પ્રસ્તાવના:-
વાચક મિત્રો ઘણી વખત આંખો જોઇને બાંધેલી ધારણા સાચી નથી હોતી, અંદર કોઈ ઘમાસાણ ચાલતું હોય અને આંખો શાંત હોય છે, તો ક્યારેક આંખોમાં નૃત્ય દેખાતું હોય પણ અંદરનો દરિયો શાંત હોય, પહેલી નજરનો પ્રેમ એટલે? અંતે ગુનેગાર તો આંખો જ ને! એક અલગ પ્રકારની વાર્તા આપ સમક્ષ મૂકી રહ્યો છું, તો આપનો પ્રતિભાવ જરૂર આપશો..
મૃગનયની
ભાગ ૪
“ઓકે ચાલો એ આવે તો સારી વાત છે, પણ તમે બંનેએ આજે મારો બર્થડે બગાડ્યો.”
“ના રેશમા, તારો બર્થ ડે તો આપણે દર વર્ષની જેમ ઉજવીશું.” મેં હસતા હસતા કહ્યું.
મેં રેશમા તરફ જોયું, એની આંખોમાં ક્યા પ્રકારની વ્યથા હતી એ ના સમજાયું, પણ આજે રેશમાનો જન્મદિવસ નથી બગાડવો એ વિચારે મેં રેશમાને કહ્યું..
“અરે યાર એ ચાલી ગઈ તો શું થયું? ચાલ આપણે મુવી જોવા જઈએ.”
મારી વાત સાંભળી રેશમાના ચહેરા ઉપર રોનક આવી ગઈ, પણ નયના ચાલી ગઈ એનું એને દુઃખ હતું.
હું અને રેશમા મુવી જોયા પછી સ્વાગત રેસ્ટોરન્ટમાં ગયા, ત્યાં દર વર્ષની જેમ હું સ્કૂટરની ડીક્કીમાંથી કેક કાઢી લાવ્યો, કેક કાપી અને રેશમાનો જન્મદિવસ ઉજવ્યો.
“રેશમા તું ખુશ છે ને?”
“આઈ હોપ કે સોમવારે તારું થાળે પડી જાય.” રેશમાએ એના દુપટ્ટાથી આંખ સાફ કરતા કહ્યું.
જોકે રેશમાની આંખ ભીની થવાના ઘણા કારણો હતા, કદાચ એ નયનાના વર્તનથી હતાશ થઇ ગઈ! કદાચ એને ધાર્યું હતું એવી રીતે એનો જન્મદિવસ ન ઉજવાયો! કદાચ રેશમાને વિશ્વાસ ન હતો કે નયના રજીસ્ટ્રાર ઓફિસે આવશે, પણ મને ગળા સુધી વિશ્વાસ હતો. રેશમાનો એક હાથ એની હડપચી ઉપર અને બીજા હાથમાં મેનુ હતું. કદાચ એ મેનુ જોવાનો ડોળ કરી રહી હતી.
“બટર પરોઠા, મલાઈ કોફતા સાથે છાસ અને પાપડ બરાબર ને?” રેશમાએ મારી સામે જોતા પૂછ્યું.
“દર વર્ષે તું મને પૂછે છે?” મેં પૂછ્યું.
“ઓહ! ઓકે. હું ઓર્ડર કરું.” એમ કહેતા રેશમાએ વેઈટરને ઓર્ડર આપ્યો.
ડીનર પતાવી અમે ઘરે પાછા ફર્યા.
શનિવાર અને રવિવાર એમ બે દિવસ હું સતત દુકાનના કામમાં વ્યસ્ત રહ્યો. રવિવારે રાત્રે મેં રેશમાને ફોન કર્યો.
“હા બોલ જીગા, મને ખબર હતી આજે તારો ફોન આવશે જ.”
“તું બે દિવસથી દુકાન ઉપર કેમ ન આવી?”
“એમજ થોડી ગૂંચવાયેલી, કામમાં ગૂંચવાયેલી હતી.”
“ઓકે, સવારે તું આવીશને રજિસ્ટ્રાર ઓફિસે?”
“પાગલ! હજુ પણ તને એમ છે કે એ આવશે? બે દિવસથી એ તારી મૃગનયની ઘરથી બહાર નથી નીકળી કે નથી મને એક ફોન કર્યો.”
“તું આવીશ કે નહી?”
“ઓહો! જબરો જીદ્દી, હા, આવીશ,”
“ઓકે સવારે દસ વાગ્યે મારી દુકાને આવી જજે.”
“એ હા.” કહેતા રેશમાએ ફોન કાપી નાખ્યો.
અને હું એક આત્મવિશ્વાસ લઈ આડો પડ્યો..
***
આજે સોમવાર છે નક્કી કર્યા મુજબ રેશમા દસ વાગ્યે જ દુકાને આવી ગઈ, સાડા દસ વાગ્યે અમે રજીસ્ટ્રાર ઓફિસે પહોંચી ગયા. સ્કૂટરની ડીક્કીમાંથી મેં બે ફૂલહાર એક મીઠાઈનું પેકેટ અને એક મંગળસૂત્રનું પાર્સલ કાઢ્યું. અને અમે બંને રજિસ્ટ્રાર ઓફીસના પગથીયા ચડવા લાગ્યા. રજીસ્ટ્રાર ઓફીસ મેઈન રોડને અડીને પહેલા માળે હતી. પગથીયા ચડતા ચડતા રેશમાએ પૂછ્યું.
“આ શું છે?”
“મંગળસૂત્ર, ફૂલહાર અને મીઠાઈનું પેકેટ છે.” મેં કહ્યું.
“જીગા, મને એમ થાય છે કે જો એ નહી આવે તો તારી શું હાલત થશે?”
“કાળજીભી તું આવી નેગેટીવ વાત કેમ કરે છે?”
“હું એક શક્યતા કહું છું, જો એ નહી આવે તો?”
“તો હું તારી સાથે રજીસ્ટર મેરેજ કરી લઈશ.” મેં મજાક માં કહ્યું.
“જીગા તું સીરીયસલી મજાક કરે છે કે મજાકમાં સીરીયસલી વાત કરે છે?”
“સાક્ષીમાં સહી કોણ કરશે? હજુ તારી એકાદ સહેલીને પણ સાથે બોલાવી લે, કારણકે બે સાક્ષી જોઇશે.”
“જો એ આવશે તો એક નહી પણ ચાર સહેલીને બોલાવી લઈશ. પહેલા તારી મૃગનયનીને આવવા તો દે.”
ટેરેસ ઉપરથી મારું ધ્યાન રોડ ઉપર હતું, સામેથી નયના અને એની મમ્મી બંને સામેથી આવતા જોઇને મેં રેશમાને કહ્યું..
“જો સામે. આવી ગઈ, એ પણ સાસુમાને સાથે લાવી છે, હવે બોલાવી લે.”
“હા બોલાવી લઉં છું પણ એ તને ધોકા મારવા આવી છે, જોજે.”
રેશમાએ પર્સમાંથી મોબાઈલ કાઢ્યો અને એ ફોન ઉપર વાત કરવા થોડે દુર ચાલી ગઈ. નયના અને એની મમ્મી બંને રજીસ્ટ્રાર ઓફીસ તરફ જ આવી રહ્યા હતા. મારું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. નયના અને એની મમ્મી બંને મારી બાજુમાં આવી ઉભા રહી ગયા. આજે પણ નયનના મોઢા ઉપર દુપટ્ટો બાંધેલો હતો. દુરથી જ નયનાએ એની મમ્મીને જણાવી દીધું હોય એમ એની મમ્મી મારી તરફ આવી રહ્યા. આવતાની સાથે જ વર્ષી પડ્યા.
“કેમ મારી છોકરીને હેરાન કરો છો? તમે એના વિષે શું જાણો છો?”
“કશુજ નહી આંટી? અને એ એના મોઢામાંથી કશું બોલતી પણ નથી.”
“બોલે? શું બોલે? કશું બોલવા જેવું હોય તો બોલેને?”
“કેમ શું વાત છે આંટી? હું એને પ્રેમ કરું છું અને એનાથી લગ્ન કરવા માંગું છું, મેં કશું ખોટું કીધું?”
“પણ એજ વાત તમે ઘરે આવીને કહી શકતા હતા.”
“ફરી કહું છું આંટી એણે મને કીધું હોત તો હું ઘરે પણ આવ્યો હોત.”
“એ તમને કંઈ જ નહી કહે, અને અહિ હું પણ નહી કહી શકું, તમે મારી સાથે ચાલો હું તમને વિગતવાર જણાવું.”
એમ કહેતા આંટી આગળ ચાલતા થયા એની પાછળ નયના ચાલતી થઇ રેશમા ટેરેસ ઉપર ઊભી એની ફ્રેન્ડ સાથે ફોન ઉપર વાત કરી રહી હતી. મેં એને ઈશારો કર્યો એટલે એ પણ મારી પાછળ પાછળ ફોન ઉપર વાત કરતી કરતી આવી.
આંટી પગથીયા ઉતરી નીચે એક રેસ્ટોરન્ટની અંદર ગયા, કોર્નરના એક ટેબલ ઉપર ગોઠવાયા અને અમને બેસવા હાથ લંબાવ્યો. આજે પહેલી વાર એવું થયું હતું કે નયના મારી સામે આંખ નહોતી મિલાવી રહી. ટેબલ ઉપર સામેની ચેર ઉપર નયના અને આંટી બેઠા, સામે હું અને રેશમા ગોઠવાયા. રેશમા એ ફોન કટ કરતા કહ્યું.
“મારી ફ્રેન્ડ સંગીતા અને મીના અડધો કલાકમાં આવે છે.”
“કેમ? શા માટે આવે છે?” આંટીએ ઉત્સુકતાવસ પૂછ્યું..
“જી લગ્નની નોંધણી કરાવવા માટે બબ....મ...મ.. સાક્ષી તો જોઇશે ને?” રેશમા મારી સામે જોઈ થોથવાતા જવાબ આપ્યો.
“વાહ! ગજબ! તમે તો બધીજ તૈયારી કરી લીધી. હું હાજર છું, મારી વાત સાંભળ્યા વગર?”
“પણ આંટી..”
આંટીએ મને વચ્ચે જ અટકાવતા, નયના તરફ જોઈ કહ્યું..
“લાવ તો પેલું કવર.?”
નયનાએ એના પર્સમાંથી એક સફેદ કવર કાઢી આંટીને આપ્યું. આંટી એ કવર ખોલી અંદરથી પાસપોર્ટ સાઈઝના બે ફોટા કાઢી એમાંથી એક ફોટો મારી સામે મુક્તા કહ્યું.
“આ જુઓ નયનાનો ફોટો.”
હું પાસપોર્ટ સાઈઝનો ફોટો જોઈ સમજી ગયો કે આંટી ફોટો સાથે લાવ્યા છે તો રજીસ્ટર મેરેજ માટે તૈયાર છે. આંટી વેઈટરને ચા ઓર્ડર કરી રહ્યા અને હું નયનાના ફોટામાં ખોવાયો.
ચાંદ જેવું અર્ધગોળાકાર કપાળ ઉપર લાલ રંગના તારાની જેમ ચમકતી નાની ચાંદલી તીક્ષ્ણ નેણ, ભરાવદાર ગાલ ઉપર ડાબી બાજુ નાનું એવું ખંજન અને બને હોઠની ઉપર નીચે સમતલ નાના નાના તલ મારી સામે હસી રહ્યા..મારા ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું, વેઈટર એ ચાના કપ ટેબલ ઉપર મુક્યા અને આંટીએ નયનાના ફોટોમાં ડૂબેલા મને બહાર કાઢતા કહ્યું..
“જીગ્નેશ ભાઈ..આ એનો અસલી ચહેરો છે.”
“હું સમજ્યો નહી આંટી!”
“જુઓ ભાઈ મારે ગોળ ગોળ વાત નથી કરવી, નયના કોલેજ કરતી હતી ત્યારે એક છોકરો નયનાના પ્રેમમાં પડ્યો હતો. જોકે નયના એને એક સારો મિત્ર સમજતી હતી, પણ જયારે નયનાએ એને કહ્યું કે એ એને ફક્ત એક મિત્ર માને છે. એને ક્યારેય એ છોકરા માટે એવી ફીલિંગસ નથી આવી, ત્યારે એ છોકરાએ ખાર રાખી નયનાના ચહેરા ઉપર એસીડ ફેંક્યું અને નયનાના ચહેરાની સુંદરતા ખોવાતી ખોવાઈ પણ એનો આત્મવિશ્વાસ ખોવાઈ ગયો. બે દિવસથી ઉદાસ ઉદાસ રહેતી હતી, ઘડીક ફોન ઉઠાવતી તમારો નંબર ડાયલ કરીને કાપી નાખતી, તમે એને રજીસ્ટ્રાર ઓફિસમાં બોલાવી એ વાત એને મને આજે સવારે કહી.”
“જી આંટી અમે એની સાથે આત્મીયતા કેળવવા ખુબ કોશિષ કરી. પણ કદાચ અમે કાચા પડ્યા કે આ વાત તમારે કહેવી પડે છે. એને અમને કહ્યું હોત તો અમને વધારે ખુશી થતી.” રેશમાએ કહ્યું.
અને નયના રડવા લાગી એને એનુ માથું આંટીના ખભા ઉપર ઢાળી દીધું, અને હવે એ ધૂસકે ધ્રુસકે રડી રહી હતી.
“જુઓ આંટી તમે જે કહ્યું એ મને લગ્ન નોંધણી કરાવ્યા પછી પણ કહ્યું હોત તો મને કશો ફરક નહોતો પડતો. અને હજુ પણ મને કશો ફરક નથી પડતો, મને નયના ગમે છે, હવે આખરી નિર્ણય તો તમારે જ લેવાનો છે.”
“મારે શું નિર્ણય લેવાનો હોય, નયનાએ નિર્ણય લઇ લીધો છે.”
આંટી આટલું બોલ્યા હતા અને નયનાની આંસુસભર આંખો ચમકી ઉઠી, એની આંખોમાં લાગણી સાથે શરમના મોજા ઉછળી રહ્યા.
“જીગા તારી ચા ઠરી ગઈ.”
હું ઠંડી ચાની છેલ્લી ચૂસકી લગાવી ઉભો થયો રેશમા તરફ નજર કરી કહ્યું.
“ચાલો ત્યારે.”
હું ચાલતો થયો રેશમાએ કાઉન્ટર ઉપર ચાનું બીલ ચુકવ્યું અને હું રજીસ્ટ્રાર ઓફીસના પગથીયા ચડવા લાગ્યો, આંટી અને નયના પણ મારી પાછળ પાછળ પગથીયા ચડવા લાગ્યા, અને ફરી મારા ચહેરા ઉપર સ્મિત ફરી વળ્યું. રજીસ્ટ્રાર ઓફીસમાં રેશમાએ ઓફિસર સાથે વાત કરી, ઓફિસરે રેશમાને જણાવ્યું કે રજીસ્ટર મેરેજ કરવા માટે એક મહિના પહેલા નોંધણી કરાવ્યા પછી જ લગ્ન નોંધણી કરી શકાય, માટે પહેલા સ્ટેપમાં તમે બંનેના નામ લખાવી દો. અમે બહાર ઉભા વાતો કરી રહ્યા અને રેશમાએ ફોર્મ ભરવાની બધીજ કાર્યવાહી હાથ ધરી અમારી સહીઓ લઇ લીધી.. ઓફિસરે ૩૦ દિવસ પછી ફરી આવવા જણાવ્યું. પગથીયા ઉતરતા ઉતરતા આંટીએ કહ્યું..
“જીગ્નેશભાઈ જે થયું તે સારું થયું આમ આ રીતે અચાનક રજીસ્ટર મેરેજ કરવાના પક્ષમાં હું હતી જ નહી, પણ જો તમારી તૈયારી હોય તો પંદર દિવસમાં તમારા અને નયનના સાદાઈથી વિધિસર લગ્ન કરી લઈએ.”
“જી મમ્મી જીગ્નેશભાઈ નહી ફક્ત જીગ્નેશ કહો.”
આંટી મને ભેટી પડ્યા અને રેશમા નયનાને, રેશમાની આંખોમાં આંસુ હતા. રેશમાએ એના દુપટ્ટાથી આંખો સાફ કરતા કહ્યું..
“હું જરા સગીતા અને મીનાને ફોન કરી લઉં,”
એમ કહેતા એ ફોન ઉપર વાત કરવા દુર જતી રહી...
પહેલી વાર હું રેશમાની લુચ્ચી આંખો ન વાંચી શક્યો કે એની આંખોમાં ખુશીના આંસુ હતા કે સંતાપના.
સમાપ્ત
લેખક :- નીલેશ મુરાણી.
ઈમેઈલ :- nileshmurani@gmail.com
મોબાઈલ :- 9904510999