મૃગનયની ભાગ ૨. NILESH MURANI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃગનયની ભાગ ૨.

પ્રસ્તાવના

વાચક મિત્રો ઘણી વખત આંખો જોઇને બાંધેલી ધારણા સાચી નથી હોતી, અંદર કોઈ ઘમાસાણ ચાલતું હોય અને આંખો શાંત હોય છે, તો ક્યારેક આંખોમાં નૃત્ય દેખાતું હોય પણ અંદરનો દરિયો શાંત હોય, પહેલી નજરનો પ્રેમ એટલે? અંતે ગુનેગાર તો આંખો જ ને! એક અલગ પ્રકારની વાર્તા આપ સમક્ષ મૂકી રહ્યો છું, તો આપનો પ્રતિભાવ જરૂર આપશો..

મૃગનયની

ભાગ ૨

મારે જોવાનું રહી ગયું કે એ કઈ શેરીમાં રહે છે. મનમાં એક અણગમો રહી ગયો, એ કેટલી ભેદી આંખો હતી! એ ખોટું તો નહી બોલતી હોયને? જે થયું તે પણ મને અંદાજો આવી ગયો હતો, કે એ મારી બચપનની દોસ્ત રેશમાની આસપાસ રહે છે. સાંજે વાત, રેશમા દુધની થેલી લેવા આવશે તો પૂછી લઈશ, એમ વિચારી હું ઘરમાં જતો રહ્યો, અને દુકાનના કામમાં વ્યસ્ત થઈ ગયો, પણ એ આંખો મારી નજરની સામે તરવરી રહી. હું સાંજ થવાની રાહ જોવા લાગ્યો કે ક્યારે રેશમા આવે અને હું રેશમા પાસેથી એની જાણકારી મેળવું, પણ એ સમય જાણે ધીરે ધીરે આગળ વધતો હોય એમ, અહી આઇન્સટાઈનની સાપેક્ષવાદની થીયરી સાચી પડતી હતી, જયારે એની આંખોમાં જોઉં છું ત્યારે જાણે સમય થોભી જાય છે. આ સમય પણ રબ્બર જેવો છે, પોતાની મરજી મુજબ ખેંચાય છે અને પોતાની મરજી મુજબ સંકોચાય જાય છે. દુકાન ઉપર થોડીક ઘરાકી થઈ એટલે સમય વીતી ગયો અને સાંજે છ વાગ્યે રેશમા આવી પહોંચી.

“હાય જીગુ ડાર્લિંગ, કેમ છો?” રેશમાએ દુકાને આવતાજ ચોવીસ રૂપિયા ખુલ્લા બરણી ઉપર રાખતા કહ્યું..

“અરે! આવા આવ રેશમા અંદર આવીજા હું તારીજ રાહ જોતો હતો, બેસ બેસ .” મેં રેશમાને કહ્યું.

“ના જીગા, આજે નહી બેસું, પ્લીઝ ઘણું કામ છે,” રેશમા એ કહ્યું.

“થોડીવાર તો બેસ, પ્લીઝ.” મેં કહ્યું.

“પ્લીઝ! ઓહો...હો....હો...શું વાત છે? આજે પહેલીવાર તારા મોમાંથી આ દુર્લભ શબ્દ સાંભળ્યો. શું વાત છે? કોઈ પ્રોબ્લેમ?” એમ કહીને રેશમા દુકાનની અંદર આવી અને સ્ટુલ ખેંચી સ્ટુલ ઉપર બેસી ગઈ.

“પ્રોબ્લેમમાં તો એવું છે કે, તારી આસપાસ હમણાં કોઈ નવા પડોશી આવ્યા છે? એના વિષે પૂછવું હતું.”

“ઓહ! હા, અમારી પાછળની શેરીમાં કોઈ રહેવા આવ્યા છે, કેમ?”

“કોણ છે એ? અને ક્યાંથી આવ્યા છે?”

“પણ તું એની આટલી પૂછ પરછ કેમ કરે છે? દિલમાં ઘંટડી તો નથી વાગીને?” રેશમા એ હસતા હસતા કહ્યું.

“હા, એમજ સમજ, ચેન નથી પડતું, જ્યારથી એ આંખો જોઈ છે.”

“કોની આંખો? એ તો બે બહેનો છે. એક નાની કોલેજ કરે છે અને બીજી મોટી ઘરે સિલાઈ કામ કરે છે, ઘમંડી છે એ તો, મોઢા ઉપર દુપટ્ટો હટાવતી જ નથી. એ તો હમણાજ રહેવા આવ્યા છે. ઘરમાં એની મમ્મી અને બે બહેનો જ છે. પણ તારો શું વિચાર છે? કંઇક ફોડ પાડ તો ખબર પડે.”

“મને એ દુપટ્ટાવાળી ગમી ગઈ છે, બસ.”

“જો જીગા, હું એને નથી ઓળખતી પણ તારા માટે હું એની સાથે દોસ્તી કરીશ, અને બનતી મદદ હું કરીશ, પણ હાલ મને મોડું થાય છે, પ્લીઝ મને જવા દે આપણે કાલે વાત કરીશું. ઓકે? બાય”

રેશમા દુધની થેલી લઈને જતી રહી. અંશિક જાણકારી આપતી ગઈ, પણ એટલી જાણકારી પુરતી ન હતી. હું વ્યાકુળ થઇ ગયો, મારું દુકાનના કામમાં મન નહોતું લાગતું. રાત્રે પણ ઊંઘ નહોતી આવતી, બસ એની આંખો જ સામે આવી જતી.

જોગાનુજોગ બીજા દિવસે સવારે એ મારી દુકાને આવી પહોંચી, આજે એ બ્લુ જીન્સ અને સ્લીવ-લેસ બ્લેક ટોપમાં આવી હતી, પણ મોઢું અને માથું તો દુપટ્ટાથી વીંટળાયેલું હતું.

“મરુન કલરના થ્રેડ છે?. આઈ મીન મરુન કલરના દોરાની રીલ જોઈએ મને.”

અહ્હા...હા... કેટલો મીઠો આવજ, જેવાં અવાજની કલ્પના કરી હતી એનાથી પણ મીઠો..

“જી. હું નથી રાખતો.પણ તમે સાંજે આવો તો હું લાવીશ..”

“ના મને અત્યારે જરૂર છે.”

“ઓકે. તમે અડધો કલાક રહીને આવો હું લાવી આપું.”

“જી. નો પ્રોબ્લેમ, હું અડધો કલાક પછી આવું. પણ સારામાં લાવજો,”

મેં દુકાન ખુલ્લી રાખીને ફટાફટ સ્કુટર દોડાવ્યું અને અલગ અલગ કલરના દોરાની રીલના પેકેટ્સ લાવ્યો.

બજારમાંથી મને આવતા અડધો કલાકથી વધારે સમય થઇ ગયો. એ મારી દુકાને આવીને મારી રાહ જોતી હતી. મેં ફટાફટ સ્કુટરનું સ્ટેન્ડ લગાવ્યું અને સીધો દુકાનમાં ગયો, પેકેટ ખોલીને એને દોરાની રીલ બતાવવા લાગ્યો.

“ઓહ! થેંક ગોડ મારે હવે દોરા લેવા દુર નહી જવું પડે. સારું થયું તમે લાવ્યા. મને અવાર નવાર જરૂર પડે છે.”

“અરે, મેડમ તમે ફોન કરી દેશો તો હું ઘરે પહોંચાડી દઈશ.”

“મેડમ નહી, નયના નામ છે મારું.. નયના. તમારું? ”

“જી.. જીગો.. આઈ મીન જીગ્નેશ. પણ તમારું નામ સરસ છે.”

“થેન્ક્સ, તમારું નામ પણ સારું છે.”

એટલું કહીને એ જતી રહી, આમ ધીરે ધીરે એ મારી દુકાને આવવા લાગી, ક્યારેક દૂધ લેવા તો ક્યારેક કરિયાણું લેવા, અને રેશમા સાથે પણ એની દોસ્તી થઈ ગઈ, પણ એ ક્યારેય મોઢા ઉપરથી દુપાટ્ટો નહોતી હટાવતી, ત્રણ મહિના જેવો સમય વીતી ગયો, એક દિવસ સાંજે રેશમા અને નયના બંને સાથે મારી દુકાને આવી પહોંચી, ત્યારે રેશમાએ નયનાને કહ્યું..

“ગજબની છો યાર તું તો, ક્યારેય તારું મોઢું પણ નથી બતાવ્યું. આ નુરાની ચહેરા ઉપર કોઈની નજર નહી લાગી જાય કે તું આમ પડદો લગાવીને ફરે છે.”

“સોરી, રેશમા મારા ચહેરા ઉપર ઘણા બધા ખીલ છે, માટે હું ખુલ્લું નથી રાખતી.”

મેં વચ્ચે દરમિયાનગીરી કરતા કહ્યું..

“અરે પાગલ મને તારા ચહેરા સાથે કોઈ નિસ્બત નથી, બસ તારી આંખોએજ મને ઘાયલ કરી નાખ્યો છે.”

મારી વાત સાંભળીને નયના મોં નીચું કરીને જતી રહી. રેશમા મારા ઉપર ગુસ્સો કરવા લાગી..

“જો નયનાને ખોટું લાગી ગયું. તારે એની એવી મજાક નહોતી કરવી.”

“અરે યાર આટલી વાતમાં ખોટું લાગી ગયું? હજુ તો મારે એને પ્રપોઝ કરવાનું બાકી છે.”

“તું પણ પાગલ છે યાર, ચહેરો જોયા વગર પ્રપોઝ?”

“હા, ચહેરો જોયા વગર.”

“અને એનો ચહેરો વાંકો ચૂકો કે ફાંગો નીકળ્યો તો?”

“અરે યાર, તું તો મને ઓળખે છે. મને એની આંખોમાં જે તોફાન છે એ જોઈએ એટલે જોઈએ બસ. તને તો ખબર છે, હું એકવાર નક્કી કરું એટલે એ મેળવીને જ રહું છું, અને જીંદગીમાં પહેલીવાર કોઈ માટે મારી અંદર પ્રેમ ના સ્ફુરણ ફૂટી નીકળ્યા છે. હું પ્રપોઝ કરવાનો મોકો તો ચૂકીશ નહી, અને આજે પ્રપોઝ નહી કરું તો જિંદગીભર અફસોસ રહેશે, કે એક ગમતી આંખોવાળી છોકરી જિંદગીમાં આવતા આવતા રહી ગઈ.”

“મને તારું સમજમાં નથી આવતું, તારી દરેક વાત આંખો ઉપર આવીને કેમ અટકી જાય છે?”

“એ જોવા માટે તારી પાસે મારી આંખ જોઈએ, એ તારી પાસે નથી. તારી પાસે તો બીલ્લાડી જેવી લુચ્ચી આંખો છે.”

“બસ આવીજ રીતે બોલી બોલીને સંબંધોના ઉઠમણાં કર્યા, અને પછી કહેશે કે હું કોઈને ગમતો નથી.”

“ના, એવું તો હું ક્યારેય કહેતોજ નથી, એમ કહે કે મને કોઈ ગમતું નથી, પહેલીવાર કોઈ ગમ્યું છે, તો એ મારાથી દુર ભાગે છે. કંઇક કરને પ્લીઝ. તું એને સમજાવ, એની પાસે જઈને મારા વખાણ કર.”

“ઓકે હમણાં એ ગુસ્સામાં છે, હું થોડીવાર પછી જાઉં છું, પણ હવે તું એની સાથે આવી રીતે વાત નહી કરતો.”

“હા એના માટે મારી જીભડી ઉપર થોડું દમન કરી લઈશ, પણ મને આ મૃગનયની જોઈએ એટલે જોઈએ.”

હું જિદ્દ ઉપર ચડી ગયો હતો, અને મારી જિદ્દ એટલે આખરી નિર્ણય એ વાત રેશમા સારી રીતે જાણતી હતી. નયનાને મારા માટે લાગણી છે કે નહી એ હું સમજી નહોતો શક્યો, પણ એટલો અંદાજો લગાવી શક્યો હતો કે નયનાને મારો સાથ ગમતો, એ દિવસમાં બે થી ત્રણ વખત મારી દુકાને આવીતી, ક્યારેક દસ મિનીટ તો ક્યારેક પંદર મિનીટ આવીને ઉભી રહેતી અને મારી સાથે વાતો કરતી, ક્યારેક નાની નાની વસ્તુ લેવાનું બહાનું કરીને આવતી તેનો વાત કરવાનો ઢંગ અને આંખોની હરકત જોઈએને લાગતું કે એ મને પસંદ કરવા લાગી છે. તેના તરફથી આવતા સ્પંદનો હું પારખી શકતો, બસ હું રાહ જોતો હતો તો એક મોકાની કે હું તેને પ્રપોઝ કરી શકું. એ ત્રણ મહિના દરમિયાન એકાંતમાં મેં તેણીના ચહેરા ઉપરથી દુપટ્ટો હટાવવા કેટલીય વાર કહ્યું હતું, પણ નયના આડી વાત કરીને જતી રહેતી, પણ જયારે મેં રેશમાની સામે મજાક કરી એ નયનાથી સહન ન થઇ, એ વાત સમજમાં આવી ગઈ હતી. સાંજે જયારે રેશમા દૂધ લેવા આવી ત્યારે આવતાજ એ બબડી.

“જો જીગા, હાલ તો હું એને સમજાવી આવી છું, પણ તું જેવી સમજે છે એવી છોકરી એ નથી.”

“હા એટલેજ એ મને ગમે છે, થોડાક આત્મવિશ્વાસની કમી છે એનામાં, એ હું મેનેજ કરી લઈશ, તું કંઇક ગોઠવ પ્લીઝ, હું એને પ્રપોઝ કરવા માંગું છું. મુવી જોવા જવાનો પ્રોગ્રામ બનાવ આપણે ત્રણેય સાથે જઈએ હું મોકો જોઈને એને પૂછી જોઇશ, મારે એની સાથે કોઈ ખેલ નથી કરવો, મારે એને મારી જીવન સંગીની બનાવવી છે.”

“અરે! રોજ તારી દુકાને આવે છે, ક્યારેક પૂછી લેવાય ને!”

“હીંમત નથી થતી, એની આંખોમાં જોઉં છું તો બધુજ ભુલાઈ જાય છે.”

“હા....હા....હા....પાગલ થઇ ગયો છે કે શું? જે છોકરી તારી આટલી મજાક સહન નથી કરી શકતી, જે છોકરીએ આજ દિવસ સુધી પોતાનું મોઢું નથી બતાવ્યું, એ તારી સાથે મુવી જોવા આવશે! તું પાગલ થઈ ગયો છો જીગા.”

“રેશુડી, તું મારું મોરલ નહી તોડ પ્લીઝ, એકવાર પૂછી જો, મને વિશ્વાસ છે એ ના નહીં પાડે.”

“ઓકે, તું કહેછે તો એક કોશિષ કરી જોઉં, પણ મને હજુ વિશ્વાસ નથી આવતો.. આઈડિયા..”

રેશમા ચોંકીને બોલી અને એવી રીતે મારી સામે જોવા લાગી જાણે એને કંઇક ક્લિક થયું હોય...

“શું આઈડિયા?”

“આવતી ૧૩ તારીખે મારો જન્મદિવસ છે.”

હજુ રેશમા એટલુ જ બોલી હતી અને રેશમાનો પ્લાન હું સમજી ગયો હતો. અરે, સમજી જ જાઉં ને બચપનથી ઓળખું છું. તો પણ મેં થોડું નાટકીય અંદાજ માં કહ્યું.

“હા, તો?”

“અરે પાગલ, જ્ન્મદીવસની પાર્ટી આપવાના બહાને આપણે નયનાને રેસ્ટોરન્ટમાં ડીનર માટે લઈ જઈએ, અને ત્યાં તને મોકો મળે તો પ્રપોઝ કરી લેજે, પણ હા, નયનાનું મોઢું જોયા વગર પ્રપોઝ નહી કરતો.”

“છોડ મારે પહેલા પ્રપોઝ કરવું છે પછી એનું મોઢું જોઇશ બસ, મારે એ આંખોમાં ડૂબી જવું છે રેશમા , એ આંખોમાં સમાઈ જવું છે.”

“પાગલ થઈ ગયો છો તું.”

“તું જે સમજે તે, પણ હવે હું અધીરો બની ગયો છું, ૧૩ તારીખને હજુ બે દિવસ બાકી છે.”

“મને શું ગીફ્ટ આપીશ મારા બર્થડેની?”

“પટાવી ફોસલાવીને કેટલી ગીફ્ટ લઈ ગઈ તું મારી પાસેથી? આજ સુધી તે મને એક પણ ગીફ્ટ નથી આપી.”

“એ ગીફ્ટને છોડ, પણ આજે એક વાત તને ઈમાનદારી થી કહીશ. સાચું કહું તો આટલા વર્ષમાં તને કોઈ છોકરી પાછળ આટલો પાગલ થતો જોઇને મને બળતરા થાય છે.”

“નાટક બંધ કર નહીતો ઉતાવળે હું આજે તને પ્રપોઝ કરી દઈશ.”

“સાચે?”

“તને લાગે છે કે હું તને પ્રપોઝ કરીશ? ચાલ અરીસામાં મોઢું જોઈને આવ, વાંદરી.”

રેશમા ગુસ્સે થઈને જતી રહી, અને હું દુકાનમાં ચાલ્યો ગયો, મારી નજર જાણે કેલેન્ડર ઉપર થોભી ગઈ, ૧૩ તારીખ અને શુક્રવાર ક્યારે આવશે? એ વિચારોમાં મને રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. કેવી રીતે પ્રપોઝ કરીશ? શું કહીશ? એકાદું ગુલાબનું ફૂલ લાવીશ, ગ્રીટિંગ લાવીશ, શું કરીશ તો નયનાને સારું લાગશે?

ક્રમશ: