Surili Varta books and stories free download online pdf in Gujarati

સૂરીલી વાર્તા

'સુરીલી'

તરુલતા મહેતા

આજે સુરાલીએ એનો ફેવરીટ ગુલાબી ડ્રેસ પહેર્યો હતો. મેચીંગમાં વાળમાં ગુલાબી રીબન અને શૂઝ પહેરી ઘરમાં દોડાદોડ કરતી હતી. એના ગ્રાન્ડપા ચાનો કપ ડાઇનિંગ ટેબલ પર મૂકી હવામાં ઊડતી ગુલાબી પરીના પગલાંનાં તાલમાં ટેબલ પર થાપ આપતા ડોલતા હતા. એમના જીવનસંગીતનો પ્રિય સૂર તબલાં પર વાગતો હોય તેમ સુરાલીનાં પગલાંનાં પટ પટ તાલમાં હરખાતા ઝડપથી તૈયાર થયા.

આજે રજા હતી. સુરાલીના ડેડી સવારની મીઠી આળસમાં આરામ કરતા હતા. એમણે જરા ઉંચા અવાજે તેને ટોકી, 'યુ આર એ બીગ ગર્લ, ચાર વર્ષની બેબીની જેમ દોડાદોડ શું કરે છે?'સુરાલી ડેડીનો હાથ ખેંચતા બોલી 'ડેડી મારા મ્યુઝીક બેન્ડનો આજે પ્રોગામ છે. ગેટ રેડી 'તે હરખમાં ઘેલી ઘરને એના પટ પટના સૂરમાં આંદોલિત કરતી રહી.

એની મમ્મી મિતાલી પાપાના રૂમમાં ગઈ, તેણે લાલ પંજાબી ટોપ અને કાળું લેગિગ પહેર્યાં હતા. અને જરીની બોર્ડરવાળી આકર્ષક ચુન્ની ખભે લહેરાતી હતી. કેલિફોર્નિયાના બર્કલી શહેરનું જુલાઈનું ખુશનુમા હવામાન તેમાં સવારનો ગમીતીલો પવન વૃક્ષોને અડપલાં કરતો ખૂલ્લી બારીમાંથી પડોશીનો બાળક જિજ્ઞાસાથી ડોકિયાં કરે તેમ રૂમની ગતિવિધિ જોઈ લેતો હતો.

મિતાલી સુરાલીના મનગમતા વાંસળી વગાડતા કૃષ્નભગવાનને પગે લાગી. તૈયાર થઈ ઉભેલા પાપાના પગમાં નમી પડતાં એની આંખો છલકાઈ રહી. 'તમે મારાં મા અને સુરાલીના સવાયા મા'આલોકે દીકરીને તબલા પર તાલ આપે તેમ તેનો બરડો પ્રેમથી થપથપાવ્યો.

'જો, વાયોલિનનું કવર લેવાનું ભૂલતી નહિ, 'તેમણે કહ્યું, એટલામાં સુરાલી દોડતી આવી ગ્રાન્ડપાને વળગી પડી.

'આઈ લવ માય વાયોલિન' ઉત્સાહમાં અને ઉતાવળમાં તોતડાતી બોલી, સુરાલીને સ્કૂલમાં ફ્રેન્ડ ઓછા જ હતા, ગ્રાન્ડપા એના ખાસમખાસ ફ્રેન્ડ! 'માય બડી' કહેતી. છેલ્લા પાંચ વર્ષથી તેઓ સુરાલી જોડે તેના બાળગોઠિયાની જેમ રમત રમતા, તેને પાર્કમાં વાયોલિન વગાડતી માર્ગરેટ પાસે લઈ જતા, આઈસ્ક્રીમ અને પિત્ઝાની મોજ કરતા. રાત્રે તેને વાર્તા કહેતા, તાલમાં ગાતા શીખવાડતા. સુરાલી સ્કૂલે જતા કે ડોક્ટરની ઓફિસમાં જતા ગ્રાન્ડપાના હાથને વળગી રહેતી.

પાંચ વર્ષ પહેલાંના મિતાલીના ફોન કોલે આલોકને અમદાવાદથી અમેરિકા સ્થાયી કરી દીધા. પ્રોફેસરના કાર્યની નિવૃત્તિ પછી તેઓ વાંચન અને સઁગીતની હોબીમાં મગ્ન રહેતા. એમના એકાંતમાં દીકરીઓના ફોનની રીગ એટલે મન્દિરમાં આરતી, સૂનું ઘર રણકી રહેતું. મોટી રીના મુંબઈની બીઝી દુનિયામાં હતી, ફોનમાં એના ઘરની ઉપાધિની વાત ઝાઝી. મિતાલીના ફોનથી તેમનો વધતી ઉંમરનો થાક ભૂલાઈ જતો, પણ તે દિવસે મિતાલી વ્યગ્ર થઈ બોલી;

'પાપાજી, તમે મુહૂર્ત જોયા વગર મેં ટિકીટ મોકલી છે તે મુજબ અહીં આવી જાવ. ' મિતાલીએ રીતસરની બાળહઠ જ કરી.

'મિતુ, તું મા થઈ તો ય તારી સુરીલીની જેમ બોલે છે, ' પાપાએ મીઠો ઠપકો આપ્યો.

'આજે મમ્મી હોત તો સુરીને ... ' મિતાલી વીસ વર્ષમાં ક્યારેય નહિ ને આજે મમ્મીને યાદ કરી ડૂસકે ચઢી, દસ હજાર માઈલ દૂર બીજે છેડે પાપા દીકરીના ફોન પર હાથ ફેરવતા તળાવડી બનેલી આંખથી પત્નીના ફોટાને જોતા હતા.

'સોરી, પાપા હું શું કહું ?મારી સુરી મને સમજાતી નથી. ' મિતાલી ઘણા વખતથી કોઈ કિલ્લામાં કેદ હતી ને છૂટવા માટે ફાંફાં મારતી બેસહાય હોય તેમ બોલી.

આલોકે એક ક્ષણના વિલંબ વિના દીકરીને સથવારો આપ્યો, 'તું મૂઝાઈશ મા, તારે માથે મા-બાપનું છત્ર છે. '

આલોકે રમાબાઈને તાબડતોડ જૂનાગઢથી અમદાવાદ બોલાવી લીધાં, પત્નીની ચિરવિદાય પછી આલોકે એકલપંડે નોકરી -ઘર સઁભાળી લીધાં હતાં. બન્ને દીકરીઓને ઉછેરી, કેળવણી આપી પગભર થવાની તાલીમ આપી હતી. હા, રમાબાઈની મદદ પૂરી હતી. આલોકની દીકરીઓ સાસરે ગઈ એટલે રમાબાઈ એમનાં દીકરાને ત્યાં ગયાં હતાં

આલોકની ભીતર પેટાળમાં સમુદ્રમન્થન ચાલ્યું હતું. મિતાલીને એની મમ્મી કેમ મિસ થતી હશે?પાપાને ખોલીને ન કહેવાય તેવું શું હશે? સિમલા ગયેલા ત્યારે મિતુ નાની હતી ને ઘોડા પર બેસવાની જીદ કરી બેઠેલી છેવટે પોની પર બેઠેલી, લગામ પકડીને ચાલતા માણસની સાથે આલોક અધ્ધરશ્વાસે ચાલતો રહ્યો. આજે મિતુની ફિકરમાં તેમનો શ્વાસ તાળવે ચોંટ્યો હતો. એમનું હૈયું માનું ને ચહેરો પિતાનો.

મિતાલીનું 'હાઉસ 'કેલિફોર્નિયાના બર્કલીમાં પર્વતોના ઢોળાવ પર હતું. આલોકની સવારની અડધીપડધી નીંદર સુરીના રડવાના અવાજથી તૂટી. બેડરૂમની બારીમાં ડોકિયા કરતી ટેકરીઓની લીલી ટોપીઓ જોઈ તેમને થયું

સુરીને 'ટોપીવાળો અને વાંદરાની' વાર્તા તે કહેશે! પછી જો મઝા રડવાનું ક્યાંય ગુમ.

'સુરીને અંદર મોકલ, હું રમાડીશ. ' આલોકે કહ્યું.

મિતાલીએ લાંબા વખત પછી રાહતનો દમ લીધો, તે બોલી 'હાશ, તમે ઘરમાં છો, હવે મારાથી કંઈ કામ થશે. બાકી સુરીના કકળાટથી હું કઁટાળી ગઈ છું . '

'અરે, આવી મીઠડી રડે તોય મને ગમે. ' કહી આલોકે તેને બેડ પર લીધી પણ તેણે ચીસાચીસ કરી મૂકી, ચાર વર્ષની સુરીને કહે 'આઈ એમ યોર ગ્રાન્ડપા' મારી બેગમાં જો તારા માટે શું લાવ્યો છું?સુરીલી કમોન . . પણ કોઈ વિચિત્ર પ્રાણી ને કે ગ્રાડપાને કોને ખબર શું જુવે છે?ગભરાયેલા ડોળાથી 'નો ' મા' 'ગો ' એવા ભાગ્યાતૂટ્યા શબ્દો બડબડતી તે બેગમાંથી ચોપડીઓ ફેંકવા લાગી.

મિતાલી શાવરમાંથી આવી બોલી 'પાપા, ચા મૂકી છે, ડાઇનિંગરૂમમાં આવો '

ગ્રાંડપા 'સુરીલી, લેટ્સ ગો ' કહી તેનો હાથ પકડવા ગયા પણ તે એમ જ કારપેટ ઉંધી પડી રહી,

આલોકે બે ત્રણ વાર તેને સુરી બેટા, કહ્યું પણ નો રિસ્પોન્સ!આલોક કોઈ ગૂંચવણભર્યા કોયડામાં અટવાયા.

ડાઇનિંગ ટેબલ પર મૂકેલી ચા મૂગા મૂગા પીતા રહ્યા, મિતાલી સાથેની વાતચીતનો દોર સન્ધાતો નથી.

મિતાલી ચાર વર્ષની તેની દીકરીના વર્તાવથી અકળાતી હતી, એણે સુરીને ખભે સૂવડાવી બોલી,

'આજે ડોકટરની ઓફિસમાં બે વાગે સુરીને લઇ જવાની છે, હું એને તૈયાર કરી દઉં, મિતેશને જરાય ટાઈમ મળતો નથી. ' એના અવાજમાં ઘણા દિવસનો થાક અને નિરાશા હતાં.

'હું ય નાહીધોઇ રેડી થઈ જઈશ. ' આલોકે કહ્યું

'ગુડ, આપણે આવતા ગ્રોસરી સ્ટોરમાં જઈશું . ' મિતાલી હળવી થઈ.

ડો. રોબર્ટ ન્યુરોલોજીસ્ટની ઓફિસમાં રડારોળ કરતી સુરાલીના ઘણા ટેસ્ટ થયા, નિદાનમાં ડોકટરે ન્યુરોલોજીકલ ડિસઓર્ડરને કારણે સુરાલીને ઓટિસ્ટિક બાળક કહી. મિતાલી 'નો નો 'કરતી સુરાલીને ખોળામાં લઈ રોઈ પડી, આ હકીકત મનમાં ઉંડે તે જાણતી હતી પણ એક મા માટે સત્યનો સામનો કરી, સ્વીકાર કરવો કેટલો મુશ્કેલ હતો તે ડોકટર અને આલોક સમજ્યા. ડોકટર આશાવાદી અને અનુભવી હતા. તેમણે ઓટિસ્ટિક તેજસ્વી બાળકોનું આલ્બમ જોવા આપ્યું. તે અંગેના પુસ્તકો અને ડીવીડી આપી. પેરેન્ટસ માટેની સૂચનાઓ આપી.

'શારીરિક રીતે તંદુરસ્ત હોવા છતાં બાળકનો માનસિક વિકાસ ઓછો થાય છે. એવા બાળકો એબ્નોર્મલ ગણાય પણ તેમની બુદ્ધિશક્તિ તેજ હોય છે, ફોકસ બીજા બાળક જેવું થતું નથી. તેમને પ્રેમ અને ખન્તથી શીખવાડવામાં આવે તો તેજસ્વી બને છે. 'મિતાલી કાર ચલાવતી હતી અને આલોક થાકેલી સુરીને માથે હાથ ફેરવતા પુસ્તક વાંચતા હતા.

મિતાલી સ્ટોરમાં ગઈ અને સુરી જીદ કરી ગ્રાન્ડપાને સામેના પાર્કમાં લઈ ગઈ. બીજા બાળકો હીંચકો, લપસણી, હાઇડ એન્ડ સીક રમતાં હતાં પણ સુરી ફુવારા પાસે ઉભેલી સન્ગીતમંડળી પાસે પહોંચી ગઈ. ડ્રમ, સેક્સોફોન અને વાયોલિનની રંગત હતી. દસેક મિનિટ પછી બધાં કંઈક મૂકીને ગયાં, સુરી કૌતુકથી વાયોલિન પર હાથ ફેરવતી હતી.

મારગેટે પૂછ્યું, 'યુ લાઈક ?' ગ્રાન્ડપાએ સુરીને પહેલીવાર નિર્દોષ કિલ્કિલાતી જોઈ, ત્યાં મિતાલી આવી પહોંચી. સુરીએ નાનકડા હાથે બે ડોલર મૂક્યા માર્ગરેટે તેને કહ્યું 'થૅન્ક યુ, કમ અગેન '. પછી તો એ રોજિંદો ક્રમ થઈ ગયો.

દરરોજ બપોરે આલોક અને સુરી પાર્કમાં આવતા. એકાદ કલાક સુરી એટલી ખુશ થતી કે ગ્રાન્ડપાની ડાહી દીકરી થઈ જતી. માર્ગરેટ કહેતી, 'તું વાયોલિન શીખજે 'આલોકે વાંચ્યું હતું કેટલાય આર્ટિસ્ટ બચપણમાં ઓટીસ્ટિક હતા.

ઘરમાં સુરાલી વિશેની એક દિલને કઠે તેવી પણ સાચી સમજ સૌના વર્તાવમાં આવી હતી,

સુરાલી બાળકની જેમ પોતે બીજાના જેવું કરવા ઈચ્છે પણ ન થાય એટલે હતાશામાં રડે, ધમપછાડા કરે, ઢોળફોળ કરે ત્યારે પ્રેમથી ધીરજ અને સમજાવટથી સૌએ કામ લેવાનું શરૂ કર્યું. મિતેશ જોબ પરથી ઘેર વહેલો આવતો. સુરીને સ્પીચ થેરાપી

અને સોશ્યિલ સ્કીલ માટેની થેરાપી માટે લઈ જતો. મિતાલી 'હોમ-સ્કૂલીગ ' કરી સુરીને ફર્સ્ટ ગ્રૅડ માટે તૈયાર કરતી હતી. આલોક સવારે ક્લાસિકલ રાગ સાંભળતા ત્યારે સુરી છાનીમાની એમને પડખે ભરાઈ રહેતી. પૂજા, આરતી, પ્રસાદ બધામાં એની કુતુહલતા વણરોકી હોય, પ્રશ્નો પૂછતી એમના ખોળામાં ચઢી જતી તે આલોકના તાલકા પર હાથ ફેરવતા પૂછતી 'વ્હેર ઈઝ યોર હેર ગ્રાન્ડપા ?'આઈ ફોર્ગેટ ઈન અમદાવાદ 'કહી બન્ને હસી પડતા.

પાંચ વર્ષ પછી સુરી બીજા બાળકો સાથે રમતા, શેર કરતા શીખી. ત્યાં સુધીમાં વાયોલિનના લેસન લેતી, સ્વીમીંગ શીખી. છઠ્ઠા ધોરણમાં મિડલસ્કૂલમાં ગઈ ત્યારે તેને સ્કૂલના મ્યુઝીક બેન્ડમાં લીધી.

આલોકે સ્કૂલના સ્ટેજ પર શરમાતી પણ આત્મવિશ્વાસથી પટ પટ તાલબદ્ધ પગલાં ભરતી સુરાલીને તાળીઓથી વધાવી, મિતાલી અને મિતેશે વિલંબે ખીલેલી પોતાની કળીને સાનન્દ આશ્ચર્યથી ઊભાં થઈ આવકારી. હોલમાં તાળીઓના ગડગડાટ પછીની નીરવતામાં સ્ટેજ પરના બેન્ડમાંથી રેલાતા સૂરમાં સૂર પૂરાવતો વાયોલિનનો મધુર, કોમળ તાર દૂર દૂર પાર્કમાં ગૂંજતો હશે!

તરૂલતા મહેતા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED