કોણ હશે હત્યારો- પાર્ટ - 2 HardikV.Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોણ હશે હત્યારો- પાર્ટ - 2

સલીમનો માત્ર હવે એક જ ધ્યેય હતો. એ ધ્યેય હતો શ્યામને પોલીસ પાસેથી આઝાદ કરવો. સૌથી મોટી મૂંઝવણ તો એ હતી કે શ્યામને નિર્દોષ સાબિત કેવી રીતે કરવો. સલીમને થયું કે આ પરિસ્થિતિનો સામનો શાંત મગજે કરવો જોઈએ. પણ આ શહેરના શોરમાં તે કઈ રીતે શાંતિથી વિચારી શકે? તેથી તે આજી ડેમ પર ચાલ્યો ગયો.

આજીના પવિત્ર પાણીને તે જોતો જોતો વિચારવા લાગ્યો, “આ દુનિયામાં કોઈ પવિત્ર રહ્યું હોય તો તે આ પાણી છે. જે વ્યક્તિ, સાથે જીવવા-મરવાના વચન આપતી હતી એ બેવફા સ્વીટી આજ એક ગેરસમજના કારણે મારા ભાઈ જેવા મિત્રને જેલમાં સડવાનું કહેતી હતી. પણ હું સ્વીટી વિશે શા માટે વિચારી રહ્યો છું? છોકરીઓ આમ જ કરે છે. પહેલા છોકરાને કઈક કરી દેખાડવા કહે છે અને જ્યારે એ કાર્ય કરતી વખતે કઈક બીજું જ થઈ જાય છે ત્યારે એને પ્રેમના આકાશમાંથી નફરતની ખીણમાં ધકેલી દે છે. એ જે હોય તે પણ હું મારા મિત્રને છોડાવીને જ જપીશ.”

તે આ બધું વિચારી રહ્યો હતો એવામાં તેની નજર થોડે દુર પડેલા બાંકડે ગઈ. ત્યાં જોયું તો ત્યાં સ્વીટી બેઠી હતી. કદાચ તે ત્યાં દુઃખ મનાવતી હશે એમ વિચારી સલીમે તેને આશ્વાસન આપવા ત્યાં જવા પગ ઉપડ્યા કે ત્યાં એક પોલીસ ઓફિસર આવ્યો. સલીમ તેને જોઈને મનમાં બોલ્યો, “આ એસપી નિલેશ કુમાર સ્વીટી પાસે શા માટે આવ્યો હશે? કદાચ ઇન્વેસ્ટિગેશન માટે આવ્યો હશે. આસપાસ ક્યાંય તેની પોલીસ સ્ટેશનની કાર તો દેખાતી નથી. (સાઈડમાં નજર ફેરવતા) અરે બુલેટ.. પણ બ્લેટ લઈને કોઈ અધિકારી થોડો ઇન્વેસ્ટિગેશન કરવા આવે? વળી મારો મિત્ર જેલમાં છે.... કઈક તો દાળમાં કાળું છે. થોડો નજીક જવા દે.” તે થોડો નજીક આવ્યો અને બાજુમાં પડેલી ગાડી પાછળ છુપાઈ ગયો. પણ પછી તેને યાદ આવ્યું કે સ્વીટી ક્યાં તેને ઓળખે છે. તેથી તે બાજુના બાંકડા પાસે આવ્યો અને પોતાની ટીશર્ટની ટોપીથી મો છુપાવી લીધું. ચહેરા પર ગોગલ્સ પહેરી લીધા.

તે બાંકડા પર બેઠો અને આ ઓફિસર અને સ્વીટીની વાતો સાંભળવા લાગ્યો. ઓફિસર તેને જોઈને બોલવા લાગ્યો, “એય અહીંથી નીકળી જા. થોડી અંગત વાત ચાલે છે....એય ...સંભળાતું નથી?...બહેરો છો?...તું એમ નહિ માને....” ઓફિસરની સામે સલીમ બહેરો હોવાનો નાટક કરતા બોલ્યો, “હે..શુ સાહેબ..થોડું નજીક આવીને અને જોરથી બોલો... કઈ સંભળાતું નથી..આપણે તો કાનપુરમાં છેલ્લા 4 વર્ષથી હડતાલ છે.” સલીમની વાત સાંભળી સ્વીટી લાગણીવિભોર થઈ ગઈ. તે કહેવા લાગી સર જવા દો. ભલે બેઠો એ. મને કંઈ વાંધો નથી.” સલીમને તક મળી ગઈ તેમની વાત સાંભળવાની. તે કાન ધરીને તેઓની વાતો સાંભળી રહ્યો હતો.

ઓફિસર સ્વીટીને કહેતો હતો, “સ્વીટી જીદ છોડી દે. મારી વાતને સમજ હું કોઈપણ પ્રકારનો રિસ્ક લેવા નથી માંગતો. તું સમજતી કેમ નથી? એ શ્યામ કોઈ ગુંડા ગેંગનો મેમ્બર છે. તે ગેંગની દુશ્મની તારા પપ્પા સાથે છે. તેઓએ શ્યામ મારફતે તારા પપ્પાની હત્યા કરી છે. કદાચ એ હવે તને અને તારી મમ્મીને પણ નુકશાન પહોંચાડી શકે છે. માટે મારુ માન તારે અત્યારે સેફ્ટીની જરૂર છે અને મારું ઘર સેફ છે. તને ખબર છે હું તારી ચિંતા શા માટે કરું છું?

કારણકે તારા પપ્પા મારા સંપર્કમાં વારંવાર આવતા હતા. તેમને હું મારા પિતા સમાન સમજતો. તો અત્યારે એમનો પરિવાર મારી જવાબદારી છે. માટે મને મારી જવાબદારી નિભાવવા દે. પ્લીઝ મારી વાત માની જા.”

સ્વીટીએ ઓફિસરની વાતનો જવાબ આપતા કહ્યું, “નિલેશ સર.. તમારી સલાહ માટે અને તમારી ઓફર માટે આભાર પણ મને કંઈ નહીં થાય. હું મારી મમ્મીને સંભાળી લઈશ. માટે મને મારા હાલ પર છોડી દો. ખોટું ન લગાડતા પણ મારા પપ્પાએ મને એક જ વસ્તુ શીખવાડી છે કે પોતાનો બોઝ પોતે જ ઉપાડો કુલીની આશા ન રાખો.” તે સાંભળી ઓફિસર બોલ્યો, “ઑકે સ્વીટી. એસ યુ લાઇક. બટ એનિટાઇમ યુ નીડ માય હેલ્પ. જસ્ટ કોલ મી. બાય એન્ડ ટેક કેર.” એમ કહી તે ત્યાંથી નીકળી ગયો.

સ્વીટી રડતા રડતા બોલી, “શ્યામ શા માટે તું મારી જિંદગીમાં આવ્યો? શા માટે તે મારા પપ્પાને મારાથી જુદા કરી નાખ્યા? તને હું કેટલો ચાહતી હતી. તે પોતાની દુનિયા બનાવવા મારી દુનિયા ઉજાડી નાખી. તારું નામ લેવામાં પણ મને ઘીન આવે છે. જ્યાં સુધી તને હું તડપાવીશ નહિ. ત્યાં સુધી મને ચેન નહિ પડે. એ જેલ તને દર્દ નહીં આપી શકે. દર્દ તો તને હું આપીશ. જસ્ટ વેઇટ એન્ડ વોચ.” તેણે પોતાના આંસુ લૂછયા અને પોતાની એક્ટિવા લઈને ત્યાંથી નીકળી ગઈ.

સલીમ તેના શબ્દો સાંભળી આશ્ચર્ય પામી બોલ્યો, “યાર આ તો ખતરનાક છે. શ્યામ કેવી રીતે આને હેન્ડલ કરતો હશે? પણ એ એવું કયું દર્દ અને કેવી રીતે આપશે? એ તો જોયું જશે પણ અત્યારે મારે શ્યામના ઘરે તપાસ કરવી પડશે કે ત્યાં બન્યું શુ હતું?”

તે શ્યામના ઘરે ગયો અને ત્યાં ઘર ખોલી અંદર તપાસ કરવા લાગ્યો. તેણે ઘરને સારી રીતે ચેક કરી લીધું પણ ત્યાં તેને કઈ પણ સબૂત ન મળ્યું. તે બધું ચેક કરતો કરતો શ્યામના કમ્પ્યુટર પાસે આવી પહોંચ્યો. તેણે કમ્પ્યુટરને જોયું તો તેને કઈક વિચિત્ર લાગ્યું. તે મનમાં કહેવા લાગ્યો, “કમ્પ્યુટર આમ વ્યવસ્થિત કઈ રીતે? આજે કીબોર્ડ પણ ટેબલની અંદર છે. મોનીટર પણ વ્યવસ્થિત પડ્યું છે. આ આળસનો સરદાર ક્યારે જેન્ટલમેન બની ગયો. હં..આ બધા પ્રેમના પરચા છે. પ્રેમમાં કોઈપણ જેન્ટલમેન બની જાય છે. એક મિનિટ.. સ્વીટી તો કદી અહીં આવી નથી. તો પછી આ બધું વ્યવસ્થિત રાખવાની જરૂર શુ? બીજા કોઈએ તો આ કર્યું નહિ હોય ને? આનો જવાબ તો માત્ર ને માત્ર શ્યામ જ આપી શકે.”

તે બીજા દિવસે સેન્ટ્રલ જેલ ગયો. ત્યાં જેલર સાહેબને શ્યામ સાથે મુલાકાતની વિનંતી કરી. જેલર સાહેબે શક કરતા કહ્યું, “બીજી વાર તેને મળવાની જરૂર શા માટે? કઈ ખીચડી તો નથી પાકતી ને? જો સલીમ એક કેદીને વારંવાર મળવાથી તારા પર શંકા જઇ શકે છે. તું મને સીધો લાગશ એટલે તને જવા દઉં છું. જો આ કેદી તારો મિત્ર હોય કે જે હોય એ પણ તેને છોડાવવાના પ્રયાસ તને મોંઘા પડી શકે છે. આનાથી તારા પિતા અહેમદભાઈની પ્રતિષ્ઠા પણ ખરાબ થઈ શકે છે.”

સલીમે નવાઈ પામતા પૂછ્યું, “સર તમે અબાજાનને કઈ રીતે ઓળખો છો?” જેલર સાહેબે જવાબ આપતા કહ્યું, “સલીમ તારા પિતા સલીમ ટ્રેઇલર ચલાવે છે ને? “ સલીમે હકારમાં માથું હલાવ્યું. જેલર સાહેબ બોલ્યા, “મારા કપડાં હું તેમની પાસે જ સિવડાવું છું. ઉપરાંત તે મારા મિત્ર છે. માટે આ બધા ચક્કરમાં ન પડ. જો સલીમ હું સમજુ છું કે એક મિત્ર જેલમાં હોય તો કેવું લાગે પણ તેના ઘરમાંથી જગદીશજીની લાશ મળી છે. તેથી તે બચી શકે એમ નથી. માટે તું ખોટી આશા મૂકી દે. ચાલ વાંધો નય જા મળી લે એને.”

સલીમે જેલર સાહેબનો આભાર માનતા કહ્યું, “થેંક્યું સર. પણ મને ખબર છે કે મારો મિત્ર આ કદી ન કરી શકે. તેને ફસાવવામાં આવ્યો છે. પણ હું તેને આમ જેલમાં સડવા નહિ દઉં.” તે શ્યામ પાસે ચાલ્યો ગયો. શ્યામને મળીને તેણે કહ્યું, “શુ યાર કઈ તકલીફ તો નથી ને? આમ ઉદાસ કેમ? મારા પર ભરોસો રાખ. તને ટૂંક સમયમાં આ કેદમાંથી છોડાવી લઈશ.” શ્યામ બોલ્યો, “યાર સલીમ, મને જેલના સળિયા અને આ ચાર દીવાલ નથી સતાવતી પણ સ્વીટીની યાદ સતાવે છે. યાર એના વગર હું એક પળ પણ નથી રહી શકતો અને આજે તેના વગર બે દિવસથી તડપુ છું. દુઃખ તો એ વાતનું છે કે તે મને હત્યારો સમજે છે.” સલીમે તેને કહ્યું, “યાર એ બધું થઈ જશે. છોકરી તો આવે અને જાય. એના શબ્દોની આગથી તું શું લેવા બળશ? મને એક વાત કે મર્ડર થયાની રાતે તું ક્યાં હતો?”

શ્યામે સલીમને જવાબ આપતા કહ્યું, “એ દિવસે તો હું જલ્પાબેનના મેરેજમાં જામનગર હતો અને જ્યારે ઘરે આવ્યો તો સવારે જગદીશજીની લાશ મારા ઘરમાં હતી. હું પોલીસને ઈંફોર્મ કરું એ પહેલાં પોલીસ મારા ઘરે પહોંચી ગઈ.” સલીમે તેની વાત સાંભળી કહ્યું, “હં.. તો મારો શક સાચો છે. તારા ઘરમાં બીજું કોઈ હશે. પણ સવાલ એ છે કે તારી સિવાય તાળું ખોલી કોણ શકે? તું ઘરે આવ્યો ત્યારે તાળું ખુલ્લું હતું?” શ્યામે કહ્યું, “ના . તાળું તો ખુલ્લું ન હતું. મારી સિવાય કોઈ તાળું ન ખોલી શકે.”

સલીમની જેમ તમે પણ વિચારી રહ્યા હશો કે તાળું ખુલ્લું ન હતું તો પત્રકારની લાશ આવી કયાંથી? તેનો જવાબ આગળના પ્રકરણમાં મેળવીશું.