૨૨ સિંગલ - ૭ Shah Jay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

૨૨ સિંગલ - ૭

નવરાત્રીના નોરતા,

છોકરી સંગ ખેલતા.

છોકરીએ દીધી મુસ્કાન,

પડી ગઈ ખીસામાં ટાલ.

મોઢું જોયું દિવસે,

આજે નવરાત્રીનો ચોથો નોરતો છે. હર્ષ, અનુ અને અક્ષત સાથે શહેરની સૌથી જાણીતા પાર્ટી પ્લોટમાં ગરબ રમવા આવ્યા હતા, માત્ર અનુ અને અક્ષત માટે જ નહિ પરંતુ બધા જ નવયુવાનો માટે નવરાત્રી એટલે સેટિંગ કરવાનો સર્વશ્રેષ્ઠ મોકો. હર્ષ પણ આ જ મોકા નો લાભ લેવા આવ્યો હતો. બાકીના દિવસોમાં તો મોટા ભાગની છોકરીઓના ઘરે થી રાત્રે ૯-૧૦ પછી બહાર નીકળવાની છુટ ના હોય પરંતુ આ ૯ દિવસ તો બધી છોકરીઓ આ જ સમયે બહાર નીકળે.

અનુ અને અક્ષત પોતાની એકાંતની પળો માનવા આવ્યા હતા. હર્ષ કોઈક મળી જાય અને એની નવરાત્રી ઔર રંગીન બની જાય એવી આશા એ છેલ્લા 4 વર્ષથી આવતો હતો. ( ખરેખર આશા અમર છે હો...) આ વર્ષે પણ નફફટ થઈને ફરી આવ્યો હતો. ચોથા નોરતામાં પણ એ જ કુરતો પેહરીને આવ્યો હતો. હોલસેલના વેપારી પાસે જેટલો માલ હોય એટલી જ પરસેવાની બૂ એના કુર્તામાંથી આવતી હતી. છતાં એ જ કુરતો પેહરી આવ્યો હતો. અને ગરબા રમવાની વાત માં તો કહી શકાય કે માત્ર બે તાળી જ આવડે છે ભાઈ ને. અને એમાં પણ જો કોઈ ઉદ્દીપક (અફકોર્સ છોકરી જ..) આસપાસ આવી જાય તો એમાં પણ ગરબડ ગોટાળા. સરવાળે ગરબા રમવામાં ઝીરો. પણ રમવા આવાનું એટલે આવાનું. કદાચ કોઈ મળી જાય તો... ???!!!

હર્ષ પાર્ટી પ્લોટમાં દાખલ થયો. અનુ અને અક્ષત તો એક કલાક માં આવીએ એમ કહીને એમના રસ્તે નીકળી ગયા. હર્ષ સ્થિર પાણીમાં જેમ બતક એક પગે ઉભો રહીને માછલીનો શિકાર કરતો હોય એમ આસપાસ કોઈ સારી છોકરીને શોધતો હતો. છોકરી પણ એવી શોધવાની કે એકલી હોય. આખું ગ્રુપ હોય એ પણ ના ચાલે. ત્યાં જ એને ધક્કો મારીને એક છોકરી અંદર જઈને સૌથી બહાના સર્કલ માં ગરબા ગાવા લાગી. એને જોઇને જ “હમકો દિવાના કર ગયે” નું સંગીત હર્ષના દિલમાં વાગવા લાગ્યું. એની આસપાસ કોઈ ઓળખતું નથી એ પાક્કું કરીને હર્ષ દોડતો એની બાજુમાં જઈને ગરબા રમવા લાગ્યો.

પણ હાય રે તારા નસીબ. હજી હર્ષ પહેલી તાળી પાડે એ પેહલા ત્રણ તાળીના ગરબા શરુ થઇ ગયા. જ્યાં બે માં ગરબડ હોય ત્યાં 3 તો હવે..... હર્ષ ના સિલેબસ બહાર ની વાત વાત. પણ છેલ્લે તો હર્ષ પણ એન્જીનીયર ને!!! પરીક્ષામાં પૂછેલા સવાલ વિષે કોઈ દિવસ વાંચ્યું હોય કે ના વાંચ્યું હોય, કૈક તો લખીને જ આવાનું. છેલ્લે કઈ નહિ તો એવું લખવાનું કે સાહેબ ને પણ નવું લાગે. આ જ સ્વભાવ અત્યારે કામ લાગ્યો. હર્ષ ત્યાં જ 3 તાળી શીખવા લાગ્યો. બાજુમાં છોકરીએ એને જોઇને સ્માઈલ કરી. છોકરીના પગ જે રીતે જાય એ રીતે હર્ષે પણ મુકીને સ્ટેપ શીખવાનો પ્રયત્ન કર્યો. પણ અમુક લોકોના શરીર જ શિથિલ. એક સમયે શરીર નો એક જ અંગ ફરે. જયારે ગરબા ને ડાન્સ શીખવા માટે તો એક સમયે એક કરતા વધારે અંગ હલવા જોઈએ. હર્ષ તાળી પડે તો પગ નું સ્ટેપ ભૂલી જય, પગ નું સ્ટેપ મુકે તો ફરવાનું ભૂલી જય. હજી હાથ તો બાકી જ હતા.

હર્ષની આવી મુંજવણ જોઇને છોકરી હસી, હર્ષ ફરી ગૂંચવાયો. જેને પોતે ઈમ્પ્રેસ કરવા આવ્યો હતો એની સામે તો આબરૂના ધજાગરા થાય છે. અત્યાર સુધીમાં હર્ષ ની પાછળ વાળા એ બે વખત હર્ષના મો ઉપર લાફો, એકવાર પગ ઉપર લાત ઢીંચી દીધા હતા. પણ જે છોકરી માટે પોતે આખી દુનિયાથી લડવા તૈયાર છે એની સામે આ લત અને ઢીંક ની તો શું વિસાત!!! (કંઈક વધારે ના વિચારી લીધું?!!!!!) હર્ષે ના છુટકે પાછળવાળા ને પોતાની બત્રીશી બતાવી. ફરી પોતે છોકરી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. છોકરીએ પણ કીધું કઈ નહિ, રમ્યા કર. ધીમે ધીમે આવડી જશે. મારા પગ જોઇને સ્ટેપ મુક.

ચાલો કઈ નહિ. ભલે ને બે-ચાર લાત ખાવી પડી પણ છોકરી એ ભાવ તો આપ્યો. હર્ષ એ છોકરીના સ્ટેપ જોઇને સ્ટેપ કરવા લાગ્યો. બીજી નાની -મોટી ચાર—પાંચ લાત, બે-ત્રણ ઢીંક બાદ કરતા હર્ષ ને થોડુ આવડ્યું પણ વચ્ચે તો એક વાર ભાઈએ છોકરીના ચણીયા પર જ પગ મૂકી દીધો ત્યારે જોવા જેવું હતું. એ તો છોકરી બિચારી ભલી કે ખાલી ગુસ્સાની નજરથી જોયું એ સિવાય કઈ ના બોલી. અડધા કલાક છોકરી ની સાથે રમતા રમતા વિચારી લીધું કે કાલે તો અનુ પાસેથી ત્રણ તાળી પણ શીખી જ લેવું છે. જો કે આજે જેટલું ધ્યાન હર્ષે સ્ટેપ શીખવામાં આપ્યું એટલું જો જિંદગીમાં ક્યારેય પરીક્ષામાં આપ્યું હોતે તો બોર્ડમાં પહેલો નંબરે પાસ થાત. અને અત્યાર સુધી કઈ કેટલી છોકરી સામેથી એને પ્રપોસ કરી ચુકી હોત.(આ બસ “જો” અને “તો” ની રમત છે એની સિવાય કઈ નહિ....”જો” ધ્યાન આપ્યું હોત “તો” આવું થાત....)

સ્ટેપ કરીને બધાને મનોરંજન પૂરું પડ્યું હતું. ત્યાં જ ગરબામાં બ્રેક પડ્યો. હર્ષે એ મન માં ને મન માં ગાળ દીધી. પણ પેલી ને ફરી અહિયાં જ મળીયે એમ કરીને પોતે અનુ અને અક્ષતને આ ખુશખબર આપવા ફોન જોડતા બહાર નીકળી ગયો. બહાર એક વડાપાઉં, બે દાબેલી અને એક કોલ્ડ ડ્રીંક નો ઓર્ડર આપીને પહેલી વાર હર્ષે મેહસૂસ કર્યું કે ગરબા રમવાથી માણસોનું સ્વાસ્થ્ય સારું રહે છે એ સાંભળેલી વાત ખરેખર સાચી છે. અડધા કલાકમાં તો એનો કુરતો પરસેવાથી એકદમ લથપથ થઇ ગયો હતો. હર્ષને આટલું ખાવા છતાં પણ એટલી ભૂખ લાગી હતી કે જેની કોઈ વાત નહિ. ત્યાં જ અક્ષત અને અનુ આવ્યા.

હર્ષે અક્ષત અને અનુ ને અક્ષરસઃ આખી વાત કહી. અક્ષત વાત સાંભળીને જ હસવા લાગ્યો કે ભાઈ નવરાત્રી માં કોઈ દિવસ છોકરી ના પસંદ કરાય. એટલા મેકઅપના ઢીંચડા કરીને આવે ને. મારું માન, તું એને જવા દે. તને કોઈ સારી મળી જશે. હર્ષ હવે તાડૂક્યો : હજી ક્યારે? ના ના, આં છોકરી મને ગમે છે. અને વધારે સારું છે કે (શરમાતા શરમાતા ) એને પણ હું ગમું છું.

અક્ષત: તું તો રેહવા જ દે. હાલતી-ચાલતી બધી છોકરી તને ગમે છે.

હર્ષ : તો શું કરું? મારામાં એક છોકરીની અંદર રહેલા સારા ગુણો જોવાની કળા છે. તારી જેમ હું ખાલી કેવી દે દેખાય છે એના ઉપર નથી જતો. (અહો આશ્ચર્યમ ...)

અનુ: અક્ષત, હર્ષ ને ઈ ગમે છે તો ગમે છે. જા હર્ષ તું એની સાથે ગરબા રમ. જલસા કર.

હર્ષ અનુ ઉપર ખુશ થઈને એને થેંક્યું કહીં બીલ આપવા ગયો. ત્યાં અક્ષત અને અનુ વાત કરતા હતા.

અનુ: અક્ષત, હર્ષ તારો બેસ્ટ ફ્રેન્ડ છે. તારે એને સપોર્ટ કરવો જોઈએ એની જગ્યા એ આડો ફાટે છે.

અક્ષત: પણ મેં ક્યાં કઈ ખોટું જ કીધું છે. નવરાત્રીમાં બધી જ છોકરીઓ મેકઅપ ના લપેડા કરીને આવે. ભૂલ માં બીજે દિવસે જોઈએ તો સાચે બીજી વાર વિચાર કરવો પડે.

અનુ: બધી જ છોકરીઓ????

અક્ષત: (બાજુમાંથી પસાર થતી છોકરીને જોતા) હા બધી જ ને તો.

અનુ તરત ગુસ્સામાં એને ધક્કો મારીને નીકળી ગઈ. અક્ષત પોતે શું બોલ્યો એ યાદ કરે એ પેહલા અનુ ત્યાંથી ઘરે જવા નીકળી પડે છે. હર્ષ ત્યાં સુધી આવી જાય છે.

હર્ષ: શું થયું? આમ ડાફોળીયા ક્યાં મારે છે? કોઈ સારી છોકરી હોય તો મને બતાવ.

અક્ષત: જો ત્યાં લીલા કલરના ચણીયા ચોલીમાં ઉભી છે ને એ મારો સૌથી પહેલો ક્રશ હતો. આજે તો એના લગ્ન પણ થઇ ગયા અને એક છોકરા ની માં પણ બની ગઈ.

હર્ષ: ઓહોઓ, બહુ જલ્દી. હું તો હજી ગેમ સ્ટાર્ટ કરું છું. આ મેડમ તો ફાઈનલ પણ રમી ગયા.

અક્ષત: સાલા તારી આવી ને આવી વાત માં જ અનુ જતી રહી.

હર્ષ : ક્યાં ગઈ ? અને મેં શું કર્યું ભાઈ કે મારું નામ લાવે છે?

અક્ષત : તને સપોર્ટ કરવાની વાત કરતા હતા અને ખબર નહિ હું શું ઉલટું બોલી ગયો કે એને ખોટું લાગી ગયું. સાલું શું બોલ્યો એ યાદ પણ નથી.

હર્ષ: તો તારું ધ્યાન ક્યાં હતું?

અક્ષત: આ જ લીલા ચણીયા-ચોળી વાળી બાજુમાંથી ગઈ તો એના વિચારોમાં.

હર્ષ: લો બોલો, ગર્લફ્રેન્ડ નથી તો પણ મને એટલું ખબર છે કે કમસે કમ ગલફ્રેન્ડની સામે તો બીજી છોકરીઓને નહિ જ જોવાની . હવે ભોગવો.

અક્ષત: હા હવે, બાબા હર્ષ. હું જાઉં છું ઘરે. અનુ ને પણ મનાવાની છે.

હર્ષ: ચલ હું પણ આવું જ છું ઘરે. કાલે પેલી ને ઈમ્પ્રેસ કરવા ત્રણ તાળી અને દોઢિયું અનુ પાસેથી શીખવાનું છે.

(બીજા દિવસે હર્ષ અને અક્ષત ફોન ઉપર)

હર્ષ: અનુ માની ગઈ?

અક્ષત: હા ૧૦૮ વાર સોરી બોલ્યો ત્યારે માની.

હર્ષ : પણ શું થયું હતું?

અક્ષત: યાદ જ નથી એ જ તો પ્રોબ્લેમ છે.

હર્ષ : તો સોરી શેનું કીધું?

અક્ષત: ઓ પંચાતની ફોઈ. તું તારું જો ને. અમારામાં શું કરવા આંગળી કરે છે. અને હા. કઈ દઉં તને. રિલેશનશીપ નો આ નિયમ છે, ભૂલ ગમે તેની હોય “સોરી” તારે જ કહેવાનું. અને આ નિયમને આખું વિશ્વ પાડે છે.

હર્ષ : પણ મારી ભૂલ વગર હું કેમ સોરી કહું?

અક્ષત: બે યાર, ત્રાસ છે હા તારો હર્ષ. એટલે જ તું સિંગલ છે એ સમજી લે.

હર્ષ: એમાં હું સિંગલ છું એ વાત ક્યાંથી વચ્ચે આવી?

અક્ષત: કોઈ દિવસ છોકરી સાથે વાત કરી છે ખરી?

હર્ષ: ભાઈ તને તો ખબર છે ને...

માર્યું છે કાળીયાર જંગલમાં,

ઉઠાડ્યા છે લોકોને ફૂટપાથથી,

નાખ્યા છે એમણે મોતના મુખમાં,

એવા આ સલમાન ના શિષ્ય,

ભગવાન હનુમાનના પરમ ભક્ત,

હું છું સિંગલ, હું છું હર્ષ.

અક્ષત: મને તારી આ ફાલતું કવિતા, ગઝલ, કે શાયરી. તું એને જે કહેતો હોય એ આખી યાદ છે. ફરી બોલ્યો છે ને તો એક છુટ્ટો લાફો મારીશ. ૧ કલાક પહેલા પાર્ટી પ્લોટ પહોચી જજે, અનુ તને સ્ટેપ શીખવાડી દેશે.

એક કલાકની સખત તાલીમ પછી હર્ષ દિલમાં થનગનાટ લઈને ગરબાના મેદાન માં આવ્યો. આખું ગ્રાઉન્ડ ફરી લઈને પેલી છોકરી ક્યાં છે એ શોધી લીધું અને એની બાજુમાં જ જઈને ત્રણ તાળી રમવાનું શરુ કર્યું. કાલ કરતા એના ગરબાના સ્ટેપમાં સુધારો જોઇને છોકરી એ હર્ષ સામે સ્માઈલ કર્યું, બસ હર્ષ તો ત્યાં જ પાણી-પાણી થઇ ગયો. ચાલો, બાવીસ વર્ષનો વનવાસ આજે પૂરો થશે. ક્રિકેટરો શતક મારવાના ઈરાદે મેદાનમાં ઉતરે તો હર્ષ બ્રેક ટાઈમમાં છોકરીને નાસ્તો પણ કરાવવા લઇ જવી છે ને ત્યાં જ નામ, નંબર માંગી લઈશ એવા ઈરાદે ઉતર્યો હતો. જોઈએ કેટલો સફળ થાય છે એ......

ગરબા રમતા-રમતા કોઈની જોરદાર ઝાપટથી હર્ષ લગભગ પડવા જેવો થઇ ગયો પણ ગરબામાં તો આવું બધું ચાલીને હર્ષ ગુસ્સો પી ગયો અને ફરી ગરબાના સ્ટેપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ પાછાળવાળો હર્ષને મારવાનું ઠાનીને જ આવ્યો હોય એમ ઉપરાઉપરી બીજી ત્રણ-ચાર મારી દીધી. જયારે હર્ષે એને ગુસ્સાથી જોયો ત્યારે એણે કાનમાં કહ્યું કે તું જે છોકરીની સાથે ગરબા રમે છે એ છોકરી ને એ પણ બહુ પસંદ કરે છે. અને એની સામે કોઈ આંખ ઉઠાવીને જોય એ એનાથી સહન નહિ થાય. હર્ષે પણ કીધું કે હું પણ છોકરીને બહુ પસંદ કરું છું. પેલો છોકરો હર્ષનું બાવડું પકડીને મેદાનમાંથી બહાર લઇ આવ્યો.

બંને પાર્કિંગ એરિયા માં આવ્યા. વાતવાતમાં આખી ઘટના એ મોટું સ્વરૂપ લઇ લીધુ. હર્ષ પણ આજે લડી જ લેવાના મૂળમાં હતો. ૨૨ વર્ષે હીરો પોતાની હિરોઈન માટે લડતો હતો. જાણે આર-પારની લડાઈ હોય એમ બંને મારામારી અને ગાળાગાળી પર ઉતરી આવ્યા. હર્ષ ની બોડી હોવાથી અત્યારે તો એનો હાથ આ લડાઈમાં ઉપર હતો પણ જયારે પેલા એ એના બીજા 4-5 મિત્ર ને બોલાવ્યા ત્યારે હર્ષે પણ પાછુ હટવું પડ્યું એણે તરત જ અક્ષતને ફોન કર્યો. પણ જ્યાં સુધી અક્ષત આવે ત્યાં સુધી પેલી ગેંગ વાળા એ હર્ષ ને થોડો વધારે મારી જ લીધો હતો. અક્ષત પણ આ ઘટનાથી અજાણ ત્યાં એકલો આવ્યો અને જમીન પર પડેલા હર્ષ ને શું થયું એ જોવા ગયો ત્યાં પેલા લોકો એ અક્ષતને પણ મેથી પાક ચખાડ્યો અને છોકરી સામે ફરી નજર ઉઠાવીને જોવાની પણ ના કહી ત્યાંથી ચાલતી પકડી.

જે છોકરી માટે હર્ષ અને પેલો છોકરો લડ્યા એ છોકરી તો આ વાત થી એકદમ અજાણ મસ્ત ગરબા રમતી હતી. બ્રેક સમયમાં પાણી-પૂરી ખાઈને એના ઘરે નીકળીને સુઈ ગઈ હશે ત્યારે હર્ષ સિંઘમ ની માફક એકલો લડતો હશે.

પરિણામરૂપે, બીજા દિવસે સવારે અક્ષત માંડ ઉભો થયો, હર્ષ ને દાંત માંથી લોહી નીકળ્યું તો ડેન્ટલ હોસ્પિટલ ની મુલાકાત લેવી પડી. અને ઘરે બાઈક પરથી કુતરું વચ્ચે આવતા પડી ગયા એવું જુઠું બોલવું પડ્યું. હર્ષના પપ્પાએ બીજા દિવસથી હર્ષને બાઈક ચલવવા પર પ્રતિબંધ મૂકી દીધો એ અલગ.

આજે અનુ એ પહેલી વાર અક્ષત ને સોરી કીધું, હર્ષને સપોર્ટ કરવો આઈડિયા એનો જ જો હતો. જેણે છેલ્લે અક્ષતને પણ માર ખવડાવ્યો. પેલી છોકરી તો ખબર નહિ ક્યાં હશે. અનુ એ હર્ષને માથામાં ટપલી મારી અને બોલી “ તું તો કાયમ સિંગલ જ રહેશે.” હર્ષ નીચી મુંડી કરીને બસ સાંભળતો રહ્યો.

***