Mamu Boy - 2 books and stories free download online pdf in Gujarati

મામુ બોય

મામુ બોય

ભાગ:૨

એક દિવસ મને એનો ચહેરો ઘણો દુઃખી લાગ્યો. એ સાંજે વંશ મને કહેવાં લાગ્યો, “મેડમ, હું તમને મારી પર્સનલ લાઈફ વિષે કહેવાં માગું છું.”

હું પણ એ જ દિવસની રાહ જોઈ રહી હતી કે વંશ પોતાના વિષે મને જણાવે.

એ ઘણો દુઃખી થતાં કહેવાં લાગ્યો, “અનિકા મેડમ, મારા મમ્મી પપ્પા મને કોઈ પણ જાતની છૂટ આપતાં નથી, એમ લાગે જાણે હું કોઈ જેલમાં હોઉં. તમારી લાઈફ જેવી અમારી લાઈફ નથી. તમારી લાઈફ કેટલી ફ્રી અને બિન્દાસ છે. મને મારી જિંદગીના કોઈ નિર્ણય લેવા નથી દેતાં.” એ કોઈ મગજમારીમાં પડેલો હોય તેવી રીતે કહ્યું.

હું એણે વધારે પૂછ્યું નહીં. ફક્ત એટલું જ સાંભળીને મેં એણે વાત કરતાં અટકાવ્યો અને ઝટ થી કહી દીધું, “ચાલ રેસ લગાડીએ, કોણ જીતે છે એ જોઈએ.”

એ મુંઝાયો. એ મામુ લાગતાં બોયને હું અજીબ જ લાગતી. તે પોતાના જીવનનો સિરિયસ પ્રોબ્લેમ મને કહી રહ્યો હતો અને હું એણી વાતોને એટલી લાઈટ લઈ રહી હતી કે એણે રેસ માટે આમંત્રણ આપી દીધું.

“અરે ઓ, શું વિચારે છે? જો તને સ્વત્રંત લાઈફ જોઈતી હોય તો આ દોડની રેસમાં જીતી ને બતાવ.” હું એણે જોતા કહ્યું.

એ વિચારવા લાગ્યો અને મને પહેલી વાર ઉપરથી નીચે જોતો રહ્યો. હું દેખાવે બ્યુટીફૂલ છું એટલે નહીં પરંતુ હું આ દોડની રેસમાં જીતી શકીશ કે નહીં.

દેખાવે તો હું તદ્દન માસૂમ છોકરી પણ હા બ્યુટીફૂલ ગોળાકાર ગુલાબી ચહેરો. તે સાંજે વર્કઆઉટ માટેનાં કપડા પહેર્યા હતાં. એની નજર મારા પર પડી હું એ જોતાની સાથે જ તેણે કહેવાં લાગી, “ અરે શું આંખ ફાડે છે. વધુ વિચાર કરશે તો રેસમાં ક્યારે ભાગી રહેશે, આપણે બંને દોડવીર નથી તો પણ ચાલ દોડીએ.”

મારો વળતો ઉત્તર સાંભળી એણે ડન કહ્યું. હું એણી જ સ્કૂટીને ભગાવીને એક ગ્રાઉન્ડમાં એણે લઈને પહોંચી. મેં એણે સમજાવી દીધું કે આપણે અમૂક ત્યાં સુધી ભાગવાનું રહેશે એમાં કોણ જીતે છે એ જોવાનું રહેશે. અમે બંને દોડની પોઝિશનમાં રેડી થઈ ગયા. હું એના ચહેરા ભણી જોતી રહી. એ ત્યારે ઉત્સાહિત લાગતો હતો. એનું સમગ્ર ધ્યાન ક્યારે પોતાની જીત હાંસિલ કરે તેવું દર્શાવતું હતું.

હું મોટેથી જાણે એણે ચેલેન્જ આપી રહી હોય તેવી રીતે બરાડી, “ ઓન યોર માર્ક ગેટ સેટ ગો”

પહેલા તો હું એવી ભાગી કે એના સામું જોયું પણ નહીં. પછી વળતાં જોયું, એ પાછળ હતો. પરંતુ એ જોશથી ભાગી રહ્યો હતો. તો પણ મેં દોડવાનું ચાલુ રાખ્યું. થોડી જ મિનીટોમાં મેં મારી દોડની ગતિ ધીમી કરી પરંતુ તે સાથે જ એ મારી સાથે થઈને આગળ નીકળી ગયો. મેં મારી ગતિને કોઈ વેગ આપ્યો નહીં પરંતુ જેટલું જોરથી ભાગી રહી હતી એના કરતાં પણ હું વધુ સ્લો થઈ ગઈ. એણે મેં જવા દીધો અને મનમાં અજીબ પ્રકારનો હું સંતોષ અનુભવી રહી હતી.

લાઈફની જાણે સર્વશ્રેષ્ઠ જીત હાંસિલ કરી હોય તેવી રીતે શ્વાસોશ્વાસ લેતાં થોડુંક જ સ્મિત ચહેરા પર લાવી તે મારી રાહ જોતો ઊભો હતો. હું ધીરે ધીરે દોડતી પરંતુ મને કેમ જાણે આ વખતે ઘણો થાક અનુભવતી હોય તેવું લાગવા માંડ્યું. પરંતુ તેણે ત્યાં પહોંચતા જ મેં પૂછ્યું, “કેવી લાગી જીત..?”

તેની આંખો ચમકતી હતી. પરસેવાથી રેબઝેબ થોડુંક હાંફતા તે કહેવાં લાગ્યો, “જીત નહીં દોડવાનું કેવું લાગ્યું એમ પૂછો.”

મને ખરેખરમાં એ જ તો પૂછવું હતું કે દોડીને કેવું લાગ્યું એટલે જ તો મેં રેસ લગાડવા માટે કહ્યું. એના જવાબથી મારું મન હળવું થઈ ગયું કે હું એણે જે રસ્તો દેખાડવા માંગતી હતી એ બરાબર ત્યાં જઈને હવે પહોંચી ગયો. એટલે એમ કહું તો ખોટું નહીં કે એ એના જીવનથી કંટાળવાના બદલે જિંદગીનો જે પણ પ્રોબ્લમ હોય એનો હલ કાઢી શકે. પોતાની દરેક પળને સર્વશ્રેષ્ઠ માને. કારણ હું પોતે એનાથી વંચિત રહીને ભટકતી બીજી દિશા અપનાવી લીધી જેનાથી બહાર નીકળવાની ચાહ છતાં પણ બહાર નથી નીકળાતું. એવી જ દિશા આ વંશ ન અપનાવે એવી ધારણા મેં ત્યારે એના મુરઝાયેલો ચહેરો વાંચીને ધારેલી..!!

કોન્ફીડેનથી એનો ચહેરો ચમકતો જોતાં હું પણ કહેવાં લાગી, “ હા, એ જ દોડીને કેવું લાગ્યું?”

“થેંક યૂ, થેંક યુ મેડમ. સાચું કહું જીતના માટે નહીં પરંતુ મારી લાઈફનાં અગત્યનાં નિર્ણય લેવાનું ભાન મને સમયસર આપવાં માટે. તમે એટલા માટે જ મારી સાથે રેસ લગાવી હતી એની જાણ મને અત્યાર સુધી તમારો હેલ્પ વાળો સ્વભાવ પરથી ખબર પડી કે તમે મારું હિત ઈચ્છો છો.” તે એકસાથે બોલી ગયો.

તે વિચારીને ફરી બોલ્યો, “મેડમ,પણ કેમ આવું? મારી લાઈફમાં આટલું બધું ઈન્ટરેસ્ટ??” એણે સીધો સવાલ કર્યો.

હું એના ચહેરા ભણી જોતાં કહી રહી, “બસ આમ જ.”

ત્યાં સુધીમાં સૂર્યને અસ્ત થતો અમે બંને જોઈ રહ્યાં. થાકેલા અમે બંને એક કિનારે રહેલા બેંચ પર બેસી ગયા. એણે આજે ઘણું બધું કહેવું હતું. એ આથમતાં સૂર્યના ઘેરા રંગોને જોતાં કહેવાં લાગ્યો, “મેડમ તમે મને વચ્ચે જ અટકાવી વાતોને પડતી મૂકી રેસ તો લગાવી પરંતુ હું મારી લાઈફ વિષે જણાવા માગું છું. મારી અધૂરી વાતો પૂરી કરવા માગું છું.”

હું નિરાંતનો શ્વાસ લેતાં પહેલા તો મનમાં જ કહ્યું હા વંશ હા તું આમ જ મારી સામે બેસીને ફક્ત તારી વાતો જ કહ્યાં કર અને હું આમ જ મારી લાઈફનું સુખ દુઃખ ભૂલીને તને સાંભળ્યા કરું.

એણે મારું ધ્યાન હટાવતા કહ્યું, “મેડમ..”

“હા બોલો આપણી પાસે સમય જ સમય છે.” મેં એની સામે જોઈને કહ્યું.

એ કહેવાં લાગ્યો, “મેડમ, તમે મારા ચહેરાનો રંગ તો જોયો જ છે ને? પહેલી જ મુલાકાતમાં હું કોઈને ગમી નથી જતો. એટલો બધો કાળો રંગ, અને શરીરની હાલત જોઈને કોઈ પણ કહી શકે કે આ છોકરો ધરતી પર જીવતો કેવી રીતે છે. તેમ જ, ના તો એવો કોઈ મારો પ્રભાવ.!!”

એણી આવી મજાકવાળી વાતો હું પહેલી વાર સાંભળી રહી હતી.

“સ્કૂલ દરમિયાન હું કોઈ ફ્રેન્ડ ગ્રૂપમાં હળતો મળતો નહીં. ના કોઈ મારા નજીકના મિત્રો હતાં. સાચું કહું તો મારા દેખાવ પરથી મને મામુ કહીને સ્કૂલનાં મસ્તીખોર વિદ્યાર્થી ચીડવતા. કોલેજ દરમિયાન પણ આ જ મસ્તીખોર વિદ્યાર્થીઓ હતાં જે મને એ જ નામથી પુકારતા. નામ વંશ હતું વંશ પરંતુ સમય જતા મારું આ નામ ક્યાં ગુલ થઈ ગયું હતું એના પર હું ધ્યાન આપી શક્યો નહીં અને જે પણ મને મારું નામ પૂછતા તો હું મામુ જ કહેતો. હું શા માટે મારા શરીરના દેખાવ અને રૂપરંગથી લઘુતાગ્રંથી અનુભવતો હતો!! બીજા મારી મજાક ઉડાવતા હતાં એટલે..?”

એનો ઉચાટ અકળામણ ગુસ્સો એ મારી સમક્ષ રજુ કરી રહ્યો હતો. પરંતુ એના એક એક શબ્દ મને તીર ની જેમ દિલમાં વાગતાં હતાં. કારણકે હું પણ પહેલી નજરમાં એના વિષે આવું જ તો ધાર્યું હતું, પરંતુ મેં મોઢા પર કહ્યું નહીં. પણ વાત તો એક જ હતી કે કોઈના પણ વિષે આપણે જલ્દીથી જજ કરી લેવાનું!! પણ જે હોય તે, એ એવો હતો એટલે જ મને એમાં રસ જાગ્યો હતો...

“સ્કૂલ દરમિયાન તો હું છોકરા સાથે કોઈ દોસ્તી નહીં કરતો. તો છોકરીઓ સાથેની દોસ્તી કરવી એ તો સપનામાં પણ વિચારી ન શકાય એવું હતું.” પરંતુ કોલેજના છેલ્લા વર્ષમાં, ફ્રેન્ડશીપ ડે કેમ્પસમાં ઉજવાઈ રહ્યો હતો તે દરમિયાન એક છોકરી મારી સામે આવીને મારા હાથે ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધતા કહેવાં લાગી, “ હેપ્પી ફ્રેન્ડશીપ ડે, હું તને ક્યારની જોઈ રહી છું કે તું એક ખૂણામાં ઊભા રહી બધાને નિહાળે છે પરંતુ તારા હાથના કાંડા પર તો એક પણ ફ્રેન્ડશીપ બેલ્ટ નથી.”

હું એણે જોઈને મલકાયો પરંતુ એક શબ્દ પણ ઉચ્ચારી શક્યો નહીં. એનું નામ અદિતી હતું. દેખાવે ઘહુંવર્ણ હસમુખો ચહેરો મને જાણે તાજગી આપતો હોય તેવો લાગ્યો. તે જ પળે તે મારો હાથ ખેંચીને કહેવાં લાગી, “ ચાલ અમારા ગ્રૂપમાં, ત્યાં જો અમારું ગ્રૂપ ઊભું છે.”

હું એની પાછળ શરમાતો ગયો. એમના ગર્લ્સ બોય્ઝથી ભરેલા ગ્રૂપમાં મને પણ ભેળવી દીધો. અમારી ફ્રેન્ડશીપ ગહેરી થવા લાગી. અમે કોઈ દિવસ પ્રેમનો ઈઝહાર નહીં કર્યો ફક્ત બંને મહેસૂસ કરતાં હતાં. કોલેજ પૂરી થઈ ગઈ. જોબમાં તથા નાણાકીય રીતે પગભેર થઈને હું અદિતી સાથે લગ્ન કરવાનો હતો. જોબ માટે ઈન્ટરવ્યું તો આપવા જતો પરંતુ મારી આવી બોડી જોઈને કંપની નાં પાડી દેતી. તેઓ કહેતા ફ્રેશર્સ હશે તો ચાલશે પણ પર્સનાલીટી પરફેક્ટ જોઈએ.

એવું જ અદિતીના ઘરવાળા પણ કહેતા કે અદિતી તે શું જોઈને આ છોકરાને પસંદ કર્યો. ના શરીરના ઠેકાણા ના તો જોબના ઠેકાણા. એટલું ઓછું હોય ત્યાં મારા ઘરવાળાને મારા લગ્ન માટેની કોઈ ઉતાવળ ન હતી. ના તેઓ મને કોઈ પણ વાતે સાથ આપતા. ત્યાં જ અદિતી પર પરિવારના લોકો તરફથી લગ્ન માટેનું દબાણ આવવા લાગ્યું. હું મુઝાયેલો રહેવા લાગ્યો. અદિતી મારા માટે બધું જ હતી. હું એના માટે કંઈ પણ કરવાં તૈયાર હતો. અદિતીનાં ઘરવાળાએ મને છ મહિનાની મુદ્દત આપી કે જો તું અદિતી સાથે લગ્ન કરવાં માંગતો હોય તો પહેલા પર્સનાલીટી અને જોબ મેળવ.

“મેડમ, લગ્ન તો અમે બંને કરવાના હતાં. અદિતી તો મને હરહાલમાં પસંદ કરતી હતી પરંતુ બીજા બધા કેમ વિધ્નની જેમ વચ્ચે આવતા હતાં? જોબની વાત તો હું માની શકું પરંતુ આ પર્સનાલીટી ક્યાંથી લાવાની?”

તે બધું જ એકસામટું કહીને પોતાની વ્યથા, મજબૂરી મારી સામે મૂકી રહ્યો હતો. અને હું એની વાતો સાંભળીને એક પછી એક ઝટકા મહેસૂસ કરી રહી હતી.

એ ફરી કહેવાં લાગ્યો, “એવામાં જ હું મારા અંકલ પાસેથી ઉધારના પૈસા લઈને જીમ જોઈન કર્યું કંઈક શરીરમાં જાન જેવું દેખાય એ ઈચ્છાથી. એક શેઠને મારા પર દયા આવી એણે મને દુકાનમાં હેલ્પર તરીકે રાખી દીધો. સમય બચાવવા માટે હું જીમ માટે દુકાનની સ્કૂટી વાપરતો. સારી નોકરીની શોધમાં જો હું રાહ જોતો રહું તો હું અદિતીને ખોઈ બેસું.”

આટલું કહીને એ ચૂપ રહ્યો. પછી જાણે એ ગાઢ શૂન્યમાં હોય એમ એકીટશે જોતાં કહી રહ્યો કે, “આખી દુનિયા મારી ઉપહાસના કરતી રહી પરંતુ એક મારી અદિતીએ મને સમજ્યો કે માણસનું રૂપરંગ નહીં દિલ જોવું જોઈએ.”

એક પળ માટે તો મને થોડી જલન થવા લાગી કે એ અદિતી નામની છોકરી સાથે લગ્ન કરવાં માટે આટલું બધું કરી રહ્યો હતો. પછી બીજી જ પળે મન ને શાંત કરતાં કહી રહી હતી કે વંશને મારો હમસફર હું ક્યાં બનાવા માંગતી હતી. હું તો ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે હું મારી આ નકામી આદત એકાંતપણાને ભુલાવા માટે જે શરાબ, નશો અને પાર્ટીનો સહારો લઈને જીવી રહી હતી એમાં આ વંશ નામનો ઈમાનદાર માણસ મારી મદદ કરી શકે. કેમ કે હજુ સુધી જેટલી પણ મેં સામેથી જઈને કોઈ છોકરા સાથે ફ્રેન્ડશીપ કરી છે અથવા તો કોઈ સામેથી ફ્રેન્ડશીપ કરવાં આવ્યા છે એમને હું ફક્ત સુંદરતાનું બિન્દાસ શરીર દેખાતું સાથે જ ધનવાન ઘરની બગડેલી છોકરી દેખાતી.

હું મનોમન પોતાને ઠપકો આપતા કહી રહી હતી કે, “અનિકા કેમ તારી આ કુટેવ બદલતી નથી? કેમ તું પોતાના છોડીને બીજા પર પોતાનો હક જતાવતી રહે છે..કેમ..?”

(મને કોઈ ડાયરી લખવાનો તો શોખ નથી પરંતુ ઉપરનું જે પણ મેં લખ્યું છે એ વંશની સરળતા, ભોળપણ વિષે લખ્યું છે. આટલા પેજ મેં ફક્ત મામુ બોય માટે જ લખ્યાં છે. બાકી તો ડાયરી અધૂરી રાખી છે કેમ કે હું એના લબાડપણાને મારા દિલમાં જ દબાવી રાખવા માગું છું.)

***

“ઉત્સવ!! તમે મારી ડાયરી વાંચી લીધી કે શું?” અનિકાએ પૂછ્યું.

હોસ્પિટલના બેડ પર સૂતેલી અનિકાને થોડી વાર પહેલા જ હોશ આવ્યો હતો.

ડૉ.ઉત્સવ પ્રશ્નાર્થ નજરે અનિકા સામે ઊભો હતો.

સામે ઊભેલા ડૉ.ઉત્સવના હાથમાં પકડેલી પોતાની પર્સનલ ડાયરી જોતાં અનિકા ધીમા સ્વરે કહેવાં લાગી, “ “શું થયું ઉત્સવ કંઈ પૂછવું છે?”

ડૉ. ઉત્સવ ચૂપચાપ ઊભો હતો.

ડૉ.ઉત્સવનો મુંઝવણ ભરેલો ચહેરો જોતાં અનિકાથી રહેવાયું નહીં તેણે પોતાની ભમર ઉંચી કરીને પ્રશ્નાર્થ નજરે જોયું.

“ના કંઈ નહીં. તારા મામુ બોય વિષે વાચ્યું. પણ અનિકા તે ડાયરી અધૂરી કેમ છોડી છે આગળ શું થયું એ વિષે તો લખ્યું જ નહીં.” ના બોલવા છતાં ડૉ.ઉત્સવે કહી દીધું.

અનિકાએ ટૂંકમાં પતાવા માટે ધીમે રહીને કહ્યું, “ એ તો હું તને પહેલા જ કીધું ને કે અધૂરી છે.”

ડાયરી અધૂરી વાંચ્યા બાદ ડૉ. ઉત્સવનો જીવ બેચેન થઈ ગયો હતો. એના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊપજી આવ્યા હતાં. પરંતુ અનિકાની આવી હાલત જોઈને તે કોઈ પણ પ્રશ્ન પૂછી શકે એમ ન હતો.

ત્યાં જ બીજી બાજુ અનિકાએ બસમાં ટકટક કરતો મામુ બોયની વાત ઉત્સવને થોડી ઘણી સંભળાવી હતી સાથે જ વાંચવા માટે અનિકાએ જ ડાયરી તો થમાવી દીધી હતી. પરંતુ હવે ઉત્સવના આવા અકળામણ વાળા પ્રશ્નો પૂછતા તેણે પોતાને જ અફસોસ થવા લાગ્યો કે ડાયરી કેમ આપી વાંચવા..!!

ડૉ. ઉત્સવનો વ્યાકુળ ભરેલો ચહેરો જોતાં અનિકાએ કહી દીધું, “ઓહ્હ ઉત્સવ હજુ વંશની આખી કહાની ક્યાં પૂરી કરી છે ડાયરીમાં, તમે એનું ભોળપણ વાંચી લીધું હશે પણ એનું લબાડપણું......!!” અનિકા આટલું કહીને અટકી ગઈ. તે ખુબ જ થાકેલી દેખાતી હતી.

“અનિકા હમણાં રહેવાં દો. તને આરામની જરૂરત છે.” ડૉ.ઉત્સવ બેડની સામે રાખેલી ચેર પર બેસતા કહ્યું.

અનિકા હતાશાભરી નજરોથી વિચારવા લાગી કે શું હું ઉત્સવને કહી દઉં કે એ મામુ લાગતો બોય મને મામુ બનાવીને મોટી રકમ પડાવીને નાસી છુટ્યો હતો..!!

(ક્રમશઃ..)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED