“ અેક કપ કોફી સવાર સુધારી દે
અેક કપ કોફી મૂડ સવારી દે
અેક કપ કોફી સંબંધ બનાવી દે
અેક કપ કોફી મૃત્યુ ઉપજાવી દે ”
હા, સાચે જ એક કપ કોફી સંબંધ બનાવી દે છે. સુધારીને કહ્યું તો પ્રેમ સંબંધ બનાવી દે છે. મારા અને પ્રીતિ વચ્ચે બસ આ એક કપ કોફી જેટલી જ સમાનતા, બાકી તો બંને એકમેક થી વિરુદ્ધ. અમારી પહેલી મુલાકાત પણ આ કોફીશોપમાં થઈ હતી હું દરરોજ એની રાહ જોતો અને એ કોઈક બીજા ની જ રાહ જોતી. એક દિવસ બન્યું એવું કે અમારી બંનેની રાહ એક થઈ ગઈ.
ખબર નહીં એક દિવસ પ્રીતિ મારા ઉપર કોઈ વાત ને લઈને ગુસ્સે હતી ને કોફી એમ જ છોડી ને જતી રહી, એ દિવસ જ મારા માટે બેકાર હતો. હા, પ્રીતિ આમ ચાલી ગઈ એતો ખરી જ પણ એની સાથે બિલ પણ ન ચૂકવી ગઈ. મારા ખિસ્સામાં માંડ વીસ રૂપિયા અને બિલ બન્યું સિતેરનું. હવે કરવું તો કરવું શું? વાસણ માંજતા તો આપણ ને ફાવે નહીં ! આજુબાજુ જોયું તો એક નજીકના ટેબલ પર એક ઉંમરલાયક વ્યક્તિ બેઠા હતા. મે એમને વિનંતી કરી ને એ વ્યક્તિ એ એક પણ શબ્દ બોલ્યા વિના મને રૂપિયા આપી દીધા. હું બિલ ચૂકવું એ પહેલાં તો એ ભાઈ કોફીશોપ છોડી ને જતાં પણ રહ્યાં. હા, પણ મે એક વિચિત્ર વસ્તુ જોઈ એ વ્યક્તિ જે કોફી માંગવી તેનો એક પણ ઘૂંટ પીધા વિના આખો કોફીનો કપ લઇ ને જતાં રહ્યાં અને કોફીશોપનાં વેઈટર તેમને રોક્યા પણ નહીં. આ વાત મને સમજાય નહીં ,એટલે મેં વેઈટર ને આ વિશે પૂછયું , તો જાણવા મળ્યું કે એ વ્યક્તિ દરરોજ અહીં આવે છે. કોફી મંગાવે છે, અડધો કલાક સુધી બેસે છે પણ કોફી પીતા નથી અને કપ લઇ ને જતાં રહે છે. હા, પણ કોફી ની સાથે એ કપ નાં રૂપિયા પણ ચૂકવતાં જાય છે. આ રહસ્ય મને સમજાયું નહીં.
બીજા દિવસે હું થોડો વહેલો કોફીશોપ પર પહોંચી ગયો. એ વ્યક્તિ એમના સમયે કોફીશોપ પર આવ્યા અને તેમના ઓડૅર આપ્યા વિના વેઈટરે તેમને એક કપ કોફી આપી. હું એમના ટેબલ પર ગયો અને પોતાનો પરિચય આપ્યો. “ જનારાઓ ઉભા નથી રહેતા , રોકવાથી પણ નહીં ” એમણે મને કહ્યું પણ મને કંઈ સમજાયું નહીં. મેં પૂછયું કે તમે કહેવા શું માંગો છો ?ત્યારબાદ એમની પાસે થી જાણવા મળ્યું કે તે મારા અને પ્રીતિ વિશે વાત કરી રહ્યાં છે. એમણે મને ઘણું સમજાવ્યું અને એમના થકી જ મને અહેસાસ થયો કે જીવન માં પ્રેમ કેટલો જરૂરી છે. અંતે મેં એમનું નામ પૂછયું પણ , “ મારો જવાનો સમય થઈ ગયો ” એમ કહીને કોફી નો કપ લઇ ને તેઓ જતાં રહ્યાં.
ત્રીજા દિવસે ફરી એમની સાથે એ જ કોફીશોપમાં મુલાકાત થઈ અને આમ અમે મળતાં રહ્યાં આટલાં દિવસોમાં મને એમના વિશે ઘણી વાતો જાણવા મળી. તે ઉપરાંત ખબર પડી “ જેની ” ની. હા, જેની તેમનો પહેલો પ્રેમ.
જેની અને આ વ્યક્તિ ની મુલાકાત આ કોફીશોપમાં જ થઈ હતી. એક દિવસ જેની પોતાનું પસૅ કોફીશોપમાં જ ભૂલી ગઈ અને આ વ્યક્તિ એ જેની નું પસૅ તેને આપ્યું. અને ત્યારબાદ તેઓ વારંવાર મળતાં જ રહ્યાં. કોફીશોપ આ વ્યક્તિ માટે ખૂબ ફાયદાકારક સાબિત થયું. એમને પણ એમનો પ્રેમ આ કોફીશોપમાં જ મળ્યો. ધીરે - ધીરે મને એમની અને મારી જીંદગી સરખી લાગવા લાગી.
દરરોજ જેની વિષે જ વાત થતી અને અંતે એમનો સમય થતો એટલે તેઓ કોફી નો કપ લઈ ને જતાં રહેતાં. મને હવે આ વાત ખૂંચવા લાગી કે તેઓ દરરોજ આમ કોફીનો કપ લઈ ને કયાં જતાં હશે ? મેં એમને ઘણીવાર પૂછયું કે એ કોફી પીતા કેમ નથી ? પણ એ વિષય પર તેઓ ચૂપ રહ્યાં. હવે ધીમે ધીમે આ રહસ્ય ગાઢ બનતું ગયું.
એક દિવસ તેઓ કોફી નો કપ લઇ ને જતાં હતાં અને એમને ખબર ન પડે એ રીતે હું એમની પાછળ પાછળ ગયો. ઘણું ચાલ્યા પછી જોયું તો તેઓ એક કબ્રસ્તાન માં જતાં હતાં. હું પણ એમની પાછળ ગયો. એમણે પોતાનો કપ એક કોફીન પર મૂકયો. મેં જોયું તો અસંખ્ય કોફીના કપ એ કોફીન પર પડયાં હતા. એ ત્યાં બેસીને ખૂબ રડયા અને જતાં રહ્યાં. તેના ગયા પછી હું તે કોફીન ની નજીક ગયો અને જોયું તો મને ખૂબ જ આશ્ચર્ય થયું કારણ કે એ કોફીન પર નામ લખ્યું હતું જેનીનું. હું ખૂબ ગભરાઈ ગયો કે જેના વિશે એ વ્યક્તિ આટલા દિવસ થી વાત કરી રહ્યા હતા એ જીવિત જ નથી? મારા થી તો હવે રહેવાયું નહીં હવે મારે કોઈ પણ રીતે પૂરેપૂરી વાત જાણવી હતી.
તેના બીજા જ દિવસે હું કોફીશોપ પર એ વ્યક્તિ ને મળ્યો ને હું તેમના પર ખૂબ ગુસ્સે થયો કે આટલા દિવસ થી તેઓ મારી સાથે રમત રમી રહ્યા હતા ? પણ પછી મને જાણવા મળ્યું કે એક દિવસ એક નાનકડી વાત પર આ વ્યક્તિ અને જેની વચ્ચે ઝઘડો થયો અને જેની કોફીનો કપ છોડી ને જતી રહી અને બહાર જતાં જ એક ગાડી સાથે તેનો અકસ્માત થયો અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી.
જેનીને આ કોફીશોપની કોફી ઘણી પસંદ હતી , જે દિવસે જેનીનું અકસ્માત થયું એ દિવસે તે કોફી પીધા વિના જ જતી રહી હતી એટલે આ વ્યક્તિ જેનીને દરરોજ કોફી અપૅણ કરે છે , કે કયારેક તો એ પીવા આવશે અને તેની રાહ મા પોતે પણ કોફી નથી પીતા. તે દિવસે તેઓ ખૂબ રડયા અને એમને જોય ને હું પણ રડી પડ્યો. ત્યારે મને એમના શબ્દો યાદ આવ્યા કે “ જનારાઓ ઉભા નથી રહેતા , રોકવાથી પણ નહીં”
મે મારી ભૂલ સ્વીકારી લીધી અને આજે હું અને પ્રીતિ ફરી સાથે છીએ અમે દરરોજ એ કોફીશોપમાં મળી એ છીએ અને અમે દરરોજ ઓડૅર આપ્યે છીએ “ વેઈટર, ચાર કપ કોફી... ”
-બાપુ