સાત ફેરાનો સોદો-4 Ayesha Yusuf દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાત ફેરાનો સોદો-4

"તને ખબર છે ને કે એસિડ ફેકટરી કઈ જગ્યા છે?"-ઘર જતી વેળાએ મનને પૂછ્યું.
"હુ જો ખોટો નથી તો આ પ્રશ્ર્ન તુ પાંચમી વાર પૂછી રહ્યો છે."-સાઈડ મિરરમાંથી પાછળ બેસેલા મનનના કપાળ પરના શ્ર્વેતબિંદુ મને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.
"મને એક વાત ન સમજાઇ.ગઈ વખતે જયારે આપણે ત્યાં ગયેલા ત્યારે તે જ કહેલુ કે હવે કયારેય નહીં જઈએ તો આ વખતે તુ ત્યાં જવા રાજી કેવી રીતે થઈ ગયો?"-મનનમાં વસતી ડિટેકટીવની આત્મા આળસ મરડીને બેઠી થઈ.
"આશિષ આખો દિવસ કામ કરીને થાકેલો પાછો આપણા ઘરે આવે એ સારૂ ન લાગે એટલે મે હા પાડી."-મને જવાબ આપવામાં ફાંફા પડી રહ્યા હતા.
"શુ ચાલી રહ્યું છે તારા મગજમાં?"-મનન સીધો મુદ્દા પર આવ્યો.
"કાંઈ પણ નહી. આખો દિવસ ડિટેકટીવની સીરિઝ જોઈ જોઈને તારૂ મગજ જ વ્હેમીલુ થઈ ગયુ છે."મનન કશું ન બોલ્યો.ઘરે પહોંચીને બંને ડિનર પતાવીને આશિષના ઘરે જવા નિકળ્યા.
એસિડ ફેકટરી પહોંચતા જ બંનેને સામે મોન્ટુ મળ્યો.જાણે બંનેનુ સ્વાગત કરવા જ ન ઉભો હોય!
"જો યમદૂત નો પાડો સ્વાગત કરવા ઊભો છે."-મનને ધીરેથી કહ્યુ.
"આજ ફીરસે પ્રોગ્રામ હૈ કયાં?"-મોન્ટુ એ એના કાળા ડામર સરખા અંગુઠાથી ઈશારો કરતા કહ્યું."જો આ અંગુઠાને એકવાર અહીયાંની જ ફેકટરીમાં ઉત્પાદિત થતાં એસિડ માં થોડી ક્ષણ માટે જ ડુબાડવામાં આવે તો તે હિરાની જેમ ઝગારા મારતો બહાર નીકળે."મોન્ટુના અંગુઠાને જોઈને મને વિચાર આવ્યો.
"નહીં યાર.વો તો કામ થા કુછ."-મનનનો અવાજ ક્ષણભર કંપ્યો.
"એસા કયા કામ હૈ?"-મોન્ટુ કેબીસી રમવાના મુડમાં હતો પણ અમે હાલ એ રમવાના મુડમાં ન હતા કારણકે કોઈ પણ જવાબના બદલે અમને ન તો પૈસા મળવાના હતા ન તો દારૂ.
"યહાં એક દોસ્ત રેહતા હે ઉસીસે મીલના થા."-મે રૂક્ષતાથી જવાબ આપ્યો.
"અપોઈન્ટમેન્ટ કે બિના ભાઈ કિસીસે નહીં મિલતા."
"કયાં આપ ભી મજાક કરતે હો.હમ જૈસૈ લોગોસે ભાઈ બિના અપોઈન્ટમેન્ટ મિલે એસી આપ જેસી હમારી ખુશકિસ્મતી કહાં?"-મનને હેવી ફેટવાળુ બટર રોસ્ટ કરતી વખતે સંપૂર્ણ બળીને કાળા થઈ ગયેલા બ્રેડ ઉપર લગાવ્યુ. બ્રેડ પોરસાઈને ફુલ્યુ.
"ચલો મીલવા દેતા હુ.ભાઈ મોન્ટુ કો કભી મના નહીં કરતા. અપુન ભાઈ કા રાઈટ હેન્ડ હૈ ના."-બ્રેડને અમારામાં તેની પહોંચ કેટલી મોટી છે એ બતાવવાની સુવર્ણ તક દેખાઈ.અમે આવુ બહુમાન સ્વીકારતા ખચકાયા.
"બાદમે. અભી થોડા ઉતાવળ હે ના."-મનનનુ હિંદી કોઈ હિંદી અધ્યાપકની હત્યા કરવા માટે પૂરતું હતુ.
"ઑ.કે.મે ગ્યારા બજે કી મિટિંગ ફીક્સ કર દેતા હુ.અભી દો ઘંટે હે."-બ્રેડ આસાનીથી હાથમાં આવેલા બકરા છોડી દે એમાનો ન હતો.
"થેંકયુ ભાઈ.માન ગયે આપકો."-મનને અહોભાવ વ્યકત કર્યો ત્યારે અમને મુક્તિ મળી.
"અચ્છા યે ભોલેશ્ર્વર સોસાયટી કહા હૈ?"-મનને પૂછ્યુ.
"યહાં સે સીધા જાઓગે તો એક મંદિર આયેગા શંકર ભગવાન કા. બસ વહી હૈ."
મંદિરનું નામ સાંભળી મને થયુ કે 'અહીં ના લોકોને ભગવાનની જરૂર પડતી હશે?'અમે આશિષના ઘર તરફ આગળ વધ્યા.આશિષનુ ઘર શોધતા વાર ન લાગી.આશિષ એક ટુ બીએચકે વાળા ડુપ્લેક્ષમાં બીજા માળે રહેતો હતો. આ સોસાયટીનુ આ સૌથી ઊંચુ ઘર હતુ.આશિષના રૂમની બહાર ખુલ્લી જગ્યામાં જ અમે બેસ્યા.ત્યાંથી ટાઈગરનો મહેલ સ્પષ્ટ દેખાતો હતો.
"તને બીક નથી લાગતી?"-મનનથી રહેવાયું નહીં.
"ના.અહીં તમે તમારા કામથી કામ રાખો તો કોઈ તમને કનડતુ નથી.રહી વાત ટાઈગરનુ તો એ અહીં ના લોકોનો ભગવાન છે.ભગવાન કયારેય ભકતને હેરાન નથી કરતો."-આશિષના ચહેરા પર કોઈ જ ભાવ ન હતાં.
"તારા ઘરે કેમ નથી રહેતો?મતલબ એવુ તો કેવુ પ્રાયશ્ચિત?"
"મારી બહેનને છોડાવીને જઈશ."-આશિષનો ચહેરો જોઈ લાગ્યુ કે જાણે એને એના મનના અંતિમ સ્તરમાં દાટેલી ઘટના પર કોઈએ કોદાળીથી પ્રહાર કરીને એને ખોદીને મુળસોટી બહાર કાઢવી છે.
"તારી બહેન જેલમાં છે?"-મનનની ઉતાવળી જીભે જાણે ચિનગારીને પવન આપ્યો.
"હા.ટાઈગરની જેલમાં."-આશિષે ટાઈગરના ઘર તરફ આંગળી ચિંધી.અમે બંને એ આ કલ્પયુ ન હતુ.અમને ચારસો ચાલીસનો ઝાટકો લાગ્યો.
"પણ કેમ ત્યાં?"-આશિષની સ્વસ્થતા અમને અસ્વસ્થ કરી રહી હતી. એની ભીતર એક સમી ગયેલુ તોફાન ફરી જાગ્યુ હતુ.
"કૉલેજ દરમિયાન હુ જુગાર રમવાની લતે ચડી ગયેલો.હંમેશા હુ એમાં જીતી જ જતો.ધીરે ધીરે એ વ્યસન બની ગયુ.મારી કિસ્મત મારા સાથે હતી.હુ ઘમંડના નશાથી ધુત થઈ ગયેલો.મે એક નાણા ધીરનાર પાસેથી દસ લાખ રૂપિયા ઉંચા વ્યાજે ઉછીના લીધા.મે વિચાર્યું કે જીતી જઈશ તો સીધા ડબલ રૂપિયા હાથ લાગશે.પછી તો આખી જિંદગી એશો આરામમાં જ વિતશે.પણ દાવ ઊંધો પડ્યો.બધાં જ રૂપિયા હુ હારી ગયો.હુ પેલા લેણદારને રૂપિયા ચુકવવા માટે અસમર્થ હતો.મે હાથ અધ્ધર કરી દીધાં.એ લેણદારે એક દિવસ ગુંડાઓ સાથે મારા ઘરમાં આવીને તોડફોડ કરી.હું મારી ભુલ મારો પરિવાર ભોગવે એમ નહતો ઈચ્છતો. હુ ટાઈગર પાસે મદદ લેવા ગયો કારણકે આખા શહેરમાં માત્ર એ જ એવો હતો જે લેણદારને પહોંચી વળે.અમે નકકી કર્યું કે લેણદાર આવે એ દિવસે હુ એને ફોન કરૂ.એ દિવસે બુધવાર હતો.હું અને મમ્મી-પપ્પા સાંજે મંદિરે ગયેલા.રિધિમા ઘરે એકલી જ હતી.એ લેણદાર અચાનક આવી ચડ્યો.મોકાનો ફાયદો ઉઠાવી એને રિધિમા સાથે બળજબરી કરી.રિધિમા એ સ્વબચાવ માટે એના માથે એની વૉટર બોટલ જોરથી મારી.એ ત્યાંજ ઢળી પડ્યો.અમે બધાં ઘરે આવ્યાં ત્યારે રિધિમા ની હાલત ભૂંડી હતી.એને બધી જ વાત કરી.હુ ન હતો ઈચ્છતો કે મારા કારણે મારી બહેન જેલ જાય.મે તરત ટાઈગરને ફોન કર્યો.એ મારા ઘરે આવ્યો. એને બધી જ વાત જાણી.એને મને નચિંત થઈ જવા કહ્યુ.એના માણસો લાશને રેલવે ટ્રેક પર જઈને નાંખી આવ્યા જેથી સમગ્ર મામલો આત્મહત્યામાં ખપી જાય.એને પળભરમાં મારી બધી જ પ્રોબ્લેમ દુર કરી નાંખી.રિધિમાની સલામતી માટે એ રિધિમાને સાથે લઈ ગયો.એને વચન આપ્યુ કે એ રિધિમાને એની બહેનની જેમ જ સાચવશે.જે દિવસે હુ એટલો સક્ષમ થઈ જઈશ કે એને સાચવી શકુ એ દિવસે રિધિમા ને એ મુકી જશે.મારા લીધે મારી બહેન આજીવન ન ભુલી શકે એવી પરિસ્થિતિમાંથી ગુજરી.એક ભાઈ તરીકે હુ નિષ્ફળ ગયો.મે એની રાખડીની પણ લાજ ન રાખી.આ ગિલ્ટથી હુ મરી રહ્યો હતો. મારા ઘરની એક એક નિઃશબ્દ દિવાલ ચિલ્લાઈ ચિલ્લાઈને કહી રહી હતી કે તને ધિકકાર છે.ના તુ સારો પુત્ર બની શકયો ના તો ભાઈ.એ અપરાધ ભાવથી મુક્ત થવા અને રિધિમાને મુક્ત કરવા માટે મે ઘર છોડી દીધું."-આશિષે ઊંડો શ્વાસ લીધો.મને તો મારા કાન ઉપર વિશ્ર્વાસ જ થઈ રહ્યો ન હતો.ટાઇગરને લોકો ભગવાન કેમ માને છે એની આજે એક નાનકડી ઝલક મે જોઈ.
"તે જવા દીધી એને?તુ કેવી રીતે વિશ્ર્વાસ કરી શકે એક ગુંડા ઉપર?"-મનને હળવેકથી પુછ્યું.
"હા.કારણકે હુ એની રક્ષા કરવામાં નિષ્ફળ ગયેલો અને રહી વાત વિશ્ર્વાસની તો ટાઈગર માટે એના વચનથી વિશેષ કાંઈ જ નથી.એના પ્રાણ છોડી દેશે પણ વચન નહીં તોડે."-આશિષે હળવુ સ્મિત કર્યું.આશિષની વાત સાંભળીને લાગી રહ્યુ હતુ જાણે કોઈ મુવીની સ્ટોરી ચાલી રહી છે.
"અને રિધિમાએ આ વાત માન્ય રાખી?"-મને આશીષ કરતા વધારે રિધિમામાં રસ પડયો કારણકે ઘટેલી દૂર્ઘટના માટે આશિષ નિમિત્ત હતો પણ જેણે આ જીવવુ પડ્યું મને એની મનોઃસ્થિતી વિચારીને પણ કમકમા આવી ગઈ. શહેરના સૌથી ખુંખાર ગુંડાના ઘરમાં રહેવુ એ વિચારથી પણ કંપારી છુટી જતી.
"ત્યારે એ એવી સ્થિતિમાં તો હતી જ નહીં કે કોઈ નિર્ણય કરી શકે."
"તો તું એને મળે છે ખરી?"
"એની આંખોમાં આંખ પરોવી શકુ એટલી હિંમત નથી મારામાં. એટલે તો અહિંયા રહુ છું.દુરથી તો એને જોઈ શકુ."
"કેવી રીતે?"-ડિટેકટીવ મનનને આ રહસ્ય આકર્ષી રહ્યું હતું.
"એ રોજ રાત્રે થોડો સમય ધાબા પર આવે છે. એનો પડછાયો જોઈને જ હુ ખુશ થઈ જઉં છું."
"રાત્રે કેમ?"-આશિષની બધી જ વાત કલ્પના બહારની હતી.
"એને સિંગીગનો બહુ જ શોખ છે અને રિયાઝ માટે એને રાતનો સમય જ આમ ખુલ્લી હવામાં આવવા મળે છે."
"આ તો ક્રૂરતા કહેવાય યાર."
"ના.ટાઈગર નથી ઈચ્છતો કે કોઈ પણ એને જુએ અને ફરી એવી પરિસ્થિતિ ઊભી થાય.માત્ર ત્રણ માણસ જ એના વિશે જાણે છે. હું, ટાઈગર અને એનો રાઈટ હેન્ડ મોન્ટુ."
"મતલબ એ મારો વ્હેમ ન'તો.એ દિવસે એ રિધિમા જ હતી."-મને એ દિવસે પાછા ફરતી વખતે સંભળાયેલો સંગીતનો અવાજ યાદ આવ્યો.
**************************************************