લાંબા, નાજુક હાથોમાં એ હ્દયપુષ્પને કોમળતાથી લીધું. બુલબુલની આંખો આ દ્શ્ય જોવાં માટે ક્યારનીયે તરસી રહીં હતી. તેનાં પ્રેમથી રંગાયેલા ઉપહારને તેની પ્રિયાને સ્વીકારતાં જોઈ એ પોતાની સઘળી વેદનાં ભુલી ગયું. તેનાં નયનમાં ખુશી સમાઈ નહીં અને અનરાધાર છલકાઈ ગઈ.તેનાં મનમાં લાગણીઓનાં મોજાં ઉઠવા લાગ્યાં. તેનું અંતરમન એક અલગ જ પ્રકારની શાંતિ, સુખ ભોગવીને રહ્યું હતું.જે તેને જીવનમાં ક્યારેય નહોતું મળ્યું. બુલબુલની નજર તેની જાન-જીંદગીને જોઈ રહીં હતી, અને પ્રિયાનાં ચહેરા ઉપર છવાયેલી ખુશીની લાલીમાને તેની તરસી આંખોથી પીતી રહી. પ્રીતપ્રિયાનું વદન ખુશી, લજ્જા, પ્રેમ, માસુમિયતનાં મિશ્ર ભાવોથી છલકાઈ રહ્યું હતું. તેનાં કોમળ હાથની નાજુક આંગળીઓ મુલાયમ સ્પર્શથી હ્દયપુષ્પને સ્પર્શી રહી હતી, અને અચાનક, તેનાં હાથની હથેળીમાં કોઈએ ડામ દીધો હોય તેમ તેણે હાથને પાછો ખેંચી લીધો અને તિરસ્કાર ને ઘૃણાની નજરે પોતાની હથેળીને વિસ્ફારિત નજરે જોવાં લાગી. તેનાં ચહેરા ઉપર ડર, નારાજગી, ઘૃણા, નફરત જેવાં કંઈ કેટલાય હાવભાવ એક પછી એક ઊભરી આવ્યાં. થોડીવાર પહેલાં જ્યાં ખુશીઓની લાલી હતી, તેની જગ્યાએ ક્રોધની લાલીમા છવાઈ ગઈ.અને જ્યારે મન અને મગજ ઉપર ક્રોધ સવાર હોય છે, ત્યારે કોણ બોલે છે? શું બોલે છે? કોને કહે છે? તેનાં બોલવાથી કોને અને કેટલી અસર થાય છે? અને તેનું શું પરિણામ આવશે? તેનું બોલનારને ભાન નથી રહેતું અને તેનાં બોલાયેલા શબ્દોનાં તીરો થી કોઈ પણ નાં કાળજાં વિંધાઈ જાય છે. વિશ્વનાં કોઈ પણ જીવલેણ હથિયારનાં ઘા કરતાં ક્રોધથી સળગતી વાણી વ્રજ સમાન અને પીડાદાયક હોય છે. હથીયારથી થયેલાં ઘા તો ભરાઈ જાય છે, પરંતુ સળગતાં અંગારા જેવાં શબ્દો હૈયાને ક્ષણ-પ્રતિક્ષણ ડામ આપતાં રહે છે, દઝાડતા રહે છે. બુલબુલ પ્રિયાને મુંઝવણમાં જોઈને હેબતાઈ ગયું. પેલો યુવક પણ વિમાસણમાં પડી ગયો. પ્રિયાથી આ મનોસ્તિથી સહેવાઈ નહીં. અને ક્રોધ, ઘૃણા, નફરત તેનાં મુખમાંથી વિષ બનીને નિકળ્યા," આ શું છે? આ તે કેવું પુષ્પ છે? આ તો કોઈનાં ગંદાં લોહીથી રંગાયેલું છે. કેટલું ગંદું છે આ? અને તમે શું સમજીને મને આ પુષ્પ આપ્યું? આટલી ગંદી મજાક તમે મારી સાથે કેમ કરી? તમે મને કહો છો કે," હું તને ચાહું છું." શું આ જ છે તમારી ચાહત? તમે મને પ્રેમ કરો છો કે મારી સાથે મજાક કરવા આવ્યાં છો? હવે સાંભળીલો તમે, આજ પછી તમારો આ ચહેરો મારાં નજરોની સામે ના લાવતાં, મને નફરત થઈ ગઈ છે તમારાંથી, સમજ્યા તમે? અરે, તમે મારાં પ્રેમતો શું, નફરતને પણ લાયક નથી." આટલું કહીને, કંઈ પણ સમજ્યા, જાણ્યાં કે સાંભળ્યા વગર, એ યુવકની સામે નજર સુધ્ધાં પણ કર્યા વગર, હ્દયપુષ્પ જેવાં પુષ્પને કચરાની જેમ ઘા કરીને એ બાગનાં પ્રવેશદ્વારમાંથી આંધી બનીને ગાયબ થઈ ગઈ. પેલો યુવક પણ ગભરાઇને ત્યાંથી પલાયન થઈ ગયો. અને બુલબુલ, બિચારાં બુલબુલનું પ્રાણપંખેરું તો તેની પોતાની પ્રિયાનાં શબ્દો સાંભળીને જ ઉડી ગયું હતું. સારૂં થયું કે તેની પ્રિયાએ તેનાં હ્દયપુષ્પનો એની ઉપર જ્યારે ઘા કર્યો ત્યારે એ ચીર નિંદ્રામાં પોઢી ગયું હતું. નહીંતો એ દ્શ્ય જોઈને બિચારાનાં આત્માને ક્યાંય ચેન ના મળત. આટ-આટલી વેદનાં, પીડા, ભયાનક વ્યથા,દારુણ પરિસ્થિતિ છતાં એ જીવતું હતું, જીવતું રહ્યું હતું. એ આશામાં કે તેની પ્રીતપ્રિયાની એક પ્રેમની નજર, બે શબ્દ લાગણીનાં સાંભળવા મળશે, એ આશા, તેને એ ઈચ્છા શક્તિ બનીને જીવાડી રહી હતી. બિચારા બુલબુલનું નસીબ તો જોવો, તેની જ પ્રિયાની એક નજર, તેનાં જ બે શબ્દો, જેની તેને કલ્પના પણ નહોતી, આટલી ભયાનક સ્થિતિ તેને મૃત્યુ ન આપી શકી, તે સાંભળી અને જોઈને તેને મોત મળી ગયું. શું વિચાર્યું હતું અને શું થઈ ગયું? બુલબુલની આંખો હજી પણ ખુલ્લી જ હતી. કેટલાંય અરમાનો, કેટલાંય સપનાંઓ, કેટલીયે ઈચ્છાઓ જોઈ હતી એ આંખોએ? સઘળી આરઝુઓ અધુરી રહી ગઈ તેની.તેની આંખો સાવ ખાલી થઇ ગઈ હતી? નાં, હજું પણ તેની ખુલ્લી, મરેલી આંખોમાં એક આશા હજી પણ જીવતી હતી, અને એ કહીં રહીં હતી,
" કાગા સબ તન ખાઈઓ, ચૂન-ચૂન ખાઈઓ માંસ,દો નૈનાં મત ખાઈઓ મોરે, મોહે પિયા મિલન કી આસ."
                  શું આને જ પ્રેમ કહેવાય? શું આ જ છે પ્રીત? હા, પ્રેમ આને જ કહેવાય, અને આમ જ થાય પ્રેમ. એની કોઈ રીત નથી, કે નથી એની કોઈ પધ્ધતિ. હૈયું જે કરાવે એ જ પ્રેમ, ને હૈયું જે આપે એ જ પ્રીત. પ્રેમ-પ્રીતને નથી જોઈતું મિલન કે નથી જોઈતી જુદાઈ. એને તો જોઈએ છે, માત્ર પ્રેમ, પ્રેમ ને માત્ર પ્રેમ. પોતાનાં પ્રેમ માટે, તેની ખુશી, ચાહત માટે, તેની અધુરી ઇચ્છાઓ માટે જીવવું અને તેનાં માટે મરવું એ પ્રેમ. એવો સાચો પ્રેમ બુલબુલે કર્યોં હતો તેની પ્રિયાને, પ્રકૃતિની ગોદમાં અને કુદરતનાં સાંનિધ્યમાં. પરંતુ પ્રેમ શું? લાગણી કોનું નામ છે? એ આ સ્વાર્થ અને મતલબથી ભરેલો માનવી શું સમજે? બસ, દર્દ અને નફરત આપવામાં જ સમજે છે. પ્રેમ કરવાનું કામ એનું નહીં. તો શું હવે આ જગતમાં પ્રેમ જેવું તત્વ નથી રહ્યું? છે, પ્રેમ છે,એટલે તો આ દુનિયા હજું પણ જીવવા જેવી, માણવા જેવી લાગે છે. બસ, તેને ઓળખવા કે જાણવા માટે એક ખાસ નજર જોઈએ, એક પ્રેમ ભરી નજર.
 (સંપૂર્ણ)
            મિત્રો, પ્રણય ત્રિકોણની કહાની "હ્દયપુષ્પ" તમને કેવી લાગી એનો અભિપ્રાય રેટિંગથી ચોક્કસ આપજો. તમારાં સૂચનો અને માર્ગદર્શન જરૂરથી આપજો. મારો વ્હૉટસએપ નંબર-9898747403 છે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે.
* જય શ્રી કૃષ્ણ *
           
  

રેટ કરો અને રિવ્યુ આપો

Kamal Patadiya

Kamal Patadiya માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

Yash Patel

Yash Patel માતૃભારતી ચકાસાયેલ 2 વર્ષ પહેલા

જીગર _અનામી રાઇટર
mitali parekh

mitali parekh 4 વર્ષ પહેલા

Hina

Hina 4 વર્ષ પહેલા