Sandhya books and stories free download online pdf in Gujarati

સંધ્યા

સંધ્યા

સ્વપ્ન કે હકીકત

શહેરના મોટા રસ્તાઓ જ્યાં પુરા થતા અને જ્યાંથી નાની નાની ગલીઓ શરૂ થતી, નદીઓ સાથે જ્યાં ગટરના નાળાઓ મળતા, ત્યાં એક બાળક રહેતો હતો. નામ એનું રોહન. જેમ કે, નામથી તો તે અમર હતો, બસ કામથી તે કોઈ પણ કામ કરી લેતો. ખબર નહિ તેના માતા-પિતાએ ક્યાં શોખથી એ નામ રાખ્યું હશે પણ તે છોટું કરતા તો વિશેષ જ હતો.

માતા-પિતા તેની ચિંતા કરે, આસ-પડોસના લોકો દેખાવ પુરતી ચિંતા કરે, કે આ કરશે શું ?

અને ખરેખર હતો પણ તે તેવો જ અડગંબ-બગડંબ.

તેને ભણવામાં જરાય રસ નહિ, રમવામાં પણ રસ નહિ, એકલહુડો.

તેને એકની જ ચિંતા પોતાના પાપી પેટની ભૂખની.

પેટ માટે તે ગમે એ કામ કરતો.

શહેરના મોટા રસ્તાઓ પર થઇને, તે શહેર જતો, હોટલમાં ક્યારેક વેઈટર તરીકે કામ કરે તો ક્યારેક વાસણ સાફ કરવાનું. ક્યારેક ચા વેચવાનું તો ક્યારેક કપ-રકાબી ધોવાનું.

એને ક્યારેય કોઈએ હસતો જોયો નહિ, હા, તે હસી લેતો, કોઈ સામે જોઈ હસે તો હસી લેતો, પણ તે હસવું માત્ર હસવું જ હતું, સામેના માણસને ખોટું ન લાગે એટલે.

તે ભૂખ લાગે એટલે જમી લેતો, નિંદર આવે એટલે સુઈ જતો, નિંદર ઉડે એટલે ઉઠી જતો.

રોહન તો રોહન હતો. તેને સ્વપ્નાઓ આવતા પણ તે માનતો કે સ્વપ્નાઓ તો આવે, આંખ બંધ હોય એટલે. આંખ ખુલે એટલે ઉડી જાય.

ફરી તે પોતાની ધૂનમાં લાગી જતો.

એના માટે કોઈ સુખ નહોતું અને કોઈ દુઃખની અનુભૂતિ નહોતી. એને જીવન શું છે એ સમજાતું જ નહિ, ભૂખ અને નિંદર સિવાય એના માટે કોઈ જિંદગી જ નહોતી. કોઈ સ્વપ્નો નહિ, કોઈ દુઃખ નહિ અને કોઈ સુખ પણ નહિ. બીજું બધું તો ઠીક પણ એને કોઈ પ્રશ્નો પણ નહોતા, ન પોતા વિશે ન બીજા વિશે.

એક દિવસ સવારે તે પોતાની પથારીમાંથી ઉઠી, પોતાની ગલીઓને પસાર કરી મોટા રસ્તા પર આવ્યો.

તેને જોયું કે, આજે કોઈ નવા રસ્તા પર જઈએ, એમ જ અમસ્તા. આજે તે પોતાની ભૂખથી પણ કંટાળી ગયો હતો. રોજ રોજ પેટનો ખાડો જ પૂરવાનો ?

એના શૂન્ય મને તેને કોઈ રાહ તો ન આપી પણ તે શહેરની વિરુદ્ધ દિશામાં જવા લાગ્યો.

પાકા રસ્તાઓ પુરા થયા, ખાડા-ખબડા વાળા મોટા રસ્તાઓ પણ પુરા થયા, પગદંડીઓ પણ આખરે પૂરી થઇ.

સૂરજ પોતાના મીજાજમાં આવી તપતો હતો અને ભલભલાને પીગળાવતો હતો. તો આ નાના રોહનનું શું ગજું.

આખરે તે પણ થાક્યો. તેને પણ જોરથી તરસ લાગી, ખુબ જ ભૂખ લાગી. એણે નજર દોડાવી, દૂર એને એક ખેતર દેખાયું અને લીલોતરી પણ.

રોહન તે તરફ ચાલ્યો અને પહોંચી ગયો.

એણે ખેતરના કુંડમાંથી પાણી પીધું અને તેને શાંતિ થઈ.

વૃક્ષો પર ચડી ચડી તેણે જે હાથમાં આવ્યું તે ખાઈ લીધું. વડના ટેટા, જામફળ અને બીજું ઘણું બધું. જે ભાવ્યું તે આરોગ્યું.

આખરે તે નીચે આવી, વૃક્ષની ઘટાદાર છાયામાં અને ઠંડા પવનમાં પોતાના હાથનું ઓશીકું બનાવી સુઈ ગયો.

તેને પળવારમાં જ ઊંઘ આવી ગઈ, ઘસઘસાટ.

એ દિવસે તેને એક સપનું આવ્યું.

સ્વપ્નમાં તે એક નિર્જન ગુફામાં બેસી ગુફાઓના પથ્થરોને જોતો હતો અને તેમાં નીતનવા ચિત્રોને દોરવાની કોશિશ કરતો હતો, પણ પથ્થર એવો હતો કે તેમાં કોઈ ચિત્ર જ નહોતું આવી શકતું.

તેમની બધી જ મહેનત વ્યર્થ.

આખરે તે બહાર આવે છે અને એમ જ એક પથ્થર પછી બીજો પથ્થર લઇ આમ તેમ ઉછાળવા લાગ્યો.

તેવામાં કોઈ એક દિશાએથી “ઓહ, આ પથ્થર કોણ મારે ?” અવાજ આવ્યો.

રોહન તે તરફ જોઈ જ રહ્યો.

તેની સામે એક સુંદર, શ્યામ પણ મોહક, આસમાની કલરના કપડાઓ પહેરેલી અને દર્દની પીડાથી મૂરજાયેલી બાળા પ્રગટ થઇ.

રોહન તો તેને આભો બનીને જોઈ જ રહ્યો.

તે બાળાએ કહ્યું, “આમ ગાંડાની જેમ પથ્થર ફેંકાય ? કોઈને વાગી જાય તો, જો મને વાગ્યું !”

તેને પોતાના હાથને બતાવ્યો. જેમાં લાલ ચકામાં થઇ ગયો હતો તે તેણે જોયું.

રોહન શું બોલે ?

“તમે અહી ક્યાંથી ? હું તો આ જંગલમાં એકલો જ હતો.... “

એણે કહ્યું. “પાગલ, જંગલ તો જંગલ છે, તેમાં કોઈ એકલું હોતું હશે !”

તે ખુબ જ નજીક આવી, તેણે રોહનનો હાથ થામ્યો અને આંખો બંધ કરી.

રોહનને સ્પર્શનો અહેસાસ થયો. તે જાણે સજીવન થયો હોય તેમ તેને લાગ્યું. તે આકાશ તરફ જોવા લાગ્યો. વૃક્ષોના પાંદડાઓમાંથી પણ તેને આકાશ સુંદર લાગ્યું, તેણે પવનનાં સુસવાટાનો અવાજ સાંભળ્યો, તેને એમ થયું કે મારા કાનમાં કોઈ કંઇક કહે છે. પાંદડાઓનો અવાજ જાણે કોઈ સંગીત છે અને ખળખળ વહેતા ઝરણાનો રવ કોઈ સુંદર કન્યાનું મોહક હાસ્ય. પહાડોના રહસ્યો અને સૌન્દર્ય જાણે કુદરતની લીલા અને પક્ષીઓનો કલરવ કુદરતનું ગીત....

રોહને થોડીવાર આંખો બંધ કરી. એ બાળાએ તેનો હાથ મૂકી સામે બેસી ગઈ.

રોહને આંખો ખોલીને જોયું તો તે બાળા હસતી હતી, તેના હાસ્યમાં અદ્દભૂત મોહકતા અને નિખાલસતા હતા. તે તેને જોઈ જ રહ્યો.

તે બાળાએ કહ્યું, “બુધ્ધુ, જિંદગી કંઈ પેટ ભરવા માટે થોડી છે, ઉઠ અને સાંભળ તારા દિલના અવાજને. આ શૂન્ય આકાશ પણ અનેક રંગોથી સજી શકે. જો મારી નજરથી.... “

અને રોહનથી હવે ન રહેવાયું તે પૂછી બેઠો “તું કોણ છે ? અને અહીં ...”

એ બાળાએ પોતાની પીઠ પાછળથી પતંગિયા માફક પાંખ પસારી, “હું પરી, આજે જંગલમાં આવી હતી પણ તે મને ઘાયલ કરી. તે કંઈ કહ્યું નહિ તો મેં જાણી લીધું કે તું શું ઈચ્છે છે. બસ, મેં તો તારી વાત જ જાણી ખાલી. પણ હવે હું જાઉં, વધુ રોકાઈશ તો બધા મને વઢશે હો.”

એણે એક મોહક અને નિખાલસ સ્મિત આપી અલવિદા કહ્યું. રોહન તેને રોકવા ઊભો થઇ ગયો પણ તે સુંદર મોહક પરી હસતા હસતા ચાલી ગઈ આકાશ તરફ.

રોહનની આંખો ખુલી ગઈ, તે પોતાના હાથ દ્વારા કોઈને થામવા તડપવા લાગ્યો, પહેલી વાર તેને કોઈ પાસે હોય, સાથે હોય એવો અહેસાસ થયો.

આંખો ચોળી તે ઊભો થઇ ગયો અને આસપાસ નજર દોડાવી, ઝાડના થડને અઢેલીને કોઈ બાળા સાવ સાદા વસ્ત્રોમાં સજ્જ, પ્રશ્નાર્થ નજરોથી રોહનને જોઈ રહી હતી. રોહન હજુ પણ પેલી પરીના સ્વપ્નમાંથી બહાર નહોતો આવી શક્યો ત્યાં આ શું ?

તે ધીરે ધીરે પેલી બાળા પાસે જવા લાગ્યો, પેલી બાળા થોડા ગુસ્સામાં તો થોડા આશ્વર્યમાં તેની તરફ જોઈ રહી ...

તે બાળાએ કહ્યું, “કોણ છે તું ? અહી ક્યાંથી ? ભૂલો પડ્યો કે છું ?”

રોહન તેને અડકવા જ જઈ રહ્યો હતો ત્યાં આ પ્રશ્નોથી તે આસમાનમાંથી ફરી જમીન પર આવી ગયો. તે થોડો ગભરાયો સ્તબ્ધ બની જોઈ રહ્યો.

“મેં કહ્યું કે, તું કોણ છે ?”

“ર...ર.… રોહન.... ? પેલા શહેરમાંથી ...” તેને આંગળી ચિંધીને બતાવ્યું.

“ભાગીને આવ્યો છે ?... લે ...” અને તે ખડખડાટ હસવા લાગી. “ચાલ...” કહી તે તેનો હાથ પકડી પોતાના ઘર તરફ લઇ ગઈ.

બપોરનો ઢળતો સમય હતો, તેના હાથમાં એક ઉષ્મા હતી, જાણે તેને કોઈ આ પૃથ્વી પર સાથી મળી ગયું હોય એની અનુભૂતિ. તેના હૃદયના ધબકારા તેને સંભળાવા લાગ્યા હતા, તેને પોતાના શ્વાસની ગતિનો અનુભવ થવા લાગ્યો હતો, તેની આંખો આજે અજીબ પ્રકારનું સૌંદર્ય અનુભવ કરતી હતી.

“તારું નામ શું ?” રોહન ઘી વાળો રોટલો ખાતા ખાતા કહ્યું.

“માં ને બાપુ તો નાનકી નાનકી કેય અને નામ બગાડે પણ સ્કૂલમાં મને સંધ્યા કહી બોલાવે...” અને તે હસવા લાગી.

“મારા નામ તો કેટલાય બદલાયા ... ક્યારેક કોઈ છોટું કહે, તો કોઈ રાજુ, કોઈ એય.... કહી બોલાવે તો કોઈ શી...સ.. કહી બોલાવે.” અને બંને ખડખડાટ હસવા લાગ્યા.

આખરે સાંજ પડી, સંધ્યા ખીલી એ સાથે જ સંધ્યાના ચેહરા પર પણ એક ચમક આવી. બંનેએ કેટલીયે વાતો કરી, શહેરની અને ગામડાગામની. બંને ખુબ હસ્યા.

“લે હવે, તારે ઘરે નથી જવું ? જો હમણાં એક બસ આવશે શહેર તરફ જવાની, તું તેમાં બેસી જા, ઘરે ચિંતા કરતા હશે.”

રોહનના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા. આખરે એને એ જગ્યા પર ફરી જવાનું જ્યાંથી તે આજે જ નીકળ્યો હતો અને ખૂદને મળ્યો હતો.

સંધ્યાએ હસતા હસતા કહ્યું, “તારા બા-બાપુજી પણ ચિંતા કરતા હશે. જો જે. આ દુનિયા તો આપણી છે, પણ તેની દુનિયા આપણે છીએ.”

બસ આવી. રોહન મન ન હોવા છતાં બેઠો. બસની બારીમાંથી રોહન સંધ્યાને જોઈ જ રહ્યો, સંધ્યાના રંગો વિલાઈ ગયા ત્યાં સુધી. તેને સ્વપ્નપરી અને સંધ્યામાં કંઈ જ અલગ ન લાગ્યું. આજે તેને સ્વપ્નું પણ સાચું લાગ્યું અને સ્વપ્નની પરી જાણે તેને મળી ગઈ હોય તેનો આનંદ પણ આંસુ બની વહી રહ્યો.

બસ જેમ આગળ વધતી જતી તેમ તેમ તારાઓ અંધકારમાં સામ્રાજ્ય સ્થાપતા જતા હતા, રોહન અંધકારમાં તારાઓ માફક ચમકવા લાગ્યો હતો અને એક નવું જીવન પામી પોતાના જીવનમાં જઈ રહ્યો હતો, નવા અહેસાસથી ભર્યો ભર્યો.

  • ‘નવ્યાદર્શ’
  • બીજા રસપ્રદ વિકલ્પો