મૃગનયની ભાગ 1. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગનયની ભાગ 1.

પ્રસ્તાવના

વાચક મિત્રો ઘણી વખત આંખો જોઇને બાંધેલી ધારણા સાચી નથી હોતી, અંદર કોઈ ઘમાસાણ ચાલતું હોય અને આંખો શાંત હોય છે, તો ક્યારેક આંખોમાં નૃત્ય દેખાતું હોય પણ અંદરનો દરિયો શાંત હોય, પહેલી નજરનો પ્રેમ એટલે? અંતે ગુનેગાર તો આંખો જ ને! એક અલગ પ્રકારની વાર્તા આપ સમક્ષ મૂકી રહ્યો છું, તો આપનો પ્રતિભાવ જરૂર આપશો..

મૃગનયની

ભાગ-૧

મારા ઘરની આગળ મારી કરીયાણાની દુકાન હતી, તેનું શટર હું ઘરની અંદરથી પણ ખોલી શકતો, ભારતનગરમાં મારી દુકાન ફેમસ હતી, જીગો કરીયાણાવાળોથી હું ફેમશ હતો. જોકે મારું નામ જીગ્નેશ, પણ બધા પ્રેમથી મને જીગો અથવા જીગલો કહેતા..

નાનાભાઈનો આજે કોલેજમાં પહેલો દિવસ હતો એટલે હું તેને કોલેજમાં મુકવા આવ્યો હતો. કોલેજથી દુકાને જવા માટે કોલેજના બસ-સ્ટોપ ઉપર આવી ઉભો રહી ગયો. મેં પણ એ જ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, પણ પપ્પાનું અવસાન થયું એટલ હું દુકાન સંભાળવા લાગ્યો. ઘરની બધી જવાબદારી મારા ઉપર આવી ગઈ હતી. પપ્પા જીવતા હતા ત્યારે ખૂબ જલસા કર્યા, પણ હવે ખબર પડી, કે જલસા તો પપ્પાના પૈસાથી જ થાય. કોલેજના એ દિવસોમાં ખૂબ ખેલ કર્યા. કોલેજના બસ-સ્ટોપની રેલિંગ ઉપર બેઠાબેઠા એ જુના વિચારોમાં ખોવાઈ ગયો. કોલેજના ત્રણ વર્ષ કર્યા. મારું એક પણ અફેર નહિ, કેમ? મારો સ્વભાવજ એવો છે કે કોઈ છોકરી મારી બાજુમાં પણ નહોતી આવતી. અને મને પણ તેનાથી કોઈ ફરક નહોતો પડતો, તો પણ કોલેજમાં હું લવગુરુથી ફેમશ હતો. કોલેજમાં કોઈ પણ છોકરીની આંખો જોઈને તેની અંદર ચાલતા વિચારોને હું વાંચી લેતો. એ સમયજ એવો હતો, અને મારી ફિલોસોફી!! તોબા તોબા, મારા મિત્રો પણ કંટાળી જતા, પણ મારી કમીટમેન્ટનો હું એક્કો હતો. આજ મારી ખૂબી છે.

“અલ્યા આટલું બધું નો વિચારવાનું હોય, બિન્દાસ્ત જીવવાનું, અને કોલેજમાં એકાદ અફેર રાખવાનું, ત્રણ વર્ષ કોલેજના કેમ નીકળે?”

બસ, મારા મિત્રોની આ ફિલોસોફી મને જરાય પસંદ ન હતી, અને કદાચ એ કારણેજ હું કોઈ છોકરીને પસંદ નહોતો કરતો. એવું ન હતું કે મારી પાછળ છોકરીઓ પાગલ ન હતી. કેટલીયે આગળ પાછળ થતી, પણ શરૂઆતમાં દોસ્તી થતી અને હું મારી ફિલોસોફીના પાઠ ભણાવતો, અને અઠવાડિયા કે બેચાર મહિનામાં એ સંબંધનું ઉઠમણું થઈ જતું, અરે પહેલા વ્યવસ્થિત મિત્રતા તો થવી જોઈએ ને? પણ મારું એજ સ્વભાવગત. હું છોકરીઓની આંખોમાં જોઈને કહી દેતો, કે એ સાચો પ્રેમ કરી શકશે કે નહીં? અને સાચા પ્રેમની મારી વ્યાખ્યા પણ જુદી હતી, અને ક્યારેય છોકરીઓના ખોટા વખાણ તો હું કરતોજ નહિ. બસ આજ મારી તકલીફ હતી, અને બીજું એક કારણ એ પણ હતું કદાચ કે જે આંખો હું શોધી રહ્યો હતો એ મને મળી નહોતી, એટલે હું કોલેજના છેલ્લા દિવસ સુધી પણ કોરે કોરો રહ્યો. રેશમા મારી બચપનની દોસ્ત હતી, પણ તેની આંખો બિલાડી જેવી લુચ્ચી હતી, મજાકમાં એને કેટલી વખત આઈ લવ યુ કહ્યું હતું! પણ રેશમા માટે ક્યારેય કોઈ ફીલિંગ્સ પણ નહોતી. રેશમા સાથે હું કલાકો સુધી વાતો કરતો. એ દુકાને આવતી તો અમે બંને નવરા હોઈએ તો વાતો કરતા. મારા એ સંબંધ હજુ અકબંધ હતા, કેમેકે એ મારો સ્વભાવ ઓળખી ગઈ હતી. હું એને ખુબ ચીડવતો, અને એ પણ એવીજ નટખટ હતી, પણ રેશમા માટે ક્યારેય દિલમાં ઘંટડી નહોતી વાગી.

કોલેજમાં કોઈ નવી છોકરી આવતી તો હું તેની આંખોજ જોતો, યા તો કદાચ હું એવી આંખોની તલાશમાં હતો જે કદાચ મને પણ ખબર નહોતી, કેમ કે હું કોઈ પણ વાતને અલગ અલગ એંગલથી જોતો, અને અલગ અલગ વિચાર કરી ખુદ સાથે યુદ્ધ કરતો. મને કોઇ નવો વિચાર પણ આવતો તો એ વિચાર શા માટે આવ્યો? અને પછી એ વિચારોના સંશોધનમાં હું મારી પોતાની ફિલોસોફી ઘડી કાઢતો. હું જ્યારે ત્રીજા વર્ષમાં હતો ત્યારે પહેલા વર્ષમાં આવેલી સ્વાતીને હું ખૂબ ગમતો. એ મને ખબર નહોતી, પણ મારા મિત્રોએ મને કહ્યું ત્યારે ખબર પડી, અને મારા મિત્રો પણ મને કહેવા લાગ્યા હતા કે

“પ્રપોઝ કરે તો મોઢું ધોવા ન જતો.”

સ્વાતી દેખાવે ખૂબ સુંદર હતી, પણ તેની આંખો મને પસંદ નહોતી. મારા મિત્રો પણ મારી ખૂબ મજાક ઉડાવતા, પણ હું એવું માનતો હતો કે પ્રેમ કરવા માટે કોઈ ઉત્તમમાં ઉત્તમ પુલ હોય તો એ આંખો છે. અને આંખોજ એક એવું અંગ છે જેનું સીધું જોડાણ દિલ સાથે હોય છે, એવું હું માનું છું. અને જ્યારે સ્વાતીએ એક દિવસ મને પ્રપોઝ કર્યું ત્યારે મેં સ્વાતીને એમ કહ્યું હતું કે,

“તું ખૂબ સુંદર છે, પણ તારી આંખો બોગસ છે.”

તે દિવસથી સ્વાતીએ મને બોલાવવાનું બંધ કરી દીધું હતું. ફરી એક સંબંધનું ઉઠમણું થયું હતું. પણ ત્યારબાદ મેં સામેથી સ્વાતીને સોરી કહ્યું હતું, અને સ્વાતીને સમજાવી હતી, અને તેના યોગ્ય અન્ય પાત્ર શોધવા પ્રેરણા આપી હતી, અને એ મારી વાત માની પણ ગઈ હતી. બસ મારી આજ ખુબી હતી, કે હું મિત્રોને વાતોવાતોમાં કન્વેન્સ કરી લેતો. કાઉન્સેલિંગ કરી લેતો. મિત્રવર્તુળમાં થોડો અડખામણો જરૂર હતો, પણ જયારે મોરલ પૂરું પડવાનું હોય કે કંઈ આયોજન કરવાનું હોય તો લીસ્ટમાં મારું નામ પહેલા લખાતું. આમ હું વિચારોમાં ખોવાયેલો હતો અને બસ-સ્ટોપની બાજુમાં કોલેજના ગેટ તરફ મારી નજર પડી. સામેનું દ્રશ્ય જોઈ હું મારા જુના વિચારોમાંથી બહાર આવ્યો. લગભગ પાંચ ફૂટ સાત ઈંચની ઉંચાઈ, જાડી પણ નહી અને પાતળી પણ નહી એવી ભરાવદાર કમર,સુડોળ શરીરનો ઘાટ, અને બિલકુલ આંખની સાઈઝના પાતળી ફ્રેમ વાળા ચશ્માં. આખું મોઢું અને માથું દુપટ્ટાથી વીંટળાયેલું, સફેદ કલરની ટાઈટ ફીટ લેંગી અને ઉપર બ્લેક કલરનો ટાઈટ ફીટ કુરતો, સફેદ દુપટ્ટાથી વીંટળાયેલો ચહેરો. ચશ્માંના ગ્લાસની આરપાર તેણીની આંખો સ્પષ્ટ જોવાતી. એ પણ બસ સ્ટેસનની સામેની રેલીંગ પાસે કમરથી ટેકો આપી અને ઉભી રહી ગઈ. લેન્ગીસ થોડી ટ્રાન્સપેરન્ટ હોવાથી સ્કીનનો ગોરા રંગનો અંદાજો આવી જતો. બ્લેક કલરના સેન્ડલમાં સુશોભીત પગના પંજામાંથી લીલા રંગની નસો સ્પષ્ટ જોવાતી હતી. સ્વભાવગત મારી નજર એની આંખો ઉપર થોભી ગઈ. તેણીની આંખો કંઇક અલગ પ્રકારની હતી. એ શાંત મુદ્રામાં પર્સ છાતી ઉપર લગાવી અને ઉભી હતી, પણ તેની આંખોમાં મને એ નૃત્ય કરતી દેખાઈ રહી હતી. આંખો જોઈને એ ખુબ બોલકી અને ચંચળ લગતી. એની આંખોમાં આકર્ષણ હતું. હરણી જેવી આંખો હતી. એ પલક ઝ્પકાવતી તો પણ મને કંઇક નવું લાગતું. કંઇક અલગ પ્રકારની આંખો હતી. કદાચ એની આંખોના ભાવ વાંચવામાં હું નિષ્ફળ રહ્યો હોઉં એવો વિચાર થોડીવાર માટે દિમાગમાં આવી ગયો, એટલી ભેદી આંખો હતી. મારું સ્વભાવગત હતું, કે કંઇક પણ ભેદીતો ન જ હોવું જોઈએ, બસ બધું ખુલ્લું અને બીંદાસ્ત હોવું જોઈએ, તો પણ કંઇક તો જાદુ હતો એની આંખોમાં, કે મને એની સાથે વાત કરવાની ઉત્સુકતા થઇ. બસ આવું પહેલીવાર થયું હતું. એટલે મને થોડું અજીબ લાગી રહ્યું હતું. હું એની જાદુઈ આંખો જોવામાં એટલો મશગુલ થઈ ગયો કે મને ધ્યાન પણ ન રહ્યું કે એ થોડીથોડી વારે મને નોંધી રહી હતી, અને હું સ્વભાવગત એની આંખો જોતો જ રહ્યો. ઓહ! એની આંખો આટલી નશીલી છે, તો એ પોતે કેટલી ટેસ્ટી હશે. મને લાગે છે કે કુદરતે એની આંખો બનાવતી વખતે દરિયાની કલ્પના કરી હશે. અરે! ડૂબકી મારવાનું મન થઇ જાય. આંખ ઉપરના નેણ પણ તલવારની ધાર જેવા નોકીલા અને પાંપણો ઉપરનીચે થાય એટલે જાણે અંદર કોઈ ઘમાસાણ ચાલુ થઇ જાય, જાણે હિંચકામાં બેઠા હોઈએ અને એક મોટો હીંચકો ખાતી વખતે જે અનુભૂતિ થાય એવી અનુભૂતિ થતી. થોડીવાર ઉભાઉભા તો મેં એની કલ્પના પથારીમાં પણ કરી લીધી. ઓહ! આવી કલ્પના હું કેમ કરી શકું? મને આવો વિચાર ક્યારેય નહોતો આવતો. હું કલ્પના કરવા લાગ્યો કે એ કપડા વગર કેવી લાગશે? ઓહ! આને જ પહેલી નજરનો પ્રેમ કહેવાતું હશે ? ખબર નહી, પણ મારા દિલમાં એક જોરદાર ઘંટડી વાગવાનું શરુ થઈ ચુક્યું હતું. એ મૃગનયનીને પામવાની ઈચ્છા ખુબ પ્રબળ થઈ રહી હતી.

ટાઈટફીટ લેન્ગીસમાં એની ભરાવદાર સાથળ પર એ થોડીથોડી વારે કુરતો ઢાંકી રહી હતી. છાતીમાં લગાવેલ પર્સમાંથી એને નાનકડી પાણીની બોટલ કાઢી, નાકથી નીચે બે આંગળીઓ વડે એને હળવેથી દુપટ્ટો ઉપરની તરફ ખેંચ્યો અને એના ઘાટા ગુલાબી હોઠના દર્શન થયા, એ નાનકડી બોટલ એના નાજુક હાથમાં પકડી અને હોઠ ઉપર લગાવી પાણી પીવા લાગી, એ દ્રશ્ય જોઈ મારું ગળું સુકાવા લાગ્યું, થોડીથોડી વારે એ એના ગુલાબી હોઠ ઉપર રૂમાલ ફેરવી રહી હતી. એના હોઠ ઉપર જયારે રૂમાલ સળવળતો એ રૂમાલની જગ્યાએ હું મારા હોઠની કલ્પના કરવા લાગ્યો. લીપ્સ્ટીક વગર પણ તેના હોઠનો ઘાટો ગુલાબી રંગ ચમકતો હતો.

જયારે મારી નજર એની આંખોમાં હતી. સમય જાણે થોભી ગયો હતો, આજુબાજુ શું થઇ રહ્યું છે એ મને ખબર ન હતી. હું જાણે એની આંખોમાં વિહરવા લાગ્યો હતો. સ્વર્ગ જેવું કંઈ હોય છે એવું સાંભળ્યું હતું, પણ આજે આ આંખો જોઇને હું જાણે એને પામવા માટે મંત્રમુગ્ધ થઈ ગયો.

થોડીવારમાં બસ આવીને ઉભી રહી, અને એ બસમાં ચડવા લાગી. હું જાણે ભૂલી ગયો હતો કે મારે પણ એજ બસમાં ચડવાનું છે. એ બસમાં ચડી રહી હતી અને મને યાદ આવ્યું. ઓહ! મારે પણ એજ બસમાં બેસવાનું છે. પણ બસ ઉપડી ગઈ હતી, અને હું દોડીને ચાલતી બસમાં ચડ્યો.

“કેમ ભાઈ મગજ ઠેકાણે નથી? આટલીવાર બસ ઉભી હતી, આમ ચાલતી બસમાં ચડવાનો શોખ છે?”

બસ કંડકટરએ મારી સામે જોઇને કહ્યું.

હું કશુજ બોલ્યો નહી, અને બસમાં આમતેમ સીટ શોધવા લાગ્યો, એકજ સીટ ખાલી હતી જે સીટની બાજુની સીટપર પેલી મૃગનયની બિરાજમાન હતી. હું એની બાજુમાં જઈને બેસી ગયો. એની આંખો જોઇને લાગતું હતું કે એ મારી સ્થતિ ઉપર અંદર અંદર હસી રહી હતી.

“ક્યાં જવું છે? મેડમ,” કંડકટર એ પેલી મૃગનયનીને પૂછ્યું.

“જી.. ભારતનગર.”

“તમારે?” કંડકટરે મારી સામે જોઇને પૂછ્યું.

“ભારતનગર”

એને છુટા પાંચ રૂપિયા આપી ટીકીટ પર્સમાં મૂકી દીધી, અને મેં પણ છુટા પૈસા આપી ટીકીટ ઉપરના ખિસ્સામાં મૂકી દીધી, ફરી હું તેની આંખોમાં ખોવાઈ ગયો. એ થોડીથોડી વારે તેનો કુરતો સરખો કરતી રહી અને મોબાઈલમાં ગેમ રમવા લાગી. જો એ ભારતનગરમાં રહે છે તો હું કેમ નથી ઓળખતો? ક્યારેય જોવામાં કેમ ન આવી?આવા અનેક સવાલો મારા દિમાગમાં દોડવા લાગ્યા, પણ પહેલીવાર એવું થયું, કે હું એ મૃગનયની સાથે વાત કરવા કોઈ બહાનું નહોતો શોધી શક્યો. હું ફરી વિચાર કરવા લાગ્યો કે આ દુકાન સંભાળતા સંભાળતા મારું આ કૌશલ્ય કેમ મૃતપ્રાય થઈ ગયું? મેં હિંમત કરીને પૂછ્યું.

“ભારતનગરમાં રહો છો?”

એને ફક્ત ડોકું ધુણાવીને હા કહ્યું પણ બોલી નહી. સાલ્લી ગજબ છે! એની આંખોમાં કેટલું તોફાન છે! પણ જીભડી તો જાણે છેજ નહી.

“મૂંગી છો” મેં બીજો સવાલ કર્યો.

એમાં પણ એને ડોકું ધુણાવીને ના કહ્યું. સાલ્લીનો ચહેરો તો દેખાતો નથી કે ચહેરાના ભાવ કંઇક ખબર તો પડે! મને લાગ્યું કે એને મારી સાથે વાત કરવામાં રસ નથી, એટલે મેં પડતું મુક્યું, સાલ્લુ એટીટ્યુડ હોવું જોઈએ, પણ આટલું બધું! ભારતનગર આવ્યું એટલે એ ઉતરી ગઈ, હું પણ ઉતરી ગયો. જોકે મને ગુસ્સો આવી ગયો હતો, કદાચ મારું સ્વમાન ઘવાયું હોય તેવું હું ફિલ કરી રહ્યો હતો. એ આગળ આગળ ચાલતી થઈ. જે શેરીમાં મારી દુકાન અને ઘર હતું એજ શેરીમાં એ જઈ રહી હતી. હું એની પાછળ પાછળ જઈ રહ્યો. મારું ઘર આવી ગયું એટલે હું મારા ઘરના ગેટ પાસે ઉભો રહી જોતો રહ્યો. એ કઈ ગલીમાં વળે છે એ જોવા લાગ્યો. વચ્ચે બે ત્રણ સ્કુલ બસ આવી અને ઉભી રહી ગઈ અને એ બસ ઉપડી એટલી વારમાં એ બસની પાછળથી ગાયબ થઇ ચુકી હતી.

ક્રમશ: