પિતા Ravikumar Rana Ish દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

પિતા

પિતા

આપણા જીવનમાં એક સુપરહીરો તરીકેનું પાત્ર ભજવનાર અને જરૂર પડે તો ખલનાયક બની જનાર ઘરનું એક માત્ર વ્યક્તિ એટલે ‘પિતા’

મને સંઘર્ષ કરવાની શક્તિ આપનાર, કોઈ દિવસ કોઈની સાથે ખોટું નહીં કરવાનાં સંસ્કાર આપનાર, આવનારી દરેક પરિસ્થિતીનો આપબળે સામનો કરવાનું શીખવનાર અને મહેનતનો જ રોટલો કમાવીને ખાવાનું શિક્ષણ આપનાર એકમાત્ર વ્યક્તિ મારા પિતા જ છે. હાલ તો અમારા બંને વચ્ચે બનતી નથી આવતી. કો’કને કો’ક દિવસ અમે અમારી અલગ વિચાર સરણીને લીધે સામાસામી આવી જઈએ છીએ પરંતુ જમવાનું એક સાથે જ લઈએ છીએ. જો હું ઘરે વહેલો મોડો પહોંચુ અથવા તો ઘરે જવામાં મને મોડું થઈ ગયું હોય તો ફોન કરીને પુછે કે “ખાવાનું બની ગયું છે! તો ઘરે નથી આવવાનું તારે!”

એક પ્રસંગ મને આજે પણ સારી રીતે યાદ છે. જેને મને સંઘર્ષની સામે આજે પણ કદી ઝુકવા નથી દીધો. સમય હતો ૨૦૦૮નો હીરા બજારમાં અને વૈશ્વિક બજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. તેની સૌથી વધુ અસર ડાયમંડ સીટી કહેવાતી સુરત સીટીમાં થઈ હતી. સુરતમાં બે વસ્તુનો ધંધો મોટા પાયે ચાલે છે એક કાપડ ઉદ્યોગ અને બીજો હીરા ઉદ્યોગ. ૨૦૦૮ની મંદી મને આજે પણ સારી રીતે યાદ છે. લોકો સુરત છોડીને પોતાનાં વતન તરફ પ્રયાણ કરી રહ્યાં હતાં. ગામડાનાં લોકોને ખેતી હોવાથી તે લોકો પોતનું ગુજરાન ચલાવવા માટે પોત પોતાને ગામડે જવા લાગ્યા. અમારા સમાજનાં કેટલાક લોકો સુરત છોડીને ખંભાત જતાં રહ્યાં હતાં. તે સમયે મારા પપ્પાએ સુરત ના છોડ્યું. તેવી ભયાનક મંદીમાં પણ તે રોકડી મારવા રોજ હીરાનાં અલગ અલગ કારખાને જઈને ઓછાં ભાવે કામ કરતાં અને અમને લોકોને ખવડાવતાં અને અમારું ભરણ-પોષણ કરતાં. મજબુરીમાં તેમને હીરામાં ઓછી કિંમતે અથવા ઓછાં વળતરે પણ કામ કર્યુ છે. તેમને અમારાં પ્રત્યેનું દરેક પ્રકારનું કર્તવ્ય પુર્ણ કર્યુ છે. તેમનો એક જ સિધ્ધાંત હતો કે “ગમે તે થાય હું મારા પરીવારને ભુખ્યો નહીં રહેવા દઉં.” તેમનાં આ સિધ્ધાંતે તેમને મજબુત રખ્યા હતાં અને મંદીમાં પણ સુરતમાં ટકી રહ્યાં હતાં. હું ત્યારે દસ વર્ષનો હતો અને મારી બેન ૧ વર્ષની હતી. અમારા માટે એ એક એવો સમય હતો જેમાં રોજ કમાઈને રોજ ખાવાનું હતું. પપ્પા સવારનાં જાય તે છેક સાંજે આવે અને આવતાં આવતાં માર્કેટમાંથી શાકભાજી લેતા આવે. પપ્પા જ્યારે સવારે કામે જતાં ત્યારે મમ્મીને કહીંને જતાં કે “બહારનું વાતાવરણ બહું જ ખરાબ છે. કાંઈ કામ હોય તો તું રવિને એકલો બહાર ના મોકલીશ અને બને તો તું પણ બહાર ના નીકળ્તી અને જીયાને એકલી મુકીને ક્યાંય બહાર ના નીકળ્તા. અને હું જવું એટલે ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને બેસજો. કોઈ પણ અજાણ્યો માણસ આવેને તો દરવાજો ના ખોલતાં. અત્યારે બહાર રસ્તાં સુમસામ છે અને ક્યારે શું થઈ જાય તેની કોઈને ખબર નથી. ધીમે ધીમે લોકો સુરત છોડીને જાય છે. અમુક જગ્યાએ લૂંટફાટ પણ થઈ ગઈ છે માટે તું આપણા બંને છોકરાઓનું ધ્યાન રાખજે. અને રવિ તું પણ મમ્મીનું ને તારી નાની બેન જીયાનું ધ્યાન રાખજે હોં. ઘરમાં ટી.વી. છે’ને એ જોયા કરજો હોં પણ બહાર ના નિકળ્તાં હું સાંજે પાંચ વાગે ફોન કરીશ. કંઈક લાવવાનું હોય તો મને કહીં દેજે. ચલો હું જાવ છું કામ માટે. જય શ્રી ક્રિષ્ણા.” પપ્પાનાં જતાંની સાથે મમ્મી બારણાંને ઈસ્ટોપરી મારી દેતી અને અમારી રક્ષા કરતી. ટી.વી. પર શ્રી ક્રિષ્ણાની કેસેટ ચઢાવીને જોતાં અને પ્રાર્થના કરતાં કે પપ્પા સાંજે હેમખેમ પાછાં આવે. હું અને મમ્મી મારી બહેનને સાચવતાં હતાં. બહાર ભયંકર મંદીનું વાતાવરણ હતું. એ વખતે તો સાંજનાં પાંચ-છ વાગ્યા હોય તોય એવું લાગે કે રાતનાં ૧૧ વાગી ગયાં છે. અમે સુરતમાં ભાડેનાં મકાનમાં રહેતાં હતાં. અમારું ઘર રસ્તાની લગોલગ હતું. તેથી મમ્મી ઘરની બંને બાજુની બારીઓ બંધ કરી દેતી અને મમ્મી જ્યારે બે ઘડી માટે સુઈ જાય ત્યારે હું ધીમે રહીને પાછળની બારીનાં તુટી ગયેલાં કાંચમાંથી એક આંખ બંધ કરીને બહારનું વાતાવરણ જોઈ અને તેને સમજવાનો પ્રયત્ન કરતો. સાંજનાં પાંચ વાગે ત્યારે જ્યાં લોકોની ભીડ જામી રહેતી. તે રસ્તો આજે એકદમ સુમસામ લાગતો હતો. આજુબાજુમાં રહેલાં ઍપાર્ટમેન્ટસમાં લોકોનાં ઘરનાં દરવાજા પણ બંધ હતાં, કરિયાણાની દુકાનો પણ બંધ હતી, રસ્તે કોઈ માણસ ફરકતું નહોતું દેખાતું. અમે જે ઍપાર્ટમેન્ટમાં રહેતાં હતાં તેમાંથી મોટા ભાગનાં લોકો રૂમ ખાલી કરીને પોતાના ગામ જતાં રહ્યાં હતાં. ઍપાર્ટમેન્ટમાં માત્ર ત્રણ ઘર જ એવા હતાં જે બંધ નહોતા થયા.એક અમારું ઘર અને બીજા બે ઘર બીજા મારે ખુલ્લા રહેલાં. બાકી આખો ઍપાર્ટમેન્ટ ખાલી થઈ ગયેલો. અમારી ઉપર બીજા માળે એક નેપાળીનું ફેમેલી રહેતું અને બીજુ ફેમેલી સુરતી હતું. અમારો નેપાળી ફેમેલી સાથે ઘર જેવો સંબંધ હતો. જેથી આવી ભયંકર મંદીમાં અમે એકબીજાની હુંફ હેથળ રહેતાં હતાં. કો’કવાર નેપાળી લોકો અમારી ઘરે આવીને પણ રહેતાં હતાં. નેપાળી ફેમેલીમાં કુલ છ જણાં હતાં. અશોકભાઈ, બિંદુબેન અને તેમનાં ચાર બાળકો હતાં. અશોકભાઈ અને બિંદુબેન મારા મમ્મીને દીદી કહીને બોલાવતાં હતાં. તેથી હું અશોકભાઈને મામા અને બિંદુબેનને માસી કહીંને બોલાવતો હતો. ઘણી વખત તેઓ અમારી સાથે અમારી ઘરે જ જમતાં હતાં. અશોકમામા જ્યારે કામ પર જતાં ત્યારે બિંદુમાસી અને તેમનાં બાળકો અમારી ઘરે રહેતાં અને અમે લોકો સાથે બેસીને ભગવાન શ્રી ક્રિષ્ણાની કેસેટ ડી.વી.ડી. પર ચઢાવીને ટી.વી. પર જોતાં હતાં.

એક પછી એક મંદીનાં પંદરેક દિવસ અમે જેમ તેમ કરીને પસાર કરી લીધા. એક દિવસ હું પપ્પા સાથે કેસરબા માર્કેટમાં શાકભાજી લેવા ગયો. મમ્મી અને જીયાની સાથે બિંદુમાસી અને અશોકમામા લોકો ઘરે બેઠાં હતાં. તેથી હું પપ્પા સાથે રવિવારે શાકમાર્કેટમાં ગયો. કેસરબા શાકમાર્કેટ આમ તો કાછીયાઓથી ભરેલું રહેતું. લગભગ ત્રીસએક જણાં ત્યાં શાકભાજી વેચવા બેસતાં હતાં તેની જ્ગ્યાએ તે દિવસે ગણ્યાંગાથીયાં માત્ર ચાર જણા જ બેઠાં હતાં. તે ચાર જણામાં પણ એક વૃધ્ધ સ્ત્રી બેઠી હતી. પપ્પા તેમની પાસે લઈ ગયા. તેમનાં શાકભાજીનાં થેલાંમાં એટલું બધું પણ ખાસ શાકભાજી નહોતું. ટામેટા હતાં, બટાકા હતાં અને થોડી લીલી ભાજીઓ હતી અને ગાજર-મુળા હતાં. પપ્પાએ પુછ્યું;

“શું ભાવ છે ટામેટાંનો માસી?”

“પંદર રૂપીયે કીલો અને બટાકા પણ પંદર રૂપીયે કીલો છે બેટાં! બોલ શું આપું ?”

દસ ફુટ દુર બેસેલાં કાકા તરફ ઈશારો કરીને પપ્પા બોલ્યા;

“માસી તમે કેમ આટલા ઓછાં ભાવે વેચો છો. પેલા ભાઈ તો પચ્ચીસ રૂપીયે અને ત્રીસ રૂપીયે કીલો ટામેટાં બટાકા વેચે છે?”

“હાઁ..! બેટા મને ખબર છે પણ હું આવી ભર મંદીમાં કોઈની પાસે વધારાનો પૈસો લેવા નથી માંગતી. જે ભાવ ચાલે છે’ને એ જ ભાવે વેચીસ પણ બજાર કરતાં વધારે ભાવમાં વેચીને મારે ખોટો પૈસો નથી કમાવવો બેટા! અને કોઈની મજબુરીનો લાભ પણ નથી ઊઠાવવો.”

“......પણ માસી તમે અમને લોકોને સસ્તાંમાં આપશો તો તમારા છોકરાઓ શું ખાશે!?”

“તારી વાત સાચ્ચી છે બેટા પણ કોઈનાં બાળકોનાં પેટનાં પૈસા લઈને મારાં બાળકોનું પેટ ભરું તો મારો હરી મને માફ ના કરે. તને પણ ખબર જ છે ને અંખડ રોટી હરીનાં હાથમાં. તે જે કરશે તે સારાં માટે જ કરશે. હું જે કંઈ પણ શાકભાજી વેચીને જે કંઈ પણ કમાવું છું તે સાંજે જઈને હરીનાં શરણે ધરી દઉં છું. આ સમયે ઈશ્વર આપણી પરીક્ષા લઈ રહ્યો છે. સમય આજે ભલે ખરાબ છે પણ કાલે સારો આવશે જ ને! અને તારા પણ ઉપકાર ઓછાં નથી મારા પર બેટા! તે મારા રખડું છોકરાને સીધો રસ્તો બતાવીને કામે લગાડ્યો છે. હવે તો અમે બંને માઁ દિકરો જે પણ કમાશું એ સાથે બેસીને વહેંચીને ખાશું. બસ મારી ઈશ્વરને એક જ પ્રાર્થના છે કે બેટા આવી મંદીમાં કોઈનાં બૈરી છોકરાં ભુખે ન મળે.”

“હાઁ. એ વાત તો તમારી બરોબર છે માસી.”

“હવે બોલ શું આપુ તને?”

“વીસ રૂપીયાનાં બંને મીક્સ કરી દો માસી.”

“અરે બેટા કીલો કીલો લઈ જાને!”

“સારું બંને કીલો કીલો કરી દો.”

પેલા વૃધ્ધ બાની વાતો સાંભળીને તેમને એક સવાલ પુછવાનું મન થયું. હું બોલ્યો;

“બા ! બા! એક વાત પુછું તમને?”“હાઁ..! બોલને બેટા”

“બા! બધા સુરત છોડીને પોતાનાં ગામ જતાં રહ્યાં છે તો તમને મન ના થયું સુરત છોડીને જવાનું.”

“ના! ના! બેટા. ગામ જવાનું મન તો થયું હતું બેટા પણ જે શહેરે મને આસરો આપ્યો, મને રોજી રોટી આપી હોય તે શહેર પર જ્યારે આફટ આવે ત્યારે જો હું તેને આમ જ છોડીને જતી રહું તો મારો હરી મને વઢે. હું તો શાકભાજીવાળી મારું કામ છે શાકભાજી વેચવાનું અને હું મારા સ્વાર્થ ખાતર મારા કાર્યનો ત્યાગ ન કરી શકું. તારા પપ્પા જેવાં ભલા અને ભોળા માણસો શાકભાજી લેવા માટે અમારા જેવા શાકભાજીવાળા પાસે આવે છે અને જો અમે જ જતાં રહ્યે તો શાકભાજી કોણ વેચે અને તારા જેવા નાના બાળકો શું ખાય? અમારો તો ધરમ છે શાકભાજી વેચીને લોકોનાં પેટને ઠારવાનો અને જો અમે જ અમારો ધરમ પોતાનાં સ્વાર્થ ખાતર છોડી દઈએ તો લોકો ભુખે મળે બેટા. સ્વાર્થી લોકો જ સંકટ સમયે છોડીને જતાં રહે છે પણ ખરાબ સમયે પણ તમારી સાથે ઊભો રહે તે જ સાચો માણસ બેટા.”

હું અબોધ બાળક હતો. મારા મોંમાથી નીકળી પડ્યું; “જેમ કે મારા પપ્પા બા!”

બા હઁસીને બોલ્યા : “હાઁ બેટા. તારા પપ્પા જેવાં જ લોકો.”

મને પોતાની પાસે બોલાવીને પ્રેમથી મારા ગાલ ખેંચીને મારા હાથની હથેળીમાં બે ગાજર અને બે-ત્રણ નાના નાના મુળા આપતા બોલ્યાં : “લે લાલા. આ ગાજર અને આ મુળાને મુળાની ભાજી ખાજે તારી આંખોનું તેજ વધશે અને આંખોમાં ક્યારેય ચશ્મા ન’ઈ આવે.”

પપ્પા બોલ્યાં : “ના લેવાય રવિ બેટા પાછા આપી દે જોઈએ! અને તમે પણ શું માસી મફતમાં આપી દો છો?”

મેં ગાજર અને મુળા પાછાં આપવા માટે હાથ લાંબો કર્યો. બા મારો હાથ પાછો વાળતાં પપ્પા સામુ જોઈને બોલ્યાં;

“અરે રાકેશભાઈ હું તમને ક્યાં આપું છું. હું તો મારા લાલાને આપું છું.મને અત્યાર સુધી કોઈએ બા નથી કીધી અને તામારા છોકરાંએ મને બા કહીને બોલાવી છે. તો શું બા તેનાં લાલાને આટલું પણ ના આપી શકે.”

“તો પછી માસી તમારે પૈસા લેવા પડશે હોં!”

બંને વચ્ચે આનાકાની ચાલી અને હું બંનેને સાંભળી રહ્યો હતો. ૧ મીનીટ રહીને મેં પેન્ટનાં ખીસ્સામાં હાથ નાંખ્યો. તેમાંથી રૂપીયાનો સિક્કો નિકળ્યો. હું તે સિક્કો બાનાં હાથમાં મુકીને બોલ્યો : “લે બા તું પપ્પાની પાસેથી ના લઈ શકે તો હું તને આપું છું. લઈ લે ને બા!”

તે બાની આંખમાં મને અપાર લાગણી જોવા મળી અને તે મને હેતાળ ભાવે જોતા રહ્યાં. તેમનો ચહેરો જોઈને મને મારી બા(નાનીમાઁ)નો ચહેરો યાદ આવી ગયો અને હું ફરી બોલી પડ્યો;

“લઈ લે ને બા!”

“લાલા તું પણ તારા પપ્પા જેવો જ છે. કશું પણ એમનેમ નથી લેતો! સારું જેવી હરી ઈચ્છા લાલા.”

તેમને પોતાનાં બ્લાઉઝમાંથી એક નાનું એવું પાકીટ નીકાળ્યું અને મેં આપેલાં રૂપીયાનાં સિક્કાને માથે લગાડીને પાકીટમાં મુક્યો અને પાકીટ પાછું બ્લાઉઝમાં મુક્યું અને મારા માથે હાથ મુકીને બોલ્યાં “મારા લાલા! ભગવાન તારૂ ભલુ કરશે. જીવનમાં તું આગળ વધે એવી હરીને મારી પ્રાર્થના છે. બેટા! ફરી એકવાર મને બા કહી દે જરા”

“બા!”

તેમને બા કહીંને પપ્પાનો હાથ પક્ડીને હું ઘરે આવ્યો. પેલા બાની વાતો પરથી મને એટલું તો સમજાઈ ગયું કે આટલી ભયંકર મંદીમાં પણ માણસની માણસાઈ નથી મરી. પપ્પા જેટલું પણ શાકભાજી લાવેલાં તેનો અડધો ભાગ અશોકમામા નેપાળીને આપી દીધો. ક્યારેક અમારી ઘરે જમવાનું ન બન્યું હોય તો તે લોકો અમને આપી જતાં. પરંતુ અત્યાર સુધી એવો દિવસ નથી આવ્યો કે જે દિવસ અમારી ઘરે ખાવાનું ના હોય. જે દિવસે મમ્મી માંડી-હાજી હોય ત્યારે જમાવાનું ના બનાવે તો પપ્પા બહારથી લાવીને અમને ખવડાવે પણ કોઈ દિવસ અમને ભુખ્યા નથી રાખ્યા.

પપ્પાનો એક જ નિયમ હતો કે એ “જે કંઈ પણ ખાવાનું લાવે તે સૌને સરખી રીતે વહેંચીને આપવું.”

થોડા દિવસ બાદ પપ્પા પર એક નવી મુશીબત આવી પડી. જે હીરાનાં કારખાંનામાં તે રોકડી મારવા જતાં ત્યાંનાં શેઠે એક નવો નિયમ કાઢ્યો કે “રોકડી મારવાવાળા કાલથી ન’ઈ આવે અને જેને કામ કરવું છે તે લોકો ૧૦ દિવસનો પગાર મારી ત્યાં જમા રાખશે.” તે સમયે પપ્પાએ મજબુરીને કારણે તે કારખાનું છોડી દીધુ અને બીજી જ્ગ્યાએ ગયા. તે કારખાનું પણ ત્રણ દિવસ બાદ બંધ થઈ ગયું. પછી તે કામ માટે બીજી જગ્યાએ ફર્યા પણ બીજા કારખાનાંમાં વધારાનાં કરીગરોની જરૂર નહોતી અને અમુક કારખાનાંઓમાં એમને કોઈ રોકડી મારવા નહોતા દેતાં. તે કામ માટે લગભગ પાંચેક દિવસ જેવું ફર્યા. કામ નહોતું મળ્યું છતાં પણ તે અમારી માટે જમાવાનું લાવતાં. મારા મનમાં એક સવાલ ઊભો થયો કે પપ્પાને કામ નથી મળતું છતાં તે અમને ક્યાંથી અને કેવી રીતે લાવીને ખવડાવે છે? આ સવાલ મમ્મીને મેં પુછ્યો ત્યારે મમ્મી એ જે કીધુંને તે સાંભળીને મારાં દિલમાં મોટો ધ્રાંસકો પડ્યો. મમ્મી એ કહ્યું કે “તારા પપ્પાને કામ ન મળવાથી તે પોતાનું લોહી વેંચીને પૈસા લાવે છે અને આપણે ખવડાવે છે.” આજે પણ આ વાત મને અંદરથી હચમચાવી નાંખે છે. તે સમયે મારું દિલ અંદરથી રડતું હતું અને મમ્મીની આંખોમાં પણ આંસુ જોયા. બીજે દિવસે પપ્પાનું આ બલીદાન જોઈને મારાથી ના રહેવાયું અને ઘરમાં પડેલી મારી બ્લુ કલરની સાઈકલ સામે આંગળીથી ઈશારો કરતાં કહ્યું કે “પપ્પા તમે મારી સાયકલ વેંચી નાંખો પણ તમે તમારું લોહી ના વેચો.” ત્યારે પપ્પાએ કીધું કે “તમને લોકોને ભૂખ્યાં ન રાખવા એ મારી ફરજ છે. પછી છો’ને મારે મારું લોહી વેંચીને તમને ખવડાવવું પડે તો પણ તમને ખવડાવીશ.” એક બે દિવસ બાદ પપ્પા બપોરે ઘરે આવીને અમને શાકભાજી અથવા નાસ્તો આપીને જતાં રહેતાં હતાં અને સાંજે છ વાગે ઘરે વહેલાં આવીને આરામ કરતાં અને મારી નાની બહેનને રમાડતાં હતાં. મમ્મીએ જ્યારે પુછ્યું કે “તમે આટલાં વહેલા આવી જાવ છો અને તમારાં કપડાં કેમ સીમેન્ટ રેતીવાળા થઈ જાય છે.?”

પપ્પા : “કડિયા મજુરનું કામ મળ્યું છે બે દિવસથી મને એટલે હું વહેલો આવી જવું છું. રોજની બસો રૂપીયા મજુરી આપે છે.”

મમ્મી : “ત્યાં કામ શું કરવાનું?”

પપ્પા : “કાંઈ ન’ઈ બસ તગાળા ઉંચકવાનાં અને પહેલામાળે લઈ જવાનાં.”

તે સમયે મને ખબર પડી કે પપ્પાનું બલીદાન અમુલ્ય હોય છે. ત્યારે હું કલ્પના માત્રથી હચમચી જતો કે પપ્પા કંઈ રીતે તગાળા ઉંચકતા હશે! કંઈ રીતે તે આ બધુ સહન કરતાં હશે! હિરામાં દસથી પંદર હજારનું કામ કરવાવાળા મારાં પપ્પા શું કામ આટલા ઓછા વળતરે કામ કરતાં હશે! એવી તો શું મજબુરી હતી કે તે આ કામ કરવા માટે પણ તે તૈયાર થઈ ગયા! મને એટલું તો સમજાઈ ગયું હતું કે તે જે કંઈ પણ કરે છે તે પોતાનાં સંતાનો અને પોતાની પત્ની માટે કરે છે કે જેથી કરીને અમને લોકોને બહાર પગ ના મુકવો પડે.

પપ્પાની આ વાત જ મને શીખવે કે જીવનમાં ગમે તેવાં ઉતાર ચઢાવ આવે પરંતુ તેની સામે સમાધન કરીને હાર માણવાની જગ્યાએ પોતાના સંપૂર્ણ આત્મબળની સાથે લડી લેવાનું પણ ખરાબ પરિસ્થિતી કે ખરાબ સમય સામે નીચુ તો નહીં જ નમવાનું. કોઈ પણ કામ નાનું નથી હોતું કે નાનું કામ કરવાથી આપણે કાંઈ નાના નથી થઈ જતાં. પરંતુ જે કામ હાથમાં લીધુ હોય અને તમે તેને પુરો ન્યાય આપો તો તેમાંથી પણ તમને અઢળક ખુશી પ્રાપ્ત થશે.

“દુનિયામાં જન્મ જો માઁ આપે છે’ને “ઈશ”,તો દુનિયામાં જીવવાનું બાપ શીખવાડે છે.”

“દરેકનાં જીવનમાં ખરાબ સમય આવે છે પરંતુ તે તમને બર્બાદ કરવા નથી આવતો પણ તે તો એટલાં માટે આવે છે કે તમે તમારી જીંદગી પાસેથી જે મેળવવાની ઈચ્છા રાખો છો તેટલી તમારી લાયકાત છે ખરી? ખરાબ પરિસ્થિતીનો સામનો કરવાની તાકાત છે ખરી? શું તમારામાં ખરાબ પરિસ્થિતી સામે ટકી રહેવાની ક્ષમતા છે ખરી? જો તમારે જીવનની અંદર સફળતા જોઈએ છે તો શું તમારામાં સંઘર્ષ કરાવાની શક્તિ છે ખરી? જેમ એક શિક્ષક તેનાં વિદ્યાર્થીની પરીક્ષા લેય છે એમ સમય પણ આપણી પરીક્ષા લેતો હોય છે. સમય પરીક્ષા લઈને આપણી અંદર છુપાયેલી આવડતનો, શક્તિનો અને આપણા આત્મબળનો વિકાસ કરવા માંગે છે તેથી કરીને તે આપણી સામે વિકટ કે ખરાબ પરિસ્થિતીઓ ઊભી કરે છે. સમયનો તો બસ આ જ એક સિધ્ધાંત છે સાહેબ કે જે ટકી ગયું એ વધી ગયું અને જે નમી ગયું તે ઉખડી ગયું.” – રવિકુમાર આર. રાણા “ઈશ”

***