Bechain ratri books and stories free download online pdf in Gujarati

બેચેન રાત્રિ

બેચેન રાત્રિ તરૂલતા મહેતા કોમલના પાત્રને કેંદ્રમાં રાખી મારા જીવનની આસપાસ વણાયેલી વાર્તા 'મનેં કહોને શુ છે?' માતૃભારતી દ્રારા પ્રકાશિત થઈ છે. હવે બેચેન રાત્રિ 'વાંચો. દસ વર્ષની કોમલે ધૂંધળૂં જોતા નાના ભાઈ બાબુની જવાબદારી સંભાળી, વિપરીત સંજોગોમાં ભણવું એની ધૂન હતી.1959માં સોળ વર્ષની કોમલ એસ.એસ.સીની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહી છે,નાનાભાઈ બાબુની આંખની સર્જરી નક્કી થઈ છે, તે જીદ કરી પોતાની બૂક્સ લઈ હોસ્પિટલમાં બાબુ સાથે જાય છે.બીજે દિવસે બાબુનો આંખનો પાટો ખોલશે ત્યારે કેવું દેખાય છે તે ખબર પડશે,વાંચો...

જીવનમાં ક્યારેક એવું બને છે કે બેચેનીમાં રાત્રિના કાળા અંધકારની ચાદરમાં ઠેર ઠેર કાણાં પડી જાય છે ,કાણાંમાંથી દિવસની ઘટનાઓ ડોળા ફાડી તમને અસ્વસ્થ કરી મૂકે છે,શરીર થાકેલું હોય ,ઊંઘ માટે તડપતું હોય પણ આવનાર દિવસ આપત્તિ લાવશે કે રાહત આપશે તેની દ્વિધા અજંપ કરી મૂકે છે. પરીક્ષાનું પરિણામ આવવાનું હોય કે ઇન્ટરવ્યૂ પછી નોકરી મળશે કે નહીં ? હોસ્પિટલમાં સર્જરી પછી શું થશે ? તેની ચિંતા રાત્રે નિદ્રાને ભગાડી દે છે. આવી જ એક રાત્રિનું ચિત્રણ આ વાર્તામાં છે.

બેચેન રાત્રિ તરૂલતા મહેતા

'આજે હવે મોડું થઈ ગયું છે , તમે બધાં મામાને ત્યાં પહોંચી જાવ.સવારના આવ્યાં છો ,થાકી ગયાં હશો.'

મોટાભાઈએ બા -બાપુના નિસ્તેજ ,હતાશ ચહેરાને જોઈ કહ્યું.

કોમલ અધીરી થઈ બોલી ઊઠી :'બાબુનું શું ?'

મોટાએ કોમલના ખભે બેગ મૂકતા કહ્યું :

'હું રાત્રે ધ્યાન રાખીશ.ડોક્ટરને આશા છે કે વધુ નંબરના ચશ્મા પહેર્યા પછી બાબુ વાંચી શકશે,'

'કાલે સવારે આંખોનો પાટો ખુલશે ત્યારે . ....' કોમલને બોલતા રોકી ભાઈએ કહ્યું :

:'આ બધી બૂક્સ તું ક્યારે વાંચીશ ? આવતા વીકે તારે બોર્ડની પરીક્ષા છે.'

કોમલને અભ્યાસની વાત યાદ આવી ,મોટાની વાતે તેને ઘેર જવા ઉતાવળી કરી.

બા બાબુના બેડ પાસેથી ખસતાં નહોતાં એટલે મોટાએ સમજાવ્યાં :'બાબુ સૂઈ રહેશે,કાલે આંખનો પાટો ખૂલશે.'

બા જાણે પડી ભાગ્યાં હતાં.તેનો દયાળુ સ્વભાવ એટલે બબડ્યાં :

'બિચારા બાબુની જિંદગી કેમ જશે?'મોટાની આંખોમાં કડકાઈ હતી,' બિચારો કાંઈ નથી,એમ કહી એને પાંગળો ના કરી મૂકશો.'મોટાભાઇ નાના ભાઈ બહેનોનું ઘ્યાન રાખતા ,તોફાન -મસ્તી કરે તો દબડાવતા ક્યારેક બેચાર સટાકા લગાવી દેતા. ઘરમાં એમની ધાક હતી. પણ આજે પહેલી વાર બા-બાપુ પર સહેજ રૂબાબથી વર્ત્યા.બાપુ ક્યારના રૂમની બહાર નીકળી ગયા હતા ,તેમના મનમાં બાબુના ભવિષ્ય માટે પઇસાની સગવડ કરવાની મથામણ ચાલતી હતી.

બાબુ સમજણો થાય ત્યાં સુધી ધન્ધો ટકાવી રાખવાનો ને વચલો અનુજ ભણવામાં ધ્યાન નથી રાખતો તેને ચીમકી આપવી પડશે.'અલ્યા ,નહિ ભણું તો રખડી જઈશ,દુકાન પર દાનત રાખતો નહિ.'

કોમલ હોસ્પિટલના દરવાજે પહોંચી.એ ચમકી ગઈ કોઈકે એનો ચોટલો હળવેથી ખેંચ્યો.પાછળથી બા બોલ્યાં ,'લે આ રમેશ આવી ગયો.'

મોટાનો દોસ્તાર હસતો હતો,'ઓહો,આ વેંત જેવડી બેબલી કેટલી લાંબી થઈ ગઈ! મને તો નર્સ જેવી દેખાઈ!'કોમલ શરમાઇ,મનોમન બા પર ખિજાઈ કારણકે તેણે જ કહેલું કે 'ધોળુ પ્હેરી મૂક'.

કોમલે સ્કૂલના યુનિફોર્મનું સફેદ બ્લાઉઝ અને સફેદ સ્કર્ટ પહેર્યું હતું.બા-બાપુ મોટેભાગે સફેદ કપડાં પહેરતાં.કોમલ નામરજીએ એવું જ પહેર્યા કરતી. મનમાં સપના જોતી એકવાર કોલેજ જઈશ પછી મારો વટ પાડીશ.

બાપૂએ બસસ્ટેન્ડે જવા ઉતાવળ કરી,તેઓ બારે મહિના ખાદીનું સફેદ ધોતિયું,ઝભ્ભો અને બન્ડી ને માથે ગાંધી ટોપી પહેરે. ગોરા,ઊંચા,ટટ્ટાર. તેઓ ઝડપી ચાલે આગળ આગળ જાય વચ્ચે કોમલ ઘડીક બાને પાછળ જુએ,લાંબા જોડે ટૂંકું દોડે તેવી દશા.બા બાપુને ખભે આવે તેવડી.

તેઓ રાત્રે નવેક વાગે પાલડી બસસ્ટેન્ડથી ગુજરાત સોસાયટી મામાને ઘેર જતાં વચ્ચે બાપુએ ઍક ધર બતાવી કહ્યું :'1940થી'45માં તું નાની હતી ત્યારે 'ધૂમકેતુ' અહીં રહેતા હતા.' કોમલ :'વાર્તાઓ લખે છે તેઓ જ ને .બાપુ કહે,'ત્યારે મને ખબર નહોતી પછી જાણેલું.''આપણું ઘર કયું હતું ?' કોમલે જિજ્ઞાસાથી પૂછ્યું બાપુ અને બા સાથે બોલ્યા:એ13નંબરનું ઘર. પહેલાં આપણે ભાડે રાખેલું પછી નડિયાદ ગયાં એટલે મામાને આપ્યું ' બાની ચાલમાં ઝડપ હતી,બાપુએ હળવાશથી કહ્યું:

'જો તારી બા ભાઈને મળવા ઉતાવળી થઈ '.કોમલને માસીઓ ત્રણ પણ મામા એક. ભાઈ ગામથી અમદાવાદ આવેલા તેથી બા ખુશ થઈ હતી.બાપુએ માસીના કુટુંબને પણ નવસારીની પાસેના જલાલપુર ગામથી અમદાવાદ બોલાવેલું.

મામાનું કુટુંબ માયાળુ અને રમૂજી. મામાનો સ્વભાવ મશ્કરો ,તેઓ કોમલને ગાલે ચૂંટી ભરતા બોલ્યા:

'મેતી (શિક્ષિકા ) કોણ છે?'

કોમલને બા પર રીતસરનો ગુસ્સો આવ્યો,એમણે જ મામાને બધી વાત કરેલી કે બાબુને તે કેટલો સાચવે છે.તેમાઁ આ ધોળિયો વેશ.

પેલો ભાઈનો દોસ્તાર નર્સ કહીને હસ્યો ને મામા મેતી કહીને મશ્કરી કરે છે, મામાના મોટા દીકરા

સમીરભાઈ બોલ્યા :

' કોમલ તું વેકેશનમાં અમદાવાદ આવી જજે,હું તને ફૂલફટાક ડ્રેસ લેવડાવીશ.પછી જો કેવી છોકરાઓની લાઈન લાગશે.'

મામીએ જમવાનો આગ્રહ કર્યો,જાણે બધાંની ભૂખ મરી ગઈ હતી.

મામા :'આમ કાણે (બેસણામાં )આવ્યા હોય તેમ શું બેસી રહ્યાં છો ?'બાની પાસે જઈ તેમનો ખભો હલાવતા કહે ,'આ તારો સાડલાનો છેડો આંખ આગળથી ખસેડ,બાબુનું ઓપરેશન થયુ તેમાં પહાડ નથી તૂટી પડ્યો,એય એનું ફોડી લેશે.'

મામી કહે,'હા લલીબેન, આ તમારા ભાઈનો જમણો હાથ પિલાઈ ગયો પછી બાળમન્દિર ચલાવે છે ને!'

કોમલ આંગળીઓ વિનાના મામાના જમણા હાથને જોઈ રહી,એણે મુઠ્ઠી વાળી સ્કર્ટને કેડેથી ઊંચું કરવા ફાંફાં મારી જોયા,પણ આંગળીઓ વિનાનો હાથ શું પકડે? એની સામે હસતા ઊંચા મામા એને દેખાતા નથી,માત્ર બૂઠો હાથ જાણે એને ખેંચી રહ્યો છે.એને દોડી જવાનું મન થતું હતું.મામાને ય પોતાના હાથથી ભાગી છૂટવું હશે!

મામા મર્માળુ હસ્યા ,'એ તો એવું છેને કુદરત બીજી રીતે કામ કરવાની આવડત શીખવાડે.છઠ્ઠી ઈન્દ્રી કામ કરે.'

મામી પ્રસન્નતાથી કહે: 'મામા ડાબા હાથે લખે,જમે ને બધું કરે '.

સમીર બોલ્યો:

'બે દિવસ પહેલાં બસમાં કોક એમના ખિસ્સામાંથી પાકીટ કાઢવા ગયું તો ડાબા હાથે એવી લપડાક મારી કે રફુચક્કર થઈ ગયો.'

મામા હસતા બોલ્યા ,'એ મવાલી ચાલુ બસે કૂદી પડ્યો એટલે બચી ગયો.નહિ તો હાડકાં ખોખરાં કરી નાખત.'

સૌએ હસીખુશીથી ભાખરી -શાક જમી લીધું . બાને ધરપત થઈ કે બાબુ ય ધીરેથી શીખતો જશે.

મામાનું બે રૂમનું ઘર. પાછળનો ઓરડો રસોડું. આજે ત્યાં કચરો વાળી પથારી કરી, રસોડાની પાછળ ચોક જેવું તેમાં ઊપર પતરાં નાંખેલા એટલે ઓરડાની ગરજ સારે .મામનું કુટુંબ મોટું ,કોમલને એની નવાઈ નહોતી, બધા ય સગાનાં અને બહેનપણીઓના મોટા કુટુંબ હતાં. બે કે ત્રણ રૂમના ઘરમાં સમાસ થતો, સંકડાશ લાગતી કયારેક છોકરાઓ પાથરણાની ખેંયાખેંચ ને ઓશીકાની તાણાતાણી કરતા લડતા. આ ધમાલમાં કોમલને અકળામણ થતી પણ ક્યાં જાય?.કોમલ નાનપણથી સાંકડમાંકડમાં સૂવા ટેવાયેલી પણ વાંચવાના દિવસોમાં તેને ગમતું નહિ .

આગલા ઓરડાના પલંગ પર બાપૂ સૂતા.પાટ પર ગોળ તકિયાનો ટેકો દઈ મામા કહે:

'કોમલ મને તારી ચોપડીઓ જોવા દે,લે આ નોટ તો લખીને ભરી દીધી છે ને ! '.મામા નોટના પાના ફેરવતા કહે: 'તારું મોં આવું ગોળમટોળ દેખાવડું ,હાથની આંગળીઓ કેવી સરસ ને છી છી અક્ષરો કીડા મકોડા જેવા,કોણ તારું લખેલું વાંચશે ! '.કોમલના મૉ પર નિરાશા દેખાઈ ,તેના સર પણ કહેતા 'તારા ખરાબ અક્ષરના માર્કસ કાપી લઉં છું બાકી સોમાંથી સો મળે.'

સમીર હસ્યો 'સાહેબ વાંચ્યા વગર પાસ કરી દે.ગાંધીજીના અક્ષર .... ..મામાએ તેને ધમકાવી નાખ્યો ' છાનો રહે,મોટા માણસની નાની વાત મનમાં ભરી છે,તેઓ ગાંઠનું ગોપીચંદન કરી આશ્રમમાં રહીને દેશની સ્વતંત્રતા માટે રાત દહાડો લડ્યા, છેવટે દેશને માટે બલિદાન આપ્યું..રોજ સવારે એમને પગે લાગજે.ફૂઆ જાણશે તો તારી ખેર નથી.'

મામાએ ડાબા હાથથી મોતી જેવા સુંદર અક્ષરે 'ગાંધીજી અમર રહો ' લખ્યું ,બોલ્યા :

'પાસ થવાથી શું શકરવાર (ફાયદો) વળે ,ફસ્ર્ટક્લાસ આવે તો સ્કોલરશીપ મળે,આગળ ભણાય.'

કોમલે હોસ્પિટલમાં ડોક્ટરોને દર્દીઓને સારા કરતા જોયા એ કહે,'ડોકટર થવાય.'

સમીર બોલ્યો :આપણા કુટુંબમાં ડોકટર ભણવા માટેનો ખર્ચો ક્યાંથી નીકળે ?મારે ને તારા મોટાભાઈને ય મેડીકલમાં જવું હતું.'

બાપુને સમીરની વાત ગમી નહિ ,ખોંખારો ખાઈ બોલ્યા:

'આખા ગામનું ડહાપણ ડહોળ્યા વગર સૂઈ જાવ.'

સમીરની અને એના બે નાના ભાઇઓની પથારી ઓટલા પર હતી. માર્ચ પૂરો થયો હતો.અમદાવાદમાં ગરમીની શરૂઆત હતી. ઘરમાં પંખા તો ક્યાંથી હોય?એકાદ ટેબલ ફેન હોય તે મે મહિનાના ધખારામાં ખખળ ખખળ ચાલે .

ઉનાળામાં ઘેર ઘેર પથારીઓ અગાશીમાં ,ઓટલા પર કે ફળિયામાં કાથીના ખાટલા હોય.

મામા કોમલને બહાર લઈ ગયા,'આવ થોડીવાર ઠન્ડી હવામાં બેસીએ.તારા બાપુને વહેલી ટ્રેનમાં જવું છે.સૂવા દો ' મામાએ દીકરીને સાસરે વળાવેલી.કોમલ આવી તેથી રાજી થયા હતા.

સમીર ઘીરેથી બોલ્યો :'ફૂઆનો પિત્તો ઊછળે તો હમણાં ચાલતી પકડશે.

બાપૂ ઘરમાં ઓછું બોલતા પણ એમની લાલ આંખોને જોઇ ભાઈ -બહેન મીંદડી થઈ જતા.બા જિદ્દી ,જરાક બોલી કાઢે તો બાપુ ગુસ્સે થઈ ઝભ્ભા પર બન્ડી પહેરી જમ્યા વગર દુકાને ચાલ્યા જાય.બા બબડે ,'બહાર જઈને ભજીયા ખાશે.' બાપુને ફરસાણનો શોખ .દુકાનથી સાંજે ઘેર આવે ત્યારે હાથમાં થેલી જોઈ બધાં બાપુને ઘેરી વળતા.

મામા કહે: 'હા તારા બાપુ જતા હોય ત્યારે કોઈથી આડા અવાય નહિ,મનમાં આવે એટલે નીકળી પડે .

તે રાત્રે કરફ્યુ હતો તો ય બહાર નીકળેલા'.

કોમલને સમજાયું નહિ.સમીર બોલ્યો :'તારા જન્મ વખતની 1942ની વાત છે.હું બાર વર્ષનો ને મોટો મારાથી ચાર વર્ષે નાનો ,આમ જ જૂન મહિનામાં લાય જેવા ઓટલા પર સૂતેલા .'

હવે કોમલનું કુતૂહલ વધી ગયું ઉતાવળી મામાનો જમણો હાથ હલાવતી હતી.

મામાના બૂઠા હાથની કર્કશ ચામડી પર ગલીપચી થઈ.'હાશ,મલમ ચોપડતી હોય તેવું લાગે છે.'

કોમલ નાની હતી ત્યારથી મામાનો બૂઠ્ઠો હાથ જોઈ ડરતી.ક્યારેક એ હાથમાં વાગી જતું ને જલ્દી રૂઝાતું નહિ ,મામા પાટો બાંધી રાખતા.આજ પહેલી વાર તેને થયું આંગળીઓ વગરનો હાથ નોંધારા બચ્ચા જેવો રડતો હશે!

'જા,રસોડામાંથી પાણીનો લોટો ને પવાલાં લઈ આવ.'

બા ને મામી રસોડામાં ખુસપૂસ કર્યા કરે છે.કોમલ બિલ્લી પગે જેવી ગઈ તેવી આવી ગઈ.

મામા લાંબી વાતને સમેટી લેતા કહે:

' બહેનને રાત્રે દુઃખ ઊપડ્યું ,રહેવાય નહિ,હું કર્ફયુનો પાસ લેવા ગયો ને તારા બાપુ બહેનને સાઇકલ પર લઈ ઊપડ્યા.મેં દોડીને બનેવીના ઝભ્ભાના ખિસ્સામાં પાસ સેરવી દીધો.પૂલ ક્રોસ કરી વાડીલાલ હોસ્પિટલમાં કેમ કરીને પહોંચ્યાં હશે.તે એ લોકોનું મન જાણે ! ગમે તેમ તોય ગાંધીજીની દાંડીકૂચમાં તારા બાપુ માઈલો ચાલેલા. પહેલેથી કેરીની વાડીઓમાં કામ કરી ખડણ (મજબૂત)થયેલા.' કોમલે પોતાના ધરે બાપુના પલંગની સામેની ભીંતે દાંડીકૂચ 12મી માર્ચ 1930નો ઝભ્ભો અને લેંઘા પહેરેલા યુવાનોની મધ્યમાં પોતડી પહેરેલા હાથમાં લાકડી અને ઝડપથી પગલું ભરતા ગાંધીજીનો ફોટો જોયો હતો.ગાંધીજી હારમાં દસ પંદર યુવાનો સફેદ લેધો અને ઝભ્ભો પહેરેલા યુવાનો ત્વરાથી ચાલતા હતા તેમાં સૌથી જરા ઊંચા દેખાતા કોમલના બાપુ.

બાપુએ અંદરથી બેવાર ઉધરસ ખાધી.મામાએ ત્યાં જ લંબાવી દીધું.કોમલ રસોડામાં જઈ સૂઈ ગઈ.રોજ પથારીમાં પડતાની વારમાં નાક બોલાવતાં બા જાગતાં હતાં . કોમલે બાની પાસે સરકી હોઠ ફફડાવી પૂછ્યું:

'તમને દુઃખ ઉપડેલું તે સાઇકલ પર કેમ કરીને હોસ્પિટલ પહોચેલાં?'

ઓટલા પર ભાઈની વાત પર બાના કાન હતા કહે; 'ભગવાન જાણે! તું બહાર આવવા અધીરી થઈ ગેલી.' કોમલને એલીસબ્રીજ પર જૂન મહિનાની રાતના અંધારામાં મોટા પેટવાળી ભારેખમ બાને સાઇકલ પર લઈ જતા બાપુ દેખાયા.પૂલ ક્રોસ કરતા કરતા હાંફી ગયા હતા,પરસેવાના રેલા જાય પણ લૂછાય શી રીતે?બાપુને પરસેવો લૂછવા તેનો હાથ લંબાયો તે બાને મોઢે લાગ્યો એટલે વઢ્યાં ,'ઘોટી (સૂઈ ) જા હવે સવારે વેલું જ ઊ ઠવાનું.'

જરાક આંખ મીંચાઇ ત્યાં કોમલને કાંઈ ઊડાઊડ થતું લાગ્યું ,માળિયામાંથી ચામાચીડિયુ એના નાક પર ચોંટી જશે તો?એમ ગભરાતી રહી. વળી ઘડીકમાં મામાનો બૂઠ્ઠો હાથ તેને ઊઠાડે ત્યાં બિલોરી કાચ જેવા ચશ્માવાળો બાબુ પડી ગયો કે ? ચાના કપ રકાબી અને વાસણોના ઊટકમૂટક અવાજે એની આંખ ખૂલી ગઈ.

તરૂલતા મહેતા

( વાર્તા જૂન મહિનામાં પ્રગટ થઈ છે,મારો જન્મદિવસ 21મી જૂન છે તેથી વાચક મિત્રો સાથે મારા જીવનની વાતો શેર કરી આનંદ અનુભવું છું. વર્ષનો જે કોઈ દિવસ તમારો જન્મદિવસ હોય તમને મારી હાર્દિક શુભેચ્છા છે.)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED